સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઓનેસીમ અને જેરલડીન

વતનમાં પાછા ફરનારાઓને કેવા આશીર્વાદો મળ્યા?

વતનમાં પાછા ફરનારાઓને કેવા આશીર્વાદો મળ્યા?

ઘણાં ભાઈ-બહેનો વધારે પૈસા કમાવવા બીજા દેશમાં રહેવાં ગયાં હતાં. પણ હવે તેઓ વતન પાછાં ફર્યાં છે. તેઓ પોતાના દેશના એવા વિસ્તારમાં જઈને વસ્યા છે, જ્યાં પ્રચારકોની વધુ જરૂર છે. શા માટે? કારણ કે તેઓને યહોવા અને લોકો માટે ખૂબ પ્રેમ છે. (માથ. ૨૨:૩૭-૩૯) એ ભાઈ-બહેનોએ શું જતું કર્યું છે અને યહોવાએ તેઓને કેવા આશીર્વાદો આપ્યા છે? એ જાણવા ચાલો પશ્ચિમ આફ્રિકાના કૅમરૂન દેશ પર નજર કરીએ.

“હું યોગ્ય જગ્યાએ ‘માછલીઓ’ પકડી રહ્યો છું”

૧૯૯૮માં ઓનેસીમ પોતાનો દેશ કૅમરૂન છોડીને વિદેશ ગયો, જ્યાં તે ૧૪ વર્ષ રહ્યો. એક દિવસે, તેણે સભામાં ખુશખબર ફેલાવવા વિશેનું ઉદાહરણ સાંભળ્યું. એ ઉદાહરણ આપનાર ભાઈએ કહ્યું: “બે મિત્રો અલગ અલગ જગ્યાએ માછલીઓ પકડી રહ્યા છે. એમાંથી એકને બીજા કરતાં વધારે માછલીઓ મળી રહી છે. તો પછી, શું બીજાએ જ્યાં વધુ માછલીઓ મળી રહી છે ત્યાં ન જવું જોઈએ?”

એ ઉદાહરણ સાંભળ્યા પછી ઓનેસીમ પોતાના દેશ કૅમરૂનમાં પાછા ફરવા વિશે વિચારવા લાગ્યો. તેના દેશમાં ઘણા લોકોને બાઇબલનો અભ્યાસ કરવો હતો, જેઓને તે મદદ કરવા માંગતો હતો. પણ તેના મનમાં અમુક ચિંતાઓ હતી. આટલા વર્ષો વિદેશમાં રહ્યા પછી શું તે વતનમાં રહી શકશે? એટલે ઓનેસીમ છ મહિના માટે કૅમરૂન ગયો, જેથી તેને ત્યાં ફાવશે કે નહિ એ તે જાણી શકે. પછી તે ૨૦૧૨માં કૅમરૂન રહેવા આવી ગયો.

ઓનેસીમ જણાવે છે: “શરૂઆતમાં મને થોડી મુશ્કેલી પડી. કેમ કે અહીં બહુ કંઈ સુખ-સુવિધા ન હતી અને ઉપરથી આકરી ગરમી હતી. પ્રાર્થનાઘરમાં બાંકડા પર બેસવાની આદત પાડવી મારા માટે અઘરું હતું.” પછી તે હસતાં હસતાં કહે છે, “પણ કાર્યક્રમ પર વધારે ધ્યાન આપવાથી ગાદીવાળી ખુરશીઓ વિશે વિચારવાનું મેં છોડી દીધું.”

૨૦૧૩માં ઓનેસીમે જેરલડીન સાથે લગ્‍ન કર્યા. જેરલડીન ફ્રાંસમાં નવ વર્ષ રહીને કૅમરૂનમાં ફરી રહેવા આવી હતી. તેઓએ જીવનમાં યહોવાની સેવાને વધુ મહત્ત્વ આપ્યું હોવાથી તેઓને ઘણા આશીર્વાદો મળ્યાં. ઓનેસીમ કહે છે: “અમે બંને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં ગયા અને પછી બેથેલમાં સેવા કરી. ગયા વર્ષે, અમારા મંડળના ૨૦ બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું. હવે કહી શકું છું કે હું યોગ્ય જગ્યાએ ‘માછલીઓ’ પકડી રહ્યો છું.” (માર્ક ૧:૧૭, ૧૮) જેરલડીન કહે છે, “મેં સપનેય વિચાર્યું ન હતું કે મને આટલા બધા આશીર્વાદ મળશે.”

શિષ્ય બનાવવાના કામથી ખુશી મળી

જૂડિથ અને સૅમ-કૅસ્ટલ

જૂડિથ અમેરિકામાં રહેવા ગઈ હતી. તે યહોવાની વધુ સેવા કરવા માંગતી હતી. તે કહે છે, “જ્યારે મારા કુટુંબને મળવા કૅમરૂન જતી, ત્યારે હું ઘણા બાઇબલ અભ્યાસ શરૂ કરતી. પણ તેઓને છોડીને આવતી વખતે મારું દિલ ભરાય આવતું.” જૂડિથ કૅમરૂનમાં પાછી આવવા માંગતી હતી, પણ તેના મનમાં મૂંઝવણ હતી. અમેરિકામાં સારા પગારવાળી નોકરી હોવાથી કૅમરૂનમાં રહેતા તેના પિતાની સારવાર માટે તે પૈસા મોકલી શકતી હતી. પણ તેણે યહોવા પર ભરોસો મૂક્યો અને કૅમરૂન રહેવા આવી ગઈ. તે કહે છે કે શરૂઆતમાં તેને અમેરિકાના એશોઆરામવાળા જીવનની ખોટ સાલતી હતી. પણ કૅમરૂનમાં રહી શકે માટે તેણે યહોવાને પ્રાર્થના કરી. સરકીટ નિરીક્ષક અને તેમના પત્ની તરફથી તેને ઉત્તેજન મળ્યું.

જૂડિથ કહે છે કે કૅમરૂન આવ્યા પછી “ત્રણ વર્ષની અંદર મારા ચાર બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું. તેઓને મદદ કરીને મને ઘણી ખુશી થઈ.” જૂડિથે ખાસ પાયોનિયર સેવા કરવાનું શરૂ કર્યું. આજે તેના પતિ સૅમ-કૅસ્ટલ સરકીટ નિરીક્ષક છે અને તે તેમને એ કામમાં સાથ આપી રહી છે. પણ જૂડિથના પિતાની સારવાર વિશે શું? તેમના પિતાને ઑપરેશનની જરૂર પડી ત્યારે જૂડિથ અને તેમના કુટુંબે બીજા દેશમાં એવી હૉસ્પિટલ શોધી કાઢી, જે તેમની સારવારનો ખર્ચ ઉપાડવા તૈયાર હતી. ખુશીની વાત હતી કે ઑપરેશન સારી રીતે થઈ ગયું.

યહોવાના સાથનો અનુભવ કર્યો

કેરોલીન અને વિક્ટર

વિક્ટર કેનેડા રહેવા ગયો હતો. તે યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યો હતો. તેણે ઉચ્ચ શિક્ષણ વિશે ચોકીબુરજમાં એક લેખ વાંચ્યો ત્યારે પોતાના દિલમાં ડોકિયું કર્યું. તેણે યુનિવર્સિટીમાં ભણવાનું છોડી દીધું અને એવો ટેક્નિકલ કોર્સ કર્યો, જે થોડા જ સમયમાં પૂરો થઈ જાય. તે કહે છે, “એમ કરવાથી મને જલદી નોકરી મળી ગઈ. હું ઘણા સમયથી પાયોનિયર બનવા માંગતો હતો, એ સપનું પૂરું થયું.” અમુક સમય પછી, તેણે કેરોલીન સાથે લગ્‍ન કર્યા અને તેઓ કૅમરૂન ફરવા ગયા. તેઓ શાખા કચેરી જોવા ગયા ત્યારે, ત્યાંના ભાઈઓએ તેઓને કૅમરૂનમાં સેવા આપવાનું ઉત્તેજન આપ્યું. વિક્ટર કહે છે, “અમે સાદું જીવન જીવતા હોવાથી અમારે ખાસ કંઈ કરવાનું ન હતું. એટલે અમે એ આમંત્રણ સ્વીકાર્યું.” જોકે કેરોલીનની અમુક વાર તબિયત સારી રહેતી ન હતી, છતાં અમે કૅમરૂનમાં સેવા કરવાનો નિર્ણય લીધો.

વિક્ટર અને કેરોલીને કૅમરૂનમાં નિયમિત પાયોનિયર સેવા શરૂ કરી. એ જગ્યાએ ઘણા લોકો બાઇબલમાંથી શીખવા માંગતા હતા. તેઓએ જે બચત કરી હતી એનાથી તેઓ અમુક સમય સુધી પોતાનું ગુજરાન ચલાવી શક્યા. પૈસા પૂરા થઈ ગયા હોવાથી અમુક મહિના માટે તેઓ કેનેડા નોકરી કરવા ગયા. તેઓ કૅમરૂનમાં ફરી આવ્યા અને પાયોનિયર સેવા ચાલુ રાખી. તેઓને કેવા આશીર્વાદ મળ્યા? તેઓને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવાનો આશીર્વાદ મળ્યો. તેઓએ ખાસ પાયોનિયર તરીકે સેવા કરી અને આજે તેઓ બાંધકામ વિભાગમાં કામ કરે છે. વિક્ટર કહે છે, “એશોઆરામ છોડ્યો હોવાથી અમે યહોવાના સાથનો અનુભવ કર્યો.”

યહોવાને સમર્પણ કરવામાં લોકોને મદદ કરીને અમને અનેરી ખુશી મળી

સ્ટેફની અને અલૈન

અલૈન જર્મનીમાં યુનિવર્સિટીમાં ભણી રહ્યો હતો. ૨૦૦૨માં તેણે નૌજવાનો—આપ અપની જિંદગી કા ક્યા કરેંગે? નામની એક પત્રિકા વાંચી. એનાથી તેને નવો ધ્યેય રાખવા મદદ મળી. ૨૦૦૬માં તેને સેવકાઈ તાલીમ શાળામાં જવાનો આશીર્વાદ મળ્યો. તેને પોતાના દેશ કૅમરૂનમાં સોંપણી મળી.

કૅમરૂનમાં અલૈનને પાર્ટ-ટાઇમ નોકરી મળી. અમુક સમય પછી, તેને એવી નોકરી મળી જેમાં સારો પગાર હતો. પણ તેને એક ચિંતા થવા લાગી કે એ નોકરીને લીધે તે ખુશખબર ફેલાવવામાં વધારે સમય આપી શકશે કે નહિ. તેને ખાસ પાયોનિયર સેવાનું આમંત્રણ મળ્યું ત્યારે તેણે અચકાયા વગર એ સ્વીકારી લીધું. તેના બૉસે પગાર વધારવાની ઑફર આપી, પણ તેણે એ જતી કરી અને ખાસ પાયોનિયર બન્યો. પછીથી તેણે સ્ટેફની સાથે લગ્‍ન કર્યા, જે ઘણાં વર્ષોથી ફ્રાંસમાં રહેતી હતી. કૅમરૂન આવ્યા પછી સ્ટેફનીએ અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

સ્ટેફની કહે છે, “અમુક વાર મારી તબિયત નરમ-ગરમ રહેતી. મને ઍલર્જી થઈ જતી, જેથી મારે ઇલાજ કરાવવો પડતો. દવાથી મને ઘણી રાહત મળતી.” અલૈન અને સ્ટેફનીને ધીરજનાં ફળ મળ્યાં. અલૈન કહે છે, “અમે કાતે નામના ગામમાં ખુશખબર ફેલાવવા ગયા ત્યારે ત્યાં ઘણા લોકો મળ્યા. તેઓ બાઇબલમાંથી શીખવા માંગતા હતા. એ ગામમાંથી પાછા આવ્યા પછી અમે ફોન પર તેઓનો બાઇબલ અભ્યાસ ચલાવતા હતા. એમાંથી બે બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું અને એ ગામમાં પ્રકાશકોનું નાનકડું સમૂહ બન્યું.” સ્ટેફની કહે છે, “યહોવાને સમર્પણ કરવામાં લોકોને મદદ કરીને અમને અનેરી ખુશી મળી. અહીં સેવા કરવાથી અમે ઘણી વાર એ ખુશીનો અનુભવ કર્યો છે.” આજે અલૈન અને સ્ટેફની સરકીટ કામ કરી રહ્યા છે.

“અમે ખરો નિર્ણય લીધો”

લિયૌન્સ અને જિઝેલ

જિઝેલ ઇટાલીની મેડિકલ સ્કૂલમાં ભણી રહી હતી ત્યારે તેનું બાપ્તિસ્મા થયું. જે પાયોનિયર યુગલે તેનો બાઇબલ અભ્યાસ લીધો હતો તેઓ સાદું જીવન જીવતા હતા. એની તેના જીવન પર ઊંડી અસર થઈ. તે ખુશખબર ફેલાવવાના કામમાં વધુ કરવા માંગતી હતી. એટલે તેણે ભણવાની સાથે સાથે પાયોનિયર સેવા શરૂ કરી.

જિઝેલને કૅમરૂનમાં યહોવાની સેવા કરવાનું ઘણું મન હતું. પણ તેના મનમાં અમુક ચિંતાઓ હતી. તે કહે છે, “એ માટે મારે ઇટાલીની નાગરિકતા છોડવી પડે, જ્યાં મારા દોસ્તો અને મારું કુટુંબ હતું. તેઓથી પણ અલગ રહેવાનું હતું.” તેમ છતાં મે ૨૦૧૬માં તે કૅમરૂન રહેવા ગઈ. સમય જતાં જિઝેલે લિયૌન્સ જોડે લગ્‍ન કર્યા. પછી કૅમરૂનની શાખા કચેરીએ તેઓને એયોસ નામના નાનકડા શહેરમાં જવાનું કહ્યું, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી.

એયોસમાં જીવન કેવું હતું? જિઝેલ કહે છે, “ઘણી વાર અઠવાડિયાઓ સુધી લાઇટ આવતી ન હતી. અમે ફોન પણ ચાર્જ કરી શકતા ન હતા. આમેય ફોન ખાસ કંઈ કામ આવતો ન હતો. હું ચૂલા પર રસોઈ બનાવવાનું શીખી. અમે પાણી લેવા રાતે જતા કેમ કે ત્યારે પાણી ભરવાની જગ્યાએ ઓછી ભીડ થતી. અમે ટોર્ચ લઈને જતાં અને હાથલારીમાં પાણી લાવતા.” આટલી બધી મુશ્કેલીઓ છતાં તેઓ કઈ રીતે યહોવાની સેવામાં લાગુ રહી શક્યાં? જિઝેલ કહે છે, “યહોવાની પવિત્ર શક્તિએ અમને મદદ કરી. અમે બંનેએ એકબીજાને સાથ આપ્યો. અમારા કુટુંબના સભ્યો અને દોસ્તોએ ઉત્તેજન આપ્યું અને અમુક વાર તો તેઓએ પૈસા મોકલીને પણ અમારી મદદ કરી.”

શું જિઝેલ પોતાના દેશમાં પાછા જવાથી ખુશ છે? તે કહે છે, “હા, હું ખરેખર ખુશ છું. શરૂઆતમાં અમુક મુશ્કેલીઓ સહેવી પડી, અમારા પર નિરાશાનાં વાદળો છવાઈ ગયાં. પણ એક વાર એ બધામાંથી પસાર થયાં પછી અમને ખાતરી થઈ કે અહીં આવીને અમે ખરો નિર્ણય લીધો હતો. અમને યહોવા પર પૂરો ભરોસો છે અને અમે યહોવાની વધુ નજીક મહેસૂસ કરીએ છીએ.” લિયૌન્સ અને જિઝેલ રાજ્ય પ્રચારકો માટેની શાળામાં ગયાં અને આજે તેઓ થોડા સમય માટે ખાસ પાયોનિયર તરીકે સેવા આપી રહ્યાં છે.

એક માછીમાર દરેક મુશ્કેલીનો સામનો કરીને એવી જગ્યાએ માછલીઓ પકડવા જાય છે જ્યાં વધુ માછલીઓ હોય છે. એવી જ રીતે એવાં ભાઈ-બહેનો ઘણું બધું જતું કરીને પોતાના વતનમાં આવે છે, જ્યાં ખુશખબર સાંભળનારા ઘણા નમ્ર દિલના લોકો છે. યહોવાના નામ માટે તેઓએ જે પ્રેમ બતાવ્યો છે એને તે ક્યારેય નહિ ભૂલે. (નહે. ૫:૧૯; હિબ્રૂ. ૬:૧૦) જો તમે બીજા દેશમાં રહેતા હો અને તમારા વતનમાં વધુ પ્રચારકોની જરૂર હોય, તો શું તમે ત્યાં ફરી રહેવા જઈ શકો? જો તમે એવું કરશો, તો ગણ્યા ગણાય નહિ એટલા આશીર્વાદો તમને મળશે!—નીતિ. ૧૦:૨૨.