સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૬

ઈશ્વરને વફાદાર રહીએ!

ઈશ્વરને વફાદાર રહીએ!

‘મરતાં સુધી હું વફાદાર રહીશ.’—અયૂ. ૨૭:૫.

ગીત ૨૯ ચાલું તારી સંગે

ઝલક *

૧. ત્રણ સાક્ષીઓ કઈ રીતે યહોવાને વફાદાર રહ્યા?

ચાલો ત્રણ સંજોગોની કલ્પના કરીએ અને જોઈએ કે યહોવાના સાક્ષીઓ કઈ રીતે વર્તે છે. (૧) એક નાનકડી છોકરી સ્કૂલમાં છે. ટીચરે ક્લાસમાં બધાં બાળકોને એક તહેવારની ઉજવણીમાં ભાગ લેવાનું જણાવ્યું. છોકરી જાણતી હતી કે ઈશ્વરને એ તહેવાર પસંદ નથી. એટલે તેણે એમાં ભાગ લેવાની નમ્રતાથી ના પાડી. (૨) એક યુવાન ભાઈ શરમાળ છે. તે ઘરે-ઘરે ખુશખબર ફેલાવી રહ્યો છે. તેને ખબર પડી કે તેની સાથે ભણતો છોકરો ત્યાં જ રહે છે. એ છોકરાએ પહેલાં પણ યહોવાના સાક્ષીઓની મજાક ઉડાવી હતી. તોપણ યુવાન ભાઈ ખુશખબર જણાવવા ડર્યા વગર તેના ઘરે જાય છે. (૩) એક ભાઈ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા તનતોડ મહેનત કરે છે. બોસ તેમને ખોટું કામ કરવા જણાવે છે. નોકરી ગુમાવવાનો ડર હોવા છતાં, તેમણે બોસને જણાવ્યું કે તે પ્રમાણિક રહેશે અને નિયમો પાળશે. કારણ કે એ ભાઈ જાણે છે કે ઈશ્વર પોતાના ભક્તો પાસે એવું જ ચાહે છે.—રોમ. ૧૩:૧-૪; હિબ્રૂ. ૧૩:૧૮.

૨. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું અને શા માટે?

એ ત્રણ સાક્ષીઓમાં તમને કયા ગુણો જોવા મળ્યા? તમે કદાચ કહેશો, હિંમત અને પ્રમાણિકતા. તેઓમાં બીજો પણ એક મહત્ત્વનો ગુણ હતો. એ હતો, વફાદારી. તેઓ યહોવાને વફાદાર રહ્યા હતા. તેઓએ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલવાનું છોડ્યું નહિ. વફાદાર હોવાથી તેઓ એમ કરી શક્યા. એ માટે યહોવાને તેઓ પર ગર્વ થયો હશે. આપણે પણ ચાહીએ છીએ કે યહોવાને આપણા પર ગર્વ થાય. ચાલો આ સવાલોની ચર્ચા કરીએ: વફાદારી એટલે શું? આપણે શા માટે વફાદાર રહેવું જોઈએ? અઘરા સંજોગોમાં પણ આપણે કઈ રીતે વફાદારી જાળવી શકીએ?

વફાદારી એટલે શું?

૩. (ક) વફાદારી એટલે શું? (ખ) કયા દાખલાઓથી આપણને વફાદારીનો અર્થ સમજવા મદદ મળે છે?

ઈશ્વરભક્તો કઈ રીતે વફાદારી બતાવે છે? તેઓ યહોવાને પૂરા દિલથી પ્રેમ કરે છે અને ફક્ત તેમની જ ભક્તિ કરે છે. એટલે તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલે છે. બાઇબલમાં ‘વફાદારી’ શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ થયો છે. બાઇબલમાં વપરાયેલા મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ થાય: પૂરેપૂરું, તંદુરસ્ત કે કોઈ ખામી વગરનું. દાખલા તરીકે, ઇઝરાયેલીઓ યહોવાને પ્રાણીઓનું અર્પણ ચઢાવતા હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે એ પ્રાણીઓ કોઈ ખોડખાંપણ કે ખામી વગરના હોય એ જરૂરી હતું. (લેવી. ૨૨:૨૧, ૨૨) જો કોઈ પ્રાણીને પગ, કાન કે આંખ ન હોય અથવા એ બીમાર હોય, તો એનું બલિદાન ચઢાવવાનું ન હતું. યહોવા ચાહતા હતા કે તેઓ પૂરેપૂરું, તંદુરસ્ત કે કોઈ ખામી વગરનું પ્રાણી અર્પણ તરીકે ચઢાવે. (માલા. ૧:૬-૯) યહોવા કેમ એવું બલિદાન ચાહતા હતા? જ્યારે આપણે ફળ-શાકભાજી કે કોઈ વસ્તુ ખરીદીએ, ત્યારે આપણે ધ્યાન રાખીએ છીએ કે એ બગડેલું, કપાયેલું કે તૂટેલું ન હોય. આપણે ચાહીએ છીએ કે એ એકદમ સારું હોય અને એમાં કોઈ ખામી ન હોય. પ્રેમ અને વફાદારીની વાત આવે ત્યારે, યહોવા આપણી પાસે એવી જ અપેક્ષા રાખે છે. તે ચાહે છે કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ અને આપણી વફાદારીમાં કોઈ ખામી ન હોય.

૪. (ક) ભૂલો કરનાર માણસ પણ વફાદાર રહી શકે છે એનાં કારણો જણાવો? (ખ) ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪ પ્રમાણે યહોવા આપણી પાસે શું ઇચ્છે છે?

શું એનો અર્થ એવો થાય કે વફાદાર રહેવા આપણે ખામી વગરના હોવા જોઈએ? હકીકત તો એ છે કે આપણે માટીના માણસ છીએ એટલે ભૂલો કરીએ છીએ. વફાદાર રહેવા મદદ મળે એ માટે આપણે બે કારણો જોઈશું. પહેલું, યહોવા આપણી ખામીઓ પર ધ્યાન આપતા નથી. બાઇબલ કહે છે: ‘હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?’ (ગીત. ૧૩૦:૩) યહોવા જાણે છે કે આપણે પાપ કરીએ છીએ, ભૂલો કરીએ છીએ. એટલે તે આપણને દિલથી માફ કરે છે. (ગીત. ૮૬:૫) બીજું, યહોવા આપણી ક્ષમતા જાણે છે અને આપણી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા નથી. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪ વાંચો.) આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરવી જોઈએ. આપણી વફાદારીમાં કોઈ ખામી ન હોવી જોઈએ. એનો શો અર્થ થાય?

૫. વફાદાર રહેવા યહોવાના ભક્તોને પ્રેમનો ગુણ કઈ રીતે મદદ કરે છે?

વફાદારીનો ગુણ પ્રેમના ગુણ સાથે જોડાયેલો છે. એટલે પ્રેમનો ગુણ કેળવવો યહોવાના ભક્તો માટે ખૂબ મહત્ત્વનું છે. આપણે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ અને વફાદારીથી તેમની ભક્તિ કરવી જોઈએ. એ પ્રેમ અને ભક્તિ પૂરા દિલથી હોવા જોઈએ અને કોઈ ખામી વગરના હોવા જોઈએ. જો તકલીફોમાં પણ આપણે એવો પ્રેમ બતાવતા રહીશું, તો દેખાય આવશે કે આપણે યહોવાને વફાદાર છીએ. (૧ કાળ. ૨૮:૯; માથ. ૨૨:૩૭) લેખની શરૂઆતમાં જે સાક્ષીઓ વિશે જોઈ ગયા, ચાલો ફરી તેઓનો વિચાર કરીએ. શા માટે તેઓ એ રીતે વર્ત્યા? શું નાનકડી છોકરીને મોજમઝા કરવાનું ગમતું નહિ હોય? શું યુવાન ભાઈ એવું ચાહતો હશે કે પેલો છોકરો તેની મજાક ઉડાવે? શું નોકરી કરનાર ભાઈ એવું ઇચ્છતા હશે કે નોકરી છૂટી જાય? ના, એવું ન હતું. તેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવા માંગતા હતા. તેઓ ઈશ્વરને પૂરા દિલથી ખુશ કરવા ચાહતા હતા. યહોવાને પ્રેમ કરતા હોવાથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેઓ વિચારતા કે યહોવાની ઇચ્છા શું છે. આમ, તેઓએ બતાવી આપ્યું કે તેઓ યહોવાને વફાદાર છે.

આપણે શા માટે વફાદાર રહેવું જોઈએ?

૬. (ક) વફાદાર રહેવું શા માટે મહત્ત્વનું છે? (ખ) આદમ અને હવા કઈ રીતે યહોવાને બેવફા બન્યા?

વફાદાર રહેવું શા માટે મહત્ત્વનું છે? કારણ કે શેતાને યહોવા સામે સવાલ ઉઠાવ્યો હતો અને તેણે આપણી સામે પણ સવાલ ઉઠાવ્યો છે. તેણે પહેલી વાર એદન બાગમાં બંડ પોકાર્યું ત્યારથી તે શેતાન અથવા “વિરોધી” તરીકે ઓળખાવા લાગ્યો. તે જાણે કહી રહ્યો હતો કે ઈશ્વર તો ખરાબ, સ્વાર્થી અને અન્યાયી છે. આમ, તેણે યહોવાનું પવિત્ર નામ બદનામ કર્યું. દુઃખની વાત છે કે, આદમ અને હવાએ શેતાનને સાથ આપ્યો અને યહોવા સામે બંડ પોકાર્યું. (ઉત. ૩:૧-૬) એદન બાગનું જીવન તો એક મોટો લહાવો હતો! યહોવા માટેનો પ્રેમ મજબૂત કરવાની તેઓ પાસે ઘણી તક હતી. પણ શેતાને તેઓ સામે લાલચ મૂકી ત્યારે તેઓ તેની જાળમાં ફસાઈ ગયા. એનાથી સાબિત થયું કે યહોવા માટેનો તેઓનો પ્રેમ અધૂરો અને ખામીવાળો હતો. એટલે બીજો એક સવાલ ઊભો થયો: શું યહોવા માટેનો પ્રેમ કોઈ પણ મનુષ્યને વફાદાર રહેવા મદદ કરી શકે? બીજા શબ્દોમાં કહીએ તો, શું મનુષ્યો યહોવાને વફાદાર રહી શકે? અયૂબના કિસ્સામાં પણ એ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

૭. અયૂબની વફાદારીને યહોવા કેવી ગણતા હતા? અયૂબની વફાદારી વિશે શેતાન શું ચાહતો હતો?

અયૂબ એ જમાનામાં જીવતા હતા, જ્યારે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાં હતા. તેમણે બતાવેલી વફાદારી અજોડ હતી. આપણી જેમ જ તે પણ કાળા માથાના માનવી હતા, તે પણ ભૂલો કરતા હતા. તેમની વફાદારીને લીધે યહોવાની નજરે તે ઘણા કીમતી હતા. એવું લાગે છે કે, શેતાને યહોવા સામે માણસોની વફાદારી પર સવાલ ઉઠાવ્યો હતો. એટલે યહોવાએ શેતાનને અયૂબ વિશે જણાવ્યું. અયૂબના જીવનથી દેખાય આવતું કે શેતાન જૂઠો છે. શેતાન ચાહતો હતો કે અયૂબની વફાદારીની કસોટી થાય. યહોવાએ શેતાનને એમ કરવાની છૂટ આપી, કારણ કે યહોવાને પોતાના પ્રિય ભક્ત અયૂબ પર પૂરો ભરોસો હતો.—અયૂબ ૧:૮-૧૧ વાંચો.

૮. શેતાન અયૂબ પર કેવાં દુઃખો લાવ્યો?

શેતાન ઘણો ક્રૂર છે. તે હત્યારો પણ છે. તેણે અયૂબનાં ધનદોલત અને ચાકરો છીનવી લીધા. અરે, તેમનું નામ પણ ધૂળમાં મેળવી દીધું. શેતાન એટલેથી જ અટક્યો નહિ, તેણે અયૂબનાં દસ બાળકોને મારી નાખ્યા. આમ, તેણે અયૂબનું કુટુંબ વેરવિખેર કરી નાખ્યું. શેતાને અયૂબને પણ છોડ્યા નહિ, તેમના પર બીમારી લાવ્યો. અયૂબના માથાથી લઈને પગની પાની સુધી એટલાં ગૂમડાં થયાં કે તેમનાથી દુઃખ સહેવાતું ન હતું. આ બધું જોઈને તેમની પત્ની દુઃખી દુઃખી થઈ ગઈ. તેણે અયૂબને જણાવ્યું કે બીજું બધું પડતું મૂકે, ઈશ્વરને શાપ આપે અને મરી જાય. એક સમયે તો અયૂબે પોતે મોત માંગ્યું. પણ આ બધું થવા છતાં તે યહોવાને વફાદાર રહ્યા. પછી શેતાને પેંતરો બદલ્યો. તેણે અયૂબના ત્રણ મિત્રોનો ઉપયોગ કર્યો. તેઓ અયૂબને મળવા આવતા. તેઓ અયૂબને દિલાસો આપવાને બદલે બધી મુશ્કેલીઓ માટે તેનો વાંક કાઢતા હતા. તેઓ કહેતા હતા કે અયૂબના દુઃખો પાછળ ઈશ્વરનો હાથ છે. અયૂબ વફાદાર રહે કે ન રહે, ઈશ્વરને કંઈ ફરક પડતો નથી. તેઓએ તો એમ પણ કહ્યું કે અયૂબ ખરાબ છે, એટલે તેમના પર દુઃખો આવી પડ્યા છે.—અયૂ. ૧:૧૩-૨૨; ૨:૭-૧૧; ૧૫:૪, ૫; ૨૨:૩-૬; ૨૫:૪-૬.

૯. કપરા સંજોગો હોવા છતાં અયૂબે શું ન કર્યું?

મુશ્કેલીઓમાં અયૂબે શું કર્યું? તે પણ આપણા જેવા માણસ હોવાથી ભૂલો કરી બેઠા. તેમણે ગુસ્સામાં મિત્રોને ધમકાવ્યા અને નકામી વાતો બોલ્યા. ખરું કે તે ઈશ્વરને ન્યાયી ગણતા હતા. પણ તેમના શબ્દોથી દેખાઈ આવ્યું કે તેમનું ધ્યાન પોતાને ન્યાયી સાબિત કરવામાં વધારે લાગેલું હતું. (અયૂ. ૬:૩; ૧૩:૪, ૫; ૩૨:૨; ૩૪:૫) કપરા સંજોગો હોવા છતાં પણ તે યહોવાથી દૂર ગયા નહિ. મિત્રોની ખોટી વાતોને તે સાચી માની બેઠા નહિ. તેમણે કહ્યું: ‘હું તમને ન્યાયી ઠરાવું, એવું ઈશ્વર ન થવા દો; મરતાં સુધી હું પ્રમાણિક રહીશ.’ (અયૂ. ૨૭:૫) એ શબ્દો બતાવે છે કે અયૂબે વફાદાર રહેવાની મનમાં ગાંઠ વાળી હતી. આપણે પણ એમ જ કરવું જોઈએ.

૧૦. શેતાન આપણા પર કયો આરોપ લગાવે છે?

૧૦ શેતાને અયૂબ પર આરોપ લગાવ્યો હતો. તે આપણા પર એવો જ આરોપ લગાવે છે. શેતાન કહે છે કે આપણે યહોવાને સાચો પ્રેમ કરતા નથી. આપણને પોતાનો જીવ બહુ વહાલો છે. આપણા જીવ પર જોખમ આવશે ત્યારે, યહોવાને છોડી દઈશું અને બેવફા બનીશું. (અયૂ. ૨:૪, ૫; પ્રકટી. ૧૨:૧૦) એ સાંભળીને તમને કેવું લાગશે? તમને ઘણું દુઃખ થશે, ખરું ને! હવે આનો વિચાર કરો: યહોવાએ આપણને વફાદાર રહેવાની તક આપી છે. એટલે યહોવા શેતાનને આપણી કસોટી કરવા દે છે. યહોવાને પાકી ખાતરી છે કે આપણે વફાદાર રહીને શેતાનને જૂઠો સાબિત કરી શકીશું. યહોવાએ આપણને વચન આપ્યું છે કે વફાદારી જાળવવા તે આપણને મદદ કરશે. (હિબ્રૂ. ૧૩:૬) જરા વિચારો, આખી સૃષ્ટિના માલિકને આપણા પર ભરોસો છે, એ કેટલો મોટો લહાવો કહેવાય! હવે આપણે સમજી શકીએ છીએ કે, વફાદારી શા માટે ખૂબ મહત્ત્વની છે. વફાદાર રહેવાથી આપણે શેતાનના જૂઠાણાંનો જડબાતોડ જવાબ આપી શકીએ છીએ. આપણા પિતાના નામને મોટું મનાવી શકીએ છીએ. આપણે સાબિત કરી શકીએ છીએ કે તેમની રાજ કરવાની રીત સાચી છે. વફાદારી જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ?

આજે આપણે કઈ રીતે વફાદારી જાળવી શકીએ?

૧૧. આપણે અયૂબ પાસેથી શું શીખી શકીએ?

૧૧ આ “છેલ્લા દિવસોમાં” શેતાન આપણા પર વધારે ને વધારે તકલીફો લાવી રહ્યો છે. (૨ તિમો. ૩:૧) આ અઘરા સમયમાં આપણે કઈ રીતે વફાદારી જાળવી શકીએ? આપણે અયૂબ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. અયૂબ યહોવાને પહેલેથી વફાદાર હતા. એટલે શેતાન તેમના પર તકલીફો લાવ્યો ત્યારે તે ડગ્યા નહિ. આપણે પણ એવી વફાદારી બતાવવી જોઈએ. ચાલો અયૂબના દાખલામાંથી ત્રણ બોધપાઠ લઈએ. એનાથી આપણી વફાદારી જાળવી રાખવા મદદ મળશે.

વફાદારી મજબૂત કરવા આપણને શાનાથી મદદ મળશે? (ફકરો ૧૨ જુઓ) *

૧૨. (ક) અયૂબ કઈ રીતે યહોવાને માન આપવા પ્રેરાયા? (ખ) આપણે કઈ રીતે એમ કરી શકીએ?

૧૨ યહોવાનાં અજોડ કામોને લીધે અયૂબનો યહોવા માટેનો પ્રેમ વધતો ગયો. યહોવાએ રચેલી સૃષ્ટિ નિહાળવા અયૂબ સમય કાઢતા. (અયૂબ ૨૬:૭, ૮, ૧૪ વાંચો.) પૃથ્વી, આકાશ, વાદળો અને વીજળીના કડાકા વિશે અયૂબ વિચારતા ત્યારે નવાઈનો પાર ન રહેતો. તેમને ખબર પડી કે યહોવાએ બનાવેલી સૃષ્ટિ વિશે તો તે થોડું-ઘણું જ જાણે છે. યહોવાના શબ્દો અયૂબ માટે ખૂબ કીમતી હતા. એ વિશે અયૂબે જણાવ્યું: ‘તેમના મુખના શબ્દો મેં સંઘરી રાખ્યા છે.’ (અયૂ. ૨૩:૧૨) યહોવા માટે તેમના દિલમાં માન વધતું ગયું. યહોવાને તે ખૂબ પ્રેમ કરતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. આમ, યહોવાને વફાદાર રહેવાનો તેમનો નિર્ણય વધુ મજબૂત થયો. આપણે પણ તેમના દાખલાને અનુસરવું જોઈએ. અયૂબના સમયના લોકો કરતાં સૃષ્ટિની સુંદર વસ્તુઓ વિશે આજે આપણે વધારે જાણીએ છીએ. યહોવાને સારી રીતે જાણવા આજે આપણી પાસે બાઇબલ છે. આપણે જે કંઈ શીખીએ છીએ, એનાથી આપણું દિલ યહોવા માટેની કદરથી ઊભરાય છે. યહોવા માટે માન વધશે તેમ તેમના માટેનો પ્રેમ પણ વધશે. આપણને તેમની આજ્ઞાઓ પાળવાનું મન થશે. તેમને વફાદાર રહેવાની આપણી ઇચ્છા વધશે.—અયૂ. ૨૮:૨૮.

વફાદારી જાળવી રાખવા આપણે પોર્નોગ્રાફીથી દૂર રહીએ (ફકરો ૧૩ જુઓ) *

૧૩-૧૪. (ક) અયૂબ ૩૧:૧ પ્રમાણે કઈ રીતે અયૂબે યહોવાની આજ્ઞાઓ પાળી? (ખ) આપણે કઈ રીતે તેમના દાખલાને અનુસરી શકીએ?

૧૩ યહોવાની આજ્ઞા પાળવાથી અયૂબ વફાદારી જાળવી શક્યા. અયૂબ જાણતા હતા કે યહોવાને વફાદાર રહેવા તેમની આજ્ઞાઓ પાળવી ખૂબ જરૂરી છે. જેમ જેમ યહોવાની આજ્ઞા પાળતા જઈએ, તેમ તેમ વફાદારી વધતી જાય છે. રોજબરોજના જીવનમાં યહોવાની આજ્ઞાઓ પાળવા અયૂબે ઘણી મહેનત કરી હતી. દાખલા તરીકે, તે કોઈ પણ સ્ત્રીને ખરાબ નજરે જોતા નહિ. (અયૂબ ૩૧:૧ વાંચો.) તે જાણતા હતા કે પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રીને પ્રેમ કરવો ખોટું કહેવાય. આજકાલ દુનિયાના લોકો માટે તો લગ્‍ન બહાર જાતીય સંબંધ રાખવો સાવ સામાન્ય થઈ ગયું છે. આપણે પણ અયૂબની જેમ વર્તવું જોઈએ. લગ્‍નસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે પ્રેમના સપના જોવા ન જોઈએ. આપણે ગંદાં, અશ્લીલ ચિત્રોથી (પોર્નોગ્રાફીથી) દૂર રહેવું જોઈએ. (માથ. ૫:૨૮) આપણે મન કાબૂમાં રાખતા શીખવું જોઈએ. આપણે એમ દરરોજ કરતા રહેવું જોઈએ. એમ કરીશું તો યહોવાને વફાદાર રહી શકીશું.

વફાદારી જાળવી રાખવા માલમિલકત વિશે યોગ્ય વલણ રાખીએ (ફકરો ૧૪ જુઓ) *

૧૪ ધનદોલતને અયૂબ કઈ નજરે જોતા હતા? અયૂબને ખબર હતી કે એ વિશે યહોવાને કેવું લાગે છે. અયૂબ જાણતા હતા કે જો તે માલમિલકત પર ભરોસો રાખશે, તો મોટું પાપ કરી બેસશે. એનું પરિણામ પણ તેમણે ભોગવવું પડશે. (અયૂ. ૩૧:૨૪, ૨૫, ૨૮) આજની દુનિયામાં લોકો પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે. પૈસા અને માલમિલકત વિશે બાઇબલ સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને આપણે યોગ્ય વલણ બતાવવું જોઈએ. એમ કરીશું તો યહોવાને વફાદાર રહેવાનો આપણો નિર્ણય પાકો થશે.—નીતિ. ૩૦:૮, ૯; માથ. ૬:૧૯-૨૧.

વફાદારી જાળવી રાખવા ભાવિમાં મળનાર આશાને નજર સામે રાખીએ (ફકરો ૧૫ જુઓ) *

૧૫. (ક) વફાદાર રહેવા અયૂબને બીજા શાનાથી મદદ મળી? (ખ) આપણે શું યાદ રાખવું જોઈએ?

૧૫ યહોવા પાસેથી મળનાર ઇનામ પર નજર રાખવાથી અયૂબને વફાદાર રહેવા મદદ મળી. તે જાણતા હતા કે ઈશ્વર તેમની વફાદારીને ધ્યાનમાં લે છે. (અયૂ. ૩૧:૬) મુશ્કેલીઓમાં પણ અયૂબને પૂરો ભરોસો હતો કે યહોવા તેમને જરૂર ઇનામ આપશે. એનાથી તેમને વફાદારી જાળવી રાખવા મદદ મળી. અયૂબની વફાદારીથી યહોવા એટલા ખુશ થયા કે તેમણે એ સમયે અયૂબની ઝોળી આશીર્વાદોથી ભરી દીધી. (અયૂ. ૪૨:૧૨-૧૭; યાકૂ. ૫:૧૧) એટલું જ નહિ, આવનાર ભાવિમાં તેમને એનાથીયે મોટા આશીર્વાદો મળશે. બાઇબલ જણાવે છે કે આપણા ઈશ્વર બદલાયા નથી. (માલા. ૩:૬) એટલે આપણે પણ પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણી વફાદારીનું ઇનામ આપશે. તે આપણી વફાદારીની ખૂબ કદર કરે છે. એ યાદ રાખીશું તો સુંદર ભાવિને આપણી નજર સામે રાખી શકીશું.—૧ થેસ્સા. ૫:૮, ૯.

૧૬. આપણે કયો નિર્ણય લેવો જોઈએ?

૧૬ ચાલો હંમેશાં વફાદાર રહેવાનો પાકો નિર્ણય કરીએ. અમુક વાર કદાચ લાગે કે આસપાસ બીજું કોઈ વફાદાર ઈશ્વરભક્ત નથી, તમે એકલા પડી ગયા છો. પણ યાદ રાખો કે તમે એકલા નથી. આખી દુનિયામાં લાખો કરોડો લોકો તમારી જેમ જ યહોવાને વફાદાર રહે છે. અગાઉ ઘણા સ્ત્રી પુરુષોએ પૂરી શ્રદ્ધાથી વફાદારી જાળવી રાખી હતી. મોતનું જોખમ હોવા છતાં, તેઓએ એમ કર્યું હતું. જો તમે વફાદાર રહેશો તો તમે પણ એ વફાદાર ભક્તોમાંના એક ગણાશો. (હિબ્રૂ. ૧૧:૩૬-૩૮; ૧૨:૧) અયૂબની જેમ આપણે પણ નિર્ણય કરવો જોઈએ કે, ‘મરતાં સુધી હું વફાદાર રહીશ.’ આપણી વફાદારીથી યહોવાને હંમેશાં મહિમા મળશે!

ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ

^ ફકરો. 5 વફાદારી એટલે શું? શા માટે યહોવા ચાહે છે કે તેમના ભક્તોમાં એ ગુણ હોય? આપણે શા માટે ઈશ્વરને વફાદાર રહેવું જોઈએ? આ લેખમાં આપણને બાઇબલમાંથી એ સવાલોના જવાબ મળશે. આ લેખમાં એ પણ જોઈશું કે રોજબરોજના જીવનમાં આપણે કઈ રીતે વફાદારી જાળવી શકીએ. એમ કરીશું તો આપણને ઘણા આશીર્વાદો મળશે.

^ ફકરો. 49 ચિત્રની સમજ: અયૂબ પોતાનાં બાળકોને યહોવાએ બનાવેલી સૃષ્ટિમાંથી શીખવી રહ્યા છે.

^ ફકરો. 51 ચિત્રની સમજ: સાથે કામ કરનારા લોકો ભાઈને પોર્નોગ્રાફી જોવાનું દબાણ કરે છે, પણ તે સાફ ના પાડે છે.

^ ફકરો. 53 ચિત્રની સમજ: મોટું અને મોઘું ટીવી ખરીદવાનું ભાઈ પર દબાણ આવે છે, જેની તેમને ખરેખર તો જરૂર નથી અને તેમને પોસાય એમ પણ નથી, એટલે તે ટીવી ખરીદવાની ના પાડે છે.

^ ફકરો. 55 ચિત્રની સમજ: નવી દુનિયાની આશા પર ભાઈ મનન કરે છે અને પ્રાર્થના કરે છે.