શું તમે જાણો છો?
શું મોર્દખાય નામનું ખરેખર કોઈ હતું?
એસ્તેરના પુસ્તકમાં જણાવેલા બનાવોમાં, મોર્દખાયે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એ બનાવો ઈસવીસન પૂર્વે પાંચમી સદીની શરૂઆતના છે. એ વખતે રાજા અહાશ્વેરોશનું રાજ ચાલતું હતું. (આજે તે શાસ્તા પહેલો તરીકે જાણીતો છે.) મોર્દખાય એક યહૂદી હતા. સમય જતાં તે ઈરાનના મહેલમાં કામ કરવા લાગ્યા. તેમણે એક વખત રાજાને મારી નાખવાનું કાવતરું ખુલ્લું પાડ્યું. મોર્દખાયથી ખુશ થઈને રાજાએ જાહેરમાં તેમનું સન્માન કરાવાની ગોઠવણ કરી. મોર્દખાય અને બીજા યહૂદીઓનો હામાન કટ્ટર દુશ્મન હતો. તેણે આખા ઈરાની સામ્રાજ્યમાંથી યહૂદીઓનું નામનિશાન મિટાવવાનું કાવતરું ઘડ્યું હતું. પણ હામાનના મરણ પછી મોર્દખાયને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. તેમને એક ફરમાન બહાર પાડવાનો અધિકાર પણ મળ્યો, જેનાથી બધા યહૂદીઓનું રક્ષણ થયું.—એસ્તે. ૧:૧; ૨:૫, ૨૧-૨૩; ૮:૧, ૨; ૯:૧૬.
૨૦મી સદીની શરૂઆતમાં અમુક ઇતિહાસકારો દાવો કરતા હતા કે એસ્તેરનું પુસ્તક તો ફક્ત એક વાર્તા છે, મોર્દખાય નામનું કોઈ નથી. પણ ૧૯૪૧માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને કદાચ એવું કંઈક મળ્યું, જેનાથી સાબિત થાય છે કે બાઇબલમાં જણાવેલો મોર્દખાયનો અહેવાલ સાચો છે. તેઓને શું મળ્યું?
સંશોધકોને એક માટીની પાટી મળી આવી. એમાં તેઓને મર્દૂકા નામ જોવા મળ્યું (ગુજરાતીમાં મોર્દખાય). તે શુશાનમાં અધિકારી હતા, કદાચ હિસાબ-કિતાબની દેખરેખ રાખતા હતા. જે વિસ્તારમાં પાટી મળી આવી, એના ઇતિહાસના જાણકાર આર્થર ઉંગનાડ હતા. તેમણે લખ્યું કે ‘પહેલી વખત બાઇબલ સિવાય બીજા કોઈ લખાણમાં મોર્દખાયનું નામ જોવા મળ્યું.’
સમય જતાં વિદ્વાનોને બીજી હજારો પાટીઓ મળી અને એનું ભાષાંતર કરવામાં આવ્યું. એમાંની અમુક પાટીઓ પર્સેપોલિસ શહેરમાં મળી આવી. એ પાટીઓ શહેરની દીવાલની નજીક, રાજવી ભંડારના ખંડેરોમાંથી મળી આવી હતી. રાજા શાસ્તા પહેલો રાજ કરતો હતો એ સમયગાળાની આ પાટીઓ હતી. પાટીઓ પરનું લખાણ એલામીઓની ભાષામાં હતું. એમાં એસ્તેરના પુસ્તકમાં જણાવેલાં ઘણાં નામ જોવા મળ્યાં. a
પર્સેપોલિસની ઘણી પાટીઓમાં મર્દૂકા નામ જોવા મળે છે. રાજા શાસ્તા પહેલાના રાજમાં એ માણસ શુશાનના મહેલમાં શાસ્ત્રી હતા. એક પાટીમાં જણાવ્યું હતું કે તે એક ભાષાંતરકાર હતા. એ માહિતી બાઇબલમાં મોર્દખાય વિશે જણાવેલી માહિતી સાથે બંધબેસે છે. મોર્દખાય અહાશ્વેરોશ રાજાના (શાસ્તા પહેલો) સેવક હતા. તે ઓછામાં ઓછી બે ભાષા બોલતા હતા. તે શુશાનના મહેલમાં રાજાના પ્રવેશદ્વાર આગળ નિયમિત બેસતા હતા. (એસ્તે. ૨:૧૯, ૨૧; ૩:૩) એ પ્રવેશદ્વાર ઘણો મોટો હતો અને ત્યાં રાજવી અધિકારીઓ કામ કરતા હતા.
પાટીઓમાં મર્દૂકા વિશે જણાવ્યું છે અને બાઇબલમાં મોર્દખાય વિશે. પણ એ બંનેમાં ઘણી સમાનતાઓ છે. તેઓ એકસરખાં સમયે અને જગ્યાએ જીવ્યા હતા. તેઓ બંને એક જ જગ્યાએ એક જેવું કામ કરતા હતા. એ હકીકતો સૂચવે છે કે મર્દૂકા નામના વ્યક્તિ એસ્તેરના પુસ્તકમાં જણાવેલા મોર્દખાય જ હોય શકે.
a ૧૯૯૨માં પ્રોફેસર એડવિન એમ. યમૌચીએ પોતાના એક લેખમાં પર્સેપોલિસની પાટીઓમાં મળી આવેલાં દસ નામો વિશે જણાવ્યું. એ નામો એસ્તેરના પુસ્તકમાં પણ છે.