સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરો

યહોવા પ્રત્યેની તમારી વફાદારી સાબિત કરો

“મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું.”—૧ શમૂ. ૨૦:૪૨.

ગીતો: ૪૩, ૩૧

૧, ૨. દાઊદ સાથે યોનાથાનની મિત્રતા અને વફાદારી શા માટે વખાણવા જેવી છે?

યુવાન દાઊદની બહાદુરી જોઈને યોનાથાનને ચોક્કસ નવાઈ લાગી હશે. દાઊદે કદાવર ગોલ્યાથને મોતને ઘાટ ઉતાર્યો હતો. પછી, દાઊદ એ “પલિસ્તીનું માથું” લઈને યોનાથાનના પિતા, રાજા શાઊલ પાસે આવ્યો હતો. (૧ શમૂ. ૧૭:૫૭) યોનાથાનને કોઈ શંકા ન હતી કે યહોવા દાઊદની સાથે છે. ત્યાર બાદ, યોનાથાન અને દાઊદ ગાઢ મિત્રો બની ગયા. તેઓએ વચન આપ્યું કે તેઓ હંમેશાં એકબીજાને વફાદાર રહેશે. (૧ શમૂ. ૧૮:૧-૩) જીવનના છેલ્લા શ્વાસ સુધી યોનાથાન દાઊદને વફાદાર રહ્યા.

ઈસ્રાએલના બીજા રાજા તરીકે યહોવાએ દાઊદને પસંદ કર્યા, શાઊલના દીકરા યોનાથાનને નહિ. તેમ છતાં, યોનાથાન દાઊદને વફાદાર રહ્યા. અરે, શાઊલ જ્યારે દાઊદને મારી નાંખવા પાછળ પડ્યા હતા, ત્યારે યોનાથાન પોતાના મિત્ર માટે ચિંતિત થયા. તે જાણતા હતા કે દાઊદ હોરેશ નજીક આવેલા અરણ્યમાં સંતાઈ ગયા છે. ત્યાં જઈને તેમણે દાઊદને યહોવા પર ભરોસો રાખવાનું ઉત્તેજન આપ્યું. યોનાથાને દાઊદને કહ્યું: ‘બીશ નહિ. કેમ કે મારા પિતા શાઊલનો હાથ તને શોધી શકશે નહિ; તું ઈસ્રાએલનો રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ.’—૧ શમૂ. ૨૩:૧૬, ૧૭.

૩. યોનાથાન માટે સૌથી મહત્ત્વનું શું હતું અને એમ શા માટે કહી શકાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

આપણે વફાદાર લોકોની પ્રશંસા કરીએ છીએ. એટલે જ, આપણે યોનાથાનની પણ પ્રશંસા કરીએ છીએ. પરંતુ, શું તેમની પ્રશંસા ફક્ત એટલે કરીએ છીએ કેમ કે તે દાઊદને વફાદાર હતા? ના, એવું નથી. યોનાથાન માટે યહોવાને વફાદાર રહેવું સૌથી મહત્ત્વનું હતું. યહોવાને વફાદાર હોવાને લીધે જ તે દાઊદને વફાદાર રહ્યા. તેમના બદલે દાઊદ રાજા બનશે એ જાણવા છતાં, યોનાથાને પોતાના દિલમાં ઈર્ષાને કોઈ સ્થાન આપ્યું નહિ. અરે, તેમણે તો દાઊદને યહોવા પર ભરોસો રાખવા મદદ કરી હતી! યોનાથાન અને દાઊદ એકબીજાને તેમજ યહોવાને વફાદાર રહ્યા. તેઓએ એકબીજાને આપેલું આ વચન પાળ્યું: “મારી તથા તારી વચ્ચે ને મારા સંતાનની તથા તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું.”—૧ શમૂ. ૨૦:૪૨.

૪. (ક) આપણને શાનાથી ખરો આનંદ અને સંતોષ મળશે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચ કરીશું?

ખરું કે, આપણે પોતાનાં કુટુંબને, મિત્રોને અને મંડળનાં ભાઈ-બહેનોને વફાદાર રહેવું જ જોઈએ. (૧ થેસ્સા. ૨:૧૦, ૧૧) પરંતુ, યહોવાને વફાદાર રહેવું સૌથી મહત્ત્વનું છે. કેમ કે, તેમણે જ આપણને જીવન આપ્યું છે! (પ્રકટી. ૪:૧૧) તેમને વળગી રહીએ છીએ ત્યારે આપણને ખરો આનંદ અને સંતોષ મળે છે. પરંતુ, આપણે જાણીએ છીએ કે અઘરા સંજોગોમાં પણ યહોવાને વળગી રહેવું જ જોઈએ. આ લેખમાં આપણે યોનાથાનનું ઉદાહરણ જોઈશું. તેમનું ઉદાહરણ આપણને આ ચાર સંજોગોમાં યહોવાને વફાદાર રહેવા મદદ કરશે: (૧) અધિકાર ધરાવતી વ્યક્તિ આપણા માનને લાયક નથી એવું લાગે ત્યારે, (૨) કોને વફાદાર રહેવું એ પસંદ કરવાનું થાય ત્યારે, (૩) આગેવાની લેતા ભાઈઓની ગેરસમજનો કે અન્યાયનો આપણે ભોગ બનીએ ત્યારે અને (૪) વચન પાળવું અઘરું લાગે ત્યારે.

અધિકાર ધરાવતી વ્યક્તિ આપણા માનને લાયક નથી એવું લાગે ત્યારે

૫. શાઊલના રાજમાં ઈસ્રાએલીઓ માટે યહોવાને વફાદાર રહેવું શા માટે અઘરું હતું?

એક સમયે, યોનાથાન અને ઈસ્રાએલના લોકો સંકટમાં આવી પડ્યા. યોનાથાનના પિતા રાજા શાઊલ, યહોવાને આધીન ન રહ્યા. એના લીધે, યહોવાએ શાઊલને ત્યજી દીધા. (૧ શમૂ. ૧૫:૧૭-૨૩) છતાં, યહોવાએ શાઊલનું રાજ ઘણાં વર્ષો સુધી ચાલવા દીધું. શાઊલના રાજમાં, ઈસ્રાએલના લોકો માટે યહોવાને વફાદાર રહેવું અઘરું હતું. કારણ કે, “યહોવાના રાજ્યાસન” પર બેસવા માટે પસંદ થયેલો રાજા પોતે દુષ્ટ કામો કરતો હતો.—૧ કાળ. ૨૯:૨૩.

૬. આપણે શાના પરથી કહી શકીએ કે યોનાથાન યહોવાને વફાદાર હતા?

શાઊલ યહોવાને વફાદાર ન રહ્યા. (૧ શમૂ. ૧૩:૧૩, ૧૪) પણ તેમના દીકરા યોનાથાન એવા સંજોગોમાંય યહોવાને વફાદાર રહ્યા. એ અરસામાં, પલિસ્તીઓનું મોટું સૈન્ય ૩૦,૦૦૦ રથો સાથે ઈસ્રાએલ પર આક્રમણ કરવા ચઢી આવ્યું. શાઊલ પાસે ૬૦૦ જ સૈનિકો હતા. એમાંય ફક્ત શાઊલ અને યોનાથાન પાસે જ હથિયારો હતાં. પણ યોનાથાન ડર્યા નહિ. તેમણે શમૂએલ પ્રબોધકના આ શબ્દો યાદ કર્યા: “યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને ત્યજી દેશે નહિ.” (૧ શમૂ. ૧૨:૨૨) યોનાથાને પોતાના એક સાથી સૈનિકને કહ્યું: ‘થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવા, યહોવાને કંઈ રોકી શકતું નથી.’ તેઓ બંનેએ ભેગા મળીને પલિસ્તી સૈનિકોની એક ટોળી પર આક્રમણ કર્યું અને લગભગ ૨૦ સૈનિકોને ઠાર કર્યા. યોનાથાનને યહોવા પર ભરોસો હતો અને યહોવાએ એનું ઇનામ પણ તેમને આપ્યું. યહોવા ધરતીકંપ લાવ્યા અને પલિસ્તીઓ ડરના માર્યા હચમચી ગયા. એના લીધે તેઓએ અંદરોઅંદર કત્લેઆમ કરવા માંડી અને ઈસ્રાએલ યુદ્ધ જીતી ગયું.—૧ શમૂ. ૧૩:૫, ૧૫, ૨૨; ૧૪:૧, ૨, ૬, ૧૪, ૧૫, ૨૦.

૭. યોનાથાન પોતાના પિતા સાથે કઈ રીતે વર્ત્યા?

ખરું કે, શાઊલ યહોવાને બેવફા બનતા ગયા. છતાં, જ્યારે પણ શક્ય હતું ત્યારે યોનાથાન પોતાના પિતાને આધીન રહ્યા. દાખલા તરીકે, યહોવાના લોકોની રક્ષા કરવા દુશ્મનો વિરુદ્ધ શાઊલે જે લડાઈ કરી એમાં યોનાથાને તેમને પૂરો સાથ આપ્યો.—૧ શમૂ. ૩૧:૧, ૨.

૮, ૯. અધિકાર ધરાવનારાઓને માન આપીને કઈ રીતે આપણે યહોવાને માન બતાવીએ છીએ?

યોનાથાનની જેમ આપણે પણ યહોવાને વફાદારી બતાવવા, શક્ય હોય ત્યારે સરકારોને આધીન રહી શકીએ છીએ. યહોવાએ એ “મુખ્ય અધિકારીઓને” આપણા પર સત્તા ચલાવવા પરવાનગી આપી છે. યહોવા ચાહે છે કે આપણે તેઓને માન આપીએ. (રોમનો ૧૩:૧, ૨ વાંચો.) તેથી જ, દરેક સરકારી અધિકારી સાથે આપણે માનથી વર્તવું જોઈએ. પછી ભલે તે ઈમાનદાર હોય કે ન હોય, અથવા ભલે આપણને લાગે કે તે આપણા માનને લાયક નથી. જેઓને યહોવાએ અધિકાર આપ્યો છે, તેઓને પણ માન આપીને આપણે યહોવા પ્રત્યે વફાદારી બતાવી શકીએ છીએ.—૧ કોરીં. ૧૧:૩; હિબ્રૂ ૧૩:૧૭.

સત્યમાં ન હોય એવા લગ્નસાથી જોડે માનથી વર્તવું એ યહોવાને વફાદાર રહેવાની એક રીત છે (ફકરો ૯ જુઓ)

દક્ષિણ આફ્રિકામાં રહેતાં બહેન ઑલ્ગાનો વિચાર કરો. [1] તેમના પતિ તેમની સાથે બહુ ખરાબ વર્તન કરતા. તેમ છતાં, પોતાના પતિને આદર આપીને તેમણે યહોવા સાથેની વફાદારી જાળવી રાખી. બહેન ઑલ્ગા યહોવાના સાક્ષી છે એટલે, તેમના પતિ ઘણી વાર કડવાં વેણ સંભળાવતા અથવા અબોલા લઈ લેતા. અરે, તે એવી ધમકીઓ આપતા કે તે બાળકોને લઈને ઘર છોડીને જતા રહેશે. તેમ છતાં, ઑલ્ગાએ “ભૂંડાઈને બદલે ભૂંડાઈ” ન કરી. તેમણે પત્ની તરીકે એક સારું ઉદાહરણ બેસાડવા પોતાનાથી બનતું બધું કર્યું. તે પોતાના પતિનો ખ્યાલ રાખતાં. જેમ કે તેમના માટે રાંધતાં, કપડાં ધોતાં અને તેમના ઘરના બીજા સભ્યોની પણ સંભાળ લેતાં. (રોમ. ૧૨:૧૭) શક્ય હોય ત્યારે તે પોતાના પતિ સાથે તેમનાં સગાં-વહાલા અને મિત્રોની મુલાકાતે પણ જતાં. દાખલા તરીકે, પિતાની દફનવિધિ માટે ઑલ્ગાના પતિને બીજે શહેર જવાનું થયું. ત્યારે ઑલ્ગાએ મુસાફરીની બધી જ તૈયારી કરી. દફનવિધિ ચાલી ત્યાં સુધી બહેન ચર્ચની બહાર પતિની રાહ જોતાં રહ્યાં. આમ, ઑલ્ગાએ વર્ષો સુધી ધીરજ રાખી, તે પતિને માન આપતાં રહ્યાં. પરિણામે, તેમના પતિના વર્તનમાં સુધારો થવા લાગ્યો. હવે, તેમના પતિ તેમને સભાઓમાં જવાનું ઉત્તેજન આપે છે. અરે, તેમને સભાઓમાં લઈ જાય છે. અમુક વાર તો તે પોતે પણ ઑલ્ગા સાથે સભાઓમાં હાજર રહે છે.—૧ પીત. ૩:૧.

કોને વફાદાર રહેવું એ પસંદ કરવાનું થાય ત્યારે

૧૦. યોનાથાન કઈ રીતે જાણી શક્યા કે તેમણે કોને વફાદાર રહેવું જોઈએ?

૧૦ શાઊલે કહ્યું કે પોતે દાઊદને જાનથી મારી નાંખશે ત્યારે, યોનાથાનને એક અઘરો નિર્ણય લેવાનો હતો. તે પોતાના પિતાને તો વફાદાર રહેવા ચાહતા હતા, પરંતુ દાઊદ પ્રત્યેની વફાદારી પણ નિભાવવા માંગતા હતા. યોનાથાન જાણતા હતા કે યહોવા હવે દાઊદ સાથે છે, શાઊલ સાથે નહિ. તેથી, તેમણે દાઊદને વફાદાર રહેવાનો નિર્ણય લીધો. તેમણે દાઊદને ચેતવ્યા કે તે સંતાઈ જાય. ઉપરાંત, તેમણે શાઊલને સમજાવ્યા કે શા માટે તેમણે દાઊદનો જીવ ન લેવો જોઈએ.—૧ શમૂએલ ૧૯:૧-૬ વાંચો.

૧૧, ૧૨. યહોવા માટેનો પ્રેમ કઈ રીતે આપણને યહોવા પ્રત્યે વફાદાર રહેવા મદદ કરે છે?

૧૧ ઑસ્ટ્રેલિયામાં રહેતાં બહેન એલીસનો વિચાર કરો. તેમણે નક્કી કરવાનું હતું કે તે કોને વફાદાર રહેશે. તે બાઇબલમાંથી શીખતાં હતાં ત્યારે શીખેલી વાતો પોતાના કુટુંબને પણ જણાવતાં હતાં. સમય જતાં, તેમણે કુટુંબને જણાવ્યું કે તે હવેથી નાતાલ નહિ ઊજવે, તેમણે એનું કારણ પણ જણાવ્યું. એ સાંભળીને પહેલા તો તેમનું કુટુંબ નિરાશ થઈ ગયું અને એ પછી બહુ જ ગુસ્સો બતાવવા લાગ્યું. તેઓને એમ લાગવા માંડ્યું કે એલીસને હવે તેઓની કંઈ પડી નથી. અરે, તેમની મમ્મીએ તો સાફ જણાવી દીધું કે તે હવે એલીસનું મોઢું પણ જોવાં નથી માંગતાં. એલીસ જણાવે છે: ‘એ સાંભળીને મને ખૂબ આઘાત લાગ્યો અને મારું દિલ તૂટી ગયું, કેમ કે હું મારા કુટુંબને ખૂબ ચાહતી હતી. પણ, મારો નિર્ણય મક્કમ હતો કે હું તો યહોવાને અને તેમના દીકરાને જ પહેલું સ્થાન આપીશ. એ પછીના સંમેલનમાં મેં બાપ્તિસ્મા લીધું.’—માથ. ૧૦:૩૭.

૧૨ આપણી માટે યહોવા પ્રત્યેની વફાદારી જ સૌથી મહત્ત્વની હોવી જોઈએ. પણ જો ધ્યાન ન રાખીએ તો, કદાચ આપણે શાળા, રમતજગતની કોઈ ટીમ કે પછી, દેશને વધુ મહત્ત્વ આપવા લાગીશું. ભાઈ હેન્રીનો વિચાર કરો, જેમને પોતાની સ્કૂલમાં ચૅસ રમવું ખૂબ ગમતું હતું. તેમને શાળા માટે ચૅસની રમતમાં ટ્રોફી જીતવાની તમન્ના હતી. એ માટે તે દર શનિ-રવિના દિવસે ચૅસ રમવામાં સમય વિતાવતા. એ કારણે, પ્રચાર અને સભા માટે તે સમય ન આપી શકતા. પરંતુ, હેન્રીને અહેસાસ થયો કે સ્કૂલ પ્રત્યેની વફાદારી તેમની માટે યહોવા કરતાં વધારે મહત્ત્વની બની ગઈ છે. એટલે, તેમણે નિર્ણય લીધો કે તે સ્કૂલ તરફથી રમશે નહિ.—માથ. ૬:૩૩.

૧૩. દાખલો આપી સમજાવો કે કુટુંબમાં ઊભી થતી મુશ્કેલીને હાથ ધરવામાં યહોવા પ્રત્યેની વફાદારી કઈ રીતે મદદ કરે છે.

૧૩ ઘણી વાર, કુટુંબમાં કયા સભ્યને વફાદાર રહેવું એ નિર્ણય લેવો આપણા માટે અઘરો બની જાય છે. ભાઈ કૅનનો દાખલો જોઈએ. તે જણાવે છે: ‘હું મારી વૃદ્ધ માતાની નિયમિત રીતે મુલાકાત લેવા ચાહતો. કોઈક વાર તે અમારી સાથે રહેવા આવે એવી મારી ઇચ્છા હતી. પરંતુ, મારી માતા અને પત્નીને એકબીજા સાથે ફાવતું ન હતું. હું એકને ખુશ કરવા જતો ત્યાં બીજાને દુઃખ થતું.’ એ સંજોગોને હાથ ધરવા ભાઈએ વિચાર્યું કે બાઇબલનું માર્ગદર્શન શું છે. તેમને અહેસાસ થયો કે એ કિસ્સામાં તેમણે પત્નીને ખુશ રાખવાની છે અને તેને વફાદાર રહેવાનું છે. તેથી, તેમણે એવો રસ્તો અપનાવ્યો કે તેમની પત્ની ખુશ થાય. ઉપરાંત, તેમણે પત્નીને એ પણ સમજાવ્યું કે તેણે શા માટે સાસુ સાથે પ્રેમથી વર્તવું જોઈએ. તેમ જ, પોતાની માતાને સમજાવ્યું કે શા માટે તેમણે પોતાની વહુ સાથે માનથી વર્તવું જોઈએ.—ઉત્પત્તિ ૨:૨૪; ૧ કોરીંથી ૧૩:૪, ૫ વાંચો.

આગેવાની લેતા ભાઈઓની ગેરસમજનો કે અન્યાયનો ભોગ બનીએ ત્યારે

૧૪. શાઊલે યોનાથાન સાથે કઈ રીતે ખરાબ વર્તન કર્યું?

૧૪ કોઈ વાર આપણને એમ લાગે કે આગેવાની લેનાર કોઈ ભાઈ આપણી સાથે અન્યાયથી વર્ત્યા છે. એમ બને ત્યારે પણ બતાવી શકીએ કે યહોવાને આપણે વફાદાર છીએ. ફરી એકવાર યોનાથાનનો વિચાર કરો. શાઊલ તો યહોવાથી નિમાયેલા રાજા હતા, તોપણ તે યોનાથાન સાથે ખરાબ રીતે વર્ત્યા. શાઊલ સમજી ન શક્યા કે યોનાથાન શા માટે દાઊદને ખૂબ ચાહે છે. તેથી, યોનાથાને દાઊદને મદદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે શાઊલ ક્રોધે ભરાયા. અરે, તેમણે ભર સભામાં યોનાથાનને ઉતારી પાડ્યા. છતાં, યોનાથાને વળતો પ્રહાર ન કર્યો. પણ, તે યહોવાને અને તેમણે પસંદ કરેલા નવા રાજા દાઊદને વફાદાર રહ્યા.—૧ શમૂ. ૨૦:૩૦-૪૧.

૧૫. કોઈ ભાઈ આપણી સાથે અન્યાયથી વર્તે તોપણ આપણે કેવું વલણ રાખવું જોઈએ?

૧૫ આજે, આગેવાની લેતા ભાઈઓ મંડળમાં બધા સાથે ન્યાયથી વર્તવાનો પૂરો પ્રયત્ન કરે છે. જોકે, એ ભાઈઓ પણ આપણા બધાની જેમ અપૂર્ણ છે. એટલે, કદાચ આપણા કોઈ વર્તનને લીધે તેઓના મનમાં આપણી માટે કોઈ ગેરસમજ ઊભી થાય. (૧ શમૂ. ૧:૧૩-૧૭) આમ, આપણે કોઈની પણ ગેરસમજ કે અન્યાયનો ભોગ બનીએ, તોપણ આપણે યહોવા પ્રત્યેની વફાદારી જાળવી રાખીએ.

વચન પાળવું અઘરું લાગે ત્યારે

૧૬. કયા સંજોગોમાં આપણે યહોવાને વફાદાર રહીશું અને સ્વાર્થી નહિ બનીએ?

૧૬ શાઊલ ચાહતા હતા કે તેમના પછી દાઊદ નહિ, પણ યોનાથાન રાજા બને. (૧ શમૂ. ૨૦:૩૧) પરંતુ, યોનાથાનનું દિલ યહોવા માટેના પ્રેમથી ઊભરાતું હતું અને તે તેમને વફાદાર હતા. એટલે જ તે સ્વાર્થી ન બનતા દાઊદના મિત્ર બન્યા અને પોતાનું વચન નિભાવ્યું. હકીકતમાં તો, જે વ્યક્તિ યહોવાને પ્રેમ કરે છે તે તેમને વફાદાર રહે છે. પછી, ભલે તેને “નુકસાન સહન કરવું પડે તોપણ આપેલું વચન પાળે છે.” (ગીત. ૧૫:૪, IBSI) આપણે પણ યહોવાને વફાદાર છીએ, એટલે આપણે આપણાં વચનો કોઈ પણ કિંમતે નિભાવીએ છીએ. જેમ કે, વેપાર-ધંધાને લગતો કોઈ કરાર કર્યો હોય તો એને નિભાવીએ છીએ. પછી ભલે એમ કરવું આપણા માટે અઘરું કેમ ન હોય! આપણા લગ્નજીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તોપણ, લગ્નસાથી પ્રત્યેની આપણી વફાદારી ડગતી નથી. એ રીતે આપણે યહોવાને પ્રેમ બતાવીએ છીએ.—માલાખી ૨:૧૩-૧૬ વાંચો.

યહોવાને વફાદાર હોવાથી આપણે વેપાર-ધંધામાં કરેલા કરારને નિભાવીએ છીએ (ફકરો ૧૬ જુઓ)

૧૭. આ લેખની ચર્ચાથી તમે શું શીખી શક્યા?

૧૭ આપણે યોનાથાન જેવા બનવા માંગીએ છીએ, જે ઈશ્વરને વફાદાર હતા અને જેમનું વલણ નિઃસ્વાર્થ હતું. આપણાં ભાઈ-બહેનો આપણને ઠેસ પહોંચાડે તોપણ આપણે તેઓને વફાદાર રહીએ. ભલે ગમે તેવી મુશ્કેલી આવે તોપણ ચાલો યહોવાને વળગી રહીએ! એમ કરીને આપણે યહોવાનું દિલ ખુશ કરીશું અને એનાથી આપણે પણ અપાર ખુશી મેળવીશું. (નીતિ. ૨૭:૧૧) આપણને પૂરી ખાતરી છે કે આપણા માટે જે ઉત્તમ છે એ યહોવા ચોક્કસ કરશે અને આપણી કાળજી રાખશે. આવતા લેખમાં આપણે દાઊદના સમયના એવા લોકો વિશે જોઈશું, જેઓમાંનાં અમુક વફાદાર હતા, જ્યારે કે બીજા ન હતા.

^ [૧] (ફકરો ૯) અમુક નામ બદલ્યાં છે.