સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાએ તેમને “મિત્ર” કહ્યા

યહોવાએ તેમને “મિત્ર” કહ્યા

“હે મારા સેવક, ઈસ્રાએલ, મારા મિત્ર ઈબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ.”—યશા. ૪૧:૮.

ગીતો: ૫૧, ૨૨

૧, ૨. (ક) મનુષ્યો ઈશ્વરના મિત્રો બની શકે છે એમ કઈ રીતે કહી શકાય? (ખ) આ લેખમાં આપણે શું શીખીશું?

જીવનના પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી આપણને પ્રેમની જરૂર રહે છે. બે પ્રેમીઓ વચ્ચે જોવા મળે એવા પ્રેમ ઉપરાંત મનુષ્યોને ગાઢ અને પ્રેમાળ દોસ્તીની પણ જરૂર હોય છે. સૌથી મહત્ત્વનું તો આપણને ઈશ્વર યહોવાના પ્રેમની જરૂર છે. પરંતુ, ઈશ્વર અદૃશ્ય અને સર્વશક્તિમાન હોવાથી અમુક લોકો માને છે કે મનુષ્યો માટે ઈશ્વર સાથે મિત્રતા કરવી શક્ય નથી. જોકે, આપણને ખબર છે કે હકીકત શું છે!

બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જે બતાવે છે કે મનુષ્યો ઈશ્વરના મિત્રો બન્યા છે. એ દાખલામાંથી આપણે શીખવું જોઈએ. કેમ કે, આપણા માટે યહોવાના મિત્ર બનવાનો ધ્યેય જીવનના કોઈ પણ ધ્યેય કરતાં સૌથી મહત્ત્વનો છે! તેથી, ચાલો ઈબ્રાહીમના દાખલાનો વિચાર કરીએ. (યાકૂબ ૨:૨૩ વાંચો.) તે કઈ રીતે ઈશ્વરના મિત્ર બન્યા? તેમની ગાઢ મિત્રતાનો પાયો શ્રદ્ધાના ગુણ પર નંખાયેલો હતો. એટલે જ ‘તે સર્વ વિશ્વાસીઓના પૂર્વજ’ તરીકે ઓળખાય છે. (રોમ. ૪:૧૧) તેમનો દાખલો જોઈએ તેમ વિચારીએ કે, “હું કઈ રીતે ઈબ્રાહીમની શ્રદ્ધાને અનુસરી શકું અને યહોવા સાથેની મારી મિત્રતા મજબૂત કરી શકું?”

ઈબ્રાહીમ કઈ રીતે યહોવાના મિત્ર બન્યા?

૩, ૪. (ક) ઈબ્રાહીમ માટે શ્રદ્ધાની સૌથી મોટી કસોટી કઈ હોય શકે, એનું વર્ણન કરો. (ખ) ઈબ્રાહીમ પોતાના દીકરાની કુરબાની આપવા શા માટે તૈયાર હતા?

કલ્પના કરો કે આશરે ૧૨૫ વર્ષના ઈબ્રાહીમ ધીમે ધીમે પહાડ પર ચઢી રહ્યા છે. [1]  તેમની પાછળ તેમનો ૨૫ વર્ષનો દીકરો ઈસ્હાક ચાલી રહ્યો છે. ઈસ્હાકે બળતણ માટેનાં લાકડાં ઊંચક્યાં છે. ઈબ્રાહીમના હાથમાં એક છરો અને આગ ચાંપવા માટેની સામગ્રી છે. એ મુસાફરી ઈબ્રાહીમના જીવનની કદાચ સૌથી અઘરી મુસાફરી હતી. શું તે મોટી ઉંમરના હતા એ માટે? ના. તેમનામાં તો એ ઉંમરે પણ ઘણી તાકાત હતી. તો પછી એ મુસાફરી તેમના માટે અઘરી કેમ હતી? કેમ કે, યહોવા ઈશ્વરના કહ્યા પ્રમાણે તે પોતાના દીકરા ઈસ્હાકની કુરબાની આપવા જઈ રહ્યા હતા.—ઉત. ૨૨:૧-૮.

ઈબ્રાહીમ માટે એ કદાચ શ્રદ્ધાની સૌથી મોટી કસોટી હતી. અમુક લોકોનું કહેવું છે કે ઈબ્રાહીમ પાસેથી તેમના દીકરાની કુરબાની માંગ, એ તો ઈશ્વરની ક્રૂરતા કહેવાય. બીજા અમુક એમ કહે છે કે, ઈબ્રાહીમને તેમનો દીકરો વહાલો ન હતો એટલે તેને કુરબાન કરવા તૈયાર થઈ ગયા. એ બધા લોકો શ્રદ્ધા ન હોવાને કારણે એવું વિચારે છે. અરે, તેઓને ખબર જ નથી કે શ્રદ્ધા કોને કહેવાય અને એ કઈ રીતે દેખાઈ આવે છે. (૧ કોરીં. ૨:૧૪-૧૬) ઈબ્રાહીમનો વિશ્વાસ આંધળો ન હતો. પણ, ખરો વિશ્વાસ હોવાને લીધે તે જોઈ શકતા હતા કે યહોવા તેમને એવું કંઈ કરવા નહિ કહે, જેનાથી તેમને કાયમી નુકસાન થાય. ઈબ્રાહીમને ખબર હતી કે જો તે યહોવાનું કહ્યું માનશે, તો યહોવા તેમને અને તેમના વહાલા દીકરાને આશીર્વાદ આપશે. ઈબ્રાહીમ એવી ઊંડી શ્રદ્ધા શાના લીધે રાખી શક્યા? ઈશ્વર વિશેનાં જ્ઞાન અને અનુભવને લીધે.

૫. યહોવા વિશેનું જ્ઞાન ઈબ્રાહીમને ક્યાંથી મળ્યું હોય શકે? એ જ્ઞાનથી તેમને શું કરવાની પ્રેરણા મળી?

જ્ઞાન. ઈબ્રાહીમનો ઉછેર ઉર નામના એક શહેરમાં થયો હતો. ત્યાંના લોકો જૂઠાં દેવ-દેવીઓની પૂજા કરતા. અરે, ઈબ્રાહીમના પિતા પણ એમાં સંડોવાયેલા હતા. (યહો. ૨૪:૨) તો પછી યહોવા વિશે ઈબ્રાહીમ ક્યાંથી શીખ્યા હશે? બાઇબલ જણાવે છે કે નુહના દીકરા શેમ ઈબ્રાહીમના સગાંમાં હતા. ઈબ્રાહીમ ૧૫૦ વર્ષના થયા ત્યાં સુધી શેમ જીવતા હતા. શેમને પણ યહોવામાં ઊંડી શ્રદ્ધા હતી. શેમે પોતાનાં સગાં-સંબંધીઓને યહોવા વિશે વાત કરી હશે. આપણે ચોક્કસ નથી જાણતા, પણ બની શકે કે ઈબ્રાહીમને પણ શેમ પાસેથી યહોવા વિશેનું જ્ઞાન મળ્યું હતું. એ જ્ઞાનના લીધે તે યહોવાને પ્રેમ કરવા લાગ્યા. એ જ્ઞાનથી યહોવામાં તેમની શ્રદ્ધા મક્કમ બની.

૬, ૭. ઈબ્રાહીમને થયેલા બધા અનુભવથી કઈ રીતે તેમની શ્રદ્ધા મક્કમ બની?

અનુભવ. ઈબ્રાહીમને કઈ રીતે એ અનુભવ મળ્યો, જેનાથી યહોવામાં તેમની શ્રદ્ધા મક્કમ બની? અમુક લોકોનું કહેવું છે કે, વિચારો આપણને લાગણીઓ તરફ દોરે છે અને લાગણીઓ કાર્યો તરફ લઈ જાય છે. ઈશ્વર વિશે ઈબ્રાહીમ જે શીખ્યા એના પર વિચાર કરવાથી તેમના દિલમાં ઈશ્વર માટે ઊંડી લાગણી જાગી. એના લીધે, તે ‘પરાત્પર ઈશ્વર યહોવા, આકાશ તથા પૃથ્વીના માલિક’ને ઊંડો આદર આપતા શીખ્યા. (ઉત. ૧૪:૨૨) એવા ઊંડા આદરને બાઇબલ “ઈશ્વરનો ડર” કહે છે. (હિબ્રૂ ૫:૭) અને “જેઓ [પરમેશ્વરનો] ભય રાખે છે તેઓને તે પોતાનાં મિત્રો બનાવે છે.” (ગીત. ૨૫:૧૪, IBSI) એ ડરના લીધે ઈબ્રાહીમ યહોવાની આજ્ઞા માનવા પ્રેરાયા.

ઈશ્વરે ઈબ્રાહીમ અને સારાહને ઉર શહેરમાંનું પોતાનું ઘર છોડીને પરદેશમાં જવાની આજ્ઞા આપી. એ સમયે તેઓ કંઈ જુવાન ન હતાં. એટલું જ નહિ, તેઓએ હવે બાકીનું જીવન તંબુઓમાં કાઢવાનું હતું. માર્ગમાં ઘણાં જોખમો રહેલાં છે એની ઈબ્રાહીમને ખબર હતી, તોપણ તેમણે યહોવાની આજ્ઞા પાળવામાં કોઈ તડજોડ કરી નહિ. તેમની આધીનતા જોઈને ઈશ્વરે તેમને આશીર્વાદો આપ્યા અને રક્ષણ પૂરું પાડ્યું. જેમ કે, તેમની સુંદર પત્ની સારાહને તેમની પાસેથી લઈ લેવામાં આવી હતી અને એના લીધે ઈબ્રાહીમનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. એ સમયે અને બીજી અમુક વાર યહોવાએ ચમત્કાર કરીને ઈબ્રાહીમ અને સારાહનું રક્ષણ કર્યું હતું. (ઉત. ૧૨:૧૦-૨૦; ૨૦:૨-૭, ૧૦-૧૨, ૧૭, ૧૮) એવા અનુભવથી ઈબ્રાહીમની શ્રદ્ધા મજબૂત થઈ.

૮. યહોવા સાથેની મિત્રતા ગાઢ બનાવવા આપણે જ્ઞાન અને અનુભવ કઈ રીતે મેળવી શકીએ?

શું આપણે યહોવાના ગાઢ મિત્ર બની શકીએ? હા, કેમ નહિ! ઈબ્રાહીમની જેમ આપણને પણ યહોવા વિશે શીખવાની જરૂર છે. એમ કરવા આપણી પાસે એવી મદદ છે, જે ઈબ્રાહીમ પાસે પણ ન હતી. આપણી પાસે બાઇબલ છે. બાઇબલમાં ઈશ્વર વિશેનું જ્ઞાન અને ઘણા અનુભવ જોવા મળે છે. (દાની. ૧૨:૪; રોમ. ૧૧:૩૩) બાઇબલ તો ‘આકાશ તથા પૃથ્વીના માલિક’ યહોવાના જ્ઞાનથી ભરપૂર છે. એમાંથી આપણે જે શીખીએ એ આપણને યહોવાને પ્રેમ કરવા અને તેમને ઊંડો આદર આપવા પ્રેરે છે. યહોવા માટેનો પ્રેમ અને આદર આપણને તેમનું કહ્યું માનવા પ્રેરે છે. એમ કરીએ છીએ ત્યારે આપણે જીવનમાં યહોવાનું રક્ષણ અને આશીર્વાદો જોઈ શકીએ છીએ. આમ, એ આપણને યહોવાનો અનુભવ કરાવે છે. દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને સંતોષ, શાંતિ અને આનંદ મળે છે. (ગીત. ૩૪:૮; નીતિ. ૧૦:૨૨) યહોવા વિશે આપણે જેટલું વધારે શીખીશું અને તેમના આશીર્વાદોનો અનુભવ કરીશું, એટલું વધારે તેમની સાથેની મિત્રતા ગાઢ બનશે.

ઈબ્રાહીમે યહોવા સાથેની મિત્રતા કઈ રીતે જાળવી?

૯, ૧૦. (ક) મિત્રતાને ગાઢ બનાવવા શાની જરૂર પડે છે? (ખ) શું બતાવે છે કે ઈબ્રાહીમ માટે યહોવા સાથેની મિત્રતા મહત્ત્વની હતી અને તેમણે એની માવજત કરી હતી?

ગાઢ દોસ્તી કીમતી ખજાના જેવી છે. (નીતિવચનો ૧૭:૧૭ વાંચો.) જોકે, એ કોઈ મોંઘી ફૂલદાની જેવી નથી જે ફક્ત શોભા વધારે. પરંતુ, એ તો સુંદર ફૂલો જેવી છે, જેને પાણી અને માવજતની જરૂર છે, જેથી એ ખીલી ઊઠે ને મહેકી ઊઠે! ઈબ્રાહીમ માટે યહોવા સાથેની મિત્રતા એવી જ હતી. તે એને મહત્ત્વની ગણતા અને એની માવજત કરતા. તેમણે એમ કઈ રીતે કર્યું?

૧૦ ઈશ્વર પ્રત્યે ડર અને આધીનતા બતાવવામાં ઈબ્રાહીમ મક્કમ બનતા ગયા. કનાન દેશ જવા ઈબ્રાહીમ પોતાના કુટુંબકબીલા સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારનો વિચાર કરો. એ મુસાફરી દરમિયાન જીવનના નાના-મોટા નિર્ણયોમાં પણ તેમણે યહોવાના માર્ગદર્શન પ્રમાણે કર્યું. ઈસ્હાકના જન્મના એક વર્ષ પહેલાંનો વિચાર કરો. એ સમયે ઈબ્રાહીમ ૯૯ વર્ષના હતા અને યહોવાએ ઈબ્રાહીમને તેમના ઘરના બધા પુરુષોની સુન્નત કરવાની આજ્ઞા આપી હતી. ત્યારે શું તેમણે યહોવાની આજ્ઞા પર સવાલ ઉઠાવ્યો? અથવા શું આજ્ઞા ન માનવાનાં બહાનાં શોધ્યાં? ના. તેમણે યહોવા પર ભરોસો રાખ્યો અને એ ને ‘એ જ દિવસે’ યહોવાની આજ્ઞા અમલમાં મૂકી.—ઉત. ૧૭:૧૦-૧૪, ૨૩.

૧૧. સદોમ અને ગમોરાહ વિશે ઈબ્રાહીમ કેમ ચિંતામાં હતા અને યહોવાએ તેમને કઈ રીતે મદદ આપી?

૧૧ નાની નાની બાબતોમાં પણ ઈબ્રાહીમ હંમેશાં યહોવાને આધીન રહેતા હતા. એ કારણે જ, યહોવા સાથેની તેમની મિત્રતા ગાઢ બની. તેમને અહેસાસ હતો કે તે કોઈ પણ વાત યહોવાને વિના સંકોચ જણાવી શકે છે. મુશ્કેલ સવાલો સતાવે તો તેમની મદદ માંગી શકે છે. દાખલા તરીકે, યહોવાએ સદોમ અને ગમોરાહના નાશ વિશે જણાવ્યું ત્યારે ઈબ્રાહીમ ચિંતામાં પડી ગયા. શા માટે? તેમને ચિંતા હતી કે દુષ્ટો ભેગા નેક લોકો પણ નાશ પામશે. બની શકે કે સદોમમાં રહેનાર તેમના ભત્રીજા લોટ અને તેના કુટુંબને લઈને તે ચિંતામાં હતા. પણ, ઈબ્રાહીમે ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ યહોવા પરનો ભરોસો ગુમાવ્યો નહિ. તેમણે નમ્ર ભાવે યહોવાને પોતાની ચિંતા જણાવી. ત્યારે યહોવા પોતાના મિત્ર સાથે ધીરજથી વર્ત્યા. તેમણે બતાવ્યું કે તે દયાળુ છે. ઉપરાંત, યહોવાએ સમજાવ્યું કે તે વિનાશ લાવે છે ત્યારે પણ સારા લોકોને શોધી કાઢે છે અને તેઓનો બચાવ કરે છે.—ઉત. ૧૮:૨૨-૩૩.

૧૨, ૧૩. (ક) ઈબ્રાહીમનાં જ્ઞાન અને અનુભવે તેમને પછીથી કઈ રીતે મદદ આપી? (ખ) શું બતાવે છે કે ઈબ્રાહીમને યહોવામાં પૂરો ભરોસો હતો?

૧૨ જોઈ શકાય કે વર્ષો દરમિયાન ઈબ્રાહીમને યહોવા વિશેનું જ્ઞાન મળ્યું અને સારો એવો અનુભવ થયો. એના લીધે તેમને યહોવા સાથે ગાઢ મિત્રતા જાળવી રાખવા મદદ મળી હતી. તે જાણતા હતા કે યહોવા હંમેશાં ધીરજવાન, દયાળુ, ભરોસાપાત્ર અને રક્ષક રહ્યા છે અને રહેશે. તેથી, જ્યારે યહોવાએ ઈબ્રાહીમને દીકરા ઈસ્હાકની કુરબાની આપવા કહ્યું, ત્યારે પણ ઈબ્રાહીમને ખાતરી હતી કે યહોવા કઠોર નથી બની ગયા. આપણે એમ શાના આધારે કહી શકીએ?

૧૩ પહાડ પર જતા પહેલાં ઈબ્રાહીમે પોતાની સાથે આવેલા ચાકરોને કહ્યું: ‘તમે અહીં ગધેડા પાસે રહો અને હું તથા છોકરો ત્યાં જઈને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું.’ (ઉત. ૨૨:૫) ઈબ્રાહીમ તો જાણતા હતા કે તે ઈસ્હાકની કુરબાની આપવા જઈ રહ્યા છે. તો પછી, પાછા આવીશું એમ કહીને શું તે ચાકરોને જૂઠું બોલી રહ્યા હતા? ના. બાઇબલ જણાવે છે કે યહોવા ઈસ્હાકને મોતની ઊંઘમાંથી પાછો ઉઠાડી શકે છે એવો ઈબ્રાહીમને ભરોસો હતો. (હિબ્રૂ ૧૧:૧૯ વાંચો.) તેમને યાદ હતું કે, તે અને તેમની પત્ની વૃદ્ધ હતાં તોપણ યહોવાએ તેઓ માટે પુત્રનું સુખ શક્ય બનાવ્યું. (હિબ્રૂ ૧૧:૧૧, ૧૨, ૧૮) તેમને ખ્યાલ હતો કે યહોવા માટે કંઈ જ અશક્ય નથી. ખરું કે, પહાડ પર શું બનવાનું છે એના વિશે તેમને કંઈ જ ખબર ન હતી. છતાં, તેમને એવો ભરોસો હતો કે જરૂર પડે તો યહોવા તેમના દીકરાને સજીવન કરશે, જેથી પોતે આપેલાં બધાં વચનો સાચાં પડે. એવા ભરોસાને કારણે જ તો ઈબ્રાહીમ ‘સર્વ વિશ્વાસીઓના પૂર્વજ’ કહેવાય છે!

૧૪. યહોવાની ભક્તિ કરવામાં કયા પડકારોનો તમે સામનો કરો છો? એમાં ઈબ્રાહીમનું ઉદાહરણ તમને કઈ રીતે મદદ કરી શકે?

૧૪ ખરું કે, આજે, યહોવા આપણને આપણાં બાળકોની કુરબાની આપવા કહેતા નથી. પરંતુ, તે એમ જરૂર ચાહે છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ. બની શકે કે કોઈક વાર આપણને આજ્ઞા પાછળનું કારણ ન સમજાય. અથવા આજ્ઞા પ્રમાણે કરવું અઘરું લાગે. શું તમારી સાથે એવું બન્યું છે? આપણામાંનાં અમુકને પ્રચાર કરવો અઘરું લાગે છે. કદાચ તેઓ શરમાળ સ્વભાવના છે. અથવા અજાણ્યાઓ સાથે વાત કરવામાં તેઓને મુશ્કેલી પડે છે. બીજા અમુક એવા છે જેઓને નોકરી પર કે શાળામાં જગતના લોકોથી અલગ તરી આવવામાં બીક લાગે છે. (નિર્ગ. ૨૩:૨; ૧ થેસ્સા. ૨:૨) જો તમને કોઈ એવું કામ કહેવામાં આવે જે પહાડ ચઢવા જેવું અઘરું લાગે, તો ઈબ્રાહીમનો વિચાર કરજો. તે શ્રદ્ધા અને હિંમતનું અજોડ ઉદાહરણ છે! યહોવાના વફાદાર ભક્તોનાં ઉદાહરણો પર મનન કરતા રહીએ. એમ કરવાથી તેઓને અનુસરવા અને આપણા મિત્ર યહોવાની નજીક જવામાં આપણને મદદ મળે છે.—હિબ્રૂ ૧૨:૧, ૨.

આશીર્વાદો લાવતી મિત્રતા

૧૫. આપણે શા માટે કહી શકીએ કે ઈબ્રાહીમને યહોવાની આજ્ઞાઓ પાળવાનો જરાય અફસોસ ન થયો?

૧૫ યહોવાની આજ્ઞાઓ પાળવાનો શું ઈબ્રાહીમને ક્યારેય અફસોસ થયો? બાઇબલ જણાવે છે કે “સંતોષકારક જીવન જીવીને ખૂબ મોટી ઉંમરે તે મૃત્યુ” પામ્યા. (ઉત. ૨૫:૮, ઈઝી-ટુ-રીડ વર્ઝન) અરે, ૧૭૫ વર્ષે પણ તે પોતાની લાંબી જીવન સફર પર જ્યારે નજર કરતા હશે, ત્યારે તેમને ઘણો જ સંતોષ થતો હશે. શા માટે? કેમ કે, જીવનભર તેમણે સૌથી વધારે મહત્ત્વ યહોવા સાથેની મિત્રતાને આપ્યું હતું. ખરું કે, ઈબ્રાહીમ “ખૂબ મોટી ઉંમરે” મરણ પામ્યા અને તેમનું જીવન “સંતોષકારક” હતું. પરંતુ, એનો અર્થ એવો નથી કે તેમને ભાવિના કાયમી જીવનની કોઈ તમન્ના ન હતી.

૧૬. બાગ જેવી નવી દુનિયામાં ઈબ્રાહીમને કઈ કઈ બાબતે ખુશી થશે?

૧૬ બાઇબલ જણાવે છે કે “જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેની આશા” ઈબ્રાહીમ રાખતા હતા. (હિબ્રૂ ૧૧:૧૦) તે માનતા હતા કે એક દિવસ તે જરૂર એ શહેર, એટલે કે ઈશ્વરના રાજ્યને આખી ધરતી પર રાજ કરતા જોશે. હા, તે ચોક્કસ જોશે! વિચારો કે ભાવિમાં સુંદર ધરતી પર જીવવાની અને યહોવા સાથેની મિત્રતા હજીયે ગાઢ બનાવવાની તક મેળવીને ઈબ્રાહીમ કેટલા ખુશ થશે! એ સમયે જ્યારે તે જાણશે કે તેમની શ્રદ્ધાના દાખલા પરથી હજારો વર્ષો સુધી ઈશ્વરભક્તોને મદદ મળી હતી, ત્યારે તેમની ખુશીનો પાર નહિ રહે. તેમને ખ્યાલ આવશે કે મોરીયાહ પર્વત પર જે બલિદાન તે આપવા ગયા હતા, એ વર્ષો પછી બનનારી ઘણી મોટી બાબતને રજૂ કરતું હતું. (હિબ્રૂ ૧૧:૧૯) પોતાના દીકરાની કુરબાની આપવા જતી વખતે તેમને થયેલું દુઃખ અપાર ખુશીમાં બદલાઈ જશે. કેમ કે, તે જાણશે કે તેમનું એ દુઃખ લાખો ઈશ્વરભક્તોને એ સમજવા મદદ કરતું હતું કે, પોતાના દીકરા ઈસુનું બલિદાન આપતી વખતે યહોવાને કેટલું દુઃખ થયું હશે! (યોહા. ૩:૧૬) ખરેખર, પ્રેમની બેમિસાલ સાબિતી, એટલે કે ઈસુના બલિદાન માટે વધુ સારી રીતે કદર બતાવવા આપણને ઈબ્રાહીમનો દાખલો ખૂબ મદદ કરે છે.

૧૭. તમે શું કરવાની મનમાં ગાંઠ વાળી છે? આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૭ ચાલો, આપણે ઈબ્રાહીમની શ્રદ્ધાને અનુસરવાની મનમાં ગાંઠ વાળીએ! તેમની જેમ આપણને પણ જ્ઞાન અને અનુભવની જરૂર છે. આપણે યહોવા વિશે શીખતા રહીશું અને તેમની આજ્ઞા પ્રમાણે કરતા રહીશું, તેમ આપણે તેમના તરફથી આશીર્વાદ અને રક્ષણ અનુભવી શકીશું. (હિબ્રૂ ૬:૧૦-૧૨ વાંચો.) આપણી આશા છે કે યહોવા હંમેશાં આપણા સૌના મિત્ર બની રહે! આવતા લેખમાં આપણે બીજા ત્રણ ઈશ્વરભક્તોના દાખલા જોઈશું, તેઓ પણ ઈશ્વરના મિત્રો બન્યા હતા.

^ [૧] (ફકરો ૩) ઈબ્રાહીમ અને સારાહ અગાઉ ઈબ્રામ અને સારાય નામથી ઓળખાતાં હતાં. પણ, આપણે આ લેખમાં ઈબ્રાહીમ અને સારાહ નામ વાપરીશું, જે ઈશ્વરે તેઓને આપ્યાં હતાં.