સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

‘યહોવા મને ભૂલ્યા નથી’

‘યહોવા મને ભૂલ્યા નથી’

દક્ષિણ અમેરિકાના ગુયાના દેશના ઓરિઆલા ગામમાં હું રહું છું. આ ગામમાં લગભગ બે હજાર લોકો રહે છે અને આ ગામ શહેરથી ઘણું દૂર છે. લોકો ફક્ત નાના વિમાન અથવા હોડી દ્વારા અહીં આવી શકે છે.

મારો જન્મ ૧૯૮૩માં થયો હતો. હું નાનો હતો ત્યારે તંદુરસ્ત હતો. પણ દસ વર્ષનો થયો ત્યારે મારા આખા શરીરમાં દુઃખાવો થવા લાગ્યો. આશરે બે વર્ષ પછી, એક દિવસે હું ઉંઘમાંથી જાગ્યો ત્યારે જરાય હલી ન શક્યો. મેં પગ હલાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ હલાવી શક્યો નહીં. મારા પગ બહેર મારી ગયા હોય એવું લાગ્યું. એ દિવસથી લઈને આજ સુધી હું કદી ચાલી શક્યો નથી. બીમારીના કારણે મારું શરીર જે રીતે વધવું જોઈએ એ રીતે વધ્યું નથી. આજે પણ મારું કદ એક નાના બાળક જેટલું છે.

હું બીમાર પડ્યો ત્યારે ઘરેથી બહાર નીકળી શકતો ન હતો. થોડા મહિના પછી બે યહોવાના સાક્ષી અમારા ઘરે આવ્યા. જ્યારે પણ કોઈ અમારા ઘરે આવતું, ત્યારે હું છુપાઈ જતો. પરંતુ એ દિવસે હું તેઓને મળ્યો અને તેઓની વાત સાંભળી. તેઓએ મને નવી દુનિયાના જીવન વિશે જણાવ્યું. એ સમયે મને યાદ આવ્યું કે હું પાંચ વર્ષનો હતો ત્યારે મેં એ વાત સાંભળી હતી. જેથ્રો નામના એક મિશનરી ભાઈ મારા પિતાને બાઇબલમાંથી શીખવતા હતા. તે સુરીનામમાં રહેતા હતા અને મહિનામાં એક વાર અમારા ગામમાં આવતા. જેથ્રો મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરતા. તે મને ખૂબ ગમતા હતા. અમારા ગામમાં સાક્ષીઓની સભાઓ રાખવામાં આવતી અને મારાં દાદા-દાદી મને ક્યારેક ક્યારેક ત્યાં લઈ જતાં. એટલે જ્યારે એ બહેનોમાંની એક ફ્લોરેન્સબહેને મને પૂછ્યું કે, શું હું બાઇબલ વિશે વધુ જાણવા માગું છું ત્યારે મેં હા પાડી.

ફ્લોરેન્સબહેન તેમનાં પતિ જૂસતુસ સાથે ફરીથી અમારા ઘરે આવ્યાં. તેઓએ મારી સાથે બાઇબલનો અભ્યાસ શરૂ કર્યો. તેઓએ જોયું કે મને વાંચતાં આવડતું નથી એટલે તેઓ મને શીખવવાં લાગ્યાં. એટલે થોડા જ સમયમાં હું જાતે વાંચવા લાગ્યો. એક દિવસે તેઓએ મને કહ્યું કે તેઓને સુરીનામમાં ખુશખબર ફેલાવવાની સોંપણી મળી છે. હવે ઓરિઆલામાં મને બાઇબલમાંથી શીખવનાર કોઈ ન હતું. પણ હું યહોવાનો આભાર માનું છું કે તે મને ભૂલ્યા ન હતા.

થોડા સમય પછી એક પાયોનિયર ઓરીઆલા આવ્યો, જેનું નામ ફ્લોયડ હતું. એક દિવસ તે નાની નાની ઝૂંપડીઓમાં ખુશખબર ફેલાવી રહ્યો હતો ત્યારે મને મળ્યો. તેણે મને બાઇબલનો અભ્યાસ કરવા વિશે પૂછ્યું ત્યારે હું હસ્યો. તેણે મને પૂછ્યું, “તું કેમ હસે છે?” મેં કહ્યું, દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકામાંથી મારો અભ્યાસ થઈ ચૂક્યો છે અને જ્ઞાન જે અનંતજીવન તરફ લઈ જાય છે. * પુસ્તકમાંથી શરૂ થયો હતો, પણ પછી બંધ થઈ ગયો. મેં ફ્લોયડને અભ્યાસ બંધ થવાનું કારણ જણાવ્યું. મારો અભ્યાસ જ્યાંથી બાકી હતો ત્યાંથી ફ્લોયડે આખું પુસ્તક શીખવ્યું. થોડા સમય પછી તેને પણ બીજે સોંપણી મળી. ફરી એક વાર મને બાઇબલમાંથી શીખવનાર કોઈ ન હતું.

૨૦૦૪માં, ગ્રેનવિલ અને જોશુઆ નામના બે ખાસ પાયોનિયરોને ઓરીઆલા મોકલવામાં આવ્યા. તેઓ નાની નાની ઝૂંપડીઓમાં ખુશખબર ફેલાવી રહ્યા હતા ત્યારે મને મળ્યા. તેઓએ મને બાઇબલ અભ્યાસ વિશે પૂછ્યું ત્યારે હું હસ્યો. મેં તેઓને કહ્યું કે જ્ઞાન પુસ્તક શરૂઆતથી મને શીખવે. હું જોવા માંગતો હતો કે શું તેઓ મને એ જ શીખવશે જે અગાઉ સાક્ષીઓએ મને શીખવ્યું હતું. ગ્રેનવિલે મને કહ્યું કે અમારા ગામમાં સભાઓ રાખવામાં આવે છે. હું દસ વર્ષથી ઘરની બહાર નીકળ્યો ન હતો, છતાં હું સભાઓમાં જવા માંગતો હતો. ગ્રેનવિલ મને લેવા આવ્યા અને મને વ્હીલચેરમાં બેસાડીને પ્રાર્થનાઘર લઈ ગયા.

થોડા સમય પછી ગ્રેનવિલે મને દેવશાહી સેવા શાળામાં નામ નોંધાવાનું કહ્યું. તેમણે કહ્યું, “તું ચાલી શકતો નથી, પણ તું વાત કરી શકે છે. જોજે, એક દિવસે તું પણ જાહેર પ્રવચન આપીશ. એવું ચોક્કસ થશે.” તેમના શબ્દોથી મને પણ ભરોસો થયો.

થોડા સમય પછી મેં ગ્રેનવિલ સાથે ખુશખબર ફેલાવવાનું શરૂ કર્યું. અમારા ગામના રસ્તા મોટાભાગે કાચા અને ખાડા ટેકરાવાળા છે. તેથી વ્હીલચેરમાં બેસીને જવું અઘરું હતું. પછી મેં ગ્રેનવિલને હાથલારીમાં બેસાડીને લઈ જવાનું કહ્યું. એ ગોઠવણ કામ કરી ગઈ. ૨૦૦૫ એપ્રિલમાં મેં બાપ્તિસ્મા લીધું. થોડા સમય પછી, ભાઈઓએ મને પ્રાર્થનાઘરમાં સાહિત્યની દેખરેખ રાખવાનું અને સાઉન્ડ સિસ્ટમ ચલાવવાનું શીખવ્યું.

૨૦૦૭માં અમારા કુટુંબમાં એક ઘટના બની. વહાણ અકસ્માતમાં મારા પિતાનું મરણ થયું. આ ઘટનાથી અમારા કુટુંબને મોટો આઘાત લાગ્યો. ગ્રેનવિલે અમારી સાથે પ્રાર્થના કરી અને બાઇબલની કલમોમાંથી અમને દિલાસો આપ્યો. બે વર્ષ પછી અમારી સાથે બીજી એક ઘટના બની. ગ્રેનવિલના વહાણનો અકસ્માત થયો અને તેમનું મોત થયું. એટલે અમે સાવ ભાંગી પડ્યા.

અમારા નાનકડા મંડળનાં ભાઈ-બહેનો ગ્રેનવિલના મરણથી ખૂબ દુઃખી હતાં. હવે અમારા મંડળમાં કોઈ વડીલ ન હતું. બસ એક સહાયક સેવક હતા. ગ્રેનવિલને ગુમાવવાનું દુઃખ મને કોરી ખાતું હતું. તે મારા સારા મિત્ર હતા અને તેમણે મારા માટે ઘણું બધું કર્યું હતું. તેમના મરણના થોડા સમય પછી મંડળમાં મને ચોકીબુરજ વાંચનની સોંપણી મળી. મેં શરૂઆતના બે ફકરા વાંચ્યાં, પણ પછી મારાથી આગળ વંચાયું નહિ. મારી આંખમાંથી આંસુ રોકાવાનું નામ જ લેતા નહોતા. મારે સ્ટેજ પરથી નીચે ઊતરી જવું પડ્યું.

બીજા મંડળના કેટલાક ભાઈઓ અમને ઓરિઆલા મદદ કરવા આવ્યા, એનાથી મને થોડી રાહત થઈ. એટલું જ નહિ, શાખા કચેરીએ કોજો નામના એક ખાસ પાયોનિયરને અમારા મંડળમાં મોકલ્યા. અમુક સમય પછી મારી મમ્મી અને મારા નાના ભાઈએ પણ અભ્યાસ શરૂ કર્યો અને બાપ્તિસ્મા લીધું, એ જોઈને મારી ખુશીનો પાર ન રહ્યો. ૨૦૧૫માં મને સહાયક સેવક બનાવવામાં આવ્યો. થોડા સમય પછી મેં પહેલી વાર જાહેર પ્રવચન આપ્યું. એ દિવસે મને ગ્રેનવિલના આ શબ્દો યાદ આવ્યા, “જોજે, એક દિવસે તું પણ જાહેર પ્રવચન આપીશ. એવું ચોક્કસ થશે.” મારા ચહેરા પર ખુશી તો હતી, પણ ગ્રેનવિલની યાદમાં આંખમાંથી આંસુ સરી પડ્યા.

JW બ્રૉડકાસ્ટિંગ પર હું ઘણાં ભાઈ-બહેનોને જોઉં છું, જેઓ મારી જેમ હરી-ફરી શકતાં નથી. તેમ છતાં તેઓ યહોવાની સેવામાં ઘણું બધું કરે છે અને ખુશ છે. હું પણ યહોવાની સેવામાં અમુક કામો કરી શકું છું. યહોવાની સેવામાં મારાથી બનતું બધું કરવા માગતો હતો એટલે હું નિયમિત પાયોનિયર બન્યો. સપ્ટેમ્બર ૨૦૧૯માં મને એવી ખબર મળી જે મારા માનવામાં જ ન આવી. મને વડીલ તરીકે નિયુકત કરવામાં આવ્યો. અમારા મંડળમાં આશરે ૪૦ પ્રકાશકો છે.

હું એ બધાં ભાઈ-બહેનોનો દિલથી આભાર માનું છું, જેઓએ મારો બાઇબલ અભ્યાસ લીધો અને યહોવાની સેવા કરવામાં મને મદદ કરી. સૌથી વધારે હું યહોવાનો આભાર માનું છું જે મને ભૂલ્યા નથી.

^ ફકરો. 8 યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.