સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૮

‘તમે જે કામ શરૂ કર્યું, એ કામ પૂરું કરો’

‘તમે જે કામ શરૂ કર્યું, એ કામ પૂરું કરો’

‘તમે જે કામ શરૂ કર્યું, એ કામ પૂરું કરો.’—૨ કોરીં. ૮:૧૧.

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

ઝલક *

૧. યહોવાએ આપણને કઈ છૂટ આપી છે?

યહોવાએ આપણને જીવનમાં નિર્ણયો લેવાની છૂટ આપી છે. સારા નિર્ણયો કઈ રીતે લેવા એ યહોવા આપણને શીખવે છે. તેમને ખુશી મળે એવા નિર્ણયો લઈએ છીએ ત્યારે, યહોવા સફળ થવા મદદ કરે છે. (ગીત. ૧૧૯:૧૭૩) બાઇબલમાં આપેલી સલાહ લાગુ પાડીશું તો આપણે સારા નિર્ણયો લઈ શકીશું.—હિબ્રૂ. ૫:૧૪.

૨. નિર્ણય લીધા પછી શું કરવું અઘરું લાગી શકે?

સારા નિર્ણયો લીધા પછી એ પ્રમાણે કરવાનું શરૂ તો કરીએ છીએ. પણ એ કામ પૂરું કરવું કદાચ આપણને અઘરું લાગે. ચાલો અમુક દાખલા જોઈએ. એક યુવાન ભાઈ આખું બાઇબલ વાંચવાનું નક્કી કરે છે. તે અમુક અઠવાડિયા સુધી એમ કરે છે, પણ પછી વાંચવાનું બંધ કરી દે છે. એક બહેન નિયમિત પાયોનિયર બનવાનું નક્કી તો કરે છે. પણ એ શરૂ કરવાની તારીખ પાછળ ઠેલવ્યા કરે છે. વડીલોનું જૂથ સાથે મળીને નક્કી કરે છે કે ભાઈ-બહેનોને ઉત્તેજન આપવામાં વધારે સમય વિતાવશે. એ વાતને ઘણા મહિનાઓ વીતી ગયા પછી પણ એ કામ શરૂ થયું નથી. ઉપર જોઈ ગયા એ ત્રણેય સંજોગો અલગ અલગ છે, પણ એમાં એક વાત સરખી છે. જે નિર્ણયો લેવામાં આવ્યા, એ પૂરા કરવામાં આવ્યા નહિ. પહેલી સદીમાં કોરીંથ મંડળનાં ભાઈ-બહેનોએ પણ એવા જ પડકારનો સામનો કર્યો હતો. ચાલો જોઈએ કે એમાંથી આપણે શું શીખી શકીએ.

૩. કોરીંથનાં ભાઈ-બહેનોએ કયો નિર્ણય લીધો હતો? પણ પછી શું થયું?

આશરે સાલ ૫૫માં કોરીંથનાં ભાઈ-બહેનોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો. તેઓને જાણવા મળ્યું કે યરૂશાલેમ અને યહુદિયાનાં ભાઈ-બહેનો ઘણી તકલીફો અને ગરીબીનો સામનો કરી રહ્યાં છે. એ પણ જાણવા મળ્યું કે બીજાં મંડળો તેઓને મદદ કરવા પૈસા ભેગા કરી રહ્યાં છે. કોરીંથનાં ભાઈ-બહેનો દયાળુ અને ઉદાર હતાં. એટલે તેઓએ યરૂશાલેમ અને યહુદિયાનાં ભાઈ-બહેનોને મદદ કરવાનું નક્કી કર્યું. એ વિશે તેઓએ પ્રેરિત પાઊલને પૂછ્યું. એ માટે પાઊલે અમુક સૂચનો આપ્યાં. પ્રેરિત પાઊલે તિતસને દાન ભેગું કરવાનું કામ સોંપ્યું. (૧ કોરીં. ૧૬:૧; ૨ કોરીં. ૮:૬) અમુક મહિના પછી પાઊલને ખબર પડી કે કોરીંથીઓએ હજુ દાન આપ્યું નથી. યરૂશાલેમ મોકલવા બીજાં મંડળોનાં દાન તૈયાર હતાં. જ્યારે કે કોરીંથીઓનાં દાન તૈયાર ન હતાં.—૨ કોરીં. ૯:૪, ૫.

૪. બીજો કોરીંથીઓ ૮:૭, ૧૦, ૧૧માં જણાવ્યા પ્રમાણે પાઊલે કોરીંથનાં ભાઈ-બહેનોને કયું ઉત્તેજન આપ્યું હતું?

કોરીંથનાં ભાઈ-બહેનોએ સારો નિર્ણય લીધો હતો. તેઓએ અડગ શ્રદ્ધા બતાવી અને તેઓ ઉદારતાથી દાન આપવા માંગતા હતા, એટલે પાઊલે તેઓના વખાણ કર્યા. પણ તેઓએ જે કામ શરૂ કર્યું, એ પૂરું કરવા પાઊલે તેઓને ઉત્તેજન આપવાની જરૂર પડી. (૨ કોરીંથીઓ ૮:૭, ૧૦, ૧૧ વાંચો.) એ દાખલામાંથી શીખવા મળે છે કે નિર્ણય પ્રમાણે પગલાં ભરવાં વફાદાર ઈશ્વરભક્તો માટે પણ અઘરું હોય શકે.

૫. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

કોરીંથનાં ભાઈ-બહેનોની જેમ, આપણને પણ નિર્ણયો પ્રમાણે કરવું અઘરું લાગી શકે. આપણે માટીના માણસ છીએ, એટલે લીધેલા નિર્ણયો પ્રમાણે કરવામાં ઢીલા પડીએ. કે પછી અચાનક એવું કંઈક થાય, જેના લીધે નિર્ણયો પ્રમાણે કરવું અઘરું થઈ જાય. (સભા. ૯:૧૧; રોમ. ૭:૧૮) અગાઉ લીધેલા નિર્ણય પર ફરી વિચાર કરવા અને એ નિર્ણય બદલવો કે નહિ એ નક્કી કરવા શું કરી શકીએ? જે કામ હાથમાં લીધું હોય એ પાર પાડવા આપણે શું કરી શકીએ?

નિર્ણય લેતા પહેલાં શું કરીશું?

૬. શા માટે નિર્ણયોમાં ફેરફાર કરવાની જરૂર પડે?

અમુક નિર્ણયો ખૂબ મહત્ત્વના હોય છે, એ આપણે ક્યારેય બદલવા ન જોઈએ. જેમ કે, યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય અને લગ્‍નસાથીને વફાદાર રહેવાનો નિર્ણય. (માથ. ૧૬:૨૪; ૧૯:૬) પણ અમુક નિર્ણયો કદાચ બદલવા પડે. શા માટે? કારણ કે સંજોગો બદલાય શકે છે. સારા નિર્ણયો લેવા આપણને ક્યાંથી મદદ મળી શકે?

૭. આપણે શાના માટે પ્રાર્થના કરવી જોઈએ? શા માટે?

ડહાપણ માટે પ્રાર્થના કરીએ. યહોવાએ યાકૂબને આ શબ્દો લખવાની પ્રેરણા આપી: ‘તમારામાંથી કોઈનામાં ડહાપણની કમી હોય તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું, કારણ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે.’ (યાકૂ. ૧:૫) અમુક હદે આપણા બધામાં “ડહાપણની કમી” હોય છે. નિર્ણયો લઈએ ત્યારે અને એ બદલવાનું વિચારીએ ત્યારે યહોવા પાસે મદદ માંગીએ. યહોવા તમને સારા નિર્ણયો લેવા મદદ કરશે.

૮. નિર્ણય લેતા પહેલાં આપણે શું કરવું જોઈએ?

સંશોધન કરીએ. બાઇબલમાંથી શોધખોળ કરીએ. સંગઠને આપેલાં સાહિત્ય વાંચીએ. એવા લોકો સાથે વાત કરીએ, જેઓ સારી સલાહ આપી શકે. (નીતિ. ૨૦:૧૮) અમુક નિર્ણયો લેતા પહેલાં સંશોધન કરવું ખૂબ જરૂરી છે. જેમ કે, નોકરી બદલવી, બીજી જગ્યાએ રહેવા જવું, ગુજરાન ચલાવવા અને યહોવાની સેવા કરતા રહેવા મદદ કરે એવું ભણતર પસંદ કરવું.

૯. આપણે પ્રમાણિક રહીશું તો શું થશે?

આપણા ઇરાદાઓ તપાસીએ. આપણે કયા ઇરાદાથી નિર્ણય લીધો, એના પર યહોવા ધ્યાન આપે છે. (નીતિ. ૧૬:૨) આપણે બધી બાબતોમાં પ્રમાણિક રહીએ એવું તે ચાહે છે. એ નિર્ણય પાછળ આપણો ઇરાદો શું છે એ વિશે પ્રમાણિક રહીએ. બીજાઓને પણ આપણા ઇરાદા વિશે પ્રમાણિકતાથી જણાવીએ. જો આપણે પૂરેપૂરી રીતે પ્રમાણિક નહિ હોઈએ, તો નિર્ણયો પ્રમાણે પગલાં ભરવાં અઘરું લાગશે. દાખલા તરીકે, એક યુવાન ભાઈ નિયમિત પાયોનિયર બનવાનું નક્કી કરે છે. થોડા સમય પછી પ્રચારના કલાકો પૂરા કરવા ભાઈને અઘરું લાગે છે. ખુશખબરના કામમાં હવે તેને પહેલાં જેટલી ખુશી મળતી નથી. તેણે વિચાર્યું હશે કે યહોવાને ખુશ કરવા તે પાયોનિયર સેવા કરી રહ્યો છે. પણ હકીકતમાં તો તે માતાપિતા કે પછી બીજા કોઈને ખુશ કરવા એમ કરતો હતો.

૧૦. ફેરફારો કરવા શાનાથી મદદ મળી શકે?

૧૦ ચાલો એક બાઇબલ વિદ્યાર્થીનો વિચાર કરીએ. તેણે નક્કી કર્યું કે સિગારેટ છોડી દેશે. શરૂઆતમાં એક-બે અઠવાડિયા અઘરું લાગ્યું તોપણ સિગારેટથી તે દૂર રહ્યો. પણ ફરીથી તે એ લતે ચઢી ગયો. આખરે સિગારેટ છોડવામાં તે સફળ થયો. તે દિલથી યહોવાને પ્રેમ કરતો હતો અને તેમને ખુશ કરવા માંગતો હતો. એટલે તે એ લત છોડી શક્યો.—કોલો. ૧:૧૦; ૩:૨૩.

૧૧. શા માટે અગાઉથી ધ્યેયો નક્કી કરવા જોઈએ?

૧૧ ધ્યેયો નક્કી કરીએ. અગાઉથી ધ્યેયો નક્કી કર્યા હશે તો, એ પૂરા કરવા સહેલું થઈ જશે. દાખલા તરીકે, તમે ઘણી વાર બાઇબલ વાંચવાનું નક્કી કર્યું હશે. પણ જો તમે એ માટે યોજના નહિ બનાવો, તો તમે જે ધાર્યું છે એ પૂરું નહિ કરી શકો. * અથવા મંડળના વડીલોએ ઘણી વાર વિચાર્યું હશે કે, તેઓ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા મુલાકાત લેશે. પણ થોડા સમય પછી જોવા મળે કે નક્કી કર્યા પ્રમાણે કંઈ થઈ રહ્યું નથી. તેઓ આવા સવાલો પર વિચાર કરી શકે: શું અમે એવાં ભાઈ-બહેનોનું લિસ્ટ બનાવ્યું છે, જેઓને મુલાકાતની જરૂર છે? શું અમે ભાઈ-બહેનોની મુલાકાત માટે અગાઉથી સમય બાજુ પર રાખ્યો છે?

૧૨. આપણે શું કરવું જોઈએ? શા માટે?

૧૨ વધુ પડતી અપેક્ષા ન રાખીએ. આપણને ઘણું બધું કરવું હોય છે. પણ એ માટે આપણી પાસે એટલાં સમય-શક્તિ કે જરૂરી સાધનો હોતાં નથી. એટલે શું કરવું જોઈએ? વાજબી બનીએ અને વધુ પડતી અપેક્ષા ન રાખીએ. આપણને લાગે કે એ નિર્ણય સુધી પહોંચવું અઘરું છે તો એ બદલવા તૈયાર રહીએ. (સભા. ૩:૬) ધારો કે, તમે તમારા નિર્ણય પર ફરી વિચાર કરો છો. એમાં જરૂરી ફેરફારો કરો છો. તમને લાગે છે કે હવે તમે એ પ્રમાણે કરી શકશો. પછી તમે એ કામ શરૂ કરો છો. ચાલો પાંચ પગલાંની ચર્ચા કરીએ, જેનાથી તમને મદદ મળશે.

નિર્ણય પ્રમાણે કરવા મદદ કરે એવાં પગલાં

૧૩. નિર્ણય પ્રમાણે કરવા તમને ક્યાંથી બળ મળી શકે?

૧૩ કામ કરવા શક્તિ મળે માટે પ્રાર્થના કરીએ. ઈશ્વર તમને “કામ પૂરું કરવાનું બળ” આપી શકે છે, જેનાથી તમે તમારા નિર્ણય પ્રમાણે કરી શકશો. (ફિલિ. ૨:૧૩) યહોવા પાસે પવિત્ર શક્તિ માંગો, જેથી તમને જરૂરી બળ પૂરું પાડે. તમને લાગે કે હજુ તમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો નથી, તોપણ પ્રાર્થના કરતા રહો. ઈસુએ કહ્યું હતું: “માંગતા રહો અને તમને એ [પવિત્ર શક્તિ] આપવામાં આવશે.”—લુક ૧૧:૯, ૧૩.

૧૪. લુક ૧૪:૨૮ની સલાહથી નિર્ણય પ્રમાણે કરવા તમને કેવી મદદ મળી?

૧૪ યોજના બનાવીએ. (લુક ૧૪:૨૮ વાંચો.) જે કામ ઉપાડ્યું હોય એને પાર પાડવા યોજના બનાવવી જોઈએ. પછી એ પ્રમાણે કરવું જોઈએ. તમે નિર્ણય લો ત્યારે એ પૂરો કરવા જે જરૂરી પગલાં ભરવાં પડે, એનું લિસ્ટ બનાવો. જ્યારે કોઈ મોટું કામ કરવાનું હોય, તો એને નાના નાના ભાગમાં વહેંચી દો. એ નાના કામ કરતા જશો તેમ તમને ખબર પડશે કે કેટલું કામ પૂરું થયું છે. પાઊલે કોરીંથીઓને કહ્યું હતું કે દાન માટે પૈસા ભેગા કરવા તેમની રાહ ન જુએ. એના બદલે, “અઠવાડિયાના પહેલા દિવસે” દાન માટે પૈસા બાજુ પર મૂકી રાખે. (૧ કોરીં. ૧૬:૨) મોટા કામને નાના નાના કામમાં વહેંચી દેવાથી બીજો પણ એક ફાયદો થાય છે. તમને એવો વિચાર નહિ આવે કે તમે એ પૂરું નહિ કરી શકો.

૧૫. યોજના બનાવ્યા પછી શું કરી શકાય?

૧૫ તમે બનાવેલી યોજના લખી લેશો તો એ પ્રમાણે કરવું સહેલું થઈ જશે. (૧ કોરીં. ૧૪:૪૦) દાખલા તરીકે, વડીલોના જૂથને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે, જે પણ નિર્ણય લે એની નોંધ રાખે. એ કામ એક વડીલને સોંપવામાં આવે છે. એ વડીલ આવી બાબતોની નોંધ રાખે છે: કોણ એ કામ કરશે અને ક્યાં સુધી એ કામ પૂરું થવું જોઈએ. વડીલો આવું લિસ્ટ બનાવશે તો નક્કી કરેલાં કામ સહેલાઈથી પૂરા થશે. (૧ કોરીં. ૯:૨૬) રોજબરોજના જીવનમાં પણ એવું જ કરો. દાખલા તરીકે, રોજના કામોનું લિસ્ટ બનાવી શકો. જે કામ સૌથી મહત્ત્વનાં છે, એને પહેલા લખો. એમ કરશો તો તમે જે કામ શરૂ કર્યું હતું એ પૂરું કરવું સહેલું થઈ જશે. એટલું જ નહિ, તમે થોડા સમયમાં ઘણું કરી શકશો.

૧૬. કામ પૂરું થાય માટે શું કરવું જોઈએ? એ માટે રોમનો ૧૨:૧૧માંથી કઈ મદદ મળી શકે?

૧૬ સખત મહેનત કરીએ. યોજના પ્રમાણે કરવા અને જે શરૂ કર્યું એને પૂરું કરવા મહેનતની જરૂર છે. (રોમનો ૧૨:૧૧ વાંચો.) પાઊલે તિમોથીને કહ્યું હતું કે સારા શિક્ષક બનવા માટે શિક્ષણ પર “ધ્યાન આપતો રહેજે” અને એને ‘વળગી રહેજે.’ ભક્તિને લગતા બીજા ધ્યેયોમાં પણ પાઊલની એ સલાહ લાગુ પડે છે.—૧ તિમો. ૪:૧૩, ૧૬.

૧૭. કામ પૂરું કરવા એફેસીઓ ૫:૧૫, ૧૬માંથી કઈ મદદ મળી શકે?

૧૭ કયા કામમાં કેટલો સમય આપીશું એ નક્કી કરીએ. (એફેસીઓ ૫:૧૫, ૧૬ વાંચો.) કામ પૂરું કરવા એક સમય નક્કી કરો અને એને વળગી રહો. કામ કરવા માટે સૌથી સારો સમય આવે, એવી રાહ ન જુઓ. કારણ કે આ દુનિયામાં સૌથી સારો સમય કદી આવશે નહિ. (સભા. ૧૧:૪) ઓછાં મહત્ત્વનાં કામ પાછળ વધારે સમય-શક્તિ બગાડશો નહિ. નહિતર વધારે મહત્ત્વનાં કામો માટે તમારી પાસે સમય-શક્તિ બચશે નહિ. (ફિલિ. ૧:૧૦) કામ કરવા એવો સમય પસંદ કરો, જ્યારે બીજાઓ તમને ખલેલ ન પહોંચાડે. બીજાઓને જણાવો કે પૂરા મનથી કામ કરવા તમને સમય જોઈએ છે. કદાચ તમારો ફોન બંધ રાખી શકો અને ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા ચેક કરવાનું ટાળી શકો. *

૧૮-૧૯. સારા નિર્ણયો પ્રમાણે પગલાં ભરવાં ક્યાંથી મદદ મળી શકે?

૧૮ સારાં પરિણામો વિશે વિચારીએ. તમારા નિર્ણયનું પરિણામ તો જાણે મુસાફરીની મંજિલ જેવું છે. જો તમારા દિલમાં મંજિલે પહોંચવાની ઇચ્છા હશે, તો તમે એ માટે કંઈ પણ કરશો. જો એક રસ્તો બંધ હોય તો કદાચ બીજા રસ્તેથી જશો. એવી જ રીતે, જે નિર્ણયો લીધા છે એનાં પરિણામો વિશે વિચારીશું, તો આપણે હિંમત હારીશું નહિ. પછી ભલેને આપણા રસ્તામાં ગમે એટલા ખાડા-ટેકરા આવે.—ગલા. ૬:૯.

૧૯ સારા નિર્ણયો લેવા અઘરું છે. એ પ્રમાણે પગલાં ભરવાં એનાથીય વધારે અઘરું લાગી શકે. પણ યહોવા તમને જરૂરી સમજણ અને શક્તિ આપશે, જેથી જે કામ શરૂ કર્યું છે એ પૂરું કરી શકશો.

ગીત ૪૫ આગળ ચાલો

^ ફકરો. 5 તમે લીધેલા અમુક નિર્ણયો માટે શું તમને અફસોસ થાય છે? સારા નિર્ણયો લેવા અને એ પ્રમાણે પગલાં ભરવાં શું તમને અમુક વાર અઘરું લાગે છે? એવા પડકારોનો સામનો કરવા આ લેખમાંથી તમને મદદ મળશે. તમે જે કામ કરવાનું નક્કી કર્યું હોય એ પૂરું કરવા પણ મદદ મળશે.

^ ફકરો. 11 બાઇબલ વાંચન માટે તમે jw.org® પર આપેલું “બાઇબલ વાંચન શેડ્યુલ” વાપરી શકો.

^ ફકરો. 17 વધુ માહિતી માટે એપ્રિલ ૨૦૧૦ સજાગ બનો!ના (અંગ્રેજી) અંકમાં આપેલો આ લેખ જુઓ: “ટ્‍વેન્ટી વેઝ ટુ ક્રિએટ મોર ટાઇમ.