સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૬

મુશ્કેલીઓમાં ખુશ રહેવા યહોવા મદદ કરે છે

મુશ્કેલીઓમાં ખુશ રહેવા યહોવા મદદ કરે છે

“યહોવા તમને કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે. તે તમને રહેમ બતાવવા ઊભા થશે.”—યશા. ૩૦:૧૮.

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

ઝલક a

૧-૨. (ક) આ લેખમાં કયા સવાલોના જવાબ મેળવીશું? (ખ) કેમ કહી શકીએ કે યહોવા મદદ કરવા તૈયાર છે?

 આપણાં બધાનાં જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી આવે છે. પણ યહોવા એનો સામનો કરવા અને ખુશી ખુશી તેમની ભક્તિ કરતા રહેવા મદદ કરે છે. તે કઈ રીતે આપણી મદદ કરે છે? તેમની મદદ સ્વીકારવા આપણે શું કરવું જોઈએ? એ સવાલોના જવાબ આ લેખમાં મળશે. પણ પહેલા જોઈએ કે યહોવા આપણને મદદ કરવા તૈયાર છે, એવું કેમ કહી શકીએ.

પ્રેરિત પાઉલે હિબ્રૂઓના પત્રમાં જે જણાવ્યું, એમાં એનો જવાબ મળે છે. તેમણે લખ્યું: “યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?” (હિબ્રૂ. ૧૩:૬) એક પુસ્તકમાં જણાવ્યું છે કે “મદદ કરનાર” એવી વ્યક્તિને રજૂ કરે છે, જે કોઈની મદદ કરવા તરત દોડી જાય છે. યહોવા આવી જ રીતે આપણને મદદ કરવા તૈયાર રહે છે. કોઈ મદદનો પોકાર કરે તો યહોવા મદદ કરવામાં જરાય મોડું કરતા નથી. તે મદદ કરવા ઝંખે છે. યહોવાની મદદથી આપણે કોઈ પણ મુશ્કેલીનો ધીરજથી સામનો કરી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ.

૩. મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા અને ખુશ રહેવા યહોવા કઈ ત્રણ રીતે મદદ કરે છે?

મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા અને ખુશ રહેવા યહોવા આપણને કઈ રીતે મદદ કરે છે? એનો જવાબ આપણને યશાયાના પુસ્તકમાંથી મળે છે. કેમ કે એ પુસ્તકમાં એવી ઘણી ભવિષ્યવાણીઓ છે, જે આજે ઈશ્વરભક્તોને લાગુ પડે છે. વધુમાં યશાયાએ એ પુસ્તકમાં યહોવાનું વર્ણન સાદી અને સમજાય એ રીતે કર્યું છે. એનાથી આપણે યહોવા વિશે વધારે શીખી શકીએ છીએ. યશાયા અધ્યાય ૩૦માંથી ખબર પડે છે કે યહોવા કઈ રીતે પોતાના ભક્તોને મદદ કરે છે: (૧) તે આપણી પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે અને એનો જવાબ આપે છે, (૨) તે માર્ગદર્શન આપે છે અને (૩) તે આપણને હમણાં આશીર્વાદો આપે છે અને ભાવિમાં પણ આપશે. ચાલો એ ત્રણ રીતો વિશે ચર્ચા કરીએ.

યહોવા પ્રાર્થના સાંભળે છે

૪. (ક) યહોવાએ યહૂદીઓ વિશે શું જણાવ્યું અને તેમણે શું થવા દીધું? (ખ) યહોવાએ વફાદાર યહૂદીઓને કઈ આશા આપી? (યશાયા ૩૦:૧૮, ૧૯)

યશાયા અધ્યાય ૩૦ની શરૂઆતમાં યહોવાએ જણાવ્યું કે યહૂદીઓ ‘હઠીલા દીકરાઓ છે. તેઓ પાપમાં ઉમેરો કરતા જાય છે. તેઓ બંડખોર લોકો છે, જેઓને યહોવાનો નિયમ સાંભળવો જ નથી.’ (યશા. ૩૦:૧, ૯) યશાયાએ જણાવ્યું કે યહૂદીઓ યહોવાની વાત સાંભળતા નથી, એટલે તેઓ પર આફત આવી પડશે. (યશા. ૩૦:૫, ૧૭; યર્મિ. ૨૫:૮-૧૧) એવું જ થયું. બાબેલોનીઓ યહૂદીઓને ગુલામ બનાવીને લઈ ગયા. પણ અમુક યહૂદીઓ યહોવાને વફાદાર હતા. તેઓ માટે યશાયા પાસે એક આશાનો સંદેશો હતો. તેમણે જણાવ્યું કે યહોવા તેઓને ગુલામીમાંથી આઝાદ કરશે. (યશાયા ૩૦:૧૮, ૧૯ વાંચો.) પણ યશાયાએ એમ પણ કીધું કે યહોવા “કૃપા બતાવવા ધીરજથી રાહ જુએ છે.” એ બતાવે છે કે યહૂદીઓને કંઈ તરત આઝાદી મળવાની ન હતી. તેઓએ રાહ જોવાની હતી. ૭૦ વર્ષની ગુલામી પછી અમુક ઇઝરાયેલીઓ યરૂશાલેમ પાછા આવી શક્યા. (યશા. ૧૦:૨૧; યર્મિ. ૨૯:૧૦) તેઓએ બાબેલોનની ગુલામીમાં દુઃખનાં આંસુ વહાવ્યાં હતાં. પણ પોતાના વતન પાછા આવીને તેઓની આંખો ખુશીનાં આંસુથી છલકાઈ ગઈ.

૫. યશાયા ૩૦:૧૯માંથી આપણને કયો દિલાસો મળે છે?

યશાયા ૩૦:૧૯માંથી આપણને ઘણો દિલાસો મળે છે. એમાં લખ્યું છે: “તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે.” એનાથી આપણને ખાતરી મળે છે કે યહોવા આપણો મદદનો પોકાર ધ્યાનથી સાંભળે છે અને તે મદદ કરવા તરત પગલાં ભરે છે. કલમમાં આગળ જણાવ્યું છે: “તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.” એ બતાવે છે કે જેઓ મદદનો પોકાર કરે છે, તેઓને મદદ કરવા યહોવા પિતા ઝંખે છે. તે મોડું કર્યા વગર તેઓને મદદ કરે છે. એ યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શકીશું અને ખુશ રહી શકીશું.

૬. યશાયા ૩૦:૧૯થી કઈ રીતે ખબર પડે છે કે યહોવા પોતાના દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે?

યશાયા ૩૦:૧૯થી ખબર પડે છે કે યહોવા દરેકની પ્રાર્થના કાન દઈને સાંભળે છે. ધ્યાન આપો, તેમણે એની પહેલાંની કલમોમાં “તમે” કહીને વાત કરી. કેમ કે તે બધા ઇઝરાયેલીઓ સાથે વાત કરી રહ્યા હતા. પણ કલમ ૧૯માં દરેક ઇઝરાયેલીને કહેવામાં આવ્યું: “તું નહિ રડે,” “તે તારા પર કૃપા કરશે” અને “તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.” એનાથી જોવા મળે છે કે એક પ્રેમાળ પિતાની જેમ યહોવાને પોતાના દરેક બાળકની ચિંતા છે. એટલે તે એકેએક ભક્તની પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. તે કોઈની સરખામણી બીજા સાથે કરતા નથી. મુશ્કેલીઓને લીધે આપણે અમુક વાર નિરાશ થઈ જઈએ. એવા સમયે યહોવા એવું વિચારતા નથી કે આપણે કેમ બીજાં ભાઈ-બહેનો જેવી હિંમત બતાવતા નથી.—ગીત. ૧૧૬:૧; યશા. ૫૭:૧૫.

યશાયાએ યહોવા વિશે લખ્યું કે “તેમને આરામ આપવો નહિ,” એનો શું અર્થ થાય? (ફકરો ૭ જુઓ)

૭. યશાયા પ્રબોધક અને ઈસુએ વારંવાર પ્રાર્થના કરવા વિશે શું જણાવ્યું?

કદાચ આપણે કોઈ ચિંતા કે મુશ્કેલી વિશે યહોવાને પ્રાર્થનામાં જણાવીએ. બની શકે કે એ મુશ્કેલી દૂર ન થાય, પણ તે એનો સામનો કરવાની તાકાત આપે. કદાચ કોઈ મુશ્કેલી લાંબા સમય સુધી ચાલે. એ સમયે આપણે યહોવાને અવાર-નવાર પ્રાર્થના કરીએ, જેથી હિંમત રાખીને એ સહન કરી શકીએ. યહોવા પણ ચાહે છે કે આપણે તેમને પ્રાર્થના કરતા રહીએ. યશાયા પ્રબોધકે લખ્યું: “[યહોવાને] પોકારતા રહો.” (યશા. ૬૨:૭) આ કલમનું આ રીતે પણ ભાષાંતર થઈ શકે: “તેમને આરામ આપવો નહિ.” એટલે આપણે વારંવાર યહોવાને પ્રાર્થના કરીએ. અરે, એટલી બધી પ્રાર્થના કરીએ કે જાણે તેમને આરામ જ ન મળે. એકવાર ઈસુ પોતાના શિષ્યોને પ્રાર્થના વિશે સમજાવતા હતા. એ વખતે તેમણે દાખલા આપીને એવું જ કંઈક શીખવ્યું. ઈસુએ કીધું, “શરમાયા વગર” યહોવા પાસે પવિત્ર શક્તિ “માંગતા રહો.” (લૂક ૧૧:૮-૧૦, ૧૩) આપણે સારા નિર્ણય લેવા યહોવા પાસે પ્રાર્થનામાં માર્ગદર્શન પણ માંગવું જોઈએ.

યહોવા માર્ગદર્શન આપે છે

૮. યશાયા ૩૦:૨૦, ૨૧માં જણાવેલી ભવિષ્યવાણી પહેલાંના સમયમાં કઈ રીતે પૂરી થઈ?

યશાયા ૩૦:૨૦, ૨૧ વાંચો. બાબેલોનીઓએ દોઢ વર્ષથી યરૂશાલેમને ઘેરી રાખ્યું હતું. એ સમય યહૂદીઓ માટે બહુ અઘરો હતો. જેમ આપણે દરરોજ રોટલી ખાઈએ છીએ અને પાણી પીએ છીએ, તેમ યહૂદીઓ દરરોજ મુશ્કેલીઓ સહન કરતા હતા. પણ કલમ ૨૦ અને ૨૧માં યહોવાએ વચન આપ્યું કે જો તેઓ પસ્તાવો કરશે અને પોતાનામાં ફેરફાર કરશે, તો તે તેઓને બચાવશે. યશાયાએ કીધું કે યહોવા “મહાન શિક્ષક” છે. તેમણે યહૂદીઓને ભરોસો અપાવ્યો કે યહોવા તેઓને શીખવશે કે કઈ રીતે શુદ્ધ ભક્તિ કરવી. જ્યારે યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે યશાયાની એ ભવિષ્યવાણી પૂરી થઈ. યહોવાએ તેઓને ખરું માર્ગદર્શન આપ્યું અને તેઓએ શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરી. આમ તેઓ જોઈ શક્યા કે યહોવા મહાન શિક્ષક છે. આપણે કેટલા ખુશ છીએ કે આજે યહોવા આપણને શીખવી રહ્યા છે. તે આપણા પણ મહાન શિક્ષક છે.

૯. યહોવા આજે આપણને કઈ રીતે માર્ગદર્શન આપે છે?

એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને શીખવે છે. એવી જ રીતે યશાયાએ જણાવ્યું કે યહોવા આપણા “મહાન શિક્ષક” છે અને આપણને શીખવે છે. ધ્યાન આપો, યશાયાએ લખ્યું: “તું તારા મહાન શિક્ષકને પોતાની આંખોથી જોશે.” તે કહેવા માંગતા હતા કે યહોવા એક શિક્ષકની જેમ આપણી સામે ઊભા રહીને શીખવે છે. તેમની પાસેથી શીખવાનો કેટલો મોટો લહાવો! તે પોતાના સંગઠન દ્વારા એમ કરે છે. તે આપણને સભાઓ, મહાસંમેલનો, સાહિત્ય, JW બ્રૉડકાસ્ટિંગ દ્વારા અને બીજી ઘણી રીતે માર્ગદર્શન આપે છે. એના પર ધ્યાન આપવાથી આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ. એ માર્ગદર્શન માટે આપણે તેમનો લાખ લાખ આભાર માનીએ છીએ!

૧૦. આપણે કઈ રીતે યહોવાનો અવાજ પાછળથી આવતો સાંભળી શકીએ છીએ?

૧૦ યહોવા બીજી એક રીતે પણ આપણને શીખવે છે. એ વિશે યશાયાએ લખ્યું: “પાછળથી તમને આવો અવાજ સંભળાશે.” યશાયા કહેવા માંગતા હતા કે યહોવા એવા શિક્ષક જેવા છે, જે વિદ્યાર્થીઓની પાછળ પાછળ ચાલીને તેઓને જણાવે છે કે કયા માર્ગે જવું. આજે આપણે પણ યહોવાનો અવાજ પાછળથી આવતો સાંભળી શકીએ છીએ. કઈ રીતે? બાઇબલ ઘણાં વર્ષો પહેલાં લખવામાં આવ્યું હતું. એટલે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે જાણે યહોવાનો અવાજ પાછળથી આવતો સાંભળી શકીએ છીએ.—યશા. ૫૧:૪.

૧૧. મુશ્કેલીઓનો સામનો કરવા અને ખુશ રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૧ યહોવા આપણને તેમના સંગઠન અને બાઇબલ દ્વારા માર્ગદર્શન આપે છે. એમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા આપણે શું કરવું જોઈએ? ધ્યાન આપો, યશાયાએ બે વાત જણાવી હતી. પહેલા તેમણે લખ્યું, “માર્ગ આ છે” અને પછી લખ્યું, “એના પર ચાલો.” (યશા. ૩૦:૨૧) એનો મતલબ કે આપણે જાણવું જોઈએ કે કયા માર્ગે જવું. પણ એટલું જ પૂરતું નથી, આપણે એ માર્ગ પર ચાલવું જોઈએ. આપણે બાઇબલ અને સંગઠન દ્વારા જાણી શકીએ છીએ કે યહોવા આપણી પાસેથી શું ચાહે છે. એ પણ જાણી શકીએ છીએ કે કઈ રીતે ખરા માર્ગે ચાલી શકીએ. ફક્ત જાણીએ જ નહિ, શીખેલી વાતો પ્રમાણે જીવીએ પણ ખરા. એમ કરીશું તો મુશ્કેલીઓનો સામનો કરી શકીશું, ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીશું. પછી યહોવા ચોક્કસ આપણા પર આશીર્વાદો વરસાવશે.

યહોવા આશીર્વાદ આપે છે

૧૨. યશાયા ૩૦:૨૩-૨૬ પ્રમાણે યહોવાએ પોતાના ભક્તોને કેવા આશીર્વાદો આપ્યા?

૧૨ યશાયા ૩૦:૨૩-૨૬ વાંચો. યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી પોતાના વતન પાછા ફર્યા ત્યારે આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? યહોવાએ તેઓને અઢળક આશીર્વાદો આપ્યા. તેઓને ભરપૂર ખાવાનું આપ્યું. સૌથી મહત્ત્વનું તો તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ ફરી શરૂ કરી શકે અને તેમની નજીક આવી શકે એ માટે યહોવાએ મદદ કરી. તેઓને જેટલા આશીર્વાદ મળ્યા, એટલા તો પહેલાં ક્યારેય મળ્યા ન હતા. કલમ ૨૬માં જણાવ્યું છે કે યહોવાએ તેઓ પર પોતાનો પ્રકાશ વધાર્યો, એટલે કે પોતાનાં વચનોની ઊંડી સમજણ મેળવવા મદદ કરી. (યશા. ૬૦:૨) એ આશીર્વાદોથી યહોવાના ભક્તોને ઘણી હિંમત મળી. તેઓ પૂરા ઉમંગથી તેમની ભક્તિ કરી શક્યા અને તેઓનાં ‘દિલ ખુશીથી ઊભરાઈ ગયાં.’—યશા. ૬૫:૧૪.

૧૩. શુદ્ધ ભક્તિને લગતી ભવિષ્યવાણી આજે કઈ રીતે પૂરી થઈ રહી છે?

૧૩ શું એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે? હા! જેમ યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી આઝાદ થયા, તેમ ૧૯૧૯થી લાખો લોકો મહાન બાબેલોન, એટલે કે સાચા ઈશ્વરને ભજતા નથી એવા ધર્મોથી આઝાદ થઈ રહ્યા છે. ગુલામીમાંથી છૂટ્યા પછી ઇઝરાયેલીઓ વચનના દેશમાં પાછા ફર્યા. એવી જ રીતે આજે ઘણા લોકો જાણે એક સુંદર દેશમાં ભેગા થઈ રહ્યા છે. (યશા. ૫૧:૩; ૬૬:૮) એ સુંદર દેશ શાને રજૂ કરે છે?

૧૪. સુંદર દેશ શાને રજૂ કરે છે અને એમાં કોણ વસે છે? (શબ્દોની સમજ જુઓ.)

૧૪ અભિષિક્તો ૧૯૧૯થી એ દેશમાં રહે છે. b પછી ધીરે ધીરે “બીજાં ઘેટાં” એટલે કે જેઓને પૃથ્વી પર હંમેશાં જીવવાની આશા છે, તેઓ પણ અભિષિક્તો સાથે એ દેશમાં વસવા લાગ્યા. એ બધાને યહોવાના અઢળક આશીર્વાદો મળી રહ્યા છે.—યોહા. ૧૦:૧૬; યશા. ૨૫:૬; ૬૫:૧૩.

૧૫. એ સુંદર દેશ ક્યાં છે? સમજાવો.

૧૫ એ સુંદર દેશ ક્યાં છે? આજે યહોવાના ભક્તો દુનિયાના ખૂણે ખૂણે છે. એટલે આપણે કહી શકીએ કે એ દેશ કોઈ એક જગ્યા નથી. પણ એ આખી દુનિયાના યહોવાના ભક્તો વચ્ચે જોવા મળતો માહોલ છે. એટલે ભલે આપણે દુનિયામાં ક્યાંય પણ હોઈએ, આપણે યહોવાની શુદ્ધ ભક્તિ કરીશું તો એ દેશમાં રહી શકીશું.

દેશની સુંદરતા વધારવા આપણે બધા શું કરી શકીએ? (ફકરા ૧૬-૧૭ જુઓ)

૧૬. એ દેશની સુંદરતા જોવાનું ચૂકી ન જઈએ માટે શું કરવું જોઈએ?

૧૬ એ દેશમાં હંમેશ માટે રહેવા આપણે અમુક બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આપણે યાદ રાખીએ કે યહોવાનું સંગઠન કેટલું અજોડ છે. એનાં ભાઈ-બહેનો પણ કેટલાં અનમોલ છે. આપણે એ ભાઈ-બહેનોની કદર કરવા માંગીએ છીએ. એટલે તેઓની ખામીઓ ન જોઈએ, પણ તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. (યોહા. ૧૭:૨૦, ૨૧) જરા વિચારો, તમે એક સુંદર બાગમાં ગયા છો. ત્યાં તમે લીલાંછમ વૃક્ષો અને ફૂલ-છોડ જુઓ છો. પણ તમે એની નજીક જાઓ તો કદાચ એના પર અમુક ડાઘા દેખાય. યહોવાનું સંગઠન પણ એ સુંદર બાગ જેવું છે અને ભાઈ-બહેનો વૃક્ષો જેવાં છે. (યશા. ૪૪:૪; ૬૧:૩) જો આપણે ભાઈ-બહેનોની અને પોતાની ખામીઓ પર જ ધ્યાન આપતા રહીશું, તો સંગઠનની સુંદરતા અને ભાઈ-બહેનો વચ્ચેનો સંપ જોવાનું ચૂકી જઈશું. એટલે ચાલો, હંમેશાં ભાઈ-બહેનોના સારા ગુણો અને દેશની સુંદરતા પર ધ્યાન આપતા રહીએ.

૧૭. સંગઠનમાં સંપ જળવાઈ રહે એ માટે શું કરી શકીએ?

૧૭ સંગઠનમાં સંપ જળવાઈ રહે એ માટે શું કરી શકીએ? આપણે એકબીજા સાથે શાંતિ જાળવી રાખવા બનતું બધું કરીએ. (માથ. ૫:૯; રોમ. ૧૨:૧૮) એમ કરવાથી દેશની સુંદરતામાં વધારો થશે. આપણે યાદ રાખીએ કે યહોવા જ બધાં ભાઈ-બહેનોને શુદ્ધ ભક્તિ કરવા માટે એ દેશમાં દોરી લાવ્યા છે. (યોહા. ૬:૪૪) તેમને મન તેઓ બહુ કીમતી છે. આપણે ભાઈ-બહેનો સાથે શાંતિ અને સંપ જાળવવા મહેનત કરીએ છીએ, એ જોઈને યહોવા બહુ ખુશ થાય છે.—યશા. ૨૬:૩; હાગ્ગા. ૨:૭.

૧૮. આપણે શાના પર ઊંડો વિચાર કરવો જોઈએ અને કેમ?

૧૮ યહોવાએ પોતાના ભક્તોને ઘણા આશીર્વાદ આપ્યા છે. એના પર વિચાર કરીશું તો આપણને ફાયદો થશે. આપણે બાઇબલ અને સાહિત્ય વાંચીએ. એના પર મનન કરીએ. એમ કરવાથી યહોવા ચાહે છે એવા ગુણો કેળવી શકીશું અને “ભાઈઓની જેમ એકબીજા પર પ્રેમ” રાખી શકીશું. (રોમ. ૧૨:૧૦) યહોવા હમણાં પણ આપણને આશીર્વાદો આપી રહ્યા છે. એના પર વિચાર કરીશું તો આપણે તેમની નજીક જઈ શકીશું. તેમની સાથેની દોસ્તી પાકી થશે. યહોવા આપણને ભાવિમાં પણ ઘણા આશીર્વાદ આપવાના છે. આપણી પાસે હંમેશ માટે જીવવાની એક આશા છે. ભાવિના આશીર્વાદો પર વિચાર કરીશું તો આપણી આશા પર ભરોસો મજબૂત થશે. આમ આપણે ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીશું.

મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરતા રહીશું

૧૯. (ક) યશાયા ૩૦:૧૮ પ્રમાણે આપણને કઈ વાતનો ભરોસો છે? (ખ) ખુશી ખુશી યહોવાની ભક્તિ કરતા રહેવા શું કરવું જોઈએ?

૧૯ બહુ જલદી યહોવા આ દુષ્ટ દુનિયાનો નાશ કરવા “ઊભા થશે.” (યશા. ૩૦:૧૮) તે “ઇન્સાફના ઈશ્વર” છે. એટલે આપણને પૂરો ભરોસો છે કે તે નક્કી કરેલા સમયે ચોક્કસ એવું કરશે. તે એક ઘડીનુંય મોડું નહિ કરે. (યશા. ૨૫:૯) પણ એ દિવસ આવે ત્યાં સુધી, યહોવા ધીરજ રાખે છે. આપણે પણ તેમની જેમ ધીરજ રાખીએ. એ દિવસ આવે ત્યાં સુધી પ્રાર્થના કરતા રહીએ, બાઇબલનો અભ્યાસ કરીએ, એમાં લખેલી વાતો પાળીએ અને યહોવાના આશીર્વાદો પર ઊંડો વિચાર કરીએ. એવું કરીશું તો યહોવા આપણને મદદ કરશે, જેથી મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શકીએ અને ખુશી ખુશી તેમની ભક્તિ કરી શકીએ.

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

a આપણે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે ખુશ રહી શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે એ માટે યહોવા કઈ ત્રણ રીતે આપણને મદદ કરે છે. એ વિશે વધારે માહિતી આપણને યશાયા અધ્યાય ૩૦માંથી મળશે. એ અધ્યાયમાંથી શીખીશું કે યહોવાને પ્રાર્થના કરવી, બાઇબલનો અભ્યાસ કરવો તેમજ હમણાં અને ભાવિના આશીર્વાદો પર વિચાર કરવો કેમ મહત્ત્વનું છે.

b શબ્દોની સમજ: “સુંદર દેશ” એવા માહોલને રજૂ કરે છે, જ્યાં યહોવાના બધા ભક્તો સલામતી અનુભવે છે અને સાથે મળીને તેમની શુદ્ધ ભક્તિ કરે છે. એ દેશમાં આપણને ભક્તિને લગતો ભરપૂર ખોરાક મળી રહે છે. આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય છે. એમાં બાઇબલનું સાચું શિક્ષણ છે, જૂઠા શિક્ષણને લગતું કંઈ જ નથી. આપણી પાસે ખુશી આપનારું એક કામ પણ છે. આપણે લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવીએ છીએ. એ દેશમાં બધાનો યહોવા સાથે મજબૂત સંબંધ છે અને તેઓ હળી-મળીને રહે છે. બધા એકબીજાને મદદ કરે છે, જેથી મુશ્કેલીનો ધીરજથી સામનો કરી શકાય અને ખુશ રહી શકાય. પણ એ દેશમાં કોણ રહી શકે? ફક્ત એવા લોકો જેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરે છે અને તેમને અનુસરવાની પૂરી કોશિશ કરે છે.