સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખુશી ખુશી યહોવાની સેવા કરતા રહો

ખુશી ખુશી યહોવાની સેવા કરતા રહો

તમારા માટે જીવનનો સૌથી આનંદી દિવસ કયો છે? શું તમારાં લગ્નનો દિવસ? કે, તમારું પહેલું બાળક જન્મ્યું, એ દિવસ? કે પછી, તમારા બાપ્તિસ્માનો દિવસ? કદાચ તમારા બાપ્તિસ્માનો દિવસ તમારા જીવનનો સૌથી મહત્ત્વનો અને ખુશાલ દિવસ રહ્યો હશે. યાદ કરો, એ દિવસે તમે સાબિતી આપી હતી કે તમે યહોવાને પૂરાં હૃદય, જીવ, મન અને સામર્થ્યથી ચાહો છો. અને એ જોઈને મંડળનાં ભાઈ-બહેનોને કેટલી ખુશી થઈ હતી!—માર્ક ૧૨:૩૦.

બાપ્તિસ્માના દિવસથી લઈને અત્યાર સુધી તમને યહોવાની સેવામાં ખૂબ આનંદ આવ્યો હશે. જોકે, ઘણા પ્રકાશકોને શરૂઆતમાં જેટલી ખુશી હતી, એટલી ખુશી હવે રહી નથી. તેઓની એ ખુશી ગુમ થવાનું કારણ શું છે? યહોવાની સેવા ખુશીથી કરતા રહેવાનાં આપણી પાસે કયાં કારણો છે?

અમુકે આનંદ કેમ ગુમાવ્યો?

ઈશ્વરના રાજ્યનો સંદેશો આપણને ઘણી ખુશી આપે છે. કારણ કે યહોવાએ વચન આપ્યું છે કે એ રાજ્ય જલદી જ આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે અને એક નવી દુનિયા લાવશે. સફાન્યા ૧:૧૪ આપણને જણાવે છે: “યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે.” પણ જો આપણને એમ લાગે કે એ દિવસ માટે હજી ઘણી રાહ જોવી પડશે, તો એ વિચાર આપણો આનંદ છીનવી શકે છે. અરે, કદાચ આપણે યહોવાની ભક્તિમાં મંદ પડી જઈ શકીએ!—નીતિ. ૧૩:૧૨.

આપણે જ્યારે ભાઈ-બહેનો સાથે સમય પસાર કરીએ છીએ, ત્યારે ખુશીથી યહોવાની ભક્તિ કરતા રહેવા ઉત્તેજન મળે છે. યહોવાના લોકોનાં સારાં આચરણથી કદાચ આપણે યહોવાની ભક્તિ તરફ આકર્ષાયા હોઈએ અને પછીથી તેમની સેવા ખુશી ખુશી કરવા લાગ્યા હોઈએ. (૧ પીત. ૨:૧૨) જોકે, યહોવાની આજ્ઞા ન માનવાને લીધે કોઈ ભાઈ કે બહેનને શિસ્ત આપવામાં આવે ત્યારે શું થઈ શકે? કદાચ મંડળમાં અમુક લોકો નિરાશ થઈ જાય અને પોતાનો આનંદ ગુમાવી બેસે.

પૈસાનો પ્રેમ પણ આપણો આનંદ છીનવી શકે છે. કઈ રીતે? શેતાનની દુનિયા આપણને એવી વસ્તુઓ ખરીદવા પણ મનાવી લે છે, જે ખરેખર જરૂરી નથી. પરંતુ, આપણે ઈસુના આ શબ્દો યાદ રાખવા જોઈએ: “કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; કેમ કે તે એક પર દ્વેષ કરશે, ને બીજા પર પ્રીતિ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે; ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.” (માથ. ૬:૨૪) ખુશી ખુશી યહોવાની સેવા કરવી અને સાથે સાથે આ દુનિયાનું બધું મેળવી લેવું એ શક્ય નથી.

ઈશ્વરની સેવામાં આનંદી

યહોવાને ચાહનાર સેવકો માટે યહોવાની ભક્તિ કંઈ બોજરૂપ નથી. (૧ યોહા. ૫:૩) ઈસુના શબ્દો યાદ કરો, તેમણે કહ્યું હતું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માથ. ૧૧:૨૮-૩૦) ખ્રિસ્તને પગલે ચાલનાર બનવાથી આપણને વિસામો મળે છે, એટલે કે તાજગી અને ખુશી મળે છે. યહોવાની સેવા ખુશી ખુશી કરવાનાં આપણી પાસે ઘણાં સારાં કારણો છે. ચાલો, એમાંનાં ત્રણની ચર્ચા કરીએ.—હબા. ૩:૧૮.

આપણે આપણા જીવનદાતા, આનંદી ઈશ્વર યહોવાની સેવા કરીએ છીએ. (પ્રે.કૃ. ૧૭:૨૮) આપણને પૂરો અહેસાસ છે કે આપણા જીવન પર આપણા સર્જનહાર યહોવાનો હક છે. એટલે ભલે આપણા બાપ્તિસ્માને વર્ષો વીતી ચૂક્યાં હોય, તોપણ આપણે યહોવાની સેવા ખુશીથી કરીએ છીએ.

હેક્ટર ભાઈ નવી દુનિયાની આશા મનમાં રાખીને તેમજ સેવાકાર્યમાં લાગુ રહીને પોતાનો આનંદ જાળવી રાખે છે

હેક્ટર ભાઈનો વિચાર કરો, જેમણે પ્રવાસી નિરીક્ષક તરીકે ૪૦ વર્ષો સેવા આપી છે. તે પોતાના “ઘડપણમાં પણ” યહોવાની સેવામાં આનંદી છે. (ગીત. ૯૨:૧૨-૧૪) પત્ની બીમાર હોવાથી હેક્ટર ભાઈ યહોવાની સેવામાં વધુ કરી શકતા નથી. છતાં, ભાઈએ પોતાનો આનંદ જાળવી રાખ્યો છે. ભાઈ જણાવે છે: ‘મારી પત્નીની તબિયત ધીરે ધીરે કથળવા લાગી છે. એ જોઈને મને ખરેખર દુઃખ થાય છે. તેની સંભાળ રાખવી પડકારજનક થઈ પડે છે. તેમ છતાં, મેં સાચા ઈશ્વરની સેવામાં મળતા આનંદને છીનવાઈ જવા દીધો નથી. મારા જીવન પર યહોવાને જ હક છે, જેમણે માણસજાતને એક હેતુથી બનાવી છે. મારી માટે એ કારણ જ પૂરતું છે કે હું યહોવાને ઊંડો પ્રેમ બતાવું અને પૂરા દિલથી તેમની ભક્તિ કરું. પ્રચારમાં લાગુ રહેવા હું સતત મહેનત કરું છું. મારો આનંદ જાળવી રાખવા હું જીવનમાં ઈશ્વરના રાજ્યની આશાને કાયમ પ્રથમ રાખું છું.’

યહોવાએ ઈસુના બલિદાનની ગોઠવણ કરીને આપણા માટે ખુશાલ જીવન શક્ય બનાવ્યું છે. ખરેખર, ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહા. ૩:૧૬) હા, ઈસુનું બલિદાન આપીને ઈશ્વરે આપણને પ્રેમાળ ભેટ આપી છે. એ બલિદાનમાં વિશ્વાસ મૂકીએ તો આપણાં પાપ કાયમ માટે ભૂંસાઈ શકે છે અને હંમેશ માટે જીવવાનો મોકો મળી શકે છે. ઈશ્વરનો દિલથી આભાર માનવાનું એ સૌથી અજોડ કારણ છે! ઈસુના બલિદાનની કદર આપણને યહોવાની સેવા વફાદારીથી કરવા પ્રેરશે.

એસુસ ભાઈએ જીવન સાદું બનાવ્યું અને વર્ષો યહોવાની સેવા ખુશી ખુશી કરી

મેક્સિકોમાં રહેતા ભાઈ એસુસ કહે છે: ‘હું નોકરીનો એવો તે ગુલામ બની ગયો હતો કે ફરજમાં ન આવતું તોય અમુક વાર કલાકો ને કલાકો કામમાં ડૂબ્યો રહેતો. કેમ કે મારે બહુ પૈસો બનાવવો હતો. પણ પછી હું યહોવા વિશે અને તેમણે માણસજાત માટે કઈ રીતે પોતાનો વહાલો દીકરો કુરબાન કર્યો, એ વિશે શીખ્યો. એ શીખ્યા પછી મારા દિલમાં તેમની સેવા કરવાની તીવ્ર ઇચ્છા જાગી. તેથી, મેં યહોવાને મારું જીવન સોંપી દીધું. હું ૨૮ વર્ષથી જે કંપનીમાં નોકરી કરતો હતો, એ છોડીને મેં પાયોનિયરીંગ કરવાનું નક્કી કર્યું.’ એ તો યહોવાની આનંદી સેવામાં વિતાવેલાં વર્ષોની માત્ર એક શરૂઆત હતી.

નૈતિક રીતે શુદ્ધ જીવન જીવીને આપણે ખુશી મેળવી શકીએ છીએ. જરા યાદ કરો કે તમે યહોવાને ઓળખ્યા એ પહેલાં તમારું જીવન કેવું હતું? પ્રેરિત પાઊલે રોમના ખ્રિસ્તીઓને યાદ અપાવ્યું કે સત્ય જાણ્યું એ પહેલાં તેઓ “પાપના દાસ હતા.” પરંતુ, સત્ય જાણ્યા પછી તેઓ “ન્યાયીપણાના દાસ” બન્યા. તેઓ શુદ્ધ જીવન જીવતા હોવાથી ભાવિમાં હંમેશના જીવનની આશા રાખી શકતા હતા. (રોમ. ૬:૧૭-૨૨) આપણે પણ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલીએ છીએ. એટલે અનૈતિક કે હિંસક જીવનઢબથી આવતું દુઃખ આપણે વેઠવું પડતું નથી. શું એ આનંદ આપનારું કારણ નથી!

‘યહોવાની સેવામાં વિતાવેલાં વર્ષો મારા જીવનનાં સૌથી આનંદી વર્ષો છે.’—જેમી

ભાઈ જેમી પહેલાં નાસ્તિક હતા અને ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા. તે એક બૉક્સર પણ હતા. તેમણે સભાઓમાં આવવાનું શરૂ કર્યું. ત્યાં જોવા મળતા પ્રેમભાવથી તે ખૂબ પ્રભાવિત થયા. પોતાની જૂની જીવનઢબ ત્યજી દેવા તેમણે યહોવાને વિનંતી કરી. યહોવામાં તે શ્રદ્ધા મૂકી શકે એવી તેમણે યહોવા પાસે મદદ માંગી. જેમી જણાવે છે: ‘ધીરે ધીરે, હું પ્રેમાળ પિતા અને કૃપાળુ ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કરવા લાગ્યો. યહોવાનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવવાથી મને રક્ષણ મળ્યું છે. જો મેં મારું એ જીવન બદલ્યું ન હોત, તો પહેલાંના મારા અમુક બૉક્સર સાથીઓની જેમ, હું પણ જીવ ગુમાવી બેઠો હોત. યહોવાની સેવામાં વિતાવેલાં વર્ષો મારા જીવનનાં સૌથી આનંદી વર્ષો છે.’

સારું કરતાં આપણે થાકીએ નહિ

આપણે દુષ્ટ દુનિયાના અંતની રાહ જોઈએ છીએ. એ દરમિયાન આપણે કેવું અનુભવવું જોઈએ? યાદ રાખીએ કે આપણે ઈશ્વરની ઇચ્છા પૂરી કરી રહ્યા છીએ. તેમ જ, કાગને ડોળે અનંતજીવનની રાહ જોઈ રહ્યા છીએ. તેથી, “સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” (ગલા. ૬:૮, ૯) યહોવાની મદદથી ચાલો આપણે ધીરજ રાખીએ અને એવા ગુણો કેળવીએ જે “મોટી વિપત્તિ”માંથી બચવા જરૂરી છે. યહોવા આપણને આનંદ જાળવી રાખવા પણ મદદ કરશે.—પ્રકટી. ૭:૯, ૧૩, ૧૪; યાકૂ. ૧:૨-૪.

પૂરી ખાતરી રાખીએ કે યહોવા આપણને ધીરજનું ફળ જરૂર આપશે. આપણે કરેલાં કામ તેમજ તેમના પ્રત્યે અને તેમના નામ પ્રત્યે આપણે બતાવેલા પ્રેમ વિશે તે સારી રીતે જાણે છે. જો આપણે યહોવાની સેવા ખુશીથી કરીશું, તો દાઊદની જેમ કહી શકીશું: ‘મેં મારી સંમુખ યહોવાને નિત્ય રાખ્યા છે; તે મારા જમણા હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. માટે મારું હૃદય આનંદમાં છે અને મારો જીવ હર્ષ પામે છે; મારો દેહ પણ સહીસલામત રહેશે.’—ગીત. ૧૬:૮, ૯.