સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૬

“સ્ત્રીનું શિર પુરુષ છે”

“સ્ત્રીનું શિર પુરુષ છે”

“સ્ત્રીનું શિર પુરુષ છે.”—૧ કોરીં. ૧૧:૩.

ગીત ૫ ઈસુને પગલે ચાલું

ઝલક *

૧. લગ્‍ન પહેલા એક બહેને કયા સવાલોનો વિચાર કરવો જોઈએ?

બધા ઈશ્વરભક્તોના શિર ઈસુ છે, જે ક્યારેય ભૂલો કરતા નથી. પણ એક બહેનનું લગ્‍ન થાય ત્યારે તેનો પતિ તેનું શિર બને છે. તેના પતિથી ભૂલો થઈ શકે છે. એટલે પત્ની માટે આધીન રહેવું ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે. એક બહેન કોઈ ભાઈ સાથે લગ્‍ન કરવાનું વિચારે ત્યારે, તેણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘શું એ ભાઈ સારો શિર બની શકશે? શું તે પોતાના જીવનમાં યહોવાની ભક્તિને પ્રથમ સ્થાન આપે છે? જો ન આપતો હોય તો મને કેમ એવું લાગે છે કે તે મને યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખવા મદદ કરશે?’ એ બહેને પોતાની તપાસ કરવા પણ આવા સવાલોનો વિચાર કરવો જોઈએ: ‘મારામાં એવા કયા ગુણો છે જે મારા લગ્‍નજીવનને સુખી બનાવશે? શું હું ધીરજ રાખું છું? શું હું ઉદાર છું? શું યહોવા સાથે મારો સારો સંબંધ છે?’ (સભા. ૪:૯, ૧૨) એક બહેન સમજી-વિચારીને લગ્‍નનો નિર્ણય લેશે તો તેનું લગ્‍નજીવન ખુશીઓથી ભરાઈ જશે.

૨. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

આજે આપણી ઘણી બહેનો પોતાના પતિના અધિકારને માન આપે છે અને તેમને આધીન રહે છે. આપણે એવી બહેનોના દિલથી વખાણ કરીએ છીએ. એ વફાદાર બહેનો સાથે યહોવાની સેવા કરવાથી આપણને ઘણી ખુશી મળે છે. આ લેખમાં આપણે ત્રણ સવાલોની ચર્ચા કરીશું: (૧) પત્નીઓને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે? (૨) મુશ્કેલીઓ છતાં એક પત્ની પોતાના પતિને કઈ રીતે આધીન રહી શકે? (૩) પતિ-પત્ની આધીન રહેવા વિશે ઈસુ, અબીગાઈલ અને મરિયમના દાખલામાંથી શું શીખી શકે?

પત્નીઓને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે?

૩. લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ કેમ આવે છે?

લગ્‍નનું બંધન તો યહોવા તરફથી ભેટ છે, જેમાં કોઈ ખોટ નથી. ખોટ કે ભૂલો તો માણસોમાં હોય છે. (૧ યોહા. ૧:૮) એટલે લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ તો આવશે. બાઇબલ કહે છે “જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો આવશે.” (૧ કોરીં. ૭:૨૮) ચાલો જોઈએ કે એક પત્નીએ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

૪. પતિને આધીન રહેવું પત્નીને કેમ અઘરું લાગી શકે?

એક પત્નીનો કદાચ જે રીતે ઉછેર થયો હોય, એને લીધે તેને લાગે કે પતિને આધીન રહેવું એ તો જાણે અપમાન છે. અમેરિકામાં રહેતા મારીસોલબહેન કહે છે કે, “નાનપણથી હું સાંભળતી આવી છું કે સ્ત્રીઓ દરેક કામમાં પુરુષોની બરાબરી કરી શકે છે. હું જાણું છું કે યહોવાએ કુટુંબના શિર પતિને બનાવ્યા છે. એટલે પત્નીએ તેને આધીન રહેવું જોઈએ. યહોવા ચાહે છે કે સ્ત્રીઓનો આદર કરવામાં આવે. પણ મારો ઉછેર જે રીતે થયો છે, એના લીધે અમુક વાર પતિને આધીન રહેવું મારા માટે મુશ્કેલ થઈ જાય છે.”

૫. અમુક પુરુષોના કેવા વિચારો છે?

અમુક પુરુષો સ્ત્રીઓને હંમેશાં તેમનાથી ઊતરતી ગણે છે. દક્ષિણ અમેરિકામાં રહેતાં ઈવોનબહેન કહે છે, “અમારા સમાજમાં પહેલા પુરુષો જમે, પછી સ્ત્રીઓ. છોકરીઓને નાનપણથી રસોઈ બનાવવાનું અને ઘરના કામકાજ કરવાનું શીખવવામાં આવે છે. જ્યારે કે છોકરાઓ બેઠા બેઠા હુકમ ચલાવે છે અને તેમની મા અને તેમની બહેનો તેમના હુકમો પૂરા કરે છે.” એશિયામાં રહેતાં યીંગલીંગબહેન કહે છે, “અમારી ભાષામાં એક કહેવત છે જેનો અર્થ થાય છે, કે સ્ત્રીઓમાં બુદ્ધિ કે આવડત હોવી જરૂરી નથી. તેમનું કામ ઘર સંભાળવાનું છે, પતિઓને સલાહ આપવાનું નહિ.” એવા વિચારો બાઇબલના વિચારોથી સાવ અલગ છે. જે પતિઓના વિચારો આવા હોય છે, તે પોતાની પત્નીનું જીવન મુશ્કેલ કરી દે છે. તેઓ ઈસુ જેવા નથી બનતા અને એનાથી યહોવાને ખૂબ દુઃખ થાય છે.—એફે. ૫:૨૮, ૨૯; ૧ પિત. ૩:૭.

૬. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા પત્નીઓએ શું કરવું જોઈએ?

અગાઉના લેખમાં જોઈ ગયા કે યહોવા ચાહે છે કે પતિઓ પોતાના કુટુંબને ભક્તિમાં મદદ કરે, તેઓની લાગણીઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખે. (૧ તિમો. ૫:૮) યહોવા એવું ઇચ્છે છે કે દરેકનો તેમની સાથે સારો સંબંધ હોય. એમાં પત્નીઓ પણ આવી જાય છે. એટલે પત્નીઓએ બાઇબલ વાંચવા, એના પર મનન કરવા અને પ્રાર્થના કરવા સમય કાઢવો જોઈએ. એમ કરવું સહેલું હોતું નથી. તેઓ પાસે બીજાં ઘણાં કામ હોય છે, એટલે તેઓને લાગે કે એ બધાં માટે સમય-શક્તિ બચતાં નથી. પણ તેઓએ એ માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે.—પ્રે.કા. ૧૭:૨૭.

૭. પતિને આધીન રહેવા કઈ વાતથી પત્નીને મદદ મળશે?

માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે પતિથી પણ ભૂલો તો થવાની. એવા સંજોગોમાં પતિને આધીન રહેવું પત્ની માટે અઘરું થઈ પડે છે. પણ યહોવા ચાહે છે કે પત્નીઓ પતિને આદર આપે અને તેની વાત માને. જો એ વાત પત્ની સમજી જશે તો તેને પતિને આધીન રહેવા મદદ મળશે.

એક પત્ની પોતાના પતિને આધીન કેમ રહે છે?

૮. એફેસીઓ ૫:૨૨-૨૪ પ્રમાણે ઈશ્વરભક્ત પત્ની પોતાના પતિને આધીન કેમ રહે છે?

એક ઈશ્વરભક્ત પત્ની પોતાના પતિને આધીન રહે છે કારણ કે યહોવા એવું ચાહે છે. (એફેસીઓ ૫:૨૨-૨૪ વાંચો.) તેને યહોવા પર પૂરો ભરોસો છે. તે જાણે છે કે યહોવા તેને પ્રેમ કરે છે અને તેને જે કંઈ પણ કહે છે એ તેના ભલા માટે છે.—પુન. ૬:૨૪; ૧ યોહા. ૫:૩.

૯. એક પત્ની પોતાના પતિને આધીન રહે છે ત્યારે કેવો ફાયદો થાય છે?

દુનિયાના લોકો માને છે કે સ્ત્રીઓ કોઈ કામમાં પુરુષો કરતા ઊતરતી નથી. એટલે તેઓએ પુરુષોને આધીન રહેવું, એ તો જાણે તેઓનું અપમાન છે. પણ એવું માનનાર લોકોને ખબર નથી કે યહોવા તો પ્રેમના સાગર છે. તેમને મન સ્ત્રીઓ ખૂબ કીમતી છે. તે ક્યારેય તેઓને એવું કરવા નહિ કહે જેથી તેઓનું અપમાન થાય. એક ઈશ્વરભક્ત સ્ત્રી પોતાના પતિનો આદર કરે અને તેને આધીન રહે તો તેના કુટુંબમાં શાંતિ રહેશે. (ગીત. ૧૧૯:૧૬૫) એટલું જ નહિ એનાથી તેના, તેના પતિના અને તેના બાળકોનાં જીવનમાં ખુશીઓ ફેલાઈ જશે.

૧૦. કેરોલબહેનના દાખલામાંથી શું શીખવા મળે છે?

૧૦ પતિ ભૂલો કરે તો પણ પત્ની તેને આધીન રહેશે તો શું થશે? એ બતાવશે કે પત્ની યહોવાને પ્રેમ કરે છે અને તેમને માન આપે છે. દક્ષિણ અમેરિકામાં રહેતાં કેરોલબહેન કહે છે, “હું જાણું છું કે મારા પતિથી ભૂલો થશે. હું એ પણ જાણું છું કે હું જે રીતે તેમની સાથે વર્તીશ એનાથી દેખાઈ આવશે કે યહોવા સાથેનો મારો સંબંધ કેવો છે. એટલે હું મારા પતિને આધીન રહેવાનો પ્રયત્ન કરું છું. કારણ કે, હું યહોવાને ખુશ કરવા ચાહું છું.”

૧૧. (ક) અનીસબહેનને પોતાના પતિને માફ કરવા ક્યાંથી મદદ મળી? (ખ) એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૧ અમુક પત્નીઓને લાગે છે કે તેઓના પતિ તેમની ચિંતા કરતા નથી અને તેઓની લાગણીઓ સમજતા નથી. એવા સંજોગોમાં અઘરું લાગી શકે. ચાલો એ માટે અનીસબહેનનો દાખલો જોઈએ. એ માટે અનીસબહેન જણાવે છે કે, “એવા સમયે હું ગુસ્સાને કાબૂમાં રાખું છું. હું એ યાદ રાખું છું કે આપણે બધાં ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ. યહોવાની જેમ હું તેમને માફ કરવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું તેમને માફ કરું છું ત્યારે મને મનની શાંતિ મળે છે.” (ગીત. ૮૬:૫) એક પત્ની જ્યારે માફ કરવા તૈયાર રહે છે ત્યારે તેને પતિને આધીન રહેવું સહેલું થઈ પડે છે.

બાઇબલમાં આપેલા દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨. બાઇબલમાં કેવા લોકોના દાખલા આપ્યા છે?

૧૨ અમુક લોકોને લાગે છે કે જે વ્યક્તિ બીજાઓની વાત માને છે અને આધીન રહે છે તે કમજોર છે. પણ એ સાચું નથી. બાઇબલમાં એવા ઘણાં ઈશ્વરભક્તો વિષે લખવામાં આવ્યું છે, જેઓ બીજાઓને આધીન હતા પણ તેમનામાં ઘણી હિંમત હતી. ચાલો આપણે ઈસુ, અબીગાઈલ અને મરિયમના દાખલામાંથી શીખીએ.

૧૩. ઈસુ શા માટે યહોવાને આધીન રહે છે? સમજાવો.

૧૩ ઈસુ યહોવાને આધીન રહે છે. પણ એનો અર્થ એવો નથી કે તેમનામાં બુદ્ધિ કે આવડત નથી. તે તો ઘણા બુદ્ધિશાળી છે. એટલે તે પૃથ્વી પર હતા ત્યારે, લોકોને સાદા શબ્દોમાં સારી રીતે શીખવી શક્યા હતા. (યોહા. ૭:૪૫, ૪૬) યહોવા જાણતા હતા કે ઈસુ પાસે સારી આવડત છે. એટલે તેમણે વિશ્વનું સર્જન કર્યું ત્યારે ઈસુને પોતાની સાથે કામ કરવાનો મોકો આપ્યો. (નીતિ. ૮:૩૦; હિબ્રૂ. ૧:૨-૪) ઈસુ પૃથ્વી પરથી સ્વર્ગમાં ગયા ત્યારે યહોવાએ તેમને ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપ્યો.’ (માથ. ૨૮:૧૮) ઈસુ પાસે ઘણી આવડત છે. તેમ છતાં તે પોતાની બુદ્ધિ પર આધાર રાખતા નથી. પણ તે યહોવા પાસે માર્ગદર્શન લે છે. કારણ કે, તે પોતાના પિતા યહોવાને ખૂબ જ પ્રેમ કરે છે.—યોહા. ૧૪:૩૧.

૧૪. (ક) યહોવા પાસેથી પતિ શું શીખી શકે? (ખ) નીતિવચનો ૩૧માં લખેલી કઈ વાત પતિએ યાદ રાખવી જોઈએ?

૧૪ પતિઓ શું શીખી શકે? યહોવાએ પતિને કુટુંબના શિર બનાવ્યા છે. એનો અર્થ એ નથી કે તે સ્ત્રીને પુરુષ કરતાં ઊતરતી ગણે છે. એવું શા પરથી કહી શકીએ? કારણ કે યહોવાએ ઈસુ સાથે રાજ કરવા સ્ત્રી અને પુરુષ બંનેને પસંદ કર્યા છે. (ગલા. ૩:૨૬-૨૯) યહોવાને ઈસુ પર ભરોસો છે, એટલે સ્વર્ગમાં અને ધરતી પર તેમને અધિકાર આપ્યો. એવી જ રીતે, એક સમજુ પતિ પોતાની પત્ની પર ભરોસો કરીને તેને અમુક અધિકાર આપશે. બાઇબલમાં જણાવ્યું છે એક સારી પત્ની ક્યા કામો કરે છે. તે ઘર સંભાળે છે, જમીનની લેવડદેવડ કરે છે અને વેપારધંધો કરે છે. (નીતિવચનો ૩૧:૧૫, ૧૬, ૧૮ વાંચો.) પતિએ એ વાત યાદ રાખવી જોઈએ કે પત્ની કોઈ નોકર નથી, જેને પોતાની વાત કહેવાનો હક ન હોય. તે પોતાની પત્ની પર ભરોસો કરશે અને તેની વાત સાંભળશે. (નીતિવચનો ૩૧:૧૧, ૨૬, ૨૭ વાંચો.) જો પતિ એમ કરશે તો તે પોતાની પત્નીને આદર બતાવશે અને પત્ની પણ ખુશી ખુશી તેને આધીન રહેશે.

ઈસુ પાસે ઘણી આવડતો હતી તોપણ તે યહોવાને આધીન રહ્યા. એમાંથી પત્નીઓ શું શીખી શકે? (ફકરો ૧૫ જુઓ)

૧૫. પત્નીઓ ઈસુ પાસેથી શું શીખી શકે?

૧૫ પત્નીઓ શું શીખી શકે? ઈસુએ ઘણા મોટાં મોટાં કામ કર્યાં હતાં. પણ યહોવાને આધીન રહેવામાં તેમને નાનમ લાગી નહિ. (૧ કોરીં. ૧૫:૨૮; ફિલિ. ૨:૫, ૬) એવી જ રીતે, એક સારી પત્નીને પોતાના પતિને આધીન રહેવામાં નાનમ લાગશે નહિ. તે પોતાના પતિને પ્રેમ કરતી હોવાથી તેને સાથ આપશે. પણ ફક્ત એજ કારણને લીધે તે પોતાના પતિને સાથ આપતી નથી. પણ સૌથી મહત્ત્વનું કારણ છે કે તે યહોવાને પ્રેમ કરે છે અને તેમને માન આપે છે.

દાઉદ અને તેના જુવાનોને ખાવાની ચીજો આપ્યા પછી અબીગાઈલ દાઉદની સામે આવી. તેણે દાઉદને ઘૂંટણિયે પડીને અરજ કરી કે તે વેર વાળવા પોતાના માથે ખૂનનો દોષ ન લાવે (ફકરો ૧૬ જુઓ)

૧૬. પહેલો શમુએલ ૨૫:૩, ૨૩-૨૮ પ્રમાણે અબીગાઈલે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૧૬ ચાલો હવે અબીગાઈલ વિશે જોઈએ. તેનો પતિ નાબાલ ઘમંડી અને સ્વાર્થી હતો. કોઈએ તેના માટે કંઈ કર્યું હોય તો તે એની કદર કરતો ન હતો. એક વાર દાઉદ અને તેમના માણસો તેને મારી નાખવા નીકળ્યા હતા. અબીગાઈલે ચાહ્યું હોત તો સહેલાઈથી પોતાના લગ્‍નબંધનથી છૂટી શકી હોત. પણ તેણે એમ કર્યું નહિ. તેણે તો પોતાના પતિ અને ઘરનાને બચાવવા પગલાં ભર્યા. તે દાઉદને મળવા એકલી નીકળી પડી. તેની સામે ૪૦૦ માણસો ઊભા હતા, જેઓ પાસે હથિયારો હતા. તેણે ડર્યા વગર દાઉદ સાથે પૂરા આદરથી વાત કરી અને તેમને સમજાવ્યું. નાબાલે ભૂલ કરી હતી, પણ અબીગાઈલે એ બધો દોષનો ટોપલો પોતાના માથે લઈ લીધો. (૧ શમુએલ ૨૫:૩, ૨૩-૨૮ વાંચો.) જરા વિચારો એ બધું કરવા અબીગાઈલને કેટલી હિંમતની જરૂર પડી હશે. દાઉદને પછી સમજાયું કે એ સ્ત્રીનો ઉપયોગ કરીને યહોવાએ તેમને મોટી ભૂલ કરવાથી રોક્યા હતા.

૧૭. દાઉદ અને અબીગાઈલના કિસ્સામાંથી પતિઓ શું શીખી શકે?

૧૭ પતિઓ શું શીખી શકે? અબીગાઈલ એક સમજુ સ્ત્રી હતી. તેની વાત માનીને દાઉદે સમજદારી બતાવી. તેમણે નિર્દોષ લોકોને મારી નાખવાનો વિચાર માંડી વાળ્યો. આમ તે ખૂનના દોષથી બચ્યા હતા. એવી જ રીતે, પતિએ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. એક સમજુ પતિ પોતાની પત્નીની વાત સાંભળશે તો ખોટો નિર્ણય લેવાથી બચી શકે છે.

૧૮. અબીગાઈલના દાખલામાંથી પત્નીઓ શું શીખી શકે?

૧૮ પત્નીઓ શું શીખી શકે? એક પત્ની યહોવાને પ્રેમ અને તેમનો આદર કરતી હશે તો એની અસર આખા કુટુંબ પર પડશે. પછી ભલે તેનો પતિ યહોવાની ભક્તિ કરતો ન હોય કે તેમનાં ધોરણો પ્રમાણે ચાલતો ન હોય. અબીગાઈલની જેમ તે પણ પોતાના લગ્‍નબંધનમાંથી છૂટવાનો પ્રયત્ન કરશે નહિ. તે પોતાના પતિને આદર આપશે અને તેને આધીન રહેશે. બની શકે તેનાં સારાં વાણી-વર્તન જોઈને તેનો પતિ યહોવા વિશે શીખવા તૈયાર થાય. (૧ પિત. ૩:૧, ૨) એવું ન બને તોપણ તે પોતાના પતિને આધીન રહે છે. એ જોઈને યહોવાના દિલને કેટલી ખુશી મળે છે!

૧૯. શું એક પત્નીને દરેક સંજોગોમાં પોતાના પતિની વાત માનવી જોઈએ? સમજાવો.

૧૯ અમુક વાર એવા સંજોગો ઊભા થાય કે એક પતિ પોતાની પત્નીને એવું કંઈક કરવાનું કહે જે બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. દાખલા તરીકે, સત્યમાં ન હોય એવો પતિ પોતાની પત્નીને જૂઠું બોલવાનું કે ચોરી કરવાનું કહે જે યહોવાની નજરમાં ખોટું છે. એવા સંજોગોમાં પત્ની પોતાના પતિની વાત નહિ માને. કારણ કે સૌથી પહેલા તેણે યહોવાની વાત માનવી જોઈએ. એ વાત બધા ઈશ્વરભક્તોને લાગુ પડે છે, પરણેલા બહેનોને પણ. પત્નીને પૂરા આદર સાથે પતિને સમજાવવું જોઈએ કે તે કેમ બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ કોઈ કામ નહિ કરે.—પ્રે.કા. ૫:૨૯.

ફકરા ૨૦ જુઓ *

૨૦. શા પરથી કહી શકાય કે મરિયમનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો?

૨૦ મરિયમનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો. તે શાસ્ત્ર વિશે ઘણું જાણતા હતા. તે એક વખત બાપ્તિસ્મા આપનાર યોહાનની માતાને મળવા ગયા હતા. તેમની સાથે વાત કરતી વખતે મરિયમે ૨૦થી વધુ વખત હિબ્રૂ શાસ્ત્રવચનોનો ઉપયોગ કર્યો હતો. (લૂક ૧:૪૬-૫૫) જરા આ વાત પર ધ્યાન આપો. મરિયમની સગાઈ યુસફ સાથે થઈ હતી. પણ યહોવાના દૂતે પહેલા યુસફ સાથે વાત કરી ન હતી. તે તો મરિયમને પહેલા મળવા ગયા હતા. તેમણે મરિયમને જણાવ્યું કે તે ઈશ્વરના દીકરાને જન્મ આપશે. (લૂક ૧:૨૬-૩૩) યહોવા મરિયમને સારી રીતે ઓળખતા હતા. યહોવાને પૂરો ભરોસો હતો કે મરિયમ તેમના દીકરાની પ્રેમથી સંભાળ રાખશે. ઈસુ પાછા ઊઠીને સ્વર્ગમાં ગયા પછી પણ મરિયમનો યહોવા સાથે મજબૂત સંબંધ હતો.—પ્રે.કા. ૧:૧૪.

૨૧. મરિયમના કિસ્સામાંથી પતિઓ શું શીખી શકે?

૨૧ પતિઓ શું શીખી શકે? એક પત્નીને પતિ કરતાં બાઇબલનું સારું જ્ઞાન હશે તો એનાથી સમજુ પતિ ખુશ થશે. તે એવું નહિ વિચારે કે તેની પત્ની કુટુંબનો શિર બનવાનો પ્રયત્ન કરે છે. તે એ વાત સારી રીતે સમજશે કે પત્નીને બાઇબલ અને એનાં ધોરણો વિશે સારી જાણકારી હશે તો એનાથી કુટુંબનું જ ભલું થશે. ભલે પત્ની વધારે ભણેલી-ગણેલી હોય, તોપણ કુટુંબ તરીકેની ભક્તિ અને બીજાં ભક્તિને લગતાં કામ કરવામાં પતિએ આગેવાની લેવાની છે.—એફે. ૬:૪.

બાઇબલનો અભ્યાસ કરવા અને એના પર મનન કરવા વિશે પત્નીઓ મરિયમ પાસેથી શું શીખી શકે? (ફકરા ૨૨ જુઓ) *

૨૨. મરિયમના કિસ્સામાંથી પત્નીઓ શું શીખી શકે?

૨૨ પત્નીઓ શું શીખી શકે? એક પત્નીએ પોતાની પતિને આધીન રહેવાની સાથે સાથે પોતાની શ્રદ્ધા પણ મજબૂત કરવાની છે. (ગલા. ૬:૫) તે જાતે બાઇબલનો અભ્યાસ કરવા અને એના પર મનન કરવા સમય કાઢશે. એમ કરશે તો યહોવા માટે તેનો પ્રેમ વધશે અને તે યહોવાને આદર આપશે. એટલું જ નહિ, તે ખુશી ખુશી પોતાના પતિને આધીન રહી શકશે.

૨૩. પત્ની પોતાના પતિને આધીન રહે છે એનાથી કુટુંબ અને મંડળને કેવો ફાયદો થાય છે?

૨૩ જે પત્નીઓ પોતાના પતિને આધીન રહે છે એ બતાવે છે કે તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ એવી પત્નીઓ કરતાં વધારે ખુશ રહે છે, જેઓ યહોવાની વાત માનતી નથી અને પોતાના પતિને આધીન રહેતી નથી. તેઓ યુવાનો માટે પણ સારો દાખલો બેસાડે છે. તેઓ ફક્ત કુટુંબમાં જ નહિ, મંડળમાં પણ પ્રેમ અને શાંતિ જાળવવા મદદ કરે છે. (તિત. ૨:૩-૫) આજે જોવા મળે છે કે મંડળોમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી છે. (ગીત. ૬૮:૧૧) ભલે આપણે સ્ત્રી હોઈએ કે પુરુષ, દરેકનું મંડળમાં મહત્ત્વ છે. આવતા લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે આપણું કામ સારી રીતે કરી શકીએ.

ગીત ૩૬ ઈશ્વરે જેને જોડ્યું છે

^ ફકરો. 5 યહોવાએ ગોઠવણ કરી છે કે પત્નીઓ પતિને આધીન રહે. આધીન રહેવાનો અર્થ શું થાય? બાઇબલમાં ઈસુ અને અમુક સ્ત્રીઓએ આધીન રહેવામાં સારો દાખલો બેસાડ્યો છે. ચાલો જોઈએ કે ઈસુ, અબીગાઈલ અને મરિયમના દાખલામાંથી પતિ-પત્ની શું શીખી શકે.

^ ફકરો. 68 ચિત્રની સમજ: બાપ્તિસ્મા આપનારા યોહાનની માતા સાથે મરિયમ વાત કરી રહ્યા છે. તે એલિસાબેતને હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી એવી કલમો કહી રહ્યા છે જે તેમને યાદ છે.

^ ફકરો. 70 ચિત્રની સમજ: એક પત્ની સમય કાઢીને બાઇબલનો અભ્યાસ કરી રહી છે. આમ તે પોતાની શ્રદ્ધા વધારવા મહેનત કરી રહી છે.