યહોવાના વફાદાર સેવકો પાસેથી શીખો
“ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો [“વફાદાર રહેવું,” NW] તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?”—મીખા. ૬:૮.
ગીતો: ૧૮, ૪૩
૧, ૨. અબીશાય શાઊલનો જીવ લેવા ચાહતા હતા, ત્યારે દાઊદે કઈ રીતે યહોવાને વફાદારી બતાવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
શાઊલ અને તેના ૩,૦૦૦ સૈનિકો યહુદાહના વેરાન વિસ્તારમાં દાઊદને શોધી રહ્યા હતા. તેઓ દાઊદને મોતને ઘાટ ઉતારવા માંગતા હતા. એક રાતે, શાઊલ અને તેમના સૈનિકો પોતાની છાવણીમાં ઊંઘતા હતા, એવામાં દાઊદ અને તેમના સાથીદારો ત્યાં આવ્યા. દાઊદ અને અબીશાય ફૂંકી ફૂંકીને ડગલું ભરતાં છાવણીમાં ઘૂસ્યા. ત્યાં ગાઢ ઊંઘમાં સૂતેલા શાઊલ તેઓની નજરે પડ્યા. અબીશાયે ધીમા અવાજે દાઊદને કહ્યું, “હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંયભેગો કરવા દે, ને હું તેને બીજી વાર નહિ મારું.” પણ દાઊદે અબીશાયને રોકતા કહ્યું: ‘તેનો નાશ ન કર; કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે? યહોવા એવું ન થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષિક્ત પર ઉગામું!’—૧ શમૂ. ૨૬:૮-૧૨.
૨ દાઊદ જાણતા હતા કે યહોવાને વફાદાર રહેવા તેમણે શું કરવું જોઈએ. તેમને ખ્યાલ હતો કે તેમણે શાઊલને માન બતાવવું જોઈએ. તે શાઊલને ઈજા કરવાના વિચારથી પણ દૂર રહ્યા. શા માટે? કારણ કે ખુદ યહોવાએ શાઊલને ઈસ્રાએલના મીખાહ ૬:૮ વાંચો.
રાજા તરીકે નીમ્યા હતા. એ સમયની જેમ આજે પણ યહોવા પોતાના ભક્તો પાસેથી વફાદારી ચાહે છે. તે ચાહે છે કે તેમણે અધિકાર ચલાવવાની જેઓને પરવાનગી આપી છે તેઓને આપણે માન આપીએ.—૩. અબીશાય કઈ રીતે દાઊદને વફાદાર રહ્યા?
૩ અબીશાયે દાઊદની વાત માનીને તેમને માન આપ્યું. કારણ કે તે જાણતા હતા કે યહોવાએ દાઊદને રાજા તરીકે પસંદ કર્યા છે. જોકે, રાજા બન્યા પછી દાઊદે એક ગંભીર પાપ કર્યું. તેમણે ઉરીયાહની પત્ની જોડે વ્યભિચાર કર્યો. એટલું જ નહિ, તેમણે યોઆબને કહીને ઉરીયાહને યુદ્ધમાં મારી નંખાવ્યો. (૨ શમૂ. ૧૧:૨-૪, ૧૪, ૧૫) યોઆબ તો અબીશાયના ભાઈ હતા. એટલે અબીશાયને દાઊદે રચેલા ષડ્યંત્ર વિશે જાણ થઈ હોય શકે. (૧ કાળ. ૨:૧૬) છતાં, અબીશાય દાઊદને માન આપતા રહ્યા. ઉપરાંત, પોતે એક સેનાપતિ હોવાથી અબીશાયે ચાહ્યું હોત તો, પોતાની સત્તા વાપરીને રાજા બની ગયા હોત. પરંતુ, તેમણે એવો વિચાર પણ મનમાં આવવા દીધો નહિ. એના બદલે, તેમણે દાઊદની સેવા કરી અને તેમને દુશ્મનોથી બચાવ્યા.—૨ શમૂ. ૧૦:૧૦; ૨૦:૬; ૨૧:૧૫-૧૭.
૪. (ક) આપણે શા માટે કહી શકીએ કે દાઊદ યહોવાને વફાદાર હતા? (ખ) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૪ દાઊદ છેલ્લા શ્વાસ સુધી યહોવાને વફાદાર રહ્યા. તે યુવાન હતા ત્યારે કદાવર ગોલ્યાથને ભોંયભેગો કરી દીધો, જે “જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર” કરતો હતો. (૧ શમૂ. ૧૭:૨૩, ૨૬, ૪૮-૫૧) પછીથી, દાઊદ રાજા બન્યા અને જ્યારે પાપ કરી બેઠા ત્યારે યહોવાએ પ્રબોધક નાથાનને મોકલ્યા. પ્રબોધકે દાઊદને પોતાની ભૂલ સુધારવા મદદ કરી. દાઊદે પોતાની ભૂલ સ્વીકારી અને પસ્તાવો કર્યો. (૨ શમૂ. ૧૨:૧-૫, ૧૩) વૃદ્ધ થયા ત્યારે દાઊદે યહોવાનું મંદિર બાંધવા માટે ઘણી મૂલ્યવાન ચીજ-વસ્તુઓ દાનમાં આપી. (૧ કાળ. ૨૯:૧-૫) એક વાત સાફ છે, ભલે દાઊદથી ગંભીર ભૂલો થઈ હતી, પણ તે જીવનભર યહોવાને વળગી રહ્યા. (ગીત. ૫૧:૪, ૧૦; ૮૬:૨) આ લેખમાં આપણે દાઊદ અને તેમના સમયની બીજી કેટલીક વ્યક્તિઓના દાખલા જોઈશું. આપણે શીખીશું કે કઈ રીતે સૌ પ્રથમ યહોવાને વફાદાર રહી શકીએ. આપણે એવા ગુણો વિશે પણ જોઈશું જે આપણને યહોવાને વફાદાર બની રહેવા મદદ કરશે.
સૌ પ્રથમ કોને વફાદાર રહેવું?
૫. અબીશાયની ભૂલ પરથી આપણે કયો બોધપાઠ લઈ શકીએ?
૫ દાઊદ પ્રત્યે વફાદારી બતાવવાના હેતુથી અબીશાય શાઊલને મારી નાંખવા માંગતા હતા. પરંતુ, દાઊદ જાણતા હતા કે ‘યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામવો’ ખોટું છે. એટલે, તેમણે અબીશાયને રોક્યા. (૧ શમૂ. ૨૬:૮-૧૧) એ બનાવ આપણને એક મહત્ત્વનો બોધપાઠ શીખવે છે: સૌ પ્રથમ કોને વફાદાર રહેવું એ નિર્ણય લેવાનો થાય ત્યારે, આપણે પારખવું જોઈએ કે એ સંજોગોમાં બાઇબલનો કયો સિદ્ધાંત મદદ કરી શકે છે.
૬. સગાં અને મિત્રોને વફાદાર રહેવું સ્વાભાવિક છે, પણ આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?
૬ સ્વાભાવિક છે કે આપણે જેઓને પ્રેમ કરતા હોઈએ તેઓ પ્રત્યે વફાદારી બતાવવા માંગીએ. જેમ કે, આપણાં સગાં અને મિત્રો પ્રત્યે. પરંતુ, આપણે અપૂર્ણ છીએ એટલે લાગણીઓમાં તણાઈને કદાચ ખોટો નિર્ણય લઈ બેસીએ. (યિર્મે. ૧૭:૯) તેથી, જો આપણું કોઈ પ્રિયજન કોઈ ખરાબ કામ કરે અને સત્ય છોડી દે, તો યાદ રાખીએ કે તેમના કરતાં યહોવાને વફાદાર રહેવું વધારે જરૂરી છે.—માથ્થી ૨૨:૩૭ વાંચો.
૭. અઘરા સંજોગોમાં એક બહેન કઈ રીતે યહોવાને વફાદાર રહ્યાં?
૭ જો તમારા કુટુંબમાંથી કોઈને બહિષ્કૃત કરવામાં આવ્યા હોય, તોપણ તમે યહોવા પ્રત્યેની વફાદારી જાળવી રાખી શકો છો. બહેન ઍનનો વિચાર કરો. [1] તેમનાં મમ્મીને બહિષ્કૃત કરવામાં આવ્યાં હતાં. એક વાર તેમની મમ્મીએ ફોન કરીને કહ્યું કે તે તેમને મળવા માંગે છે. ઍનનાં મમ્મીએ જણાવ્યું કે કુટુંબના સભ્યો તેમની સાથે વાત કરવાનો નકાર કરે છે માટે તે ઘણાં દુઃખી છે. એ સાંભળીને ઍન ખૂબ દુઃખી થયાં અને તેમણે એ વિશે મમ્મીને પત્ર દ્વારા જવાબ આપવાનું વચન આપ્યું. પરંતુ, બહેને પત્ર લખતા પહેલાં બાઇબલના અમુક સિદ્ધાંતો પર મનન કર્યું. (૧ કોરીં. ૫:૧૧; ૨ યોહા. ૯-૧૧) પછી, તેમણે પત્રમાં પ્રેમાળ રીતે જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે પાપ કરીને અને એનો પસ્તાવો ન બતાવીને મમ્મી પોતે કુટુંબથી દૂર થયાં છે. અને હવે, આનંદ પાછો મેળવવાનો એક જ રસ્તો છે કે તે યહોવા પાસે પાછાં ફરે.—યાકૂ. ૪:૮.
૮. યહોવાને વફાદાર રહેવા આપણને કયા ગુણો મદદ કરશે?
૮ દાઊદના સમયમાં યહોવાના વફાદાર સેવકો નમ્ર,
દયાળુ અને હિંમતવાન પણ હતા. ચાલો જોઈએ કે યહોવાને વફાદાર રહેવા એ ગુણો આપણને કઈ રીતે મદદ કરે છે.યહોવા પ્રત્યેની વફાદારી નમ્રતા માંગી લે છે
૯. આબ્નેરે શા માટે દાઊદને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો?
૯ દાઊદ જ્યારે ગોલ્યાથનું માથું લઈને શાઊલ પાસે આવ્યા, ત્યારે યોનાથાન અને ઈસ્રાએલના સેનાપતિ આબ્નેરે એ જોયું હતું. એ પછી, યોનાથાન દાઊદના મિત્ર બન્યા અને હંમેશાં તેમને વફાદાર રહ્યા. (૧ શમૂ. ૧૭:૫૭–૧૮:૩) જ્યારે કે, આબ્નેર વફાદાર રહ્યો નહિ. અરે, દાઊદને મારી નાંખવાના શાઊલના કાવતરામાં આબ્નેરે પણ મદદ કરી હતી. (૧ શમૂ. ૨૬:૧-૫; ગીત. ૫૪:૩) યોનાથાન અને આબ્નેર બંને જાણતા હતા કે દાઊદ ઈસ્રાએલના રાજા બને એવી ઈશ્વરની ઇચ્છા છે. છતાં, શાઊલના મરણ પછી આબ્નેરે દાઊદને સાથ આપ્યો નહિ. એના બદલે તેણે શાઊલના દીકરા ઈશ-બોશેથને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો. પછીથી, કદાચ તે પોતે રાજા બનવા માંગતો હતો એટલે તેણે રાજા શાઊલની એક ઉપપત્ની જોડે જાતીય સંબંધો બાંધ્યા. (૨ શમૂ. ૨:૮-૧૦; ૩:૬-૧૧) દાઊદ સાથે યોનાથાન અને આબ્નેરનું વર્તન શા માટે એકબીજાથી સાવ અલગ હતું? કારણ કે યોનાથાન યહોવાને વફાદાર હતા અને તે નમ્ર હતા. પણ આબ્નેર એવો ન હતો.
૧૦. આબ્શાલોમ કેમ ઈશ્વરને વફાદાર ન હતો?
૧૦ હવે, રાજા દાઊદના દીકરા આબ્શાલોમનો વિચાર કરો. તે નમ્ર ન હોવાને લીધે ઈશ્વરને વફાદાર ન હતો. તે રાજા બનવાના સપના જોતો હતો એટલે તેણે “પોતાને માટે રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા.” (૨ શમૂ. ૧૫:૧) તેણે ઘણા ઈસ્રાએલીઓને પણ પોતાની તરફ કરી લીધા. યહોવાએ દાઊદને ઈસ્રાએલના રાજા બનાવ્યા છે, એ વાત તે સારી રીતે જાણતો હતો. તેમ છતાં, તેણે દાઊદને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો.—૨ શમૂ. ૧૫:૧૩, ૧૪; ૧૭:૧-૪.
૧૧. આબ્નેર, આબ્શાલોમ અને બારૂખના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૧ જ્યારે વ્યક્તિ નમ્ર નથી હોતી અને વધારે મહત્ત્વ મેળવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેની માટે ઈશ્વરને વફાદાર રહેવું અઘરું બને છે. એમાં કોઈ શંકા નથી કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. અને નથી ઇચ્છતા કે આબ્નેર અને આબ્શાલોમની જેમ સ્વાર્થી અને દુષ્ટ બનીએ. પરંતુ, જો ધ્યાન નહિ રાખીએ તો પૈસાના પ્રેમમાં કે મોભાદાર નોકરી મેળવવા પાછળ આંધળા બની જઈશું. એના લીધે યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં મુકાઈ જશે. યિર્મેયાના મદદનીશ બારૂખ સાથે એવું જ બન્યું. તે એવી બાબતો મેળવવાની ઝંખના રાખતા હતા જે તેમની પાસે ન હતી. એના લીધે તેમને યહોવાની સેવામાં આનંદ આવતો ન હતો. યહોવાએ તેમને ચેતવ્યા: ‘જે મેં બાંધ્યું છે તે હું પાડી નાખીશ, ને જે મેં રોપ્યું છે તે હું ઊખેડી નાખીશ; અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ. શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ!’ (યિર્મે. ૪૫:૪, ૫) બારૂખે યહોવાની ચેતવણી ધ્યાનમાં લીધી અને યહોવાની વાત માની. આપણે પણ એમ કરવું જોઈએ. કારણ કે યહોવા જલદી જ આ દુષ્ટ દુનિયાનો અંત લાવવાના છે.
૧૨. સમજાવો કે સ્વાર્થી બનીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને વફાદાર કેમ રહી શકતા નથી.
૧૨ મૅક્સિકોમાં રહેતા ડેનિયલ નામના ભાઈને નિર્ણય લેવાનો હતો કે તે કોને વફાદાર રહેશે. તે એવી છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા, જે યહોવાની ભક્ત ન હતી. ભાઈ કહે છે: ‘મેં પાયોનિયરીંગ શરૂ કર્યું એ પછી પણ હું તેને પત્રો લખતો હતો.’ જોકે, ભાઈને અહેસાસ થયો કે પોતાની મરજી પ્રમાણે કરીને તે સ્વાર્થી વલણ બતાવી રહ્યા છે. એમ કરીને તે યહોવા પ્રત્યે વફાદારી બતાવવાનું ચૂકી રહ્યા હતા. તેમણે નમ્ર બનવાની જરૂર હતી. તેથી, તેમણે એ છોકરી વિશે મંડળના એક અનુભવી વડીલને જણાવ્યું. ડેનિયલ સમજાવે છે: ‘વડીલે મને એ જોવા મદદ કરી કે ઈશ્વરને વફાદાર રહેવા માટે મારે એ છોકરીને પત્ર લખવાનું બંધ કરવું જોઈએ. ઘણી પ્રાર્થનાઓ અને આંસુઓ સાથે મેં એમ જ કર્યું. અને પછી તો પ્રચારકાર્યમાં મને ઘણો આનંદ આવવા લાગ્યો.’ આજે, ડેનિયલ એક સરકીટ નિરીક્ષક છે અને એવી પત્ની મેળવી શક્યા છે, જે યહોવાને પ્રેમ કરે છે.
યહોવા પ્રત્યેની વફાદારી દયાથી વર્તવા મદદ કરે છે
૧૩. નાથાન કઈ રીતે યહોવાને અને દાઊદને વફાદાર રહ્યા?
૧૩ યહોવાને વફાદાર રહીને આપણે બીજાઓ પ્રત્યે પણ વફાદારી જાળવી શકીએ છીએ. આપણે તેઓને સૌથી સારી રીતે મદદ કરી શકીએ છીએ. નાથાન પ્રબોધકનો દાખલો લો. તે યહોવાને વફાદાર રહેવાની સાથે સાથે દાઊદને પણ વફાદાર બની રહ્યા. દાઊદે ઉરીયાહની પત્ની સાથે વ્યભિચાર કર્યો અને ઉરીયાહને મારી નંખાવ્યો હતો. એટલે, તેમને શિસ્ત આપવા યહોવાએ નાથાન પ્રબોધકને મોકલ્યા. યહોવાની એ આજ્ઞા માનવામાં નાથાન પ્રબોધકે હિંમત બતાવી. એટલું જ નહિ, તે સમજણપૂર્વક વર્ત્યા અને દાઊદ સાથે દયાભાવથી વાત કરી. દાઊદનાં પાપ કેટલાં ગંભીર હતાં, એ જોવામાં નાથાન પ્રબોધક તેમને મદદ કરવા માંગતા હતા. એટલે, તેમણે દાઊદને એક અમીર માણસની વાર્તા કહી, જેણે એક ગરીબ માણસનું એકનું એક ઘેટું ચોરી લીધું હતું. એ વાત સાંભળીને દાઊદને વાર્તામાંના અમીર માણસ પર ગુસ્સો આવ્યો. ત્યારે નાથાન પ્રબોધકે દાઊદને કહ્યું: “તું જ તે માણસ છે.” દાઊદને ખ્યાલ આવી ગયો કે તેમણે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે.—૨ શમૂ. ૧૨:૧-૭, ૧૩.
૧૪. તમે કઈ રીતે યહોવાને તેમજ તમારા પ્રિયજનોને વફાદાર રહી શકો?
૧૪ તમે પણ દયાભાવથી વર્તીને પ્રથમ તો યહોવાને વફાદાર રહી શકો તેમજ બીજાઓ પ્રત્યે વફાદારી જાળવી શકો. દાખલા તરીકે, કદાચ તમારી પાસે ઠોસ પુરાવા છે કે મંડળના કોઈ ભાઈ કે બહેને ગંભીર પાપ કર્યું છે. તમે કદાચ તેમને વફાદાર રહેવા ચાહશો, એમાંય ખાસ તો જ્યારે તે તમારા ગાઢ મિત્ર કે કુટુંબનું સભ્ય હોય ત્યારે. પરંતુ, સૌ પ્રથમ તો યહોવાને વફાદાર રહેવું વધુ મહત્ત્વનું છે. લેવીય ૫:૧; ગલાતી ૬:૧ વાંચો.
એટલે નાથાન પ્રબોધકની જેમ તમારે યહોવાને આધીન રહેવું જોઈએ. સાથે સાથે, એ વ્યક્તિ જોડે પણ દયાભાવથી વર્તવું જોઈએ. એ વ્યક્તિને જણાવો કે એ વિશે વડીલોને જલદી જ વાત કરે અને તેઓની મદદ માંગે. જો તે એમ ન કરે, તો તમારે વડીલોને એ વાત જણાવવી જોઈએ. એમ કરીને તમે યહોવા પ્રત્યે વફાદાર રહો છો. ઉપરાંત, તમે એ ભાઈ કે બહેન પ્રત્યે દયા પણ બતાવો છો. કારણ કે, વડીલો તેમને યહોવા સાથે ફરી સારો સંબંધ બાંધવામાં મદદ કરી શકે એમ છે. વડીલો તેમને નમ્રભાવે અને પ્રેમાળ રીતે સુધારશે.—યહોવા પ્રત્યેની વફાદારી હિંમત માંગી લે છે
૧૫, ૧૬. યહોવાને વફાદાર રહેવામાં હૂશાયને શા માટે હિંમતની જરૂર હતી?
૧૫ હવે, રાજા દાઊદના બીજા એક વફાદાર મિત્ર હૂશાયનો દાખલો જોઈએ. લોકો આબ્શાલોમને રાજા બનાવવા માંગતા હતા ત્યારે, યહોવા અને દાઊદ પ્રત્યે વફાદારી બતાવવી, એ કંઈ હૂશાય માટે સહેલું ન હતું. એ હિંમત માંગી લે એવું કામ હતું. હૂશાયને ખબર હતી કે આબ્શાલોમ પોતાનું સૈન્ય લઈને યરુશાલેમ આવી પહોંચ્યો છે અને દાઊદ જીવ લઈને ત્યાંથી નાસી ગયા છે. (૨ શમૂ. ૧૫:૧૩; ૧૬:૧૫) એવા સંજોગોમાં હૂશાયે શું કર્યું? શું દાઊદ પ્રત્યેની વફાદારી તોડીને તે આબ્શાલોમના પક્ષે થઈ ગયા? ના, બિલકુલ નહિ. તે દાઊદને વફાદાર રહ્યા. અરે, દાઊદ વૃદ્ધ થઈ ગયા હતા ને ઘણા લોકો તેમનો જીવ લેવા મથી રહ્યા હતા, તોપણ હૂશાયે દાઊદને વફાદારી બતાવી. કારણ કે તે જાણતા હતા કે દાઊદ તો યહોવાથી નિમાયેલા રાજા છે. એટલે, દાઊદને મળવા હૂશાય જૈતુનના પહાડ પર ગયા.—૨ શમૂ. ૧૫:૩૦, ૩૨.
૧૬ એ મુલાકાતમાં દાઊદે હૂશાયની પાસે એક મદદ માંગી. તેમણે જણાવ્યું કે તે આબ્શાલોમના મિત્ર હોવાનો ઢોંગ કરે, જેથી અહીથોફેલની સલાહના બદલે આબ્શાલોમ હૂશાયની સલાહ માને. હૂશાયે ફરી એકવાર હિંમતનો પરચો આપ્યો. દાઊદના કહ્યા મુજબ કરવા અને યહોવાને વફાદાર રહેવા તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો! દાઊદે પ્રાર્થના કરી કે યહોવા હૂશાયને મદદ કરે અને એમ જ બન્યું. અહીથોફેલની સલાહને બદલે આબ્શાલોમે હૂશાયની સલાહ માની!—૨ શમૂ. ૧૫:૩૧; ૧૭:૧૪.
૧૭. વફાદાર બની રહેવું શા માટે હિંમત માંગી લે છે?
૧૭ આપણી સાથે પણ એમ બની શકે છે. અમુક વાર કુટુંબીજનો, નોકરી પરના લોકો, કે પછી અધિકારીઓ આપણને એવું કંઈક કરવા કહે, જે યહોવા પ્રત્યેની આપણી વફાદારીને આડે આવે. પરંતુ, યહોવાને વફાદાર રહેવા આપણે તેઓનું કહેવું માનતા નથી, જે હિંમત માંગી લે એમ છે. જાપાનમાં રહેતા ભાઈ ટૅરો સાથે એવું જ બન્યું હતું. નાનપણથી જ તે માબાપને ખુશ કરે એવાં જ કામ કરતા. તેઓનું કહેવું માનતા અને તેઓને વફાદાર રહેતા. તે પરાણે નહિ, પણ દિલથી માબાપને ચાહતા હોવાથી એમ કરતા. પરંતુ, ભાઈએ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે તેમનાં માબાપે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. એનાથી ટૅરો ખૂબ ઉદાસ થયા. ભાઈએ તો સભાઓમાં જવાનો પણ નિર્ણય કર્યો હતો. એ વાત માબાપને જણાવવી તેમના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ હતી. ભાઈ કહે છે: ‘તેઓ એટલાં બધાં ગુસ્સે થયાં કે મારું ઘરમાં પગ મૂકવાનું પણ બંધ કરાવી દીધું. મારા નિર્ણયમાં અડગ રહી શકું માટે મેં પ્રાર્થનામાં હિંમત માંગી. હવે, તેઓનો મિજાજ ઠંડો પડ્યો છે અને હું તેઓની નિયમિત રીતે મુલાકાત લઈ શકું છું.’—નીતિવચનો ૨૯:૨૫ વાંચો.
૧૮. આ લેખમાંથી તમને શું શીખવા મળ્યું?
૧૮ ચાલો, આપણે દાઊદ, યોનાથાન, નાથાન અને હૂશાયની જેમ યહોવાને વફાદાર રહીએ અને એનાથી મળતો સંતોષ અનુભવીએ. આબ્નેર અને આબ્શાલોમ વફાદાર ન રહ્યા. આપણે તેઓ જેવા બનવા માંગતા નથી. ખરું કે, અપૂર્ણ હોવાથી માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. તેમ છતાં, યહોવાને વફાદાર રહેવું એ જ આપણા માટે સૌથી મહત્ત્વનું છે.
^ [૧] (ફકરો ૭) અમુક નામ બદલ્યાં છે.