સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૭

કંઈ પણ આપણને યહોવાથી જુદા પાડી શકશે નહિ

કંઈ પણ આપણને યહોવાથી જુદા પાડી શકશે નહિ

“હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું.”—ગીત. ૩૧:૧૪.

ગીત ૩૨ અડગ રહીએ

ઝલક a

૧. કેમ કહી શકાય કે યહોવા આપણી નજીક આવવા માંગે છે?

 યહોવા ચાહે છે કે આપણે તેમની નજીક જઈએ. (યાકૂ. ૪:૮) તે આપણા ઈશ્વર, પિતા અને દોસ્ત બનવા માંગે છે. તે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે, તે આપણને મદદ કરે છે. તે પોતાના સંગઠન દ્વારા આપણને શીખવે છે, આપણું રક્ષણ કરે છે. પણ આપણે કઈ રીતે યહોવાની નજીક જઈ શકીએ?

૨. આપણે કઈ રીતે યહોવાની નજીક જઈ શકીએ?

યહોવાની નજીક જવા આપણે તેમને પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. એવું કરવાથી આપણે જોઈ શકીશું કે યહોવા કેટલા સારા છે. આપણે તેમને વધારે પ્રેમ કરવા લાગીશું. પછી તેમની આજ્ઞા પાળવાનું અને તેમનો મહિમા કરવાનું મન થશે. (પ્રકટી. ૪:૧૧) આપણે યહોવાને જેટલા વધારે ઓળખીશું, એટલો જ તેમના પર આપણો ભરોસો વધતો જશે. તેમ જ તેમના સંગઠન પર આપણો ભરોસો વધશે, જેના દ્વારા તે આપણને મદદ કરે છે.

૩. (ક) આપણને યહોવાથી દૂર લઈ જવા શેતાન શું કરે છે? (ખ) આપણે કઈ રીતે શેતાનની ચાલાકીઓથી બચી શકીએ? (ગીતશાસ્ત્ર ૩૧:૧૩, ૧૪)

પણ શેતાન નથી ચાહતો કે આપણે યહોવાની નજીક જઈએ. આપણે યહોવાથી દૂર જતા રહીએ એ માટે શેતાન લાખ પ્રયત્નો કરે છે. તે શું કરે છે? આપણે મુશ્કેલીઓમાં હોઈએ ત્યારે તે એવું કંઈક કરે છે, જેનાથી યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો ધીરે ધીરે ઊઠી જાય. પણ આપણે તેની ચાલાકીઓથી બચી શકીએ છીએ. યહોવા પર અડગ શ્રદ્ધા રાખીશું અને તેમના પર પૂરો ભરોસો રાખીશું તો આપણે યહોવા અને તેમના સંગઠનને ક્યારેય નહિ છોડીએ.—ગીતશાસ્ત્ર ૩૧:૧૩, ૧૪ વાંચો.

૪. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

શેતાનની દુનિયામાં આપણે અઘરા સંજોગોનો સામનો કરવો પડે છે. આ લેખમાં આપણે એવા ત્રણ સંજોગોની ચર્ચા કરીશું. શેતાન એ સંજોગોનો ફાયદો ઉઠાવે છે, જેથી યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો ઊઠી જાય. એ સંજોગો કઈ રીતે આપણને યહોવાથી જુદા પાડી શકે? આપણે કઈ રીતે શેતાનની કોશિશો પર પાણી ફેરવી શકીએ? આ લેખમાં એ સવાલોના જવાબ મેળવીશું.

મુશ્કેલીઓ આવે ત્યારે

૫. આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો કઈ રીતે ઊઠવા લાગી શકે?

કદાચ આપણા પર આવી મુશ્કેલીઓ આવે, જેમ કે આપણી નોકરી છૂટી જાય કે કુટુંબના સભ્યો આપણો વિરોધ કરે. એવા સમયે યહોવાના સંગઠન પરથી આપણો ભરોસો કદાચ ઊઠવા લાગે અને આપણે યહોવાથી દૂર થવા લાગીએ. એ મુશ્કેલીઓ કદાચ લાંબો સમય ચાલે. એના લીધે આપણે નિરાશ થઈ જઈએ. આપણને દૂર દૂર સુધી આશાનું કોઈ કિરણ ન દેખાય. એ વખતે શેતાન આપણાં મનમાં આવી શંકા ઊભી કરે: ‘યહોવા મને પ્રેમ કરે છે કે નહિ? યહોવા કે તેમના સંગઠનને લીધે મારા પર આ મુશ્કેલીઓ તો નથી આવતી ને?’ શેતાને ઇઝરાયેલીઓ સાથે પણ એવું જ કંઈક કરવાની કોશિશ કરી હતી. એ સમયે ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા. યહોવાએ મૂસા અને હારુનને તેઓ પાસે મોકલ્યા. શરૂઆતમાં ઇઝરાયેલીઓને પૂરો ભરોસો હતો કે મૂસા અને હારુન દ્વારા યહોવા તેઓને ગુલામીમાંથી આઝાદ કરશે. (નિર્ગ. ૪:૨૯-૩૧) પણ જ્યારે રાજા તેઓ પર વધારે જુલમ કરવા લાગ્યો ત્યારે તેઓ મૂસા અને હારુનના વાંક કાઢવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા: “તમારા બંનેના લીધે રાજા અને તેમના અધિકારીઓ અમને ધિક્કારવા લાગ્યા છે! અમને મારી નાખવા તમે તેઓના હાથમાં તલવાર આપી છે.” (નિર્ગ. ૫:૧૯-૨૧) કેટલું ખરાબ કહેવાય કે તેઓએ યહોવાના વફાદાર ભક્તોના વાંક કાઢ્યા! જો આપણી કોઈ મુશ્કેલી લાંબો સમય ચાલે તો યહોવા અને તેમના સંગઠન પર ભરોસો મજબૂત રાખવા શું કરી શકીએ?

૬. મુશ્કેલીઓમાં હબાક્કૂકે શું કર્યું? આપણે તેમની પાસેથી શું શીખી શકીએ? (હબાક્કૂક ૩:૧૭-૧૯)

યહોવા આગળ દિલ ઠાલવીએ અને તેમના પર આધાર રાખીએ. હબાક્કૂક પ્રબોધકના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. એકવાર તો તે સાવ ભાંગી પડ્યા. તે વિચારવા લાગ્યા કે યહોવાને તેમની કંઈ પડી નથી. તેમના મનમાં જે કંઈ ઊથલ-પાથલ ચાલતી હતી, એ બધું તેમણે યહોવાને જણાવ્યું. તેમણે કહ્યું: ‘હે યહોવા, ક્યાં સુધી હું મદદ માટે પોકાર કરીશ ને તમે સાંભળશો નહિ? તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?’ (હબા. ૧:૨, ૩) યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી. તેમણે હબાક્કૂકને ખાતરી આપી કે બધું ઠીક થઈ જશે. (હબા. ૨:૨, ૩) અગાઉ યહોવાએ પોતાના ભક્તોને જે રીતે બચાવ્યા હતા, એના પર હબાક્કૂકે વિચાર કર્યો. એટલે તે ફરીથી ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શક્યા. તેમને ખાતરી થઈ ગઈ કે યહોવા તેમની કાળજી રાખે છે અને તેમની મદદથી તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકશે. (હબાક્કૂક ૩:૧૭-૧૯ વાંચો.) હબાક્કૂક પાસેથી આપણે શું શીખી શકીએ? આપણે મુશ્કેલીઓમાં યહોવાને પ્રાર્થના કરીએ. તેમની આગળ દિલ ઠાલવીએ. તેમના પર પૂરો આધાર રાખીએ. એ પણ વિચારીએ કે યહોવાએ પહેલાં આપણને કઈ રીતે મદદ કરી હતી. એમ કરીશું તો ખાતરી થશે કે યહોવા ચોક્કસ આપણને મદદ કરશે અને મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત આપશે. તે જે રીતે આપણને મદદ કરે છે, એ જોઈને આપણી શ્રદ્ધા વધશે.

૭. (ક) શર્લીબહેનના એક સગાએ શું કર્યું? (ખ) શ્રદ્ધા નબળી ન પડે માટે શર્લીબહેને શું કર્યું?

યહોવા સાથે દોસ્તી ટકાવી રાખીએ. ચાલો પાપુઆ ન્યૂ ગિનીનાં શર્લીબહેન વિશે જોઈએ. b તેમના પર ઘણી મુશ્કેલીઓ આવી. તેમનું કુટુંબ બહુ ગરીબ હતું. અમુક વાર તેઓને બે ટાઇમનું ખાવાનું પણ માંડ માંડ મળતું હતું. એવામાં તેમના એક સગા આવીને કહેવા લાગ્યા: “તમે તો કહો છો કે તમારા ભગવાન તમને પવિત્ર શક્તિ આપે છે. હવે ક્યાં ગઈ એ પવિત્ર શક્તિ? તમે તો પહેલાંય ગરીબ હતા ને આજેય ગરીબ છો, ને પાછા પ્રચારમાં બધો સમય બરબાદ કરો છો.” તે શર્લીબહેનની શ્રદ્ધા નબળી પાડવા માંગતા હતા. શર્લીબહેન કહે છે: “એક પળ માટે તો હું વિચારવા લાગી કે શું યહોવાને અમારી ચિંતા છે કે નઈ?” પણ શર્લીબહેન યહોવા પર ભરોસો કરતા રહ્યા. તે કહે છે: “મેં તરત યહોવાને પ્રાર્થના કરી. મારી બધી લાગણીઓ તેમને જણાવી. મેં બાઇબલ અને સાહિત્ય વાંચવાનું, પ્રચાર અને સભાઓમાં જવાનું છોડ્યું નહિ.” એવો એક પણ દિવસ ન હતો, જ્યારે તેમના કુટુંબે ભૂખ્યા સૂવું પડ્યું હોય. તેઓ ખુશ રહેતા હતા. એ બધાથી બહેનને અહેસાસ થયો કે યહોવા તેમના કુટુંબની બહુ સંભાળ રાખે છે. તે કહે છે, “હું જોઈ શકી કે યહોવાએ મારી પ્રાર્થનાઓનો જવાબ આપ્યો.” (૧ તિમો. ૬:૬-૮) આપણે પણ મુશ્કેલીઓમાં યહોવા સાથેની દોસ્તી ટકાવી રાખીશું તો કંઈ પણ આપણને તેમનાથી જુદા પાડી શકશે નહિ.

આગેવાની લેતા ભાઈઓ સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે

૮. સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ સાથે શું થઈ શકે છે?

ઘણા લોકો ટીવી, ન્યૂઝપેપર, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા યહોવાના સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓ વિશે ખોટી અફવા ફેલાવે છે. (ગીત. ૩૧:૧૩) અમુક ભાઈઓની તો ધરપકડ થઈ છે. તેઓ ગુનેગાર છે એવા આરોપ મૂકવામાં આવ્યા છે. પહેલી સદીમાં પ્રેરિત પાઉલ સાથે પણ એવું જ કંઈક થયું. તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા. તેમને પકડવામાં આવ્યા. એવા સમયે ભાઈ-બહેનોએ શું કર્યું?

૯. પાઉલને કેદ થઈ ત્યારે અમુક ભાઈ-બહેનોએ શું કર્યું?

પાઉલને રોમમાં કેદ થઈ ત્યારે અમુક ભાઈ-બહેનોએ તેમનાથી મોં ફેરવી લીધું. (૨ તિમો. ૧:૮, ૧૫) પાઉલને એક અપરાધી ગણવામાં આવતા હતા. એટલે કદાચ એ ભાઈ-બહેનો વિચારતા હશે કે જો તેઓ પાઉલને મળશે તો લોકો શું કહેશે, તેઓએ શરમમાં મૂકાવું પડશે. (૨ તિમો. ૨:૮, ૯) અથવા કદાચ તેઓને એ વાતનો ડર લાગતો હશે કે તેઓ પર પણ જુલમ ગુજારવામાં આવશે. તેઓનાં મનમાં શું ચાલી રહ્યું હતું એ આપણે નથી જાણતા. પણ જરા પાઉલનો વિચાર કરો. તેમને કેવું લાગ્યું હશે? એ ભાઈ-બહેનો માટે તેમણે ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. પણ જ્યારે પાઉલને તેઓની સૌથી વધારે જરૂર હતી, ત્યારે જ તેઓ તેમની પડખે ન હતા. (પ્રે.કા. ૨૦:૧૮-૨૧; ૨ કોરીં. ૧:૮) આપણે પહેલી સદીનાં એ ભાઈ-બહેનો જેવા બનવા માંગતા નથી. તો પછી આગેવાની લેતા ભાઈઓ સાથે ખરાબ વ્યવહાર થાય ત્યારે આપણે શું કરી શકીએ?

૧૦. આગેવાની લેતા ભાઈઓની સતાવણી થાય ત્યારે આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૦ આપણી સતાવણી કેમ થાય છે અને એના પાછળ કોનો હાથ છે, એ યાદ રાખીએ. બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું: “જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.” (૨ તિમો. ૩:૧૨) શેતાન આગેવાની લેતા ભાઈઓની સતાવણી કરે છે, એ જોઈને આપણને નવાઈ લાગવી ન જોઈએ. તે ચાહે છે કે એ ભાઈઓ યહોવાને વફાદાર રહેવાનું પડતું મૂકે. તે એમ પણ ચાહે છે કે તેઓ પર થતો જુલમ જોઈને આપણાં મનમાં ડર પેસી જાય.—૧ પિત. ૫:૮.

પાઉલ કેદમાં હતા ત્યારે ઓનેસિફરસે હિંમત બતાવી અને તેમને સાથ આપ્યો. આજે જેલમાં છે એવાં ભાઈ-બહેનોને બીજાં ભાઈ-બહેનો સાથ આપે છે (ફકરા ૧૧-૧૨ જુઓ)

૧૧. ઓનેસિફરસ પાસેથી આપણે શું શીખી શકીએ? (૨ તિમોથી ૧:૧૬-૧૮)

૧૧ આગેવાની લેતા ભાઈઓનો સાથ ક્યારેય ન છોડીએ અને તેઓને મદદ કરતા રહીએ. (૨ તિમોથી ૧:૧૬-૧૮ વાંચો.) પાઉલ કેદમાં હતા ત્યારે ઓનેસિફરસે તેમને મદદ કરવા બનતું બધું કર્યું. બાઇબલમાં ઓનેસિફરસ વિશે જણાવ્યું છે કે પાઉલ ‘કેદમાં સાંકળોથી બંધાયેલા હતા, એના લીધે તે કદી શરમાયા નહિ.’ ઓનેસિફરસે રોમમાં પાઉલની ઘણી તપાસ કરી અને તેમને શોધી કાઢ્યા. પછી પાઉલને જે વસ્તુઓની જરૂર હતી, એ લાવી આપી. પાઉલને મદદ કરવા તેમણે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો. ઓનેસિફરસ પાસેથી આપણે શું શીખી શકીએ? ભાઈઓની સતાવણી થાય ત્યારે આપણે ડરીને તેઓનો સાથ છોડી ન દઈએ. હંમેશાં તેઓની પડખે રહીએ અને થઈ શકે એટલી મદદ કરીએ. (નીતિ. ૧૭:૧૭) એ અઘરા સમયમાં ભાઈઓને આપણા પ્રેમ અને સાથની સૌથી વધારે જરૂર હોય છે.

૧૨. રશિયાનાં ભાઈ-બહેનો પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૨ રશિયામાં ભાઈ-બહેનોને જેલ થાય છે ત્યારે બીજાં ભાઈ-બહેનો તેઓનો સાથ છોડતા નથી. અમુક ભાઈ-બહેનોના કેસ ચાલતા હોય એ સમયે ઘણાં ભાઈ-બહેનો તેઓને સાથ આપવા કોર્ટ સુધી જાય છે. તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ? આગેવાની લેતા ભાઈઓને બદનામ કરવામાં આવે, તેઓની ધરપકડ થાય કે તેઓ પર જુલમ ગુજારવામાં આવે ત્યારે આપણે ડરીને તેઓનો સાથ ન છોડી દઈએ. આપણે તેઓની પડખે રહીએ. તેઓ માટે પ્રાર્થના કરતા રહીએ. તેઓના કુટુંબની સંભાળ રાખીએ. આપણે જે કરી શકતા હોઈએ, એ બધું કરીએ.—પ્રે.કા. ૧૨:૫; ૨ કોરીં. ૧:૧૦, ૧૧.

લોકો જેમતેમ બોલે ત્યારે

૧૩. લોકો જેમતેમ બોલે ત્યારે યહોવા અને સંગઠન પરથી આપણો ભરોસો કઈ રીતે ઊઠી શકે?

૧૩ આપણે પ્રચાર કરીએ છીએ અને યહોવાનાં ધોરણો પાળીએ છીએ. એના લીધે કદાચ આપણાં સગાં-વહાલાં, સાથે કામ કરનારા અથવા સાથે ભણનારા આપણી મજાક ઉડાવે. (૧ પિત. ૪:૪) તેઓ કદાચ કહે, “તમે આમ તો સારા છો, પણ તમારા ધર્મમાં બહુ નિયમો છે. આજે એ બધા નિયમો કોણ પાળે!” મંડળમાંથી જે લોકો બહિષ્કૃત થયા હોય, તેઓ સાથે આપણે સંબંધ રાખતા નથી. એ વિશે અમુક લોકો આપણને કહે, “તમે તો કહો છો કે તમે બધાને પ્રેમ કરો છો. ક્યાં છે તમારો પ્રેમ?” આવું સાંભળીને કદાચ યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો ઊઠવા લાગે અને આપણને ઘણા સવાલો થાય. આપણે વિચારવા લાગીએ, ‘યહોવાએ કંઈ વધારે પડતા જ નિયમો નથી આપ્યા? તેમના સંગઠનમાં કેટલી રોકટોક છે. શું આટલું બધું કોઈ પાળી શકે?’ લોકો આપણી મજાક ઉડાવે અથવા આપણને જેમતેમ બોલે ત્યારે આપણો ભરોસો ઊઠી શકે. પણ યહોવા અને તેમના સંગઠનથી દૂર ન જતા રહીએ માટે શું કરી શકીએ?

અયૂબના મિત્રો તેમને જેમતેમ બોલી ગયા. પણ અયૂબે તેઓની વાતો પર ધ્યાન ન આપ્યું. તેમણે યહોવાને વફાદાર રહેવાનો પાકો નિર્ણય લીધો હતો (ફકરો ૧૪ જુઓ)

૧૪. લોકો આપણને જેમતેમ બોલે ત્યારે શું કરવું જોઈએ? (ગીતશાસ્ત્ર ૧૧૯:૫૦-૫૨)

૧૪ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાનો આપણે પાકો નિર્ણય લઈએ. અયૂબ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતા હતા. એટલે લોકો તેમને જેમતેમ બોલી ગયા. એક વાર અયૂબના મિત્રએ તેમને કહ્યું કે અયૂબ યહોવાનાં ધોરણો માને કે ન માને, યહોવાને કંઈ ફરક પડતો નથી. (અયૂ. ૪:૧૭, ૧૮; ૨૨:૩) પણ અયૂબે આવી વાતો પર ધ્યાન ન આપ્યું. તે જાણતા હતા કે યહોવાએ ખરાં-ખોટાં વિશે જે ધોરણો નક્કી કર્યાં છે, એ એકદમ યોગ્ય છે. તેમણે યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવાનો પાકો નિર્ણય લીધો હતો. ભલે કંઈ પણ થઈ જાય, તે યહોવાને વફાદાર રહેવા માંગતા હતા. (અયૂ. ૨૭:૫, ૬) અયૂબ પાસેથી આપણે શું શીખી શકીએ? લોકો આપણી મશ્કરી કરે તોપણ આપણાં મનમાં યહોવાનાં ધોરણો વિશે શંકા ઊભી ન થવા દઈએ. એના બદલે તેમનાં ધોરણો પાળવાથી આપણને કેવા ફાયદા થયા છે, એના વિશે વિચારીએ. આપણે પાકો નિર્ણય લઈએ કે કંઈ પણ થઈ જાય, આપણે યહોવાના સંગઠનને નહિ છોડીએ. એમ કરીશું તો ભલે લોકો આપણને ગમે તે કહી જાય, આપણે યહોવાથી જુદા નહિ પડીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૫૦-૫૨ વાંચો.

૧૫. બ્રિઝિટબહેનનો વિરોધ કેમ થતો હતો?

૧૫ ચાલો ભારતમાં રહેતાં બ્રિઝિટબહેનનો દાખલો જોઈએ. તે યહોવાના સાક્ષી બન્યાં એના પછી તેમના કુટુંબે તેમને ઘણાં મહેણાં-ટોણાં માર્યાં, તેમનો ઘણો વિરોધ કર્યો. ૧૯૯૭માં તેમણે બાપ્તિસ્મા લીધું. પણ તેમના પતિ યહોવાના સાક્ષી ન બન્યા. થોડા સમય પછી તેમના પતિની નોકરી છૂટી ગઈ. એટલે તેમના પતિએ નિર્ણય લીધો કે તેઓ બંને અને ત્રણ દીકરીઓ બીજા શહેરમાં તેમનાં મમ્મી-પપ્પા સાથે રહેવા જશે. સાસરીમાં પણ બહેનની તકલીફો ઓછી ના થઈ. તેમણે ઘર સંભાળવાની સાથે સાથે કુટુંબનું ગુજરાન ચલાવવા નોકરી કરવી પડી. પ્રાર્થનાઘર પણ લગભગ ૩૫૦ કિલોમીટર દૂર હતું. એટલું જ નહિ, સાસરીવાળાએ એટલો વિરોધ કર્યો કે તેઓએ ઘર છોડવું પડ્યું. થોડા સમય પછી એવું કંઈક થયું જે તેમણે વિચાર્યું પણ ન હતું. તેમના પતિનું મરણ થયું. પછી તેમની એક દીકરીને કેન્સર થયું અને ૧૨ વર્ષની ઉંમરે તે ગુજરી ગઈ. અધૂરામાં પૂરું, તેમનાં સગાં-વહાલાં કહેવા લાગ્યાં કે બહેન યહોવાના સાક્ષી બન્યા એટલે જ આટલી બધી તકલીફો આવી રહી છે. એ બધું થયું તોપણ બહેને યહોવામાં અડગ ભરોસો રાખ્યો. તેમણે યહોવાના સંગઠનને છોડ્યું નહિ.

૧૬. યહોવા અને તેમના સંગઠન પર ભરોસો રાખવાથી બહેનને કેવા આશીર્વાદ મળ્યા?

૧૬ બ્રિઝિટબહેનનું ઘર પ્રાર્થનાઘરથી ઘણું દૂર હતું. એટલે એક સરકીટ નિરીક્ષકે ઉત્તેજન આપ્યું કે તે પોતાના વિસ્તારમાં જ ખુશખબર ફેલાવે અને ઘરે જ સભાઓ ચલાવે. શરૂ શરૂમાં બહેનને લાગ્યું કે તેમનાથી એવું નહિ થાય. પણ પછી તેમણે ભાઈના કહ્યા પ્રમાણે કર્યું. તે આસપાસના વિસ્તારોમાં ખુશખબર ફેલાવવા લાગ્યાં. પોતાના ઘરે જ સભાઓ ચલાવવા લાગ્યાં. તે દીકરીઓ સાથે નિયમિત કુટુંબ તરીકેની ભક્તિ કરતાં. થોડા જ સમયમાં તે ઘણા બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યા. ઘણા લોકોએ બાપ્તિસ્મા લીધું. પછી ૨૦૦૫માં બહેને પાયોનિયરીંગ શરૂ કર્યું. તે પ્રચાર કરતાં હતાં એ વિસ્તારમાં આજે બે મંડળો છે. બહેનની દીકરીઓ પણ યહોવાની ભક્તિ કરી રહી છે. એક સમયે બહેન પર ઘણી મુશ્કેલીઓ આવી હતી. તેમનાં સગાં-વહાલાં તેમને ઘણાં મહેણાં-ટોણાં મારતાં હતાં. પણ બહેને જણાવ્યું કે તે યહોવાની મદદથી એ બધું સહન કરી શક્યાં. બહેને યહોવા અને તેમના સંગઠન પર ભરોસો રાખ્યો એટલે તેમને ઘણા આશીર્વાદ મળ્યા.

યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહીએ

૧૭. આપણે કયો પાકો નિર્ણય કરવો જોઈએ?

૧૭ શેતાન ચાહે છે કે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે વિચારીએ કે ‘યહોવાએ આપણને છોડી દીધા છે. તેમના સંગઠનને વફાદાર રહીશું તો ઉલટી તકલીફો વધશે.’ જ્યારે આગેવાની લેતા ભાઈઓને બદનામ કરવામાં આવે, તેઓની ધરપકડ થાય અને તેઓ પર જુલમ ગુજારવામાં આવે, ત્યારે શેતાન ચાહે છે કે આપણે એ જોઈને ડરી જઈએ. તે ચાહે છે કે લોકોનાં મહેણાં-ટોણાં સાંભળીને યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો ઊઠી જાય અને વિચારવા લાગીએ કે તેમનાં ધોરણો પાળવાનો કોઈ ફાયદો નથી. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે આ તો શેતાનની ચાલાકીઓ છે. (૨ કોરીં. ૨:૧૧) આપણે પાકો નિર્ણય કરીએ કે તેની ચાલાકીઓમાં નહિ ફસાઈએ, તેમજ યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહીશું. હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને ક્યારેય નહિ છોડે. (ગીત. ૨૮:૭) પછી કંઈ પણ આપણને યહોવાથી જુદા નહિ પાડી શકે.—રોમ. ૮:૩૫-૩૯.

૧૮. આવતા લેખમાં શું જોઈશું?

૧૮ આ લેખમાં જોઈ ગયા કે શેતાનની દુનિયામાં આપણા પર કેવી મુશ્કેલીઓ આવે છે. પણ મંડળમાં પણ એવું કંઈક બની શકે, જેનાથી યહોવા અને તેમના સંગઠન પરથી આપણો ભરોસો ઊઠવા લાગે. આવતા લેખમાં જોઈશું કે એવું કંઈક થાય તો શું કરી શકીએ.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

a આ છેલ્લા દિવસોમાં યહોવાને વફાદાર રહેવા માટે ખૂબ જરૂરી છે કે આપણે તેમના પર અને તેમના સંગઠન પર પૂરો ભરોસો રાખીએ. પણ શેતાન એવું નથી ચાહતો. આ લેખમાં જોઈશું કે તે કઈ ત્રણ ચાલાકીઓ વાપરે છે, જેથી આપણો ભરોસો ઓછો થઈ જાય. એ પણ જોઈશું કે યહોવા અને તેમના સંગઠનને કઈ રીતે વફાદાર રહી શકીએ.

b અમુક નામ બદલ્યાં છે.