સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૭

શું તમારી શ્રદ્ધા અડગ છે?

શું તમારી શ્રદ્ધા અડગ છે?

“તમારું દિલ દુઃખી થવા ન દો. . . . શ્રદ્ધા રાખો.”—યોહા. ૧૪:૧.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

ઝલક *

૧. તમારા મનમાં કયો વિચાર આવી શકે?

 જલદી જ જૂઠા ધર્મોનો નાશ થશે. માગોગનો ગોગ હુમલો કરશે અને આર્માગેદનનું યુદ્ધ થશે. એ બધું વિચારીને કદાચ તમે ગભરાય જાઓ. તમારું દિલ બેસી જાય. તમને થાય, ‘ખબર નહિ એ સમયે હું વફાદાર રહી શકીશ કે નહિ?’ જો તમારા મનમાં પણ આવા વિચારો આવતા હોય, તો તમને ઈસુના આ શબ્દોથી હિંમત મળશે જે તેમણે પોતાના શિષ્યોને કહ્યા હતા: “તમારું દિલ દુઃખી થવા ન દો. . . . શ્રદ્ધા રાખો.” (યોહા. ૧૪:૧) આ લેખમાં ઈસુની એ જ વાત પર ચર્ચા કરવામાં આવશે. આપણી શ્રદ્ધા અડગ હશે તો આવનાર કોઈ પણ કસોટીનો સામનો હિંમતથી કરી શકીશું.

૨. (ક) આવનાર કસોટીનો સામનો કરવા આજે આપણે શું કરવું જોઈએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આજે અનેક રીતે આપણી શ્રદ્ધાની કસોટી થાય છે. એનો સામનો જે રીતે કરીએ છીએ, એનાથી ખબર પડે છે કે આવનાર કસોટીનો સામનો આપણે કઈ રીતે કરી શકીશું. જો હમણાં ખ્યાલ આવે કે આપણી શ્રદ્ધા ઓછી છે તો એને વધારવા પગલાં લઈએ. દરેક કસોટી પાર કરીએ છીએ તેમ આપણી શ્રદ્ધા અડગ થતી જાય છે. આ લેખમાં આપણે એવા ચાર સંજોગોની ચર્ચા કરીશું, જેમાં ઈસુએ પોતાના શિષ્યોને શ્રદ્ધા વધારવાની સલાહ આપી હતી. એ પણ જોઈશું કે તેઓની જેમ આપણી સામે કેવી મુશ્કેલીઓ આવી શકે અને આવનાર કસોટીનો સામનો કરવા કઈ રીતે શ્રદ્ધા વધારી શકીએ.

યહોવા પૂરું પાડશે એવી શ્રદ્ધા રાખીએ

ભલે પૈસાની તંગી પડે, અડગ શ્રદ્ધા હશે તો યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકીશું (ફકરા ૩-૬ જુઓ)

૩. માથ્થી ૬:૩૦, ૩૩માં ઈસુએ જે કહ્યું એનાથી શું શીખવા મળે છે?

કુટુંબનું શિર ચાહે છે કે તેના કુટુંબને રોટી, કપડાં અને મકાન મળી રહે. પણ આજની દુનિયામાં ગુજરાન ચલાવવું સહેલું હોતું નથી. કેટલાંક ભાઈ-બહેનોની નોકરી છૂટી ગઈ છે. ઘણા પ્રયત્નો છતાં તેઓને બીજી નોકરી મળતી નથી. બીજાં અમુક ભાઈ-બહેનોએ એવી નોકરી સ્વીકારવાની ના પાડી, જે યહોવાનાં ધોરણો પ્રમાણે નથી. એવા સંજોગોમાં ખાતરી રાખીએ કે યહોવા આપણા કુટુંબને પૂરું પાડશે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં પણ પોતાના શિષ્યોને એ જ ખાતરી આપી હતી. (માથ્થી ૬:૩૦, ૩૩ વાંચો.) આપણને ભરોસો હશે કે યહોવા આપણી પડખે છે તો, તેમની સેવામાં પૂરું મન લગાવી શકીશું. જ્યારે જોઈશું કે યહોવા કઈ રીતે બધું પૂરું પાડે છે, ત્યારે તેમની સાથેનો આપણો સંબંધ વધુ મજબૂત થશે અને આપણી શ્રદ્ધા પણ વધશે.

૪-૫. એક કુટુંબ તંગી સહી રહ્યું હતું ત્યારે તેઓએ શું કર્યું?

ચાલો વેનેઝુએલામાં રહેતા મિગલ કાસ્ટ્રોના કુટુંબનું ઉદાહરણ જોઈએ. તેઓએ તંગીમાં ગુજરાન ચલાવવા કઈ રીતે યહોવા પર ભરોસો રાખ્યો એનો વિચાર કરીએ. તેઓ પાસે પોતાની જમીન હતી. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. પણ ગુંડાઓએ તેઓની જમીન પચાવી પાડી અને તેઓને ત્યાંથી કાઢી મૂક્યા. મિગલભાઈ કહે છે, “હવે કોઈકે અમને જમીનનો નાનો ટુકડો ખેતી કરવા આપ્યો છે. એમાં ખેતી કરીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. હું દરરોજ યહોવાને પ્રાર્થના કરું છું કે તે અમને આજનું ખાવાનું પૂરું પાડે.” મિગલભાઈ અને તેમના કુટુંબ માટે જીવન જીવવું સહેલું નથી. છતાં તેઓને ભરોસો છે કે યહોવા એક પ્રેમાળ પિતાની જેમ તેઓની જરૂરિયાતો પૂરી પાડશે. એટલે તેઓ સભા અને પ્રચારમાં જવાનું ચૂકતા નથી. તેઓએ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી છે અને યહોવા પણ તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

મિગલભાઈ અને તેમની પત્ની યુરાઈએ, એ વાત પર ધ્યાન આપ્યું કે યહોવાએ કઈ રીતે મુશ્કેલીઓમાં પણ તેઓની સંભાળ રાખી. યહોવાએ અમુક વાર ભાઈ-બહેનો દ્વારા જરૂરી ચીજ-વસ્તુઓ પૂરી પાડી અથવા મિગલભાઈને નોકરી શોધવા મદદ કરી. શાખા કચેરીએ પણ તેઓને કેટલીક વાર જરૂરી વસ્તુઓ આપી. યહોવાએ હંમેશાં તેઓને સહારો આપ્યો એનાથી તેઓની શ્રદ્ધા વધી. સૌથી મોટી દીકરી હૉસલીન એક ખાસ બનાવ યાદ કરતા કહે છે, “જ્યારે મેં જોયું કે યહોવાએ કઈ રીતે અમારી મદદ કરી ત્યારે મારી હિંમત વધી. હવે તે મારા પાકા દોસ્ત છે. મને પૂરો ભરોસો છે કે તે હંમેશાં દોસ્તી નિભાવશે. અમારા કુટુંબે ઘણી કસોટી પાર કરી છે, એનાથી અમારી શ્રદ્ધા વધી છે. હવે અમે મોટી મોટી કસોટીઓનો સામનો કરવા તૈયાર છીએ.”

૬. પૈસાની તંગીમાં પણ તમે કઈ રીતે શ્રદ્ધા અડગ કરી શકો?

શું તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છો? જો એમ હોય તો તમે ઘણી મુશ્કેલીઓ સહન કરતા હશો. એવા સમયે તમે શ્રદ્ધા મજબૂત કરી શકો છો. તમે પ્રાર્થના કરો અને માથ્થી ૬:૨૫-૩૪માં ઈસુએ કહેલા શબ્દો વાંચો. પછી એના પર મનન કરો. આપણાં સાહિત્યમાંથી એવાં ભાઈ-બહેનોના અનુભવ વાંચો જેઓ મુશ્કેલીઓ છતાં યહોવાની ભક્તિમાં લાગુ રહ્યાં. એનાથી જાણવા મળશે કે કઈ રીતે યહોવાએ તેઓની જરૂરિયાતો પૂરી કરી. (૧ કોરીં. ૧૫:૫૮) આમ તમારો ભરોસો વધશે કે તંગીમાં યહોવા તમારી પણ જરૂરિયાતો પૂરી કરશે. તે જાણે છે કે તમને શાની જરૂર છે અને તે ચોક્કસ પૂરું પાડશે. તમે જોશો કે યહોવા તમારી મદદ કરે છે ત્યારે, યહોવા પર તમારી શ્રદ્ધા અડગ થશે. આમ આવનાર મોટી મુશ્કેલીઓનો તમે સામનો કરી શકશો.—હબા. ૩:૧૭, ૧૮.

‘મોટા તોફાનનો’ સામનો કરવા શ્રદ્ધા વધારીએ

ભલે ખરેખરનું તોફાન આવે કે તોફાન જેવી મુશ્કેલીઓ આવે, અડગ શ્રદ્ધા હશે તો એનો સામનો કરી શકીશું (ફકરા ૭-૧૧ જુઓ)

૭. “મોટું તોફાન” આવ્યું ત્યારે શિષ્યોની શ્રદ્ધાની કસોટી કઈ રીતે થઈ? (માથ્થી ૮:૨૩-૨૬)

માથ્થી ૮:૨૩-૨૬ વાંચો. એકવાર એવું બન્યું કે ઈસુ પોતાના શિષ્યો સાથે હોડીમાં મુસાફરી કરતા હતા. અચાનક એક મોટું તોફાન આવ્યું અને હોડી ડૂબવા લાગી. પણ ઈસુ આરામથી સૂતા હતા. શિષ્યો ડરી ગયા અને ઈસુને જગાડીને કહેવા લાગ્યા “હે માલિક, બચાવો.” એ બનાવથી ઈસુ શિષ્યોને કંઈક શીખવવા માંગતા હતા. ઈસુ એ જોવા મદદ કરી રહ્યા હતા કે શિષ્યોએ શ્રદ્ધા વધારવાની જરૂર હતી. એટલે ઈસુએ તેઓને પૂછ્યું “તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ?” શિષ્યોએ સમજી જવું જોઈતું હતું કે યહોવા પોતાના દીકરાને બચાવી શકે છે અને તેમની સાથેના લોકોને પણ બચાવી શકે છે. એ બનાવથી આપણને શું શીખવા મળે છે? ભલે ખરેખરનું “તોફાન” આવે કે તોફાન જેવી મુશ્કેલીઓ આવે, જો યહોવા પર પૂરી શ્રદ્ધા રાખીશું તો એનો સામનો કરી શકીશું.

૮-૯. (ક) અનેલબહેનની શ્રદ્ધાની કસોટી કઈ રીતે થઈ? (ખ) તેમને શાનાથી મદદ મળી?

ચાલો અનેલબહેનનો દાખલો જોઈએ. તે કુંવારાં છે અને પોર્ટો રિકોમાં રહે છે. તેમણે ઘણી મુશ્કેલીઓ પાર કરીને પોતાની શ્રદ્ધા વધારી છે. ૨૦૧૭માં તેમનાં વિસ્તારમાં મારિયા નામનું મોટું વાવાઝોડું આવ્યું. એમાં તેમનું ઘર પડી ભાંગ્યું અને તેમની નોકરી છૂટી ગઈ. તે કહે છે, “એ સમયે હું ચિંતાના વાદળોમાં ઘેરાઈ ગઈ. પણ મેં પ્રાર્થના કરી અને ભક્તિમાં લાગુ રહી. એનાથી હું યહોવા પર ભરોસો રાખવાનું શીખી.”

આજ્ઞા પાળવાથી પણ અનેલબહેનને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ મળી. તે કહે છે, “સંગઠનનું માર્ગદર્શન પાળવાથી હું મન શાંત રાખી શકી. હું જોઈ શકી કે યહોવા ભાઈ-બહેનોનો ઉપયોગ કરીને મારી હિંમત વધારી રહ્યા છે અને જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે. મેં ધાર્યું હતું એનાથી વધારે યહોવાએ મને આપ્યું. એ બધાં કારણોને લીધે મારી શ્રદ્ધા વધુ મજબૂત થઈ.”

૧૦. તમે ‘મોટા તોફાનનો’ સામનો કરી રહ્યા હો તો શું કરી શકો?

૧૦ શું તમે ‘મોટા તોફાનનો’ સામનો કરી રહ્યા છો? કદાચ તમે કુદરતી આફતોને લીધે અથવા બીમારીઓને લીધે ઘણું સહન કરી રહ્યા હશો. ચિંતાઓને તમારા પર હાવી થવા ન દો, પણ યહોવા પર ભરોસો રાખો અને પ્રાર્થના કરતા રહો. એવા સમયનો વિચાર કરો જ્યારે યહોવાએ તમને મદદ કરી હોય, એનાથી તમારી શ્રદ્ધા વધશે. (ગીત. ૭૭:૧૧, ૧૨) ભરોસો રાખો કે યહોવા તમારો સાથ ક્યારેય નહિ છોડે, આજે પણ નહિ અને ભાવિમાં પણ નહિ.

૧૧. સંગઠન અને વડીલોની સલાહ કેમ પાળવી જોઈએ?

૧૧ અનેલબહેન પાસેથી આપણે એ પણ શીખ્યા કે જો આજ્ઞા પાળીશું તો મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. યહોવા અને ઈસુ જે ભાઈઓ પર ભરોસો રાખે છે, તેઓ પર આપણે પણ ભરોસો રાખવો જોઈએ. અમુક વાર સંગઠન અને વડીલોએ આપેલું માર્ગદર્શન આપણા ગળે ન ઊતરે. પણ જો તેઓનું માનીશું તો યહોવા ખુશ થશે અને આપણું જીવન સલામત રહેશે. બાઇબલમાંથી અને બીજા ઈશ્વરભક્તોનાં ઉદાહરણથી આપણને એ વાત શીખવા મળે છે. (નિર્ગ. ૧૪:૧-૪; ૨ કાળ. ૨૦:૧૭) આપણે એવાં ઉદાહરણ પર મનન કરીશું તો સંગઠનથી મળતી બધી સલાહ, આજે અને ભાવિમાં પણ પાળી શકીશું. (હિબ્રૂ. ૧૩:૧૭) એટલું જ નહિ આપણે આવનાર મોટી વિપત્તિનો પણ હિંમતથી સામનો કરી શકીશું.—નીતિ. ૩:૨૫.

અન્યાય થાય ત્યારે શ્રદ્ધા રાખીએ

પ્રાર્થનામાં લાગુ રહેવાથી આપણી શ્રદ્ધા વધશે (ફકરો ૧૨ જુઓ)

૧૨. અન્યાય થાય ત્યારે શ્રદ્ધા રાખવી કેમ જરૂરી છે? (લૂક ૧૮:૧-૮)

૧૨ ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોએ અન્યાય સહેવો પડશે. એના લીધે તેઓની શ્રદ્ધાની કસોટી થશે. તેઓને મદદ કરવા ઈસુએ એક વિધવા અને ખરાબ ન્યાયાધીશની વાર્તા કહી. વિધવા ન્યાય મેળવવા એ ન્યાયાધીશ પાસે જઈને વારંવાર કાલાવાલા કરતી. તેને ખાતરી હતી કે એવું કરવાથી ન્યાયાધીશ તેની ફરિયાદ સાંભળશે. આખરે તેણે એ વિધવાની ફરિયાદ સાંભળી. એમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવા અન્યાયી નથી. એટલે ઈસુએ કહ્યું, “તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?” (લૂક ૧૮:૧-૮ વાંચો.) એ પછી ઈસુએ તેઓને કહ્યું, “પણ માણસનો દીકરો આવશે ત્યારે, શું તેને પૃથ્વી પર આવી શ્રદ્ધા જોવા મળશે?” આપણી સાથે અન્યાય થાય ત્યારે એ વિધવાની જેમ કઈ રીતે શ્રદ્ધા બતાવી શકીએ? આપણે ધીરજ રાખીએ અને યહોવાને વારંવાર પ્રાર્થના કરીએ. એવી શ્રદ્ધા હશે તો આપણે ખાતરી રાખી શકીશું કે યહોવા આજે નહિ તો કાલે, આપણી પ્રાર્થનાનો જવાબ જરૂર આપશે. આપણે ભરોસો રાખીએ કે પ્રાર્થનામાં ઘણી તાકાત છે. અમુક વાર ધાર્યું ન હોય એ રીતે યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે.

૧૩. એક કુટુંબ સાથે ખરાબ બનાવ બન્યો ત્યારે પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળી?

૧૩ કૉંગો લોકશાહી પ્રજાસત્તાકમાં રહેતાં એક બહેન અને તેમના કુટુંબનું ઉદાહરણ જોઈએ. તેમનું નામ વેરૉ છે અને તેમનાં પતિ યહોવાના સાક્ષી નથી. તેઓના ગામમાં અમુક સૈનિકોએ હુમલો કર્યો. તેમણે પોતાના પતિ અને પંદર વર્ષની દીકરી સાથે ભાગવું પડ્યું. પણ રસ્તામાં અમુક સૈનિકોએ તેઓને પકડી લીધાં અને મારી નાખવાની ધમકી આપી. એ બહેન એટલાં ડરી ગયાં કે તે રડવા લાગ્યાં. તેમને શાંત કરવા તેમની દીકરી જોરજોરથી પ્રાર્થના કરવા લાગી અને પ્રાર્થનામાં યહોવાનું નામ વારેઘડીએ લેવા લાગી. પ્રાર્થના કર્યા પછી સૈનિકોના અધિકારીએ પૂછ્યું, “બેટા, તને પ્રાર્થના કરવાનું કોણે શીખવ્યું?” દીકરીએ જવાબ આપ્યો, “મમ્મીએ બાઇબલમાંથી શીખવ્યું. માથ્થી ૬:૯-૧૩માં એવી જ પ્રાર્થના આપી છે.” અધિકારીએ તેને કહ્યું, “બેટા તારાં મમ્મી-પપ્પા જોડે શાંતિથી જા. તારો ઈશ્વર યહોવા તારું રક્ષણ કરશે.”

૧૪. આપણી શ્રદ્ધાની કસોટી ક્યારે થઈ શકે અને એવું થાય ત્યારે શું કરવું જોઈએ?

૧૪ એવાં ઉદાહરણોથી શીખવા મળે છે કે પ્રાર્થનામાં ઘણી તાકાત છે. પણ જો યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ તરત ન આપે અથવા અદ્‍ભુત રીતે ન આપે તો કદાચ આપણી શ્રદ્ધાની કસોટી થાય. એવું થાય ત્યારે શું કરવું જોઈએ? ઈસુએ જે વિધવા વિશે કહ્યું એવા આપણે બનવું જોઈએ અને સતત પ્રાર્થના કરતા રહેવું જોઈએ. આપણે ભરોસો રાખવો જોઈએ કે યહોવા આપણો હાથ કદી નહિ છોડે. તે યોગ્ય સમયે આપણી પ્રાર્થનાનો જવાબ આપશે. આપણે યહોવા પાસે પવિત્ર શક્તિ માંગતા રહેવું જોઈએ. (ફિલિ. ૪:૧૩) આપણે યાદ રાખવું જોઈએ કે બહુ જલદી યહોવા આપણું જીવન આશીર્વાદોથી ભરી દેશે. એ સમયે હાલની તકલીફો યાદ પણ નહિ આવે. યહોવાની મદદથી કસોટીઓ સહીએ છીએ ત્યારે, આપણી શ્રદ્ધા વધે છે અને આવનાર મોટી મોટી કસોટીઓ સહેવા તૈયાર થઈએ છીએ.—૧ પિત. ૧:૬, ૭.

પહાડ જેવી તકલીફો આવે ત્યારે શ્રદ્ધા બતાવીએ

૧૫. માથ્થી ૧૭:૧૯, ૨૦ પ્રમાણે ઈસુના શિષ્યોએ કઈ તકલીફનો સામનો કરવો પડ્યો?

૧૫ માથ્થી ૧૭:૧૯, ૨૦ વાંચો. ઈસુના શિષ્યો લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢી શકતા હતા. પણ એક વાર તેઓ એવું ન કરી શક્યા. શા માટે? કારણ કે તેઓને શ્રદ્ધા વધારવાની જરૂર હતી. એટલે ઈસુએ તેઓને કહ્યું કે જો તેઓમાં અડગ શ્રદ્ધા હશે તો પહાડ જેવી તકલીફોનો સામનો કરી શકશે. આપણી સામે પણ મોટી મોટી તકલીફો આવી શકે. એવા સમયે આપણે શું કરવું જોઈએ?

ભલે દુઃખી હોઈએ કે નિરાશ, અડગ શ્રદ્ધાને લીધે આપણે યહોવાની ભક્તિમાં લાગુ રહી શકીશું (ફકરો ૧૬ જુઓ)

૧૬. ગૈડીબહેનને દુઃખમાંથી બહાર આવવા ક્યાંથી મદદ મળી?

૧૬ ચાલો ગ્વાટેમાલામાં રહેતાં ગૈડીબહેનનું ઉદાહરણ જોઈએ. તે અને તેમનાં પતિ એડી સભામાંથી ઘરે પાછાં જઈ રહ્યાં હતાં. રસ્તામાં તેમનાં પતિનું ખૂન થઈ ગયું. એ બનાવથી બહેન હચમચી ગયાં. પણ શ્રદ્ધાને લીધે તે દુઃખમાંથી બહાર આવી શક્યાં. તે કહે છે, “હું પ્રાર્થનામાં મારું દિલ યહોવા આગળ ઠાલવી દઉં છું. એનાથી મને મનની શાંતિ મળે છે. કુટુંબ અને મંડળનાં ભાઈ-બહેનો દ્વારા યહોવા મારી સંભાળ રાખે છે. યહોવાની ભક્તિમાં લાગુ રહેવાથી મારું દુઃખ હળવું થાય છે. હું કાલની વધારે પડતી ચિંતા કરવાને બદલે આજની ચિંતા આજ પૂરતી રાખવાનું શીખી. એ બનાવથી મને એક વાત શીખવા મળી કે ભલે કોઈ પણ તકલીફ કેમ ન આવે હું યહોવા, ઈસુ અને સંગઠનની મદદથી એનો સામનો કરી શકીશ.”

૧૭. આપણી સામે પહાડ જેવી તકલીફો આવે ત્યારે શું કરવું જોઈએ?

૧૭ શું કોઈ સગા કે મિત્રને મરણમાં ગુમાવવાને લીધે તમે શોકમાં ડૂબી ગયા છો? જો એમ હોય તો બાઇબલમાંથી એવા લોકો વિશે વાંચો જેઓને પાછા જીવતા કરવામાં આવ્યા હતા. તમારા એ સગા કે મિત્ર જરૂર પાછા જીવતા થશે એવી શ્રદ્ધા મજબૂત કરો. શું તમારા કુટુંબમાંથી કોઈને બહિષ્કૃત કરવામાં આવ્યા છે એટલે તમે દુઃખી છો? યહોવાની સુધારવાની રીત સૌથી સારી છે એવો ભરોસો મજબૂત કરવા બાઇબલ અને સાહિત્યમાંથી અભ્યાસ કરો. ભલે તકલીફો આવે, એને શ્રદ્ધા મજબૂત કરવાની એક તક ગણો. પ્રાર્થનામાં યહોવાને દિલની બધી વાત જણાવો. પોતાને એકલા ન પાડી દો પણ ભાઈ-બહેનોની નજીક રહો. (નીતિ. ૧૮:૧) જો તમારું દુઃખ યાદ આવી જાય અને દિલ ભરાઈ આવે તોપણ યહોવાની ભક્તિમાં લાગુ રહો. (ગીત. ૧૨૬:૫, ૬) સભા અને પ્રચારમાં જાઓ. બાઇબલ વાંચતા રહો. એવા આશીર્વાદો પર મનન કરતા રહો જે યહોવા તમને ભાવિમાં આપવાના છે. યહોવા કઈ રીતે તમારી મદદ કરે છે એના પર વિચાર કરવાથી તમારી શ્રદ્ધા અડગ થશે.

“અમારી શ્રદ્ધા વધારો”

૧૮. જો ખ્યાલ આવે કે આપણી શ્રદ્ધા ઓછી છે તો શું કરવું જોઈએ?

૧૮ પહેલાંની કે અત્યારની કસોટીઓ પાર કરતી વખતે ખ્યાલ આવે કે આપણી શ્રદ્ધા ઓછી છે તો નિરાશ ન થઈએ. આપણે શ્રદ્ધા વધારવાની કોશિશ કરીએ. ઈસુના પ્રેરિતોની જેમ આપણે પણ માંગતા રહીએ કે “અમારી શ્રદ્ધા વધારો.” (લૂક ૧૭:૫) વધુમાં એવાં ઉદાહરણોનો વિચાર કરીએ જે આપણે આ લેખમાં જોઈ ગયા. આપણે મિગલભાઈ અને યુરાઈબહેનની જેમ યાદ રાખીએ કે યહોવાએ આપણને કેવા સમયે મદદ કરી હતી. વેરૉબહેનની દીકરી અને અનેલબહેનની જેમ યહોવાને દિલથી પ્રાર્થના કરીએ. ખાસ કરીને એવા સમયે જ્યારે આપણી સામે કોઈ મોટી તકલીફ આવે. ગૈડીબહેનની જેમ ભરોસો રાખીએ કે કુટુંબ અને મિત્રો દ્વારા યહોવા આપણી સંભાળ રાખશે. યહોવાની મદદથી આજે આપણે કોઈ પણ કસોટીનો સામનો કરી શકીએ છીએ. એનાથી ભરોસો વધે છે કે આવનાર કસોટીનો સામનો કરવા પણ યહોવા આપણને મદદ કરશે.

૧૯. ઈસુને કઈ ખાતરી હતી અને તમે કઈ ખાતરી રાખી શકો?

૧૯ ઈસુએ તેમના શિષ્યોને ચાર સંજોગોમાં શ્રદ્ધા વધારવાનું કહ્યું. તેમને પૂરી ખાતરી હતી કે જો તેઓ એમ કરશે તો યહોવાની મદદથી આવનાર કસોટીઓ પાર કરી શકશે. (યોહા. ૧૪:૧; ૧૬:૩૩) ઈસુને એ વાતની પણ ખાતરી હતી કે એક મોટું ટોળું અડગ શ્રદ્ધાને લીધે મોટી વિપત્તિ પાર કરશે. (પ્રકટી. ૭:૯, ૧૪) શું તમે એ મોટા ટોળામાં હશો? જો આજે તમે શ્રદ્ધા અડગ કરવાનો પ્રયત્ન કરશો, તો યહોવાની અપાર કૃપાને લીધે તમે પણ જરૂર એ ટોળામાં હશો.—હિબ્રૂ. ૧૦:૩૯.

ગીત ૫૧ યહોવા અમારો આધાર

^ ફકરો. 5 આપણે બધા ઇચ્છા રાખીએ છીએ કે આ દુષ્ટ દુનિયાનો અંત જલદી આવે. પણ શું આપણી શ્રદ્ધા એટલી અડગ છે કે આવનાર મુશ્કેલીઓ સહી શકીએ? આ લેખમાં આપણે અમુક ભાઈ-બહેનોનાં ઉદાહરણ જોઈશું. તેઓ પાસેથી શીખીશું કે પોતાની શ્રદ્ધા કઈ રીતે મજબૂત કરી શકીએ.