સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૬

લગ્‍ન પછી યહોવાની ભક્તિમાં વધારે કરો

લગ્‍ન પછી યહોવાની ભક્તિમાં વધારે કરો

‘યહોવા મારું બળ છે. મારું દિલ તેમના પર ભરોસો રાખે છે.’—ગીત. ૨૮:૭.

ગીત ૩૬ “ઈશ્વરે જેને જોડ્યું છે”

ઝલક *

૧-૨. (ક) જેઓનાં હમણાં જ લગ્‍ન થયાં છે તેઓએ કેમ યહોવા પર ભરોસો રાખવો જોઈએ? (ગીતશાસ્ત્ર ૩૭:૩, ૪) (ખ) આ લેખમાંથી આપણે શું શીખીશું?

 શું તમે હાલમાં લગ્‍ન કરવાના છો કે પછી તમારા નવાં નવાં લગ્‍ન થયાં છે? જો એમ હોય તો તમે તમારા જીવનસાથી જોડે આ નવી શરૂઆત કરવાનાં સપનાં જોયાં હશે. પણ લગ્‍ન પછી મુશ્કેલીઓ આવશે અને તમારે મોટા મોટા નિર્ણયો લેવા પડશે. તમે મુશ્કેલીઓનો જે રીતે સામનો કરો છો અને જે નિર્ણયો લો છો, એની અસર તમારા લગ્‍નજીવન પર પડશે. જો તમે યહોવા પર ભરોસો રાખશો તો તમે સારા નિર્ણયો લઈ શકશો અને તમારું લગ્‍નબંધન મજબૂત થશે. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. પણ યહોવાની સલાહ નહિ પાળો તો તમારા લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવી શકે જેનાથી તમારી ખુશીઓ છીનવાઈ જાય.—ગીતશાસ્ત્ર ૩૭:૩, ૪ વાંચો.

આ લેખ ખાસ કરીને તેઓ માટે છે, જેઓનાં હાલમાં જ લગ્‍ન થયાં છે. જોકે એમાંથી બીજાં પતિ-પત્નીઓ પણ શીખી શકે છે. તેઓ પણ કદાચ એવી મુશ્કેલીઓનો સામનો કરે છે, જેના વિશે આ લેખમાં જણાવ્યું છે. બાઇબલ સમયના અને આજના સમયના ઈશ્વરભક્તોના દાખલા પણ આ લેખમાં આપ્યા છે. તેઓ પાસેથી આપણે લગ્‍નજીવન વિશે ઘણું શીખી શકીએ છીએ.

કઈ મુશ્કેલીઓ આવી શકે?

નવાં નવાં લગ્‍ન થયાં હોય તેઓ કેવા નિર્ણયોને લીધે યહોવાની ભક્તિમાં વધારે કરી શકતાં નથી? (ફકરા ૩-૪ જુઓ)

૩-૪. નવાં નવાં લગ્‍ન થયાં હોય તેઓ સામે કઈ મુશ્કેલીઓ આવી શકે?

નવાં નવાં લગ્‍ન થયાં હોય તેઓને અમુક લોકો કદાચ બધાં કુટુંબોની જેમ સામાન્ય જીવન જીવવાનું કહે. બની શકે માબાપ એવું કહે, “અમે દાદા-દાદી કે નાના-નાની ક્યારે બનીશું?” અને સગાં-વહાલાં પણ કુટુંબ વધારવાનું દબાણ કરે. મિત્રો અને કુટુંબના સભ્યો કદાચ ઘર અને સારી સારી વસ્તુઓ ખરીદીને સુખેથી જીવવાની સલાહ આપે.

જો પતિ-પત્ની એવી વાતોમાં આવી જાય તો કદાચ એવા નિર્ણયો લઈ બેસશે જેનાથી તેઓ દેવામાં ડૂબી જાય. પછી દેવું ચૂકવવા બંનેએ ઘણા કલાકો કામ કરવું પડે. તેઓને બાઇબલમાંથી અભ્યાસ કરવા તેમજ કુટુંબ તરીકેની ભક્તિ અને પ્રચાર કરવા સમય ન મળે. વધારે પૈસા કમાવવા અથવા નોકરી ટકાવી રાખવા તેઓએ વધારે કામ કરવું પડે. એના લીધે તેઓ સભાઓ ચૂકી જાય. એવું થશે તો યહોવાની વધુ સેવા કરવાની તક તેઓના હાથમાંથી જતી રહેશે.

૫. ક્લૉસ અમે મરીસાના દાખલામાંથી શું શીખવા મળ્યું?

ઘણા લોકોના દાખલામાંથી જોવા મળ્યું છે કે માલ-મિલકત ભેગી કરવાથી સાચી ખુશી મળતી નથી. ચાલો ક્લૉસ અને મરીસાનો દાખલો જોઈએ. * તેઓનાં લગ્‍ન થયાં ત્યારે બંને નોકરી કરતા હતાં જેથી લહેરથી જીવી શકે. પણ તેઓને લાગતું કે જીવનમાં કંઈક ખૂટે છે. ક્લૉસ કહે છે, “અમારી પાસે બધું જ હતું પણ યહોવાની ભક્તિમાં અમે કંઈ વધારે કરતા ન હતાં. સાચું કહું તો, અમારું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. અમે ઘણા તણાવમાં રહેતાં હતાં.” તમે પણ અનુભવ્યું હશે કે માલ-મિલકત ભેગી કરવાથી સાચી ખુશી મળતી નથી. જો એમ હોય તો હજુ મોડું થયું નથી. તમે બીજાઓના દાખલાઓમાંથી શીખીને જરૂરી ફેરફાર કરી શકો છો. સૌથી પહેલા ચાલો આપણે યહોશાફાટ રાજાનો દાખલો જોઈએ. એમાંથી પતિઓ શું શીખી શકે?

યહોશાફાટ રાજાની જેમ યહોવા પર ભરોસો રાખો

૬. યહોશાફાટ રાજાની સામે મુશ્કેલી આવી ત્યારે તેમણે શું કર્યું? (નીતિવચનો ૩:૫, ૬)

પતિઓ, શું તમે ભારે જવાબદારીઓને લીધે કોઈવાર ચિંતામાં ડૂબી જાઓ છો? જો એમ હોય તો યહોશાફાટ રાજાના ઉદાહરણ પર ધ્યાન આપો. તેમના માથે મોટી જવાબદારી હતી. તેમણે આખા રાજ્યના લોકોનું રક્ષણ કરવાનું હતું. તેમણે એ જવાબદારી કેવી રીતે નિભાવી? તે જે કરી શકતા હતા એ કર્યું. યહોશાફાટ રાજાએ યહૂદાનાં શહેરોના કોટ મજબૂત કર્યા. તેમણે ૧૧,૬૦,૦૦૦થી વધારે સૈનિકોનું લશ્કર તૈયાર કર્યું. (૨ કાળ. ૧૭:૧૨-૧૯) પછી તેમની સામે એક મોટી મુશ્કેલી આવી. આમ્મોનીઓ, મોઆબીઓ અને સેઈરના પહાડી વિસ્તારના માણસોનું મોટું લશ્કર યુદ્ધ કરવા આવ્યું. (૨ કાળ. ૨૦:૧, ૨) એવામાં તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમની પાસે મદદ માંગી. નીતિવચનો ૩:૫, ૬માં એવું જ કરવાની સલાહ આપી છે. (વાંચો.) બાઇબલમાં આપેલી યહોશાફાટ રાજાની પ્રાર્થનાથી ખબર પડે છે કે તેમને યહોવા પર કેટલો ભરોસો હતો. (૨ કાળ. ૨૦:૫-૧૨) શું યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી?

૭. યહોવાએ યહોશાફાટની પ્રાર્થનાનો કેવો જવાબ આપ્યો?

યહોવાએ યાહઝીએલ લેવી દ્વારા યહોશાફાટને કહેવડાવ્યું, “તમારી જગ્યાએ અડગ ઊભા રહો. યહોવા કઈ રીતે તમને બચાવે છે, એ નજરે જુઓ.” (૨ કાળ. ૨૦:૧૩-૧૭) તમને કદાચ થાય, ‘ઊભા રહીને તો કંઈ યુદ્ધ લડાતું હશે!’ પણ એ સલાહ કોઈ માણસે નહિ, યહોવાએ આપી હતી. એટલે યહોશાફાટે યહોવા પર ભરોસો રાખ્યો અને તેમની બધી સલાહ પાળી. જ્યારે તે યુદ્ધ લડવા ગયા ત્યારે સૌથી આગળ તેમણે શૂરવીર યોદ્ધાઓને નહિ પણ ગાયકોને ઊભા રાખ્યા. અરે, એ ગાયકો પાસે તો હથિયાર પણ ન હતાં! યહોવાએ પણ પોતાનું વચન પાળ્યું. તેમણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા.—૨ કાળ. ૨૦:૧૮-૨૩.

નવાં નવાં લગ્‍ન થયાં હોય તેઓ યહોવાની ભક્તિમાં વધારે કરવા પ્રાર્થના અને બાઇબલનો જાતે અભ્યાસ કરી શકે (ફકરા ૮, ૧૦ જુઓ)

૮. યહોશાફાટના દાખલામાંથી પતિઓ શું શીખી શકે?

પતિઓ, તમારી પાસે પણ કુટુંબની સંભાળ રાખવાની જવાબદારી છે. મુશ્કેલીઓ આવે ત્યારે એવું ન વિચારશો કે એનો સામનો પોતાની રીતે કરશો, પણ યહોવા પર ભરોસો રાખો. તમે પોતાની પ્રાર્થનામાં એ વિશે જણાવો. પત્ની સાથે પણ પ્રાર્થના કરો. બાઇબલ અને આપણાં સાહિત્યનો અભ્યાસ કરો. એમાં આપેલી સલાહ લાગુ પાડો. બની શકે કે તમારા નિર્ણયથી બીજાઓ ખુશ ન થાય અને મજાક ઉડાવે. કદાચ તેઓ કહે, “પૈસો છે તો બધું જ છે, એનાથી કુટુંબનું રક્ષણ થશે.” પણ યહોશાફાટનો દાખલો યાદ રાખો. તેમનાં શહેરોના કોટ મજબૂત હતા અને તેમની પાસે મોટું લશ્કર પણ હતું. તેમ છતાં તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને યહોવાનું કહ્યું કર્યું. તે વફાદાર રહ્યા એટલે યહોવાએ તેમનો સાથ છોડ્યો નહિ. યહોવા તમારો પણ સાથ છોડશે નહિ. (ગીત. ૩૭:૨૮; હિબ્રૂ. ૧૩:૫) પતિ-પત્નીઓ, ખુશ રહેવા તમે બીજું શું કરી શકો?

યશાયા અને તેમની પત્નીની જેમ યહોવાની ભક્તિમાં વધારે કરો

૯. યશાયા પ્રબોધક અને તેમની પત્નીનું જીવન કેવું હતું?

યશાયા અને તેમની પત્ની માટે યહોવાની ભક્તિ કરવી સૌથી મહત્ત્વનું હતું. યશાયા એક પ્રબોધક હતા. કદાચ તેમની પત્ની પણ ભવિષ્યવાણી કરતા હતાં, કેમ કે બાઇબલમાં તેમને “પ્રબોધિકા” કહેવામાં આવ્યાં છે. (યશા. ૮:૧-૪) તેઓએ જીવનમાં યહોવાની ભક્તિ પહેલી રાખી હતી. પતિ-પત્નીઓ માટે યશાયા અને તેમની પત્નીએ એક સરસ દાખલો બેસાડ્યો છે.

૧૦. યહોવાની ભક્તિમાં વધારે કરવા પતિ-પત્નીઓ શું કરી શકે?

૧૦ યશાયા પ્રબોધક અને તેમની પત્નીની જેમ આજે પતિ-પત્નીઓ યહોવાની ભક્તિમાં વધારે કરી શકે છે. તેઓ બાઇબલ ભવિષ્યવાણીઓનો અભ્યાસ કરી શકે અને એ કઈ રીતે સાચી પડે છે એની ચર્ચા કરી શકે. * આમ યહોવા પર તેઓનો ભરોસો વધશે. (તિત. ૧:૨) તેઓ વિચારી શકે કે બાઇબલ ભવિષ્યવાણીઓ પૂરી કરવામાં તેઓ કઈ રીતે ભાગ ભજવી શકે. દાખલા તરીકે, બાઇબલમાં ભવિષ્યવાણી છે કે અંત આવે એ પહેલાં આખી દુનિયામાં ખુશખબર ફેલાવવામાં આવશે. તેઓ વિચારી શકે કે એ કામમાં કઈ રીતે વધારે કરશે. (માથ. ૨૪:૧૪) પતિ-પત્નીઓ, બાઇબલ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ રહી છે એના પર તમારો ભરોસો મજબૂત કરો. એમ કરશો તો યહોવાની ભક્તિમાં બનતું બધું કરવાનો તમારો ઇરાદો પાકો થશે.

પ્રિસ્કિલા અને આકુલાની જેમ યહોવાની ભક્તિ જીવનમાં પહેલી રાખો

૧૧. પ્રિસ્કિલા અને આકુલાએ શું કર્યું અને કેમ?

૧૧ જે પતિ-પત્નીઓ યુવાન છે, તેઓ પ્રિસ્કિલા અને આકુલા પાસેથી ઘણું શીખી શકે છે. પ્રિસ્કિલા અને આકુલા યહૂદી હતાં અને રોમ શહેરમાં રહેતાં હતાં. ત્યાં તેઓએ ઈસુ વિશે ખુશખબર સાંભળી અને ખ્રિસ્તી બન્યાં. તેઓ પોતાનાં જીવનમાં ઘણાં ખુશ હતાં. પણ અચાનક તેઓનું જીવન બદલાઈ ગયું. સમ્રાટ ક્લોદિયસે બધા યહૂદીઓને રોમ છોડી દેવાનો હુકમ કર્યો. એના લીધે પ્રિસ્કિલા અને આકુલા પર અમુક મુશ્કેલીઓ આવી. તેઓએ પોતાનું શહેર છોડીને બીજી જગ્યાએ નવી શરૂઆત કરવી પડી. તંબુ બનાવવાનો ધંધો ફરી શરૂ કરવો પડ્યો. શું મુશ્કેલીઓને લીધે પ્રિસ્કિલા અને આકુલાનાં જીવનમાં યહોવાની ભક્તિ પાછળ રહી ગઈ? ના, યહોવાની ભક્તિ તેઓએ જીવનમાં પહેલી રાખી. તેઓ કોરીંથ રહેવાં ગયાં ત્યારે મંડળનાં ભાઈ-બહેનોને મદદ કરી. પાઉલ સાથે મળીને ભાઈ-બહેનોનો ઉત્સાહ વધાર્યો. પછી અલગ અલગ શહેરોમાં જઈને સેવા આપી જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર હતી. (પ્રે.કા. ૧૮:૧૮-૨૧; રોમ. ૧૬:૩-૫) તેઓ યહોવાની ભક્તિમાં લાગુ રહ્યાં અને એમાં ખુશ હતાં.

૧૨. યહોવાની ભક્તિમાં વધારે કરવા પતિ-પત્નીએ કેમ ધ્યેયો રાખવા જોઈએ?

૧૨ પ્રિસ્કિલા અને આકુલાની જેમ, આજે પતિ-પત્નીઓ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકે. તેઓ કેવા ધ્યેયો રાખશે એ વિશે લગ્‍ન પહેલાં વાત કરવી જોઈએ. લગ્‍ન પછી એ ધ્યેયો પૂરા કરવા તેઓ સાથે મળીને મહેનત કરી શકે. એમ કરશે તો યહોવા તેઓ પર આશીર્વાદો વરસાવશે. (સભા. ૪:૯, ૧૨) રસેલ અને એલિસાબેથનો વિચાર કરો. રસેલ કહે છે, “યહોવાની ભક્તિમાં વધારે કરવા અમે શું કરીશું એ વિશે અમે લગ્‍ન પહેલાં જ વાત કરી હતી.” એલિસાબેથ કહે છે, “પહેલેથી વાત કરી હોવાથી સમય આવ્યે અમે યોગ્ય નિર્ણય લઈ શક્યાં, જેથી ધ્યેયો પૂરા કરી શકીએ.” પછીથી તેઓ માઇક્રોનેશિયા સેવા કરવા ગયાં, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી.

નવાં નવાં લગ્‍ન થયાં હોય તેઓ યહોવાની ભક્તિમાં વધારે કરવા ધ્યેયો રાખી શકે (ફકરા ૧૩ જુઓ)

૧૩. ગીતશાસ્ત્ર ૨૮:૭ પ્રમાણે યહોવા પર ભરોસો રાખવાથી શું થશે?

૧૩ રસેલ અને એલિસાબેથની જેમ ઘણાં પતિ-પત્નીઓએ એવા જ નિર્ણયો લીધા છે. તેઓએ નક્કી કર્યું છે કે સાદું જીવન જીવશે અને ખુશખબર ફેલાવવામાં તેમજ બીજાઓને શીખવવામાં વધુ સમય આપશે. પતિ-પત્ની ભક્તિમાં વધુ કરવા ધ્યેયો રાખે છે અને એ પૂરા કરવા મહેનત કરે છે ત્યારે તેઓને ઘણો ફાયદો થાય છે. તેઓ જોઈ શકશે કે યહોવા કઈ રીતે તેઓની સંભાળ રાખે છે. આમ, યહોવા પર તેઓનો ભરોસો વધુ મજબૂત થશે અને તેઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે.—ગીતશાસ્ત્ર ૨૮:૭ વાંચો.

પિતર અને તેમની પત્નીની જેમ યહોવાનાં વચનો પર ભરોસો રાખો

૧૪. (ક) પ્રેરિત પિતર અને તેમની પત્નીએ યહોવાના કયા વચન પર ભરોસો રાખ્યો? (માથ્થી ૬:૨૫, ૩૧-૩૪) (ખ) તેઓએ કયો નિર્ણય લીધો?

૧૪ પતિ-પત્નીઓને પ્રેરિત પિતર અને તેમની પત્ની પાસેથી ઘણું શીખવા મળે છે. પિતર અમુક મહિના પછી ઈસુને ફરી મળ્યા ત્યારે ઈસુએ તેમને પૂરા સમયની સેવા કરવાનું આમંત્રણ આપ્યું. પિતર માટે એ એક મોટો નિર્ણય હતો. તેમનું કુટુંબ હતું અને ઘર ચલાવવા તે માછલીઓ પકડવાનું કામ કરતા હતા. (લૂક ૫:૧-૧૧) છતાં પિતરે સારો નિર્ણય લીધો. તે ઈસુ સાથે પૂરો સમય પ્રચાર કરવા લાગ્યા. પિતરની પત્નીએ પણ તેમના એ નિર્ણયમાં સાથ આપ્યો. ઈસુ ફરી જીવતા થયા એ પછીના સમયનો વિચાર કરો. બાઇબલમાં લખ્યું છે કે પિતરે મુસાફરી કરી ત્યારે અમુક વાર તેમની પત્ની પણ તેમની સાથે ગયાં. (૧ કોરીં. ૯:૫) સાચે જ તે એક સારી પત્ની હતાં, એટલે જ તો પિતર અચકાયા વગર પતિ-પત્ની માટે સારી સલાહ આપી શક્યા. (૧ પિત. ૩:૧-૭) પિતર અને તેમની પત્નીને ભરોસો હતો કે જો તેઓ યહોવાની ભક્તિને પોતાના જીવનમાં પહેલી રાખશે તો યહોવા પણ તેઓની સંભાળ રાખશે.—માથ્થી ૬:૨૫, ૩૧-૩૪ વાંચો.

૧૫. ટિયાગો અને એસ્તેર પાસેથી તમને શું શીખવા મળ્યું?

૧૫ લગ્‍નનાં અમુક વર્ષો વીતી ગયાં હોય તોપણ તમે યહોવાની ભક્તિમાં વધારે કરવાની ઇચ્છા કેળવી શકો છો. કઈ રીતે? બીજાં પતિ-પત્નીઓના અનુભવ વાંચી શકો. “તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા” શૃંખલા વાંચી શકો. બ્રાઝિલનાં ટિયાગો અને એસ્તરે પણ એ લેખો વાંચ્યાં. એનાથી તેઓને ઉત્તેજન મળ્યું કે વધુ જરૂર હોય એવા વિસ્તારમાં જઈને પ્રચાર કરે. ટિયાગો કહે છે, “યહોવા પોતાના સેવકોને કઈ રીતે મદદ કરે છે એ વિશે અમે વાંચ્યું. એનાથી અમને પણ ઇચ્છા થઈ કે તેમની ભક્તિમાં વધારે કરીએ અને તેમના પ્રેમનો અહેસાસ કરીએ.” થોડાં સમય પછી તેઓ પૅરાગ્વે ગયાં અને ૨૦૧૪થી તેઓ પોર્ટુગીઝ ભાષા બોલાતી હોય એવા વિસ્તારમાં પ્રચાર કરવા લાગ્યાં. એસ્તેર કહે છે, “અમને એફેસીઓ ૩:૨૦ બહુ જ ગમે છે. અમે ઘણી વાર એ કલમના શબ્દો પૂરા થતા જોયા છે.” એ કલમમાં પાઉલે કહ્યું છે કે યહોવા પાસે આપણે જે કંઈ માંગીએ એનાથી વધારે તે આપણને આપે છે. એ વાત સો ટકા સાચી છે!

નવાં નવાં લગ્‍ન થયાં હોય તેઓ યહોવાની ભક્તિમાં વધારે કરવા અનુભવી ભાઈ-બહેનોની સલાહ લઈ શકે (ફકરા ૧૬ જુઓ)

૧૬. પતિ-પત્ની પોતાના ધ્યેયો વિશે કોની સલાહ લઈ શકે?

૧૬ જો તમારા લગ્‍નને થોડો જ સમય થયો હોય તો તમે કોની સલાહ લઈ શકો? એવાં ભાઈ-બહેનોની જેઓ યહોવા પર ભરોસો રાખવાનું શીખ્યાં છે. જેમ કે ઘણાં પતિ-પત્નીઓએ વર્ષો સુધી પૂરા સમયની સેવા કરી છે. તેઓ સાથે તમારા ધ્યેયો વિશે વાત કરી શકો. યહોવા પર ભરોસો રાખવાની એ પણ એક રીત છે. (નીતિ. ૨૨:૧૭, ૧૯) તમે એ વિશે વડીલોની પણ સલાહ લઈ શકો.

૧૭. (ક) ક્લૉસ અને મરીસા સાથે શું બન્યું? (ખ) તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૭ અમુક વાર એવું બને કે આપણે જે રીતે યહોવાની સેવા કરવા માંગતા હોઈએ એ રીતે ન કરી શકીએ. યહોવા કોઈ બીજી રીતે આપણો ઉપયોગ કરે. અગાઉ જોઈ ગયા એ ક્લૉસ અને મરીસા સાથે એવું જ થયું. લગ્‍નનાં ત્રણ વર્ષ પછી તેઓ પોતાના ઘરથી દૂર, ફિનલૅન્ડ શાખા કચેરીના બાંધકામ માટે ગયાં. ત્યાં જઈને ખબર પડી કે તેઓ ફક્ત છ મહિના જ ત્યાં રહી શકે છે. તેઓ દુઃખી થઈ ગયાં. પણ થોડા સમય પછી તેઓને અરબી ભાષા શીખવા માટે બોલાવવામાં આવ્યાં. હવે બીજા દેશમાં તેઓ એવા વિસ્તારમાં ખુશી ખુશી સેવા આપે છે, જ્યાં અરબી ભાષા બોલાતી હોય. મરીસા કહે છે, “કોચલામાંથી બહાર આવવાનો એટલે કે કંઈક નવું કરવાનો ડર લાગી શકે. પણ અમે વિચારી ન શકીએ એ રીતે યહોવાએ અમને હંમેશાં મદદ કરી છે. હવે યહોવા પર મારો ભરોસો વધુ મજબૂત થયો છે.” આ ઉદાહરણથી ખાતરી મળે છે કે યહોવા પર ભરોસો રાખીશું તો તે જરૂર આશીર્વાદો આપશે.

૧૮. યહોવા પર ભરોસો કરતા રહેવા પતિ-પત્નીએ શું કરવું જોઈએ?

૧૮ લગ્‍ન તો યહોવા તરફથી સુંદર ભેટ છે. (માથ. ૧૯:૫, ૬) યહોવા ચાહે છે કે આપણે લગ્‍નજીવનની ખુશી માણીએ. (નીતિ. ૫:૧૮) પતિ-પત્નીઓ, વિચારો કે તમે તમારું જીવન કઈ રીતે વિતાવો છો? શું તમે યહોવાની ભક્તિમાં વધારે કરી શકો? યહોવાને પ્રાર્થના કરો. બાઇબલમાંથી એવા સિદ્ધાંતો શોધો જે તમને મદદ કરી શકે. પછી એને જીવનમાં લાગુ પાડો. જો તમે યહોવાની ભક્તિમાં વધારે કરશો, તો તમારું લગ્‍નજીવન ખુશીઓથી ભરાઈ જશે.

ગીત ૪૦ ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકો

^ ફકરો. 5 યહોવાની ભક્તિમાં કેટલું કરી શકીએ છીએ અને કેટલો સમય આપી શકીએ છીએ એ આપણા નિર્ણયો પર આધાર રાખે છે. હમણાં લગ્‍ન કર્યાં હોય તેઓએ ઘણા નિર્ણયો લેવાના હોય છે. અમુક નિર્ણયોની અસર આખા જીવન પર થાય છે. તેઓને સારા નિર્ણયો લેવા આ લેખથી મદદ મળશે. એનાથી તેઓનું જીવન ખુશીઓથી ભરાઈ જશે.

^ ફકરો. 5 અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 10 જુલાઈ ૨૦૨૦ ચોકીબુરજના પાન ૧૧ પર આ બૉક્સ જુઓ: “શું તમે એ ભવિષ્યવાણીઓ સમજાવી શકો?