સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૫

પ્રચારકામ સારી રીતે કરવા યહોવા મદદ કરે છે

પ્રચારકામ સારી રીતે કરવા યહોવા મદદ કરે છે

“તેઓને ચોક્કસ ખબર પડશે કે તેઓમાં એક પ્રબોધક આવ્યો હતો.”—હઝકિ. ૨:૫.

ગીત ૪૭ ખુશખબર જણાવીએ

ઝલક a

૧. (ક) આપણે લોકોને પ્રચાર કરીએ ત્યારે શું થઈ શકે? (ખ) આપણે શાની ખાતરી રાખી શકીએ?

 આપણે લોકોને પ્રચાર કરીએ ત્યારે ઘણી વાર તેઓ આપણો વિરોધ કરે છે. પણ એનાથી આપણને આંચકો લાગવો ન જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાવિમાં વધારે વિરોધ થઈ શકે છે. (દાનિ. ૧૧:૪૪; ૨ તિમો. ૩:૧૨; પ્રકટી. ૧૬:૨૧) પણ પૂરી ખાતરી રાખી શકીએ કે એ સમયે યહોવા આપણને સાથ આપશે. યહોવા પોતાના ભક્તોને કોઈ જવાબદારી સોંપે ત્યારે એ પૂરી કરવા હંમેશાં મદદ કરે છે. પહેલાંના સમયમાં ઘણા ભક્તોને પોતાની જવાબદારી પૂરી કરવી અઘરી લાગી, પણ યહોવાની મદદથી તેઓ એ પૂરી કરી શક્યા. એમાંના એક હતા, હઝકિયેલ પ્રબોધક. તેમણે બાબેલોનની ગુલામીમાં રહેતા યહૂદીઓને સંદેશો જણાવવાનો હતો. ચાલો જોઈએ કે યહોવાએ કઈ રીતે તેમને મદદ કરી.

૨. (ક) હઝકિયેલે જેઓને સંદેશો જણાવવાનો હતો તેઓ વિશે યહોવાએ શું કહ્યું? (હઝકિયેલ ૨:૩-૬) (ખ) આ લેખમાં શું જોઈશું?

હઝકિયેલે કેવા લોકોને સંદેશો જણાવવાનો હતો? યહોવાએ એ લોકોને “હઠીલા,” “કઠણ દિલના” અને “બંડખોર” કહ્યા. તેઓ કાંટા જેવા અને વીંછી જેવા ખતરનાક હતા. એટલે યહોવાએ હઝકિયેલને ઘણી વાર કહ્યું: ‘તું ગભરાતો નહિ.’ (હઝકિયેલ ૨:૩-૬ વાંચો.) આ લેખમાં જોઈશું કે હઝકિયેલ લોકોને સારી રીતે સંદેશો જણાવી શક્યા, કેમ કે (૧) યહોવાએ તેમને મોકલ્યા હતા, (૨) યહોવાએ તેમને પવિત્ર શક્તિ આપી હતી અને (૩) યહોવાએ પોતાના શબ્દોથી તેમની શ્રદ્ધા વધારી હતી. એ પણ જોઈશું કે એ બધાથી આપણને પ્રચારમાં કઈ રીતે મદદ મળે છે.

યહોવાએ હઝકિયેલને મોકલ્યા હતા

૩. યહોવાએ કઈ રીતે હઝકિયેલની હિંમત વધારી અને ખાતરી અપાવી કે તેમને સાથ આપશે?

યહોવાએ હઝકિયેલને કહ્યું: ‘હું તને મોકલું છું.’ (હઝકિ. ૨:૩, ૪) એ શબ્દો સાંભળીને હઝકિયેલની હિંમત વધી હશે. તેમને યાદ આવ્યું હશે કે યહોવાએ મૂસા અને યશાયાને પ્રબોધક તરીકે કામ સોંપ્યું ત્યારે એવું જ કંઈક કહ્યું હતું. (નિર્ગ. ૩:૧૦; યશા. ૬:૮) હઝકિયેલ એ પણ જાણતા હતા કે તેઓનું કામ સહેલું ન હતું, તોપણ યહોવાની મદદથી એ કામ પૂરું કરી શક્યા. એટલે જ્યારે યહોવાએ બે વાર હઝકિયેલને કહ્યું: ‘હું તને મોકલું છું,’ ત્યારે તેમને પાકી ખાતરી થઈ હશે કે યહોવા તેમને સાથ આપશે. હઝકિયેલના પુસ્તકમાં ઘણી વાર આ શબ્દો પણ જોવા મળે છે: “યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો.” (હઝકિ. ૩:૧૬) હઝકિયેલે ઘણી વાર એમ પણ લખ્યું: “ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો.” (હઝકિ. ૬:૧) એ બતાવે છે કે હઝકિયેલને પૂરો ભરોસો હતો કે યહોવાએ જ તેમને મોકલ્યા હતા. એટલું જ નહિ, તેમના પિતા યાજક હતા. તેમણે હઝકિયેલને શીખવ્યું હશે કે યહોવા હંમેશાં પોતાના પ્રબોધકોને ખાતરી આપે છે કે તે તેઓને સાથ આપશે. દાખલા તરીકે, યહોવાએ ઇસહાક, યાકૂબ અને યર્મિયાને કહ્યું: “હું તારી સાથે છું.”—ઉત. ૨૬:૨૪; ૨૮:૧૫; યર્મિ. ૧:૮.

૪. હઝકિયેલને શાનાથી દિલાસો મળ્યો હશે?

યહોવાએ એ પણ જણાવ્યું કે મોટા ભાગના લોકો હઝકિયેલનો સંદેશો સાંભળીને શું કરશે. તેમણે કહ્યું: “ઇઝરાયેલીઓ તારી વાતો સાંભળવાની ના પાડશે, કેમ કે તેઓ મારું સાંભળવા માંગતા નથી.” (હઝકિ. ૩:૭) હઝકિયેલનું નહિ સાંભળીને લોકો યહોવાનો નકાર કરી રહ્યા હતા. એ શબ્દોથી હઝકિયેલને ખાતરી મળી હશે કે ભલે લોકો તેમનું નહિ સાંભળે, પણ તે પોતાના કામમાં સફળ થશે. યહોવાએ તેમને એમ પણ જણાવ્યું કે જ્યારે તે લોકોને સજા કરશે, ત્યારે તેઓને યાદ આવશે કે “તેઓમાં એક પ્રબોધક આવ્યો હતો.” (હઝકિ. ૨:૫; ૩૩:૩૩) યહોવાના એ શબ્દોથી હઝકિયેલને ઘણો દિલાસો મળ્યો હશે. તેમ જ, યહોવાએ સોંપેલું કામ પૂરું કરવાની તેમને હિંમત મળી હશે.

યહોવાએ આપણને પણ મોકલ્યા છે

હઝકિયેલના સમયની જેમ, લોકો કદાચ આપણું ન સાંભળે અથવા વિરોધ કરે, પણ આપણે જાણીએ છીએ કે યહોવા આપણી સાથે છે (ફકરા ૫-૬ જુઓ)

૫. યશાયા ૪૪:૮ પ્રમાણે આપણને ક્યાંથી હિંમત મળે છે?

હઝકિયેલની જેમ આપણને પણ યહોવાએ પ્રચાર કરવા મોકલ્યા છે. એ જાણીને ઘણી હિંમત મળે છે. એ કેટલી મોટી વાત કહેવાય કે યહોવાએ આપણને તેમના “સાક્ષી” કહ્યા છે! (યશા. ૪૩:૧૦) લોકો ઘણી વાર આપણો વિરોધ કરે છે, પણ આપણે ડરવાની જરૂર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે યહોવાએ જ આપણને મોકલ્યા છે અને તે આપણને સાથ આપશે. યહોવાએ હઝકિયેલને કહ્યું હતું: ‘તું ગભરાતો નહિ.’ યહોવા આપણને પણ કહે છે: “ડરીશ નહિ.”—યશાયા ૪૪:૮ વાંચો.

૬. (ક) યહોવાએ આપણને કયું વચન આપ્યું છે? (ખ) આપણને શાનાથી હિંમત અને દિલાસો મળે છે?

યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને સાથ આપશે. તેમણે કહ્યું: “તમે મારા સાક્ષી છો.” ધ્યાન આપો, એ કહેતા પહેલાં યહોવાએ આમ પણ કહ્યું: “તું પાણીમાં થઈને જઈશ ત્યારે, હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે, એ તને ડુબાડશે નહિ. તું આગમાં થઈને ચાલીશ ત્યારે, એ તને દઝાડશે નહિ, કે પછી જ્વાળાઓથી તને ઊની આંચ પણ આવશે નહિ.” (યશા. ૪૩:૨) આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે, અનેક વાર આપણી સામે નદી જેવી અડચણો આવે છે. આપણે આગ જેવી કસોટીઓનો સામનો કરવો પડે છે. પણ યહોવાની મદદથી આપણે પ્રચાર કરતા રહીએ છીએ. (યશા. ૪૧:૧૩) હઝકિયેલના સમયની જેમ આજે ઘણા લોકો આપણું સાંભળતા નથી. એનો એ મતલબ નથી કે આપણે સોંપેલું કામ સારી રીતે કરતા નથી. આપણે યાદ રાખવું જોઈએ કે મુશ્કેલીઓ છતાં પ્રચારમાં લાગુ રહેવા મહેનત કરીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે. પ્રેરિત પાઉલે પણ જણાવ્યું કે દરેકને “પોતાની મહેનતનું ફળ મળશે.” (૧ કોરીં. ૩:૮; ૪:૧, ૨) એ વાતથી આપણને ખૂબ હિંમત અને દિલાસો મળે છે. એક બહેન જે લાંબા સમયથી પાયોનિયરીંગ કરે છે તે કહે છે: “મને એ જાણીને ખુશી થાય છે કે યહોવા આપણી મહેનતનું ફળ આપે છે.”

યહોવાએ હઝકિયેલને પવિત્ર શક્તિ આપી હતી

હઝકિયેલ યહોવાના રથનું દર્શન જુએ છે. એ જોઈને તેમનો ભરોસો મજબૂત થાય છે કે લોકોને સંદેશો જણાવવા યહોવા તેમને મદદ કરશે (ફકરો ૭ જુઓ)

૭. દર્શન પર વિચાર કરીને હઝકિયેલને કેવું લાગ્યું હશે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

હઝકિયેલે એક દર્શનમાં જોયું કે યહોવાની પવિત્ર શક્તિ કેટલી શક્તિશાળી છે. તેમણે જોયું કે દૂતો જે કરી રહ્યા હતા, એ બધું પવિત્ર શક્તિની મદદથી જ કરતા હતા. તેમણે યહોવાના રથનાં મોટાં મોટાં પૈડાઓ જોયાં. એ પણ પવિત્ર શક્તિની મદદથી જ આગળ વધી રહ્યાં હતાં. (હઝકિ. ૧:૨૦, ૨૧) એ દર્શન જોઈને હઝકિયેલના હોશકોશ ઊડી ગયા. ‘તે ઘૂંટણિયે પડ્યા અને માથું નમાવ્યું.’ (હઝકિ. ૧:૨૮) એ દર્શન પર વિચાર કરીને તેમની હિંમત વધી હશે. તેમનો ભરોસો મજબૂત થયો હશે કે પવિત્ર શક્તિની મદદથી તે પોતાનું કામ જરૂર પૂરું કરી શકશે.

૮-૯. (ક) યહોવાએ હઝકિયેલને ઊભા થવા કહ્યું ત્યારે શું થયું? (ખ) હઠીલા લોકોને સંદેશો જણાવવા યહોવાએ કઈ રીતે હઝકિયેલને મદદ કરી?

યહોવાએ હઝકિયેલને કહ્યું: “હે માણસના દીકરા, તારા પગ પર ઊભો થા કે હું તારી સાથે વાત કરું.” ત્યારે શું થયું? હઝકિયેલે જણાવ્યું કે “મારા પર ઈશ્વરની શક્તિ ઊતરી આવી.” એનાથી તેમને પોતાના ‘પગ પર ઊભા’ થવાની તાકાત મળી. (હઝકિ. ૨:૧, ૨) સંદેશો જણાવતી વખતે પણ તેમણે ઘણી વાર અનુભવ્યું કે યહોવાનો “હાથ” એટલે કે પવિત્ર શક્તિ તેમને દોરી રહી હતી. એની મદદથી તે જાણી શક્યા કે તેમણે શું કરવાનું હતું. (હઝકિ. ૩:૨૨, ફૂટનોટ; ૮:૧; ૩૩:૨૨; ૩૭:૧; ૪૦:૧) એટલું જ નહિ, પવિત્ર શક્તિની મદદથી તેમને હિંમત મળી, જેથી તે “હઠીલા અને કઠણ દિલના” લોકોને સંદેશો જણાવી શકે. (હઝકિ. ૩:૭) યહોવાએ હઝકિયેલને કહ્યું: “મેં તારો ચહેરો તેઓના ચહેરા જેવો જ સખત કર્યો છે અને તારું કપાળ તેઓનાં કપાળ જેવું જ કઠણ કર્યું છે. મેં તારું કપાળ હીરા જેવું, ચકમકના પથ્થર કરતાં પણ વધારે કઠણ કર્યું છે. તેઓથી ગભરાઈશ નહિ કે તેઓના ચહેરા જોઈને થરથર કાંપીશ નહિ.” (હઝકિ. ૩:૮, ૯) યહોવા જાણે તેમને કહી રહ્યા હતા: ‘એ હઠીલા લોકોની વાતો સાંભળીને હિંમત ન હારી જતો. હું છું ને, હું તને મજબૂત કરીશ.’

પછી યહોવાની પવિત્ર શક્તિ હઝકિયેલને એ વિસ્તારમાં લઈ આવી, જ્યાં તેમણે સંદેશો જણાવવાનો હતો. હઝકિયેલે જણાવ્યું: “મારા પર યહોવાની શક્તિની ભારે અસર હતી.” પવિત્ર શક્તિની મદદથી તે પોતાને તૈયાર કરી શક્યા, જેથી તે લોકોને સારી રીતે સંદેશો જણાવી શકે. પણ લોકોને એ સંદેશો જણાવતા પહેલાં તેમણે પોતે એને સારી રીતે સમજવાનો હતો. એ માટે તેમને સાત દિવસ લાગ્યા. (હઝકિ. ૩:૧૪, ૧૫) પછી યહોવાએ તેમને એક મેદાનમાં જવાનું કહ્યું. ત્યાં તેમના પર “ઈશ્વરની શક્તિ ઊતરી આવી.” (હઝકિ. ૩:૨૩, ૨૪) હવે હઝકિયેલ લોકોને સંદેશો જણાવવા તૈયાર હતા.

યહોવા આપણને પણ પવિત્ર શક્તિ આપે છે

હઝકિયેલની જેમ આજે સારી રીતે પ્રચાર કરવા આપણને શાની જરૂર છે? (ફકરો ૧૦ જુઓ)

૧૦. પ્રચારકામમાં આપણને શાની જરૂર છે અને કેમ?

૧૦ હઝકિયેલ લોકોને સંદેશો જણાવે એ પહેલાં, યહોવાએ પવિત્ર શક્તિની મદદથી તેમને હિંમત આપી. આજે આપણે પવિત્ર શક્તિની મદદથી જ લોકોને પ્રચાર કરી શકીએ છીએ. આપણને કેમ એની જરૂર છે? કેમ કે શેતાન આપણું કામ રોકવા આપણી સામે “યુદ્ધ” કરે છે. (પ્રકટી. ૧૨:૧૭) જોવા જઈએ તો શેતાન માણસો કરતાં ઘણો શક્તિશાળી છે, તોપણ પ્રચાર કરીને આપણે દેખાડીએ છીએ કે આપણે શેતાનથી ડરતા નથી. પ્રચાર કરીએ છીએ ત્યારે દર વખતે શેતાનની હાર થાય છે. (પ્રકટી. ૧૨:૯-૧૧) આજે આપણો કેટલો વિરોધ થાય છે, છતાં આપણે પૂરા જોશથી પ્રચારકામ ચાલુ રાખી શકીએ છીએ. એનાથી ખબર પડે છે કે યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે અને તે આપણાથી ખુશ છે.—માથ. ૫:૧૦-૧૨; ૧ પિત. ૪:૧૪.

૧૧. પવિત્ર શક્તિની મદદથી આપણે શું કરી શકીએ છીએ અને એ શક્તિ મેળવવા શું કરવું જોઈએ?

૧૧ આપણે જોઈ ગયા કે હઠીલા લોકોને સંદેશો જણાવવા યહોવાએ હઝકિયેલને મજબૂત કર્યા. એવી જ રીતે યહોવા આજે આપણને મજબૂત કરે છે. ભલે પ્રચારકામમાં આપણી સામે કોઈ પણ પડકાર આવે, પણ પવિત્ર શક્તિની મદદથી આપણે એનો સામનો કરી શકીએ છીએ. (૨ કોરીં. ૪:૭-૯) પવિત્ર શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ? આપણે પ્રાર્થનામાં મંડ્યા રહીએ અને પૂરો ભરોસો રાખીએ કે યહોવા આપણી પ્રાર્થના સાંભળશે. ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું: ‘માંગતા રહો, શોધતા રહો અને ખખડાવતા રહો. સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે એમાં કોઈ જ શંકા નથી.’—લૂક ૧૧:૯, ૧૩; પ્રે.કા. ૧:૧૪; ૨:૪.

યહોવાએ પોતાના શબ્દોથી હઝકિયેલની શ્રદ્ધા વધારી હતી

૧૨. હઝકિયેલ ૨:૯–૩:૩ પ્રમાણે વીંટો ક્યાંથી આવ્યો હતો અને એમાં શું લખ્યું હતું?

૧૨ યહોવાએ હઝકિયેલને પવિત્ર શક્તિ આપી, જેથી તે લોકોને હિંમતથી સંદેશો જણાવી શકે. એટલું જ નહિ, તેમણે પોતાના શબ્દોથી હઝકિયેલની શ્રદ્ધા વધારી. યહોવાએ હઝકિયેલને એક દર્શન દેખાડ્યું, જેમાં તેમને એક વીંટો આપવામાં આવ્યો. (હઝકિયેલ ૨:૯–૩:૩ વાંચો.) એ વીંટો ક્યાંથી આવ્યો હતો? એમાં શું લખ્યું હતું? એમાં લખેલી વાતોથી કઈ રીતે હઝકિયેલની શ્રદ્ધા વધી? ચાલો એક એક કરીને બધા સવાલોના જવાબ જોઈએ. એ વીંટો યહોવાની રાજગાદીએથી આવ્યો હતો. હઝકિયેલે દર્શનમાં પહેલાં જે ચાર દૂતોને જોયા હતા, કદાચ એમાંના એક દૂતે જ તેમને આ વીંટો આપ્યો હશે. (હઝકિ. ૧:૮; ૧૦:૭, ૨૦) એ વીંટામાં યહોવાએ ન્યાયનો સંદેશો લખાવ્યો હતો. હઝકિયેલે એ સંદેશો ગુલામીમાં હતા એ બંડખોર ઇઝરાયેલીઓને સંભળાવવાનો હતો. (હઝકિ. ૨:૭) સંદેશો વીંટાની બંને બાજુએ લખેલો હતો.

૧૩. વીંટો આપ્યા પછી યહોવાએ હઝકિયેલને શું કરવાનું કહ્યું અને કેમ એ તેમને મીઠો લાગ્યો?

૧૩ યહોવાએ હઝકિયેલને કહ્યું કે તે વીંટો ખાય અને ‘એનાથી પોતાનું પેટ ભરે.’ હઝકિયેલે યહોવાની વાત માની અને એ વીંટો ખાઈ લીધો. એનો શું અર્થ થતો હતો? તેમણે સંદેશો જણાવતા પહેલાં એને પોતે પૂરી રીતે સમજવાનો હતો. એમ કરવાથી જ તે લોકોને પૂરી ખાતરી અને ઉત્સાહથી સંદેશો જણાવી શકવાના હતા. તેમણે એ વીંટો ખાધો ત્યારે તેમને નવાઈ લાગી. એ વીંટો તેમને “મધ જેવો મીઠો લાગ્યો.” (હઝકિ. ૩:૩) તેમને એ મીઠો લાગ્યો કેમ કે તે ઘણા ખુશ હતા કે યહોવાએ તેમને પોતાનો સંદેશ જણાવવા માટે પસંદ કર્યા છે.—ગીત. ૧૯:૮-૧૧.

૧૪. લોકોને યહોવાનો સંદેશો જણાવતા પહેલાં હઝકિયેલે શું કરવાનું હતું?

૧૪ પછી યહોવાએ હઝકિયેલને કહ્યું: “હું જે કહું એ બધું ધ્યાનથી સાંભળ અને દિલમાં ઉતાર.” (હઝકિ. ૩:૧૦) યહોવા ચાહતા હતા કે હઝકિયેલ વીંટામાં લખેલી વાતો યાદ કરી લે અને એના પર મનન કરે. એવું કરવાથી તેમની શ્રદ્ધા વધી. તે એ કડક સંદેશાને સમજી પણ શક્યા જે તેમણે લોકોને સંભળાવવાનો હતો. (હઝકિ. ૩:૧૧) તેમણે યહોવાનો એ સંદેશો પોતાના મનમાં ઠસાવી લીધો હતો. એટલે તે લોકોને પૂરા ભરોસા સાથે એ સંદેશો જણાવવા અને સોંપેલું કામ પૂરું કરવા તૈયાર હતા.

યહોવાના શબ્દોથી આપણી પણ શ્રદ્ધા વધે છે

૧૫. પ્રચારમાં લાગુ રહેવા આપણને શું મદદ કરશે?

૧૫ હઝકિયેલની જેમ આપણે પણ યહોવાના શબ્દો પર ધ્યાન આપીએ અને એને ‘દિલમાં ઉતારીએ.’ પછી મુશ્કેલીઓ આવશે તોપણ પ્રચારમાં લાગુ રહી શકીશું. યહોવાએ પોતાના શબ્દો બાઇબલમાં લખાવ્યા છે. આપણે ચાહીએ છીએ કે આપણાં વિચારો, લાગણીઓ અને ઇરાદા બાઇબલના સિદ્ધાંતોને આધારે હોય. એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૬. (ક) વીંટાના દર્શનમાંથી શું શીખવા મળે છે? (ખ) બાઇબલમાં લખેલી વાતોને સારી રીતે સમજવા આપણે શું કરી શકીએ?

૧૬ આપણે ખાવાનું ખાઈને એ પચાવીએ છીએ ત્યારે આપણને તાકાત મળે છે અને શરીર મજબૂત થાય છે. એવી જ રીતે આપણે બાઇબલ વાંચીએ છીએ અને એના પર મનન કરીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. વીંટાના દર્શનથી એ જ શીખવા મળે છે. આપણે જોયું કે હઝકિયેલે વીંટાથી પોતાનું પેટ ભર્યું. યહોવા ચાહે છે કે આપણે પણ બાઇબલમાં લખેલા તેમના શબ્દો સારી રીતે સમજીએ, જાણે ‘એનાથી પોતાનું પેટ ભરીએ’ અને એને પચાવીએ. એમ કરવા આપણને ત્રણ પગલાં મદદ કરશે. પહેલું, આપણે પ્રાર્થના કરીએ, જેથી બાઇબલની વાતો સમજવા પોતાનું મન તૈયાર કરી શકીએ. બીજું, આપણે બાઇબલને ધ્યાનથી વાંચીએ. ત્રીજું, મનન કરીએ. જે વાંચીએ એના પર ઊંડો વિચાર કરીએ. આપણે મનન કરવામાં જેટલો વધારે સમય વિતાવીશું, બાઇબલની વાતો એટલી જ સારી રીતે સમજી શકીશું. આમ આપણી શ્રદ્ધા મજબૂત થશે.

૧૭. બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું કેમ જરૂરી છે?

૧૭ બાઇબલ વાંચવું અને એના પર મનન કરવું કેમ જરૂરી છે? એમ કરવાથી આપણે આજે પૂરી હિંમતથી પ્રચારકામ કરી શકીશું. જો નજીકના ભાવિમાં લોકોને ન્યાયનો કડક સંદેશો જણાવવાનો થાય, તો એ પણ હિંમતથી જણાવી શકીશું. બાઇબલ પર મનન કરવાથી યહોવાના સુંદર ગુણો પણ શીખવા મળે છે. એનાથી આપણે યહોવાની વધારે નજીક જઈએ છીએ. આપણને સાચી શાંતિ અને ખુશી મળે છે અને આપણું જીવન જાણે મીઠાશથી ભરાઈ જાય છે.—ગીત. ૧૧૯:૧૦૩.

મુશ્કેલીઓ છતાં યહોવાની મદદથી પ્રચાર કરતા રહીશું

૧૮. લોકોનો ન્યાય કરવામાં આવશે ત્યારે તેઓએ શું સ્વીકારવું પડશે?

૧૮ આપણે હઝકિયેલની જેમ પ્રબોધક નથી, પણ યહોવાએ આપણને તેમના જેવું જ કામ સોંપ્યું છે. એટલે ચાલો પાકો નિર્ણય કરીએ કે લોકોને યહોવાનો સંદેશો જણાવતા રહીશું અને તેમની નજરમાં એ કામ પૂરું ન થાય ત્યાં સુધી એમાં મંડ્યા રહીશું. લોકોને સંદેશો જણાવી દેવામાં આવશે પછી યહોવા લોકોનો ન્યાય કરશે. એ સમયે કોઈ એવું નહિ કહી શકે કે કોઈએ તેમને ચેતવ્યા નહિ અથવા ઈશ્વર તેમને ભૂલી ગયા. (હઝકિ. ૩:૧૯; ૧૮:૨૩) બધાએ સ્વીકારવું પડશે કે તેઓને જે સંદેશો મળ્યો હતો એ ઈશ્વર તરફથી હતો.

૧૯. કઈ બાબતોને યાદ રાખવાથી આપણે હિંમતથી પ્રચાર કરી શકીશું?

૧૯ હઝકિયેલને ત્રણ બાબતોથી હિંમત મળી. એને યાદ રાખવાથી આપણે પણ હિંમતથી પ્રચાર કરી શકીએ છીએ. એ ત્રણ બાબતો કઈ છે? યહોવાએ આપણને મોકલ્યા છે, તે આપણને પવિત્ર શક્તિ આપે છે અને બાઇબલમાં લખેલા તેમના શબ્દો પર ધ્યાન આપવાથી આપણી શ્રદ્ધા વધે છે. પડકારો તો આવશે, પણ ભૂલીએ નહિ કે યહોવા આપણને સાથ આપે છે. તેમની મદદથી આપણે પૂરા જોશથી પ્રચાર કરતા રહીશું અને ‘અંત સુધી ટકી રહીશું.’—માથ. ૨૪:૧૩.

ગીત ૪૫ આગળ ચાલો

a આ લેખમાં જોઈશું કે યહોવાએ હઝકિયેલ પ્રબોધકને સંદેશો જણાવવામાં કઈ રીતે મદદ કરી હતી. તેમણે ત્રણ બાબતોથી હઝકિયેલને મદદ કરી હતી. એનાથી આપણો ભરોસો વધશે કે યહોવા આપણને પણ મદદ કરશે અને આપણે પૂરા જોશથી પ્રચાર કરી શકીશું.