સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે દર અઠવાડિયે બાઇબલનો અભ્યાસ કરવા શું કરી શકો?

તમે દર અઠવાડિયે બાઇબલનો અભ્યાસ કરવા શું કરી શકો?

શું તમને દર અઠવાડિયે વ્યક્તિગત બાઇબલ અભ્યાસ કરવો અઘરું લાગે છે? શું તમને એમાં કંટાળો આવે છે? આપણને બધાને ક્યારેક ને ક્યારેક એવું લાગે છે. પણ જરા વિચારો, એવાં ઘણાં કામ છે જે આપણે દર અઠવાડિયે કે રોજ કરીએ છીએ. જેમ કે આપણે રોજ ન્હાઇએ છીએ. નાહવામાં સમય અને મહેનત લાગે છે, પણ એનાથી તાજગી મળે છે. એવી જ રીતે, આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ ત્યારે “ઈશ્વરના સંદેશાના પાણીથી” નાહીને તાજગી અનુભવીએ છીએ. (એફે. ૫:૨૬) તમે દર અઠવાડિયે અભ્યાસ કરવા શું કરી શકો?

  • શેડ્યુલ બનાવો. બાઇબલ અભ્યાસ કરવો એ ‘વધારે મહત્ત્વની’ બાબતોમાંથી એક છે. (ફિલિ. ૧:૧૦) એટલે દરેક ઈશ્વરભક્તે નિયમિત રીતે અભ્યાસ કરવો જોઈએ. તમે ચાહો તો અભ્યાસનો સમય કાગળમાં લખી શકો. પછી સહેલાઈથી નજરે પડે એવી કોઈ જગ્યાએ એ કાગળને રાખી શકો, જેમ કે ફ્રિજ પર. અથવા તમે ફોનમાં અલાર્મ મૂકી શકો, જે તમને અભ્યાસનો સમય યાદ કરાવે.

  • કેટલો સમય અભ્યાસ કરશો એ નક્કી કરો. શું તમને સળંગ એક કલાક અભ્યાસ કરવો ગમે છે? કે પછી થોડું થોડું કરીને અભ્યાસ કરવો ગમે છે? તમારા માટે શું સારું છે, એ તમે જ જાણો છો. એટલે એ ધ્યાનમાં રાખીને અભ્યાસ કરો. અભ્યાસનો સમય થઈ ગયો હોય પણ અભ્યાસ કરવાનું મન ન હોય, તોપણ ઓછામાં ઓછી દસ મિનિટ અભ્યાસ કરવાની કોશિશ કરજો. કંઈ ન કરવા કરતાં, થોડો ઘણો અભ્યાસ કરવાથી પણ ઘણું શીખવા મળશે. શું ખબર દસ મિનિટ પછી તમને વધારે અભ્યાસ કરવાનું મન થાય!—ફિલિ. ૨:૧૩.

  • શાનો અભ્યાસ કરશો એ પહેલેથી નક્કી કરો. જો તમે અભ્યાસના સમયે વિચારવા બેસશો કે શાનો અભ્યાસ કરશો, તો તમે તમારા “સમયનો સૌથી સારો ઉપયોગ” નહિ કરી શકો. (એફે. ૫:૧૬) એટલે સારું રહેશે કે તમે જે લેખ વાંચવા માંગો છો અથવા જે વિષય પર અભ્યાસ કરવા માંગો છો, એનું એક લિસ્ટ બનાવો. જ્યારે પણ તમારા મનમાં કોઈ સવાલ થાય ત્યારે એને લખી લો. અથવા અભ્યાસ કરતી વખતે જો કોઈ સવાલ થાય કે પછી એવો કોઈ મુદ્દો મળે જેના વિશે તમે વધારે જાણવા માંગો છો, તો એને પણ લખી લો. એમ કરશો તો અભ્યાસ કરવા માટે તમારી પાસે ઘણું બધું હશે.

  • ફેરફાર કરવા તૈયાર રહો. ક્યારેક એવું બને કે અભ્યાસ માટે તમે જે સમય અથવા વિષય નક્કી કર્યો હોય, એ પ્રમાણે ન કરી શકો. એવું થાય ત્યારે ફેરફાર કરતા અચકાતા નહિ. ખરું કે ક્યારે, કેટલો સમય અને શેના વિશે અભ્યાસ કરશો એ નક્કી કરવું મહત્ત્વનું છે, પણ દર અઠવાડિયે અભ્યાસ કરવો વધારે મહત્ત્વનું છે.

દર અઠવાડિયે અભ્યાસ કરીશું તો આપણને જ ફાયદો થશે. યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થશે, સારા નિર્ણયો લઈ શકીશું અને તાજગી અનુભવી શકીશું.—યહો. ૧:૮.