સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાએ મને તેમની સેવામાં સફળ કર્યો

યહોવાએ મને તેમની સેવામાં સફળ કર્યો

એ અધિકારીને મેં જણાવ્યું કે હું યુદ્ધમાં ભાગ લેતો નથી અને એ માટે હું જેલની સજા પણ ભોગવી ચૂક્યો છું. પછી, મેં પૂછ્યું, ‘શું તમે ચાહો છો કે હું એ બધામાંથી ફરી પસાર થાઉં?’ આ બીજી વાર મને અમેરિકાના લશ્કરમાં જોડાવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

મારો જન્મ ૧૯૨૬માં અમેરિકાના ક્રક્સવિલ, ઓહાયોમાં થયો હતો. મારાં માબાપને ધર્મમાં કંઈ ખાસ રસ ન હતો. છતાં, તેઓ અમ આઠ બાળકોને ચર્ચમાં જવાનું કહેતાં. હું મેથોડિસ્ટ ચર્ચમાં જતો. ત્યાંના આગેવાને મને એક વર્ષ સુધી દર રવિવારે ચર્ચમાં હાજર રહેવા બદલ ઇનામ આપ્યું હતું. એ વખતે હું ૧૪ વર્ષનો હતો.

માર્ગરેટ વૉકર (ડાબેથી બીજા બહેન), જેમણે મને સત્ય શીખવ્યું

એ અરસામાં, માર્ગરેટ વૉકર નામનાં અમારા એક પડોશીએ મારી મમ્મીની મુલાકાતે આવવાનું શરૂ કર્યું. તે યહોવાના સાક્ષી હતાં અને મારી મમ્મીને બાઇબલમાંથી શીખવતાં. એક દિવસે મેં પણ તેઓ સાથે અભ્યાસમાં બેસવાનું નક્કી કર્યું. પણ, મમ્મીને થયું કે હું તેઓને અભ્યાસમાં ખલેલ પહોંચાડીશ એટલે તેણે મને ઘરની બહાર મોકલી દીધો. જોકે, હું તેઓની ચર્ચા સાંભળવાનો પ્રયત્ન કરતો. બે-ચાર મુલાકાતો પછી, માર્ગરેટ બહેને મને પૂછ્યું: ‘શું તને ઈશ્વરનું નામ ખબર છે?’ મેં કહ્યું: ‘એ તો બધાને ખબર છે—ઈશ્વર!’ તેમણે કહ્યું: ‘જા, તારું બાઇબલ લઈ આવ અને એમાં ગીતશાસ્ત્ર ૮૩:૧૮ જો.’ મેં એ કલમ જોઈ અને જાણ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે. હું દોડીને મારા દોસ્તો પાસે ગયો અને તેઓને કહ્યું: ‘તમે આજે ઘરે જઈને બાઇબલમાંથી ગીતશાસ્ત્ર ૮૩:૧૮ જોજો, એમાંથી તમને ઈશ્વરનું નામ જાણવા મળશે!’ આમ, કહી શકાય કે મેં તરત જ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું.

મેં બાઇબલ અભ્યાસ કર્યો અને ૧૯૪૧માં બાપ્તિસ્મા લીધું. એ પછી તરત, મને મંડળ પુસ્તક અભ્યાસ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી. મેં મારાં મમ્મી અને ભાઈ-બહેનોને સભામાં આવવાનું ઉત્તેજન આપ્યું. તેઓ પુસ્તક અભ્યાસમાં આવવાં લાગ્યાં, જે હું ચલાવતો હતો. જોકે, પપ્પાને સત્યમાં જરાય રસ ન હતો.

કુટુંબમાંથી વિરોધ

મંડળમાં મને વધુ જવાબદારીઓ સોંપવામાં આવી. આપણા સંગઠને બહાર પાડેલાં પુસ્તકોનો મેં એક મોટો સંગ્રહ ભેગો કર્યો હતો. એક દિવસે, એ પુસ્તકો સામે આંગળી ચીંધીને પપ્પા બોલ્યા, ‘આ બધું તું જુએ છેને, મને મારા ઘરમાં એ બધું ન જોઈએ અને એની સાથે તું પણ નહિ!’ એટલે હું ઘર છોડીને ઝેન્સવિલ, ઓહાયો રહેવા જતો રહ્યો. જોકે, મારા કુટુંબને ઉત્તેજન આપી શકું માટે મુલાકાતે અવારનવાર જતો.

પપ્પા મારી મમ્મીને સભાઓમાં જવાથી રોકતા. અમુક વાર તો તેની પાછળ દોડીને તેને રસ્તામાંથી ખેંચીને પાછી ઘરે લઈ આવતા. પણ, મમ્મી ઘરના બીજા દરવાજેથી નીકળીને સભા માટે જતી રહેતી. હું મમ્મીને કહેતો: ‘ચિંતા ન કરીશ, પપ્પા તારી પાછળ ભાગી ભાગીને કેટલું ભાગશે! એક દિવસ તો થાકશે.’ છેવટે તે થાક્યા અને મમ્મીને રોકવાના તેમના પ્રયાસો બંધ કરી દીધા. એ પછી તે સભાઓમાં બેફિકર થઈને જવા લાગી.

વર્ષ ૧૯૪૩માં દેવશાહી સેવા શાળાની શરૂઆત થઈ, ત્યારે મેં વિદ્યાર્થી વાર્તાલાપ આપવાની શરૂઆત કરી. સોંપણીનો ભાગ રજૂ કર્યા પછી શાળામાં મળતી સલાહે મને એક સારો વક્તા બનવા મદદ કરી.

યહોવા પ્રત્યે વફાદારી

વર્ષ ૧૯૪૪માં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મને લશ્કરમાં જોડાવાનો હુકમ કરવામાં આવ્યો. હું કલંબસના ઓહાયો શહેરમાં ફૉર્ટ હેએસની લશ્કરી કચેરીમાં હાજર થયો. ત્યાં મારી શારીરિક તપાસ થઈ અને મેં કેટલાંક ફોર્મ ભર્યાં. મેં ત્યાંના સાહેબોને એમ પણ જણાવ્યું કે હું સૈનિક નહિ બનું. તેઓએ મને ઘરે જવા દીધો. પરંતુ, અમુક દિવસો પછી, એક અધિકારી મારા ઘરે આવ્યો અને મને કહ્યું: ‘કૉરવિન રોબીસન, તારી ધરપકડ કરવાનો મારી પાસે કોર્ટનો આદેશ છે.’

બે અઠવાડિયાં પછી મને કોર્ટમાં લઈ જવામાં આવ્યો. ન્યાયાધીશે કહ્યું: ‘જો મારા હાથમાં હોત તો મેં તને ઉંમર કેદની સજા ફટકારી હોત. બોલ, તારે કંઈ કહેવું છે?’ મેં કહ્યું: ‘સાહેબ, તમારે મને એક ખ્રિસ્તી સેવક * ગણવો જોઈએ. લોકોનું ઘર આંગણું મારું પુલ્પિટ છે. અને મેં ઘણા લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવી છે.’ ન્યાયાધીશે જૂરીને * કહ્યું: ‘તમે અહીં એ નક્કી કરવા માટે નથી કે આ યુવક ખ્રિસ્તી સેવક છે કે નહિ. તમે અહીં એ નક્કી કરવા માટે છો કે તે લશ્કરમાં જોડાયો છે કે નહિ.’ અડધા કલાકમાં તો, જૂરીએ મને ગુનેગાર ઠરાવી દીધો. ન્યાયાધીશે મને પાંચ વર્ષ માટે કેદની સજા ફટકારી. મને કેન્ટકીના એશલૅન્ડની જેલમાં મોકલવામાં આવ્યો.

યહોવાએ જેલમાં મારું રક્ષણ કર્યું

મારી સજાનાં પહેલાં બે અઠવાડિયાં મેં કલંબસ, ઓહાયોની જેલમાં વિતાવ્યાં. પહેલો દિવસ મેં જેલની એક કોટડીમાં કાઢ્યો, જ્યાં હું એકલો હતો. મેં યહોવાને પ્રાર્થના કરી: ‘યહોવા, હું પાંચ વર્ષ સુધી આ કોટડીમાં નહિ રહી શકું. મને ખબર નથી પડતી મારે શું કરવું જોઈએ!’

બીજા દિવસે, ત્યાંના પહેરેદારોએ મને કોટડીની બહાર કાઢ્યો. હું ચાલીને એક કેદી પાસે જઈને ઊભો રહ્યો, જે ઊંચી કદ-કાઠીનો હતો. અમે બંને ત્યાંની એક બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તેણે મને પૂછ્યું, ‘ઓ છોટું, તું અહીં કયા વાંકે આવ્યો?’ મેં કહ્યું: ‘હું યહોવાનો સાક્ષી છું.’ તેણે કહ્યું: ‘ઓહ! એમ છે? તો અહીં શા માટે?’ મેં કહ્યું: ‘યહોવાના લોકો યુદ્ધમાં ભાગ નથી લેતા, તેઓ લોકોના જીવ નથી લેતા.’ તેણે કહ્યું: ‘તું લોકોનો જીવ નથી લેતો માટે આ અધિકારીઓએ તને જેલમાં પૂર્યો. અને બીજાઓને એટલે પૂર્યા છે કેમ કે તેઓએ જીવ લીધો છે. આ લોકોનું કંઈ સમજાતું નથી, હેંને?’ મેં કહ્યું: ‘હા, કંઈ સમજાતું નથી!’

પછી એ કેદીએ કહ્યું, ‘૧૫ વર્ષ માટે હું બીજી એક જેલમાં હતો, જ્યાં મેં તમારા લોકોનું સાહિત્ય વાંચ્યું હતું.’ એ સાંભળીને મેં મનમાં પ્રાર્થના કરી, ‘હે યહોવા, મદદ કરો જેથી હું આ વ્યક્તિને મારી તરફેણમાં લાવી શકું.’ એ જ ઘડીએ એ કેદી, જેનું નામ પૉલ હતું, બોલી ઊઠ્યો, ‘આ લોકોમાંથી કોઈ પણ તને આંગળી પણ અડાડેને તો મને બૂમ પાડજે, હું તેઓને જોઈ લઈશ!’ આમ, એ વિભાગમાં જે ૫૦ કેદીઓ હતા તેઓમાંના કોઈએ પણ મને તકલીફ પહોંચાડવાની હિંમત ન કરી.

યુદ્ધમાં ભાગ ન લેવાને લીધે હું બીજા સાક્ષી ભાઈઓ સાથે એશલૅન્ડ, કેન્ટકીની જેલમાં

પછી, અધિકારીઓએ મને એશલૅન્ડની જેલમાં મોકલ્યો. ત્યાં મને આપણા એવા ભાઈઓ મળ્યા, જેઓ શ્રદ્ધામાં ખૂબ મજબૂત હતા. તેઓના લીધે મને અને બીજા ભાઈઓને યહોવાની નજીક રહેવામાં મદદ મળી. તેઓ અમને અઠવાડિયાનું બાઇબલ વાંચન સોંપતા, તેમજ એ ભાઈઓ દ્વારા લેવામાં આવતી સભાઓ માટે અમે સવાલ-જવાબો તૈયાર કરતા. અમારી કોટડી મોટી હતી અને ત્યાં દીવાલોથી લાગેલા પલંગો હતા. એક ભાઈ અમારા પ્રચારવિસ્તારની ગોઠવણ કરતા. તે મને કહેતા, ‘ભાઈ રોબીસન, ફલાણા ફલાણા પલંગ સુધીનો વિસ્તાર તારો છે. જોજે, ત્યાં આવતા કેદીઓ જાય એ પહેલાં તેઓને ખુશખબર જણાવી દેજે.’ આમ, અમે આયોજનપૂર્વક પ્રચાર કરતા.

જેલમાંથી બહાર આવ્યા પછી

વર્ષ ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પરંતુ, એના થોડા સમય પછી પણ હું કેદ રહ્યો. મારા કુટુંબને લઈને હું ચિંતામાં હતો. કારણ કે, પપ્પાએ કહી દીધું હતું: ‘હું તારાથી છૂટું એટલે બસ છે, બાકી બીજું તો હું જોઈ લઈશ!’ પણ, જેલમાંથી છૂટ્યા પછી તો મને ખુશીના સમાચાર મળ્યા. મારા પપ્પાના વિરોધ છતાં, મારા કુટુંબના સાત સભ્યો હવે સભાઓમાં જવા લાગ્યા હતા. અરે, મારી એક બહેને તો બાપ્તિસ્મા પણ લઈ લીધું હતું.

અભિષિક્ત ભાઈ દેમેત્રીયસ પાપાજ્યોર્જ સાથે પ્રચારમાં, જેમણે ૧૯૧૩માં યહોવાની સેવા શરૂ કરી

વર્ષ ૧૯૫૦માં કોરિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું, જેમાં અમેરિકા પણ સામેલ હતું. એટલે, મને ફરીથી ફૉર્ટ હેએસની કચેરીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો. મારી આવડતો તપાસ્યા પછી, એક અધિકારીએ મને કહ્યું: ‘તારા ગ્રૂપમાં સૌથી વધારે અંક મેળવનારાઓમાં તું પણ એક છે.’ મેં કહ્યું: ‘ભલે, પણ હું તો લશ્કરમાં નહિ જઉં.’ પછી મેં બીજો તીમોથી ૨:૩ ટાંકીને કહ્યું: ‘હું તો પહેલેથી ખ્રિસ્તનો એક સૈનિક છું.’ એક લાંબા મૌન પછી અધિકારીએ કહ્યું: ‘તું ઘરે જઈ શકે!’

એના થોડા જ સમય પછી, ઓહાયોમાં આવેલા સિનસિનૅટીમાં એક સંમેલન યોજાયું હતું, જ્યાં હું ગયો હતો. ત્યાં હું બેથેલ સભામાં પણ હાજર રહ્યો. ભાઈ મિલ્ટન હેન્સેલે અમને જણાવ્યું કે બેથેલમાં એવા લોકોની સખત જરૂર છે, જેઓ રાજ્ય માટે અથાક મહેનત કરવા તૈયાર છે. મેં બેથેલ સેવા માટે અરજી કરી અને એ સ્વીકારવામાં આવી. સાલ ૧૯૫૪ની ઑગસ્ટમાં, મેં બ્રુકલિનમાં બેથેલ સેવા શરૂ કરી અને ત્યારથી એ સેવા આપી રહ્યો છું.

બેથેલમાં મારી પાસે હંમેશાંથી ઘણું કામ રહ્યું છે. કેટલાંક વર્ષો સુધી હું ઑફિસનાં અને છાપકામ વિભાગનાં બૉઇલરનું કામકાજ સંભાળતો. ઉપરાંત, મશીન અને તાળાંની મરામતનું કામ પણ કરતો. ન્યૂ યૉર્ક સીટી ખાતે આવેલાં આપણાં સંમેલનગૃહોમાં પણ મેં કામ કર્યું છે.

બ્રુકલિન બેથેલમાં ઑફિસના બૉઇલરની દેખરેખ રાખતી વખતે

બેથેલમાં યોજાતા કાર્યક્રમો, જેમ કે સવારની ઉપાસના, બેથેલ કુટુંબ તરીકે ચોકીબુરજ અભ્યાસ અને મંડળ સાથેનું પ્રચારકાર્ય મને ખૂબ ગમે છે. જરા વિચારો, એ બધી ગોઠવણો એવી છે, જેનો દરેક સાક્ષી કુટુંબે નિયમિત રીતે આનંદ માણવો જોઈએ. કુટુંબીજનો સાથે મળીને દરરોજનું શાસ્ત્રવચન વાંચે, કુટુંબ તરીકેની ભક્તિ કરે, સભાઓમાં અને પ્રચારમાં ઉત્સાહથી ભાગ લે એ જરૂરી છે. કેમ કે, એમ કરવાથી કુટુંબમાંનું દરેક સભ્ય યહોવાની નજીક રહી શકશે.

બેથેલમાં અને મંડળમાં મેં ઘણા મિત્રો બનાવ્યા છે. તેઓમાંના અમુક અભિષિક્તો હતા અને તેઓ સ્વર્ગનું ઇનામ મેળવી ચૂક્યા છે. જ્યારે કે, બીજાઓ અભિષિક્ત ન હતા. જોકે, બધા જ ઈશ્વરભક્તો અપૂર્ણ હોવાથી ભૂલભરેલા છે. પછી ભલેને તે બેથેલ સેવક કેમ ન હોય! એટલે, કોઈ ભાઈ સાથે જો મારો મતભેદ થાય તો, હંમેશાં હું સમાધાન કરી લેવાનો પ્રયત્ન કરું છું. હું માથ્થી ૫:૨૩, ૨૪નો વિચાર કરું છું, જે બતાવે છે કે આપણે કઈ રીતે મતભેદો થાળે પાડવા જોઈએ. ખરું કે, “માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ!” એમ કહેવું સહેલું નથી. પરંતુ, મોટા ભાગના મતભેદો એ જ રીતે થાળે પડ્યા છે.

સેવાકાર્યનાં સારાં પરિણામો

મારી ઉંમરને લીધે હવે ઘરઘરનું સાક્ષીકાર્ય કરવું મારા માટે એટલું સહેલું નથી રહ્યું. તેમ છતાં, મેં હાર માની નથી. હું થોડી-ઘણી ચીની (મેન્ડરીન) ભાષા શીખ્યો છું. અને રસ્તે જતાં ચીની લોકોને ખુશખબર જણાવવામાં મને આનંદ આવે છે. સવારે નીકળું ત્યારે, રસ ધરાવતા લોકોને મૅગેઝિન આપું છું. અમુક વાર તો એ રીતે મેં ૩૦થી ૪૦ મૅગેઝિન આપ્યાં છે.

બ્રુકલિન, ન્યૂ યૉર્કમાં ચીની લોકોને પ્રચાર કરતી વખતે

અરે, મેં તો ચીનમાં રહેતી વ્યક્તિની ફરી મુલાકાત લીધી છે! એક દિવસે એમ બન્યું કે, એક નેકદિલ યુવતીએ મને સ્મિત આપ્યું. તેણે ફળોની લારી માટેની જાહેરાત પત્રિકા મને આપી. મેં પણ સ્મિત સાથે તેને ચોકીબુરજ અને સજાગ બનો! આપ્યાં. તેણે એ લઈ લીધાં અને મને તેનું નામ જણાવ્યું. તેનું નામ કેટી હતું. એ પછી, કેટી જ્યારે પણ મને જોતી ત્યારે મળવા આવતી. મેં તેને અંગ્રેજી ભાષામાં કેટલાંક ફળોનાં અને શાકભાજીનાં નામ શીખવ્યાં. હું બોલું એ પછી તે એને ઉચ્ચારતી. મેં તેને બાઇબલની કેટલીક કલમોની સમજણ પણ આપી. તેણે બાઇબલ શીખવે છે પુસ્તક પણ લીધું. જોકે, કેટલાંક અઠવાડિયાં પછી, તે જાણે ગાયબ થઈ ગઈ.

મહિનાઓ પછી, મેં બીજી એક ચીની છોકરીને મૅગેઝિન આપ્યું. તે પણ જાહેરાત પત્રિકાઓ આપી રહી હતી. તેણે એ મૅગેઝિન લઈ લીધું. એના પછીના અઠવાડિયે તે મારી પાસે આવી અને મને તેનો ફોન થમાવતાં કહ્યું, ‘લો, ચીનથી તમારા માટે ફોન છે, વાત કરો!’ મેં સંકોચ સાથે ફોન લેતા કહ્યું, ‘પણ હું તો ચીનમાં કોઈને નથી ઓળખતો!’ ફોન પર એક છોકરી હતી, તેણે કહ્યું: ‘રોબ્બી, હું કેટી. હવે હું ચીનમાં છું.’ મેં કહ્યું: ‘ચીનમાં?’ તેણે કહ્યું: ‘હા રોબ્બી, જે છોકરીએ તમને ફોન આપ્યો છે, ખબર છે તે કોણ છે? તે મારી બહેન છે. તમે મને ઘણી સારી બાબતો શીખવી છે. પ્લીઝ, તેને પણ એ શીખવજોને.’ મેં કહ્યું, ‘કેટી, હું પૂરો પ્રયત્ન કરીશ. આભાર કે, તેં મને જણાવ્યું તું ક્યાં છે.’ એ પછી, થોડા જ દિવસો બાદ કેટીની બહેન સાથે પણ મારી છેલ્લી વાર વાત થઈ. એ બંને છોકરીઓ જ્યાં કંઈ હોય, આશા રાખું કે તેઓ યહોવા વિશે શીખે!

પાછલાં ૭૩ વર્ષોથી યહોવાની સેવા એ જ મારું કામ રહ્યું છે. મને ખુશી છે કે તેમણે મને યુદ્ધમાં ભાગ ન લેવા અને કેદ દરમિયાન પણ વફાદારી જાળવી રાખવા મદદ કરી. મારાં ભાઈ-બહેનોનું કહેવું છે કે પપ્પાના આટઆટલા વિરોધ છતાં, મેં હાર માની નહિ એટલે તેઓને ઘણું ઉત્તેજન મળ્યું. સમય જતાં, મારી મમ્મી અને છ ભાઈ-બહેનોએ બાપ્તિસ્મા લીધું. મારા પપ્પાનો મિજાજ પણ નરમ બન્યો. અરે, તે ગુજરી ગયા એ પહેલાં કેટલીક સભાઓમાં પણ આવ્યા હતા.

જો ઈશ્વરની ઇચ્છા હશે, તો મારાં જે કુટુંબીજનો અને મિત્રો ગુજરી ગયાં છે, તેઓ નવી દુનિયામાં સજીવન થશે. જરા કલ્પના કરો કે એ વખતે આપણાં પ્રિયજનો સાથે મળીને હંમેશ માટે યહોવાની ભક્તિ કરવામાં કેટલો આનંદ આવશે! *

^ ફકરો. 14 અમેરિકામાં, ધાર્મિક સેવા આપતા લોકોને લશ્કરી સેવામાં ન જોડાવાની છૂટ છે.

^ ફકરો. 14 કેટલાક દેશોમાં, જાહેર જનતામાંથી અમુક લોકોના સમૂહને પસંદ કરવામાં આવે છે. એ સમૂહ અદાલતમાં થતી કાર્યવાહી સાંભળે છે અને આરોપી વ્યક્તિ ગુનેગાર છે કે નહિ એનો ફેંસલો ન્યાયાધીશને જણાવે છે. એ સમૂહ જૂરી તરીકે ઓળખાય છે.

^ ફકરો. 32 આ લેખ તૈયાર થઈ રહ્યો હતો, એ દરમિયાન ભાઈ કૉરવિન રોબીસન ગુજરી ગયા. તે છેક સુધી યહોવાને વફાદાર રહ્યા.