સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બે પાયોનિયરો, જ્યોર્જ રોલસ્ટન અને આર્થર વિલીસ કારના રેડિયેટરમાં પાણી ભરતા—ઉત્તરી પ્રચારવિસ્તારમાં, ૧૯૩૩

આપણો ઇતિહાસ

‘કોઈ રસ્તો બહુ લાંબો કે અઘરો હોતો નથી’

‘કોઈ રસ્તો બહુ લાંબો કે અઘરો હોતો નથી’

માર્ચ ૨૬, ૧૯૩૭ની આ વાત છે. થાકેલા-પાકેલા બે મુસાફરો ઑસ્ટ્રેલિયાના સીડની શહેર જઈ રહ્યા છે. ધૂળ ધૂળ થયેલી તેમની ટ્રકને તેઓ ધીરે ધીરે હાંકી રહ્યા છે. આશરે એક વર્ષ પહેલાં મુસાફરીએ નીકળ્યા, ત્યારથી લઈને અત્યાર સુધી તેઓએ ૧૯,૩૦૦ કિલોમીટરની મજલ કાપી છે. તેઓ મોટા ભાગે ઑસ્ટ્રેલિયાના રહેણાક વિસ્તારથી કોસો દૂર ગયા છે. એ બે મુસાફરો કોઈ સંશોધક કે સાહસવીર ન હતા. તેઓ તો બે ઉત્સાહી પાયોનિયરો હતા, આર્થર વિલીસ અને બીલ ન્યૂલેન્ડ્‌સ. રાજ્યની ખુશખબરને ઑસ્ટ્રેલિયાના સૌથી દૂરના વિસ્તારોમાં ફેલાવવાની તેઓએ મનમાં ગાંઠ વાળી હતી.

આશરે ૧૯૩૦ સુધીમાં બાઇબલ વિદ્યાર્થીઓના * નાના સમૂહે ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારાના નજીકના શહેરો અને ગામોમાં જ પ્રચાર કર્યો હતો. પણ એ ખંડનો મધ્ય વિસ્તાર ઉજ્જડ અને સૂકી ભૂમિવાળો છે. ભારતના કુલ વિસ્તાર કરતાં એ આશરે બે ગણો મોટો છે. પણ, એમાં ગણ્યા-ગાંઠ્યા લોકો જ રહે છે. ભાઈઓને પૂરો ખ્યાલ હતો કે, ઈસુના અનુયાયીઓ તરીકે તેઓએ “પૃથ્વીના છેડા સુધી” સાક્ષી આપવાની છે. એમાં ઑસ્ટ્રેલિયાનો એ ઉજ્જડ વિસ્તાર પણ આવી ગયો. (પ્રે.કા. ૧:૮) એ વિશાળ કામને તેઓ કઈ રીતે પાર પાડી શકે? યહોવા તેઓને ટેકો આપશે એવો ભરોસા રાખીને તેઓએ એ કામમાં પોતાનો જીવ રેડી દીધો.

પાયોનિયરોએ માર્ગ તૈયાર કર્યો

૧૯૨૯માં ક્વીન્ઝલૅન્ડ અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાનાં મંડળોએ એ મધ્ય વિસ્તારોને આવરવા ઘણી મોટરગાડી તૈયાર કરી. એ ગાડીઓમાં સારી સુવિધાઓ હતી. ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચલાવી શકે અને ગાડી બગડી જાય તો એને ઠીક કરી શકે એવા પાયોનિયરો એને હાંકતા. એ પાયોનિયરો એવી ઘણી જગ્યાઓએ ગયા, જ્યાં અગાઉ કોઈ સાક્ષી ગયું ન હતું.

જે પાયોનિયરો એવી ગાડીનો ખર્ચો ઉપાડી ન શકતા, તેઓ સાયકલ પર જતા. દાખલા તરીકે, ૧૯૩૨માં ૨૩ વર્ષના બૅનેટ બ્રિકેલ ક્વીન્ઝલૅન્ડના રોકહેમ્પ્ટન વિસ્તારમાં ગયા. એ રાજ્યના ઉત્તરી ભાગના દૂર દૂરના વિસ્તારોમાં પ્રચાર કરવા તેમણે પાંચ મહિના પ્રવાસ કર્યો. ધાબળો, કપડાં, ખોરાક અને અનેક પુસ્તકોના ભારથી તેમની સાયકલ લદાયેલી હતી. ટાયરમાં પંચર પડતું તોપણ તે સાયકલ હંકારે જતા, એ ભરોસા સાથે કે યહોવા માર્ગદર્શન આપશે. છેવટના ૩૨૦ કિલોમીટર કાપવા તેમણે એવા વિસ્તારોમાં થઈને જવું પડ્યું, જ્યાં કેટલાક લોકો તરસથી મૃત્યુ પામ્યા હતા. પછીનાં ૩૦ કરતાં વધુ વર્ષો સુધી ભાઈએ સાયકલ, મોટર સાયકલ અને કારમાં હજારોના હજારો કિલોમીટર પ્રવાસ કર્યો. તેમણે ઍબોરિજીન જાતિને પ્રચાર કરવાનો માર્ગ ખોલ્યો અને નવાં મંડળો સ્થાપવાં મદદ કરી. મધ્ય વિસ્તારમાં તેમણે સારું નામ અને માન કમાવ્યું.

પડકારોને આંબવા

વિસ્તાર પ્રમાણે ઑસ્ટ્રેલિયાની વસ્તી ખૂબ જ ઓછી છે. એમાં પણ મધ્ય ભાગના ઉજ્જડ વિસ્તારની વસ્તી તો સાવ ઓછી છે. પણ યહોવાના લોકોએ બતાવ્યું છે કે, તેઓ એ ઉજ્જડ વિસ્તારમાં પણ નમ્ર વ્યક્તિઓને શોધવા મક્કમ છે.

એવો મક્કમ નિર્ણય બે પાયોનિયરનો હતો, સ્ટૂઅર્ટ કેલટી અને વિલિયમ ટોરીંગટન. ૧૯૩૩માં તેઓ ઑસ્ટ્રેલિયાના મધ્યમાં આવેલા એલીસ સ્પ્રિંગ નામના ગામે ગયા. ત્યાં સુધી પહોંચવા માટે તેઓએ સિમ્પસન નામનું વિશાળ રણ પાર કર્યું, જે રેતીના ડુંગરોથી ભરપૂર હતું. એક વખતે, તેઓની નાનકડી કાર બગડી ગઈ અને એને અધવચ્ચે છોડી દેવી પડી. ભાઈ કેટલીનો એક પગ લાકડાનો છે. શું તેઓના પગ ડગી ગયા? ના, જરાય નહિ. તેઓએ મુસાફરી ચાલુ રાખી, પણ આ વખતે ઊંટ પર! તેઓની મહેનત રંગ લાવી. વિલિયમ ક્રિગ નામના રેલવે સ્ટેશન પર તેઓનો ભેટો એક હોટલના માલિક સાથે થયો. તેનું નામ ચાર્લ્સ બર્નહાર્ટ હતું. પછીથી, તેમણે સત્ય સ્વીકાર્યું અને પોતાની હોટલ વેચીને પાયોનિયર બન્યા. તેમણે ૧૫ વર્ષ સુધી રહેઠાણથી દૂર સૌથી સૂકા અને એકાંત વિસ્તારમાં એકલા એકલા પાયોનિયરીંગ કર્યું.

ઑસ્ટ્રેલિયાના વિશાળ વેરાન વિસ્તારમાં પ્રચાર પ્રવાસે જવા તૈયારી કરતી વખતે, આર્થર વિલીસ—પર્થ, પશ્ચિમી ઑસ્ટ્રેલિયા, ૧૯૩૬

શરૂઆતના એ પાયોનિયરોને પડકારો ઝીલવા હિંમત અને અડગ શ્રદ્ધાની જરૂર હતી. શરૂઆતમાં આપણે ભાઈ આર્થર અને બીલ વિશે જોઈ ગયા. તેઓએ આદરેલા પ્રવાસમાં એક વાર ૩૨ કિ.મી.ની મુસાફરી માટે તેઓએ બે અઠવાડિયા જહેમત ઉઠાવવી પડી હતી. કેમ કે, ધોધમાર વરસાદને લીધે રણ કાદવનો દરિયો બની ગયો હતો. રેતીના ડુંગરો પાર કરવા કેટલીક વાર ધગધગતા તાપમાં ટ્રકને ધક્કો મારવો પડતો અને તેઓ પરસેવે રેબઝેબ થઈ જતા. ક્યારેક પથરાળ ખાઈ તો ક્યારેક રેતાળ નદીઓ, તેઓએ બધું પાર કર્યું. ઘણી વાર તેઓની ટ્રક બગડી જતી. તેઓ દિવસો સુધી સાયકલ પર અથવા પગપાળા સૌથી નજીકના ગામે જતા. પછી, ટ્રકનો રિપેરિંગનો સામાન આવે એની દિવસોના દિવસો રાહ જોતા. એવા વિકટ સંજોગોમાં પણ તેઓએ ઉત્સાહ જાળવી રાખ્યો. ધ ગોલ્ડન એજ મૅગેઝિનમાં આવેલા એક વાક્યને ભાઈ આર્થર પોતાના શબ્દોમાં આમ કહે છે: ‘સાક્ષીઓ માટે કોઈ રસ્તો બહુ લાંબો કે અઘરો હોતો નથી.’

ભાઈ ચાર્લ્સ હેરિસે દાયકાઓ સુધી પાયોનિયરીંગ કર્યું છે. તેમણે કહ્યું, એ વિસ્તારોમાં કામ કરતી વખતે સહન કરેલી હાડમારીઓ અને એકલતાએ તો મને યહોવાની વધુ નજીક જવા મદદ કરી. તેમણે ઉમેર્યું: ‘જેટલો ઓછો સામાન, એટલી મુસાફરી સહેલી. જો ઈસુ ખુલ્લા આકાશ નીચે સુવા તૈયાર હતા, તો આપણે કેમ નહિ? સોંપણી માટે આપણે પણ ખુશી ખુશી એમ કરવું જોઈએ.’ અને ઘણા પાયોનિયરોએ એમ જ કર્યું હતું. તેઓની અથાક મહેનતને પ્રતાપે ઑસ્ટ્રેલિયાના દરેક વિસ્તારોમાં ખુશખબર ફેલાઈ છે અને અસંખ્ય લોકોને જીવનના રસ્તે ચાલવા તક મળી છે.

^ ફકરો. 4 ૧૯૩૧માં બાઇબલ વિદ્યાર્થીઓએ “યહોવાના સાક્ષીઓ” નામ અપનાવ્યું.—યશા. ૪૩:૧૦.