જીવન સફર
સારવાર કરતાં પણ સારી સેવા
“તમે જે કહી રહ્યાં છો એ તો મારું બાળપણનું સપનું છે!” ૧૯૭૧માં મેં એક પતિ-પત્નીને એ શબ્દો કહ્યા હતા. એ વર્ષે મેં પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. તેઓ સાથે વાતચીત કરવાથી મારું આખું જીવન બદલાઈ ગયું અને મને ખાતરી મળી કે મારું બાળપણનું સપનું ચોક્કસ પૂરું થશે. એ પતિ-પત્ની કોણ હતાં અને મારું કયું સપનું હતું? ચાલો એ બધું હું તમને શરૂઆતથી જણાવું.
મારો જન્મ ૧૯૪૧માં ફ્રાંસના પૅરિસમાં થયો હતો. અમારું કુટુંબ કંઈ બહુ પૈસાદાર ન હતું. હું ૧૦ વર્ષનો હતો ત્યારે મને ટીબી થયો અને મારું સ્કૂલમાં જવાનું બંધ થઈ ગયું. ડૉક્ટરોએ કહ્યું કે મારા ફેફસાં કમજોર છે, એટલે મારે પથારીમાં સૂઈ રહેવું પડશે. હું નિરાશ થઈ ગયો કેમ કે મને ભણવાનું બહુ જ ગમતું. પણ મેં હિંમત ન હારી. એ મહિનાઓમાં મેં ડિક્શનરી વાંચી અને યુનિવર્સિટી ઓફ પૅરિસનો રેડિયો પ્રોગ્રામ સાંભળતો. થોડા સમય પછી ડૉક્ટરે કહ્યું કે હું સાજો થઈ ગયો છું અને હવે પાછો સ્કૂલે જઈ શકીશ. એ સાંભળીને હું રાજી રાજી થઈ ગયો. મને મનમાં થયું, ‘ડૉક્ટરો જે કરે છે એ લાજવાબ છે.’ મેં નક્કી કરી લીધું કે હું પણ બીમાર લોકોને સાજા કરીશ. જ્યારે જ્યારે પપ્પા મને પૂછતા કે મોટા થઈને મારે શું બનવું છે ત્યારે મારો એક જ જવાબ રહેતો, “મારે તો ડૉક્ટર બનવું છે.” હું દિવસ-રાત ડૉક્ટર બનવાનાં સપનાં જ જોવા લાગ્યો.
વિજ્ઞાન લાવ્યું મને ઈશ્વરની નજીક
અમારું કુટુંબ કૅથલિક હતું. પણ હું ઈશ્વર વિશે વધારે કંઈ જાણતો ન હતો. મારા મનમાં ઘણા સવાલો હતા, જેના જવાબ મને મળ્યા નહોતા. હું મેડિકલ કૉલેજમાં ભણવા ગયો પછી મને ખાતરી થઈ કે સૃષ્ટિમાં બધું જ કોઈકે બનાવ્યું છે.
આજે પણ મને એ દિવસ યાદ છે, જ્યારે પહેલી વાર મેં ટ્યૂલિપ ફૂલના કોષને માઇક્રોસ્કોપમાં જોયા હતા. મને નવાઈ લાગી કે કઈ રીતે દરેક કોષ ગરમી અને ઠંડીથી પોતાનું રક્ષણ કરે છે. મેં જોયું કે કોષરસ (કોષની અંદરનો દ્રવ્ય પદાર્થ) મીઠાના સંપર્કમાં આવે તો સંકોચાઈ જાય છે, પણ શુદ્ધ પાણીમાં ફૂલી જાય છે. એ અને બીજી પ્રક્રિયાઓને લીધે નાના જીવો પોતાને બદલતા વાતાવરણમાં ઢાળી શકે છે. દરેક કોષ જટિલ છે. એ જોઈને મને ખાતરી થઈ કે જીવન આપોઆપ આવ્યું નથી, પણ કોઈકે એનું સર્જન કર્યું છે.
કૉલેજના બીજા વર્ષે મને વધારે પુરાવા મળ્યા કે સાચે જ એક ઈશ્વર છે. માનવ શરીર વિશે શીખતી વખતે મને જાણવા મળ્યું કે આપણા હાથમાં કોણીથી કાંડા સુધી ઘણાં સ્નાયુઓ, લીગામેન્ટ (હાડકાને હાડકા સાથે જોડે છે) અને ટેન્ડન કે રજ્જુ (હાડકાને સ્નાયુ સાથે જોડે છે) હોય છે. એ બધામાં ગજબનું તાલમેલ છે. એની મદદથી આપણે આંગળીઓ હલાવી શકીએ છીએ. દાખલા તરીકે, અમુક ટેન્ડન હાથના સ્નાયુઓને આંગળીના વચ્ચેના હાડકાથી જોડે છે, એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એની વચ્ચેથી બીજું ટેન્ડન નીકળે છે જે આંગળીના ટેરવા સુધી પહોંચે છે. આમ ટેન્ડન એની જગ્યા પર રહે છે. એટલું જ નહિ મજબૂત પેશીઓ, ટેન્ડનને આંગળીઓનાં હાડકાં સાથે જોડી રાખે છે. જો હાથની બનાવટ આ રીતે ન થઈ હોત, તો ટેન્ડન કડક અને સીધાં હોત અને આંગળીઓ બરાબર કામ કરતી ન હોત. એ બધું જોઈને મને ખાતરી થઈ કે આપણા શરીરને બનાવનાર ખૂબ જ બુદ્ધિશાળી છે.
બાળક જન્મ પછી પહેલી વાર શ્વાસ લે છે એ પ્રક્રિયા અદ્ભુત છે. એ વિશે શીખીને જીવનની શરૂઆત કરનાર ઈશ્વર માટે મારી કદર વધી ગઈ. બાળક માના ગર્ભમાં હોય છે ત્યારે, એને ગર્ભનાળ દ્વારા ઑક્સિજન મળે છે. એ સમયે એનાં ફેફસાંને કામ કરવાની જરૂર પડતી નથી. ફેફસાંની અંદર ફુગ્ગા જેવી નાની નાની થેલીઓ એટલે કે એલ્વિઓલી સંકોચાયેલી હોય છે. બાળક જન્મે એનાં થોડાં અઠવાડિયાઓ પહેલાં એલ્વિઓલીમાં એક ખાસ પદાર્થ (સરફેક્ટન્ટ) ફેલાય છે. જન્મ પછી બાળક પહેલી વાર શ્વાસ લે છે ત્યારે અનોખી ઘટનાઓ ઘટે છે. એના હૃદયનું કાણું બંધ થઈ જાય છે અને લોહી ફેફસાંમાં જવા લાગે છે. એલ્વિઓલીમાં ખાસ પદાર્થ હોવાને લીધે એ ચોંટી જતી નથી, પણ એમાં હવા ભરાય છે. એ ઘડીએ ફેફસાં કામ કરવા લાગે છે અને બાળક જાતે શ્વાસ લેવા લાગે છે.
મારે એ સર્જનહાર વિશે જાણવું હતું જેમણે આ બધું જ બનાવ્યું છે. એટલે હું મન લગાવીને બાઇબલ વાંચવા લાગ્યો. મને નવાઈ લાગી કે ૩,૦૦૦ કરતાં વધારે વર્ષ પહેલાં ઈશ્વરે ઇઝરાયેલીઓને સાફ-સફાઈને લગતા નિયમો આપ્યા હતા. એ નિયમો પ્રમાણે ઇઝરાયેલીઓએ મળને દાટી દેવાનું હતું, નિયમિત રીતે નાહવા-ધોવાનું હતું અને ચેપી રોગ થાય તો બીજાઓથી અલગ રહેવાનું હતું. (લેવી. ૧૩:૫૦; ૧૫:૧૧; પુન. ૨૩:૧૩) બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું કે રોગો કઈ રીતે ફેલાય છે. પણ વૈજ્ઞાનિકોને છેલ્લાં ૧૫૦ વર્ષમાં જ એ જાણવા મળ્યું. મેં લેવીયના પુસ્તકમાં એ પણ વાંચ્યું કે ઈશ્વરે ઇઝરાયેલીઓને જાતીય સંબંધ વિશે નિયમો આપ્યા હતા. એ નિયમો પાળીને તેઓની તંદુરસ્તી જળવાતી. (લેવી. ૧૨:૧-૬; ૧૫:૧૬-૨૪) હું સમજી ગયો કે ઈશ્વરે ઇઝરાયેલીઓના ભલા માટે એ નિયમો આપ્યા હતા. જે લોકો એ નિયમો પાળતા હતા તેઓને ઈશ્વરે આશીર્વાદ આપ્યા. મને પાકી ખાતરી થઈ ગઈ કે ઈશ્વરે જ બાઇબલ આપ્યું છે. પણ એ સમયે હું ઈશ્વરનું નામ જાણતો ન હતો.
જીવનસાથી મળી અને ઈશ્વર પણ મળ્યા
હું મેડિકલ કૉલેજમાં ભણતો હતો ત્યારે હું એક સુંદર છોકરીને મળ્યો. તેનું નામ લીડી હતું. હું તેના પ્રેમમાં પડી ગયો. અમે ૧૯૬૫માં લગ્ન કર્યાં. એ સમયે મારું ભણવાનું ચાલુ હતું. ૧૯૭૧ સુધીમાં અમારાં ત્રણ બાળકો હતાં. એ પછી બીજાં ત્રણ બાળકો થયાં. મને કામમાં લીડી ઘણી મદદ કરતી હતી. તે સરસ રીતે અમારું ઘર પણ સંભાળતી હતી.
પ્રે.કા. ૧૫:૨૮, ૨૯) તેઓએ જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય દુઃખ-તકલીફો, બીમારી અને મરણને દૂર કરશે. (પ્રકટી. ૨૧:૩, ૪) હું તો ખુશીથી ઝૂમી ઊઠ્યો. મેં કહ્યું, “તમે જે કહી રહ્યાં છો એ તો મારું બાળપણનું સપનું છે! હું તો લોકોની તકલીફો દૂર કરવા જ ડૉક્ટર બન્યો છું.” મને તેઓ પાસેથી જાણવાની એટલી તાલાવેલી હતી કે અમે દોઢેક કલાક વાત કરી. જે ઈશ્વરનાં કામોથી હું નવાઈ પામતો હતો, તેમનું નામ યહોવા છે. એ જાણીને તો મને ઘણી ખુશી થઈ. મેં મનમાં નક્કી કરી લીધું કે હવે હું કૅથલિક ધર્મ છોડી દઈશ.
મેં ત્રણ વર્ષ હૉસ્પિટલમાં નોકરી કરી. પછી પોતાનું ક્લિનિક ખોલ્યું. થોડા સમય પછી એક પતિ-પત્ની સારવાર માટે ત્યાં આવ્યાં, જેઓ વિશે મેં શરૂઆતમાં જણાવ્યું હતું. હું એ ભાઈ માટે દવા લખતો હતો ત્યારે બહેને કહ્યું: “ડૉક્ટર એવી દવા ન લખતા જેમાં લોહી હોય.” મને નવાઈ લાગી, એટલે મેં પૂછ્યું: “કેમ?” તેણે કહ્યું: “અમે યહોવાના સાક્ષી છીએ.” મેં યહોવાના સાક્ષીઓ વિશે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. તેઓ લોહી વિશે શું માને છે એ પણ મને ખબર ન હતી. તેણે બાઇબલ ખોલીને બતાવ્યું કે તેઓ કેમ લોહી લેતાં નથી. (તેઓ મારા ક્લિનિક પર ત્રણ વખત આવ્યાં. દર વખતે અમે એકાદ કલાક ચર્ચા કરી. પછી મેં તેઓને ઘરે બોલાવ્યાં જેથી બાઇબલ વિશે વધારે વાત કરી શકીએ. લીડી અમારી સાથે બાઇબલ અભ્યાસ કરવા તો બેસતી હતી, પણ અમુક કૅથલિક માન્યતાઓ ખોટી છે એ તેના ગળે ઊતરતું ન હતું. એટલે મેં એક પાદરીને ઘરે બોલાવ્યા. તેમની સાથે ચર્ચની માન્યતા વિશે બાઇબલમાંથી ચર્ચા કરી. એ ચર્ચા મોડી રાત સુધી ચાલી. એનાથી લીડીને ખાતરી થઈ ગઈ કે યહોવાના સાક્ષીઓ સાચું શીખવે છે. એ પછી યહોવા માટે અમારો પ્રેમ વધતો ગયો અને ૧૯૭૪માં અમે બાપ્તિસ્મા લીધું.
યહોવા મારા માટે સૌથી મહત્ત્વના બની ગયા
હું શીખ્યો કે ઈશ્વરે માણસોને કેમ બનાવ્યા છે. એ જાણીને તો મારું જીવન બદલાઈ ગયું. મારા માટે અને લીડી માટે હવે યહોવાની સેવા કરવી સૌથી મહત્ત્વનું બની ગયું. અમે બાળકોને બાઇબલનાં ધોરણો પ્રમાણે ઉછેરવાનું નક્કી કર્યું. અમે તેઓને શીખવ્યું કે ઈશ્વર અને લોકો માટે પ્રેમ બતાવવો જોઈએ. એનાથી અમારા કુટુંબમાં પ્રેમ અને એકતાનું બંધન મજબૂત થયું.—માથ. ૨૨:૩૭-૩૯.
અમે એકબીજાના નિર્ણયથી હંમેશાં સહમત હતાં. એ વાત અમારાં બાળકો જાણતાં હતાં. તેઓને ખબર હતી કે અમે ઘરમાં ઈસુનો આ નિયમ લાગુ પાડતાં હતાં: “તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય.” (માથ. ૫:૩૭) દાખલા તરીકે અમારી એક દીકરી ૧૭ વર્ષની હતી ત્યારે તેને બીજા યુવાનો સાથે ફરવા જવું હતું. લીડીએ તેને જવાની ના પાડી. એટલે તેની એક બહેનપણીએ કહ્યું, “તારી મમ્મી ના પાડે તો, પપ્પાને પૂછી જો ને!” અમારી દીકરીએ કહ્યું, “કંઈ ફરક પડવાનો નથી. તેઓ બંનેના નિર્ણય એક સરખા જ હોય છે.” આવા તો ઘણા કિસ્સાઓ છે, જે યાદ કરીને અમે હસીએ છીએ. અમારાં બધાં બાળકો જાણતાં હતાં કે બાઇબલ સિદ્ધાંતો પાળવામાં અમે બંને એક જેવાં છીએ. આજે અમારું મોટું કુટુંબ છે. એમાંના મોટા ભાગના યહોવાના સાક્ષી છે. એ માટે અમે યહોવાનો દિલથી અહેસાન માનીએ છીએ.
યહોવાની ભક્તિ મારા જીવનમાં સૌથી મહત્ત્વની હતી. એટલે હું ડૉક્ટર તરીકે જે શીખ્યો હતો, એનો ઉપયોગ કરીને હું ભાઈ-બહેનોની મદદ કરવા માંગતો હતો. હું ઘરેથી પૅરિસના બેથેલમાં ડૉક્ટર તરીકે સેવા આપવા જતો. પછીથી હું લુવિએના નવા બેથેલમાં સેવા આપવા જતો. આમ પચાસેક વર્ષથી હું સેવા આપી રહ્યો છું. આટલાં વર્ષોમાં મેં બેથેલમાં ઘણા જિગરી દોસ્તો બનાવ્યા છે. એમાંથી કેટલાક આશરે ૯૦ વર્ષના છે. બેથેલમાં આવેલા નવા છોકરાને હું એક દિવસ મળ્યો. મને જાણીને નવાઈ લાગી કે વીસેક વર્ષ પહેલાં તેના જન્મના સમયે હું જ ડૉક્ટર હતો!
યહોવા તેમના ભક્તોની સારી સંભાળ રાખે છે
આટલાં વર્ષોમાં મેં જોયું છે કે યહોવા તેમના સંગઠન દ્વારા પોતાના ભક્તોને માર્ગદર્શન આપે છે અને તેઓની સંભાળ રાખે છે. એનાથી યહોવા માટેનો મારો પ્રેમ ખરેખર વધ્યો છે. ૧૯૮૦ની આસપાસ નિયામક જૂથે અમેરિકામાં એક નવા કાર્યક્રમની શરૂઆત કરી. એ કાર્યક્રમ દ્વારા ડૉક્ટરો અને સારવાર સાથે જોડાયેલા લોકોને સમજાવવામાં આવતું કે યહોવાના સાક્ષીઓ કેમ લોહી લેતા નથી.
૧૯૮૮માં નિયામક જૂથે એક નવા વિભાગની શરૂઆત કરી. એનું નામ હતું હૉસ્પિટલ ઇન્ફર્મેશન સર્વિસીસ. શરૂઆતમાં એ વિભાગ અમેરિકાની હૉસ્પિટલ સંપર્ક સમિતિની (HLC) દેખરેખ રાખતું હતું. એ સમિતિ એવા ડૉક્ટરોને શોધતી જે લોહી વગર સારવાર આપવા તૈયાર હોય. સમય જતાં બીજા દેશોમાં અને ફ્રાંસમાં પણ એવી સમિતિઓ રચવામાં આવી. એ જોઈને મને બહુ સારું લાગ્યું કે યહોવાના સંગઠનના ભાઈઓ બીમાર ભાઈ-બહેનોની પડખે ઊભા રહે છે અને તેઓને જરૂરી મદદ પૂરી પાડે છે.
મારું સપનું પૂરું થઈ રહ્યું છે
પહેલાં લોકોની સારવાર કરવી મારા માટે સૌથી મહત્ત્વનું હતું. પણ પછી મારા વિચારો બદલાયા. યહોવા મારા માટે સૌથી મહત્ત્વના બની ગયા. મને સમજાયું કે જીવન આપનાર યહોવા વિશે લોકોને જણાવવું, એ જ સૌથી સારી સેવા છે. રિટાયર થયા પછી, હું અને લીડી પાયોનિયરીંગ કરવા લાગ્યાં. અમે દર મહિને ઘણા કલાકો લોકોને ખુશખબર જણાવવામાં વિતાવતાં. આજે પણ એ જીવન બચાવનાર કામમાં અમારાથી થઈ શકે એટલું અમે કરીએ છીએ.
હું હજુય બીમાર લોકોની સારવાર કરું છું. પણ હું જાણું છું કે સૌથી હોશિયાર ડૉક્ટર પણ બધી બીમારીઓ કે મરણ દૂર કરી શકતો નથી. હું એવા સમયની કાગડોળે રાહ જોઉં છું, જ્યારે દુઃખ-દર્દ, બીમારીઓ અને મરણ નહિ હોય. નવી દુનિયા બહુ જલદી જ આવશે. એ સમયે યુગોના યુગો સુધી હું ઈશ્વરની સૃષ્ટિ વિશે શીખીશ. માનવ શરીરને કેટલી અદ્ભુત રીતે બનાવવામાં આવ્યું છે, હું એ વિશે પણ શીખીશ. મને પૂરી ખાતરી છે કે બાળપણનું મારું સપનું બહુ જલદી પૂરું થશે.