સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૪

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

તમે કઈ રીતે અન્યાયનો સામનો કરી શકો?

તમે કઈ રીતે અન્યાયનો સામનો કરી શકો?

“બૂરાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી બૂરાઈ પર જીત મેળવો.”રોમ. ૧૨:૨૧.

આપણે શું શીખીશું?

આપણી સાથે અન્યાય થાય ત્યારે શું કરી શકીએ, જેથી વાત વણસી ન જાય?

૧-૨. આપણી સાથે કઈ રીતોએ અન્યાય થઈ શકે?

 એકવાર ઈસુએ એક વિધવાનું ઉદાહરણ આપ્યું, જે વારંવાર ન્યાયાધીશ પાસે ન્યાય માંગવા જતી હતી. ઈસુના શિષ્યો એ સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકતા હતા. કારણ કે એ જમાનામાં ઘણા લોકો સાથે અન્યાય થતો હતો. (લૂક ૧૮:૧-૫) આજે આપણે પણ એ વિધવાની પીડા સારી રીતે સમજી શકીએ છીએ. કારણ કે આપણી સાથે પણ ક્યારેક ને ક્યારેક અન્યાય થયો છે.

આજે ચારે બાજુ ભેદભાવ, અસમાનતા અને જુલમ જોવા મળે છે. એટલે જ્યારે લોકો આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે આપણને નવાઈ નથી લાગતી. (સભા. ૫:૮) પણ જ્યારે ભાઈ-બહેનો આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે ઘણું દુઃખ લાગી શકે છે. પણ યાદ રાખો, તેઓથી ભૂલો થઈ જાય છે. વિરોધીઓની જેમ તેઓ જાણીજોઈને આપણને દુઃખ પહોંચાડવા માંગતાં નથી. વિરોધીઓ અન્યાય કરે ત્યારે શું કરવું એ વિશે આપણે ઈસુ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આનો વિચાર કરો: જો આપણે વિરોધીઓ સાથે ધીરજથી વર્તતા હોઈએ, તો ભાઈ-બહેનો સાથે કેટલી વધારે ધીરજથી વર્તવું જોઈએ? પણ સવાલ થાય, ‘જ્યારે દુનિયાના લોકો કે આપણાં ભાઈ-બહેનો આપણી સાથે અન્યાય કરે, ત્યારે યહોવાને કેવું લાગે છે? શું તેમને કોઈ ફરક પડે છે?’

૩. શાના આધારે કહી શકીએ કે આપણી સાથે અન્યાય થાય ત્યારે યહોવાને ફરક પડે છે?

આપણી સાથે અન્યાય થાય ત્યારે, યહોવાને ફરક પડે છે. તેમને ઘણું દુઃખ થાય છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવાને ઇન્સાફ પસંદ છે.” (ગીત. ૩૭:૨૮) ઈસુ ખાતરી આપે છે કે યહોવા જલદી જ “ન્યાય અપાવશે” અને એ પણ યોગ્ય સમયે. (લૂક ૧૮:૭, ૮) બહુ જલદી તે આપણાં બધાં દુઃખો દૂર કરી દેશે અને અન્યાયનું નામનિશાન મિટાવી દેશે.—ગીત. ૭૨:૧, ૨.

૪. યહોવા આજે આપણને કઈ રીતોએ મદદ કરે છે?

આપણે એવા સમયની રાહ જોઈએ છીએ, જ્યારે અન્યાય હશે જ નહિ. (૨ પિત. ૩:૧૩) પણ એ સમય આવે ત્યાં સુધી યહોવા આપણને અન્યાયનો સામનો કરવા મદદ કરે છે. દાખલા તરીકે, તે આપણને શીખવે છે કે અન્યાય થાય ત્યારે કઈ રીતે વર્તવું, જેથી વાત વધારે ન બગડે. તેમણે પોતાના દીકરા ઈસુ દ્વારા શીખવ્યું છે કે અન્યાય થાય ત્યારે શું કરવું. એ સિવાય તેમણે બાઇબલમાં ઘણી સલાહ આપી છે, જે અન્યાયનો સામનો કરવા મદદ કરે છે.

કઈ રીતે વર્તો છો એનું ધ્યાન રાખો

૫. અન્યાય થાય ત્યારે શાનું ધ્યાન રાખવું જોઈએ અને શા માટે?

અન્યાય થાય ત્યારે ઘણું દુઃખ લાગી શકે અને નિરાશ થઈ જઈ શકીએ. (સભા. ૭:૭) અયૂબ અને હબાક્કૂક જેવા વફાદાર ઈશ્વરભક્તોને પણ એવું લાગ્યું હતું. (અયૂ. ૬:૨, ૩; હબા. ૧:૧-૩) એવી લાગણીઓ થવી સ્વાભાવિક છે. પણ આપણે કઈ રીતે વર્તીએ છીએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહિતર આપણે ખોટું પગલું ભરી બેસીશું.

૬. આબ્શાલોમના દાખલામાંથી શું શીખવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)

આપણી સાથે અથવા આપણા પ્રિયજનો સાથે અન્યાય થાય ત્યારે, બદલો લેવાનું મન થઈ શકે. પણ એમ કરવાથી વાતનું વતેસર થઈ શકે છે. રાજા દાઉદના દીકરા આબ્શાલોમનો વિચાર કરો. તેની બહેન તામાર પર બળાત્કાર થયો હતો. એ બળાત્કાર કરનાર બીજું કોઈ નહિ, પણ તેઓનો સાવકો ભાઈ આમ્નોન હતો. પોતાની બહેન સાથે જે બન્યું એ જાણીને આબ્શાલોમ ગુસ્સાથી તપી ગયો. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે આમ્નોનને મોતની સજા થવી જોઈતી હતી. (લેવી. ૨૦:૧૭) ખરું કે, આબ્શાલોમનો ગુસ્સો વાજબી હતો, પણ તેણે કાયદો પોતાના હાથમાં લેવો જોઈતો ન હતો.—૨ શમુ. ૧૩:૨૦-૨૩, ૨૮, ૨૯.

પોતાની બહેન તામાર પર બળાત્કાર કરવામાં આવ્યો, એ વિશે જાણ્યું ત્યારે આબ્શાલોમે પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખ્યો (ફકરો ૬ જુઓ)


૭. ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને અન્યાય જોઈને શરૂઆતમાં કેવું લાગ્યું?

જ્યારે અન્યાય કરનારને સજા ન મળે, ત્યારે થાય કે સારું કરવાનો કોઈ ફાયદો નથી. ગીતશાસ્ત્ર ૭૩ના લેખકનો વિચાર કરો. તેમણે જોયું કે ખરાબ લોકો સારા લોકોના ભોગે લીલાલહેર કરતા હતા. તેમણે કહ્યું: “આ દુષ્ટોનું જીવન એકદમ આસાન છે.” (ગીત. ૭૩:૧૨) વધુમાં તેમણે કહ્યું: “મેં જ્યારે એ સમજવાની કોશિશ કરી, ત્યારે મારું દિલ દુભાયું.” (ગીત. ૭૩:૧૪, ૧૬) અન્યાય જોઈને તે ખૂબ નિરાશ થઈ ગયા અને તેમને લાગ્યું કે યહોવાની સેવા કરવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું: “મારા પગે લગભગ ઠોકર ખાધી હતી. મારા પગ લપસી જવાની તૈયારીમાં હતા.” (ગીત. ૭૩:૨) આવું જ કંઈક આલ્બર્ટો નામના ભાઈ સાથે પણ બન્યું હતું.

૮. આલ્બર્ટોભાઈ પર અન્યાયની કેવી અસર થઈ?

આલ્બર્ટોભાઈ પર મંડળના પૈસા ચોરી કરવાનો ખોટો આરોપ મુકાયો હતો. એના લીધે તેમણે વડીલ તરીકેની જવાબદારી ગુમાવી. મંડળમાં ઘણાને એના વિશે જાણ થઈ અને તેઓની નજરમાં તેમનું માન ન રહ્યું. તે જણાવે છે: “મારું મન ખાટું થઈ ગયું, મને ગુસ્સો આવ્યો અને હું નિરાશ પણ થઈ ગયો.” તેમને એટલું મનદુઃખ થયું કે તેમણે સભાઓમાં જવાનું બંધ કરી દીધું અને તેમનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો. તે પાંચ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા. આ અનુભવથી જોવા મળે છે કે અન્યાય થાય ત્યારે ગુસ્સા પર કાબૂ ન રાખીએ તો, શું થઈ શકે છે.

ઈસુ પાસેથી શીખીએ

૯. ઈસુએ કેવા કેવા અન્યાય સહ્યા? (ચિત્ર પણ જુઓ.)

અન્યાય સહેવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ચાલો જોઈએ કે તેમના કુટુંબીજનોએ અને બીજાઓએ તેમની સાથે કેવા કેવા અન્યાય કર્યા. તેમના કુટુંબીજનોએ તેમના વિશે કહ્યું: “તેનું મગજ ફરી ગયું છે.” ધર્મગુરુઓએ આરોપ મૂક્યો કે તે દુષ્ટ દૂતોની શક્તિથી ચમત્કારો કરે છે. રોમન સૈનિકોએ તેમની મજાક ઉડાવી, તેમની સતાવણી કરી અને આખરે તેમને મારી નાખ્યા. (માર્ક ૩:૨૧, ૨૨; ૧૪:૫૫; ૧૫:૧૬-૨૦, ૩૫-૩૭) છતાં ઈસુએ એ બધું સહન કર્યું અને બદલો લેવાનો વિચાર ન કર્યો. તેમના દાખલામાંથી શું શીખી શકીએ?

અન્યાયનો સામનો કઈ રીતે કરવો એ માટે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો (ફકરા ૯-૧૦ જુઓ)


૧૦. અન્યાય થયો ત્યારે ઈસુએ શું કર્યું? (૧ પિતર ૨:૨૧-૨૩)

૧૦ પહેલો પિતર ૨:૨૧-૨૩ વાંચો. a અન્યાય થાય ત્યારે કઈ રીતે વર્તવું એ વિશે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તે જાણતા હતા કે ક્યારે ચૂપ રહેવું અને ક્યારે બોલવું. (માથ. ૨૬:૬૨-૬૪) તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા ત્યારે તે અમુક વખત ચૂપ રહ્યા. (માથ. ૧૧:૧૯) પણ સતાવણી કરનારાઓને જવાબ આપ્યો ત્યારે, તેમણે તેઓનું અપમાન કર્યું નહિ કે તેઓને ધમકી આપી નહિ. ઈસુએ પોતાના પર કાબૂ રાખ્યો, કારણ કે તેમણે “અદ્દલ ન્યાય કરનારના હાથમાં પોતાને સોંપી દીધા” હતા. ઈસુ જાણતા હતા કે તેમના પર થઈ રહેલો અન્યાય યહોવા જોઈ રહ્યા છે. તેમને ખાતરી હતી કે યહોવા યોગ્ય સમયે અન્યાય દૂર કરી દેશે.

૧૧. જીભ પર કાબૂ રાખવાની અમુક રીતો કઈ છે? (ચિત્રો પણ જુઓ.)

૧૧ આપણી સાથે ખરાબ રીતે વર્તવામાં આવે ત્યારે, ઈસુને કઈ રીતે અનુસરી શકીએ? જીભ પર કાબૂ રાખીને. અમુક વાર વાત એટલી નાની હોય કે એને આંખ આડા કાન કરી શકીએ અથવા ચૂપ રહી શકીએ, જેથી વાત વધારે ન બગડે. (સભા. ૩:૭; યાકૂ. ૧:૧૯, ૨૦) અમુક કિસ્સામાં આપણે બોલવાની જરૂર પડે. જેમ કે, બીજાઓની સાથે અન્યાય થાય ત્યારે તેઓના પક્ષમાં બોલવું પડે અથવા પોતાની માન્યતાઓ જણાવવાની જરૂર પડે. (પ્રે.કા. ૬:૧, ૨) પણ એ સમયે મન શાંત રાખીએ અને પૂરા આદર સાથે વાત કરીએ.—૧ પિત. ૩:૧૫. b

ઈસુ પાસેથી શીખી શકીએ કે અન્યાયનો સામનો કરીએ ત્યારે ક્યારે બોલવું અને કઈ રીતે બોલવું (ફકરો ૧૧-૧૨ જુઓ)


૧૨. આપણે કઈ રીતે “અદ્દલ ન્યાય કરનારના હાથમાં પોતાને સોંપી” શકીએ?

૧૨ ઈસુ પાસેથી બીજું શું શીખી શકીએ? આપણે “અદ્દલ ન્યાય કરનારના હાથમાં પોતાને સોંપી” દેવા જોઈએ. બીજાઓ આપણને ખોટા સમજે અથવા આપણી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે, ભરોસો રાખી શકીએ કે યહોવા બધું જાણે છે અને તે આજે નહિ તો કાલે બધું થાળે પાડી દેશે. એવો ભરોસો આપણને અન્યાય સહેવા મદદ કરશે. જો બધું યહોવાના હાથમાં છોડી દઈશું, તો ગુસ્સે રહીશું નહિ અને બીજાઓને નફરત કરીશું નહિ. ગુસ્સો આપણને ખોટું કામ કરવા દોરી જઈ શકે. એના લીધે આપણી ખુશી છીનવાઈ જઈ શકે અને યહોવા સાથેનો સંબંધ પણ જોખમમાં મુકાઈ શકે.—ગીત. ૩૭:૮.

૧૩. અન્યાય સહેવો અઘરું લાગે તો કઈ ખાતરી રાખી શકીએ??

૧૩ એ સાચું છે કે પૂરી રીતે ઈસુના પગલે ચાલવું અશક્ય છે. અમુક વાર આપણે એવું કંઈક કહી દઈએ અથવા કરી બેસીએ, જેના લીધે પછીથી અફસોસ થાય. (યાકૂ. ૩:૨) અમુક વાર, અન્યાયને લીધે તન-મન પર લાગેલા ઘા એટલા ઊંડા હોય કે એનાં નિશાન જીવનભર રહી જાય અને દર વખતે એ કડવી યાદો તાજી થઈ જાય. જો તમારી સાથે પણ એવું બન્યું હોય, તો ખાતરી રાખો કે તમારા પર શું વીતી રહ્યું છે એ યહોવા જાણે છે. ઈસુ પણ તમારી વેદના સારી રીતે સમજે છે. કારણ કે તેમણે પણ અન્યાય સહન કર્યો છે. (હિબ્રૂ. ૪:૧૫, ૧૬) આપણને મદદ કરવા યહોવાએ ઈસુને પૃથ્વી પર મોકલ્યા, જેથી આપણે તેમની પાસેથી શીખી શકીએ. એ ઉપરાંત, યહોવાએ બાઇબલમાં જોરદાર સલાહ પણ આપી છે, જે પાળવાથી અન્યાય સહેવા મદદ મળે છે. હવે ચાલો, રોમનોને પત્રમાં લખેલી બે કલમો પર ધ્યાન આપીએ.

“ઈશ્વરને પોતાનો કોપ રેડવા દો”

૧૪. આપણે કઈ રીતે “ઈશ્વરને પોતાનો કોપ રેડવા” દઈ શકીએ? (રોમનો ૧૨:૧૯)

૧૪ રોમનો ૧૨:૧૯ વાંચો. પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને અરજ કરી: “ઈશ્વરને પોતાનો કોપ રેડવા દો.” એવું કઈ રીતે કરી શકીએ? પૂરો ભરોસો રાખીએ કે યહોવા પોતાના સમયે અને પોતાની રીતે ન્યાય કરશે. જૉનભાઈનો વિચાર કરો. તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું: “હું બાબતોને મારી રીતે થાળે પાડવા માંગતો હતો. મારે એ ઇચ્છા સામે સખત લડત આપવાની હતી. રોમનો ૧૨:૧૯થી મને યહોવાની રાહ જોવા મદદ મળી.”

૧૫. યહોવાની રાહ જોવી કેમ સૌથી સારું છે?

૧૫ યહોવાની રાહ જોવાથી ફાયદો થાય છે. આપણને એવી ચિંતા નથી થતી કે મુશ્કેલીનો ઉકેલ લાવવા પોતે કંઈક કરવું પડશે. મુશ્કેલી વિશે વિચારી વિચારીને હેરાન-પરેશાન પણ નથી થતા. યહોવા આપણને મદદ કરવા આગળ આવે છે. તે જાણે કહે છે: ‘બેટા, ચિંતા ના કર, બધું મારા પર છોડી દે, હું બધું સંભાળી લઈશ.’ યહોવાએ વચન આપ્યું છે: “હું બદલો લઈશ.” એ વચન યાદ રાખીશું તો ગુસ્સો થૂંકી દઈશું અને ખાતરી રાખીશું કે યહોવા સૌથી સારી રીતે બાબતો હાથ ધરશે. એ વાત યાદ રાખવાથી જૉનભાઈને મદદ મળી, જેમના વિશે અગાઉ જોઈ ગયા. તેમણે કહ્યું: “જો હું યહોવાની રાહ જોઉં, તો મુશ્કેલીનો તે જે ઉકેલ લાવશે એ લાખ ઘણો વધારે સારો હશે.”

“સારાથી બૂરાઈ પર જીત મેળવો”

૧૬-૧૭. “સારાથી બૂરાઈ પર જીત” મેળવવા પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે? (રોમનો ૧૨:૨૧)

૧૬ રોમનો ૧૨:૨૧ વાંચો. પાઉલે ખ્રિસ્તીઓને એ પણ અરજ કરી: “સારાથી બૂરાઈ પર જીત મેળવો.” પહાડ પરના ઉપદેશમાં ઈસુએ કહ્યું હતું: “તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.” (માથ. ૫:૪૪) ઈસુએ એવું જ કર્યું. આપણે ઘણી વાર વિચાર કર્યો હશે કે રોમન સૈનિકોએ તેમને ખીલાથી વધસ્તંભે જડી દીધા, ત્યારે તેમને કેટલી યાતના થઈ હશે. આપણે કલ્પના પણ નથી કરી શકતા કે તેમની સાથે કેટલું ક્રૂર વર્તન કરવામાં આવ્યું અને તેમણે કેટલી પીડા સહેવી પડી. એનો વિચાર કરતા જ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

૧૭ પણ ઈસુએ એ બધું સહન કર્યું. તે બૂરાઈ સામે હારી ન ગયા. એ સૈનિકોને શ્રાપ આપવાને બદલે તેમણે પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો. તેઓ જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે.” (લૂક ૨૩:૩૪) આપણી સાથે ખરાબ વર્તન કરનારાઓ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શાંત રહેવા અને ગુસ્સો ઓછો કરવા મદદ મળે છે. એટલું જ નહિ, સતાવણી કરનારાઓ વિશેના વિચારો બદલવા પણ મદદ મળે છે.

૧૮. અન્યાયનો સામનો કરવા આલ્બર્ટોભાઈ અને જૉનભાઈને પ્રાર્થનાથી કઈ રીતે મદદ મળી?

૧૮ આ લેખમાં આપણે બે ભાઈઓ વિશે જોઈ ગયા, જેઓએ અન્યાય સહ્યો હતો. પ્રાર્થના કરવાથી તેઓને ઘણી મદદ મળી. આલ્બર્ટોભાઈ કહે છે: “મેં મારી સાથે અન્યાય કરનાર ભાઈઓ માટે પ્રાર્થના કરી. મેં ઘણી વાર યહોવાને કહ્યું કે જે બન્યું હતું એ વિશે ગુસ્સે ન રહેવા મને મદદ કરે.” ખુશીની વાત છે કે આલ્બર્ટોભાઈ ફરીથી યહોવાની સેવા કરવા લાગ્યા. જૉનભાઈ કહે છે: “ઘણી વાર મેં એ ભાઈ માટે પ્રાર્થના કરી, જેમણે મને દુઃખ પહોંચાડ્યું હતું. યહોવાએ મને ઘણી મદદ કરી, જેથી હું એ ભાઈથી ગુસ્સે ન રહું અને તેમનો દોષ કાઢ્યા ન કરું. એવી પ્રાર્થનાથી મને મનની શાંતિ પણ મળી.”

૧૯. આ દુષ્ટ દુનિયાનો અંત ન આવે ત્યાં સુધી આપણે શું કરતા રહેવાનું છે? (૧ પિતર ૩:૮, ૯)

૧૯ આ દુષ્ટ દુનિયાનો અંત ન આવે ત્યાં સુધી કોણ જાણે આપણે કેટલા અન્યાય સહેવા પડે! ભલે આપણી સામે ગમે એટલા પડકારો આવે, પણ કદી યહોવાને પ્રાર્થના કરવાનું છોડી ન દઈએ. અન્યાયનો સામનો કરવા ઈસુ પાસેથી શીખતા રહીએ અને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડતા રહીએ. એમ કરીશું તો ખાતરી રાખી શકીશું કે યહોવા ચોક્કસ આપણને આશીર્વાદો આપશે.—૧ પિતર ૩:૮, ૯ વાંચો.

ગીત ૬૦ યહોવા આપશે તને સાથ

a પ્રેરિત પિતરે પહેલો પિતર અધ્યાય ૨ અને ૩માં જણાવ્યું કે ઘણા ખ્રિસ્તીઓએ પોતાના કઠોર માલિકોના હાથે ઘણું સહન કર્યું હતું. એવી ઘણી બહેનો પણ હતી, જેઓના પતિ યહોવાના ભક્ત ન હતા. એ પતિઓ પણ આપણી બહેનો સાથે ખરાબ રીતે વર્તતા હતા.—૧ પિત. ૨:૧૮-૨૦; ૩:૧-૬, ૮, ૯.