સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૪૫

ગીત ૪ ઈશ્વર સાથે સારું નામ બનાવીએ

વિશ્વાસુ માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી શીખીએ

વિશ્વાસુ માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી શીખીએ

“વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે અને લાંબું જીવનાર પાસે સમજણ હોય છે.”અયૂ. ૧૨:૧૨.

આપણે શું શીખીશું?

યહોવા ઈશ્વરની વાત માનીએ છીએ ત્યારે હમણાં આશીર્વાદો મળે છે અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મળશે.

૧. આપણે કેમ મોટી ઉંમરનાં ભાઈ-બહેનો પાસેથી શીખવું જોઈએ?

 જીવનમાં મોટા મોટા નિર્ણયો લેવાના થાય ત્યારે બધાને માર્ગદર્શનની જરૂર પડે છે. એ માર્ગદર્શન વડીલો અને અનુભવી ભાઈ-બહેનો પાસેથી મેળવી શકીએ છીએ. જો તેઓ આપણા કરતાં ઉંમરમાં મોટા હોય, તો એવું ન વિચારવું જોઈએ કે તેઓની સલાહ જુનવાણી છે અને આપણને કામ નહિ લાગે. યહોવા ચાહે છે કે આપણે એ વફાદાર સેવકો પાસેથી શીખીએ. તેઓએ આપણા કરતાં વધારે દુનિયા જોઈ છે, એટલે તેઓ પાસે વધારે અનુભવ, સમજણ અને બુદ્ધિ છે.—અયૂ. ૧૨:૧૨.

૨. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

બાઇબલ સમયમાં યહોવાએ મોટી ઉંમરના વફાદાર સેવકો દ્વારા પોતાના લોકોને ઉત્તેજન અને માર્ગદર્શન આપ્યું. દાખલા તરીકે, મૂસા, દાઉદ અને પ્રેરિત યોહાન દ્વારા. તેઓ અલગ અલગ સમયમાં જીવી ગયા હતા. તેઓના સંજોગો પણ જુદા જુદા હતા. જીવનના આખરી પડાવમાં તેઓએ યુવાનોને અમુક સરસ સલાહ આપી. એ દરેક ઈશ્વરભક્તે એ વાત પર ભાર મૂક્યો કે ઈશ્વરની આજ્ઞાઓ પાળવી કેટલી જરૂરી છે. યહોવાએ આપણા ભલા માટે તેઓની એ સલાહ બાઇબલમાં લખાવી દીધી છે. એનાથી આપણને ફાયદો થઈ શકે છે, પછી ભલે યુવાન હોઈએ કે વૃદ્ધ. (રોમ. ૧૫:૪; ૨ તિમો. ૩:૧૬) આ લેખમાં ત્રણ વફાદાર સેવકોએ કહેલા છેલ્લા શબ્દો જોઈશું. એ પણ જોઈશું કે એમાંથી શું શીખી શકીએ.

‘તમે જીવન પસંદ કરો, જેથી તમે જીવતા રહો’

૩. યહોવા અને તેમના લોકો માટે મૂસાએ કયાં કયાં કામ કર્યાં હતાં?

મૂસાએ આખું જીવન પૂરી વફાદારીથી યહોવાની ભક્તિ કરી. તે એક પ્રબોધક, ન્યાયાધીશ, આગેવાન અને ઇતિહાસકાર હતા. પોતાના જીવનમાં થયેલા અનુભવોથી તે ઘણું શીખ્યા હતા. તેમણે ઇઝરાયેલીઓની આગેવાની લીધી અને તેઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. તેમણે પોતાની સગી આંખે યહોવાના ચમત્કારો જોયા હતા. યહોવાએ તેમના દ્વારા બાઇબલના પહેલા પાંચ પુસ્તકો, ગીતશાસ્ત્ર અધ્યાય ૯૦ અને કદાચ ગીતશાસ્ત્ર અધ્યાય ૯૧ લખાવ્યાં હતાં. એવું લાગે છે કે અયૂબનું પુસ્તક પણ તેમણે લખ્યું હતું.

૪. મૂસાએ કોને ઉત્તેજન આપ્યું અને શા માટે?

મૂસાએ પોતાના મરણના થોડા સમય પહેલાં બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા. એ વખતે મૂસા ૧૨૦ વર્ષના હતા. તે ઇઝરાયેલીઓને યાદ અપાવવા માંગતા હતા કે યહોવાએ તેઓ માટે કેટકેટલું કર્યું હતું. અમુક ઇઝરાયેલીઓએ વર્ષો પહેલાં યહોવાએ કરેલા ચમત્કારો જોયા હતા. તેઓએ એ પણ જોયું હતું કે યહોવાએ કઈ રીતે ઇજિપ્તના લોકોને સજા ફટકારી હતી. (નિર્ગ. ૭:૩, ૪) તેઓની નજર સામે યહોવાએ લાલ સમુદ્રના બે ભાગ કર્યા હતા. તેઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો હતો. તેઓએ ઇજિપ્તના રાજાની સેનાનો નાશ થતા પણ જોયો હતો. (નિર્ગ. ૧૪:૨૯-૩૧) વેરાન પ્રદેશમાં યહોવાએ ઇઝરાયેલીઓનું રક્ષણ કર્યું હતું અને તેઓની સંભાળ રાખી હતી. (પુન. ૮:૩, ૪) હવે બહુ જલદી તેઓ વચનના દેશમાં પ્રવેશવાના હતા. એટલે મૂસા પોતાના મરણ પહેલાં તેઓને ઉત્તેજન આપવા માંગતા હતા. a

૫. પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦માં મૂસાએ કહેલા શબ્દોથી ઇઝરાયેલીઓને કઈ ખાતરી મળી?

મૂસાએ શું કહ્યું? (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦ વાંચો.) મૂસાએ ઇઝરાયેલીઓને યાદ અપાવ્યું કે તેઓનું ભવિષ્ય બહુ ઉજ્જવળ હતું. યહોવાના આશીર્વાદથી તેઓ વચનના દેશમાં લાંબું જીવી શકતા હતા. એ દેશ સાચે જ બહુ સુંદર હતો અને ત્યાં મબલક પાક ઊગતો હતો. એ દેશ વિશે મૂસાએ કહ્યું: “ત્યાં મોટાં મોટાં અને સરસ શહેરો છે, જે તેં બાંધ્યાં નથી; સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે માટે તેં મહેનત કરી નથી; ટાંકાઓ છે, જે તેં ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનનાં ઝાડ છે, જે તેં રોપ્યાં નથી.”—પુન. ૬:૧૦, ૧૧.

૬. યહોવાએ કેમ ઇઝરાયેલીઓને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા?

મૂસાએ ઇઝરાયેલીઓને એક ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે જો તેઓ યહોવાની આજ્ઞાઓ પાળશે, તો એ સુંદર દેશમાં હંમેશાં રહી શકશે. મૂસાએ તેઓને અરજ કરી કે ‘તેઓ જીવન પસંદ કરે.’ એ માટે તેઓએ યહોવાનું સાંભળવાનું હતું અને તેમને ‘વળગી રહેવાનું હતું.’ પણ ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા ન પાળી. એટલે સમય જતાં યહોવાએ તેઓને આશ્શૂરીઓના હાથમાં અને પછીથી બાબેલોનીઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેઓને ગુલામ બનાવીને લઈ ગયા.—૨ રાજા. ૧૭:૬-૮, ૧૩, ૧૪; ૨ કાળ. ૩૬:૧૫-૧૭, ૨૦.

૭. મૂસાના શબ્દોમાંથી શું શીખી શકીએ? (ચિત્ર પણ જુઓ.)

આપણે શું શીખી શકીએ? આજ્ઞા પાળવાથી જીવન મળે છે. જેમ ઇઝરાયેલીઓ વચનના દેશની નજીક આવી પહોંચ્યા હતા, તેમ આપણે પણ નવી દુનિયાના ઉંબરે આવી પહોંચ્યા છીએ. બહુ જલદી આપણે આ પૃથ્વીને બાગ જેવી સુંદર બનતા જોઈશું. (યશા. ૩૫:૧; લૂક ૨૩:૪૩) શેતાન અને તેના દુષ્ટ દૂતોનું નામનિશાન મિટાવી દેવામાં આવ્યું હશે. (પ્રકટી. ૨૦:૨, ૩) યહોવા વિશે જૂઠું શીખવતા ધર્મોને કાઢી નાખવામાં આવ્યા હશે. (પ્રકટી. ૧૭:૧૬) કોઈ માનવ સરકાર નહિ હોય, જે લોકો પર જુલમ ગુજારે છે. (પ્રકટી. ૧૯:૧૯, ૨૦) નવી દુનિયામાં દુષ્ટો માટે કોઈ જગ્યા નહિ હોય. (ગીત. ૩૭:૧૦, ૧૧) બધા જ લોકો યહોવાની આજ્ઞા પાળતા હશે. એટલે ચારે બાજુ એકતા અને શાંતિ હશે. તેઓ એકબીજાને પ્રેમ કરતા હશે અને એકબીજા પર ભરોસો મૂકતા હશે. (યશા. ૧૧:૯) સાચે જ, કેટલો જોરદાર સમય આવવાનો છે. વધુમાં, યહોવાની આજ્ઞાઓ પાળીશું તો નવી દુનિયામાં ફક્ત સેંકડો વર્ષો માટે નહિ, પણ હંમેશ માટે જીવી શકીશું.—ગીત. ૩૭:૨૯; યોહા. ૩:૧૬.

યહોવાની આજ્ઞાઓ પાળીશું તો નવી દુનિયામાં ફક્ત સેંકડો વર્ષો માટે નહિ, પણ હંમેશ માટે જીવી શકીશું (ફકરો ૭ જુઓ)


૮. હંમેશ માટેના જીવનના વચન પર વિચાર કરવાથી એક મિશનરી ભાઈને કઈ રીતે મદદ મળી? (યહૂદા ૨૦, ૨૧)

યહોવાએ આપણને હંમેશ માટેના જીવનનું વચન આપ્યું છે. જો એ વચનને મનમાં રાખીશું, તો મુશ્કેલીઓમાં પણ યહોવાને વળગી રહેવા મદદ મળશે. (યહૂદા ૨૦, ૨૧ વાંચો.) એ વચનથી પોતાની નબળાઈઓ સામે લડવા પણ મદદ મળી શકે છે. ચાલો એક ભાઈ વિશે જોઈએ, જેમણે આફ્રિકામાં ઘણાં વર્ષો સુધી મિશનરી તરીકે સેવા આપી છે. તે લાંબા સમયથી એક નબળાઈ સામે લડી રહ્યા હતા. તે કહે છે: “મને ખ્યાલ આવ્યો કે જો હું યહોવાની આજ્ઞાઓ નહિ પાળું, તો નવી દુનિયામાં હંમેશ માટે જીવી નહિ શકું. એટલે મેં મારી નબળાઈ સામે લડવાનો પાકો નિર્ણય લીધો. મેં યહોવાને પણ વારંવાર કરગરીને પ્રાર્થના કરી. આખરે, તેમની મદદથી હું મારી નબળાઈ પર કાબૂ કરી શક્યો.”

‘તું સફળ થઈશ’

૯. દાઉદના જીવનમાં કયા ઉતાર-ચઢાવ આવ્યા?

દાઉદ એક સારા રાજા હતા અને યહોવાને વફાદાર હતા. તે એક સંગીતકાર, કવિ, લડવૈયા અને પ્રબોધક હતા. તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. અમુક વર્ષો સુધી તેમણે પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગતા રહેવું પડ્યું, કેમ કે ઈર્ષાળુ રાજા શાઉલ તેમનો જીવ લેવા માંગતો હતો. દાઉદ રાજા બન્યા એ પછી તેમના દીકરા આબ્શાલોમે તેમની રાજગાદી પચાવી પાડવાની કોશિશ કરી. એટલે દાઉદે પોતાનો જીવ બચાવવા ફરીથી ભાગી જવું પડ્યું. એ ઉપરાંત, તેમણે અમુક મોટી મોટી ભૂલો પણ કરી. એ બધી મુશ્કેલીઓ અને પોતાની ભૂલો છતાં, દાઉદ આખું જીવન યહોવાને વફાદાર રહ્યા. એટલે યહોવાએ તેમના વિશે કહ્યું: તે “મારું દિલ ખુશ કરે છે.” (પ્રે.કા. ૧૩:૨૨; ૧ રાજા. ૧૫:૫) શું આપણે એવા ઈશ્વરભક્તની સલાહ પર ધ્યાન આપવું ન જોઈએ?

૧૦. દાઉદે પોતાના દીકરા સુલેમાનને કેમ સલાહ આપી?

૧૦ ધ્યાન આપો કે દાઉદે પોતાના દીકરા સુલેમાનને કઈ સલાહ આપી. દાઉદ પછી સુલેમાન રાજગાદીએ બેસવાનો હતો. યહોવા ચાહતા હતા કે સુલેમાન તેમના માટે એક ભવ્ય મંદિર બાંધે, જ્યાં લોકો યહોવાની ભક્તિ કરી શકે. સુલેમાન હજી યુવાન હતો અને મંદિર બાંધવા ઘણું કામ કરવાનું હતું. (૧ કાળ. ૨૨:૫) ઇઝરાયેલી પ્રજાને દોરવી એ પણ કંઈ નાનુંસૂનું કામ ન હતું. એટલે દાઉદે તેને સરસ સલાહ આપી. ચાલો એ વિશે જોઈએ.

૧૧. પહેલો રાજાઓ ૨:૨, ૩ પ્રમાણે દાઉદે સુલેમાનને કઈ સલાહ આપી? એ શબ્દો કઈ રીતે સાચા પડ્યા? (ચિત્ર પણ જુઓ.)

૧૧ દાઉદે શું કહ્યું? (૧ રાજાઓ ૨:૨, ૩ વાંચો.) દાઉદે પોતાના દીકરાને કહ્યું કે જો તે યહોવાની આજ્ઞાઓ પાળશે, તો જ જીવનમાં સફળ થશે. ઘણાં વર્ષો સુધી સુલેમાને યહોવાની આજ્ઞાઓ પાળી, એટલે યહોવાએ તેને સારી સારી વસ્તુઓ આપી અને ઘણી રીતોએ મદદ કરી. (૧ કાળ. ૨૯:૨૩-૨૫) તેણે એક ભવ્ય અને શાનદાર મંદિર બાંધ્યું. બાઇબલનાં અમુક પુસ્તકો પણ લખ્યા. તેણે લખેલી અમુક વાતો બાઇબલનાં બીજાં પુસ્તકોમાં જોવા મળે છે. તેની બુદ્ધિ અને જાહોજલાલીની વાતો દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચી હતી. (૧ રાજા. ૪:૩૪) પણ દાઉદે કહ્યું હતું તેમ, જ્યાં સુધી સુલેમાન યહોવા ઈશ્વરની આજ્ઞાઓ પાળતો, ત્યાં સુધી જ તેને સફળતા મળવાની હતી. દુઃખની વાત છે કે તે વૃદ્ધ થયો ત્યારે બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યો. એટલે યહોવાએ તેના પરથી પોતાની કૃપા લઈ લીધી. તેમણે સુલેમાનને સમજણ આપવાનું બંધ કર્યું, એટલે તે સારી રીતે રાજ કરી ન શક્યો.—૧ રાજા. ૧૧:૯, ૧૦; ૧૨:૪.

દાઉદે મરણ પહેલાં પોતાના દીકરા સુલેમાનને જે શબ્દો કહ્યા, એનાથી જોવા મળે છે કે જો યહોવાની આજ્ઞાઓ પાળીશું, તો તે આપણને બુદ્ધિ આપશે. એ બુદ્ધિની મદદથી સારા નિર્ણયો લઈ શકીશું (ફકરા ૧૧-૧૨ જુઓ) b


૧૨. દાઉદના શબ્દોમાંથી શું શીખી શકીએ?

૧૨ આપણે શું શીખી શકીએ? આજ્ઞા પાળવાથી સફળતા મળે છે. (ગીત. ૧:૧-૩) ખરું કે, યહોવાએ એવું વચન નથી આપ્યું કે તે સુલેમાનની જેમ આપણને ધનદોલત અને વૈભવ આપશે. પણ જો તેમની આજ્ઞાઓ પાળીશું, તો તે આપણને બુદ્ધિ આપશે. એ બુદ્ધિથી આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીશું. (નીતિ. ૨:૬, ૭; યાકૂ. ૧:૫) જેમ કે, તેમના સિદ્ધાંતો પાળવાથી નોકરી-ધંધા, ભણતર, મનોરંજન અને પૈસા વિશે યોગ્ય નિર્ણયો લેવા મદદ મળશે. તેમની સલાહ પાળીશું તો, તેમની સાથેના આપણા સંબંધનું રક્ષણ થશે અને આપણને હંમેશ માટેનું જીવન મળશે. (નીતિ. ૨:૧૦, ૧૧) સારા મિત્રો પણ બનાવી શકીશું. એટલું જ નહિ, યહોવાના માર્ગદર્શનથી કુટુંબમાં ખુશીઓ લાવી શકીશું.

૧૩. સાચી સફળતા મેળવવા કાર્મેનને શાનાથી મદદ મળી?

૧૩ મોઝામ્બિકમાં રહેતી કાર્મેનનો વિચાર કરો. તેને લાગતું હતું કે ઉચ્ચ શિક્ષણ એ જ સફળતાની ચાવી છે. એટલે તેણે એક કૉલેજમાં દાખલો લીધો, જ્યાં ઇમારતોની ડિઝાઇન કઈ રીતે બનાવવી એ શીખવવામાં આવે છે. તેણે કહ્યું: “હું જે શીખી રહી હતી, એ મને બહુ ગમતું. પણ એમાં મારો બધો સમય ચાલ્યો જતો અને હું થાકીને લોથપોથ થઈ જતી. સવારના સાડા સાતથી લઈને સાંજના છ વાગ્યા સુધી હું કૉલેજમાં જ રહેતી. સભાઓમાં જવું ખૂબ અઘરું થઈ ગયું હતું અને યહોવા સાથેનો મારો સંબંધ પણ નબળો પડી ગયો હતો. મનમાં ને મનમાં લાગતું કે હું બે માલિકની ચાકરી કરી રહી હતી.” (માથ. ૬:૨૪) કાર્મેને પોતાના સંજોગો વિશે યહોવાને પ્રાર્થના કરી અને આપણાં સાહિત્યમાં સંશોધન કર્યું. વધુમાં તેણે કહ્યું: “મંડળના વડીલોએ અને મારી મમ્મીએ મને સરસ સલાહ આપી. એ પછી મેં કૉલેજ છોડી દેવાનો અને પૂરા સમયની સેવા કરવાનો નિર્ણય લીધો. મને લાગે છે કે મેં સૌથી સારી પસંદગી કરી અને મને એનો જરાય વસવસો નથી.”

૧૪. મૂસા અને દાઉદે કઈ વાત પર ભાર મૂક્યો?

૧૪ મૂસા અને દાઉદ યહોવાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ જાણતા હતા કે યહોવાની આજ્ઞાઓ પાળવી ખૂબ જરૂરી છે. એટલે મરણના થોડા સમય પહેલાં તેઓએ બીજાઓને ઉત્તેજન આપ્યું કે યહોવાને વળગી રહે અને આમ તેઓના પગલે ચાલે. તેઓએ ચેતવણી પણ આપી કે જેઓ યહોવાને છોડી દે છે, તેઓ યહોવાની કૃપા અને આશીર્વાદો ગુમાવી દે છે. તેઓની સલાહ આજે આપણા માટે પણ બહુ કીમતી છે. સદીઓ પછી યહોવાના બીજા એક વિશ્વાસુ સેવકે જણાવ્યું કે યહોવાને વફાદાર રહેવું કેટલું જરૂરી છે.

“વધારે ખુશીની વાત બીજી કઈ હોય!”

૧૫. પ્રેરિત યોહાને પોતાના જીવનમાં શું જોયું હતું?

૧૫ યોહાન ઈસુ ખ્રિસ્તના ખાસ મિત્ર અને વહાલા પ્રેરિત હતા. (માથ. ૧૦:૨; યોહા. ૧૯:૨૬) તેમણે ઈસુ સાથે પ્રચારમાં ઘણો સમય વિતાવ્યો હતો. તેમણે ઈસુને ઘણા ચમત્કારો કરતા જોયા હતા. અઘરા સમયમાં તે ઈસુને વફાદાર રહ્યા હતા. જ્યારે ઈસુને વધસ્તંભે જડી દેવામાં આવ્યા, ત્યારે તે તેમની પાસે હતા. તેમણે જીવતા થયેલા ઈસુને પણ જોયા હતા. તેમણે જોયું હતું કે પહેલી સદીમાં કઈ રીતે ખ્રિસ્તી મંડળો વધતાં ગયાં. તેમણે એ સમય પણ જોયો, જ્યારે ‘આકાશ નીચેની સર્વ સૃષ્ટિને ખુશખબર જાહેર કરવામાં આવી’ હતી.—કોલો. ૧:૨૩.

૧૬. યોહાનના પત્રોથી કોને કોને ફાયદો થયો છે?

૧૬ યોહાન ઘણા વૃદ્ધ હતા ત્યારે તેમને પ્રકટીકરણનું જોરદાર પુસ્તક લખવાનું સન્માન મળ્યું. (પ્રકટી. ૧:૧) તેમણે ખુશખબરનું એક પુસ્તક લખ્યું, જે તેમના નામે ઓળખાય છે. ઈશ્વરની પ્રેરણાથી તેમણે ત્રણ પત્રો પણ લખ્યા. ત્રીજો પત્ર તેમણે ગાયસ નામના એક વફાદાર ઈશ્વરભક્તને લખ્યો. યોહાન ગાયસને પોતાના દીકરાની જેમ પ્રેમ કરતા હતા. (૩ યોહા. ૧) ગાયસ જેવા બીજા પણ ઘણા ઈશ્વરભક્તો હશે, જેઓને યોહાન પોતાનાં બાળકોની જેમ પ્રેમ કરતા હતા. યહોવાના આ વફાદાર સેવકે જે વાતો લખી, એનાથી એ સમયના ઈશ્વરભક્તોથી લઈને આજ સુધીના ઈશ્વરભક્તોને ઉત્તેજન મળ્યું છે.

૧૭. ત્રીજો યોહાન ૪ પ્રમાણે સાચી ખુશી શાનાથી મળે છે?

૧૭ યોહાને શું લખ્યું? (૩ યોહાન ૪ વાંચો.) યોહાને પોતાના ત્રીજા પત્રમાં લખ્યું કે જ્યારે તે ભાઈ-બહેનોને યહોવાની આજ્ઞાઓ પાળતા જુએ છે, ત્યારે તેમને ઘણી ખુશી મળે છે. એ સમયે અમુક લોકો ખોટું શિક્ષણ ફેલાવી રહ્યા હતા. એના લીધે મંડળમાં ભાગલા પડી રહ્યા હતા. પણ બીજા અમુક લોકો ‘સત્યના માર્ગે ચાલી રહ્યા હતા.’ તેઓ યહોવાનું કહ્યું કરતા હતા અને ‘તેમની આજ્ઞાઓ પ્રમાણે ચાલતા હતા.’ (૨ યોહા. ૪,) એ વફાદાર ઈશ્વરભક્તોએ ફક્ત યોહાનના દિલને જ નહિ, યહોવાના દિલને પણ ખુશી આપી હતી.—નીતિ. ૨૭:૧૧.

૧૮. યોહાનના શબ્દોમાંથી શું શીખી શકીએ?

૧૮ આપણે શું શીખી શકીએ? વફાદાર રહેવાથી ખુશી મળે છે. (૧ યોહા. ૫:૩) દાખલા તરીકે, આપણે યહોવાનું દિલ ખુશ કરીએ છીએ, એ જાણવાથી આપણને ખુશી મળે છે. જ્યારે આ દુનિયાની લાલચોને ઠોકર મારીએ છીએ અને યહોવાની આજ્ઞા પાળીએ છીએ, ત્યારે તે રાજીના રેડ થઈ જાય છે. (નીતિ. ૨૩:૧૫) સ્વર્ગમાં દૂતો પણ આનંદ મનાવે છે. (લૂક ૧૫:૧૦) આપણને એ જોઈને પણ ખુશી થાય છે કે ભાઈ-બહેનો સતાવણી અને લાલચનો સામનો કરતી વખતે પણ યહોવાને વફાદાર રહે છે. (૨ થેસ્સા. ૧:૪) આ દુષ્ટ દુનિયાનો નાશ થઈ જશે ત્યારે એ જાણીને ખુશી થશે કે આપણે શેતાનની દુનિયામાં પણ યહોવાને વફાદાર રહ્યા.

૧૯. બીજાઓને બાઇબલમાંથી શીખવવા વિશે રેચલબહેનને કેવું લાગે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૯ બીજાઓને યહોવા વિશે શીખવીએ છીએ ત્યારે પણ ઘણી ખુશી મળે છે. ડોમિનિકન પ્રજાસત્તાકમાં રહેતાં રેચલબહેનનો વિચાર કરો. તેમને લાગે છે કે બીજાઓને યહોવા વિશે શીખવવું એ એક મોટો લહાવો છે. તેમણે અનેક લોકોને યહોવાના ભક્ત બનવા મદદ કરી છે. તેઓ વિશે તે કહે છે: “જ્યારે હું જોઉં છું કે તેઓનો યહોવા માટેનો પ્રેમ વધી રહ્યો છે, તેઓ તેમના પર ભરોસો કરવા લાગ્યા છે અને યહોવાને ખુશ કરવા જીવનમાં ફેરફારો કરી રહ્યા છે, ત્યારે મને એટલી ખુશી મળે છે કે હું એને શબ્દોમાં વર્ણવી શકતી નથી. મને મળેલી ખુશીની સરખામણીમાં તો તેઓને શીખવવા મેં જે મહેનત કરી છે અને જે જતું કર્યું છે, એની જરાય વિસાત નથી.”

યહોવાને પ્રેમ કરવાનું અને તેમની આજ્ઞાઓ પાળવાનું બીજાઓને શીખવીએ છીએ ત્યારે, આપણને ઘણી ખુશી મળે છે (ફકરો ૧૯ જુઓ)


વફાદાર માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી ફાયદો મેળવીએ

૨૦. કઈ અમુક રીતોએ આપણે મૂસા, દાઉદ અને યોહાન જેવા છીએ?

૨૦ મૂસા, દાઉદ અને યોહાન જે સમયમાં અને સંજોગોમાં જીવ્યા એ આપણા કરતાં અલગ હતા. પણ આપણે ઘણી રીતોએ તેઓ જેવા છીએ. તેઓની જેમ આપણે પણ સાચા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, યહોવાને પ્રાર્થના કરીએ છીએ, તેમના પર ભરોસો રાખીએ છીએ અને માર્ગદર્શન માટે તેમના તરફ મીટ માંડીએ છીએ. એ વફાદાર ઈશ્વરભક્તોની જેમ આપણને પણ પૂરો ભરોસો છે કે યહોવાની આજ્ઞાઓ પાળીશું તો, તે આપણી ઝોળી આશીર્વાદોથી ભરી દેશે.

૨૧. જેઓ મૂસા, દાઉદ અને યોહાનની સલાહને કાને ધરે છે, તેઓને કયા આશીર્વાદો મળશે?

૨૧ તો પછી ચાલો એ વફાદાર ઈશ્વરભક્તોના છેલ્લા શબ્દોને કાને ધરીએ અને યહોવાની આજ્ઞાઓ પાળીએ. પછી આપણને દરેક કામમાં સફળતા મળશે. આપણે ‘જીવતા રહીશું’ હા, હંમેશ માટે જીવતા રહીશું. (પુન. ૩૦:૨૦) આપણને એ વાતની પણ ખુશી થશે કે આપણે સ્વર્ગમાંના આપણા વહાલા પિતાનું દિલ ખુશ કર્યું, હા, એ પિતાનું કે જે આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં પણ મોટું ઇનામ આપે છે.—એફે. ૩:૨૦.

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

a જે ઇઝરાયેલીઓએ લાલ સમુદ્ર આગળ યહોવાના ચમત્કારો જોયા હતા, તેઓમાંના મોટા ભાગના ઇઝરાયેલીઓ વચનના દેશમાં જઈ ન શક્યા. (ગણ. ૧૪:૨૨, ૨૩) યહોવાએ કહ્યું હતું કે જેઓની ઉંમર ૨૦ વર્ષ કે એથી વધુ છે અને જેઓની નોંધણી થઈ છે, તેઓ વેરાન પ્રદેશમાં મરી જશે. (ગણ. ૧૪:૨૯) પણ ૨૦ વર્ષથી ઓછી ઉંમરના ઘણા લોકો બચી ગયા. તેઓએ યહોશુઆ, કાલેબ અને લેવી કુળના ઘણા લોકો સાથે યર્દન નદી પાર કરી અને વચનના દેશમાં, એટલે કે કનાનમાં ગયા.—પુન. ૧:૨૪-૪૦.

b ચિત્રની સમજ: ડાબી બાજુ: દાઉદ મરણના થોડા સમય પહેલાં પોતાના દીકરા સુલેમાનને અમુક સલાહ આપે છે. જમણી બાજુ: ભાઈ-બહેનો પાયોનિયર સેવા શાળામાં યહોવા પાસેથી સૌથી સારું શિક્ષણ મેળવી રહ્યાં છે.