અભ્યાસ લેખ ૭
નમ્ર બનીએ અને યહોવાને ખુશ કરીએ
‘હે પૃથ્વીના નમ્ર માણસો, યહોવાને શોધો; નમ્રતા શોધો.’—સફા. ૨:૩.
ગીત ૧ યહોવાના ગુણો
ઝલક *
૧-૨. (ક) બાઇબલમાં મુસા વિશે શું જણાવવામાં આવ્યું છે અને તેમણે કેવાં કામ કર્યાં હતાં? (ખ) નમ્રતા કેળવવા આપણને ક્યાંથી પ્રેરણા મળે છે?
બાઇબલમાં જણાવ્યું છે કે મુસા ‘પૃથ્વી પરના સર્વ લોકો કરતાં નમ્ર હતા.’ (ગણ. ૧૨:૩) શું એનો અર્થ એમ થાય કે મુસા કમજોર હતા, નિર્ણયો લેતા અચકાતા હતા અને વિરોધ થાય ત્યારે ડરી જતા હતા? ભલે અમુક લોકોને લાગે કે નમ્ર વ્યક્તિ એવી હોય છે, પણ એ સાચું નથી. મુસા તો મક્કમ અને હિંમતવાન ઈશ્વરભક્ત હતા. નિર્ણયો લેવામાં તે ક્યારેય ડરતા નહિ. યહોવાની મદદથી તેમણે ઘણાં જોરદાર કામ કર્યાં હતાં. જેમ કે, તેમણે ઇજિપ્તના શક્તિશાળી રાજાનો સામનો કર્યો, રણમાં લગભગ ૩૦ લાખ લોકોની આગેવાની લીધી અને દુશ્મનો પર જીત મેળવવા ઇઝરાયેલી પ્રજાને મદદ કરી.
૨ મુસાએ જે પડકારોનો સામનો કર્યો, એવા પડકારોનો આપણે સામનો કરવો પડતો નથી. પણ આપણે દરરોજ એવા લોકો અને સંજોગોનો સામનો કરીએ છીએ, જેના લીધે નમ્રતાનો ગુણ બતાવવો અઘરું લાગે છે. એ ગુણ કેળવવા આપણને યહોવાના વચનથી પ્રેરણા મળે છે. એ છે, “નમ્ર લોકો” પૃથ્વીનો વારસો મેળવશે. (ગીત. ૩૭:૧૧) શું તમે નમ્ર છો? શું બીજાઓને પણ તમારા વિશે એવું જ લાગે છે? એના જવાબ જોતા પહેલાં ચાલો જોઈએ કે નમ્રતા એટલે શું?
નમ્રતા એટલે શું?
૩-૪. (ક) નમ્રતાના ગુણને શાની સાથે સરખાવી શકાય? (ખ) નમ્ર બનવા આપણે કયા ગુણો કેળવવા જોઈએ અને શા માટે?
૩ નમ્રતાના * ગુણને એક સુંદર ચિત્ર સાથે સરખાવી શકાય. કઈ રીતે? ચિત્રકાર અલગ અલગ રંગો પૂરીને એક સુંદર ચિત્ર બનાવે છે. એ જ રીતે, આપણે અલગ અલગ ગુણો કેળવીને નમ્રતાનો સુંદર ગુણ બતાવી શકીએ છીએ. એમાંના અમુક ગુણો છે: કોમળતા, હિંમત અને આજ્ઞાપાલન. યહોવાને ખુશ કરવા માંગતા હોઈએ તો, આપણે એ ગુણો કેળવવા જ જોઈએ.
૪ નમ્ર લોકો જ ઈશ્વરની આજ્ઞા પાળે છે. ઈશ્વરની ઇચ્છા છે કે આપણે કોમળતાથી વર્તીએ, નમ્રતા બતાવીએ. (માથ. ૫:૫; ગલા. ૫:૨૩) આપણે ઈશ્વરની ઇચ્છા પૂરી કરીએ છીએ ત્યારે, શેતાન ગુસ્સાથી લાલપીળો થઈ જાય છે. એટલે આપણે નમ્ર કે શાંત હોઈશું તોપણ, શેતાનની દુનિયાના ઘણા લોકો આપણને નફરત કરશે. (યોહા. ૧૫:૧૮, ૧૯) તેથી શેતાનનો સામનો કરવા આપણને હિંમતની જરૂર પડે છે.
૫-૬. (ક) શેતાન શા માટે નમ્ર લોકોને નફરત કરે છે? (ખ) આપણે કયા સવાલોના જવાબ જોઈશું?
૫ ઘમંડ કરનાર, ગુસ્સાને કાબૂમાં ન રાખનાર અને યહોવાની આજ્ઞા ન પાળનારને નમ્ર વ્યક્તિ કહી શકાય નહિ. શેતાન એવો જ છે. તેને નમ્ર લોકો જરાય ગમતા નથી! નમ્ર લોકોમાં સારા ગુણો હોય છે. એનાથી દેખાય આવે છે કે શેતાન કેટલો ખરાબ છે. તે તો સાવ જૂઠો છે. તે ભલે ગમે એટલા ધમપછાડા કરી લે, પણ નમ્ર લોકોને યહોવાની ભક્તિ કરતા રોકી શકતો નથી.—અયૂ. ૨:૩-૫.
૬ નમ્ર રહેવું ક્યારે અઘરું લાગે છે? શા માટે આપણે નમ્રતા બતાવતા રહેવું જોઈએ? એ સવાલોના જવાબ મેળવવા ચાલો આ ઈશ્વરભક્તોના દાખલા તપાસીએ: મુસા, બાબેલોનના ત્રણ યહુદી ગુલામો અને ઈસુ.
નમ્ર રહેવું ક્યારે અઘરું લાગે છે?
૭-૮. બીજાઓએ માન આપ્યું નહિ ત્યારે મુસાએ શું કર્યું?
૭ અધિકાર મળ્યો હોય ત્યારે: જેઓ પાસે અધિકાર છે, જવાબદારી છે, તેઓ માટે નમ્ર રહેવું એક પડકાર છે. અમુક વાર તેઓના હાથ નીચે કામ કરનારા તેઓને માન આપતા નથી અથવા એવું કહે છે કે તેઓ સારા નિર્ણયો લઈ શકતા નથી. એવા સંજોગોમાં નમ્ર રહેવું ખાસ પડકાર બની શકે. શું તમારી સાથે ક્યારેય એવું થયું છે? જો કુટુંબમાંથી કોઈ તમારી સાથે એવું કરે તો તમે શું કરશો? ચાલો જોઈએ કે મુસાએ એવા સંજોગોમાં શું કર્યું હતું.
૮ યહોવાએ મુસાને ઇઝરાયેલીઓના આગેવાન બનાવ્યા હતા. ઈશ્વરે આપેલા નિયમો લખવાનો મુસાને લહાવો મળ્યો હતો. એ નિયમો આખી પ્રજાએ પાળવાના હતા. એનાથી સાફ જોઈ શકાય છે કે યહોવા ગણ. ૧૨:૧-૧૩) મુસાએ શા માટે એવું કર્યું?
મુસાને સાથ આપતા હતા. તેમ છતાં, મુસાની બહેન મરિયમ અને ભાઈ હારુન તેમને દોષ આપવા લાગ્યાં. તેઓએ મુસાની ટીકા કરી અને જણાવ્યું કે મુસાએ બીજી જાતિની સ્ત્રી સાથે લગ્ન કરીને ખોટું કર્યું છે. જો મુસાની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત, તો તે ગુસ્સે થઈ ગઈ હોત અને બદલો લેવાનો પ્રયત્ન કર્યો હોત. પણ મુસાએ એવું કર્યું નહિ. તેમણે માઠું લગાડ્યું નહિ. અરે, તેમણે તો મરિયમને માફ કરી દેવાની યહોવાને વિનંતી કરી. (૯-૧૦. (ક) યહોવાએ મુસાને શું શીખવ્યું? (ખ) કુટુંબના શિર અને વડીલો મુસાના દાખલામાંથી શું શીખી શકે?
૯ મુસા દરેક સંજોગોમાં યહોવા પાસેથી શીખવા તૈયાર હતા. ચાલીસેક વર્ષ પહેલાં, મુસા ઇજિપ્તના રાજવી કુટુંબના સભ્ય હતા ત્યારે તે નમ્ર ન હતા. અરે, એકવાર તેમને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે એક માણસને મારી નાખ્યો. મુસાને લાગ્યું કે એ માણસે ખોટું કર્યું છે. મુસાએ તો એવું માની લીધું કે યહોવા તેમના કામથી ખુશ થશે. યહોવાએ મુસાને શીખવ્યું કે ઇઝરાયેલીઓને દોરવા માટે તેમણે હિંમતની સાથે સાથે નમ્રતા બતાવવાની પણ જરૂર છે. એ શીખતા મુસાને ૪૦ વર્ષ લાગ્યા. નમ્ર બનવા તેમણે યહોવાની આજ્ઞા પાળવાની હતી અને મન શાંત રાખવાનું હતું. યહોવાએ શીખવેલી વાતો તેમણે લાગુ પાડી અને એક સારા આગેવાન બન્યા.—નિર્ગ. ૨:૧૧, ૧૨; પ્રે.કા. ૭:૨૧-૩૦, ૩૬.
૧૦ કુટુંબના શિર અને વડીલોએ મુસાના દાખલામાંથી શીખવું જોઈએ. કોઈ તમારી સાથે ખરાબ રીતે વર્તે તો ગુસ્સે ન થાવ, ખોટું ન લગાડો. જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો નમ્રતાથી સ્વીકારો. (સભા. ૭:૯, ૨૦) તકલીફોનો ઉકેલ લાવવા યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરો. બીજાઓ સાથે શાંતિથી વાત કરો. (નીતિ. ૧૫:૧) કુટુંબના શિર અને આગેવાની લેનાર ભાઈઓ એ પ્રમાણે કરશે તો, યહોવા ખુશ થશે. એમ કરવાથી શાંતિ જળવાશે અને તેઓ નમ્રતાનો સારો દાખલો બેસાડી શકશે.
૧૧-૧૩. ત્રણ યહુદી યુવાનો પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૧ સતાવણી થાય ત્યારે: ઇતિહાસ પર નજર નાખીએ તો, જોવા મળે છે કે શાસકોએ યહોવાના લોકોની ઘણી સતાવણી કરી છે. આજે પણ તેઓ આપણા પર ખોટા કામોનો આરોપ મૂકે છે. પણ સતાવણી પાછળનું મુખ્ય કારણ તો કંઈક બીજું છે. તેઓને એ ગમતું નથી કે આપણે ‘માણસોના બદલે ઈશ્વરની આજ્ઞા માનીએ છીએ.’ (પ્રે.કા. ૫:૨૯) કદાચ તેઓ આપણી મજાક ઉડાવે, આપણને જેલમાં પૂરે કે મારે, તોપણ આપણે બદલો લઈશું નહિ. યહોવાની મદદથી સતાવણી દરમિયાન આપણે શાંત રહી શકીશું.
૧૨ ત્રણ યહુદી ગુલામો હનાન્યાહ, મીશાએલ અને અઝાર્યાહનો વિચાર કરો. * તેઓએ આપણા માટે જોરદાર દાખલો બેસાડ્યો છે. બાબેલોનના રાજાએ તેઓને એક મોટી સોનાની મૂર્તિ આગળ નમવાનો હુકમ કર્યો. તેઓએ નમ્રતાથી રાજાને જણાવ્યું કે શા માટે તેઓ એ મૂર્તિને ભજશે નહિ. રાજાએ ધમકી આપી કે તેઓને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. છતાં તેઓ યહોવાને વફાદાર રહ્યા. એ યુવાનોને ખબર ન હતી કે યહોવા શું કરશે. જે પણ પરિણામ આવે એ સ્વીકારવા તેઓ તૈયાર હતા. તેઓને ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા ત્યારે, યહોવાએ તેઓને બચાવ્યા. (દાની. ૩:૧, ૮-૨૮) તેઓના દાખલાથી સાબિત થયું કે નમ્ર લોકો હિંમતવાન હોય છે. કોઈ અધિકારી, કોઈ ધમકી, કોઈ સજા આપણી વફાદારી તોડી શકશે નહિ. કેમ કે આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવાનો પાકો નિર્ણય લીધો છે.—નિર્ગ. ૨૦:૪, ૫.
૧૩ આપણી વફાદારીની કસોટી થાય ત્યારે કઈ રીતે ત્રણ યહુદી યુવાનોને અનુસરી શકીએ? નમ્ર રહીએ અને ભરોસો રાખીએ કે યહોવા આપણી સંભાળ રાખશે. (ગીત. ૧૧૮:૬, ૭) જેઓ આપણા પર ખોટું કરવાનો આરોપ મૂકે છે, તેઓ સાથે શાંતિથી અને માનથી વર્તીએ. (૧ પીત. ૩:૧૫) આપણે એવું કંઈ જ નહિ કરીએ, જેનાથી યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી પડે.
૧૪-૧૫. (ક) ચિંતામાં હોઈએ ત્યારે શું થાય છે? (ખ) નમ્રતા બતાવવા વિશે ઈસુએ કઈ રીતે સૌથી સારો દાખલો બેસાડ્યો છે?
૧૪ ચિંતામાં હોઈએ ત્યારે: એવું કોણ છે જેને ચિંતા થતી નથી! સ્કૂલમાં પરીક્ષા હોય ત્યારે કે પછી નોકરી પર કોઈ ખાસ કામ કરવાનું હોય ત્યારે આપણને ચિંતા થાય છે. કોઈ સારવાર લેવાની છે એ સાંભળીને જ આપણને ગભરામણ થઈ જાય. આપણે ચિંતામાં હોઈએ ત્યારે નમ્રતા બતાવવી અઘરું હોય છે. સામાન્ય સંજોગોમાં અમુક બાબતોથી આપણને કંઈ વાંધો ન હોય. પણ ચિંતામાં હોઈએ ત્યારે આપણને એવી બાબતોથી ચીડ ચઢવા લાગે. એવા સમયે, આપણે એલફેલ બોલી જઈએ અને લોકો સાથે ગમેતેમ વર્તીએ. તમારા જીવનમાં ચિંતાઓ આવી પડે, ત્યારે ઈસુના દાખલા પર વિચાર કરજો.
૧૫ ઈસુના મરણને થોડા જ મહિના બાકી હતા. એ સમયે તે ખૂબ ચિંતામાં હતા. તે જાણતા હતા કે તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવશે. (યોહા. ૩:૧૪, ૧૫; ગલા. ૩:૧૩) મરણના થોડા મહિના પહેલાં તેમણે કહ્યું હતું કે તે ઘણી ચિંતામાં છે. (લુક ૧૨:૫૦) મરણના થોડા જ દિવસો અગાઉ તેમણે કહ્યું, “હું બેચેન છું.” તેમણે પ્રાર્થનામાં પોતાની લાગણીઓ ઠાલવી: “હે પિતા, મને આ ઘડીથી બચાવો. જોકે, એ માટે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” (યોહા. ૧૨:૨૭, ૨૮) એનાથી આપણે જોઈ શકીએ કે તે નમ્ર હતા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળતા હતા. એ ઘડી આવી ત્યારે ઈસુએ પોતાને દુશ્મનોના હાથમાં સોંપી દીધા. તેઓએ ઈસુને રિબાવી રિબાવીને મારી નાખ્યા. ઈસુ ચિંતા અને દુઃખોનો સામનો કરી રહ્યા હતા, તોપણ તેમણે નમ્રતાથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરી. ચિંતામાં હોઈએ ત્યારે પણ નમ્રતા બતાવી શકાય છે, એ વિશે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે!—પ્રેરિતોનાં કાર્યો ૮:૩૨ વાંચો.
૧૬-૧૭. (ક) કેવા સંજોગોમાં ઈસુ માટે નમ્રતા બતાવવી અઘરું થઈ પડ્યું હશે? (ખ) આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ?
૧૬ ઈસુના મરણની આગલી રાતે એક ઘટના બની. ઈસુના પાકા મિત્રો એવી રીતે વર્ત્યા, જેનાથી ઈસુ માટે નમ્રતા બતાવવી અઘરું થઈ પડ્યું હશે. જરા વિચારો, એ રાતે ઈસુને કેટલી બધી ચિંતાઓ હશે. મરણ સુધી વફાદારી જાળવી રાખવાની તેમને ચિંતા થતી હશે. જો તે વફાદાર રહ્યા ન હોત, તો આપણામાંથી કોઈની પાસે સારા ભાવિની આશા ન હોત. (રોમ. ૫:૧૮, ૧૯) સૌથી મહત્ત્વનું તો, તેમની સાથે પિતાની શાખ જોડાયેલી હતી. (અયૂ. ૨:૪) છેલ્લા ભોજન વખતે પ્રેરિતો ‘વચ્ચે ગરમાગરમ ચર્ચા ઊભી થઈ કે તેઓમાં કોણ સૌથી મોટું ગણાય.’ એ વિશે ઈસુએ ઘણી વખત તેઓને સમજાવ્યું હતું. અરે, એ સાંજે જ ઈસુએ તેઓને ટકોર કરી હતી. છતાં, ઈસુ ચીડાયા નહિ પણ નમ્રતાથી એ બાબતને હાથ ધરી. તેઓનું વલણ કેવું હોવું જોઈએ એ વિશે ઈસુએ નમ્રતાથી પણ કડક શબ્દોમાં સમજાવ્યું. શિષ્યો તેમને વફાદાર રહ્યા માટે ઈસુએ તેઓના વખાણ પણ કર્યા.—લુક ૨૨:૨૪-૨૮; યોહા. ૧૩:૧-૫, ૧૨-૧૫.
૧૭ આપણે પણ ઈસુના પગલે ચાલી શકીએ છીએ. ચિંતામાં હોઈએ તોપણ શાંત રહી શકીએ છીએ. યહોવાની આ આજ્ઞા આપણે દિલથી પાળીએ: “એકબીજાનું સહન કરો.” (કોલો. ૩:૧૩) આપણે બધા એવી વાતો કે કામો કરીએ છીએ જેનાથી બીજાને ચીડ ચઢે. એ યાદ રાખવાથી યહોવાની આજ્ઞા પાળવી આપણા માટે સહેલું થશે. (નીતિ. ૧૨:૧૮; યાકૂ. ૩:૨, ૫) હંમેશાં બીજાના સારા ગુણોના વખાણ કરીએ.—એફે. ૪:૨૯.
શા માટે આપણે નમ્રતા બતાવતા રહેવું જોઈએ?
૧૮. સારા નિર્ણયો લેવા યહોવા નમ્ર લોકોને કઈ રીતે મદદ કરે છે? એ માટે તેઓએ શું કરવું જોઈએ?
૧૮ નમ્ર હોઈશું તો સારા નિર્ણયો લઈ શકીશું. આપણે નમ્રતા બતાવવી જોઈએ. જો એમ કરીશું તો જીવનમાં નિર્ણયો લેવાનો સમય આવશે ત્યારે યહોવા આપણને મદદ કરશે. તેમણે વચન આપ્યું છે કે તે ‘નમ્ર વ્યક્તિની વિનંતી’ સાંભળશે. (ગીત. ૧૦:૧૭) એટલું જ નહિ, બાઇબલમાં વચન આપેલું છે કે, “નમ્રને તે ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે.” (ગીત. ૨૫:૯) યહોવા આપણને બાઇબલ દ્વારા અને “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા માર્ગદર્શન આપે છે. એ ચાકર આપણને સાહિત્ય * અને વીડિયો પૂરાં પાડે છે. (માથ. ૨૪:૪૫-૪૭) નમ્રતાથી સ્વીકારવું જોઈએ કે આપણને મદદની જરૂર છે. આપણે કઈ રીતે એમ કરી શકીએ? સાહિત્યમાંથી અભ્યાસ કરીએ અને જે શીખીએ એને પૂરા દિલથી જીવનમાં લાગુ પાડીએ.
૧૯-૨૧. કાદેશમાં મુસાએ કઈ ભૂલ કરી અને એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૯ નમ્ર હોઈશું તો ભૂલો કરવાથી બચી જઈશું. ચાલો ફરીથી મુસાનો વિચાર કરીએ. તે ઘણાં વર્ષો સુધી નમ્ર રહ્યા અને તેમણે યહોવાને ખુશ કર્યા. ૪૦ વર્ષની વેરાન પ્રદેશની અઘરી મુસાફરીના અંતે મુસા નમ્રતા બતાવવામાં કાચા પડ્યા. તેમની બહેન મરિયમ મરણ પામી અને તેને કાદેશમાં દફનાવવામાં આવી. ઇઝરાયેલીઓ ફરીથી કચકચ કરવા લાગ્યા કે તેઓની સારસંભાળ રાખવામાં આવતી નથી. પૂરતું પાણી ન મળવાથી તેઓ ‘મુસા સાથે તકરાર’ કરવા લાગ્યા. મુસા દ્વારા યહોવાએ ઘણા ચમત્કારો કર્યા હતા અને મુસાએ પણ કોઈ સ્વાર્થ વગર તેઓને દોર્યા હતા. તોપણ લોકોએ પાણી માટે કચકચ કરી. અરે, તેઓ તો મુસાનો વાંક કાઢી રહ્યા હતા.—ગણ. ૨૦:૧-૫, ૯-૧૧.
૨૦ એ જોઈને મુસા ખૂબ ગુસ્સે થઈ ગયા. તે નમ્રતા ગીત. ૧૦૬:૩૨, ૩૩) એ સમયે મુસાએ નમ્રતા બતાવી નહિ, એટલે વચનના દેશમાં તે જઈ શક્યા નહિ.—ગણ. ૨૦:૧૨.
બતાવવાનું ચૂકી ગયા. યહોવાએ તેમને ખડક સાથે વાત કરવાની આજ્ઞા આપી હતી. એને બદલે મુસાએ લોકો પર ગુસ્સો કાઢ્યો અને કહ્યું કે તે પોતે ચમત્કાર કરશે. પછી તેમણે ખડક પર બે વાર લાકડી મારી અને એમાંથી પાણી વહેવા લાગ્યું. ઘમંડ અને ગુસ્સાને કારણે તે મોટી ભૂલ કરી બેઠા. (૨૧ આ બનાવ પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. પહેલું, નમ્રતા જાળવી રાખવા આપણે સતત મહેનત કરવી જોઈએ. જો આપણે એક પળ માટે પણ એમ કરવાનું ચૂકી જઈશું, તો આપણામાં ઘમંડ આવી જશે. આપણે એવું કંઈક બોલી જઈશું કે કરી બેસીશું, જેનો આપણને પછીથી અફસોસ થશે. બીજું, ચિંતામાં હોઈએ ત્યારે નમ્રતા બતાવવી અઘરું હોય છે. એટલે નમ્ર રહેવા આપણે બનતું બધું કરવું જોઈએ.
૨૨-૨૩. (ક) શા માટે આપણે નમ્રતા કેળવવી જોઈએ? (ખ) સફાન્યા ૨:૩ શેના વિશે જણાવે છે?
૨૨ નમ્ર હોઈશું તો આપણું રક્ષણ થશે. યહોવા આ પૃથ્વી પરથી બધા દુષ્ટ લોકોનો નાશ કરશે. ફક્ત નમ્ર લોકો બચી જશે. પૃથ્વી પર ચારેબાજુ શાંતિ હશે. (ગીત. ૩૭:૧૦, ૧૧) શું તમે પણ એ નમ્ર લોકોમાં હશો? એ માટે પ્રબોધક સફાન્યા દ્વારા યહોવાએ જે કહ્યું હતું એ આપણે કરવું જોઈએ.—સફાન્યા ૨:૩ વાંચો.
૨૩ સફાન્યા ૨:૩માં શા માટે એવું જણાવ્યું છે કે ‘કદાચ તમને સંતાઈ રહેવાનું સ્થાન મળે?’ એવું નથી કે જેઓ યહોવાને ખુશ કરવા ચાહે છે અને તેમને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરી શકતા નથી. પણ યહોવા આપણું રક્ષણ કરે માટે આપણે કંઈક કરવાની જરૂર છે. આપણે નમ્રતા કેળવવા અને યહોવાને ખુશ કરવા હમણાં મહેનત કરવી જોઈએ. જો એમ કરીશું તો “યહોવાના કોપને દિવસે” આપણે બચી જઈશું અને હંમેશ માટેનું જીવન મેળવીશું.
ગીત ૨૧ દયાળુ બનીએ
^ ફકરો. 5 આપણામાં જન્મથી જ નમ્રતાનો ગુણ હોતો નથી. આપણે એ ગુણ કેળવવો જોઈએ. શાંતિ જાળવનારા લોકો સાથે નમ્રતાથી કામ કરવું સહેલું હોય છે. પણ ઘમંડી લોકો સાથે નમ્રતાથી કામ કરવું અઘરું હોય છે. આ લેખમાં જોઈશું કે નમ્રતાનો ગુણ કેળવવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે.
^ ફકરો. 3 શબ્દોની સમજ: વ્યક્તિમાં નમ્રતાનો ગુણ હશે, તો બીજાઓ સાથે તે સારું વર્તન રાખશે. બીજાઓ ઉશ્કેરે ત્યારે પણ તે શાંત રહેશે. નમ્ર વ્યક્તિ ઘમંડી નહિ હોય, બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણશે. યહોવા આપણા જેવા મામૂલી માણસો સાથે પણ પ્રેમ અને દયાથી વર્તીને નમ્રતા બતાવે છે.
^ ફકરો. 12 બાબેલોનીઓએ ત્રણ યહુદી યુવાનોને શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો નામ આપ્યા હતા.—દાની. ૧:૭.
^ ફકરો. 18 દાખલા તરીકે, એપ્રિલ ૧, ૨૦૧૧ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ.”
^ ફકરો. 59 ચિત્રની સમજ: શિષ્યો ચર્ચા કરતા હતા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. એ વખતે ઈસુ શાંત રહ્યા અને નમ્રતાથી તેઓને સમજાવ્યું.