સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૬

હિંમત રાખો—યહોવા તમને મદદ કરનાર છે

હિંમત રાખો—યહોવા તમને મદદ કરનાર છે

“હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.”—હિબ્રૂ. ૧૩:૫.

ગીત ૩૩ ડરશો નહિ!

ઝલક *

૧. આપણને કોઈ મુશ્કેલી હોય તો ક્યાંથી દિલાસો મળી શકે? (ગીતશાસ્ત્ર ૧૧૮:૫-૭)

તમારા જીવનમાં શું કોઈ મુશ્કેલી આવી છે? એવા સમયે શું એવું લાગ્યું કે તમને મદદ કરનાર કોઈ નથી? યહોવાના વફાદાર ભક્તોને પણ એવું લાગ્યું હતું. (૧ રાજા. ૧૯:૧૪) શું તમને પણ કદી એવું લાગ્યું છે? જો એમ હોય તો યહોવાનું આ વચન યાદ રાખો: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” પછી આપણે પણ પૂરી ખાતરીથી કહી શકીશું: “યહોવા મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ.” (હિબ્રૂ. ૧૩:૫, ૬) એ શબ્દો પ્રેરિત પાઊલે ઈસવીસન ૬૧ની આસપાસ, યહુદિયામાં રહેતાં પોતાનાં સાથી ભાઈ-બહેનોને લખ્યાં હતાં. એવા જ કંઈક શબ્દો ગીતશાસ્ત્ર ૧૧૮:૫-૭માં જોવા મળે છે.—વાંચો.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું અને શા માટે?

ગીતશાસ્ત્રના એ લેખકની જેમ પાઊલને પણ લાગ્યું કે યહોવા તેમને મદદ કરે છે. પાઊલે હિબ્રૂઓને પત્ર લખ્યો, એના બે વર્ષ પહેલાં તેમણે એક મોટી મુશ્કેલીનો સામનો કર્યો હતો. પાઊલ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે દરિયામાં મોટું તોફાન આવ્યું. (પ્રે.કા. ૨૭:૪, ૧૫, ૨૦) એ મુસાફરી દરમિયાન અને એ પહેલાં પણ યહોવાએ પાઊલની ઘણી રીતોએ મદદ કરી હતી. એમાંની ત્રણ રીતો વિશે આપણે ચર્ચા કરીશું. ઈસુ અને સ્વર્ગદૂતો, અધિકારીઓ અને સાથી ભાઈ-બહેનો દ્વારા યહોવાએ પાઊલને મદદ પૂરી પાડી હતી. તો ચાલો પાઊલના જીવનમાં બનેલા એ બનાવોની ચર્ચા કરીએ. એનાથી ઈશ્વરનાં વચનોમાં આપણો ભરોસો મજબૂત થાય છે. એ પણ ખાતરી મળે છે કે યહોવાની મદદ માંગીશું ત્યારે તે આપણી તરફ મદદનો હાથ લંબાવશે.

ઈસુ અને સ્વર્ગદૂતો તરફથી મદદ

૩. પાઊલે શું વિચાર્યું હશે અને શા માટે?

ઈસવીસન ૫૬ની આસપાસ પાઊલ યરૂશાલેમના મંદિરમાં હતા. ટોળું તેમને ઘસડીને મંદિરની બહાર લઈ ગયું અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. બીજે દિવસે તેમને ન્યાયસભામાં લાવવામાં આવ્યા. દુશ્મનો તેમના ટુકડેટુકડા કરવા માંગતા હતા. (પ્રે.કા. ૨૧:૩૦-૩૨; ૨૨:૩૦; ૨૩:૬-૧૦) એ સમયે પાઊલે વિચાર્યું હશે કે, ‘આ બધું મારે ક્યાં સુધી સહેવું પડશે?’ પાઊલને ખરેખર મદદની જરૂર હતી.

૪. યહોવાએ ઈસુ દ્વારા પાઊલને કેવી મદદ કરી?

પાઊલને કેવી મદદ મળી? પાઊલને પકડવામાં આવ્યા એ રાતે “પ્રભુ” ઈસુ તેમને દેખાયા અને કહ્યું: “હિંમત રાખ! જેમ યરૂશાલેમમાં તું મારા વિશે પૂરી સાક્ષી આપતો આવ્યો છે, તેમ તારે રોમમાં પણ આપવાની છે.” (પ્રે.કા. ૨૩:૧૧) ઈસુએ પાઊલને સમયસરનું ઉત્તેજન આપ્યું! પાઊલે યરૂશાલેમમાં સંદેશો જણાવવા જે મહેનત કરી, એના ઈસુએ વખાણ કર્યા. એટલું જ નહિ, તેમણે ખાતરી આપી કે પાઊલ સહીસલામત રોમ પહોંચશે અને ત્યાં સંદેશો જણાવશે. એવી ખાતરી મેળવીને પાઊલને કેવું લાગ્યું હશે? એક નાનું બાળક પિતાની બાથમાં સલામતી અનુભવે છે એવું જ તેમને લાગ્યું હશે.

દરિયામાં ભારે તોફાન ચાલી રહ્યું છે અને એક સ્વર્ગદૂત પાઊલને ખાતરી આપી રહ્યા છે કે વહાણની જોખમ ભરેલી મુસાફરી કરનાર બધા લોકો બચી જશે (ફકરો ૫ જુઓ)

૫. યહોવાએ દૂત દ્વારા પાઊલને કેવી મદદ કરી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

પાઊલના જીવનમાં બીજી કઈ મુશ્કેલી આવી? યરૂશાલેમમાં એ બધું બન્યું એના આશરે બે વર્ષ પછી, પાઊલ વહાણમાં ઇટાલી જઈ રહ્યા હતા. એ સમયે તોફાની વાવાઝોડાની થપાટો વહાણને વાગવા લાગી. નાવિકો અને પ્રવાસીઓને લાગ્યું કે કોઈ બચશે નહિ. પણ પાઊલ જરાય ગભરાયા ન હતા. શા માટે? વહાણમાં બેઠેલાઓને તેમણે કહ્યું: “જે ઈશ્વરને હું ભજું છું અને જેમની પવિત્ર સેવા કરું છું, તેમનો દૂત રાતે મારી બાજુમાં ઊભો રહ્યો હતો અને કહ્યું હતું: ‘પાઊલ, ડરીશ નહિ. તારે સમ્રાટ આગળ ઊભા રહેવાનું છે. અને જો! તારી સાથે મુસાફરી કરનારા બધાના જીવન ઈશ્વર તારા લીધે બચાવવાના છે.’” યહોવાએ પાઊલને પહેલા ઈસુ દ્વારા ખાતરી આપી હતી. હવે તેમણે દૂત દ્વારા ફરી ખાતરી આપી. આમ, યહોવાએ જે વચન આપ્યું હતું એ પ્રમાણે પાઊલ રોમ પહોંચી ગયા.—પ્રે.કા. ૨૭:૨૦-૨૫; ૨૮:૧૬.

૬. ઈસુના કયા વચનથી આપણને ખૂબ હિંમત મળે છે અને શા માટે?

આપણને કેવી મદદ મળે છે? ઈસુએ પાઊલને જે રીતે મદદ કરી હતી એ રીતે આપણને પણ કરશે. તેમને પગલે ચાલનાર બધાને ઈસુએ વચન આપ્યું છે: “આ દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) ઈસુના એ શબ્દોથી આપણને ખૂબ હિંમત મળે છે. શા માટે? અમુક વાર અઘરા સંજોગો સહેવા સહેલું હોતું નથી. જેમ કે, કુટુંબમાં કોઈ ગુજરી જાય ત્યારે એ દુઃખ સહેવામાં દિવસો નહિ પણ વર્ષો લાગી જાય છે. વધતી જતી ઉંમરના લીધે આવતી તકલીફો સહેવી અમુક માટે અઘરું હોય છે. બીજા કેટલાક ખૂબ નિરાશ થઈ જાય છે, તેઓને માટે એક પળ જાણે વર્ષો વિતાવ્યા જેવું લાગે છે. તેમ છતાં, એ બધું સહેવા આપણને હિંમત મળે છે. કારણ કે આપણને ખાતરી છે કે ઈસુ “હંમેશાં” આપણી સાથે છે. આપણા માથે નિરાશાનાં વાદળો છવાયાં હોય ત્યારે પણ તે આપણી પડખે રહે છે.—માથ. ૧૧:૨૮-૩૦.

પ્રચારમાં આપણને દૂતો મદદ અને માર્ગદર્શન પૂરાં પાડે છે (ફકરો ૭ જુઓ)

૭. પ્રકટીકરણ ૧૪:૬ પ્રમાણે યહોવા આજે આપણને કઈ રીતે મદદ કરે છે?

બાઇબલમાંથી આપણને ખાતરી મળે છે કે યહોવા દૂતો દ્વારા આપણને મદદ કરે છે. (હિબ્રૂ. ૧:૭, ૧૪) દાખલા તરીકે, “રાજ્યની આ ખુશખબર” આપણે “દરેક દેશ, કુળ, બોલી અને પ્રજાને” જણાવીએ છીએ ત્યારે દૂતો મદદ અને માર્ગદર્શન આપે છે.—માથ. ૨૪:૧૩, ૧૪; પ્રકટીકરણ ૧૪:૬ વાંચો.

અધિકારીઓ તરફથી મદદ

૮. યહોવાએ કઈ રીતે અધિકારીઓ દ્વારા પાઊલની મદદ કરી?

પાઊલને કેવી મદદ મળી? ઈસવીસન ૫૬માં ઈસુએ ખાતરી આપી કે પાઊલ સહીસલામત રોમ પહોંચશે. પણ યરૂશાલેમમાં અમુક યહુદીઓએ પાઊલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. રોમન સેનાપતિ ક્લોદિયસ લુસિયસને એ કાવતરાની ખબર પડી ત્યારે તેણે પાઊલને બચાવવા પગલાં ભર્યાં. તેણે તરત સૈનિકોની ટોળીને હુકમ આપ્યો કે પાઊલને યરૂશાલેમથી ૧૦૫ કિલોમીટર દૂર કાઈસારીઆ સહીસલામત પહોંચાડે. પછી કાઈસારીઆના રાજ્યપાલ ફેલિક્સે હુકમ આપ્યો કે પાઊલને “હેરોદના મહેલમાં પહેરા નીચે રાખવામાં આવે.” એટલે જેઓ પાઊલની પાછળ પડ્યા હતા, તેઓ તેમનો વાળ પણ વાંકો વાળી ન શક્યા.—પ્રે.કા. ૨૩:૧૨-૩૫.

૯. રાજ્યપાલ ફેસ્તુસે કઈ રીતે પાઊલને મદદ કરી?

પાઊલને કાઈસારીઆની કેદમાં બે વર્ષ થયા હતા ત્યારે, ફેલિક્સની જગ્યાએ ફેસ્તુસ રાજ્યપાલ બન્યો. યહુદીઓએ ફેસ્તુસને અરજ કરી કે પાઊલને યરૂશાલેમ મોકલે, જેથી તેનો મુકદ્દમો લડવામાં આવે. પણ ફેસ્તુસે સાફ ના પાડી દીધી. કદાચ તે જાણતો હતો કે યહુદીઓનું “કાવતરું હતું કે રસ્તામાં સંતાઈ રહીને પાઊલ પર હુમલો કરવો અને તેને મારી નાખવો.”—પ્રે.કા. ૨૪:૨૭–૨૫:૫.

૧૦. પાઊલે સમ્રાટ પાસે જવાનું કહ્યું ત્યારે ફેસ્તુસે શું કર્યુ?

૧૦ પછીથી કાઈસારીઆમાં પાઊલનો મુકદ્દમો લડવામાં આવ્યો. ફેસ્તુસ “યહુદીઓને રાજી કરવા” માંગતો હતો. એટલે તેણે પાઊલને પૂછ્યું: “શું તું યરૂશાલેમ જઈને ત્યાં મારી હાજરીમાં આનો ન્યાય મેળવવા ચાહે છે?” પાઊલ જાણતા હતા કે યરૂશાલેમમાં તેમને કદાચ મારી નાખવામાં આવે. તેમને ખબર હતી કે પોતાનું જીવન બચાવવા અને રોમમાં જઈને સંદેશો જણાવવા તેમણે શું કરવાનું છે. એટલે તેમણે કહ્યું: “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” ફેસ્તુસે પોતાના સલાહકારોને પૂછ્યા પછી પાઊલને કહ્યું: “તેં સમ્રાટ પાસે ન્યાય માંગ્યો છે; એટલે, તું સમ્રાટ પાસે જઈશ.” ફેસ્તુસે પાઊલને રોમ મોકલવાનો નિર્ણય કર્યો, એટલે પાઊલનો દુશ્મનોથી બચાવ થયો. કારણ કે પાઊલ દુશ્મનોના પંજામાંથી દૂર રોમ જવાના હતા.—પ્રે.કા. ૨૫:૬-૧૨.

૧૧. પાઊલને યશાયાના કયા શબ્દોથી હિંમત મળી હશે?

૧૧ પાઊલ ઇટાલી જવાની તૈયારી કરતા હતા ત્યારે તેમને યશાયા પ્રબોધકના શબ્દો યાદ આવ્યા હશે. યહોવાએ વિરોધીઓને ચેતવણી આપવા યશાયા પાસે લખાવ્યું હતું: ‘યોજના કરો અને એ નિષ્ફળ જશે. ઠરાવ જાહેર કરો ને એ ફોકટ જશે. કેમ કે ઈશ્વર અમારી સાથે છે.’ (યશા. ૮:૧૦) એ શબ્દોથી પાઊલને ખાતરી થઈ હશે કે યહોવા તેમની મદદ કરશે. આગળ જતાં તેમને ભાવિમાં આવનાર મુશ્કેલીઓનો સામનો કરવા ચોક્કસ હિંમત મળી હશે.

યહોવા આજે પણ અધિકારીઓ દ્વારા પોતાના સેવકોનું રક્ષણ કરી શકે છે (ફકરા ૧૨ જુઓ)

૧૨. રોમન અધિકારી જુલિયસે શું કર્યું? એનાથી પાઊલને શું સમજાઈ ગયું?

૧૨ ઈસવીસન ૫૮માં પાઊલ ઇટાલી જવા વહાણમાં બેઠા. કેદી હોવાથી તે રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસની દેખરેખ હેઠળ હતા. પાઊલ પર કૃપા કરવી કે તેમનું જીવન દુઃખોથી ભરી દેવું એ જુલિયસના હાથમાં હતું. જુલિયસે શું કર્યું? બીજે દિવસે વહાણ સિદોન પહોંચ્યું ત્યારે, “જુલિયસે પાઊલ પર દયા બતાવી. પાઊલ પોતાના મિત્રોને ત્યાં જઈને મહેમાનગતિ માણી શકે, એવી તેણે છૂટ આપી.” પછી જુલિયસે પાઊલનું જીવન બચાવ્યું. કઈ રીતે? સૈનિકો વહાણના બધા કેદીઓને મારી નાખવા માંગતા હતા, પણ જુલિયસે તેઓને રોક્યા. શા માટે? કારણ કે તેનો “ઇરાદો પાઊલને બચાવવાનો હતો.” પાઊલને સમજાઈ ગયું કે એ અધિકારીનો ઉપયોગ કરીને યહોવા તેમને મદદ અને રક્ષણ પૂરું પાડી રહ્યા છે.—પ્રે.કા. ૨૭:૧-૩, ૪૨-૪૪.

ફકરા ૧૩ જુઓ

૧૩. યહોવા અધિકારીઓ પાસે શું કરાવી શકે છે?

૧૩ આપણને કેવી મદદ મળે છે? યહોવા પોતાનો હેતુ પૂરો કરવા, પવિત્ર શક્તિ દ્વારા અધિકારીઓ પાસે જે ચાહે એ કરાવી શકે છે. રાજા સુલેમાને લખ્યું હતું, “પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.” (નીતિ. ૨૧:૧) એનો શો અર્થ થાય? માણસો પાણીના પ્રવાહને ચાહે એ દિશામાં વાળી શકે છે, એ માટે તેઓ નહેર બનાવે છે. એવી જ રીતે યહોવા પવિત્ર શક્તિ દ્વારા અધિકારીઓનું મન બદલી શકે છે અને તેઓ પાસે પોતાનો હેતુ પૂરો કરાવી શકે છે. એટલે અધિકારીઓ એવા નિર્ણયો લે છે, જેનાથી ઈશ્વરના લોકોને ફાયદો થાય.—એઝરા ૭:૨૧, ૨૫, ૨૬ સરખાવો.

૧૪. પ્રેરિતોનાં કાર્યો ૧૨:૫ પ્રમાણે આપણે કોના માટે પ્રાર્થના કરી શકીએ?

૧૪ આપણે શું કરી શકીએ? “રાજાઓ અને ઊંચી પદવી ધરાવનારા” લોકો આપણાં પ્રચારકામ અને ભક્તિને લગતાં કામો વિશે સારો નિર્ણય લઈ શકે માટે પ્રાર્થના કરી શકીએ. (૧ તિમો. ૨:૧, ૨, ફૂટનોટ; નહે. ૧:૧૧) પ્રથમ સદીના ઈશ્વરભક્તોની જેમ આપણે એવાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી શકીએ જેઓ કેદમાં છે. (પ્રેરિતોનાં કાર્યો ૧૨:૫ વાંચો; હિબ્રૂ. ૧૩:૩) આપણે એ કેદના અધિકારીઓ માટે પણ પ્રાર્થના કરી શકીએ. આપણે યહોવાને એવી પ્રાર્થના કરીએ કે એ અધિકારીઓ જુલિયસની જેમ આપણાં ભાઈ-બહેનો માટે “માનવતા” બતાવે.— પ્રેરિતોનાં કાર્યો ૨૭:૩, ફૂટનોટ.

ભાઈ-બહેનો તરફથી મદદ

૧૫-૧૬. યહોવાએ આરીસ્તાર્ખસ અને લુક દ્વારા પાઊલને કેવી મદદ પૂરી પાડી?

૧૫ પાઊલને કેવી મદદ મળી? રોમની મુસાફરી દરમિયાન પાઊલને યહોવાએ ભાઈ-બહેનો દ્વારા અવારનવાર મદદ પૂરી પાડી. ચાલો એના અમુક દાખલા જોઈએ.

૧૬ પાઊલ સાથે તેમના બે મિત્રો આરીસ્તાર્ખસ અને લુકે રોમની મુસાફરી કરી. * બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે, આરીસ્તાર્ખસ અને લુક સહીસલામત રોમ પહોંચશે એવું ઈસુએ વચન આપ્યું હોય. તેમ છતાં તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાઊલ સાથે રોમની મુસાફરી કરે છે. પછીથી મુસાફરી દરમિયાન તેઓને ખબર પડી કે તેઓનું જીવન બચી જશે. એટલે જ્યારે આરીસ્તાર્ખસ અને લુક તેમની સાથે મુસાફરી કરવા તૈયાર થયા ત્યારે, પાઊલની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હશે. યહોવાએ બે બહાદુર મિત્રો દ્વારા મદદ પૂરી પાડી એ માટે પાઊલે દિલથી આભાર માન્યો.—પ્રે.કા. ૨૭:૧, ૨, ૨૦-૨૫.

૧૭. યહોવાએ ભાઈ-બહેનો દ્વારા પાઊલને કેવી મદદ પૂરી પાડી?

૧૭ મુસાફરી દરમિયાન પાઊલને ઘણાં ભાઈ-બહેનોએ મદદ કરી. દાખલા તરીકે, તેમનું વહાણ સિદોન બંદરે પહોંચ્યું ત્યારે “પોતાના મિત્રોને ત્યાં જઈને મહેમાનગતિ માણી શકે” માટે તેમણે જુલિયસ પાસે પરવાનગી માંગી. જુલિયસે તેમને છૂટ આપી. પછી પાઊલ અને તેમના સાથીદારો પુત્યોલી પહોંચ્યા ત્યારે, તેઓને ‘ભાઈઓ મળ્યા અને તેઓએ ત્યાં સાત દિવસ રોકાઈ જવાની અરજ કરી.’ એ બધી જગ્યાએ ભાઈ-બહેનોએ પાઊલ અને તેમના સાથીદારોને જરૂરી બધું પૂરું પાડ્યું હતું. પાઊલે પણ સારા અનુભવો જણાવીને તેઓને ઉત્તેજન આપ્યું હતું. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨, ૩ સરખાવો.) ભાઈ-બહેનોની મદદ અને ઉત્તેજન મેળવીને પાઊલ અને તેમના સાથીદારો મુસાફરીમાં આગળ વધે છે.—પ્રે.કા. ૨૭:૩; ૨૮:૧૩, ૧૪

પાઊલની જેમ આપણને પણ યહોવા ભાઈ-બહેનો દ્વારા મદદ કરે છે (ફકરા ૧૮ જુઓ)

૧૮. પાઊલે શા માટે ઈશ્વરનો આભાર માન્યો?

૧૮ પાઊલ પુત્યોલીથી રોમ ચાલીને જાય છે. એ સમયે તેમણે ત્રણ વર્ષ પહેલાં રોમના મંડળને જે લખ્યું હતું એનો વિચાર કર્યો હશે. તેમણે લખ્યું હતું: “ઘણાં વર્ષોથી તમારી પાસે આવવાની મને ઝંખના છે.” (રોમ. ૧૫:૨૩) તેમણે ક્યારેય એવું વિચાર્યું નહિ હોય કે તે કેદી તરીકે રોમ જશે. પણ તેમને ખબર પડી કે રોમનાં ભાઈ-બહેનો તેમને મળવા રસ્તામાં રાહ જોઈ રહ્યા છે. એ જોઈને તેમના દિલને કેટલી ઠંડક મળી હશે! બાઇબલમાં લખ્યું છે, “તેઓને જોઈને પાઊલે ઈશ્વરનો આભાર માન્યો અને તેમને હિંમત મળી.” (પ્રે.કા. ૨૮:૧૫) તમે જોયું, પાઊલે ભાઈ-બહેનો માટે યહોવાનો આભાર માન્યો. શા માટે? કારણ કે તે જોઈ શક્યા કે ભાઈ-બહેનોની મદદ પાછળ યહોવાનો હાથ છે.

ફકરા ૧૯ જુઓ

૧૯. પહેલો પીતર ૪:૧૦ પ્રમાણે યહોવા કઈ રીતે આપણો ઉપયોગ કરીને બીજાઓને મદદ કરે છે?

૧૯ આપણે શું કરી શકીએ? શું તમારા મંડળમાં એવાં કોઈ ભાઈ કે બહેન છે જે બીમાર હોય? અથવા તે બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય? અથવા તેમણે પોતાનાં સગાંવહાલાંમાંથી કોઈને મરણમાં ગુમાવ્યા હોય? જો આપણને એ વિશે ખબર પડે તો યહોવાને પ્રાર્થના કરીએ. યહોવા પાસે મદદ માંગીએ કે આપણે તેમની સાથે પ્રેમથી વાત કરી શકીએ અને તેમના માટે કંઈક કરી શકીએ. આપણાં વાણી-વર્તનથી કદાચ તેઓને જરૂરી ઉત્તેજન મળશે. (૧ પીતર ૪:૧૦ વાંચો.) * એવું ઉત્તેજન મેળવીને તેઓનો યહોવાના આ વચન પર ભરોસો વધશે: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” એ જોઈને તમને પણ ખુશી થશે, ખરું ને!

૨૦. આપણે કેમ પૂરા ભરોસાથી કહી શકીએ કે “યહોવા મને મદદ કરનાર છે”?

૨૦ પાઊલ અને તેમના સાથીદારોની જેમ આપણા જીવનમાં પણ તોફાનો જેવી મુશ્કેલીઓ આવી શકે છે. એવા સમયે આપણે હિંમત રાખીએ. કારણ કે આપણને ખબર છે કે યહોવા આપણી પડખે છે. ઈસુ અને દૂતો દ્વારા તે આપણને મદદ કરે છે. પોતાનો હેતુ પૂરો કરવા યહોવા અધિકારીઓ દ્વારા પણ આપણને મદદ પૂરી પાડે છે. પવિત્ર શક્તિ દ્વારા ભાઈ-બહેનોને તે આપણી મદદ કરવા પ્રેરે છે. એનો આપણે બધાએ અનુભવ કર્યો છે. એટલે આપણે પાઊલની જેમ પૂરા ભરોસા સાથે કહી શકીશું કે “યહોવા મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ; માણસ મને શું કરશે?”—હિબ્રૂ. ૧૩:૬.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

^ ફકરો. 5 આ લેખમાં બતાવ્યું છે કે પ્રેરિત પાઊલ સામે મોટી મુશ્કેલીઓ આવી ત્યારે, યહોવાએ કઈ ત્રણ રીતોથી તેમની મદદ કરી હતી. આપણે એ પણ જોઈશું કે યહોવાએ અગાઉના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ કરી હતી. એમ કરીશું તો જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણને ખાતરી મળશે કે યહોવા આપણી પણ મદદ કરશે.

^ ફકરો. 16 આરીસ્તાર્ખસ અને લુકે પહેલાં પણ પાઊલ સાથે મુસાફરી કરી હતી. એ ભાઈઓએ રોમની કેદમાં પણ પાઊલને સાથ આપ્યો.—પ્રે.કા. ૧૬:૧૦-૧૨; ૨૦:૪; કોલો. ૪:૧૦, ૧૪.