સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૭

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

ભાઈઓ—શું તમે વડીલ બનવાનો ધ્યેય રાખ્યો છે?

ભાઈઓ—શું તમે વડીલ બનવાનો ધ્યેય રાખ્યો છે?

“જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય, તો તે સારા કામની ઇચ્છા રાખે છે.”૧ તિમો. ૩:૧.

આપણે શું શીખીશું?

એક ભાઈએ વડીલ બનવા કઈ લાયકાતો કેળવવી જોઈએ?

૧-૨. વડીલો કયાં કયાં કામ કરે છે?

 જો તમે સહાયક સેવક તરીકે સેવા આપી રહ્યા હો, તો કદાચ તમે વડીલ તરીકેની લાયકાતો કેળવવા મહેનત કરતા હશો. શું તમે વડીલ બનીને ભાઈ-બહેનોની વધારે સેવા કરવા ઇચ્છો છો?—૧ તિમો. ૩:૧.

વડીલો કયાં કયાં કામ કરે છે? તેઓ પૂરા ઉત્સાહથી મંડળ સાથે પ્રચાર કરે છે. તેઓ ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા, તેઓની સંભાળ રાખવા અને તેઓને શીખવવા તનતોડ મહેનત કરે છે. તેમ જ, પોતાનાં વાણી-વર્તનથી તેઓની શ્રદ્ધા મજબૂત કરે છે. એ જ કારણે બાઇબલમાં આ મહેનતુ વડીલોને “ભેટ” કહ્યા છે.—એફે. ૪:૮.

૩. વડીલ બનવા એક ભાઈ શું કરી શકે? (૧ તિમોથી ૩:૧-૭; તિતસ ૧:૫-૯)

વડીલ બનવા તમે શું કરી શકો? વડીલ બનવું એ કંઈ નોકરી મેળવવા જેવું નથી. કઈ રીતે? ધારો કે, કોઈ નોકરી માટે ખાસ આવડતની જરૂર છે. જો તમારી પાસે એ આવડત હોય, તો તમને એ નોકરી મળી જશે. પણ વડીલ બનવું સાવ અલગ છે. વડીલ બનવા શીખવવાની અને પ્રચાર કરવાની આવડત હોવી જ પૂરતું નથી. તમારે પહેલો તિમોથી ૩:૧-૭ અને તિતસ ૧:૫-૯માં જણાવેલી લાયકાતો પણ કેળવવી જોઈએ. (વાંચો.) આ લેખમાં આપણે એમાંની અમુક લાયકાતો પર ચર્ચા કરીશું. એ માટે આ ત્રણ સવાલો જોઈશું: એક ભાઈ કઈ રીતે સારી શાખ કેળવી શકે? તે કઈ રીતે કુટુંબના શિર તરીકે સારો દાખલો બેસાડી શકે? મંડળનાં ભાઈ-બહેનોને રાજીખુશીથી મદદ કરવા તેમને શેનાથી મદદ મળી શકે?

સારી શાખ કેળવો

૪. ‘દોષ વગરના’ હોવાનો અર્થ શું થાય?

વડીલ બનવા જરૂરી છે કે તમે ‘દોષ વગરના’ હો. એનો અર્થ થાય કે મંડળમાં તમારી સારી શાખ હોવી જોઈએ અને તમારાં વાણી-વર્તન પર કોઈ આંગળી ચીંધતું હોવું ન જોઈએ. “મંડળની બહારના લોકોમાં પણ [તમારી] શાખ સારી હોવી જોઈએ.” ખરું કે, યહોવાની ભક્તિ ન કરતા લોકો તમારી માન્યતા પર સવાલ ઉઠાવી શકે છે. પણ તમારી પ્રમાણિકતા અથવા સારાં વાણી-વર્તન પર તેઓને શંકા ન હોવી જોઈએ. (દાનિ. ૬:૪, ૫) પોતાને પૂછો: ‘શું મંડળમાં અને મંડળની બહારના લોકોમાં મારી શાખ સારી છે?’

૫. તમે “ભલાઈ ચાહનાર” છો, એવું કઈ રીતે બતાવી શકો?

જો તમે “ભલાઈ ચાહનાર” હશો, તો બીજાઓમાં સારા ગુણો જોશો અને એ માટે તેઓના વખાણ કરશો. તમને બીજાઓનું ભલું કરવામાં પણ આનંદ મળશે, પછી ભલે એ માટે તમારે ફરજ કરતાં પણ વધારે કરવું પડે. (૧ થેસ્સા. ૨:૮; તિત. ૧:૮.) એ ગુણ હોવો કેમ જરૂરી છે? ભાઈ-બહેનોની સંભાળ રાખવામાં અને વડીલ તરીકે જવાબદારી નિભાવવામાં ઘણો સમય આપવો પડે છે. જો તમારામાં ભલાઈનો ગુણ હશે, તો તમે ખુશીથી એ કામમાં પોતાનો સમય આપશો. (૧ પિત. ૫:૧-૩) એનો અર્થ થાય કે તમારે ઘણું કામ કરવું પડશે અને ઘણું જતું કરવું પડશે. પણ તમને જે ખુશી મળશે, એની તોલે બીજું કંઈ આવી નહિ શકે.—પ્રે.કા. ૨૦:૩૫.

૬. “મહેમાનગતિ” બતાવવાની અમુક રીતો કઈ છે? (હિબ્રૂઓ ૧૩:૨, ૧૬; ચિત્ર પણ જુઓ.)

તમે “મહેમાનગતિ કરનાર” છો, એ બતાવવા શું કરી શકો? બધાનું ભલું કરો. એ લોકોનું પણ ભલું કરો, જેઓ તમારા ખાસ મિત્રો નથી. (૧ પિત. ૪:૯) બાઇબલના એક શબ્દકોશમાં મહેમાનગતિ બતાવનાર માણસ વિશે આમ લખ્યું છે: “તે અજાણ્યા લોકો માટે પોતાના ઘરના અને દિલના દરવાજા ખુલ્લા રાખે છે.” પોતાને પૂછો: ‘શું હું મંડળની મુલાકાતે આવેલાં ભાઈ-બહેનો સાથે માયાળુ રીતે વર્તું છું? શું બીજાઓ મને એ રીતે ઓળખે છે?’ (હિબ્રૂઓ ૧૩:૨, ૧૬ વાંચો.) મહેમાનગતિ બતાવનાર માણસ બધાની સાથે માયાળુ રીતે વર્તે છે. ખાસ કરીને, ગરીબો, મુલાકાતી વક્તાઓ, સરકીટ નિરીક્ષકો અને ભાઈ-બહેનોને ઉત્તેજન આપતા બીજા મહેનતુ સેવકો સાથે.—ઉત. ૧૮:૨-૮; નીતિ. ૩:૨૭; લૂક ૧૪:૧૩, ૧૪; પ્રે.કા. ૧૬:૧૫; રોમ. ૧૨:૧૩.

એક પતિ-પત્ની સરકીટ નિરીક્ષક અને તેમની પત્નીને મહેમાનગતિ બતાવે છે (ફકરો ૬ જુઓ)


૭. એક વડીલ કઈ રીતે બતાવી શકે કે તે ‘પૈસાના પ્રેમી’ નથી?

“પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ.” એનો અર્થ થાય કે તમારું બધું ધ્યાન પૈસા અને ધન-સંપત્તિ પર નથી. ભલે તમે ધનવાન હો કે ગરીબ, તમારા માટે યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની છે. (માથ. ૬:૩૩) તમે તમારાં સમય, શક્તિ અને બીજી ચીજવસ્તુઓ યહોવાની ભક્તિમાં, કુટુંબની સાર-સંભાળ રાખવામાં અને મંડળના કામમાં વાપરો છો. (માથ. ૬:૨૪; ૧ યોહા. ૨:૧૫-૧૭) પોતાને પૂછો: ‘મારા માટે પૈસા કેટલા મહત્ત્વના છે? શું હું જીવન-જરૂરી ચીજવસ્તુઓમાં જ સંતોષ માનું છું? કે પછી મારું ધ્યાન ઢગલો પૈસા કમાવામાં અને વધારે માલ-મિલકત ભેગી કરવામાં લાગેલું છે?’—૧ તિમો. ૬:૬, ૧૭-૧૯.

૮. તમે “દરેક વાતમાં સંયમ રાખનાર” છો, એવું કઈ રીતોએ બતાવી શકો?

જો તમે “દરેક વાતમાં સંયમ રાખનાર” હશો, તો જીવનના દરેક પાસામાં તમે વાજબી હદ ઠરાવી હશે. દાખલા તરીકે, તમે વધુ પડતું ખાતા-પીતા નથી. તમારા વાળની સ્ટાઇલ અને કપડાં યહોવાના ભક્તોને શોભે એવાં છે. મનોરંજન વિશે તમે સારા નિર્ણયો લો છો. તમે આ દુનિયાના રંગે રંગાઈ જતા નથી. (લૂક ૨૧:૩૪; યાકૂ. ૪:૪) તમે શાંત રહો છો. બીજાઓ તમને ઉશ્કેરે ત્યારે પણ તમે પોતાના પર કાબૂ રાખો છો. તમે ‘દારૂડિયા’ નથી અને ઘણું પીઓ છો એવી તમારી શાખ પણ નથી. પોતાને પૂછો: ‘શું મારા જીવનથી દેખાઈ આવે છે કે હું દરેક વાતમાં સંયમ રાખું છું?’

૯. “સમજુ” અને “વ્યવસ્થિત” હોવાનો અર્થ શું થાય?

જો તમે “સમજુ” હશો, તો દરેક સંજોગમાં બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરશો. તમે ધ્યાનથી વિચારશો કે બાઇબલની સલાહ તમારા સંજોગમાં કઈ રીતે લાગુ પડે છે. આમ તમે સંજોગને સારી રીતે સમજી શકશો અને સારો નિર્ણય લઈ શકશો. તમે ઉતાવળે કોઈ નિર્ણય નહિ લો. એને બદલે, તમે ખાતરી કરશો કે તમારી પાસે બધી જરૂરી માહિતી હોય. (નીતિ. ૧૮:૧૩) પરિણામે, તમે યહોવા ખુશ થાય એવો નિર્ણય લેશો. જો તમે “વ્યવસ્થિત” હશો, તો દરેક કામ ગોઠવણ પ્રમાણે અને સમયસર પૂરું કરશો. બીજાઓ તમારા પર ભરોસો મૂકી શકશે અને તેઓને ખાતરી હશે કે તમે માર્ગદર્શન પાળશો. આ મથાળામાં આપણે જે ગુણોની ચર્ચા કરી, એ કેળવવાથી તમે સારું નામ બનાવી શકશો. હવે ચાલો બાઇબલમાં આપેલી બીજી અમુક લાયકાતો જોઈએ, જેની મદદથી તમે કુટુંબના શિર તરીકે સારો દાખલો બેસાડી શકશો.

કુટુંબના શિર તરીકે સારો દાખલો બેસાડો

૧૦. એક માણસ કઈ રીતે “પોતાના કુટુંબની સારી સંભાળ” રાખી શકે?

૧૦ જો તમે પરણેલા હો અને વડીલ બનવા માંગતા હો, તો તમારું કુટુંબ પણ સારો દાખલો બેસાડતું હોવું જોઈએ. આમ, તમારે “પોતાના કુટુંબની સારી સંભાળ રાખનાર” હોવું જોઈએ. એનો અર્થ થાય કે તમે પ્રેમથી કુટુંબની જરૂરિયાતો પૂરી કરો છો અને કુટુંબ માટે સારા નિર્ણયો લો છો. તમે કુટુંબ તરીકેની ભક્તિ ચલાવો છો. તમે કુટુંબને બનતી મદદ કરો છો, જેથી તેઓ સભાઓમાં અને પ્રચારમાં ભાગ લે. એ બધું કરવું કેમ જરૂરી છે? પ્રેરિત પાઉલે પૂછ્યું: “જો કોઈ માણસ પોતાના કુટુંબની સંભાળ રાખી શકતો ન હોય, તો તે ઈશ્વરના મંડળની સંભાળ કઈ રીતે રાખશે?”—૧ તિમો. ૩:૫.

૧૧-૧૨. જો એક ભાઈ વડીલ બનવા માંગતા હોય, તો તેમનાં બાળકોનું ચાલ-ચલણ કેમ સારું હોવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૧ જો તમારાં બાળકો સગીર હોય, તો તમે “પોતાનાં બાળકોને કહ્યામાં અને પૂરેપૂરી મર્યાદામાં” રાખતા હોવા જોઈએ. તમારે પ્રેમથી તેઓને શીખવવું જોઈએ અને તાલીમ આપવી જોઈએ. ખરું કે, બધાં બાળકોની જેમ તેઓ મજાક-મસ્તી કરશે અને રમશે-કૂદશે. પણ તમારી સારી તાલીમને લીધે તેઓ તમારું કહ્યું માનશે, બીજાઓનો આદર કરશે અને સારી રીતે વર્તશે. બાળકો યહોવા સાથે સારો સંબંધ કેળવે, બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડે અને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરે એ ખૂબ જરૂરી છે. એટલે તેઓને મદદ કરવામાં તમારે કોઈ કસર બાકી રાખવી ન જોઈએ.

૧૨ “શ્રદ્ધા રાખનાર . . . બાળકો પર ખરાબ ચાલ-ચલણનો કે બંડખોર હોવાનો આરોપ ન હોય.” જો બાળકે બાપ્તિસ્મા લીધું હોય અથવા એની તૈયારી કરતું હોય અને જો ગંભીર પાપ કરે, તો શું એની અસર પિતા પર થઈ શકે? જો પિતાએ પોતાના બાળકને તાલીમ અને શિસ્ત આપી ન હોય, તો તે કદાચ વડીલ તરીકે સેવા આપવા લાયક ન ઠરી શકે.—ઑક્ટોબર ૧૫, ૧૯૯૬, ચોકીબુરજ, પાન ૨૧, ફકરા ૬-૭ જુઓ.

એક પિતા પોતાનાં બાળકોને યહોવા માટે અને મંડળ માટે કામ કરવાનું શીખવે છે (ફકરો ૧૧ જુઓ)


મંડળની સારી સંભાળ લો

૧૩. તમે “વાજબી” છો અને “ઉદ્ધત” નથી, એવું કઈ રીતે બતાવી શકો?

૧૩ ખ્રિસ્ત જેવા ગુણો કેળવતા ભાઈઓ મંડળ માટે આશીર્વાદ છે. એક “વાજબી” ભાઈ પોતે શાંતિ જાળવે છે અને બીજાઓને પણ એમ કરવા મદદ કરે છે. તે બીજાઓની વાત ધ્યાનથી સાંભળે છે અને તેઓના વિચારો સમજવાની કોશિશ કરે છે. આ સંજોગનો વિચાર કરો: ધારો કે તમે વડીલ છે. વડીલોના જૂથની સભા ચાલી રહી છે. મોટા ભાગના વડીલો એક નિર્ણય સાથે સહમત છે, પણ તમે કંઈક અલગ વિચારો છો. એ નિર્ણયમાં બાઇબલનો કોઈ નિયમ કે સિદ્ધાંત તૂટતો નથી. શું તમે રાજીખુશીથી એ નિર્ણયને ટેકો આપશો? ‘ઉદ્ધત ન હોવાનો’ અર્થ થાય કે તમે પોતાની વાત પર અડી જતા નથી. તમે જાણો છો કે બીજાઓની સલાહ લેવી ખૂબ જરૂરી છે. (ઉત. ૧૩:૮, ૯; નીતિ. ૧૫:૨૨) તમે “ઝઘડાખોર” કે ‘ગુસ્સાવાળા’ નથી. તમે બીજાઓને ઉતારી પાડતા નથી અથવા દલીલો કરતા નથી. એને બદલે, તમે પ્રેમથી અને સમજી-વિચારીને વર્તો છો. તણાવભર્યા સંજોગોમાં પણ તમે શાંતિ જાળવવા મહેનત કરો છો. (યાકૂ. ૩:૧૭, ૧૮) તમારા માયાળુ શબ્દોથી બીજાઓને શાંત રહેવા મદદ મળે છે. અરે, વિરોધીઓનો પણ ગુસ્સો ઓગળી જાય છે.—ન્યા. ૮:૧-૩; નીતિ. ૨૦:૩; ૨૫:૧૫; માથ. ૫:૨૩, ૨૪.

૧૪. ‘શ્રદ્ધામાં નવા ન હોવાનો’ અને “વફાદાર” હોવાનો અર્થ શું થાય?

૧૪ જે ભાઈ વડીલ બનવા લાયક ઠરે છે, તે ‘શ્રદ્ધામાં નવા ન હોવા જોઈએ.’ ખરું કે, તમને બાપ્તિસ્મા લીધે વર્ષો થયાં હોય એ જરૂરી નથી, પણ અનુભવી ખ્રિસ્તી બનવા તમને સમયની જરૂર છે. વડીલ તરીકેની જવાબદારી મળે એ પહેલાં તમારે બતાવવું જોઈએ કે તમે ઈસુની જેમ નમ્ર છો અને કોઈ પણ રીતે યહોવાની સેવા કરવા તૈયાર છો. તમારે ધીરજ બતાવવી જોઈએ અને યહોવા તમને વધારે જવાબદારી સોંપે એ સમયની રાહ જોવી જોઈએ. (માથ. ૨૦:૨૩; ફિલિ. ૨:૫-૮) તમે યહોવાને અને તેમનાં ધોરણોને વળગી રહો છો અને સંગઠનનું માર્ગદર્શન પાળો છો. આમ, સાબિત કરો છો કે તમે “વફાદાર” છો.—૧ તિમો. ૪:૧૫.

૧૫. શું એક વડીલ સારા વક્તા હોય એ જરૂરી છે? સમજાવો.

૧૫ બાઇબલમાં સ્પષ્ટ જોવા મળે છે કે દેખરેખ રાખનાર ભાઈ “શીખવી શકે એવો હોવો જોઈએ.” શું એનો એવો અર્થ થાય કે તમે જોરદાર પ્રવચનો આપતા હોવા જોઈએ? ના. ઘણા અનુભવી વડીલો સારા વક્તા નથી. પણ પ્રચારમાં અને ઉત્તેજન આપતી મુલાકાતોમાં તેઓ બાઇબલનો સારો ઉપયોગ કરી શકે છે. (૧ તિમો. ૩:૨; ૧ કોરીંથીઓ ૧૨:૨૮, ૨૯ અને એફેસીઓ ૪:૧૧ સરખાવો.) ભલે તમે સારા વક્તા ન હો, પણ તમારે સારા શીખવનાર બનવું જોઈએ. એ માટે શું કરી શકો?

૧૬. સારા શીખવનાર બનવા તમે શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)

૧૬ “ખરાં વચનોને ચુસ્ત રીતે વળગી રહેનાર હોવો જોઈએ.” સારા શીખવનાર બનવા શું કરી શકો? બીજાઓને શીખવો ત્યારે અને સલાહ આપો ત્યારે ધ્યાન રાખો કે એ બાઇબલને આધારે હોય. એ માટે બાઇબલનો અને આપણાં સાહિત્યનો સારો અભ્યાસ કરો. (નીતિ. ૧૫:૨૮; ૧૬:૨૩; તિત. ૧:૯.) અભ્યાસ કરતી વખતે ખાસ ધ્યાન આપો કે આપણાં સાહિત્યમાં બાઇબલની કલમો કઈ રીતે સમજાવવામાં આવી છે, જેથી એને લાગુ પાડી શકો. શીખવતી વખતે કોશિશ કરો કે લોકોનો યહોવા માટેનો પ્રેમ વધે અને તેઓ શીખેલી વાતો લાગુ પાડી શકે. અનુભવી વડીલો પાસેથી સલાહ લો અને તેઓનાં સૂચનો પાળો. આમ, તમારી આવડત ચમકાવી શકશો. (૧ તિમો. ૫:૧૭) વડીલો ભાઈ-બહેનોને “ઉત્તેજન આપી શકે” એવા હોવા જોઈએ. જોકે, અમુક વાર તેઓએ સલાહ અથવા “ઠપકો” પણ આપવો પડે. એ દરેક કિસ્સામાં તેઓએ હંમેશાં પ્રેમથી વર્તવું જોઈએ. જો તમે પ્રેમાળ અને માયાળુ હશો અને બાઇબલમાંથી શીખવતા હશો, તો સારા શીખવનાર બની શકશો. કારણ કે તમે મહાન ગુરુ ઈસુને પગલે ચાલતા હશો.—માથ. ૧૧:૨૮-૩૦; ૨ તિમો. ૨:૨૪.

એક સહાયક સેવક એક અનુભવી વડીલ પાસેથી શીખે છે કે બાઇબલમાંથી કઈ રીતે ઉત્તેજન આપવું. એ સહાયક સેવક અરીસા સામે ઊભા રહીને પોતાના પ્રવચનની પ્રેક્ટિસ કરે છે (ફકરો ૧૬ જુઓ)


ધ્યેય પૂરો કરવા મહેનત કરતા રહો

૧૭. (ક) સહાયક સેવકોને ધ્યેય પૂરો કરવા શાનાથી મદદ મળશે? (ખ) કોઈ ભાઈને વડીલ બનાવવાની ભલામણ કરતી વખતે વડીલોએ શાનું ધ્યાન રાખવું જોઈએ? (“ લાયકાતો તપાસતી વખતે વાજબી બનો” બૉક્સ જુઓ.)

૧૭ વડીલ બનવા બાઇબલમાં ઘણી લાયકાતો આપી છે. એના પર વિચાર કર્યા પછી અમુક સહાયક સેવકોને લાગી શકે, ‘આટલી બધી લાયકાતો કેળવવાની? હું તો ક્યારેય વડીલ નહિ બની શકું.’ પણ યાદ રાખો, યહોવા અને તેમનું સંગઠન જાણે છે કે તમે પૂરેપૂરી રીતે એ લાયકાતો કેળવી નહિ શકો. (યાકૂ. ૩:૨) ખરું જોતાં, એ લાયકાતો કેળવવા યહોવાની પવિત્ર શક્તિ તમને મદદ કરે છે. (ફિલિ. ૨:૧૩) શું એવો કોઈ ગુણ છે, જેના પર તમે કામ કરવા માંગો છો? એ વિશે યહોવાને પ્રાર્થના કરો. એના પર સંશોધન કરો અને કઈ રીતે સુધારો કરવો એ માટે કોઈ વડીલ પાસે સૂચનો માંગો.

૧૮. બધા સહાયક સેવકોએ શું કરતા રહેવાની જરૂર છે?

૧૮ ભાઈઓ, આ લેખમાં જણાવેલી લાયકાતો કેળવતા રહો. વડીલ તરીકે સેવા આપતા ભાઈઓ પણ એમ કરતા રહે છે. (ફિલિ. ૩:૧૬) જો તમે સહાયક સેવક હો, તો તમારો ધ્યેય પૂરો કરવા મહેનત કરતા રહો. યહોવાને કહો કે તમને ઘડે અને તાલીમ આપે, જેથી તમે તેમની અને ભાઈ-બહેનોની વધારે સેવા કરી શકો. (યશા. ૬૪:૮) અમારી દુઆ છે કે વડીલ બનવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા આશીર્વાદ આપે.

ગીત ૫૩ સંપીને રહીએ