સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૪

યહોવાનો અતૂટ પ્રેમ

યહોવાનો અતૂટ પ્રેમ

“[યહોવાનો] અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”—ગીત. ૧૩૬:૧.

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

ઝલક *

૧. યહોવા આપણને શું કરવાનું ઉત્તેજન આપે છે?

 યહોવા ‘અતૂટ પ્રેમથી ખુશ થાય છે.’ (હોશિ. ૬:૬, ફૂટનોટ) તેમના માટે એ ગુણ ઘણો મહત્ત્વનો છે. તેમણે મીખાહ પ્રબોધક દ્વારા ઉત્તેજન આપ્યું કે આપણે પણ ‘અતૂટ પ્રેમને પ્રેમ કરીએ.’ (મીખા. ૬:૮, ફૂટનોટ) એ પહેલાં ચાલો જોઈએ કે અતૂટ પ્રેમ એટલે શું?

૨. અતૂટ પ્રેમ એટલે શું?

“અતૂટ પ્રેમ” પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં ૨૦૦થી વધારે વખત જોવા મળે છે. “બાઇબલ શબ્દસૂચિ” અતૂટ પ્રેમ વિશે આમ જણાવે છે: “જ્યારે કોઈ વફાદારીથી, ઊંડી લાગણીથી અને હંમેશાં સાથ આપવાની ભાવના સાથે પ્રેમ કરે છે, ત્યારે એને અતૂટ પ્રેમ કહેવામાં આવે છે. ખાસ કરીને ઈશ્વર મનુષ્યોને એવો પ્રેમ બતાવે છે. જોકે બે વ્યક્તિઓ વચ્ચે પણ અતૂટ પ્રેમ હોય શકે છે.” અતૂટ પ્રેમ બતાવવામાં યહોવાએ સૌથી ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. આ લેખમાં જોઈશું કે યહોવાએ માણસોને કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો છે. પછીના લેખમાં જોઈશું કે યહોવાના ભક્તો એકબીજાને કઈ રીતે એવો અતૂટ પ્રેમ બતાવી શકે.

યહોવા “અતૂટ પ્રેમના સાગર” છે

૩. યહોવાએ મૂસાને શું જણાવ્યું?

ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી નીકળ્યા એના થોડા સમય પછી યહોવાએ મૂસાને પોતાનાં નામ અને ગુણો વિશે જણાવ્યું. તેમણે કહ્યું, “યહોવા, યહોવા, દયા અને કરુણા બતાવનાર ઈશ્વર; જલદી ગુસ્સે ન થનાર; અતૂટ પ્રેમ અને સત્યના સાગર; હજારો પેઢીઓને અતૂટ પ્રેમ બતાવનાર; ભૂલો, અપરાધો અને પાપોને માફ કરનાર.” (નિર્ગ. ૩૪:૬, ૭) એ કલમોમાં યહોવાએ પોતાના અતૂટ પ્રેમ વિશે એક ખાસ વાત જણાવી. એ શું હતી?

૪-૫. (ક) યહોવાએ પોતાના વિશે શું કહ્યું? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

યહોવાએ ફક્ત એટલું જ જણાવ્યું ન હતું કે તે અતૂટ પ્રેમ કરે છે, પણ તેમણે કહ્યું તે “અતૂટ પ્રેમના સાગર” છે. એ શબ્દો બાઇબલમાં ઘણી વાર જોવા મળે છે. (ગણ. ૧૪:૧૮; નહે. ૯:૧૭; ગીત. ૮૬:૧૫; ૧૦૩:૮; યોએ. ૨:૧૩; યૂના ૪:૨) દર વખતે એ શબ્દો યહોવા માટે વપરાયા છે, ક્યારેય માણસો માટે નહિ. એનાથી ખબર પડે છે કે યહોવા માટે એ ગુણ ઘણો મહત્ત્વનો છે. એટલે દાઉદ રાજાએ કહ્યું, “હે યહોવા, તમારો અતૂટ પ્રેમ આસમાને પહોંચે છે, . . . હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે! તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશરો લે છે.” (ગીત. ૩૬:૫, ૭) આપણે પોતાને પૂછી શકીએ, “શું હું પણ દાઉદની જેમ યહોવાના અતૂટ પ્રેમને મહત્ત્વનો ગણું છું?”

અતૂટ પ્રેમ એટલે શું? એને સમજવા આપણે આ બે સવાલોની ચર્ચા કરીશું: યહોવા કોને અતૂટ પ્રેમ બતાવે છે? અને તેમના અતૂટ પ્રેમથી આપણને કઈ રીતે મદદ મળે છે?

યહોવા કોને અતૂટ પ્રેમ બતાવે છે?

૬. યહોવા કોને અતૂટ પ્રેમ બતાવે છે?

બાઇબલમાં જણાવ્યું છે કે માણસો અલગ અલગ વસ્તુઓને પ્રેમ કરી શકે છે અથવા ચાહી શકે છે, જેમ કે “નિયમ,” “જ્ઞાન” અને “દુનિયા.” (ગીત. ૧૧૯:૯૭; નીતિ. ૧૨:૧; ૧ યોહા. ૨:૧૫) પણ અતૂટ પ્રેમ વસ્તુઓને નહિ, ફક્ત વ્યક્તિઓને બતાવી શકાય છે. યહોવા કોને અતૂટ પ્રેમ બતાવે છે? બધાને નહિ ફક્ત એવા લોકોને તે અતૂટ પ્રેમ બતાવે છે, જેઓ સાથે તેમનો ખાસ સંબંધ છે. જેમ બે મિત્રો એકબીજાને વફાદાર હોય છે, તેમ યહોવા પણ પોતાના ભક્તોને વફાદાર છે. તે તેઓને સુંદર ભાવિની આશા આપે છે. એ વચન તે ચોક્કસ પૂરું કરશે અને તેઓને હંમેશાં અતૂટ પ્રેમ બતાવતા રહેશે.

યહોવા બધા માણસોને સારી વસ્તુઓ પૂરી પાડે છે, એવા લોકોને પણ જેઓ તેમની ભક્તિ કરતા નથી (ફકરો ૭ જુઓ) *

૭. યહોવાએ બધા માણસો માટે પોતાનો પ્રેમ કઈ રીતે બતાવ્યો?

યહોવા બધા માણસોને પ્રેમ કરે છે. એ જ વાત ઈસુએ નિકોદેમસને કહી હતી કે “ઈશ્વરે દુનિયાને [માણસોને] એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.”—યોહા. ૩:૧, ૧૬; માથ. ૫:૪૪, ૪૫.

દાઉદ રાજા અને દાનિયેલ પ્રબોધકે જણાવ્યું કે યહોવા એવા લોકોને અતૂટ પ્રેમ બતાવે છે જેઓ તેમને ઓળખે છે, તેમનો ડર રાખે છે, તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે (ફકરા ૮-૯ જુઓ)

૮-૯. (ક) યહોવા પોતાના ભક્તોને કેમ અતૂટ પ્રેમ બતાવે છે? (ખ) હવે પછી આપણે શાની ચર્ચા કરીશું?

અગાઉ જોયું તેમ યહોવા ફક્ત પોતાના ભક્તોને જ અતૂટ પ્રેમ બતાવે છે. એ જ વાત દાઉદ રાજા અને દાનિયેલ પ્રબોધકે પણ કહી. દાઉદે કહ્યું, “તમને ઓળખતા લોકોને અતૂટ પ્રેમ બતાવતા રહો.” “યહોવાનો ડર રાખનારાઓ પર તેમનો અતૂટ પ્રેમ યુગોના યુગો સુધી રહે છે.” દાનિયેલે પણ કહ્યું, “હે સાચા ઈશ્વર યહોવા, . . . જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે, તેઓને તમે અતૂટ પ્રેમ બતાવો છો.” (ગીત. ૩૬:૧૦; ૧૦૩:૧૭; દાનિ. ૯:૪) એ કલમોથી સાફ જોવા મળે છે કે યહોવા પોતાના ભક્તોને અતૂટ પ્રેમ બતાવે છે. કેમ કે તેઓ યહોવાને ઓળખે છે, તેમનો ડર રાખે છે, તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે. આમ તેઓ યહોવાને સાચી રીતે ભજે છે.

આપણે સત્યમાં આવ્યા એ પહેલાંથી યહોવા આપણને પ્રેમ કરતા હતા. (ગીત. ૧૦૪:૧૪) પણ હવે તે આપણને અતૂટ પ્રેમ બતાવે છે. યહોવા ખાતરી આપે છે કે તેમનો “અતૂટ પ્રેમ હંમેશાં રહેશે.” (યશા. ૫૪:૧૦) દાઉદે પણ એ પ્રેમનો અનુભવ કર્યો હતો. એટલે તેમણે કહ્યું, “યહોવા પોતાના વફાદારને ખાસ કૃપા બતાવે છે.” (ગીત. ૪:૩) એ વાત જાણીને આપણે શું કરવું જોઈએ? બાઇબલમાં લખ્યું છે, “સમજદાર લોકો આ બધું ધ્યાનમાં લેશે, યહોવાના અતૂટ પ્રેમનાં કામોનો વિચાર કરશે.” (ગીત. ૧૦૭:૪૩) ચાલો જોઈએ કે યહોવા કઈ ત્રણ રીતે અતૂટ પ્રેમ બતાવે છે અને એનાથી આપણને કઈ રીતે મદદ મળે છે.

યહોવાના અતૂટ પ્રેમથી આપણને કઈ રીતે મદદ મળે છે?

જેઓ યહોવાની ભક્તિ કરે છે તેઓને તે વધારે આશીર્વાદ આપે છે (ફકરા ૧૦-૧૬ જુઓ) *

૧૦. યહોવાનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે એ જાણીને આપણને કેવું લાગે છે? (ગીતશાસ્ત્ર ૩૧:૭)

૧૦ યહોવાનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે. ગીતશાસ્ત્ર ૧૩૬:૧માં લખ્યું છે, “યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે. તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.” ગીતશાસ્ત્રના આ ગીતમાં “તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે” શબ્દો ૨૬ વખત જોવા મળે છે. એ ગીત વાંચીને ખરેખર નવાઈ લાગે છે કે યહોવા કેટલી બધી રીતોએ પોતાના ભક્તોને અતૂટ પ્રેમ બતાવે છે! “તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે” શબ્દોથી આપણને ખાતરી મળે છે કે પોતાના ભક્તો માટે યહોવાનો પ્રેમ ક્યારેય ઓછો નહિ થાય. મુશ્કેલીઓમાં પણ તે હંમેશાં સાથ આપશે. એ જાણીને આપણને કેવું લાગે છે? આપણને ખુશી થાય છે. સાથે સાથે મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળે છે અને યહોવાની સેવા કરતા રહેવા શક્તિ મળે છે.—ગીતશાસ્ત્ર ૩૧:૭ વાંચો.

૧૧. ગીતશાસ્ત્ર ૮૬:૫ પ્રમાણે યહોવા કેમ આપણને માફ કરે છે?

૧૧ યહોવા અતૂટ પ્રેમ બતાવે છે એટલે માફ કરે છે. યહોવા જુએ છે કે વ્યક્તિ પાપ કર્યા પછી પસ્તાવો કરે છે અને પોતાના જીવનમાં ફેરફાર કરે છે. યહોવાને એ વ્યક્તિ માટે અતૂટ પ્રેમ હોવાથી તેને માફ કરે છે. દાઉદે યહોવા વિશે કહ્યું, “આપણાં પાપ પ્રમાણે તે આપણી સાથે વર્ત્યા નથી, તેમણે આપણી ભૂલો પ્રમાણે બદલો વાળ્યો નથી.” (ગીત. ૧૦૩:૮-૧૧) દાઉદ જાણતા હતા કે પાપ કર્યા પછી દિલ ડંખે ત્યારે કેવું લાગે છે. તેમને એ પણ ખબર હતી કે યહોવા “માફ કરવા તૈયાર” છે. યહોવા કેમ માફ કરે છે? એનો જવાબ ગીતશાસ્ત્ર ૮૬:૫માં જોવા મળે છે. (વાંચો.) દાઉદે પ્રાર્થનામાં કહ્યું કે યહોવા માફી આપે છે કેમ કે તેમને પોકારનાર બધા પર તે અતૂટ પ્રેમ વરસાવે છે.

૧૨-૧૩. અગાઉની ભૂલો માટે દિલ ડંખતું હોય તો શું યાદ રાખવું જોઈએ?

૧૨ આપણને પોતાની ભૂલો માટે અફસોસ થાય એ સારું છે. એના લીધે ભૂલો માટે માફી માંગવા અને જીવનમાં ફેરફારો કરવા મદદ મળે છે. પણ અગાઉની ભૂલો માટે અમુક ઈશ્વરભક્તોનું દિલ ડંખ્યા કરે છે. તેઓને લાગે છે કે યહોવા ક્યારેય માફ નહિ કરે. જો તમને પણ એવું લાગતું હોય, તો યાદ રાખો કે યહોવા તમને સાચે જ અતૂટ પ્રેમ બતાવે છે અને એ જ પ્રેમને લીધે તમને માફ કરે છે.

૧૩ એ જાણીને આપણને કેવું લાગે છે? આપણાથી ભૂલો થઈ જાય તોપણ સાફ દિલથી અને ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. કેમ કે “ઈસુનું લોહી આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.” (૧ યોહા. ૧:૭) બની શકે કે આપણાથી વારંવાર ભૂલો થાય, એટલે આપણે નિરાશ થઈ જઈએ. પણ યાદ રાખીએ કે જો પસ્તાવો કરીશું તો યહોવા માફ કરવા તૈયાર છે. અતૂટ પ્રેમને લીધે યહોવા આપણને કેટલી હદે માફ કરે છે એ વિશે દાઉદે કહ્યું, “જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી, તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી. જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે, તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.” (ગીત. ૧૦૩:૧૧, ૧૨) ખરેખર યહોવા આપણને ‘દિલથી માફ કરવા’ તૈયાર છે.—યશા. ૫૫:૭.

૧૪. દાઉદે કઈ રીતે સમજાવ્યું કે ઈશ્વરના અતૂટ પ્રેમને લીધે આપણું રક્ષણ થાય છે?

૧૪ યહોવાનો અતૂટ પ્રેમ તેમની સાથેના આપણા સંબંધનું રક્ષણ કરે છે. દાઉદે પ્રાર્થનામાં યહોવાને કહ્યું, “તમે મારા માટે સંતાવાની જગ્યા છો. તમે મને આફતોમાંથી ઉગારી લેશો. તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો. . . . યહોવા પર ભરોસો રાખનાર તેમના અતૂટ પ્રેમની છાયામાં રહે છે.” (ગીત. ૩૨:૭, ૧૦) પહેલાંના સમયમાં શહેર ફરતે ઊંચી દીવાલો હતી, જેથી લોકોનું દુશ્મનોથી રક્ષણ થતું. યહોવાનો અતૂટ પ્રેમ પણ દીવાલની જેમ આપણું રક્ષણ કરે છે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ તૂટે નહિ. તે બીજી એક રીતે પણ આપણને અતૂટ પ્રેમ બતાવે છે. તે આપણને પોતાની તરફ ખેંચી લાવે છે.—યર્મિ. ૩૧:૩.

૧૫. યહોવાના અતૂટ પ્રેમને કેમ કિલ્લા સાથે સરખાવવામાં આવ્યો છે?

૧૫ યહોવા પોતાના લોકોનું રક્ષણ કઈ રીતે કરે છે, એ સમજાવવા દાઉદે બીજું એક ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, “મારા પર અતૂટ પ્રેમ રાખનાર ઈશ્વર મારો સલામત આશરો છે.” તેમણે યહોવા વિશે એ પણ જણાવ્યું કે “તે મને અતૂટ પ્રેમ બતાવે છે; તે મારો કિલ્લો, મારો સલામત આશરો અને મારો છોડાવનાર છે. તે મારી ઢાલ છે અને તેમનામાં હું શરણ લઉં છું.” (ગીત. ૫૯:૧૭; ૧૪૪:૨) દાઉદે કેમ એવું કહ્યું કે યહોવાનો અતૂટ પ્રેમ, તેમના માટે એક કિલ્લો અને આશરો છે? જૂના જમાનામાં કિલ્લામાં આશરો લેવાથી લોકોનું રક્ષણ થતું હતું. એવી જ રીતે યહોવા પોતાના બધા ભક્તોને જરૂરી મદદ પૂરી પાડશે, જેથી તેમની સાથેના આપણા સંબંધનું રક્ષણ થાય. ગીતશાસ્ત્ર ૯૧માં આપણને એ જ વાતની ખાતરી મળે છે. એમાં લખ્યું છે, “હું યહોવાને કહીશ: ‘તમે મારો આશરો છો, મારો કિલ્લો છો.’” (ગીત. ૯૧:૧-૩, ૯, ૧૪) મૂસાએ પણ કહ્યું હતું કે યહોવા ઇઝરાયેલીઓનો આશરો છે. (ગીત. ૯૦:૧) પોતાના જીવનની છેલ્લી ઘડીઓમાં મૂસાએ દિલને સ્પર્શી જાય એવી વાત કહી, “જૂના જમાનાથી ઈશ્વર તારો આશરો છે, તેમના હાથ કાયમ તને ઊંચકી રાખે છે.” (પુન. ૩૩:૨૭) “તેમના હાથ કાયમ તને ઊંચકી રાખે છે,” એ શબ્દોનો શું અર્થ થાય? ચાલો એ વિશે જોઈએ.

૧૬. યહોવા કઈ બે રીતે આપણને આશીર્વાદ આપે છે? (ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩)

૧૬ યહોવા આપણો કિલ્લો છે એટલે આપણને કોઈ ડર નથી. પણ અમુક વાર આપણે નિરાશામાં ડૂબી જઈએ. એવું થાય ત્યારે યહોવા કઈ રીતે આપણને મદદ કરે છે? (ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩ વાંચો.) તે આપણો હાથ પકડી રાખે છે. જો પડી જઈએ તો પ્રેમથી ઊભા કરે છે અને ફરીથી તેમના માર્ગે ચાલવા મદદ કરે છે. (ગીત. ૨૮:૯; ૯૪:૧૮) આપણે મદદ માટે હંમેશાં યહોવા પર ભરોસો રાખી શકીએ છીએ. એ જાણીને આપણને કેવું લાગે છે? આપણને ખુશી થાય છે કે યહોવા બે રીતે આશીર્વાદ આપે છે: (૧) ભલે આપણે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોઈએ તે આપણું રક્ષણ કરે છે અને (૨) પ્રેમથી તે આપણી સંભાળ રાખે છે.

યહોવા અતૂટ પ્રેમ કરતા રહેશે

૧૭. આપણને કઈ વાતનો ભરોસો છે? (ગીતશાસ્ત્ર ૩૩:૧૮-૨૨)

૧૭ આપણે શીખ્યા કે મુશ્કેલીઓ આવે ત્યારે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને મદદ કરશે, જેથી તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત રહે. (૨ કોરીં. ૪:૭-૯) યર્મિયા પ્રબોધકે કહ્યું, “યહોવાના અતૂટ પ્રેમને લીધે અમારો અંત આવ્યો નથી. તેમની દયાનો કોઈ પાર નથી.” (ય.વિ. ૩:૨૨) આપણને ભરોસો છે કે યહોવા આપણને અતૂટ પ્રેમ બતાવતા રહેશે. એ વિશે બાઇબલ પણ જણાવે છે કે “જેઓ યહોવાનો ડર રાખે છે અને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે, તેઓ પર તેમની રહેમનજર છે.”—ગીતશાસ્ત્ર ૩૩:૧૮-૨૨ વાંચો.

૧૮-૧૯. (ક) આ લેખમાં આપણે શું શીખ્યા? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ આ લેખમાં આપણે શું શીખ્યા? આપણે સત્યમાં આવ્યા એ પહેલાં યહોવા આપણને એવો જ પ્રેમ બતાવતા હતા, જેવો તે બધા માણસોને બતાવે છે. પણ સત્યમાં આવ્યા પછી યહોવા આપણને અતૂટ પ્રેમ બતાવવા લાગ્યા. એ પ્રેમને લીધે તે આપણું રક્ષણ કરતા રહેશે, આપણી નજીક રહેશે અને ભાવિ માટે જે વચનો આપ્યાં છે એ પૂરાં કરશે. તે ચાહે છે કે આપણે હંમેશાં તેમની સાથે નજીકનો સંબંધ રાખીએ. (ગીત. ૪૬:૧, ૨, ૭) ભલે કોઈ પણ તકલીફ આવે તે આપણને હિંમત આપશે, જેથી આપણે તેમને વફાદાર રહી શકીએ.

૧૯ આપણે શીખ્યા કે યહોવા આપણને અતૂટ પ્રેમ બતાવે છે. તે એ પણ ચાહે છે કે આપણે એકબીજાને અતૂટ પ્રેમ બતાવીએ. હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું.

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

^ ફકરો. 5 આ લેખ અને પછીના લેખમાં આપણે અતૂટ પ્રેમ વિશે જોઈશું. આ લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: અતૂટ પ્રેમ એટલે શું? યહોવા કોને એવો પ્રેમ બતાવે છે? તેઓને એ પ્રેમથી કઈ રીતે મદદ મળે છે?

^ ફકરો. 53 ચિત્રની સમજ: યહોવા બધા માણસોને પ્રેમ કરે છે, પોતાના ભક્તોને પણ. નાનાં ચિત્રોમાં બતાવ્યું છે કે યહોવા કઈ રીતે બધાને પ્રેમ બતાવે છે. એમાંની એક ખાસ રીત છે, ઈસુના બલિદાનની ગોઠવણ.

^ ફકરો. 61 ચિત્રની સમજ: જેઓ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા રાખે છે અને યહોવાની ભક્તિ કરે છે, તેઓની યહોવા ખાસ સંભાળ રાખે છે. યહોવા તેઓને પ્રેમ તો કરે છે, પણ તેઓ માટે અતૂટ પ્રેમ બતાવે છે. નાનાં ચિત્રોમાં બતાવ્યું છે કે તે એવું કઈ રીતે કરે છે.