સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૬

ગીત ૧૧ યહોવાને વળગી રહું

ભાઈઓ—શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખ્યો છે?

ભાઈઓ—શું તમે સહાયક સેવક બનવાનો ધ્યેય રાખ્યો છે?

“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”પ્રે.કા. ૨૦:૩૫.

આપણે શું શીખીશું?

બાપ્તિસ્મા પામેલા ભાઈઓને ઉત્તેજન આપીએ કે તેઓ સહાયક સેવક બનવા ઇચ્છા કેળવે અને એની લાયકાતો કેળવવા મહેનત કરે.

૧. પ્રેરિત પાઉલને સહાયક સેવકો વિશે કેવું લાગતું હતું?

 સહાયક સેવકો મંડળમાં ખૂબ મહત્ત્વનાં કામ કરે છે. પ્રેરિત પાઉલે આ વફાદાર ભાઈઓની કદર કરી હતી. દાખલા તરીકે, ફિલિપીના મંડળને પત્ર લખ્યો ત્યારે તેમણે વડીલોની સાથે સાથે સહાયક સેવકોને પણ સલામ મોકલી હતી.—ફિલિ. ૧:૧.

૨. સહાયક સેવક બન્યા પછી લૂઈસભાઈને કેવું લાગે છે?

યુવાન હોય કે વૃદ્ધ, બાપ્તિસ્મા પામેલા ઘણા ભાઈઓને સહાયક સેવક તરીકે સેવા આપવામાં ઘણી ખુશી મળે છે. દાખલા તરીકે, દેવાન ૧૮ વર્ષની ઉંમરે સહાયક સેવક બન્યો. પણ લૂઈસભાઈ સહાયક સેવક બન્યા ત્યારે તેમની ઉંમર પ૦થી વધારે હતી. સહાયક સેવક બન્યા પછી પોતાની લાગણીઓ વિશે જણાવતા તેમણે કહ્યું: “મંડળનાં ભાઈ-બહેનોની આ રીતે સેવા કરવામાં મને ઘણી ખુશી મળે છે. તેઓએ મને ઘણો પ્રેમ બતાવ્યો છે અને હવે પ્રેમ બતાવવાનો વારો મારો છે!” ઘણા સહાયક સેવકોને લૂઈસભાઈ જેવું જ લાગે છે.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

જો તમે બાપ્તિસ્મા પામેલા ભાઈ હો, પણ હજી સહાયક સેવક ન બન્યા હો, તો શું તમે એ બનવાનો ધ્યેય રાખી શકો? એ બનવા પાછળનો તમારો ઇરાદો કયો હોવો જોઈએ? સહાયક સેવક માટે બાઇબલમાં કઈ લાયકાતો જણાવી છે? આ લેખમાં આપણે એ સવાલોના જવાબ મેળવીશું. પણ ચાલો પહેલા જોઈએ કે સહાયક સેવકો મંડળમાં કયાં કયાં કામો કરે છે.

સહાયક સેવકો મંડળમાં કયાં કયાં કામો કરે છે?

૪. સહાયક સેવક મંડળમાં કયાં કયાં કામો કરે છે? (ચિત્ર પણ જુઓ.)

સહાયક સેવકો બાપ્તિસ્મા પામેલા ભાઈઓ છે. તેઓને પવિત્ર શક્તિથી નિયુક્ત કરવામાં આવે છે. તેઓ મંડળમાં વડીલોને ઘણી રીતોએ મદદ કરે છે. અમુક સહાયક સેવકો ધ્યાન રાખે છે કે ભાઈ-બહેનો પાસે પ્રચાર માટે પૂરતો વિસ્તાર અને સાહિત્ય હોય. બીજાઓ પ્રાર્થનાઘરની સાફ-સફાઈ અને સાર-સંભાળમાં મદદ કરે છે. સહાયક સેવકો સભા દરમિયાન ઑડિયો-વીડિયો સંભાળવાની અને એટેન્ડન્ટ તરીકેની જવાબદારી નિભાવે છે. સૌથી મહત્ત્વનું તો, તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેમનાં ધોરણો પ્રમાણે જીવે છે. તેઓ ભાઈ-બહેનોને પણ પ્રેમ કરે છે. (માથ. ૨૨:૩૭-૩૯) એક બાપ્તિસ્મા પામેલા ભાઈ સહાયક સેવક બનવા શું કરી શકે?

સહાયક સેવકો ઈસુને પગલે ચાલીને ખુશી ખુશી બીજાઓની સેવા કરે છે (ફકરો ૪ જુઓ)


૫. એક ભાઈએ સહાયક સેવક બનવા શું કરવું જોઈએ?

બાઇબલમાં સહાયક સેવક બનવા માટેની લાયકાતો જણાવવામાં આવી છે. (૧ તિમો. ૩:૮-૧૦, ૧૨, ૧૩) જો તમે સહાયક સેવક બનવા માંગતા હો, તો એ દરેક લાયકાતનો અભ્યાસ કરો અને એ કેળવવા મહેનત કરો. પણ સૌથી પહેલા વિચારો કે સહાયક સેવક બનવાનો તમારો ઇરાદો કયો છે.

સહાયક સેવક બનવાનો તમારો ઇરાદો કયો છે?

૬. ભાઈ-બહેનોની સેવા કરવાનો તમારો ઇરાદો કયો હોવો જોઈએ? (માથ્થી ૨૦:૨૮; ચિત્ર પણ જુઓ.)

ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો, જેમણે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. તેમણે જે કંઈ કર્યું એ તેમના પિતા માટેના અને લોકો માટેના પ્રેમને લીધે કર્યું. તેમણે પ્રેમને લીધે જ સખત મહેનત કરી અને એવાં કામો પણ કર્યાં, જે સામાન્ય રીતે ચાકરો કરતા હતા. (માથ્થી ૨૦:૨૮ વાંચો; યોહા. ૧૩:૫, ૧૪, ૧૫) તમારામાં પણ એવો પ્રેમ હશે તો યહોવા તમને આશીર્વાદ આપશે અને સહાયક સેવક બનવાનો તમારો ધ્યેય પૂરો કરવા મદદ કરશે.—૧ કોરીં. ૧૬:૧૪; ૧ પિત. ૫:૫.

ઈસુ પોતાના દાખલાથી પ્રેરિતોને શીખવે છે કે ઊંચો હોદ્દો મેળવવાને બદલે તેઓ નમ્રતાથી બીજાઓની સેવા કરે (ફકરો ૬ જુઓ)


૭. એક ભાઈએ કેમ સ્વાર્થી વલણ રાખવું ન જોઈએ?

દુનિયામાં મોટા ભાગે લોકો એવા લોકોની વાહ વાહ કરે છે, જેઓ પોતાને મહાન ગણે છે. પણ યહોવાના ભક્તો તેઓથી સાવ અલગ છે. ઈસુની જેમ બીજાઓને પ્રેમ કરતો ભાઈ ક્યારેય સત્તા, અધિકાર અથવા હોદ્દાનો ભૂખ્યો નથી હોતો. જો એવી સત્તાની લાલચુ વ્યક્તિને મંડળમાં જવાબદારી મળે, તો તે એવાં મામૂલી કામો કરવાની કદાચ ના પાડશે, જે યહોવાના ભક્તોની સંભાળ રાખવા જરૂરી છે. તે એવાં કામોને કદાચ તુચ્છ ગણશે. (યોહા. ૧૦:૧૨) એવી ઘમંડી કે સ્વાર્થી વ્યક્તિના કામ પર યહોવા જરાય આશીર્વાદ નહિ આપે.—૧ કોરીં. ૧૦:૨૪, ૩૩; ૧૩:૪, ૫.

૮. ઈસુએ પોતાના પ્રેરિતોને કઈ સલાહ આપી?

અમુક વખતે ઈસુના ખાસ મિત્રોએ પણ અમુક ખાસ લહાવાઓ માંગ્યા હતા. પણ તેઓનો ઇરાદો સારો ન હતો. ચાલો ઈસુના બે પ્રેરિતો યાકૂબ અને યોહાનનો વિચાર કરીએ. તેઓ ઈસુના રાજ્યમાં ખાસ પદવી મેળવવા માંગતા હતા, એટલે તેઓએ ઈસુને એ વિશે પૂછ્યું. એવી ઇચ્છા રાખવા માટે ઈસુએ તેઓને શાબાશી ન આપી. એને બદલે, બારેય પ્રેરિતોને સમજાવ્યું: “જે કોઈ તમારામાં મોટો થવા ચાહે, તેણે તમારા સેવક બનવું જોઈએ. જે કોઈ તમારામાં પહેલો થવા ચાહે, તેણે બધાના દાસ બનવું જોઈએ.” (માર્ક ૧૦:૩૫-૩૭, ૪૩, ૪૪) જ્યારે ભાઈઓનો ઇરાદો સારો હોય છે, એટલે કે બીજાઓની સેવા કરવાનો હોય છે, ત્યારે તેઓ મંડળ માટે આશીર્વાદ બને છે.—૧ થેસ્સા. ૨:૮.

ભાઈ-બહેનોને મદદ કરવાની ઇચ્છા વધારવા શું કરી શકો?

૯. તમે કઈ રીતે બીજાઓની સેવા કરવાની ઇચ્છા વધારી શકો?

અમને ખબર છે કે તમે યહોવાને પ્રેમ કરો છો અને બીજાઓની સેવા કરવા માંગો છો. પણ બની શકે કે સહાયક સેવકો જે કામ કરે છે, એ કામ કરવાની તમને ઇચ્છા થતી ન હોય. તમે કઈ રીતે એ ઇચ્છા વધારી શકો? વિચારો કે ભાઈ-બહેનોની સેવા કરવાથી તમને કેટલી ખુશી મળશે. ઈસુએ કહ્યું હતું: “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રે.કા. ૨૦:૩૫) ઈસુએ ફક્ત કહ્યું જ નહિ, એવું કર્યું પણ ખરું. બીજાઓની સેવા કરવાથી તેમને સાચી ખુશી મળી. તમને પણ એવી ખુશી મળી શકે છે.

૧૦. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે બીજાઓની સેવા કરવાથી તેમને આનંદ મળતો હતો? (માર્ક ૬:૩૧-૩૪)

૧૦ ઈસુએ કઈ રીતે બતાવ્યું કે બીજાઓની સેવા કરવાથી તેમને ખુશી મળતી હતી? (માર્ક ૬:૩૧-૩૪ વાંચો.) ચાલો એક દાખલો જોઈએ. એકવાર ઈસુ અને તેમના પ્રેરિતો થાકી ગયા હતા. આરામ કરવા તેઓ એકાંત જગ્યાએ જઈ રહ્યા હતા. પણ એક ટોળું તેઓની પહેલાં ત્યાં પહોંચી ગયું. એ ટોળાના લોકો ઈસુ પાસેથી શીખવા માંગતા હતા. તે તેઓને ના પાડી શક્યા હોત, કેમ કે ઈસુ અને તેમના સાથીઓની પાસે “નવરાશનો જરાય સમય ન હતો. અરે, જમવાનો પણ સમય ન હતો.” કદાચ ઈસુ એક બે વાત શીખવીને તેઓને પાછા મોકલી શક્યા હોત. પણ પ્રેમને લીધે “તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.” “ઘણું મોડું થઈ ગયું હતું” ત્યાં સુધી તેમણે તેઓને શીખવ્યું. (માર્ક ૬:૩૫) શું એવું કરવું ઈસુની ફરજ હતી? ના, “ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું” હતું. તે તેઓને પ્રેમ કરતા હતા, એટલે તેઓને શીખવવા માંગતા હતા. ખરેખર બીજાઓને મદદ કરવાથી ઈસુને અનેરો આનંદ મળતો હતો.

૧૧. ઈસુએ કઈ રીતે લોકોને મદદ કરી? (ચિત્ર પણ જુઓ.)

૧૧ ઈસુએ લોકોને ફક્ત શીખવ્યું જ નહિ, તેઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું. તેમણે ચમત્કાર કરીને લોકોને ખોરાક પૂરો પાડ્યો અને પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ એ ખોરાક લોકોમાં વહેંચે. (માર્ક ૬:૪૧) એમ કરીને તેમણે શિષ્યોને શીખવ્યું કે કઈ રીતે બીજાઓની સેવા કરવી. તેમણે એ પણ બતાવ્યું કે આવાં કામો કરવા કેટલું મહત્ત્વનું છે. સહાયક સેવકો ઘણી વાર એવાં જ કામ કરે છે. આનો વિચાર કરો: લોકોએ “ધરાઈને ખાધું” ત્યાં સુધી શિષ્યોએ તેઓને ખોરાક વહેંચ્યો. (માર્ક ૬:૪૨) શું તમે કલ્પના કરી શકો છો કે ઈસુ સાથે કામ કરીને શિષ્યોને કેટલી ખુશી મળી હશે? એવું ન હતું કે ફક્ત આ એક જ પ્રસંગે ઈસુએ પોતાના કરતાં બીજાઓની જરૂરિયાતોનું વધારે ધ્યાન રાખ્યું હતું. તેમણે તો પૃથ્વી પરનું પોતાનું આખું જીવન બીજાઓની સેવા કરવામાં વિતાવ્યું હતું. (માથ. ૪:૨૩; ૮:૧૬) બીજાઓને શીખવીને અને તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખીને ઈસુને આનંદ અને સંતોષ મળતો હતો. જો તમે સહાયક સેવક તરીકે બીજાઓની સેવા કરવા તૈયાર હો, તો તમે પણ એ આનંદ મેળવી શકો છો.

યહોવા માટેના પ્રેમ અને બીજાઓની સેવા કરવાની ઇચ્છાને લીધે તમે ભાઈ-બહેનોને મદદ કરવા બનતું બધું કરશો (ફકરો ૧૧ જુઓ) a


૧૨. બીજાઓને મદદ કરવા કેમ કોઈ ખાસ આવડતની જરૂર નથી?

૧૨ જો તમને લાગતું હોય કે તમારામાં કોઈ ખાસ આવડત નથી, તો નિરાશ ન થતા. તમારામાં એવા ગુણો તો ચોક્કસ હશે, જેનાથી તમે મંડળને મદદ કરી શકો છો. પાઉલે પહેલો કોરીંથીઓ ૧૨:૧૨-૩૦માં જે કહ્યું એનો વિચાર કરો. પછી યહોવાને પ્રાર્થના કરો કે એ કલમો તમને કઈ રીતે લાગુ પડે છે, એ જોવા મદદ કરે. પાઉલના શબ્દોથી સાફ જોવા મળે છે કે યહોવાના દરેક ભક્તની જેમ, તમે પણ કીમતી છો અને મંડળમાં તમારી બહુ જરૂર છે. જો સહાયક સેવક બનવા તમારે હજી અમુક લાયકાતો કેળવવાની જરૂર હોય, તો હિંમત ન હારતા. એના બદલે, યહોવાની અને ભાઈ-બહેનોની સેવા કરવા બનતું બધું કરજો. ખાતરી રાખજો કે વડીલો તમારા વિશે વિચારશે અને એવાં કામ સોંપશે જે તમે કરી શકો છો.—રોમ. ૧૨:૪-૮.

૧૩. જવાબદાર ભાઈઓ માટેની લાયકાતો વિશે શું કહી શકીએ?

૧૩ આનો પણ વિચાર કરો: સહાયક સેવકોએ જે ગુણો કેળવવાના છે, એમાંના મોટા ભાગના ગુણો યહોવાના દરેક ભક્તે કેળવવાની જરૂર છે. આપણે બધાએ યહોવાની નજીક જવું જોઈએ, બીજાઓને મદદ કરવી જોઈએ અને યહોવાને ગમે એ રીતે જીવવું જોઈએ. એટલે તમારામાં પહેલેથી એ ગુણો હશે, જે સહાયક સેવક બનવા જરૂરી છે. પણ એક ભાઈ સહાયક સેવક બનવા ખાસ કરીને શું કરી શકે?

સહાયક સેવક બનવા શું કરી શકો?

૧૪. “ઠરેલ સ્વભાવના” હોવાનો અર્થ શું થાય? (૧ તિમોથી ૩:૮-૧૦, ૧૨)

૧૪ ચાલો અમુક લાયકાતો વિશે જોઈએ, જે પહેલો તિમોથી ૩:૮-૧૦, ૧૨માં આપેલી છે. (વાંચો.) ત્યાં જણાવ્યું છે: સહાયક સેવકો “ઠરેલ સ્વભાવના” હોવા જોઈએ. એ શબ્દોનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે: “ગંભીર, જવાબદાર અથવા એ રીતે વર્તનાર, જેથી લોકો તેઓને માન આપે.” એનો અર્થ એવો નથી કે તમે ક્યારેય હસી-મજાક કરી ન શકો. (સભા. ૩:૧,) પણ એનો અર્થ થાય કે તમે તમારી જવાબદારીને ગંભીરતાથી લો છો. જો તમને સોંપેલું કામ સારી રીતે પૂરું કરશો, તો મંડળનાં ભાઈ-બહેનો તમારા પર ભરોસો મૂકી શકશે અને માન આપશે.

૧૫. “બે બાજુ બોલનારા” અને “ખોટી રીતે લાભ મેળવવાના લાલચુ ન હોવા જોઈએ,” એનો અર્થ શું થાય?

૧૫ સહાયક સેવકો “બે બાજુ બોલનારા” ન હોવા જોઈએ. એનો અર્થ થાય કે તમે પ્રમાણિક અને ભરોસાપાત્ર છો. જે કહો છો એ પ્રમાણે કરો છો અને કોઈને છેતરતા નથી. (નીતિ. ૩:૩૨) “ખોટી રીતે લાભ મેળવવાના લાલચુ ન હોવા જોઈએ.” એનો અર્થ થાય કે તમે વેપાર-ધંધામાં અને પૈસાની લેવડ-દેવડમાં ઇમાનદારીથી વર્તો છો. પૈસા કમાવા ભાઈ-બહેનોનો ખોટો ફાયદો નથી ઉઠાવતા.

૧૬. (ક) “વધારે પડતો દારૂ પીનારા” ન હોવા જોઈએ, એનો અર્થ શું થાય? (ખ) ‘શુદ્ધ અંતઃકરણ’ હોવાનો અર્થ શું થાય?

૧૬ સહાયક સેવકો “વધારે પડતો દારૂ પીનારા” ન હોવા જોઈએ. એનો અર્થ થાય કે તમે હદ બહાર દારૂ પીતા નથી. લોકોમાં તમારી એવી શાખ પણ નથી કે તમે વધુ પડતો દારૂ પીઓ છો. ‘શુદ્ધ અંતઃકરણ’ હોવાનો અર્થ થાય કે તમે યહોવાને ગમે એવું જીવન જીવો છો. ખરું કે, તમારાથી ભૂલો થઈ શકે છે, પણ યહોવા સાથેના સારા સંબંધને લીધે તમે મનની શાંતિ અનુભવો છો.

૧૭. કઈ રીતે પારખી શકાય કે એક ભાઈ “યોગ્ય છે કે નહિ”? (૧ તિમોથી ૩:૧૦; ચિત્ર પણ જુઓ.)

૧૭ “પહેલા એ પારખવામાં આવે કે તેઓ યોગ્ય છે કે નહિ.” એનો અર્થ થાય કે તમે બતાવી આપ્યું છે કે પોતાની જવાબદારી સારી રીતે નિભાવો છો અને તમારા પર ભરોસો મૂકી શકાય છે. એટલે વડીલો તમને કોઈ સોંપણી આપે ત્યારે, ધ્યાનથી તેઓનાં સૂચનો પાળો અને સંગઠનનું માર્ગદર્શન માનો. કામ કઈ રીતે કરવું અને ક્યારે પૂરું કરવું એ પણ સમજી લો. જો તમે પૂરા ઉત્સાહથી દરેક સોંપણી હાથ ધરશો, તો મંડળનાં ભાઈ-બહેનો તમારી પ્રગતિ જોઈ શકશે અને તમારી કદર કરશે. વડીલો, તમે બાપ્તિસ્મા પામેલા ભાઈઓને તાલીમ આપવાનું ચૂકશો નહિ. (૧ તિમોથી ૩:૧૦ વાંચો.) શું તમારા મંડળમાં ૧૦-૧૪ વર્ષના કે એનાથી નાના બાપ્તિસ્મા પામેલા ભાઈઓ છે? શું તેઓ નિયમિત રીતે બાઇબલનો ઊંડો અભ્યાસ કરે છે અને શું સભાઓની સારી તૈયારીઓ કરે છે? શું તેઓ નિયમિત રીતે સભામાં જવાબ આપે છે અને પ્રચાર કરે છે? જો એમ હોય તો તેઓની ઉંમર અને સંજોગો પ્રમાણે તેઓને કામ આપો. આ રીતે એ યુવાન ભાઈઓને પારખવામાં આવશે કે “તેઓ યોગ્ય છે કે નહિ.” પછી તેઓ ૧૭-૧૯ વર્ષના થાય ત્યાં સુધીમાં કદાચ સહાયક સેવક બનવા તૈયાર થઈ ગયા હશે.

બાપ્તિસ્મા પામેલા ભાઈઓને કોઈ કામ સોંપીને વડીલો પારખી શકે કે “તેઓ યોગ્ય છે કે નહિ” (ફકરો ૧૭ જુઓ)


૧૮. ‘કોઈ દોષ ન હોવો જોઈએ,’ એનો અર્થ શું થાય?

૧૮ ‘કોઈ દોષ ન હોવો જોઈએ.’ એનો અર્થ થાય કે તમારા પર કોઈ ગંભીર ગુનાનો આરોપ ન હોવો જોઈએ. ખરું કે, યહોવાના ભક્તો પર ખોટો આરોપ મૂકવામાં આવી શકે છે. ઈસુ પર પણ ખોટા આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમણે ભાખ્યું હતું કે તેમને પગલે ચાલનાર લોકો સાથે પણ એવું જ થશે. (યોહા. ૧૫:૨૦) પણ જો ઈસુની જેમ તમારાં વાણી-વર્તન સારાં હશે, તો મંડળમાં તમારું સારું નામ હશે.—માથ. ૧૧:૧૯.

૧૯. “એક જ પત્ની હોવી જોઈએ,” એનો અર્થ શું થાય?

૧૯ સહાયક સેવકને “એક જ પત્ની હોવી જોઈએ.” જો તમે પરણેલા હો, તો યહોવાએ લગ્‍ન માટે જે ધોરણ નક્કી કર્યું છે, એ પાળતા હોવા જોઈએ. એટલે કે, લગ્‍ન એક જ પુરુષ અને એક જ સ્ત્રી વચ્ચે થવું જોઈએ, જેમ યહોવાએ શરૂઆતથી ગોઠવણ કરી હતી. (માથ. ૧૯:૩-૯) એક ઈશ્વરભક્ત ક્યારેય વ્યભિચાર નહિ કરે. (હિબ્રૂ. ૧૩:૪) એ ઉપરાંત, તમે હંમેશાં તમારી પત્નીને વફાદાર રહો અને બીજી સ્ત્રીમાં ખોટી રીતે રસ ન બતાવો.—અયૂ. ૩૧:૧.

૨૦. એક ભાઈ કઈ રીતે પોતાના કુટુંબની “સારી સંભાળ” રાખી શકે?

૨૦ સહાયક સેવકો “પોતાનાં બાળકો અને કુટુંબની સારી સંભાળ લેતા હોવા જોઈએ.” જો તમે કુટુંબના શિર હો, તો પોતાની જવાબદારીઓને ગંભીરતાથી લો. નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરો. બને એટલી વાર કુટુંબના દરેક સભ્ય સાથે પ્રચાર કરો. તમારાં બાળકોને યહોવાના મિત્ર બનવા મદદ કરો. (એફે. ૬:૪) જો એક ભાઈ કુટુંબની સારી સંભાળ રાખતા હશે, તો તે મંડળની પણ સારી સંભાળ રાખી શકશે.—૧ તિમોથી ૩:૫ સરખાવો.

૨૧. જો તમે હજી સહાયક સેવક તરીકે સેવા આપતા ન હો, તો શું કરી શકો?

૨૧ જો તમે હજી સહાયક સેવક તરીકે સેવા આપતા ન હો, તો આ લેખને ધ્યાનથી વાંચો અને એ વિશે યહોવાને પ્રાર્થના કરો. સહાયક સેવક બનવાની લાયકાતોનો અભ્યાસ કરો અને એ કેળવવા સખત મહેનત કરો. વિચારો કે તમે યહોવાને અને તમારાં ભાઈ-બહેનોને કેટલો પ્રેમ કરો છો. તેઓની સેવા કરવાની તમારી ઇચ્છા વધારો. (૧ પિત. ૪:૮, ૧૦) મંડળનાં ભાઈ-બહેનોની સેવા કરવાથી જે ખુશી મળે છે એનો અનુભવ કરો. અમારી પ્રાર્થના છે કે સહાયક સેવક બનવા તમે જે મહેનત કરો છો, એના પર યહોવા ચોક્કસ ઘણા આશીર્વાદ વરસાવશે.—ફિલિ. ૨:૧૩.

ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત

a ચિત્રની સમજ: ડાબી બાજુનું ચિત્ર: ઈસુ નમ્રતાથી બીજાઓની સેવા કરે છે. જમણી બાજુનું ચિત્ર: એક સહાયક સેવક મંડળના વૃદ્ધ ભાઈને મદદ કરે છે.