સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો

નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો

‘નુહ, દાનીયેલ તથા અયૂબ પોતાની નેકીથી ફક્ત પોતાના જ જીવ બચાવશે.’—હઝકી. ૧૪:૧૪.

ગીતો: ૬, ૫૪

૧, ૨. (ક) શા માટે નુહ, દાનીયેલ અને અયૂબના દાખલાઓ પર વિચાર કરવાથી આપણને ઉત્તેજન મળી શકે? (ખ) હઝકીએલ ૧૪:૧૪ના શબ્દો લખવામાં આવ્યા ત્યારે કેવા સંજોગો હતા?

શું તમે બીમારી, આર્થિક તકલીફો કે સતાવણીના લીધે મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમારા માટે અમુક વાર યહોવાની ભક્તિમાં ખુશીથી લાગુ રહેવું અઘરું હોય છે? જો એમ હોય તો નુહ, દાનીયેલ અને અયૂબના દાખલા પર વિચાર કરવાથી તમને ઉત્તેજન મળશે. તેઓ અપૂર્ણ હતા અને તેઓ પણ આપણા જેવા જ પડકારોનો સામનો કરતા હતા. અરે, કેટલીક વાર તેઓનું જીવન પણ જોખમમાં આવી પડ્યું હતું. પણ, દરેક સંજોગોમાં તેઓ યહોવાને વફાદાર રહ્યા. તેઓએ શ્રદ્ધા અને આજ્ઞાપાલનનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો, જે ઈશ્વરની નજર બહાર ગયું નહિ.—હઝકીએલ ૧૪:૧૨-૧૪ વાંચો.

ઈસવીસન પૂર્વે ૬૧૨માં હઝકીએલ બાબેલોનમાં હતા ત્યારે, તેમણે આ લેખની મુખ્ય કલમના શબ્દો લખ્યા હતા. * (હઝકી. ૧:૧; ૮:૧) એના થોડા જ સમય પછી, ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો હતો. યરૂશાલેમમાં ફક્ત થોડા જ લોકોએ નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવી, આજ્ઞા પાળી અને તેઓ બચી ગયા હતા. (હઝકી. ૯:૧-૫) યિર્મેયા, બારૂખ, એબેદ-મેલેખ અને રેખાબીઓનો એમાં સમાવેશ થતો હતો.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આ દુષ્ટ દુનિયાના અંતમાંથી કોણ બચશે? નુહ, દાનીયેલ અને અયૂબની જેમ યહોવાની નજરે જેઓ નેક છે, તેઓ બચી જશે. (પ્રકટી. ૭:૯, ૧૪) આ ઈશ્વરભક્તોએ યહોવાની નજરે જે ખરું હતું એ કર્યું. ચાલો, જોઈએ કે યહોવાએ શા માટે આ ત્રણ ઈશ્વરભક્તોનો શ્રદ્ધા અને આજ્ઞાપાલનના દાખલા તરીકે ઉપયોગ કર્યો. આ લેખમાં એ પણ જોઈશું: (૧) તેઓના જીવનમાં કેવા પડકારો આવ્યા? (૨) આપણે કઈ રીતે તેઓની જેમ શ્રદ્ધા બતાવી શકીએ અને આજ્ઞા પાળી શકીએ?

૯૦૦થી વધુ વર્ષો નુહે શ્રદ્ધા બતાવી અને આજ્ઞાધીન રહ્યા!

૪, ૫. નુહે કયા પડકારોનો સામનો કરવો પડ્યો અને શા માટે તેમનો દાખલો અજોડ છે?

નુહે કયા પડકારોનો સામનો કરવો પડ્યો? નુહના પરદાદા હનોખના સમય સુધીમાં તો લોકો ઘણા દુષ્ટ થઈ ગયા હતા. તેઓ યહોવા વિશે “આઘાતજનક વાતો” કરતા હતા. (યહુ. ૧૪, ૧૫) નુહના સમયમાં, ‘પૃથ્વી જુલમથી ભરપૂર થઈ ગઈ હતી.’ એ સમયે, દુષ્ટ દૂતો પૃથ્વી પર આવ્યા, મનુષ્યનું શરીર ધારણ કર્યું અને સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં. તેઓના દીકરાઓ ક્રૂર અને હિંસક હતા. (ઉત. ૬:૨-૪, ૧૧, ૧૨) પણ બધા જોઈ શકતા હતા કે નુહ અલગ હતા. બાઇબલ કહે છે કે ‘નુહ યહોવાની દૃષ્ટિમાં કૃપા પામ્યા.’ આસપાસના લોકોથી વિરુદ્ધ, નુહ જે ખરું હતું, એ કરતા હતા. ‘નુહ ઈશ્વર સાથે ચાલતા હતા.’—ઉત. ૬:૮, ૯.

એનાથી નુહ વિશે શું શીખવા મળે છે? પહેલું, જળપ્રલય અગાઉ નુહે દુષ્ટ દુનિયામાં લાંબા સમય સુધી વફાદારીથી યહોવાની ભક્તિ કરી હતી. ફક્ત ૭૦ કે ૮૦ વર્ષ નહિ, પણ લગભગ ૬૦૦ વર્ષ સુધી. (ઉત. ૭:૧૧) બીજું, નુહને મંડળ તરફથી મદદ કે ઉત્તેજન નહોતું મળતું, કેમ કે એ સમયમાં આજની જેમ મંડળો ન હતાં. લાગે છે કે તેમનાં સગાં ભાઈ-બહેનોએ પણ તેમને મદદ કરી ન હતી. *

૬. નુહે કઈ રીતે હિંમત બતાવી?

નુહે એમ ન વિચાર્યું કે ફક્ત સારા વ્યક્તિ બનવું જ પૂરતું છે. તેમણે યહોવા માટેની શ્રદ્ધા વિશે હિંમતથી બીજાઓને જણાવ્યું. બાઇબલ તેમને “સત્યનો માર્ગ જાહેર કરનાર” કહે છે. (૨ પીત. ૨:૫) પ્રેરિત પાઊલે નુહ વિશે કહ્યું: “એ શ્રદ્ધાથી તેમણે દુનિયાને દોષિત ઠરાવી.” (હિબ્રૂ. ૧૧:૭) લોકોએ તેમની મજાક ઉડાવી હશે અને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હશે. તેઓએ તો તેમને મારવાની પણ ધમકી આપી હશે. પણ નુહને “માણસની બીક” ન હતી. (નીતિ. ૨૯:૨૫) એના બદલે, તેમની પાસે તો એવી હિંમત હતી, જે યહોવા પોતાના વફાદાર ભક્તોને આપે છે.

૭. વહાણ બનાવતી વખતે, નુહે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો?

નુહ ૫૦૦ કરતાં વધુ વર્ષોથી વફાદારીપૂર્વક યહોવાની ભક્તિ કરી રહ્યા હતા. એ સમયે, યહોવાએ તેમને મોટું વહાણ બનાવવાનું કામ સોંપ્યું. અમુક લોકો અને પ્રાણીઓને જળપ્રલયથી બચાવવા એ વહાણનો ઉપયોગ થવાનો હતો. (ઉત. ૫:૩૨; ૬:૧૪) આટલું મોટું વહાણ બનાવવું, નુહને ઘણું અઘરું લાગ્યું હશે. તેમને ખાતરી હતી કે લોકો તેમની હજુ વધારે મજાક ઉડાવશે અને હેરાન કરશે. પણ નુહે યહોવા પર શ્રદ્ધા રાખી અને તેમની આજ્ઞાઓ પાળી. એટલે કે, યહોવાએ જે કહ્યું, ‘એ તેમણે કર્યું.’—ઉત. ૬:૨૨.

૮. કુટુંબનું ભરણપોષણ કરવામાં નુહે કઈ રીતે યહોવા પર ભરોસો રાખ્યો?

નુહ આગળ બીજો પડકાર પણ હતો. તેમણે કુટુંબનું ભરણપોષણ કરવાનું હતું. જળપ્રલય પહેલાં, લોકોએ અનાજ ઉગાડવા સખત મહેનત કરવી પડતી. નુહે પણ એમ કરવું પડતું. (ઉત. ૫:૨૮, ૨૯) તેમ છતાં, તેમણે વધુ પડતી ચિંતા કરી નહિ પણ યહોવાની ભક્તિને પ્રથમ સ્થાન આપ્યું. નુહ કદાચ ૪૦થી પ૦ વર્ષ સુધી વહાણ બનાવવાના કામમાં વ્યસ્ત હતા, તોપણ યહોવાની ભક્તિ પરથી તેમનું ધ્યાન ફંટાયું નહિ. જળપ્રલય પછી, ૩૫૦ વર્ષ સુધી તે યહોવાની ભક્તિમાં મંડ્યા રહ્યા. (ઉત. ૯:૨૮) શ્રદ્ધા બતાવવાનો અને આજ્ઞા પાળવાનો કેટલો જોરદાર દાખલો!

૯, ૧૦. (ક) આપણે કઈ રીતે નુહની જેમ શ્રદ્ધા બતાવી શકીએ અને આજ્ઞા પાળી શકીએ? (ખ) ઈશ્વરની આજ્ઞા પાળવાનો મક્કમ નિર્ધાર કરવાથી કેવી ખાતરી મળશે?

આપણે કઈ રીતે નુહની જેમ શ્રદ્ધા બતાવી શકીએ અને આજ્ઞા પાળી શકીએ? યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે ચાલીએ. ઉપરાંત, શેતાનની દુનિયાનો ભાગ ન બનીએ અને યહોવાને પ્રથમ સ્થાન આપીએ. (માથ. ૬:૩૩; યોહા. ૧૫:૧૯) જોકે, એના લીધે દુનિયા આપણને પસંદ કરશે નહિ. દાખલા તરીકે, આપણે જાતીયતા અને લગ્ન વિશે ઈશ્વરના નિયમો મક્કમપણે પાળતા હોવાથી લોકો કદાચ સમાચારપત્રો અને ટીવી પર આપણા વિશે જૂઠાણું ફેલાવે. (માલાખી ૩:૧૭, ૧૮ વાંચો.) નુહની જેમ આપણે પણ લોકોથી ડરતા નથી. આપણે યહોવાનો ડર રાખીએ છીએ, એટલે કે તેમના માટે ઊંડો આદર બતાવીએ છીએ અને તેમને નિરાશ કરવા માંગતા નથી. આપણે જાણીએ છીએ કે ફક્ત યહોવા જ આપણને હંમેશાંનું જીવન આપી શકે છે.—લુક ૧૨:૪, ૫.

૧૦ આપણે પોતાને પૂછી શકીએ: “શું હું ઈશ્વરની નજરે જે ખરું છે એ કરતો રહીશ, ભલે પછી બીજાઓ મારી મજાક ઉડાવે કે ટીકા કરે? શું હું પૂરો ભરોસો રાખું છું કે યહોવા મારી અને મારા કુટુંબની સંભાળ રાખશે, ભલે પછી સંજોગો ગમે તેટલા કપરા હોય?” જો તમે નુહની જેમ યહોવા પર ભરોસો રાખશો અને તેમની આજ્ઞા પાળશો, તો ખાતરી રાખી શકો કે યહોવા તમારી ચોક્કસ કાળજી રાખશે.—ફિલિ. ૪:૬, ૭.

દુષ્ટ શહેરમાં રહેવા છતાં દાનીયેલે શ્રદ્ધા બતાવી અને આજ્ઞાધીન રહ્યા!

૧૧. દાનીયેલ અને તેમના મિત્રોએ બાબેલોનમાં કયા પડકારોનો સામનો કરવો પડ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૧ દાનીયેલે કયા પડકારોનો સામનો કરવો પડ્યો? દાનીયેલને બાબેલોનમાં લઈ જવામાં આવ્યા હતા. એ શહેર જૂઠા દેવોની ભક્તિ અને મેલીવિદ્યાથી ખદબદતું હતું. ત્યાંના લોકો યહુદીઓને ધિક્કારતા હતા. એ લોકો યહુદીઓની અને તેઓના ઈશ્વર યહોવાની મજાક ઉડાવતા હતા. (ગીત. ૧૩૭:૧,) દાનીયેલ અને બીજા યહુદીઓ એ બધું જોઈને ચોક્કસ દુઃખી થયા હશે. ઉપરાંત, દાનીયેલ, હનાન્યાહ, મીશાએલ અને અઝાર્યાહને રાજાના દરબારમાં કામ કરવાની તાલીમ મળવાની હતી. એટલે, ઘણા લોકો તેઓ પર ચાંપતી નજર રાખતા હતા. તેઓ પાસે અપેક્ષા રાખવામાં આવતી કે રાજાના ખોરાકમાંથી તેઓ ખાય. એમાં અમુક ખોરાક એવો હતો, જે ખાવાની યહોવાએ મના કરી હતી. એટલે, દાનીયેલ અને તેમના મિત્રોએ ‘રાજાના ખોરાકથી પોતાને ભ્રષ્ટ ન કર્યા.’—દાની. ૧:૫-૮, ૧૪-૧૭.

૧૨. (ક) દાનીયેલમાં કયા સારા ગુણો હતા? (ખ) યહોવાની નજરે દાનીયેલ કેવા હતા?

૧૨ દાનીયેલને કદાચ બીજો પણ પડકાર હતો, જે પહેલી નજરે અઘરો ન લાગે. તે ઘણા કુશળ હોવાથી રાજાએ તેમને ખાસ લહાવા આપ્યા હતા. (દાની. ૧:૧૯, ૨૦) છતાં, દાનીયેલ ઘમંડી બન્યા નહિ અથવા પોતાનો જ કક્કો ખરો કરવાનો પ્રયત્ન કર્યો નહિ. તે નમ્ર રહ્યા અને હંમેશાં સફળતાનો જશ યહોવાને આપ્યો. (દાની. ૨:૩૦) હજુ તો દાનીયેલ યુવાન હતા ત્યારે, યહોવાએ તેમની વફાદારીની કદર કરી. નુહ અને અયૂબ જેવા વફાદાર ઈશ્વરભક્તો સાથે દાનીયેલનું નામ પણ મૂકવામાં આવ્યું. એ ખરેખર યોગ્ય હતું, કારણ કે દાનીયેલે જીવનપર્યંત યહોવાને વફાદારી બતાવી અને તેમની આજ્ઞા પાળી હતી. જ્યારે દાનીયેલ સોએક વર્ષના હતા, ત્યારે ઈશ્વરના દૂતે કહ્યું: “હે દાનીયેલ, અતિ પ્રિય માણસ.”—દાની. ૧૦:૧૧.

૧૩. દાનીયેલને ઊંચી પદવી મેળવવા યહોવાએ મદદ કરી, એનું એક કારણ શું હોય શકે?

૧૩ યહોવાની મદદથી દાનીયેલ મહત્ત્વના અધિકારી બન્યા. પહેલા, બાબેલોન સામ્રાજ્યના અને પછી, માદાય-ઈરાન સામ્રાજ્યના. (દાની. ૧:૨૧; ૬:૧, ૨) યહોવાએ દાનીયેલને ઊંચી પદવી મેળવવા મદદ કરી, જેથી તે પોતાના લોકોને સહાય કરી શકે. યુસફે ઇજિપ્તમાં તથા મોર્દખાય અને એસ્તરે ઈરાનમાં એવી જ રીતે પોતાના લોકોની મદદ કરી હતી. * (દાની. ૨:૪૮) શું તમે કલ્પના કરી શકો કે યહોવાએ દાનીયેલનો ઉપયોગ કર્યો, એ જોઈને હઝકીએલ અને બીજા યહુદીઓને કેવું લાગ્યું હશે? ચોક્કસ, ઘણું ઉત્તેજન મળ્યું હશે!

યહોવાને વફાદાર રહીએ છીએ ત્યારે તે આપણને અનમોલ ગણે છે (ફકરા ૧૪, ૧૫ જુઓ)

૧૪, ૧૫. (ક) આપણા સંજોગો કેવી રીતે દાનીયેલ જેવા છે? (ખ) આજનાં માતા-પિતા દાનીયેલનાં માતા-પિતા પાસેથી શું શીખી શકે?

૧૪ આપણે કઈ રીતે દાનીયેલની જેમ શ્રદ્ધા બતાવી શકીએ અને આજ્ઞા પાળી શકીએ? આજે ચારે બાજુ અનૈતિકતા અને જૂઠી ભક્તિ જોવા મળે છે. મહાન બાબેલોનની, એટલે કે જૂઠા ધર્મોના સામ્રાજ્યની લોકો પર અસર થઈ છે. બાઇબલ એને “દુષ્ટ દૂતોનું રહેઠાણ” કહે છે. (પ્રકટી. ૧૮:૨) આપણે આ દુનિયામાં પરદેશીઓ જેવા છીએ. તેથી, લોકો જોઈ શકે છે કે આપણે ઘણા અલગ છીએ અને એટલે તેઓ કદાચ આપણી મજાક પણ ઉડાવે. (માર્ક ૧૩:૧૩) તેથી ચાલો, આપણે દાનીયેલની જેમ ઈશ્વર યહોવાની નજીક રહીએ. જો આપણે નમ્ર રહીશું, શ્રદ્ધા રાખીશું અને આજ્ઞાઓ પાળીશું, તો યહોવા આપણને પણ અનમોલ ગણશે.—હાગ્ગા. ૨:૭.

૧૫ દાનીયેલનાં માતા-પિતા પાસેથી આજનાં માતા-પિતા મહત્ત્વનો બોધપાઠ શીખી શકે. દાનીયેલ નાના હતા ત્યારે, યહુદામાં મોટાભાગના લોકો દુષ્ટ હતા. તેમ છતાં, દાનીયેલે નાનપણથી યહોવા માટેનો પ્રેમ કેળવ્યો હતો. શું યહોવા માટેનો પ્રેમ તેમનામાં આપમેળે આવી ગયો હશે? ના. માતા-પિતાએ ચોક્કસ તેમને યહોવા વિશે શીખવ્યું હશે. (નીતિ. ૨૨:૬) અરે, દાનીયેલના નામનો અર્થ થાય છે કે, “ઈશ્વર મારા ન્યાયાધીશ છે.” એનાથી જોવા મળે છે કે તેમનાં માતા-પિતાને યહોવા માટે પ્રેમ હતો. તો માતા-પિતાઓ, બાળકોને યહોવા વિશે શીખવતી વખતે ધીરજ રાખો અને હિંમત ન હારશો. (એફે. ૬:૪) તેઓની સાથે અને તેઓ માટે પ્રાર્થના કરો. તેઓને બાઇબલનું સત્ય શીખવવા બનતું બધું જ કરો. એમ કરશો તો, યહોવા તમને પુષ્કળ આશીર્વાદ આપશે.—ગીત. ૩૭:૫.

દરેક સંજોગોમાં અયૂબે શ્રદ્ધા બતાવી અને આજ્ઞાધીન રહ્યા!

૧૬, ૧૭. અયૂબે પોતાના જીવનમાં કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો?

૧૬ અયૂબે કયા પડકારોનો સામનો કરવો પડ્યો? અયૂબે જીવનમાં મોટા-મોટા ફેરફારો જોયા હતા. કસોટી પહેલાં, અયૂબ ‘પૂર્વનાં લોકોમાં સૌથી મોટા પુરુષ’ તરીકે જાણીતા હતા. (અયૂ. ૧:૩) તે ખૂબ જ અમીર હતા. ઘણા લોકો તેમને ઓળખતા અને ઘણું માન આપતા હતા. (અયૂ. ૨૯:૭-૧૬) તેમ છતાં, અયૂબે એમ ન વિચાર્યું કે પોતે ચઢિયાતા છે અથવા તેમને ઈશ્વરની જરૂર નથી. એવું ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકીએ? કેમ કે યહોવાએ તેમને “મારા સેવક” કહ્યા હતા. વધુમાં, યહોવાએ કહ્યું હતું: “તેના જેવો નિર્દોષ, પ્રમાણિક, ઈશ્વરભક્ત અને દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.”—અયૂ. ૧:૮.

૧૭ અચાનક અયૂબનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું અને તે એટલા નિરાશ થઈ ગયા કે તે જીવન ટૂંકાવી દેવા ચાહતા હતા. આપણે જાણીએ છીએ કે એની પાછળ શેતાનનો હાથ હતો. તેણે આરોપ મૂક્યો હતો કે અયૂબ સ્વાર્થને લીધે યહોવાની ભક્તિ કરે છે. (અયૂબ ૧:૯, ૧૦ વાંચો.) યહોવાએ શેતાનના આરોપ વિશે આંખ આડા કાન કર્યા નહિ. શેતાન જૂઠો છે, એ સાબિત કરવા તેમણે શું કર્યું? તેમણે અયૂબને પોતાની વફાદારી સાબિત કરવાની તક આપી. ઉપરાંત, એ જાહેર કરવાનો મોકો આપ્યો કે, તે પ્રેમથી પ્રેરાઈને યહોવાની ભક્તિ કરે છે.

૧૮. (ક) અયૂબના દાખલામાંથી તમને શું ગમ્યું? (ખ) યહોવા અયૂબ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણે યહોવા વિશે શું શીખી શકીએ?

૧૮ દુઃખ પહોંચાડવા અને એ બધું યહોવા તરફથી છે, એવું અયૂબના મનમાં ઠસાવવા શેતાને વારંવાર હુમલા કર્યા. (અયૂ. ૧:૧૩-૨૧) અયૂબના મિત્રો હોવાનો દાવો કરનાર ત્રણ માણસોએ એવી વાતો જણાવી, જેનાથી અયૂબ નિરાશ થઈ જાય. તેઓએ કહ્યું કે અયૂબ દુષ્ટ હોવાથી ઈશ્વર તેમને શિક્ષા કરી રહ્યા છે. (અયૂ. ૨:૧૧; ૨૨:૧, ૫-૧૦) આ બધું થવા છતાં, અયૂબ યહોવાને વફાદાર રહ્યા. ખરું કે, અયૂબે અમુક વાર મૂર્ખામીભરી વાતો કહી હતી. (અયૂ. ૬:૧-૩) અયૂબ ઘણા દુઃખી અને નિરાશ હોવાથી એવું બોલી રહ્યા છે, એ યહોવા સારી રીતે સમજતા હતા. શેતાને વારંવાર હુમલા કર્યા અને અપમાન કર્યું, છતાં અયૂબે યહોવાનો સાથ છોડ્યો નહિ. એ વાત યહોવાની નજર બહાર ગઈ નહિ. કસોટીઓનો અંત આવ્યા પછી, યહોવાએ અયૂબને પહેલાં કરતાં બમણું આપ્યું અને બીજા ૧૪૦ વર્ષનું આયુષ્ય આપ્યું. (યાકૂ. ૫:૧૧) કસોટીઓ પછી પણ, અયૂબ યહોવાની ભક્તિ પૂરા દિલથી કરતા રહ્યા. એ કઈ રીતે કહી શકાય? આ લેખની મુખ્ય કલમ હઝકીએલ ૧૪:૧૪ એનો પુરાવો આપે છે. એ શબ્દો અયૂબના મરણના ઘણાં વર્ષો પછી લખવામાં આવ્યા હતા.

૧૯, ૨૦. (ક) આપણે કઈ રીતે અયૂબની જેમ શ્રદ્ધા બતાવી શકીએ અને આજ્ઞા પાળી શકીએ? (ખ) યહોવાની જેમ, આપણે કઈ રીતે બીજાઓને દયા બતાવી શકીએ?

૧૯ આપણે કઈ રીતે અયૂબની જેમ શ્રદ્ધા બતાવી શકીએ અને આજ્ઞા પાળી શકીએ? સંજોગો ભલે ગમે એવા હોય, આપણા જીવનમાં યહોવા હંમેશાં સૌથી મહત્ત્વના વ્યક્તિ હોવા જોઈએ. આપણે તેમના પર પૂરેપૂરો ભરોસો રાખવા માંગીએ છીએ અને પૂરા દિલથી તેમની આજ્ઞાઓ પાળવા ચાહીએ છીએ. હકીકતમાં, આપણી પાસે એમ કરવાના અયૂબ કરતાં પણ વધારે કારણો છે. કેમ કે, આજે આપણે શેતાન અને તેની ચાલાકીઓ વિશે ઘણું બધું જાણીએ છીએ. (૨ કોરીં. ૨:૧૧) યહોવા શા માટે દુઃખ-તકલીફો ચાલવા દે છે, એ બાઇબલમાંથી, ખાસ કરીને અયૂબના પુસ્તકમાંથી જાણી શક્યા છીએ. દાનીયેલની ભવિષ્યવાણીમાંથી આપણને ખબર પડી છે કે યહોવાના રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત છે. (દાની. ૭:૧૩, ૧૪) આપણે જાણીએ છીએ કે એ સરકાર જલદી જ આખી પૃથ્વી પર રાજ કરશે અને બધી જ દુઃખ-તકલીફોનો અંત લાવશે.

૨૦ અયૂબના ઉદાહરણ પરથી એ પણ શીખવા મળે છે કે ભાઈ-બહેનો તકલીફમાં હોય ત્યારે, આપણે દયા બતાવવી જોઈએ. બની શકે કે, તેઓ પણ અયૂબની જેમ મૂર્ખામીભરી વાતો કરે. (સભા. ૭:૭) પરંતુ, આપણે તેઓ વિશે ખોટી ધારણા બાંધી લેવી ન જોઈએ. એના બદલે, તેઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો એમ કરીશું તો પ્રેમાળ અને દયાળુ પિતા યહોવાને આપણે અનુસરીશું.—ગીત. ૧૦૩:૮.

યહોવા “તમને બળવાન કરશે”

૨૧. નુહ, દાનીયેલ અને અયૂબનું જીવન કઈ રીતે આપણને ૧ પીતર ૫:૧૦ના શબ્દો યાદ અપાવે છે?

૨૧ નુહ, દાનીયેલ અને અયૂબ ઇતિહાસના અલગ અલગ સમયમાં જીવી ગયા અને તેઓના સંજોગો પણ જુદા જુદા હતા. તેમ છતાં, તેઓ પડકારો સામે ટકી શક્યા. તેઓનું જીવન આપણને પ્રેરિત પીતરના આ શબ્દો યાદ અપાવે છે: “તમે થોડો સમય સહન કરો પછી, સર્વ અપાર કૃપાથી ભરપૂર ઈશ્વર પોતે તમારી તાલીમ પૂરી કરશે . . . તે તમને દૃઢ કરશે, તે તમને બળવાન કરશે, તે તમને સ્થિર કરશે.”—૧ પીત. ૫:૧૦.

૨૨. આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨૨ પહેલો પીતર ૫:૧૦ના શબ્દો આજે પણ ઈશ્વરભક્તો માટે સાચા પડે છે. એ શબ્દોથી યહોવા ખાતરી આપે છે કે તે પોતાના ભક્તોને દૃઢ અને બળવાન કરશે. આપણે બધા જ ઇચ્છીએ છીએ કે યહોવા આપણને બળવાન કરે. આપણે ચાહીએ છીએ કે, આપણી શ્રદ્ધા નબળી ન પડે. એટલે જ, આપણે નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવવા અને આજ્ઞા પાળવા ચાહીએ છીએ. આવતા લેખમાં, આપણે જોઈશું કે આ ત્રણેય ઈશ્વરભક્તો યહોવાને વફાદાર રહી શક્યા, કારણ કે તેઓ તેમને સારી રીતે ઓળખતા હતા. હકીકતમાં, યહોવા તેમની પાસેથી જે ચાહતા હતા, એ ‘સઘળી બાબતો તેઓ સમજતા હતા.’ (નીતિ. ૨૮:૫) આપણે પણ તેમની જેમ કરી શકીએ છીએ.

^ ફકરો. 2 ઈ.સ. પૂર્વે ૬૧૭માં હઝકીએલને બાબેલોન લઈ જવામાં આવ્યા હતા. એના ‘છઠ્ઠા વર્ષે’ એટલે કે, ઈ.સ. પૂર્વે ૬૧૨માં તેમણે હઝકીએલના ૮થી ૧૯ અધ્યાયમાં જોવા મળતા શબ્દો લખ્યા હતા.

^ ફકરો. 5 નુહના પિતા લામેખને ઈશ્વર પર શ્રદ્ધા હતી. પણ જળપ્રલયના પાંચ વર્ષ પહેલાં જ તે મરણ પામ્યા. જો નુહની માતા, ભાઈઓ અને બહેનો જળપ્રલય સમયે જીવતા હશે, તોપણ એમાંથી બચ્યા નહિ હોય.

^ ફકરો. 13 કદાચ યહોવાએ હનાન્યાહ, મીશાએલ અને અઝાર્યાહને પણ ઊંચી પદવી મેળવવા મદદ કરી હશે, જેથી તેઓ પણ યહુદી લોકોને સહાય કરી શકે.—દાની. ૨:૪૯.