સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

યહોવાએ કેમ હોલા અથવા કબૂતરમાંથી કોઈ પણ એક પક્ષી ચઢાવવાની છૂટ આપી હતી?

નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું કે હોલા અને કબૂતરનાં અર્પણ યહોવા સ્વીકારતા હતા. બંને પક્ષીઓનો ઉલ્લેખ હંમેશાં સાથે થતો હતો. ઇઝરાયેલીઓ એ બંને પક્ષીઓમાંથી કોઈપણ એકનું અર્પણ ચઢાવી શકતા. (લેવી. ૧:૧૪; ૧૨:૮; ૧૪:૩૦) એ ગોઠવણ કેમ યોગ્ય હતી? એનું એક કારણ હતું કે હોલા વર્ષના અમુક સમયે સહેલાઈથી મળતા ન હતા. શા માટે? ચાલો એ વિશે જોઈએ.

હોલું

હોલા પ્રવાસી પક્ષી છે. તેઓ ઉનાળામાં ઇઝરાયેલમાં જોવા મળે છે. દર વર્ષે ઑક્ટોબરમાં તેઓ દક્ષિણના ગરમ દેશોમાં જાય છે. પછી વસંત ૠતુમાં ઇઝરાયેલ પાછા આવે છે. (ગી.ગી. ૨:૧૧, ૧૨; યર્મિ. ૮:૭) એટલે શિયાળામાં ઇઝરાયેલીઓ માટે હોલાનું અર્પણ ચઢાવવું અઘરું બની જતું.

કબૂતર

જ્યારે કે કબૂતર પ્રવાસી પક્ષી નથી, એટલે ઇઝરાયેલમાં આખા વર્ષ દરમિયાન એ પક્ષી જોવા મળતું. કબૂતરને લોકો પાળતા પણ હતા. (યોહાન ૨:૧૪, ૧૬ સરખાવો.) બાઇબલ પ્લાન્ટ્‌સ એન્ડ એનિમલ્સ પુસ્તકમાં લખ્યું છે, “પેલેસ્ટાઈનનાં બધાં શહેરો અને ગામોમાં લોકો કબૂતર પાળતા. દરેક ઘરમાં એક કબૂતરખાનું બનાવવામાં આવતું અથવા દીવાલમાં એક બખોલ રાખવામાં આવતી જ્યાં પક્ષીઓ રહી શકતાં.”—યશાયા ૬૦:૮ સરખાવો.

કબૂતરખાનામાં એક કબૂતર

યહોવાએ ઇઝરાયેલીઓ માટે કેટલી સરસ ગોઠવણ કરી હતી. તેઓ એવાં પક્ષીઓનાં અર્પણ ચઢાવી શકતા જે આખું વર્ષ સહેલાઈથી મળી રહેતાં. એ ગોઠવણથી દેખાઈ આવે છે કે યહોવા કેટલા પ્રેમાળ છે અને દરેકના સંજોગો સમજે છે.