સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ મરણની આગલી સાંજે દાતાઓ વિશે જણાવ્યું હતું. તેઓ કોણ હતા? તેઓને શા માટે એ ખિતાબ આપવામાં આવ્યો?

મરણની આગલી સાંજે ઈસુએ પ્રેરિતોને ઠપકો આપ્યો હતો. ઈસુએ તેઓને જણાવ્યું કે તેઓએ બીજાઓ કરતાં પોતાને ચઢિયાતા ન ગણવા જોઈએ. તેમણે કહ્યું, “દુનિયાના રાજાઓ પ્રજાઓ પર હુકમ ચલાવે છે અને પ્રજાઓ પર જેઓને અધિકાર છે, તેઓ દાતા કહેવાય છે. તેમ છતાં, તમારે એવા ન થવું.”—લુક ૨૨:૨૫, ૨૬.

એ દાતાઓ કોણ હતા? શિલાલેખ, સિક્કા અને લખાણોથી જાણવા મળ્યું છે કે, ગ્રીક અને રોમન સમાજમાં એક રિવાજ હતો. એ રિવાજ પ્રમાણે પ્રખ્યાત પુરુષો અને શાસકોને માન આપવા માટે “દાતા” (યુઅરજીત્સ) ખિતાબ આપવામાં આવતો હતો. તેઓએ સમાજ સેવા કરી હોવાથી તેઓને એ માન આપવામાં આવતું.

ઘણા રાજાઓ દાતાનો ખિતાબ ધરાવતા હતા. જેમ કે, ઇજિપ્તના શાસકો ટોલેમી ત્રીજો (આશરે ઈ.સ. પૂર્વે ૨૪૭-૨૨૨) અને ટોલેમી આઠમો (આશરે ઈ.સ. પૂર્વે ૧૪૭-૧૧૭). રોમન શાસકો જુલીયસ સીઝર (ઈ.સ. પૂર્વે ૪૮-૪૪) અને ઑગસ્તસ (ઈ.સ. પૂર્વે ૩૧-ઈ.સ. ૧૪) તથા યહુદાનો રાજા મહાન હેરોદ. હેરોદે દુકાળ વખતે પોતાના લોકો માટે બહારથી ઘઉં મંગાવ્યા. એવા લોકોને કપડાં આપ્યાં, જેઓને જરૂર હતી. એટલે, તેને એ ખિતાબ મળ્યો હશે.

જર્મન બાઇબલ વિદ્વાન એડોલ્ફ ડાઇસ્મેન જણાવે છે કે આવા ખિતાબો આપવા એ વખતે સામાન્ય હતું. તેમણે કહ્યું: ‘જો એ શોધવા જઈએ તો થોડા સમયમાં એવા ઘણા શિલાલેખો મળી આવશે.’

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, “તમારે એવા ન થવું.” ઈસુ શું કહેવા માંગતા હતા? શું ઈસુ તેઓને એમ કહી રહ્યા હતા કે તેઓએ લોકોનું ભલું ન કરવું જોઈએ? ના, જરાય નહિ. બીજાઓનું ભલું કયા ઇરાદાથી કરવામાં આવે છે, એ વિશે ઈસુ પોતાના શિષ્યોને સમજાવવા માંગતા હતા.

ઈસુના દિવસોમાં કેટલાક પૈસાદાર લોકો બીજાઓ પાસેથી વાહ-વાહ મેળવવા માંગતા હતા. તેઓ મનોરંજન અને રમતગમતના કાર્યક્રમો ગોઠવતા, બગીચા તથા મંદિરો બનાવતા અને એવા ઘણા કાર્યક્રમોમાં મદદ કરતા. જોકે, એ બધું કરવાનો હેતુ પ્રશંસા મેળવવાનો, પ્રખ્યાત થવાનો અને લોકોના મત મેળવવાનો હતો. એક પુસ્તક જણાવે છે: ‘દાન આપનારાઓએ ઉદારતા બતાવી હોય એવા ઘણા દાખલાઓ છે. પણ મોટા ભાગે રાજકારણમાં ફાયદો મેળવવા એમ કરવામાં આવતું હતું.’ ઈસુએ શિષ્યોને અરજ કરી કે પોતાને ચઢિયાતા ન ગણે અને પોતાનો જ ફાયદો જોવાનું વલણ ટાળે.

અમુક વર્ષો પછી પ્રેરિત પાઊલે પણ એ જ વાત સમજાવી. તેમણે ઉદારતા બતાવવાના ખરા કારણ પર ભાર મૂક્યો. તેમણે કોરીંથનાં ભાઈ-બહેનોને લખ્યું: “દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું; કચવાતા દિલે નહિ અથવા ફરજને લીધે નહિ, કેમ કે રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.”—૨ કોરીં. ૯:૭.