સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૮

વફાદાર રહેવું અઘરું લાગે ત્યારે સમજી-વિચારીને વર્તીએ

વફાદાર રહેવું અઘરું લાગે ત્યારે સમજી-વિચારીને વર્તીએ

“તું બધા સંજોગોમાં સમજી-વિચારીને વર્તજે.”—૨ તિમો. ૪:૫.

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

ઝલક a

૧. સમજી-વિચારીને વર્તવું એટલે શું? (૨ તિમોથી ૪:૫)

 આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહેવું અમુક વાર અઘરું લાગે. એવા સમયે આપણે શું કરી શકીએ? બાઇબલમાં જણાવ્યું છે કે સમજી-વિચારીને વર્તીએ, જાગતા રહીએ અને શ્રદ્ધામાં મક્કમ રહીએ. (૨ તિમોથી ૪:૫ વાંચો.) સમજી-વિચારીને વર્તવું એટલે કે મન શાંત રાખવું, કંઈ પણ કરતા પહેલાં વિચારવું અને સંજોગોને યહોવાની નજરે જોવાની કોશિશ કરવી. સમજી-વિચારીને વર્તીશું તો આપણે નિર્ણય લેતી વખતે લાગણીઓમાં વહી નહિ જઈએ.

૨. આ લેખમાં શું જઈશું?

ગયા લેખમાં આપણે જોઈ ગયા કે શેતાનની દુનિયામાં આપણા પર કેવી મુશ્કેલીઓ આવે છે. પણ મંડળમાં કે સંગઠનમાં અમુક વાર એવું કંઈક બને જેના લીધે યહોવાને વફાદાર રહેવું આપણને અઘરું લાગે. આ લેખમાં એવા ત્રણ સંજોગો વિશે જોઈશું: (૧) કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે એવું લાગે ત્યારે, (૨) યહોવા આપણને સુધારે ત્યારે અને (૩) સંગઠનમાં કોઈ ફેરફાર થાય ત્યારે. આપણે એ પણ જોઈશું કે એવું થાય ત્યારે કઈ રીતે સમજી-વિચારીને વર્તી શકીએ તેમજ યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહી શકીએ.

કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે એવું લાગે ત્યારે

૩. કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે એવું લાગે ત્યારે કેવા વિચારો મનમાં આવી શકે?

શું કોઈ ભાઈ કે બહેને કે કોઈ વડીલે એવું કંઈક કર્યું છે, જેનાથી તમને મનદુઃખ થયું હોય? બની શકે કે તે જાણીજોઈને તમને દુઃખ પહોંચાડવા માંગતા ન હોય, પણ તમને લાગ્યું હોય કે તમારી સાથે ખોટું થયું છે. (રોમ. ૩:૨૩; યાકૂ. ૩:૨) એટલે તમારી રાતોની ઊંઘ ઊડી ગઈ હોય. તમારા મનમાં કદાચ આવા વિચારો આવવા લાગ્યા હોય, ‘શું આ સાચે જ યહોવાના ભક્ત છે? શું ખરેખર યહોવા સંગઠનને ચલાવે છે?’ શેતાન ચાહે છે કે આપણે એવું જ વિચારીએ. (૨ કોરીં. ૨:૧૧) જો આવા વિચારો મનમાં ઘૂંટાયા કરશે તો આપણે ધીરે ધીરે યહોવા અને તેમના સંગઠનથી દૂર ચાલ્યા જઈશું. એટલે એવા વિચારો મનમાંથી કાઢી નાખીએ, સમજી-વિચારીને વર્તીએ. આપણે એવું કઈ રીતે કરી શકીએ?

૪. (ક) યૂસફના ભાઈઓએ ખરાબ વર્તન કર્યું ત્યારે તે કઈ રીતે સમજી-વિચારીને વર્ત્યા? (ખ) યૂસફ પાસેથી આપણે શું શીખી શકીએ? (ઉત્પત્તિ ૫૦:૧૯-૨૧)

મનમાં કડવાશ ભરી ન રાખીએ. ચાલો યૂસફનો દાખલો લઈએ. તે યુવાન હતા ત્યારે તેમના ભાઈઓ તેમની સાથે બહુ ખરાબ રીતે વર્તતા હતા. તેમને નફરત કરતા હતા. અરે, અમુકે તો તેમને મારી નાખવાની કોશિશ કરી. (ઉત. ૩૭:૪, ૧૮-૨૨) તેઓને તક મળી ત્યારે તેઓએ યૂસફને ગુલામ તરીકે વેચી દીધા. ૧૩ વર્ષ સુધી યૂસફ પર એક પછી એક મુશ્કેલીઓ આવી. એવા સમયે તે વિચારી શક્યા હોત, ‘શું યહોવા મને ખરેખર પ્રેમ કરે છે? શું તેમણે મને છોડી દીધો છે? હમણાં તો મને તેમની સૌથી વધારે જરૂર છે.’ પણ યૂસફે મનમાં કડવાશ ભરી ન રાખી. તેમણે સમજી-વિચારીને પગલાં ભર્યાં અને મન શાંત રાખ્યું. એકવાર તેમની પાસે તક હતી તોપણ તેમણે ભાઈઓ સામે બદલો ન લીધો. તે પોતાના ભાઈઓને બહુ પ્રેમ કરતા હતા. એટલે તેમણે તેઓને માફ કરી દીધા અને તેઓ સાથે સારી રીતે વર્ત્યા. (ઉત. ૪૫:૪, ૫) તે કેમ એવું કરી શક્યા? તે ફક્ત પોતાની મુશ્કેલીઓ વિશે જ વિચારતા ન રહ્યા. પણ યહોવા શું ચાહે છે, એના પર તેમણે વિચાર કર્યો. (ઉત્પત્તિ ૫૦:૧૯-૨૧ વાંચો.) યૂસફ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણને લાગે કે કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે તો યહોવાથી નારાજ ન થઈ જઈએ. એવું ન વિચારીએ કે યહોવાએ આપણને છોડી દીધા છે. પણ વિચારીએ કે આ મુશ્કેલ ઘડીમાં તે કઈ રીતે આપણી પડખે રહે છે. જેમનાથી ખોટું લાગ્યું હોય તેમને માફ કરી દઈએ. યાદ રાખીએ કે “પ્રેમ અસંખ્ય પાપને ઢાંકે છે.”—૧ પિત. ૪:૮.

૫. મિકેઆસભાઈ કઈ રીતે સમજી-વિચારીને વર્ત્યા?

દક્ષિણ અમેરિકામાં રહેતા મિકેઆસભાઈનો દાખલો લઈએ. b તે વડીલ છે. એક સમયે તેમને લાગ્યું કે અમુક વડીલો તેમની સાથે કઠોર રીતે વર્ત્યા છે અને તેમની સાથે ખોટું કર્યું છે. તેમણે કીધું: “હું એટલો હેરાન-પરેશાન પહેલાં ક્યારેય થયો ન’તો. રાતે ઊંઘ પણ ન’તી આવતી. મારી આંખોમાંથી આંસુ સરી પડતાં, કેમ કે એ બાબતમાં હું કંઈ કરી શકતો ન’તો.” પણ ભાઈ લાગણીઓમાં વહી ન ગયા. તે સમજી-વિચારીને વર્ત્યા. તેમણે વારંવાર યહોવાને પ્રાર્થના કરી. યહોવા પાસે પવિત્ર શક્તિ અને હિંમત માંગી. તેમણે એવા લેખો પણ વાંચ્યા જેમાં મદદ કરે એવી સલાહ હતી. મિકેઆસભાઈ પાસેથી આપણે શું શીખી શકીએ? આપણને લાગે કે કોઈએ આપણી સાથે ખોટું કર્યું છે તો મન શાંત રાખીએ. એ ભાઈ કે બહેન વિશે ખોટું ન વિચારીએ. તેમણે એવું કર્યું ત્યારે તેમના મનમાં શું ચાલી રહ્યું હતું, તેમના સંજોગો કેવા હતા એ આપણે કદાચ જાણતા ન હોઈએ. એટલે યહોવાને પ્રાર્થના કરીએ કે સંજોગોને એ ભાઈ કે બહેનની નજરે જોવા આપણને મદદ કરે. બની શકે, ત્યારે અહેસાસ થાય કે આપણને બધી હકીકતો ખબર નથી અને કદાચ તેમનો ઇરાદો દુઃખ પહોંચાડવાનો ન હતો. પછી આપણે તેમને માફ કરી શકીશું. (નીતિ. ૧૯:૧૧) યાદ રાખીએ, યહોવા જાણે છે કે આપણી સાથે શું થયું હતું અને આપણા પર શું વીતી રહ્યું છે. એ બધું સહેવા તે આપણને હિંમત આપશે.—૨ કાળ. ૧૬:૯; સભા. ૫:૮.

યહોવા આપણને સુધારે ત્યારે

૬. આપણે કેમ યાદ રાખવું જોઈએ કે યહોવા જેઓને પ્રેમ કરે છે તેઓને શિસ્ત આપે છે? (હિબ્રૂઓ ૧૨:૫, ૬, ૧૧)

આપણને સુધારવામાં આવે ત્યારે આપણને ગમતું નથી. એ વિશે વિચારીને દુઃખી થયા કરીશું તો એ જોવાનું ચૂકી જઈશું કે આપણને કેમ સુધારવામાં આવ્યા છે. કદાચ થશે કે આપણી સાથે અન્યાય થયો છે, બહુ કડક શિસ્ત મળી છે. આપણે એવું વિચારવા લાગીએ કે ‘મેં ક્યાં બહુ મોટી ભૂલ કરી હતી.’ એવું વિચારીશું તો સૌથી મહત્ત્વની વાત ભૂલી જઈશું. એ છે કે યહોવા આપણને પ્રેમ કરે છે એટલે શિસ્ત આપે છે. (હિબ્રૂઓ ૧૨:૫, ૬, ૧૧ વાંચો.) જો દુઃખની લાગણીને આપણા પર હાવી થવા દઈશું તો કદાચ શિસ્ત લાગુ પાડવાનું ચૂકી જઈશું, યહોવા અને તેમના સંગઠનથી દૂર જતા રહીશું. યાદ રાખીએ કે શેતાન પણ એવું જ ચાહે છે. આપણને શિસ્ત મળે ત્યારે કઈ રીતે સમજી-વિચારીને વર્તી શકીએ?

પિતર નમ્ર હતા અને તેમણે શિસ્ત સ્વીકારી એટલે તે યહોવાની સેવામાં વધારે કરી શક્યા (ફકરો ૭ જુઓ)

૭. (ક) ચિત્રમાં બતાવ્યું છે તેમ શિસ્ત સ્વીકારવાને લીધે પિતર કઈ રીતે યહોવાની સેવામાં વધારે કરી શક્યા? (ખ) પિતર પાસેથી આપણે શું શીખી શકીએ?

શિસ્ત સ્વીકારીએ, ફેરફાર કરીએ. ઈસુએ અમુક વાર બીજા પ્રેરિતો આગળ પિતરને ઠપકો આપ્યો હતો. કદાચ પિતરને નહિ ગમ્યું હોય. (માર્ક ૮:૩૩; લૂક ૨૨:૩૧-૩૪) પણ તે ઈસુને વફાદાર રહ્યા. તેમણે શિસ્ત સ્વીકારી અને એ ભૂલો ફરીથી ન થાય એનું ધ્યાન રાખ્યું. એટલે યહોવાએ તેમને ઘણા આશીર્વાદ આપ્યા અને મોટી મોટી જવાબદારીઓ પણ સોંપી. (યોહા. ૨૧:૧૫-૧૭; પ્રે.કા. ૧૦:૨૪-૩૩; ૧ પિત. ૧:૧) પિતર પાસેથી આપણે શું શીખી શકીએ? જો આપણને શિસ્ત મળે તો કદાચ શરૂઆતમાં દુઃખ થાય કે શરમ આવે. પણ એ વિશે વિચારી વિચારીને વધારે દુઃખી થવાને બદલે, એ સલાહ સ્વીકારીએ અને ફેરફાર કરીએ. એમ કરીશું તો યહોવાની સેવામાં અને ભાઈ-બહેનો માટે વધારે કરી શકીશું.

૮-૯. (ક) બરનાર્ડોભાઈને શિસ્ત મળી ત્યારે શરૂ શરૂમાં તેમને કેવું લાગ્યું? (ખ) ભાઈએ કઈ રીતે પોતાના વિચારોમાં ફેરફાર કર્યો?

ચાલો મોઝામ્બિકના બરનાર્ડોભાઈનો વિચાર કરીએ. તે વડીલ હતા, પણ પછી તેમની પાસેથી એ જવાબદારી લઈ લેવામાં આવી. શરૂ શરૂમાં તેમને કેવું લાગ્યું? તે કહે છે: “મને શિસ્ત મળી ત્યારે મને જરાય ના ગમ્યું. હું ભાઈઓથી બહુ નારાજ થઈ ગયો.” ભાઈને એ વાતની ચિંતા સતાવતી હતી કે મંડળનાં ભાઈ-બહેનો તેમના વિશે શું વિચારશે. તે કહે છે: “યહોવા અને તેમના સંગઠન પર ભરોસો રાખવા અને ભાઈઓનો નિર્ણય યોગ્ય છે, એ સ્વીકારવા મને થોડા મહિનાઓ લાગ્યા.” ભાઈ કઈ રીતે પોતાનું વલણ બદલી શક્યા?

સૌથી પહેલા બરનાર્ડોભાઈએ પોતાના વિચારોમાં ફેરફાર કર્યો. તે કહે છે: “હું વડીલ હતો ત્યારે ભાઈ-બહેનોને અનેક વાર હિબ્રૂઓ ૧૨:૭ બતાવતો. હું જણાવતો કે યહોવા શિસ્ત આપે છે ત્યારે આપણું જ ભલું થાય છે. હવે મારે એ વાત સ્વીકારવાની હતી.” યહોવા અને તેમના સંગઠન પર ભરોસો મજબૂત કરવા ભાઈએ બીજું પણ કંઈક કર્યું. તે બાઇબલ વાંચવામાં અને એના પર મનન કરવામાં વધારે સમય વિતાવવા લાગ્યા. હજી પણ તેમને એ વાતની ચિંતા હતી કે ભાઈ-બહેનો તેમના વિશે શું વિચારશે. છતાં તેમણે ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જવાનું અને સભામાં જવાબો આપવાનું છોડ્યું નહિ. સમય જતાં, તેમને ફરી વડીલ તરીકેની જવાબદારી મળી. બરનાર્ડોભાઈની જેમ તમને શિસ્ત મળી હોય, સુધારવામાં આવ્યા હોય તો, કદાચ તમને દુઃખ થયું હશે અથવા શરમ લાગી હશે. પણ એના પર વધારે વિચારવાને બદલે જે સલાહ મળી એને સ્વીકારજો અને ફેરફાર કરજો. c (નીતિ. ૮:૩૩; ૨૨:૪) એમ કરશો તો તમે યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહી શકશો. પછી યહોવા તમને પુષ્કળ આશીર્વાદ આપશે.

સંગઠનમાં કોઈ ફેરફાર થાય ત્યારે

૧૦. અમુક ઇઝરાયેલીઓને કયો ફેરફાર સ્વીકારવો અઘરું લાગ્યું હશે?

૧૦ સંગઠનમાં કોઈ ફેરફાર થાય ત્યારે પણ યહોવાને વફાદાર રહેવું અઘરું લાગી શકે. જો એ ફેરફાર નહિ સ્વીકારીએ તો કદાચ યહોવાથી દૂર થઈ જઈએ. જૂના જમાનાનો એક બનાવ જોઈએ. નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું એ પહેલાં કુટુંબના વડા વેદી બનાવતા હતા અને કુટુંબ માટે યહોવાને અર્પણ ચઢાવતા હતા. (ઉત. ૮:૨૦, ૨૧; ૧૨:૭; ૨૬:૨૫; ૩૫:૧, ૬, ૭; અયૂબ ૧:૫) પણ પછી એક ફેરફાર થયો. યહોવાએ નિયમ આપ્યો કે યાજકો અર્પણ ચઢાવશે, કુટુંબના વડા નહિ. યહોવાએ હારુનના કુટુંબને યાજકો તરીકે સેવા આપવા પસંદ કર્યું. જો કોઈ વડા હારુનના કુટુંબના ન હોય અને અર્પણ ચઢાવે તો તેમને મોતની સજા પણ થઈ શકતી હતી. d (લેવી. ૧૭:૩-૬, ૮, ૯) આપણે પાકી ખાતરીથી તો નથી કહી શકતા, પણ કદાચ એ ફેરફારને લીધે કોરાહ, દાથાન, અબીરામ અને ૨૫૦ મુખીઓએ મૂસા અને હારુન વિરુદ્ધ બળવો કર્યો હતો. (ગણ. ૧૬:૧-૩) ભલે કોઈ પણ કારણ હોય, કોરાહ અને તેના સાથીઓ યહોવાને વફાદાર ન રહ્યા. જો સંગઠનનો કોઈ ફેરફાર સ્વીકારવો અઘરું લાગે તો શું કરી શકીએ?

કહાથીઓને બીજાં કામ સોંપવામાં આવ્યા ત્યારે તેઓએ એ ખુશી ખુશી કર્યાં. અમુકને ગીતો ગાવાનું, અમુકને દરવાનો તરીકે અને બીજા અમુકને ભંડારોની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું (ફકરો ૧૧ જુઓ)

૧૧. કહાથીઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧૧ સંગઠનમાં થતા ફેરફારોને પૂરી રીતે સ્વીકારીએ. ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં હતા એ વખતે કહાથીઓ મહત્ત્વનું કામ કરતા હતા. ઇઝરાયેલીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ છાવણી નાખતા ત્યારે કહાથીઓ કરારકોશ ઊંચકીને લોકોની આગળ ચાલતા. (ગણ. ૩:૨૯, ૩૧; ૧૦:૩૩; યહો. ૩:૨-૪) તેઓ માટે કેટલો મોટો લહાવો! પણ ઇઝરાયેલીઓ વચનના દેશમાં રહેવા લાગ્યા ત્યારે ફેરફારો થયા. હવે પહેલાંની જેમ કરારકોશને વારે વારે બીજી જગ્યાએ લઈ જવાનો ન હતો. એટલે કહાથીઓને બીજાં કામ સોંપવામાં આવ્યાં. સુલેમાનના રાજ વખતે અમુક કહાથીઓ ગીતો ગાતા, અમુક દરવાનો તરીકે કામ કરતા અને બીજા અમુક ભંડારોની દેખરેખ રાખતા. (૧ કાળ. ૬:૩૧-૩૩; ૨૬:૧, ૨૪) પણ બાઇબલમાં એવું ક્યાંય લખ્યું નથી કે કહાથીઓએ ફરિયાદ કરી હોય કે કીધું હોય: ‘પહેલાં અમે કેટલું મહત્ત્વનું કામ કરતા હતા. એટલે હવે પણ અમને મોટી જવાબદારી મળવી જોઈએ.’ કહાથીઓ પાસેથી આપણે શું શીખી શકીએ? યહોવાના સંગઠનમાં કોઈ ફેરફાર થાય ત્યારે એને પૂરી રીતે સ્વીકારીએ. બની શકે કે તમે કોઈ જવાબદારી સંભાળતા હો, પણ એના બદલામાં તમને બીજું કોઈ કામ સોંપવામાં આવે. તમને જે કામ મળે એ ખુશી ખુશી કરો. યાદ રાખો, યહોવા તમારી સોંપણી કે જવાબદારીને લીધે નહિ, પણ તમે તેમની આજ્ઞાઓ પાળો છો એટલે તમને અનમોલ ગણે છે.—૧ શમુ. ૧૫:૨૨.

૧૨. ઝાઇનાબહેનને નવી સોંપણી મળી ત્યારે તેમને કેવું લાગ્યું?

૧૨ ચાલો ઝાઇનાબહેનનો દાખલો જોઈએ. તે મધ્ય પૂર્વના એક દેશમાં રહે છે. તે ૨૩ કરતાં વધારે વર્ષોથી બેથેલમાં સેવા આપતાં હતાં. પછી સંગઠને તેમને ખાસ પાયોનિયર તરીકેની સોંપણી આપી. બહેનને બેથેલમાં કામ કરવું બહુ ગમતું હતું. એટલે ફેરફાર સ્વીકારવો તેમના માટે સહેલું ન હતું. તે કહે છે: “મારે બેથેલમાંથી જવું પડશે એવું કહેવામાં આવ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મને લાગવા લાગ્યું કે હું કંઈ કામની નથી. હું બસ વિચાર્યા કરતી, ‘મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે મારે બેથેલ છોડવું પડે છે?’” અરે તેમના મંડળનાં અમુક ભાઈ-બહેનોએ એવું કંઈક કહ્યું, જેનાથી તેમના દુઃખમાં ઉમેરો થયો. તેઓ બહેનને કહેતાં હતાં, “તેં સારી રીતે કામ કર્યું હોત તો મોકલી ના દેત ને!” થોડા સમય સુધી તો બહેન રોજ રાતે રડ્યા કરતાં. પણ બહેન કહે છે: “મેં ક્યારેય યહોવાના પ્રેમ પર અને સંગઠનના નિર્ણય પર સવાલ ન ઉઠાવ્યો.” ઝાઇનાબહેન કઈ રીતે સમજી-વિચારીને પગલાં ભરી શક્યાં?

૧૩. ઝાઇનાબહેનને શરૂ શરૂમાં દુઃખ થયું પણ પછી તેમણે શું કર્યું?

૧૩ ઝાઇનાબહેનને શરૂ શરૂમાં બહુ દુઃખ થયું. પણ થોડા સમય પછી તે ફરીથી ખુશી ખુશી યહોવાની સેવા કરવા લાગ્યાં. તે કેમ એવું કરી શક્યાં? તેમણે અમુક લેખો વાંચ્યા. એમાં એવા લોકોના દાખલા હતા, જેઓએ આવા અઘરા સંજોગોનો સામનો કર્યો હોય. એ લેખોમાં ઘણી સારી સલાહ હતી. જેમ કે, ફેબ્રુઆરી ૧, ૨૦૦૧ ચોકીબુરજનો આ લેખ: “નિરુત્સાહી ન થાવ!” એ લેખમાં બાઇબલના એક લેખક માર્ક વિશે જણાવ્યું હતું. એમાં જણાવ્યું હતું કે તેમની સોંપણીમાં ફેરફાર થયો ત્યારે તેમણે કેવી લાગણીઓનો સામનો કર્યો હશે. બહેન કહે છે: “માર્ક વિશેનો એ લેખ મારા માટે દવા જેવો હતો.” ઝાઇનાબહેન બીજાં ભાઈ-બહેનો સાથે હળતાં-મળતાં રહ્યાં. તેઓ સાથે પ્રચારમાં જતાં. તે કંઈ કામનાં નથી એવા વિચારો મનમાંથી કાઢી નાખ્યા. તેમણે એ યાદ રાખ્યું કે યહોવાના સંગઠનમાં ભાઈઓ પવિત્ર શક્તિના માર્ગદર્શનને આધારે નિર્ણય લે છે. બીજું કે આગેવાની લેતા ભાઈઓ તેમને ખૂબ પ્રેમ કરે છે. બહેનને એ વાતનો પણ અહેસાસ થયો કે યહોવાના સંગઠનમાં ફેરફારો થતા રહે છે. પણ સૌથી મહત્ત્વનું એ છે કે યહોવાનું કામ ચાલતું રહે.

૧૪. વલાદોભાઈને કયો નિર્ણય સ્વીકારવો અઘરો લાગ્યો? પણ તેમણે શું યાદ રાખ્યું?

૧૪ સ્લોવેનિયામાં રહેતા વલાદોભાઈ ૭૩ વર્ષના છે અને એક વડીલ છે. તેમના મંડળને બીજા મંડળ સાથે ભેગું કરવામાં આવ્યું. તે જે પ્રાર્થનાઘરમાં જતા હતા, એ બંધ કરવામાં આવ્યું. તેમણે પોતાની લાગણીઓ જણાવતા કહ્યું: “અમારું પ્રાર્થનાઘર તો કેટલું સુંદર હતું! મને સમજાતું ન’તું કે એને કેમ બંધ કરી દીધું. થોડા સમય પહેલાં જ એનું સમારકામ થયું’તું, નવી નવી વસ્તુઓ લગાવી’તી. એટલે મને બહુ દુઃખ થયું. મેં પણ એમાં લાકડાની અમુક વસ્તુઓ બનાવી’તી. બીજા પ્રાર્થનાઘરમાં જવાનું થયું એના લીધે ભાઈ-બહેનોએ ઘણા ફેરફારો કરવા પડ્યા. મારા જેવાં ઘરડાં ભાઈ-બહેનો માટે તો એ બહુ અઘરું હતું.” પણ ભાઈએ સંગઠનનો એ નિર્ણય સ્વીકાર્યો. તે કહે છે: “સંગઠનમાં થતા ફેરફારો સ્વીકારીએ છીએ ત્યારે હંમેશાં આશીર્વાદ મળે છે. ભાવિમાં બીજા ઘણા ફેરફારો થશે. આપણે હમણાં ફેરફારો સ્વીકારીશું તો આગળ જતાં ફેરફારો સ્વીકારવા સહેલું થઈ જશે.” શું તમારા મંડળને પણ બીજા મંડળ સાથે ભેગું કરવામાં આવ્યું છે? શું તમારી સોંપણીમાં ફેરફાર થયો છે? એમ હોય તો ખાતરી રાખો કે યહોવા તમારી લાગણીઓ સમજે છે. જો તમે ફેરફારો સ્વીકારશો, યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહેશો, તો ભરોસો રાખો કે તે તમને અઢળક આશીર્વાદો આપશે.—ગીત. ૧૮:૨૫.

બધા સંજોગોમાં સમજી-વિચારીને વર્તીએ

૧૫. જો મંડળમાં અઘરા સંજોગો ઊભા થાય તો કઈ રીતે સમજી-વિચારીને વર્તી શકીએ?

૧૫ આપણે આ દુનિયાના અંતની નજીક જઈ રહ્યા છીએ. એવા સમયે મંડળમાં એવા સંજોગો ઊભા થઈ શકે, જેમાં યહોવાને અને તેમના સંગઠનને વફાદાર રહેવું અઘરું લાગે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે સમજી-વિચારીને વર્તીએ. જો આપણને લાગતું હોય કે કોઈ ભાઈ કે બહેને આપણી સાથે ખોટું કર્યું છે, તો તેમના માટે મનમાં કડવાશ ન ભરી રાખીએ. જો યહોવા આપણને સુધારે તો કદાચ શરૂ શરૂમાં દુઃખ થાય, શરમ લાગે. પણ એ વિશે વિચારી વિચારીને વધારે દુઃખી ન થઈએ. આપણે સલાહ સ્વીકારીએ અને ફેરફાર કરીએ. જો સંગઠનમાં કોઈ ફેરફાર થાય અને એ સ્વીકારવો અઘરું લાગે, તોપણ પૂરા દિલથી સ્વીકારીએ.

૧૬. યહોવા અને તેમના સંગઠન પર અડગ ભરોસો રાખવા શું કરવું જોઈએ?

૧૬ અઘરા સંજોગોમાં પણ આપણે યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહી શકીએ છીએ અને અડગ ભરોસો રાખી શકીએ છીએ. પણ એમ કરવા જરૂરી છે કે આપણે સમજી-વિચારીને વર્તીએ. આપણે મન શાંત રાખીએ, કંઈ કરતા પહેલાં વિચારીએ અને સંજોગોને યહોવાની નજરે જોવાની કોશિશ કરીએ. બાઇબલમાંથી યહોવાના એવા ભક્તો વિશે વાંચીએ, જેઓએ આપણા જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. વિચારીએ કે આપણે તેઓ પાસેથી શું શીખી શકીએ. મદદ માટે યહોવાને પ્રાર્થના કરીએ. ભાઈ-બહેનો સાથે હળતાં-મળતાં રહીએ. પછી ભલે કંઈ પણ થાય, શેતાન આપણને યહોવા કે તેમના સંગઠનથી જુદા નહિ પાડી શકે.—યાકૂ. ૪:૭.

ગીત ૪૩ જાગતા રહીએ

a મંડળમાં કે સંગઠનમાં અમુક વાર એવું કંઈક બને, જેનાથી યહોવા અને તેમના સંગઠનને વફાદાર રહેવું આપણને અઘરું લાગે. આ લેખમાં એવા ત્રણ સંજોગો વિશે જોઈશું. એ પણ જોઈશું કે એવા સમયે યહોવા અને તેમના સંગઠનને કઈ રીતે વફાદાર રહી શકીએ.

b અમુક નામ બદલ્યાં છે.

c બીજાં સૂચનો માટે ઑગસ્ટ ૧, ૨૦૦૯ ચોકીબુરજ પાન ૨૫ પર આપેલો આ લેખ જુઓ: “સેવા કરવાનો લહાવો તમને પાછો મળી શકે છે.”

d નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ જાનવરનું માંસ ખાવા એને કાપવું હોય તો કુટુંબના વડાએ જાનવરને પવિત્ર જગ્યાએ લઈ જવાનું હતું. પણ જો કોઈનું ઘર પવિત્ર જગ્યાથી ઘણું દૂર હોય તો તેણે ત્યાં જવાની જરૂર ન હતી.—પુન. ૧૨:૨૧.