સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

શાંતિ હોય કે અશાંતિ, યહોવાએ આપી તાકાત

શાંતિ હોય કે અશાંતિ, યહોવાએ આપી તાકાત

પૉલ: નવેમ્બર ૧૯૮૫ની આ વાત છે. અમારી ખુશીનો પાર ન હતો. અમે મિશનરી તરીકે અમારી પહેલી સોંપણી, પશ્ચિમ આફ્રિકાના લાઇબીરિયા દેશ જઈ રહ્યાં હતાં. સેનેગલમાં અમારું વિમાન ઊભું રહ્યું. ઍને કહ્યું: “એકાદ કલાકમાં લાઇબીરિયા પહોંચી જઈશું.” પણ જાહેરાત થઈ, “લાઇબીરિયાના મુસાફરોએ વિમાનમાંથી ઊતરી જવું. અમુક લોકોએ સરકાર ઊથલાવી પાડવાની કોશિશ કરી છે, એટલે હમણાં ત્યાં જવું શક્ય નથી.” પછીના દસ દિવસ અમે સેનેગલના મિશનરીઓ સાથે રહ્યાં. અમે લાઇબીરિયા વિશે અનેક ખરાબ સમાચારો સાંભળ્યા. ત્યાં લાશોના ઢગલા થઈ રહ્યા હતા. સરકારે કરફ્યુ લગાવ્યો હતો અને એનો ભંગ કરનારાઓને તરત ગોળી મારી દેવામાં આવતી હતી.

ઍન: અમને સીધું-સાદું જીવન ગમે છે, સાહસવાળું નહિ. હું નાનપણથી જ બહુ ડરપોક છું. એટલે લોકોએ પ્રેમથી મારું એક નામ પણ પાડ્યું હતું. મને તો આજેય રસ્તો ક્રોસ કરતા ડર લાગે છે. પણ અમને લાઇબીરિયા તો જવું જ હતું, પછી ભલેને ત્યાં ગમે એટલાં જોખમો હોય.

પૉલ: હું અને ઍન પશ્ચિમ ઇંગ્લૅન્ડના એક જ વિસ્તારમાં મોટાં થયાં હતાં. ઍનની મમ્મીએ અને મારાં મમ્મી-પપ્પાએ હંમેશાં અમને પાયોનિયરીંગ કરવાનું ઉત્તેજન આપ્યું હતું. એટલે સ્કૂલ પછી તરત પાયોનિયરીંગ શરૂ કરી દીધું. અમે અમારું જીવન પૂરા સમયની સેવામાં વિતાવવા માંગતાં હતાં. એ નિર્ણયને પણ તેઓએ પૂરો ટેકો આપ્યો. ૧૯ વર્ષની ઉંમરે હું બેથેલ ગયો. પછી ૧૯૮૨માં અમે લગ્‍ન કર્યું અને ઍન મારી સાથે બેથેલ આવી.

ગિલયડ ગ્રેજ્યુએશન, ૮ સપ્ટેમ્બર, ૧૯૮૫

ઍન: અમને બેથેલમાં બહુ ગમતું હતું. પણ અમારાં દિલની તમન્‍ના હતી કે જરૂર હોય એવી જગ્યાએ જઈને પ્રચાર કરીએ. બેથેલમાં એવાં ભાઈ-બહેનો હતાં, જેઓ પહેલાં મિશનરી હતાં. તેઓ સાથે કામ કરીને અમને પણ મિશનરી બનવાની ઇચ્છા થઈ. એટલે રોજ રાતે એ વિશે યહોવાને પ્રાર્થના કરતા હતાં, ત્રણ વર્ષ સુધી એવું કર્યું. પછી ૧૯૮૫માં અમને એક સુખદ આંચકો મળ્યો! અમને ગિલયડના ૭૯મા ક્લાસનું આમંત્રણ મળ્યું અને પશ્ચિમ આફ્રિકાના લાઇબીરિયામાં સોંપણી મળી.

ભાઈ-બહેનોના પ્રેમથી મળી તાકાત

પૉલ: અમને લાઇબીરિયા જવાનો મોકો મળ્યો કે તરત પહેલી ફ્લાઇટ પકડીને ત્યાં પહોંચી ગયાં. લોકો ખૂબ ડરેલા હતા અને હજી કરફ્યુ હતો. લોકોમાં એટલો ડર હતો કે કારના સાઇલન્સરમાંથી મોટો અવાજ થતો તોપણ નાસભાગ થઈ જતી. અમે મન શાંત રાખવા રોજ રાતે ગીતશાસ્ત્રના અમુક અધ્યાયો વાંચતાં. સંજોગો ખરાબ હોવા છતાં, અમને આ સોંપણી ખૂબ ગમતી હતી. ઍન રોજ પ્રચારમાં જતી અને હું બેથેલમાં ભાઈ જૉન ચેરુક સાથે કામ કરતો. a તે ઘણા સમયથી લાઇબીરિયામાં હતા અને ભાઈ-બહેનોના સંજોગો સારી રીતે સમજતા હતા. તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું.

ઍન: અમને પ્રેમાળ ભાઈ-બહેનોને લીધે લાઇબીરિયા તરત જ ગમી ગયું. તેઓ બીજાઓને મદદ કરવા પોતાને ખર્ચી નાખતાં હતાં. તેઓની શ્રદ્ધા વખાણવા લાયક હતી. એ ભાઈ-બહેનો અમારું કુટુંબ બની ગયાં. તેઓ અમને જરૂરી સલાહ આપતાં, શ્રદ્ધામાં મક્કમ રહેવા ઉત્તેજન આપતાં. પ્રચાર વિશે તો શું કહું, ખૂબ મજા આવતી! પ્રચારમાં કોઈના ઘરેથી વહેલાં નીકળતાં તો તેઓને ખોટું લાગતું. ગલીએ ગલીએ એવા લોકો મળતા, જેઓ એકબીજા સાથે બાઇબલ વિશે વાત કરતા હોય. અમે બસ ત્યાં જઈને ઊભાં રહેતાં અને વાત આપોઆપ આગળ વધતી. ઘણા લોકોને બાઇબલમાંથી શીખવું હતું. પણ દરેકને પૂરતો સમય આપવો અઘરું હતું. એ પ્રચારવિસ્તાર જોરદાર હતો!

ડર પર જીત મેળવવા યહોવાએ આપી તાકાત

લાઇબીરિયા બેથેલમાં શરણાર્થીઓની સંભાળ રાખતી વખતે, ૧૯૯૦

પૉલ: ચાર વર્ષ સુધી દેશમાં થોડી શાંતિ રહી. પણ ૧૯૮૯માં યુદ્ધ ફાટી નીકળ્યું. સરકાર વિરુદ્ધ બળવો કરતા લોકોએ બેથેલની આજુબાજુનો વિસ્તાર કબજે કરી લીધો. એ તારીખ મને આજેય યાદ છે, ૨ જુલાઈ, ૧૯૯૦. ત્રણ મહિના સુધી અમારો બધા સાથે વાતચીત વ્યવહાર કપાઈ ગયો હતો. અમે અમારાં કુટુંબ સાથે, અરે મુખ્યમથક સાથે પણ કોઈ સંપર્ક કરી શકતા ન હતા. બધે હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, ખોરાકની અછત હતી અને સ્ત્રીઓ પર બળાત્કાર થતા હતા. આખા દેશમાં ૧૪ વર્ષ સુધી આવું ચાલ્યું.

ઍન: અમુક જાતિના લોકો બીજી જાતિના લોકોને મારી નાખતા, લોહીની નદીઓ વહેતી હતી. બધે હથિયારબંધ લોકો નજરે પડતા. તેઓનો પહેરવેશ વિચિત્ર હતો. તેઓ દરેક ઘરે લૂંટફાટ કરતા હતા. અમુક તો “મરઘા કાપતા હોય” એમ માણસોને મારી નાખતા હતા. સરકારના વિરોધીઓએ ઘણા રસ્તે નાકાબંધી કરી હતી અને લાશોનો ઢગલો કર્યો હતો. બેથેલ નજીક પણ એવું જ હતું. વફાદાર ભાઈ-બહેનો એનો ભોગ બન્યાં, બે મિશનરીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો.

બળવાખોરો બીજી જાતિના લોકોને શોધી શોધીને મારી નાખતા હતા. એટલે આપણા ભાઈઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એ જાતિનાં ભાઈ-બહેનોને સંતાડી રાખ્યાં. મિશનરી અને બેથેલનાં ભાઈ-બહેનોએ પણ એવું જ કર્યું. બેથેલમાં આશરો લેવા આવેલાં અમુક ભાઈ-બહેનો નીચેના માળે રહેતાં, તો અમુક ઉપરના રૂમોમાં રહેતાં. અમારી સાથે સાત ભાઈ-બહેનો રહેતાં હતાં.

પૉલ: રોજ બળવાખોરો બેથેલની અંદર ઘૂસવાની કોશિશ કરતા. તેઓ એ જોવા માંગતા કે અમે કોઈને સંતાડી તો નથી રાખ્યા ને. એટલે રક્ષણ માટે અમે ચાર લોકોની ટુકડી બનાવી હતી. એક ભાઈ અને બહેન બારીએથી નજર રાખતાં અને બે ભાઈઓ ઝાંપે જઈને બળવાખોરો સાથે વાત કરતા. જો એ ભાઈઓ આગળ હાથ રાખે તો એનો અર્થ કે કોઈ જોખમ નથી. પણ પાછળ હાથ રાખે તો એનો અર્થ કે બળવાખોરો ગુસ્સે ભરાયા છે. પછી બારીએ નજર રાખતાં ભાઈ અને બહેન તરત ભાઈ-બહેનોને સંતાડી દેતાં.

ઍન: ઘણાં અઠવાડિયાઓ પછી ગુસ્સે ભરાયેલું એક ટોળું બેથેલમાં ઘૂસી આવ્યું. હું અને એક બહેન બાથરૂમમાં સંતાઈ ગયાં. બાથરૂમના એક કબાટમાં સંતાવા માટે નાનું ખાનું હતું. બહેન સાંકડે-માંકડે એમાં સંતાઈ ગયાં. મારી પાછળ પાછળ બળવાખોરો ઉપર આવ્યા. તેઓ પાસે મશીનગન હતી. તેઓ જોરજોરથી બાથરૂમનો દરવાજો ખખડાવવા લાગ્યા. પૉલે કહ્યું: “મારી પત્ની અંદર છે.” ખાનાનું પાટિયું ફરીથી બેસાડતા અવાજ થયો. કબાટને ફરી ગોઠવતા પણ વાર લાગી. મને લાગ્યું કે નક્કી બળવાખોરોને શંકા ગઈ હશે. હું તો આખેઆખી ધ્રૂજવા લાગી. હવે એવામાં હું કઈ રીતે દરવાજો ખોલું? મેં મનમાં નાની પ્રાર્થના કરી, યહોવા પાસે મદદ માંગી. પછી મેં દરવાજો ખોલ્યો અને શાંતિથી વાત કરી. એક માણસ મને ધક્કો મારીને કબાટ પાસે ગયો. તે કબાટ ફંફોસવા લાગ્યો. તેને નવાઈ લાગી કે ત્યાં કંઈ ન મળ્યું. તે અને તેના સાથીઓ બીજા રૂમોમાં ગયા, બધું ફેંદી વળ્યા પણ કંઈ ન મળ્યું.

અંધકારમાં સત્યનો પ્રકાશ

પૉલ: મહિનાઓ સુધી અમારી પાસે પૂરતો ખોરાક ન હતો. ઘણી વાર એવું બનતું કે સવારે અમારી પાસે ખાવા માટે કંઈ ન હોય. પણ બેથેલની સવારની ભક્તિ અમારા માટે “નાસ્તા” જેવી હતી. અમે જાણતા હતા કે બાઇબલ વાંચવાથી અને એનો અભ્યાસ કરવાથી મુશ્કેલીઓ સહેવા તાકાત મળશે.

અમને ખબર હતી કે ખોરાક-પાણી લેવા બહાર નીકળીશું તો, જે ભાઈ-બહેનોને અમે સંતાડી રાખ્યાં છે તેઓ કદાચ માર્યાં જશે. પણ યહોવાએ ઘણી વાર અમારી જરૂરિયાતો સમયસર અને અજાયબ રીતે પૂરી કરી. તેમણે અમારી સંભાળ રાખી અને શાંત રહેવા મદદ કરી.

દેશમાં સંજોગો વણસી રહ્યા હતા. આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. એવામાં બાઇબલના સત્યથી બધાને ખરી આશા મળી. વારેઘડીએ ભાઈ-બહેનોએ જીવ બચાવવા ભાગવું પડતું હતું. તોપણ તેઓની શ્રદ્ધા મજબૂત રહી, મુશ્કેલ સંજોગોમાં તેઓ શાંત રહ્યાં. અમુક ભાઈ-બહેનોએ કહ્યું કે યુદ્ધના સંજોગો તેઓને “મોટી વિપત્તિમાં ટકી રહેવા તૈયાર કરી રહ્યા છે.” હિંમતવાન વડીલો અને યુવાન ભાઈઓ બીજાઓને મદદ કરવા આગળ આવ્યા. ભાઈ-બહેનોએ જ્યાં પણ જવું પડતું, ત્યાં તેઓ એકબીજાને મદદ કરતા અને પ્રચાર કરતા. અરે, જંગલમાં પણ સાદું પ્રાર્થનાઘર બનાવીને સભાઓ રાખતાં. સભાઓથી તેઓને ઉત્તેજન મળતું અને પ્રચાર કરવાથી આશા મજબૂત થતી. અમે રાહત માટેની વસ્તુઓ વહેંચતા ત્યારે ઘણાં ભાઈ-બહેનો અમારી પાસે કપડાંને બદલે પ્રચારની બેગ માંગતાં. એ વાત અમારાં દિલને સ્પર્શી ગઈ. યુદ્ધમાં લોકોએ ઘણું સહન કર્યું હતું, એટલે તેઓ ખુશખબર સાંભળવા આતુર હતા. લોકોને એ જોઈને નવાઈ લાગતી કે યહોવાના સાક્ષીઓ આવા સંજોગોમાં પણ ખુશ હતા, તેઓ વચ્ચે સાચો પ્રેમ હતો. સાક્ષીઓ અંધકારમાં પ્રકાશ જેવા હતા! (માથ. ૫:૧૪-૧૬) ભાઈ-બહેનોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને અમુક ખૂંખાર બળવાખોરો પણ પછીથી સાક્ષી બન્યા.

ભાઈ-બહેનોને “આવજો” કહેવા યહોવાએ આપી તાકાત

પૉલ: ત્રણ વખત થોડા સમય માટે અમારે લાઇબીરિયા છોડીને જવું પડ્યું અને આખું વર્ષ લાઇબીરિયાથી દૂર હોઈએ એવું બે વખત બન્યું. એક મિશનરી બહેને અમારી લાગણીને સરસ શબ્દોમાં કહી: “ગિલયડમાં શીખવવામાં આવ્યું હતું કે સોંપણીમાં દિલ રેડી દેવું જોઈએ. આપણે એવું જ કર્યું. એટલે ભાઈ-બહેનોને આવા સંજોગોમાં છોડીને જવાનું થાય ત્યારે આપણું દિલ ચિરાઈ જાય છે.” પણ ખુશીની વાત હતી કે અમે આસપાસના દેશોમાં રહીને પણ લાઇબીરિયાનાં ભાઈ-બહેનોને મદદ કરી શકતાં હતાં અને પ્રચારકામને ટેકો આપી શકતાં હતાં.

ખુશી ખુશી લાઇબીરિયા પાછાં આવ્યાં, ૧૯૯૭

ઍન: મે ૧૯૯૬માં અમે ચાર લોકો બેથેલની ગાડીમાં શાખાનાં મહત્ત્વનાં કાગળિયાં લઈને જઈ રહ્યાં હતાં. અમારે શહેરના બીજા છેડે સુરક્ષિત જગ્યાએ જવા ૧૬ કિલોમીટરની મુસાફરી કરવાની હતી. એવામાં ત્યાં હુમલો થયો. બળવાખોરોએ હવામાં ગોળીઓ ચલાવી. તેઓએ અમને રોક્યા અને ત્રણ જણને ગાડીમાંથી ઊતારી મૂક્યા. પૉલ ગાડીમાં જ હતા ને તેઓ ગાડી લઈને જતા રહ્યા. થોડીક મિનિટો અમને કંઈ ભાન ન રહ્યું. પછી અચાનક અમે પૉલને ટોળામાંથી આવતા જોયા. તેમના કપાળેથી લોહી ટપકતું હતું. પહેલા તો અમને થયું કે તેમને ગોળી વાગી છે, પણ પછી ખ્યાલ આવ્યો કે ગોળી વાગી હોત તો ચાલીને થોડા આવતા હોત! એક બળવાખોરે તેમને ગાડીમાંથી ધક્કો મારવા કપાળે માર્યું હતું. સારું થયું કે એમને બહુ વાગ્યું નહિ.

નજીકમાં સેનાની ટ્રક ઊભી હતી. એ લોકોથી ખીચોખીચ ભરેલી હતી. તેઓના ચહેરા પર ડર છવાયેલો હતો. અમે ઘૂસવાની કોશિશ કરી, પણ જરાય જગ્યા ન હતી. ટ્રકની બહાર અમે આંગળીનાં ટેરવે લટકી રહ્યાં. ડ્રાઇવર પૂર ઝડપે ટ્રક ભગાવી રહ્યો હતો અને પાછળ અમે પડું પડું થઈ રહ્યાં હતાં. અમે ટ્રક ઊભી રાખવા બૂમો પાડી. પણ તે એટલો ડરેલો હતો કે સાંભળવા જ તૈયાર ન હતો. જેમતેમ કરીને અમે લટકી રહ્યાં. પણ મુકામે પહોંચ્યાં ત્યારે અમારું એકેએક અંગ દુઃખતું હતું અને ડરના માર્યા આખું શરીર કાંપતું હતું.

પૉલ: અમારાં કપડાં ગંદાં થઈ ગયાં હતાં, ફાટી ગયાં હતાં. અમે એકબીજાની સામે જોયું અને થયું કે કઈ રીતે બચી ગયાં! અમારી બાજુમાં એક ખખડધજ હેલિકોપ્ટર હતું. એના પર ગોળીઓને લીધે ગોબા પડી ગયા હતા. પણ એ હેલિકોપ્ટર અમને બીજા દિવસે સિયેરા લિયોન લઈ જવાનું હતું. એટલે અમે નજીકમાં ખુલ્લા મેદાનમાં રાત વિતાવી. અમે સહીસલામત સિયેરા લિયોન પહોંચ્યાં, એની અમને ખુશી હતી. જોકે હજી પણ અમને લાઇબીરિયાનાં ભાઈ-બહેનોની ખૂબ ચિંતા થતી હતી.

અણધારી મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાએ આપી તાકાત

ઍન: અમે સહીસલામત સિયેરા લિયોનના બેથેલમાં પહોંચ્યાં, જે ફ્રીટાઉનમાં હતું. ભાઈઓએ અમારી સારી સંભાળ રાખી. પણ પછી એવું કંઈક બન્યું જે મેં ધાર્યું ન હતું. લાઇબીરિયાની કડવી યાદો મને સતાવવા લાગી. દિવસે એવો ડર લાગતો કે કંઈક ખરાબ બનશે. હું સરખું વિચારી પણ શકતી ન હતી. હંમેશાં એવું લાગતું કે સપનામાં જીવી રહી છું. રાતે ઝબકીને જાગી જતી, ગભરામણ થતી, પરસેવે રેબઝેબ થઈ જતી. કંઈક ન બનવાનું બનશે એવું વિચારીને થરથર કાંપતી. મારો શ્વાસ રૂંધાઈ જતો. પણ પૉલ મને બાથમાં લેતા અને પ્રાર્થના કરતા. હું શાંત ન પડું ત્યાં સુધી અમે રાજ્યગીતો ગાતાં. મને લાગતું કે હું ગાંડી થઈ ગઈ છું અને મિશનરી તરીકે સેવા નહિ આપી શકું.

પછી એવું કંઈક બન્યું જે હું ક્યારેય નહિ ભૂલું. એ અઠવાડિયે અમને બે મૅગેઝિન મળ્યાં. જૂન ૮, ૧૯૯૬નું સજાગ બનો! (અંગ્રેજી), જેમાં એક લેખ હતો: “કોપિંગ વીથ પેનિક એટેક્સ.” હવે મને સમજાયું કે મારી સાથે શું થઈ રહ્યું હતું. બીજું મૅગેઝિન મે ૧૫, ૧૯૯૬નું ચોકીબુરજ (અંગ્રેજી) હતું. એમાં આ સરસ લેખ હતો: “વ્હેર ડૂ ધે ગેટ ધેઅર સ્ટ્રેન્થ?ચોકીબુરજમાં એક ઘાયલ પતંગિયાનું ચિત્ર હતું. લેખમાં સમજાવ્યું હતું કે પતંગિયાની પાંખો ખરાબ રીતે તૂટી જાય તોપણ તે ઊડી શકે છે. એવી જ રીતે, આપણે જીવનના ખરાબ અનુભવોને લીધે ભાંગી પડીએ ત્યારે, યહોવા આપણને પવિત્ર શક્તિથી ભરપૂર કરે છે અને આપણે બીજાઓને મદદ કરી શકીએ છીએ. એ લેખો દ્વારા યહોવાએ મને યોગ્ય સમયે મદદ કરી. (માથ. ૨૪:૪૫) મેં વધારે સંશોધન કર્યું, બીજા લેખો શોધ્યા અને એને ભેગા કર્યા. સમય જતાં હું એ કડવી યાદોના વમળમાંથી બહાર આવી શકી.

નવી સોંપણી સ્વીકારવા યહોવાએ આપી તાકાત

પૉલ: જ્યારે પણ લાઇબીરિયા પાછાં આવતાં ત્યારે ઘણી ખુશી થતી. એવું લાગતું કે ઘરે પાછાં આવ્યાં છીએ. ૨૦૦૪ના અંત સુધીમાં અમે આ સોંપણીમાં વીસેક વર્ષો વિતાવ્યાં હતાં. હવે યુદ્ધ બંધ થયું હતું. શાખા કચેરીમાં બાંધકામની યોજનાઓ ઘડાઈ રહી હતી. પણ અચાનક અમને નવી સોંપણી મળી!

એ સોંપણી સ્વીકારવી અમારા માટે બહુ અઘરું હતું. અમે લાઇબીરિયાનાં ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ કરતા હતાં. તેઓ અમારું કુટુંબ હતાં. અમે તેઓથી દૂર જવા માંગતાં ન હતાં. પણ અમને યાદ છે કે ગિલયડ જવા અમારાં કુટુંબથી દૂર ગયાં ત્યારે યહોવાએ ઘણા આશીર્વાદો આપ્યા હતા. એટલે અમે આ સોંપણી પણ સ્વીકારી અને નજીકના દેશ ઘાના ગયાં.

ઍન: લાઇબીરિયા છોડતી વખતે અમે બહુ રડ્યાં. પણ ફ્રેંક નામના ઉંમરવાળા ભાઈએ કહ્યું: “અમને ભૂલી જજો!” એ સાંભળીને અમને નવાઈ લાગી. પણ પછી તેમણે જણાવ્યું કે તે શું કહેવા માંગતા હતા: “અમને ખબર છે કે તમે અમને ક્યારેય નહિ ભૂલો. પણ આ નવી સોંપણીમાં તમારું દિલ રેડી દેજો. એ યહોવા પાસેથી છે, એટલે ત્યાંનાં ભાઈ-બહેનોની સંભાળ રાખજો.” તેમની વાતથી અમને ઘણું ઉત્તેજન મળ્યું. ઘાનામાં અમે બહુ ઓછા લોકોને ઓળખતા હતા અને બધું અમારા માટે નવું હતું. પણ એ ભાઈના શબ્દોથી નવા દેશમાં નવા દોસ્તો બનાવવા ઘણી મદદ મળી.

પૉલ: બહુ જલદી ઘાનાનાં ભાઈ-બહેનો અમારું નવું કુટુંબ બની ગયાં. ત્યાં ઘણા સાક્ષીઓ હતા. અમે નવા દોસ્તો પાસેથી વફાદારી અને શ્રદ્ધા બતાવવા વિશે ઘણું શીખ્યાં. ઘાનામાં ૧૩ વર્ષ સેવા આપ્યા પછી પાછું બધું બદલાઈ ગયું. અમને કેન્યામાં આવેલી પૂર્વ આફ્રિકા શાખામાં મોકલવામાં આવ્યાં. ખરું કે લાઇબીરિયા અને ઘાનાનાં ભાઈ-બહેનોની ખૂબ યાદ આવતી હતી, પણ બહુ જલદી અમે કેન્યામાં પણ નવા દોસ્તો બનાવ્યા. આજે પણ અમે કેન્યામાં સેવા આપી રહ્યાં છીએ, અહીં હજુ ઘણું કામ બાકી છે.

પૂર્વ આફ્રિકા શાખા વિસ્તારના નવા દોસ્તો સાથે, ૨૦૨૩

વીતેલી કાલ પર એક નજર

ઍન: આટલાં વર્ષોમાં મેં ઘણા અઘરા સંજોગોનો સામનો કર્યો છે. અમુક વાર હું ખૂબ ડરી જતી. બિહામણા અને ખતરનાક સંજોગો તન-મનથી થકવી નાખે છે. પણ આપણે એવી આશા નથી રાખતા કે યહોવા ચમત્કાર કરીને બચાવશે. આજે પણ હું ગોળીઓના અવાજથી ડરી જાઉં છું, હાથ સુન્‍ન થઈ જાય છે. પણ હું યહોવા પર આધાર રાખવાનું શીખી છું. મને તાકાત આપવા તેમણે જે ગોઠવણો કરી છે એનો સહારો લઉં છું, જેમ કે પ્રેમાળ ભાઈ-બહેનોની મદદ લઉં છું. હું જોઈ શકી કે યહોવા કઈ રીતે બાઇબલ, પ્રાર્થના, સભાઓ અને પ્રચાર દ્વારા અમને સોંપણીમાં લાગુ રહેવા મદદ કરે છે.

પૉલ: ક્યારેક લોકો અમને પૂછે છે: “શું તમને તમારી સોંપણી ગમે છે?” હું કહું છું કે અમુક દેશો ખૂબ સુંદર છે, જોકે ક્યારેય પણ ઊથલ-પાથલ થઈ શકે છે. એટલે કોઈ દેશ અથવા એની સુંદરતા કરતાં અમને પ્રેમાળ ભાઈ-બહેનો વધારે ગમે છે, જેઓ અમારું કુટુંબ છે. ખરું કે આપણો ઉછેર અલગ અલગ રીતે થયો છે. પણ આપણે બધા યહોવા વિશે એક જેવું જ વિચારીએ છીએ. અમને લાગતું હતું કે અમને ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા મોકલવામાં આવ્યાં હતાં. પણ સાચું કહું, તેઓએ અમને ઉત્તેજન આપ્યું છે.

દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો વચ્ચેનો સાચો પ્રેમ યહોવા તરફથી ચમત્કાર છે. દુનિયાના કોઈ પણ ખૂણે આપણું એક કુટુંબ છે. જ્યાં સુધી મંડળમાં રહીશું, ત્યાં સુધી ઘર જેવો પ્રેમ અને હૂંફ અનુભવી શકીશું. આપણને પાકી ખાતરી છે કે યહોવા પર આધાર રાખીશું તો, તે અઘરામાં અઘરા સંજોગોનો સામનો કરવા તાકાત આપશે.—ફિલિ. ૪:૧૩.

a જૉન ચેરુકની જીવન સફર વાંચવા માર્ચ ૧૫, ૧૯૭૩ ચોકીબુરજમાં (અંગ્રેજી) આપેલો આ લેખ જુઓ: “આઈ એમ ગ્રેટફૂલ ટૂ ગોડ એન્ડ ક્રાઇસ્ટ.