સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૮

ભાવિ પર નજર રાખો

ભાવિ પર નજર રાખો

“મેં એ મેળવી લીધું છે, એવું હું માનતો નથી; પણ, એક વાત તો ચોક્કસ છે: પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ હું દોડી રહ્યો છું.”—ફિલિ. ૩:૧૩.

ગીત ૧૪૩ અંધકારમાં એક દીવો

ઝલક *

૧-૨. ફિલિપીઓ ૩:૧૩માં આપેલી સલાહને આપણે કઈ રીતે લાગુ પાડી શકીએ? દાખલો આપો.

ચાલો એવાં ત્રણ ભાઈ-બહેનોનો વિચાર કરીએ, જેઓ પાસે વીતેલા સમયની મીઠી કે કડવી યાદો છે. એક વૃદ્ધ બહેન વીતેલી કાલની મધુર યાદોનો વિચાર કરે છે. આજે ઢળતી ઉંમરને લીધે તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. પણ યહોવાની સેવામાં તે પોતાનાથી બનતું બધું કરી રહ્યાં છે. (૧ કોરીં. ૧૫:૫૮) નવી દુનિયામાં કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે કેવી ખુશીની પળો માણશે, એના તે દરરોજ સપના સેવે છે. બીજી એક બહેનનું, મંડળની કોઈ બહેને દિલ દુભાવ્યું હતું. એ કડવી યાદો તેના દિલમાં કોઈ વાર આવી જાય છે. પણ તેણે એ બહેનને માફ કરવાનું અને કડવી યાદો ભૂલી જવાનું નક્કી કર્યું છે. (કોલો. ૩:૧૩) એક ભાઈને પોતાની અગાઉની ભૂલો યાદ છે. પણ આજે તે યહોવાને વફાદાર રહેવામાં મન પરોવે છે.—ગીત. ૫૧:૧૦.

એ ત્રણે ભાઈ-બહેનોએ શું ધ્યાનમાં રાખ્યું? વીતેલી કાલને તેઓ યાદ તો કરે છે પણ એમાં જ જીવ્યા કરતા નથી. પણ એને બદલે તેઓ ‘આગળની વાતો તરફ દોડે’ છે અને ભાવિ પર નજર રાખે છે.—ફિલિપીઓ ૩:૧૩. વાંચો.

૩. ભાવિ પર નજર રાખવી કેમ જરૂરી છે?

ભાવિ પર નજર રાખવી ખૂબ જરૂરી છે. એક વ્યક્તિ રસ્તા પર ચાલતી વખતે વારેવારે પાછળ જોશે તો, સીધે રસ્તે ચાલી નહિ શકે. એવી જ રીતે આપણી નજર સદા વીતેલી કાલ પર રહેશે તો, યહોવાની સેવામાં આગળ નહિ વધી શકીએ.—લુક ૯:૬૨.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

આ લેખમાં એવા ત્રણ ફાંદાની ચર્ચા કરીશું જેનાથી આપણે બચવાનું છે. એ છે: (૧) જૂના દિવસો યાદ કરીને દુઃખી થવું, (૨) દિલમાં ખાર ભરી રાખવો અને (૩) વધુ પડતી દોષની લાગણી થવી. દરેક ફાંદાની ચર્ચા કરતી વખતે જોઈશું કે કઈ રીતે બાઇબલના સિદ્ધાંતોની મદદથી આપણે “પાછળ છોડી દીધેલી વાતોને ભૂલીને આગળની વાતો તરફ” વધી શકીએ.—ફિલિ. ૩:૧૩.

જૂના દિવસો યાદ કરીને દુઃખી ન થાઓ

કઈ બાબત આપણને આગળ વધતા રોકે છે? (ફકરા ૫, ૯, ૧૩ જુઓ) *

૫. સભાશિક્ષક ૭:૧૦ પ્રમાણે કેવા વિચારો કરવા ખોટું છે?

સભાશિક્ષક ૭:૧૦ વાંચો. ધ્યાન આપો, કલમ પ્રમાણે એવું કહેવું ખોટું નથી કે “અગાઉના દિવસ સારા હતા.” મીઠી યાદોને મનમાં સજાવી રાખવાની આવડત તો યહોવાએ આપણને આપી છે. પણ કલમમાં લખ્યું છે: “આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ.” એટલે, અગાઉના દિવસો યાદ કરવા ખોટું નથી. પણ એવું વિચારવું ખોટું છે કે એ દિવસો ઘણા સારા હતા અને આજે તો જીવનમાં દુઃખોના કાંટા છે. એવો વિચાર કરવામાં સમજદારી નથી.

ઇજિપ્ત છોડ્યા પછી ઇઝરાયેલીઓએ કઈ ભૂલ કરી? (ફકરો ૬ જુઓ)

૬. આપણી ગઈકાલ આજ કરતાં સારી હતી એવું વિચારવું કેમ ખોટું છે? દાખલો આપો.

આપણી ગઈકાલ આજ કરતાં સારી હતી એવું વિચારવું કેમ ખોટું છે? કારણ કે એવું વિચારવાથી આપણને લાગશે કે પહેલાં બધું સારું જ હતું અથવા જે મુશ્કેલીઓ સહી એ એટલી મોટી પણ ન હતી. ઇઝરાયેલીઓએ એવી જ ભૂલ કરી હતી. ઇજિપ્ત છોડ્યા પછી તેઓ તરત ભૂલી ગયા કે ત્યાં કેટલી મુશ્કેલીઓ પડી હતી. તેઓ ફક્ત સારા ખોરાકને જ યાદ કરતા રહ્યા. તેઓએ કહ્યું: “જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે; વળી કાકડી તથા તડબૂચાં તથા ડુંગળી તથા પ્યાજ તથા લસણ.” (ગણ. ૧૧:૫) પણ શું ઇઝરાયેલીઓને ઇજિપ્તમાં એ બધું “મફત” મળ્યું હતું? ના! તેઓએ એ માટે ભારે કિંમત ચૂકવી હતી. તેઓએ ગુલામોની જેમ કાળી મજૂરી કરી હતી. (નિર્ગ. ૧:૧૩, ૧૪; ૩:૬-૯) તેઓ એ બધી મુશ્કેલીઓ ભૂલી ગયા. તેઓની નજરે તો “એ સોનેરી દિવસો” હતા, જેને તેઓ ખૂબ યાદ કરતા હતા. પણ યહોવાએ તેઓ માટે જે સારુ કર્યું હતું એ તેઓ ભૂલી ગયા. એટલે તેઓ પર યહોવાનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો.—ગણ. ૧૧:૧૦.

૭. એક બહેનને ભાવિ તરફ નજર રાખવા ક્યાંથી મદદ મળી?

આપણને પણ કોઈ વાર એવું થાય કે આપણી ગઈકાલ આજ કરતાં સારી હતી. એવા વિચારોથી દૂર રહેવા ક્યાંથી મદદ મળશે? ચાલો એ માટે એક બહેનનો અનુભવ જોઈએ. એ બહેને ૧૯૪૫માં બ્રુકલિન બેથેલમાં કામ કરવાનું શરૂ કર્યું. અમુક વર્ષો પછી તેમણે ત્યાં કામ કરતા એક ભાઈ સાથે લગ્‍ન કર્યા. પછી તેઓએ ઘણાં વર્ષો સુધી બેથેલમાં સેવા કરી. ૧૯૭૬માં તેમના પતિની તબિયત બગડી. બહેને જણાવ્યું કે તેમના પતિ મરણ પથારી પર હતા ત્યારે તેમણે સરસ સલાહ આપી હતી, જેથી પતિને ગુમાવવાનું દુઃખ તે સહી શકે. તેમના પતિએ કહ્યું: ‘આપણે સુખી લગ્‍નજીવનનો આનંદ માણ્યો છે. ઘણા લોકોને એવું સુખ મળતું નથી. એની મીઠી યાદો હંમેશાં તારા મનમાં રહેશે, પણ એ યાદોમાં જ ખોવાયેલી ન રહેતી. સમય ઘા પર મલમ લગાવવાનું કામ કરશે. જે થયું એના વિશે પોતાને દોષ ન આપતી અને દુઃખી ન થતી. યહોવાની સેવામાં આપણે સાથે જે સમય વિતાવ્યો, એ સોનેરી પળોને યાદ કરીને તું ખુશ રહેજે. મધુર યાદો તો યહોવા તરફથી ભેટ છે.’ ભાઈએ કેટલી સરસ સલાહ આપી હતી!

૮. બહેનને ભાવિ પર નજર રાખવાથી કેવો ફાયદો થયો?

બહેને એ સલાહ માની. તેમણે જીવનભર વફાદારીથી યહોવાની સેવા કરી. તે ૯૨ વર્ષ જીવ્યા. તેમનું મરણ થયું એના થોડા સમય પહેલાં તેમણે કહ્યું: “યહોવાની સેવામાં મેં ૬૩ વર્ષ વિતાવ્યા છે. એ યાદ કરું ત્યારે કહી શકું છું કે મારું જીવન સુખી હતું, એનાથી મને સંતોષ છે.” તે એવું શા માટે કહી શક્યા? તે આગળ જણાવે છે: “દુનિયા ફરતેનાં આપણાં ભાઈ-બહેનોનો અજોડ પ્રેમ અને ભાવિમાં બાગ જેવી પૃથ્વી પર હંમેશ માટેના જીવનની આશાને લીધે મને જીવનમાં સંતોષ મળ્યો છે. આપણા સર્જનહાર અને સાચા ઈશ્વર યહોવાને હંમેશ માટે આપણે ભજતા રહીશું.” * ભાવિ પર નજર રાખવામાં બહેને આપણા માટે કેટલો સુંદર દાખલો બેસાડ્યો છે!

દિલમાં ખાર ભરી ન રાખો

૯. લેવીય ૧૯:૧૮માં બતાવ્યા પ્રમાણે કોઈને માફ કરવું ક્યારે અઘરું લાગી શકે?

લેવીય ૧૯:૧૮ વાંચો. કદાચ મંડળના કોઈ ભાઈ કે બહેન અથવા મિત્ર કે સગા-વહાલા આપણા દિલને ઠેસ પહોંચાડે છે. એવી વ્યક્તિ દુઃખ પહોંચાડે ત્યારે આપણે તેને સહેલાઈથી માફ કરી શકતા નથી. દાખલા તરીકે, એક બહેન પર બીજી બહેને પૈસા ચોરવાનો આરોપ મૂક્યો. પછીથી જે બહેને આરોપ મૂક્યો હતો તેમને ખબર પડી કે પોતે ખોટાં છે. એટલે તેમણે એ બહેનની માફી માંગી. પણ એ બહેનને એટલું ખોટું લાગ્યું હતું કે તે ભૂલવા તૈયાર ન હતાં. બહેન સાથે જે બન્યું એ કદાચ આપણી સાથે ન બન્યું હોય. પણ બીજાઓ આપણા દિલને ઠેસ પહોંચાડે ત્યારે તેઓને માફ કરવા અઘરું લાગે છે.

૧૦. આપણને માફ કરવું અઘરું લાગે ત્યારે શું કરી શકીએ?

૧૦ આપણને માફ કરવું અઘરું લાગે ત્યારે શું કરી શકીએ? યાદ રાખીએ કે યહોવા એ બધું જુએ છે. આપણા પર શું વીતી રહ્યું છે અને આપણી સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે, એ બધું યહોવાની નજર બહાર જતું નથી. (હિબ્રૂ. ૪:૧૩) આપણને દુઃખી જોઈને તે પણ દુઃખી થાય છે. (યશા. ૬૩:૯) તેમણે વચન આપ્યું છે કે અન્યાયને લીધે આપણને જે નુકસાન થયું છે એને તે ભરપાઈ કરશે.—પ્રકટી. ૨૧:૩, ૪.

૧૧. બીજાઓ માટે દિલમાં ખાર ન રાખીએ તો આપણને કેવો ફાયદો થશે?

૧૧ યાદ રાખીએ કે બીજાઓ માટે દિલમાં ખાર ન રાખવાથી આપણને પણ ફાયદો થશે. જે બહેન પર ચોરીનો આરોપ લાગ્યો હતો તેમને પણ એ વાત સમજાઈ. તેમણે બીજી બહેન માટે દિલમાંથી ખાર કાઢી નાખ્યો. તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે, આપણે બીજાઓને માફ કરીશું તો યહોવા આપણને માફ કરશે. (માથ. ૬:૧૪) બહેન જાણતાં હતાં કે બીજી બહેને તેમની સાથે ખોટું કર્યું છે, પણ તેમણે એ બહેનને માફ કર્યાં. એટલે બહેન આજે ખુશ છે અને યહોવાની સેવામાં મન પરોવીને કામ કરી રહ્યાં છે.

વધુ પડતી દોષની લાગણી થવી

૧૨. પહેલો યોહાન ૩:૧૯, ૨૦માંથી આપણને શું શીખવા મળે છે?

૧૨ ૧ યોહાન ૩:૧૯, ૨૦ વાંચો. આપણને બધાને અમુક વાર દોષની લાગણી થાય છે. ઘણાને સત્ય શીખતા પહેલાં જે ભૂલો કરી હતી એ માટે દોષની લાગણી થાય છે. બીજા કેટલાકને બાપ્તિસ્મા પછી જે ભૂલો કરી હતી એ માટે દોષની લાગણી થાય છે. (રોમ. ૩:૨૩) આપણે જે ખરું છે એ કરવા ચાહીએ છીએ, પણ “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.” (યાકૂ. ૩:૨; રોમ. ૭:૨૧-૨૩) ભલે દોષની લાગણીથી આપણું દિલ દુભાય, પણ એનાથી અમુક ફાયદા થાય છે. એના લીધે આપણે પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલું જ નહિ, આપણે એવી ભૂલો ફરી ન કરવાનું મનમાં નક્કી કરીએ છીએ.—હિબ્રૂ. ૧૨:૧૨, ૧૩.

૧૩. વધુ પડતી દોષની લાગણી ન થાય એનું કેમ આપણે ધ્યાન રાખવું જોઈએ?

૧૩ અમુક વાર ભૂલો માટે આપણને વધુ પડતી દોષની લાગણી થાય છે. આપણે પસ્તાવો કર્યો હોય અને યહોવાએ માફ કરી દીધા હોય, તો પણ એ લાગણી આપણા મનમાંથી જતી નથી. વધુ પડતી દોષની લાગણીથી આપણને નુકસાન થાય છે. (ગીત. ૩૧:૧૦; ૩૮:૩, ૪) કઈ રીતે? એ સમજવા ચાલો એક બહેનનો દાખલો જોઈએ. સત્ય શીખ્યાં એ પહેલાં તેમણે પાપ કર્યાં હતાં. તે કહે છે: ‘મને થતું કે મારા જેવા લોકો યહોવાની સેવામાં જે કરે છે એ નકામું છે. મેં એવાં કામ કર્યાં છે કે મારો કદી બચાવ થશે નહિ.’ આપણામાંથી ઘણાને એવું લાગતું હશે. પણ વધુ પડતી દોષની લાગણી ન થાય એનું આપણે ધ્યાન રાખીએ. યહોવાએ માફી આપી હોય, તોપણ એવું વિચારીએ કે આપણે નકામા છીએ અને તેમની ભક્તિ છોડી દઈએ તો શેતાન કેટલો ખુશ થશે!—૨ કોરીંથીઓ ૨:૫-૭, ૧૧ સરખાવો.

૧૪. કઈ રીતે ખબર પડે કે યહોવા આપણને માફ કરી શકે છે?

૧૪ આપણા મનમાં હજુ પણ સવાલ થાય, “કઈ રીતે ખબર પડે કે યહોવા મને માફ કરી શકે છે?” એ સવાલમાં જ એનો જવાબ છે. કઈ રીતે? એ સમજવા ચાલો આપણે કેટલાંક વર્ષો અગાઉ ચોકીબુરજ મૅગેઝિનમાં જે લખ્યું હતું એ જોઈએ. એમાં લખ્યું હતું: ‘યહોવાની સેવા શરૂ કરતા પહેલાં તમારામાં કોઈ ખરાબ આદત હોય. એ આદત હજુ પણ તમારામાં છે. એને ઘણી વાર તમે છોડી દીધી છે, પણ એ લત પાછી લાગી જાય છે. તમે માફીને લાયક નથી એવું વિચારીને નિરાશ થશો નહિ. શેતાન તો એ જ ચાહે છે કે તમે એવું વિચારો. પોતાની ભૂલને લીધે તમે દુઃખી અને નિરાશ થાઓ છો. એ બતાવે છે કે તમે ખરાબ વ્યક્તિ નથી અને યહોવા તમને માફ કરી શકે છે. એટલે નમ્ર બનો અને યહોવાને વિનંતિ કરો કે તમને માફ કરે, સારું મન આપે અને એ આદત છોડવા મદદ કરે. જેમ એક નાનું બાળક પોતાની મુશ્કેલી માટે પિતા પાસે વારે વારે દોડી જાય છે, તેમ પોતાની આદત છોડવા યહોવાને વારંવાર વિનંતિ કરો. એ માટે યહોવા તમને મદદ કરશે, કારણ કે તે આપણા પર અપાર કૃપા બતાવે છે.’ *

૧૫-૧૬. યહોવાએ માફી આપી છે એ જાણીને અમુકને કેવું લાગ્યું?

૧૫ ભલે આપણે પોતાને માફીને લાયક ન સમજતા હોય, પણ યહોવા આપણને માફ કરે છે. એ વાતથી ઘણાં ભાઈ-બહેનોને દિલાસો મળ્યો છે. એવો જ કંઈક એક બહેનનો અનુભવ કેટલાંક વર્ષો પહેલાં ચોકીબુરજ મૅગેઝિનમાં આવ્યો હતો. “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” શૃંખલાના એક લેખમાં એ બહેને કહ્યું હતું કે પહેલાં તે ઘણાં ખરાબ કામ કરતા હતાં. તેમને સત્ય જાણવા મળ્યું ત્યારે તેમને થયું કે યહોવા તેમને ક્યારેય પ્રેમ કરશે નહિ. તેમણે બાપ્તિસ્મા લીધું એનાં ઘણાં વર્ષો પછી પણ તે દુઃખી રહેતાં હતાં. પણ તેમણે ઈસુએ આપેલા બલિદાન વિશે ઊંડો વિચાર કર્યો ત્યારે તેમને ભરોસો થયો કે યહોવા તેમને પ્રેમ કરે છે. *

૧૬ એ અનુભવ વાંચીને એક ભાઈને ઘણો દિલાસો મળ્યો. તેમણે લખ્યું: ‘હું યુવાન હતો ત્યારે મને પોર્નોગ્રાફી (ગંદાં ચિત્રો) જોવાની લત લાગી ગઈ હતી. પછી મેં એ લત છોડી દીધી. પણ થોડોક સમય પહેલાં એ લત મને પાછી લાગી ગઈ. વડીલોની મદદથી હું એ લત છોડી શક્યો છું. વડીલોએ મને એ વાતનો ભરોસો અપાવ્યો કે યહોવા મને પ્રેમ કરે છે અને તેમણે મને માફ કરી દીધો છે. તેમ છતાં અમુક વાર મને લાગે છે કે હું નકામો છું અને યહોવા મને પ્રેમ કરતા નથી. પણ એ બહેનનો અનુભવ વાંચ્યા પછી મને ઘણો દિલાસો મળ્યો છે. મને એક મહત્ત્વની વાત જાણવા મળી છે. જો હું કહું કે યહોવાએ મને માફ નથી કર્યો, તો એનો અર્થ થાય કે તેમના દીકરાના બલિદાનમાં મારાં પાપ માફ કરવાની તાકાત નથી. મેં આ લેખ કાઢીને બાજુ પર રાખ્યો છે. જ્યારે જ્યારે મને લાગે કે હું નકામો છું, ત્યારે એને ફરી વાંચીને એના પર મનન કરી શકું છું.’

૧૭. પાઊલ શા માટે વધુ પડતી દોષની લાગણીમાં ડૂબેલા ન રહ્યા?

૧૭ પ્રેરિત પાઊલનો અનુભવ પણ કંઈક એવો જ હતો. ખ્રિસ્તી બન્યા એ પહેલાં તેમણે ઘણાં પાપ કર્યાં હતાં. પાઊલ પોતાનાં પાપ ભૂલ્યા ન હતા, પણ તેમણે એના વિશે જ વિચાર્યા ન કર્યું. (૧ તિમો. ૧:૧૨-૧૫) પાઊલને ભરોસો હતો કે યહોવાએ તેમને માફ કરી દીધા છે. કારણ કે યહોવાએ તેમના માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે એવું તે માનતા હતા. (ગલા. ૨:૨૦) પાઊલ વધુ પડતી દોષની લાગણીમાં ડૂબેલા ન રહ્યા, પણ તે દિલથી યહોવાની ભક્તિ કરતા રહ્યા.

નવી દુનિયાને નજર સામે રાખો

ચાલો આપણે ભાવિ પર નજર રાખીએ (ફકરા ૧૮-૧૯ જુઓ) *

૧૮. આ લેખમાંથી આપણને શું શીખવા મળ્યું?

૧૮ આ લેખમાં આપણે શું શીખી ગયા? (૧) વીતેલી કાલની મીઠી યાદો તો યહોવા તરફથી ભેટ છે. ભલે અગાઉ આપણું જીવન સારું હોય, પણ નવી દુનિયાનું જીવન એનાથી પણ વધારે સારું હશે. (૨) જો કોઈએ આપણું દિલ દુભાવ્યું હોય તો આપણે તેને માફ કરીએ. એમ કરીશું તો જ આપણે એ બધું ભૂલીને આગળ વધી શકીશું. (૩) પોતાની ભૂલો માટે વધુ પડતી દોષની લાગણીમાં ડૂબી જવાથી દૂર રહીએ. એવું કરીશું તો યહોવાની સેવા ખુશીથી કરી શકીશું. પાઊલની જેમ આપણે ભરોસો રાખવો જોઈએ કે યહોવાએ આપણને માફ કરી દીધા છે.

૧૯. શા પરથી કહી શકાય કે નવી દુનિયામાં આપણે જૂની વાતો યાદ કરીને દુઃખી થઈશું નહિ?

૧૯ ઈશ્વરે આપણને બધાને નવી દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા આપી છે. એ સમયે આપણે જૂની વાતો યાદ કરીને દુઃખી થઈશું નહિ. બાઇબલમાં લખ્યું છે: “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ.” (યશા. ૬૫:૧૭) અમુક ભાઈ-બહેનોએ યહોવાની સેવામાં પોતાની યુવાની વિતાવી દીધી છે. હવે તેઓ વૃદ્ધ થઈ ગયા છે, પણ નવી દુનિયામાં એ બધા ફરીથી યુવાન થઈ જશે. (અયૂ. ૩૩:૨૫) જૂની વાતો યાદ કરીને દુઃખી ન થવાનો આપણે બધા પાકો નિર્ણય લઈએ. આપણે ભાવિ પર નજર રાખીએ અને નવી દુનિયામાં જીવવા હમણાં બનતું બધું કરીએ.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

^ ફકરો. 5 વીતેલી કાલ પર નજર નાખવી અમુક હદે સારું છે. પણ એ જ યાદો મનમાં ઘૂંટાયા કરે તો યહોવાની સેવામાં ધ્યાન નહિ આપી શકીએ. એટલું જ નહિ, યહોવાએ આપેલી સોનેરી આશા પરથી આપણું ધ્યાન હટી જશે. એવાં ત્રણ ફાંદા છે જેના લીધે આપણે જૂની યાદોમાં ખોવાઈ જઈ શકીએ. એ ત્રણ ફાંદા વિશે આ લેખમાં ચર્ચા કરીશું. વધુમાં આપણે અમુક બાઇબલ સિદ્ધાંતો અને ભાઈ-બહેનોના અનુભવો જોઈશું, જેની મદદથી એ ફાંદાઓથી બચી શકીએ છીએ.

^ ફકરો. 14 ૧૫ ફેબ્રુઆરી ૧૯૫૪, ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૧૨૩ જુઓ.

^ ફકરો. 58 ચિત્રની સમજ: જૂના દિવસો યાદ કરીને દુઃખી થવું, દિલમાં ખાર ભરી રાખવો અને દોષની લાગણીમાં વધુ પડતા ડૂબેલા રહેવું, એ આપણને પાછળ ખેંચી રાખશે અને જીવનના માર્ગમાં આગળ વધવા નહિ દે.

^ ફકરો. 65 ચિત્રની સમજ: જો જૂની વાતોને યાદ કરવાનું છોડી દઈશું તો આપણને રાહત અને ખુશી મળશે. પછી આપણે ભાવિ પર નજર રાખી શકીશું.