સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે?

આજે યહોવાના લોકોની આગેવાની કોણ લઈ રહ્યું છે?

“તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો.”—હિબ્રૂ. ૧૩:૭.

ગીતો: ૧૪૬, ૪૩

૧, ૨. ઈસુના ગયા પછી શિષ્યોના મનમાં કયો સવાલ થયો હશે?

ઈસુના શિષ્યો જૈતૂન પહાડ પર ઊભા છે. તેઓની નજર સામે તેમના ગુરુ અને ખાસ મિત્ર ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે અને વાદળ તેમને ઢાંકી દે છે. (પ્રે.કા. ૧:૯, ૧૦) લગભગ બે વર્ષ સુધી, ઈસુએ તેઓને શીખવ્યું હતું, ઉત્તેજન આપ્યું હતું અને તેઓની આગેવાની લીધી હતી. ઈસુ વગર હવે શિષ્યો શું કરશે?

ઈસુએ શિષ્યોને કહ્યું હતું: “તમે યરૂશાલેમ, આખા યહુદિયા, સમરૂન અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.” (પ્રે.કા. ૧:૮) એ મોટી સોંપણીને શિષ્યો કઈ રીતે પાર પાડી શકે? યાદ છે, ઈસુએ તેમને વચન આપ્યું હતું કે, તેઓને પવિત્ર શક્તિ આપવામાં આવશે. (પ્રે.કા. ૧:૫) તોપણ, દુનિયાભરમાં ખુશખબર ફેલાવવા તેઓને કોણ માર્ગદર્શન આપશે અને વ્યવસ્થામાં લાવશે? શિષ્યો જાણતા હતા કે, પોતાના લોકોને દોરવા પ્રાચીન સમયમાં યહોવાએ માણસોનો ઉપયોગ કર્યો હતો. કદાચ તેઓના મન થયું હશે કે, “શું યહોવા હવે એક નવો આગેવાન પસંદ કરશે?”

૩. (ક) શિષ્યોએ કયો મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો? (ખ) આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

ઈસુ સ્વર્ગમાં ગયા પછી તરત શિષ્યોએ શાસ્ત્રનો સહારો લીધો, મદદ માટે પ્રાર્થના કરી અને યહુદા ઇસ્કારિયોતના બદલે માથ્થિયાસને બારમા પ્રેરિત તરીકે પસંદ કર્યો. (પ્રે.કા. ૧:૧૫-૨૬) એ પસંદગી યહોવા અને શિષ્યો માટે કેમ ખૂબ મહત્ત્વની હતી? શિષ્યોને સમજાયું કે, બાર પ્રેરિતો હોવા જરૂરી છે. * ઈસુએ એક મહત્ત્વની ભૂમિકા માટે પ્રેરિતોને પસંદ કર્યા હતા અને તાલીમ આપી હતી. એ ભૂમિકા શું હતી અને કઈ રીતે યહોવા અને ઈસુએ તેઓને તૈયાર કર્યા? આજે એના જેવી કઈ ગોઠવણ છે? અને આપણે કઈ રીતે “આગેવાની લેતા ભાઈઓને યાદ” રાખી શકીએ, ખાસ કરીને “વિશ્વાસુ અને સમજુ ચાકર”ને?—હિબ્રૂ. ૧૩:૭; માથ. ૨૪:૪૫.

ઈસુ નિયામક જૂથની આગેવાની લે છે

૪. પ્રેરિતો અને બીજા વડીલો પર કઈ જવાબદારી હતી?

ઈસવીસન ૩૩માં પ્રેરિતોએ ખ્રિસ્તી મંડળની આગેવાની લેવાનું શરૂ કર્યું. બાઇબલ જણાવે છે કે, “અગિયાર પ્રેરિતો સાથે પીતર ઊભો થયો” અને ટોળાને જીવન આપનાર સત્ય શીખવ્યું. (પ્રે.કા. ૨:૧૪, ૧૫) ટોળામાંથી ઘણા લોકોએ સત્ય સ્વીકાર્યું અને ખ્રિસ્તીઓ બન્યા. ત્યાર બાદ, એ નવા બનેલા ખ્રિસ્તીઓએ “પ્રેરિતો પાસેથી શીખવાનું . . . ચાલુ રાખ્યું.” (પ્રે.કા. ૨:૪૨) પ્રેરિતો પાસે મંડળમાં આવતા પ્રદાનોની દેખરેખ રાખવાની જવાબદારી પણ હતી. (પ્રે.કા. ૪:૩૪, ૩૫) તેઓએ ઈશ્વરના લોકોને શાસ્ત્રમાંથી શીખવ્યું. તેઓએ કહ્યું: “અમે તો પ્રાર્થના કરવામાં અને ઈશ્વરના સંદેશાને પ્રગટ કરવામાં લાગુ રહીશું.” (પ્રે.કા. ૬:૪) તેઓએ મંડળનાં અનુભવી ભાઈ-બહેનોને નવા વિસ્તારોમાં પ્રચાર માટે મોકલ્યાં. (પ્રે.કા. ૮:૧૪, ૧૫) સમય જતાં, બીજા અભિષિક્ત વડીલોએ મંડળની આગેવાની લેવામાં પ્રેરિતોને સાથ આપ્યો. નિયામક જૂથ તરીકે, તેઓએ બધાં મંડળોને માર્ગદર્શન આપ્યું.—પ્રે.કા. ૧૫:૨.

૫, ૬. (ક) પવિત્ર શક્તિએ કઈ રીતે નિયામક જૂથને બળ આપ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) દૂતોએ નિયામક જૂથને કેવી સહાય કરી? (ગ) શાસ્ત્રે નિયામક જૂથને કેવી મદદ કરી?

પ્રથમ સદીના ખ્રિસ્તીઓ જાણતા હતા કે, યહોવા નિયામક જૂથને ઈસુ દ્વારા દોરી રહ્યા છે. તેઓને શા માટે એવી ખાતરી હતી? પહેલું કારણ, પવિત્ર શક્તિએ નિયામક જૂથને બળ આપ્યું હતું. (યોહા. ૧૬:૧૩) બધા અભિષિક્તો પર પવિત્ર શક્તિ આવી હતી, પણ પ્રેરિતો અને બીજા વડીલોને એનાથી ખાસ મદદ મળી. કઈ? તેઓ યરૂશાલેમમાં નિરીક્ષક તરીકેની પોતાની ભૂમિકા સારી રીતે અદા કરી શક્યા. દાખલા તરીકે, સાલ ૪૯માં પવિત્ર શક્તિએ તેઓને સુન્નતના વિષય પર નિર્ણય લેવા મદદ કરી. મંડળોએ એ નિર્ણયનો સ્વીકાર કર્યો. પરિણામે, મંડળનાં ભાઈ-બહેનો “શ્રદ્ધામાં મક્કમ થતાં ગયાં અને તેઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી ગઈ.” (પ્રે.કા. ૧૬:૪, ૫) સુન્નતના વિષયને લઈને નિયામક જૂથે મંડળોને જે પત્ર લખ્યો એમાંથી સાફ દેખાઈ આવે છે કે, તેઓ પર યહોવાની શક્તિ હતી. તેમ જ, એની મદદથી તેઓએ પ્રેમ અને શ્રદ્ધા જેવા ગુણો બતાવ્યા.—પ્રે.કા. ૧૫:૧૧, ૨૫-૨૯; ગલા. ૫:૨૨, ૨૩.

બીજું કારણ, દૂતોએ નિયામક જૂથને મદદ આપી. દાખલા તરીકે, દૂતે કર્નેલિયસને પ્રેરિત પીતરને શોધી કાઢવા જણાવ્યું. કર્નેલિયસ અને તેના સગાઓ બિનયહુદી અને બેસુન્નતી હતા. છતાં, જ્યારે પીતરે તેઓને ખુશખબર જણાવી, ત્યારે તેઓ પર પવિત્ર શક્તિ આવી. કર્નેલિયસ પહેલો એવો બિનયહુદી હતો, જે બેસુન્નતી હોવા છતાં ખ્રિસ્તી બન્યો. જ્યારે બીજા પ્રેરિતો અને વડીલોને એની જાણ થઈ, ત્યારે તેઓએ ઈશ્વરની ઇચ્છાનો સ્વીકાર કર્યો અને બેસુન્નતીઓને મંડળમાં આવકાર આપ્યો. (પ્રે.કા. ૧૧:૧૩-૧૮) સાફ જોઈ શકાય છે કે, નિયામક જૂથની દેખરેખ હેઠળ થઈ રહેલા પ્રચારકામને દૂતોએ પૂરો ટેકો આપ્યો. (પ્રે.કા. ૫:૧૯, ૨૦) ત્રીજું કારણ, શાસ્ત્રે નિયામક જૂથને માર્ગદર્શન આપ્યું. એ વડીલોએ મંડળને દોરવા અને સાચા શિક્ષણને લગતા મહત્ત્વના નિર્ણયો લેવા શાસ્ત્રની મદદ લીધી.—પ્રે.કા. ૧:૨૦-૨૨; ૧૫:૧૫-૨૦.

૭. શા માટે કહી શકીએ કે, પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓની આગેવાની ઈસુએ લીધી હતી?

નિયામક જૂથને મંડળો પર અધિકાર આપવામાં આવ્યો હતો. પણ, ભાઈ-બહેનોને ખ્યાલ હતો કે, હકીકતમાં તેઓનાં આગેવાન ઈસુ છે. એમ શા માટે કહી શકીએ? પ્રેરિત પાઊલે કહ્યું કે, ઈસુએ “અમુકને પ્રેરિતો તરીકે” પસંદ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, ઈસુ મંડળના “શિર” કે આગેવાન છે. (એફે. ૪:૧૧, ૧૫) કોઈ પ્રેરિતના નામથી ઓળખાવવાને બદલે શિષ્યો ‘ઈશ્વરના માર્ગદર્શનથી ખ્રિસ્તીઓ તરીકે’ ઓળખાયા. (પ્રે.કા. ૧૧:૨૬) પાઊલ જાણતા હતા કે, પ્રેરિતો અને બીજા વડીલો શાસ્ત્ર આધારિત માર્ગદર્શન આપે છે અને એ પાળવું ખૂબ જરૂરી છે. એટલે, તેમણે કહ્યું: “હું તમને જણાવવા માંગું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે.” એ પુરુષોમાં નિયામક જૂથના દરેક સભ્ય પણ આવી ગયા. પાઊલે આગળ કહ્યું: “ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.” (૧ કોરીં. ૧૧:૨, ૩) સ્પષ્ટ છે કે, યહોવાએ પોતાના દીકરા ઈસુને મંડળની આગેવાની લેવા નિયુક્ત કર્યા હતા.

‘આ કામ માણસો તરફથી નથી’

૮, ૯. ભાઈ રસેલે કઈ મહત્ત્વની ભૂમિકા નિભાવી?

૧૮૭૦ના દાયકામાં, ચાર્લ્સ ટેઝ રસેલ અને તેમના અમુક મિત્રોએ બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે ઈશ્વરની ભક્તિ કરવા માંગતા હતા. તેઓ બીજાઓને પણ મદદ કરવા ચાહતા હતા, જેથી તેઓ સાચી ભક્તિ કરી શકે. એમાં બીજી ભાષાના લોકોનો પણ સમાવેશ થતો હતો. એટલે, ૧૮૮૪માં ઝાયન્સ વૉચ ટાવર ટ્રૅક્ટ સોસાયટીની કાયદેસર સ્થાપના કરવામાં આવી. * ભાઈ રસેલ એના પ્રથમ પ્રમુખ બન્યા. તેમણે બાઇબલનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે ખુલ્લેઆમ જાહેર કર્યું કે, ત્રૈક્ય અને અમર આત્મા જેવું ચર્ચનું શિક્ષણ બાઇબલ આધારિત નથી. તે શીખ્યા કે, ઈસુની હાજરી અદૃશ્ય રીતે થશે અને “બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો” ૧૯૧૪માં પૂરા થશે. (લુક ૨૧:૨૪) આ સત્ય લોકો સુધી પહોંચાડવા ભાઈ રસેલે પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિ વાપર્યાં. સ્પષ્ટ હતું કે, ઇતિહાસના એ મહત્ત્વના વળાંક પર યહોવા અને ઈસુએ ભાઈ રસેલનો આગેવાન તરીકે ઉપયોગ કર્યો હતો.

ભાઈ રસેલ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માંગતા ન હતા. ૧૮૯૬માં તેમણે લખ્યું કે, તેમને અને તેમના સાથીઓને કોઈ મહિમા કે ખાસ ખિતાબ જોઈતો નથી. તેઓ એમ પણ ચાહતા ન હતા કે, કોઈ પણ સમૂહ તેમના નામથી ઓળખાય. તેમણે કહ્યું હતું: ‘આ કામ માણસો તરફથી નથી.’

૧૦. (ક) ઈસુએ “વિશ્વાસુ અને સમજુ ચાકર”ને ક્યારે નીમ્યો? (ખ) કઈ રીતે નિયામક જૂથ અને વૉચ ટાવર સોસાયટી અલગ છે? સમજાવો.

૧૦ ભાઈ રસેલના મરણના ત્રણ વર્ષ પછી, ૧૯૧૯માં ઈસુએ “વિશ્વાસુ અને સમજુ ચાકર”ને નિયુક્ત કર્યો. શા માટે? ઘરના સેવકોને “યોગ્ય સમયે ખોરાક” આપવા. (માથ. ૨૪:૪૫) શરૂઆતના એ વર્ષોમાં, ભાઈઓનો એક નાનો સમૂહ ન્યૂ યૉર્કના બ્રુકલિન શહેરમાં મુખ્ય મથકે સેવા આપતો હતો. તેઓ ઈસુના અનુયાયીઓ માટે શાસ્ત્ર આધારિત શિક્ષણ તૈયાર કરતા અને તેઓ સુધી પહોંચાડતા. ૧૯૪૦ના દાયકામાં, આપણા સાહિત્યમાં “નિયામક જૂથ” શબ્દ વપરાવા લાગ્યો. એ અરસામાં, બધાને લાગતું કે “નિયામક જૂથ” અને આપણી કાયદેસર સંસ્થા વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી એકબીજાથી જોડાયેલાં છે. પણ ૧૯૭૧માં, સ્પષ્ટ કરવામાં આવ્યું કે નિયામક જૂથનું કામ યોગ્ય સમયે શિક્ષણ આપવાનું છે; જ્યારે કે, વૉચ ટાવર સોસાયટી કાયદેસર બાબતોનું સંચાલન કરવા માટે છે. ત્યાર બાદ, અભિષિક્ત ભાઈઓ સંસ્થાના સંચાલક બન્યા વગર પણ નિયામક જૂથનો ભાગ બની શકતા હતા. તાજેતરના વર્ષોમાં, “બીજાં ઘેટાં”ના જવાબદાર ભાઈઓએ વૉચ ટાવર સોસાયટી અને આપણી કાયદેસરની બીજી સંસ્થાઓની કમાન સંભાળી છે. એના લીધે, નિયામક જૂથના ભાઈઓ પોતાનું પૂરું ધ્યાન શિક્ષણ અને માર્ગદર્શન આપવા પર લગાવી શકે છે. (યોહા. ૧૦:૧૬; પ્રે.કા. ૬:૪) જુલાઈ ૧૫, ૨૦૧૩ ચોકીબુરજમાં સમજાવવામાં આવ્યું હતું કે, “વિશ્વાસુ અને સમજુ ચાકર” અભિષિક્ત ભાઈઓથી બનેલો એક નાનો સમૂહ છે, જે નિયામક જૂથ તરીકે ઓળખાય છે.

૧૯૫૦ના દાયકામાં, નિયામક જૂથ

૧૧. નિયામક જૂથ કઈ રીતે કામ કરે છે?

૧૧ નિયામક જૂથના ભાઈઓ ભેગા મળીને મહત્ત્વના નિર્ણયો લે છે. દર અઠવાડિયે તેઓ સભા ભરે છે. આમ, સારો વાતચીત સંચાર અને એકતા જળવાય રહે છે. (નીતિ. ૨૦:૧૮) એ સભાના ચૅરમૅન દર વર્ષે બદલવામાં આવે છે, કારણ કે કોઈ એક ભાઈ બીજા કરતાં વધારે ચઢિયાતા કે મહત્ત્વના નથી. (૧ પીત. ૫:૧) એવી જ રીતે, નિયામક જૂથ નીચે કામ કરતી ૬ સમિતિઓના ચૅરમૅન પણ દર વર્ષે બદલાય છે. નિયામક જૂથના દરેક સભ્ય પોતાને બીજાઓના આગેવાન નહિ, પણ ‘સેવક’ ગણે છે. એ દરેક સભ્ય નિયામક જૂથ તરફથી મળતા શિક્ષણ અને માર્ગદર્શનને પાળે છે.

૧૯૧૯માં વિશ્વાસુ ચાકરને નિયુક્ત કર્યો ત્યારથી, ઈશ્વરના લોકોને તે બાઇબલનું માર્ગદર્શન પૂરું પાડે છે (ફકરા ૧૦, ૧૧ જુઓ)

“વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે”?

૧૨. આપણે હવે કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૨ નિયામક જૂથ સંપૂર્ણ નથી તેમજ બાઇબલની સમજણ માટે તેઓને કોઈ સ્વપ્ન કે સંદર્શન થતું નથી. બાઇબલનું કોઈ શિક્ષણ સમજાવવામાં કે સંગઠનને માર્ગદર્શન આપવામાં એ જૂથથી ભૂલચૂક થઈ શકે છે. એટલે જ તો, સમજણમાં થયેલા સુધારાની એક સૂચિ યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાં “સમજણમાં સુધારો” મથાળા નીચે આપવામાં આવી છે. એમ પણ, ઈસુએ એવું કહ્યું ન હતું કે વિશ્વાસુ ચાકર ક્યારેય ભૂલ નહિ કરે. તો આપણે કઈ રીતે જાણી શકીએ કે, “વિશ્વાસુ અને સમજુ ચાકર” ખરેખર કોણ છે? (માથ. ૨૪:૪૫) શું સાબિતી છે કે નિયામક જૂથ જ વિશ્વાસુ ચાકર છે? યાદ કરો, કઈ ત્રણ બાબતોએ પ્રથમ સદીના નિયામક જૂથને મદદ કરી હતી. ચાલો, આજના સમયના નિયામક જૂથને ધ્યાનમાં રાખીને ફરીથી એ મુદ્દાઓની ચર્ચા કરીએ.

૧૩. પવિત્ર શક્તિ કઈ રીતે નિયામક જૂથને મદદ કરે છે?

૧૩ પવિત્ર શક્તિ નિયામક જૂથને મદદ કરે છે. પવિત્ર શક્તિ બાઇબલના એ સત્ય સમજવા નિયામક જૂથને મદદ કરે છે, જે વિશે અગાઉ કોઈ સમજણ ન હતી. દાખલા તરીકે, આપણે જોઈ ગયા કે, આપણા સાહિત્યમાં સમજણમાં થયેલા સુધારાની સૂચિ આપી છે. કોઈ માણસ પોતાની બુદ્ધિથી “ઈશ્વર વિશેની ઊંડી વાતોની” સમજણ આપી શકતું નથી. (૧ કોરીંથીઓ ૨:૧૦ વાંચો.) નિયામક જૂથને પ્રેરિત પાઊલ જેવું લાગે છે, જેમણે લખ્યું હતું: “આપણે માણસોના ડહાપણથી શીખેલા શબ્દોથી નહિ, પણ ઈશ્વરની શક્તિથી શીખેલા શબ્દોથી આ વાતો કરીએ છીએ.” (૧ કોરીં. ૨:૧૩) સદીઓ સુધી જૂઠા શિક્ષણે રાજ કર્યું અને સાચા માર્ગદર્શનનો અભાવ હતો. પણ, ૧૯૧૯થી બાઇબલ સમજણમાં વધારો થયો છે. એનું એક જ કારણ હોય શકે: યહોવા નિયામક જૂથને પોતાની પવિત્ર શક્તિ દ્વારા મદદ આપી રહ્યા છે.

૧૪. પ્રકટીકરણ ૧૪:૬, ૭ પ્રમાણે દૂતો કઈ રીતે નિયામક જૂથ અને યહોવાના લોકોને મદદ કરી રહ્યા છે?

૧૪ દૂતો નિયામક જૂથને મદદ કરે છે. નિયામક જૂથ પર એક ભારે જવાબદારી છે. તેઓએ ૮૦ લાખથી વધુ પ્રકાશકોને દુનિયાભરમાં પ્રચારકામ માટે સંગઠિત કરવાના છે. એ કોઈ રમત વાત નથી. તોપણ, આપણું પ્રચારકામ સફળ થયું છે. કારણ કે, દૂતો આપણને મદદ કરી રહ્યા છે. (પ્રકટીકરણ ૧૪:૬, ૭ વાંચો.) ઘણા કિસ્સાઓમાં, દૂતોએ પ્રકાશકોને એવા લોકો પાસે દોર્યા છે, જેઓ મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા. * સખત વિરોધ હોય ત્યાં પણ ખુશખબર ફેલાવવાનું અને શિષ્ય બનાવવાનું કામ પૂર જોશમાં આગળ વધી રહ્યું છે. દૂતોની મદદને લીધે જ એ શક્ય બન્યું છે.

૧૫. ચર્ચના આગેવાનો કરતાં નિયામક જૂથ કઈ રીતે અલગ છે? દાખલો આપો.

૧૫ શાસ્ત્ર નિયામક જૂથને દોરે છે. (યોહાન ૧૭:૧૭ વાંચો.) ૧૯૭૩માં જે સમજણ મળી એનો વિચાર કરો. જૂન ૧, ધ વૉચટાવરમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, ‘જો કોઈ વ્યક્તિ તમાકુની આદત છોડી નથી શકતી, તો શું તે બાપ્તિસ્મા માટે લાયક ઠરે?’ એનો જવાબ હતો, ના! અને એ જવાબ બાઇબલ આધારિત હતો. એ અંકમાં અનેક કલમો ટાંકીને સમજાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ એવી આદત ન છોડે, તો તેને મંડળમાંથી દૂર કરવી જોઈએ. (૧ કોરીં. ૫:૭; ૨ કોરીં. ૭:૧) એમાં જણાવ્યું હતું કે, આ ચુસ્ત નિયમ માણસો તરફથી નહિ, પણ ‘ઈશ્વર તરફથી છે, જે શાસ્ત્ર દ્વારા પોતાના વિચારો જાહેર છે.’ એવું બીજું કોઈ સંગઠન નથી જે આટલી હદે બાઇબલ પર આધાર રાખે છે, પછી ભલે અમુક સભ્યોને એ પાળવું અઘરું લાગે. અમેરિકામાં ધર્મો પર બહાર પડેલું એક પુસ્તક જણાવે છે: ‘ચર્ચના આગેવાનો પોતાના સભ્યોનો અને સમુદાયનો સાથ ગુમાવવા માંગતા નથી. તેથી, લોકોની પ્રચલિત માન્યતા અને મત પ્રમાણે તેઓ પોતાના શિક્ષણમાં ફેરબદલ કરતા રહે છે.’ પણ નિયામક જૂથના નિર્ણયો લોકોમાં પ્રચલિત માન્યતાઓ પર આધારિત હોતા નથી. એના બદલે, નિર્ણયો લેવા તેઓ શાસ્ત્ર પર આધાર રાખે છે. એ સાબિત કરે છે કે, ખરેખર તો યહોવા પોતાના લોકોને દોરી રહ્યા છે.

“આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો”

૧૬. નિયામક જૂથને યાદ રાખવાની એક રીત કઈ છે?

૧૬ હિબ્રૂઓ ૧૩:૭ વાંચો. બાઇબલ જણાવે છે કે, “આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો.” એમ કરવાની એક રીત છે કે, પ્રાર્થનામાં નિયામક જૂથને યાદ કરીએ. (એફે. ૬:૧૮) તેઓ પાસે ઘણી જવાબદારીઓ છે. જેમ કે, બાઇબલ શિક્ષણ આપવું, જગતવ્યાપી પ્રચારકામને નિર્દેશન આપવું અને પ્રદાનોની દેખરેખ રાખવી. તેઓને ખરેખર આપણી પ્રાર્થનાઓની જરૂર છે!

૧૭, ૧૮. (ક) આપણે કઈ રીતે નિયામક જૂથને સાથ આપી શકીએ? (ખ) પ્રચારકામથી આપણે કઈ રીતે નિયામક જૂથ અને ઈસુને સાથ આપીએ છીએ?

૧૭ નિયામક જૂથને યાદ રાખવાની બીજી એક રીત છે, તેઓનાં સૂચનો અને માર્ગદર્શનને પાળીએ. તે આપણને સાહિત્ય, સભાઓ અને સંમેલનો દ્વારા માર્ગદર્શન આપે છે. તે સરકીટ નિરીક્ષકની ગોઠવણ કરે છે, જેઓ વડીલોને નિયુક્ત કરે છે. સરકીટ નિરીક્ષક અને વડીલો નિયામક જૂથનું માર્ગદર્શન પાળે છે. આમ, તેઓ નિયામક જૂથને યાદ રાખે છે. ઈસુ જે ભાઈઓનો ઉપયોગ કરે છે, તેઓને આધીન રહીને આપણે આગેવાન ઈસુને માન આપીએ છીએ.—હિબ્રૂ. ૧૩:૧૭.

૧૮ પ્રચારકામમાં બનતો ટેકો આપીને પણ આપણે નિયામક જૂથને યાદ રાખી શકીએ છીએ. હિબ્રૂઓ ૧૩:૭ બધાને અરજ કરે છે કે, આગેવાની લેતા ભાઈઓની શ્રદ્ધાને પગલે ચાલીએ. નિયામક જૂથ પૂરા ઉત્સાહથી સેવાકાર્ય કરે છે અને બીજાઓને એમ કરવા ઉત્તેજન આપે છે. આમ, તેઓ પોતાની અતૂટ શ્રદ્ધાની સાબિતી આપે છે. શું એ મહત્ત્વના કામમાં આપણે તેઓને ટેકો આપીએ છીએ? જો આપતા હોઈશું, તો ઈસુના આ શબ્દોથી આપણને ઘણી ખુશી મળશે: “તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાનાઓમાંથી એકને માટે જે કંઈ કર્યું, એ તમે મારે માટે કર્યું છે.”—માથ. ૨૫:૩૪-૪૦.

૧૯. આપણા આગેવાન ઈસુની પાછળ ચાલવા તમે શા માટે મક્કમ છો?

૧૯ સ્વર્ગમાં ગયા પછી ઈસુએ પોતાના અનુયાયીઓને ત્યજી દીધા નહિ. (માથ. ૨૮:૨૦) તેમને યાદ હતું કે, તે પૃથ્વી પર હતા ત્યારે આગેવાની લેવા તેમને પવિત્ર શક્તિએ, દૂતોએ અને શાસ્ત્રે મદદ કરી હતી. આજે, એ જ બાબતો દ્વારા તે નિયામક જૂથને મદદ આપી રહ્યા છે. ઈસુ “જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ તેની પાછળ પાછળ જાય છે.” (પ્રકટી. ૧૪:૪) એટલે, આપણે જ્યારે નિયામક જૂથનું માર્ગદર્શન પાળીએ છીએ, ત્યારે હકીકતમાં આપણે આગેવાન ઈસુની પાછળ પાછળ ચાલીએ છીએ. જલદી જ તે આપણને હંમેશના જીવન તરફ દોરી જશે. (પ્રકટી. ૭:૧૪-૧૭) શું કોઈ પણ માનવી આગેવાન એવું વચન આપી શકે?

^ ફકરો. 3 એવું લાગે છે કે, યહોવાની ઇચ્છા હતી કે ૧૨ પ્રેરિતો નવા યરૂશાલેમના “પાયાના ૧૨ પથ્થરો” બને. (પ્રકટી. ૨૧:૧૪) એટલે જ, વફાદાર પ્રેરિતો મૃત્યુ પામ્યા ત્યારે તેઓના બદલે બીજા કોઈને પસંદ કરવાની જરૂર ન હતી.

^ ફકરો. 8 ૧૯૫૫થી એ સંસ્થા વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી ઑફ પેન્સિલ્વેનિયા તરીકે ઓળખાય છે.

^ ફકરો. 14 ઑક્ટોબર ૧૫, ૧૯૯૫ ચોકીબુરજ, પાન ૧૨, ફકરો ૧૮ અને ઑક્ટોબર ૧, ૨૦૦૮ ચોકીબુરજ, પાન ૧૫, ફકરો ૧૬ જુઓ.