સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૫

એકબીજાને અતૂટ પ્રેમ બતાવીએ

એકબીજાને અતૂટ પ્રેમ બતાવીએ

“એકબીજા સાથે અતૂટ પ્રેમ અને દયાથી વર્તો.”—ઝખા. ૭:૯, ફૂટનોટ.

ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ

ઝલક *

૧-૨. આપણે કેમ એકબીજાને અતૂટ પ્રેમ બતાવવો જોઈએ?

 એકબીજાને અતૂટ પ્રેમ બતાવવા આપણી પાસે ઘણાં કારણો છે. અમૂક કારણો નીતિવચનોના પુસ્તકમાં જોવા મળે છે: “અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવાનું છોડતો નહિ. . . . ત્યારે તું ઈશ્વરની અને લોકોની કૃપા મેળવીશ અને તેઓની નજરમાં સમજુ ગણાઈશ.” “અતૂટ પ્રેમ બતાવતો માણસ પોતાનું ભલું કરે છે.” ‘જે કોઈ ખરું કરવા મહેનત કરે છે અને અતૂટ પ્રેમ બતાવે છે, તેને જીવન મળે છે.’—નીતિ. ૩:૩, ૪; ૧૧:૧૭, ફૂટનોટ; ૨૧:૨૧.

અતૂટ પ્રેમ કેમ બતાવવો જોઈએ, એ વિશે નીતિવચનોની કલમોમાં ત્રણ મહત્ત્વનાં કારણો જણાવ્યાં છે. એક, અતૂટ પ્રેમ બતાવવાથી આપણે યહોવાની નજરમાં અનમોલ ગણાઈએ છીએ. બે, અતૂટ પ્રેમ બતાવવાથી આપણને જ ફાયદો થાય છે. જેમ કે, આપણે સારા મિત્રો બનાવી શકીએ છીએ. ત્રણ, અતૂટ પ્રેમ બતાવવાથી આપણને ભાવિમાં ઘણા આશીર્વાદો અને હંમેશ માટેનું જીવન મળશે. એટલે ચાલો, આપણે યહોવાની આ વાત માનીએ: “એકબીજા સાથે અતૂટ પ્રેમ અને દયાથી વર્તો.”—ઝખા. ૭:૯, ફૂટનોટ.

૩. આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

આ લેખમાં ચાર સવાલોની ચર્ચા કરીશું. આપણે કોને અતૂટ પ્રેમ બતાવવો જોઈએ? રૂથના પુસ્તકમાંથી અતૂટ પ્રેમ બતાવવા વિશે શું શીખી શકીએ? આપણે કઈ રીતે અતૂટ પ્રેમ બતાવી શકીએ? અને અતૂટ પ્રેમ બતાવવાથી આપણને કેવા ફાયદા થાય છે?

આપણે કોને અતૂટ પ્રેમ બતાવવો જોઈએ?

૪. આપણે યહોવાની જેમ અતૂટ પ્રેમ કઈ રીતે બતાવી શકીએ? (માર્ક ૧૦:૨૯, ૩૦)

ગયા લેખમાં જોયું કે યહોવા ફક્ત એવા લોકોને અતૂટ પ્રેમ બતાવે છે, જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની ભક્તિ કરે છે. તે પોતાના ભક્તોને હંમેશાં સાથ આપે છે. (દાનિ. ૯:૪) આપણે “વહાલાં બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ” કરવા માંગીએ છીએ. (એફે. ૫:૧) એટલે ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ કરીએ અને હંમેશાં તેઓને સાથ આપીએ.—માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.

૫-૬. ઉદાહરણથી સમજાવો કે કેવી વ્યક્તિને “વફાદાર” કહી શકાય.

અતૂટ પ્રેમને સારી રીતે સમજીશું તો જ ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ બતાવી શકીશું. લોકોને લાગે છે કે જો વ્યક્તિ વફાદાર હોય તો એનો અર્થ થાય કે તે અતૂટ પ્રેમ બતાવે છે. શું આ બંને ગુણો એક જ છે? ચાલો એક ઉદાહરણથી સમજીએ.

  એક વ્યક્તિ વર્ષોથી એક જ કંપનીમાં કામ કરે તો તેને એક વફાદાર કર્મચારી કહી શકાય. આટલાં વર્ષોમાં તે કદાચ પોતાના માલિકને મળ્યોય ન હોય. દર વખતે તે કંપનીના નિર્ણયોથી સહમત ન પણ હોય. તો પછી તે ત્યાં કેમ કામ કરતો રહે છે? તે કંપનીને પ્રેમ કરે છે એટલે નહિ, પણ એ નોકરીથી તેનું ગુજરાન ચાલે છે. જો એ વ્યક્તિને બીજી કોઈ સારી જગ્યાએ નોકરી મળી જાય, તો તે આ કંપની છોડી દે.

૭-૮. (ક) વ્યક્તિ કેમ અતૂટ પ્રેમ બતાવે છે? (ખ) આપણે રૂથના પુસ્તકમાંથી શું શીખીશું?

 છઠ્ઠા ફકરાથી ખબર પડે છે કે ઘણી વાર વ્યક્તિ મજબૂરીને કારણે વફાદાર રહે છે. પણ અતૂટ પ્રેમ માટે એવું હોતું નથી. વ્યક્તિ દિલથી પ્રેરાઈને અતૂટ પ્રેમ બતાવે છે. બાઇબલમાં લખ્યું છે કે ઘણા ઈશ્વરભક્તો ફરજ પડ્યાને લીધે નહિ, પણ દિલથી એકબીજાને અતૂટ પ્રેમ કરતા હતા. ચાલો દાઉદનો દાખલો જોઈએ. યોનાથાનના પિતા શાઉલ દાઉદને મારી નાખવા માંગતા હતા. છતાં દાઉદ પોતાના જિગરી દોસ્ત યોનાથાનને અતૂટ પ્રેમ કરતા રહ્યા. દાઉદે એ પ્રેમ કોઈ મજબૂરીમાં નહિ પણ દિલથી બતાવ્યો હતો. યોનાથાનના મરણ પછી તેમના દીકરા મફીબોશેથને પણ દાઉદ અતૂટ પ્રેમ કરતા રહ્યા.—૧ શમુ. ૨૦:૯, ૧૪, ૧૫; ૨ શમુ. ૪:૪; ૮:૧૫; ૯:૧, ૬, ૭.

હવે આપણે રૂથના પુસ્તકમાંથી શીખીશું. એ પુસ્તકમાં જણાવેલા લોકોએ કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો અને આપણે કઈ રીતે મંડળમાં અતૂટ પ્રેમ બતાવી શકીએ એ જોઈશું. *

રૂથના પુસ્તકમાંથી અતૂટ પ્રેમ બતાવવા વિશે શું શીખી શકીએ?

૯. નાઓમીને કેમ એવું લાગ્યું કે યહોવાએ તેમનાથી મોં ફેરવી લીધું છે?

રૂથના પુસ્તકમાં ખાસ કરીને ત્રણ લોકો વિશે જણાવ્યું છે. નાઓમી, તેમની વહુ રૂથ અને બોઆઝ, જે નાઓમીના પતિના સગા હતા. તે યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. ઇઝરાયેલમાં દુકાળ પડ્યો ત્યારે, નાઓમી પોતાના પતિ અને બંને દીકરાઓ સાથે મોઆબ જતાં રહ્યાં. ત્યાં તેમનાં પતિનું મરણ થયું. પછી બંને દીકરાઓએ લગ્‍ન કર્યું. થોડા સમય પછી તેઓનું પણ મરણ થયું. (રૂથ ૧:૩-૫; ૨:૧) આ કરુણ બનાવને લીધે નાઓમી પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. તેમને લાગ્યું કે યહોવાએ તેમનાથી મોં ફેરવી લીધું છે. તે એટલાં નિરાશ થઈ ગયાં કે તેમણે કહ્યું, ‘યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. સર્વશક્તિમાને મારું જીવન કડવાશથી ભરી દીધું છે. ખુદ યહોવા મારી વિરુદ્ધ થયા છે અને સર્વશક્તિમાન મારા પર આફત લાવ્યા છે.’—રૂથ ૧:૧૩, ૨૦, ૨૧.

૧૦. નાઓમીની વાત સાંભળીને યહોવાએ શું કર્યું?

૧૦ નાઓમીની વાત સાંભળીને યહોવા ગુસ્સે ન થયા કે તેમને છોડી ન દીધા. પણ યહોવાએ તેમને હમદર્દી બતાવી. તે સારી રીતે સમજે છે કે મુશ્કેલીઓમાં અથવા “જુલમને લીધે સમજુ માણસ મૂર્ખ બને છે.” (સભા. ૭:૭) યહોવાએ કઈ રીતે ભરોસો અપાવ્યો કે તે નાઓમીની પડખે છે? (૧ શમુ. ૨:૮) યહોવાએ રૂથને પ્રેરણા આપી કે તે નાઓમીને અતૂટ પ્રેમ બતાવે. રૂથે નાઓમીને નિરાશામાંથી બહાર આવવા મદદ કરી અને ભરોસો અપાવ્યો કે યહોવા હજી તેમને પ્રેમ કરે છે. રૂથના ઉદાહરણથી આપણે શું શીખી શકીએ?

૧૧. ઘણાં ભાઈ-બહેનો કેમ નિરાશ લોકોની મદદ કરે છે?

૧૧ આપણે અતૂટ પ્રેમ કરતા હોઈશું તો નિરાશ કે દુઃખી ભાઈ-બહેનોને મદદ કરવા દોડી જઈશું. રૂથે નાઓમીનો સાથ કદી ન છોડ્યો. એવી જ રીતે આજે પ્રેમાળ ભાઈ-બહેનો મંડળના દુઃખી અને નિરાશ લોકોને હંમેશાં સાથ આપે છે. તેઓ એવા લોકોને ખૂબ જ પ્રેમ કરે છે અને મદદ કરવા બનતું બધું જ કરે છે. (નીતિ. ૧૨:૨૫, ફૂટનોટ; ૨૪:૧૦) આમ તેઓ પ્રેરિત પાઉલની આ સલાહ પાળે છે: “નિરાશ થઈ ગયેલા લોકોને દિલાસો આપો, નબળા લોકોને સાથ આપો અને બધા સાથે ધીરજથી વર્તો.”—૧ થેસ્સા. ૫:૧૪.

નિરાશ ભાઈ-બહેનોની વાત ધ્યાનથી સાંભળીને આપણે તેઓને મદદ કરી શકીએ છીએ (ફકરો ૧૨ જુઓ)

૧૨. નિરાશ ભાઈ કે બહેનને મદદ કરવાની એક સારી રીત કઈ છે?

૧૨ નિરાશ ભાઈ કે બહેનને મદદ કરવાની એક સારી રીત છે કે તેમનું ધ્યાનથી સાંભળીએ. તેમને ખાતરી અપાવીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. એ ભાઈ કે બહેન યહોવા માટે ઘણાં કીમતી છે. એટલે તેમની કાળજી રાખીએ છીએ ત્યારે યહોવા આપણી કદર કરે છે. (હિબ્રૂ. ૬:૧૦) ગીતશાસ્ત્ર ૪૧:૧ કહે છે, “ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે. યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.”

રૂથ પોતાની સાસુ નાઓમી સાથે રહે છે, પણ ઓર્પાહ મોઆબ પાછી જતી રહે છે. રૂથ નાઓમીને કહે છેઃ “જ્યાં તમે જશો, ત્યાં હું જઈશ” (ફકરો ૧૩ જુઓ)

૧૩. (ક) રૂથનો નિર્ણય ઓર્પાહના નિર્ણયથી કઈ રીતે અલગ હતો? (ખ) રૂથે એ નિર્ણય કેમ લીધો? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૩ અતૂટ પ્રેમ કરતા હોઈશું તો આપણે બીજું પણ કંઈક કરીશું. ચાલો એ જાણવા વિચાર કરીએ કે નાઓમીના પતિ અને દીકરાઓનું મરણ થયું પછી શું બન્યું. નાઓમીને ખબર પડી કે “યહોવાએ પોતાના લોકો પર રહેમનજર કરીને ખોરાક પૂરો પાડ્યો છે,” એટલે તેમણે પોતાના દેશ પાછાં જવાનું વિચાર્યું. (રૂથ ૧:૬) બંને વહુઓ પણ તેમની સાથે જવા નીકળી. રસ્તામાં નાઓમીએ ત્રણ વાર વહુઓને કહ્યું કે તેઓ પોતાના દેશ પાછી જતી રહે. પછી, “ઓર્પાહે પોતાની સાસુને ચુંબન કર્યું અને વિદાય લીધી. પણ રૂથે નાઓમીનો સાથ છોડ્યો નહિ.” (રૂથ ૧:૭-૧૪) ઓર્પાહે એ જ કર્યું જે નાઓમીએ કહ્યું હતું. પણ રૂથે કંઈક વધારે કર્યું. તે પોતાના ઘરે પાછી જઈ શકતી હતી, પણ તે નાઓમીને અતૂટ પ્રેમ કરતી હતી. એટલે તેણે નક્કી કર્યું કે તે નાઓમીને સાથ આપશે. (રૂથ ૧:૧૬, ૧૭) રૂથે એ નિર્ણય મજબૂરીમાં લીધો ન હતો, પણ તે દિલથી નાઓમીને મદદ કરવા માંગતી હતી. આમ રૂથે નાઓમીને અતૂટ પ્રેમ બતાવ્યો. એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪. (ક) આજે યહોવાના ભક્તો શું કરે છે? (ખ) હિબ્રૂઓ ૧૩:૧૬ પ્રમાણે ઈશ્વર કેવાં બલિદાનોથી ખુશ થાય છે?

૧૪ અતૂટ પ્રેમ હશે તો પોતાનાથી થઈ શકે એનાથી વધારે કરીશું. પહેલાંના સમયની જેમ, આજે પણ યહોવાના ભક્તો એવાં ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ બતાવે છે, જેઓને તેઓ ઓળખતા પણ ન હોય. દાખલા તરીકે જ્યારે ખબર પડે કે કોઈ જગ્યાએ આફત આવી પડી છે, ત્યારે તેઓ ત્યાંનાં ભાઈ-બહેનોની મદદ માટે આગળ આવે છે. મંડળમાં કોઈને પૈસાની તંગી ઊભી થાય ત્યારે પણ તરત મદદ આપે છે. પહેલી સદીના મકદોનિયાના ખ્રિસ્તીઓની જેમ આજે ભાઈ-બહેનો, “પોતાની શક્તિ કરતાં વધારે” આપે છે. (૨ કોરીં. ૮:૩) જરૂર હોય એવાં ભાઈ-બહેનોને મદદ કરવા તેઓ ઘણું જતું કરે છે. તેઓ પોતાનો સમય અને વસ્તુઓ ભાઈ-બહેનો માટે ખર્ચી નાખે છે. એ જોઈને યહોવાને કેટલી ખુશી થતી હશે!—હિબ્રૂઓ ૧૩:૧૬ વાંચો.

આપણે કઈ રીતે અતૂટ પ્રેમ બતાવી શકીએ?

૧૫-૧૬. રૂથે શું કર્યું?

૧૫ રૂથ અને નાઓમીના કિસ્સામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. ચાલો અમુક બાબતો જોઈએ.

૧૬ પ્રયત્નો કરતા રહીએ. નાઓમી સાથે યહૂદા જવા રૂથ તૈયાર થઈ ત્યારે નાઓમીએ પહેલા ના પાડી. પણ રૂથ હિંમત હારી નહિ. તે પ્રયત્નો કરતી રહી અને પોતાની વાત પર મક્કમ રહી. ‘નાઓમીએ જોયું કે રૂથે તેમની સાથે આવવાનો પાકો નિર્ણય કર્યો છે. એટલે તેમણે તેને મનાવવાનું છોડી દીધું.’—રૂથ ૧:૧૫-૧૮.

૧૭. પ્રયત્નો કરતા રહેવા આપણને શું મદદ કરશે?

૧૭ કઈ રીતે લાગુ પાડી શકીએ? નિરાશ લોકોને મદદ કરવા ધીરજની જરૂર પડે છે. એટલે આપણે પ્રયત્નો કરવાનું પડતું ન મૂકીએ. કદાચ એક બહેન શરૂઆતમાં મદદ લેવાની ના પાડે. * આપણે તેમને અતૂટ પ્રેમ કરીએ છીએ. એટલે તેમનો સાથ છોડીએ નહિ અને મદદ કરવા પ્રયત્નો કરતા રહીએ. (ગલા. ૬:૨) આજે નહિ તો કાલે તે જરૂર મદદ સ્વીકારશે.

૧૮. રૂથને કઈ વાતનું ખોટું લાગ્યું હશે?

૧૮ ખોટું ન લગાડીએ. નાઓમી અને રૂથ બેથલેહેમ આવી પહોંચ્યાં. નાઓમી પોતાના જૂના પડોશીને મળ્યાં. તેમણે તેઓને કહ્યું, “હું ગઈ ત્યારે મારી પાસે બધું જ હતું, પણ હવે યહોવા મને ખાલી હાથે પાછી લાવ્યા છે.” (રૂથ ૧:૨૧) જરા વિચારો, એ સાંભળીને રૂથને કેવું લાગ્યું હશે! તેણે નાઓમી માટે કેટકેટલું કર્યું હતું. તે નાઓમી સાથે રડી, તેમને દિલાસો આપ્યો અને કેટલાય દિવસો ચાલીને તેમની સાથે બેથલેહેમ આવી. તેમ છતાં નાઓમીએ કહ્યું, “યહોવા મને ખાલી હાથે પાછી લાવ્યા છે.” રૂથે જે મદદ કરી એ વિશે તો નાઓમી એક શબ્દ પણ બોલ્યાં નહિ. એ સાંભળીને બાજુમાં ઊભેલી રૂથને કેટલું ખોટું લાગ્યું હશે! તેમ છતાં રૂથે નાઓમીનો સાથ છોડ્યો નહિ.

૧૯. નિરાશામાં હોય તેઓને સાથ આપવા આપણને શું મદદ કરશે?

૧૯ કઈ રીતે લાગુ પાડી શકીએ? એક નિરાશ બહેનને મદદ કરવા આપણે ઘણા પ્રયત્નો કરીએ. પણ તે કદાચ એવું કંઈક કહી જાય જેનાથી આપણું દિલ દુભાય. એ સમયે આપણે ખોટું ન લગાડીએ પણ એ બહેનને સાથ આપતા રહીએ. યહોવાને પ્રાર્થના કરીએ જેથી આપણે એ બહેનને દિલાસો આપી શકીએ.—નીતિ. ૧૭:૧૭.

મંડળના વડીલો કઈ રીતે બોઆઝ જેવા બની શકે? (ફકરા ૨૦-૨૧ જુઓ)

૨૦. રૂથને ખરા સમયે ક્યાંથી ઉત્તેજન મળ્યું?

૨૦ ખરા સમયે ઉત્તેજન આપવાનું ચૂકીએ નહિ. રૂથ નાઓમીને અતૂટ પ્રેમ કરતી હતી. પણ હવે રૂથને ઉત્તેજનની જરૂર હતી. એટલે યહોવાએ તેને ઉત્તેજન આપવા બોઆઝનો ઉપયોગ કર્યો. બોઆઝે રૂથને કહ્યું, “તેં જે કર્યું છે એ માટે યહોવા તને આશીર્વાદ આપે. ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાસેથી તને પૂરો બદલો મળે, જેમની પાંખો નીચે તું આશરો લેવા આવી છે.” એ વાત રૂથના દિલને સ્પર્શી ગઈ અને તેણે કહ્યું, “તમે મને દિલાસો આપ્યો છે. તમે તમારી આ દાસી સાથે વાત કરીને હિંમત વધારી છે.” (રૂથ ૨:૧૨, ૧૩) બોઆઝથી રૂથને ખરા સમયે ઉત્તેજન મળ્યું જેથી તે નાઓમીને મદદ કરતી રહી.

૨૧. યશાયા ૩૨:૧, ૨ પ્રમાણે વડીલોએ શું કરવું જોઈએ?

૨૧ કઈ રીતે લાગુ પાડી શકીએ? જેઓ બીજાઓને અતૂટ પ્રેમ કરે છે, તેઓને પણ ઘણી વખત ઉત્તેજનની જરૂર પડે છે. બોઆઝે જોયું કે રૂથ કઈ રીતે પોતાના સાસુની મદદ કરે છે. એટલે તેમણે રૂથની પ્રશંસા કરી. એવી જ રીતે વડીલોએ ધ્યાન આપવું જોઈએ કે મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે બીજાઓને મદદ કરે છે. પછી વડીલોએ સમયે સમયે તેઓની દિલથી પ્રશંસા કરવી જોઈએ. એનાથી એ ભાઈ-બહેનોને હિંમત મળશે કે તેઓ બીજાઓને મદદ કરતા રહે.—યશાયા ૩૨:૧, ૨ વાંચો.

અતૂટ પ્રેમ બતાવવાથી આપણને કેવા ફાયદા થાય છે?

૨૨-૨૩. કઈ રીતે નાઓમીના વિચારો બદલાયા અને કેમ? (ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩, ૨૬)

૨૨ અમુક સમય પછી બોઆઝે રૂથ અને નાઓમીને ઘણું અનાજ આપ્યું. (રૂથ ૨:૧૪-૧૮) તેમની ઉદારતા જોઈને નાઓમીએ કહ્યું, “જીવતાઓ અને ગુજરી ગયેલાઓ પર યહોવા પોતાનો અતૂટ પ્રેમ હંમેશાં બતાવે છે; તે બોઆઝને આશીર્વાદ આપે.” (રૂથ ૨:૨૦ક) તમે જોયું કે નાઓમીના વિચારો કેવા બદલાઈ ગયા. જ્યારે નાઓમી દુઃખી હતાં ત્યારે તેમણે કહ્યું, “યહોવા મારી વિરુદ્ધ થયા છે.” પણ હવે તે ખુશ હતાં એટલે તેમણે કહ્યું, “યહોવા પોતાનો અતૂટ પ્રેમ હંમેશાં બતાવે છે.” નાઓમીના વિચારો કેમ બદલાયા?

૨૩ નાઓમીને અહેસાસ થયો કે યહોવા જ છે, જે તેમની મદદ કરે છે. જ્યારે તે યહૂદા પાછાં આવી રહ્યાં હતાં, ત્યારે યહોવાએ નાઓમીને સાથ આપવા રૂથનો ઉપયોગ કર્યો. (રૂથ ૧:૧૬) તેઓના ‘છોડાવનારે’ એટલે કે બોઆઝે તેઓને ઘણું અનાજ આપ્યું. * એ સમયે પણ નાઓમી જોઈ શક્યાં કે એની પાછળ યહોવાનો હાથ હતો. (રૂથ ૨:૧૯, ૨૦ખ) આમ નાઓમી સમજી શક્યાં કે યહોવાએ તેમને ક્યારેય એકલાં પડવા દીધાં નથી. પણ હંમેશાં તેમને સાથ આપ્યો હતો. (ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩, ૨૬ વાંચો.) નાઓમીએ રૂથ અને બોઆઝનો ચોક્કસ આભાર માન્યો હશે. કેમ કે તેઓએ પણ હંમેશાં તેમની મદદ કરી હતી. રૂથ અને બોઆઝને કેટલો આનંદ થયો હશે કે નાઓમી ફરીથી ખુશી ખુશી યહોવાની સેવા કરવા લાગ્યાં!

૨૪. આપણે ભાઈ-બહેનોને કેમ અતૂટ પ્રેમ કરતા રહેવું જોઈએ?

૨૪ આપણે રૂથના પુસ્તકમાંથી અતૂટ પ્રેમ વિશે શું શીખ્યા? આપણે નિરાશ ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ કરતા હોઈશું તો, તેઓને મદદ કરવામાં કદી પાછા નહિ પડીએ, પણ વધારે મહેનત કરીશું. જે ભાઈ-બહેનો બીજાઓને મદદ કરે છે, તેઓને પણ વડીલોએ સમયે સમયે ઉત્તેજન આપવું જોઈએ. નિરાશ ભાઈ-બહેનો ફરીથી ખુશી મેળવે અને યહોવાની ભક્તિ કરવા લાગે ત્યારે આપણો આનંદ સમાતો નથી. (પ્રે.કા. ૨૦:૩૫) પણ ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ કરવા પાછળનું સૌથી મોટું કારણ કયું છે? આપણે યહોવાને અનુસરવા માંગીએ છીએ અને તેમના દિલને ખુશ કરવા માંગીએ છીએ, જે ‘અતૂટ પ્રેમના સાગર’ છે.—નિર્ગ. ૩૪:૬; ગીત. ૩૩:૨૨.

ગીત ૩૫ યહોવાની ધીરજ

^ ફકરો. 5 યહોવા ઇચ્છે છે કે આપણે મંડળનાં ભાઈ-બહેનોને અતૂટ પ્રેમ બતાવીએ. એ કઈ રીતે કરી શકીએ? અગાઉના ઈશ્વરભક્તોએ એ ગુણ બતાવ્યો હતો. તેઓના દાખલામાંથી આપણે એ ગુણને વધારે સારી રીતે સમજી શકીશું. આ લેખમાં આપણે રૂથ, નાઓમી અને બોઆઝના દાખલામાંથી શીખીશું.

^ ફકરો. 8 આ લેખને સારી રીતે સમજવા તમે રૂથના પુસ્તકમાંથી અધ્યાય ૧ અને જાતે વાંચી શકો.

^ ફકરો. 17 આ લેખમાં નાઓમીના દાખલાની ચર્ચા કરવામાં આવી છે. એટલે અહીંયા બહેનોની વાત કરી છે. જોકે એ મુદ્દા ભાઈઓને પણ એટલા જ લાગુ પડે છે.

^ ફકરો. 23 બોઆઝ વિશે વધુ જાણવા તેઓની શ્રદ્ધાને પગલે ચાલો પુસ્તકનું પ્રકરણ પાંચ, “સદ્‍ગુણી સ્ત્રી” જુઓ.