સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

વફાદાર ભક્તોને યહોવા પુષ્કળ આશીર્વાદ આપે છે

વફાદાર ભક્તોને યહોવા પુષ્કળ આશીર્વાદ આપે છે

શું તમને વર્ષો પહેલાં થયેલી કોઈ વાતચીત યાદ છે? ૫૦ વર્ષ પહેલાં મારા દોસ્ત સાથે થયેલી વાતચીત મને આજેય યાદ છે. અમે કેન્યામાં હતા. મહિનાઓથી મુસાફરી કરી રહ્યા હતા અને તાપના લીધે કાળા પડી ગયા હતા. અમે રાતે તાપણું કરીને બેઠા હતા અને એક ફિલ્મ પર વાત કરી રહ્યા હતા. એ ફિલ્મમાં અમુક ધાર્મિક બાબતો વિશે બતાવ્યું હતું. મારા દોસ્તે મને કીધું, “આમાં બાઇબલ વિશે જે બતાવ્યું છે, એ બરાબર નથી.”

એની વાત સાંભળીને હું હસી પડ્યો. કેમ કે મને લાગતું ન હતું કે એ ધાર્મિક છે. મેં એને પૂછ્યું, “તને બાઇબલ વિશે શું ખબર છે?” શરૂઆતમાં તે કંઈ બોલ્યો નહિ, પણ પછી તેણે કહ્યું કે તેનાં મમ્મી યહોવાના સાક્ષી હતા અને તેમણે મારા દોસ્તને બાઇબલ વિશે થોડું-ઘણું જણાવ્યું હતું. પછી મને વધારે જાણવાની જિજ્ઞાસા થઈ.

અમે મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. દોસ્તે મને કીધું કે બાઇબલમાં તો એવું લખ્યું છે કે આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે, તે એના પર રાજ કરે છે. (યોહા. ૧૪:૩૦) તમે કદાચ આ વાત નાનપણથી જાણતા હશો, પણ મારા માટે આ એકદમ નવું હતું અને પહેલી વાર આવું કંઈક સાંભળ્યું હતું. મેં તો લોકોને એવું જ કહેતા સાંભળ્યા હતા કે આ દુનિયા પ્રેમાળ અને ન્યાયી ઈશ્વર ચલાવી રહ્યા છે. પણ દુનિયામાં તો કંઈક અલગ જ ચાલતું હતું. હું બસ ૨૬ વર્ષનો હતો, પણ દુનિયાની બૂરાઈ જોઈને હચમચી ગયો હતો. એટલે મેં મારા દોસ્તને કીધું કે આ વિશે મારે વધારે જાણવું છે.

મારા પપ્પા અમેરિકાની વાયુ સેનામાં પાયલોટ હતા. એટલે નાનપણથી મને ખબર હતી કે સેના એક બટન દબાવીને ગમે ત્યાં અણુ ધડાકો કરી શકે છે અને યુદ્ધ શરૂ થઈ શકે છે. હું કૅલિફૉર્નિયાની કૉલેજમાં હતો ત્યારે વિયેતનામમાં યુદ્ધ ચાલતું હતું. હું બીજા વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતો. પોલીસ ડંડો લઈને અમારી પાછળ પડતા અને ટીયર ગેસ છોડતા. અમારા માટે શ્વાસ લેવું અઘરું થઈ જતું અને બધું ધૂંધળું ધૂંધળું દેખાતું. તોપણ અમે જેમતેમ ત્યાંથી નાસી છૂટતા. ચારે બાજુ અંધાધૂંધી હતી, લોકો સરકાર વિરુદ્ધ બળવો પોકારતા હતા, નેતાઓની હત્યા થતી હતી અને હુલ્લડો ફાટી નીકળ્યા હતા. શું કરવું અને શું ન કરવું એ વિશે લોકોના અલગ અલગ વિચારો હતા. એટલી બધી ગૂંચવણ હતી કે કંઈ જ સમજાતું ન હતું.

લંડનથી મધ્ય આફ્રિકા

૧૯૭૦માં અલાસ્કાના ઉત્તરમાં આવેલા તટ પર હું નોકરી કરવા લાગ્યો. હું ઢગલો પૈસા કમાયો. પછી હું પ્લેનથી લંડન ગયો. મેં એક મોટરસાઇકલ ખરીદી અને દક્ષિણ દિશામાં નીકળી પડ્યો. કોઈ મંજિલ વગર, બસ બેફિકર થઈને નીકળી પડ્યો. મહિનાઓની મુસાફરી બાદ હું આફ્રિકા પહોંચ્યો. રસ્તામાં મને એવા ઘણા લોકો મળ્યા, જેઓ મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. તેઓ વિચારતા કે કાશ તેઓ પણ મારી જેમ બધું છોડીને નીકળી શકે.

મારા જીવનમાં મેં જે જોયું હતું અને સાંભળ્યું હતું, એનાથી મને બાઇબલની આ વાત સાચી લાગી કે દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. હું વિચારવા લાગ્યો: ઈશ્વર આ દુનિયાને ચલાવતા નથી તો તે કરે છે શું?

થોડા મહિનાઓ પછી મને મારા સવાલનો જવાબ મળી ગયો. સમય જતાં, મારી એવા ઘણા લોકો સાથે દોસ્તી થઈ ગઈ, જેઓ અલગ અલગ સંજોગોમાં સાચા ઈશ્વરને વફાદાર હતા.

ઉત્તર આયરલૅન્ડ—“બૉમ્બ અને બંદૂકોની જગ્યા”

પછી હું લંડન પાછો ગયો અને મારા દોસ્તનાં મમ્મીને મળ્યો. તેમણે મને એક બાઇબલ આપ્યું. પછી હું નેધરલૅન્ડના ઍમ્સ્ટરડૅમ શહેર ગયો. એક વખત હું સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને બાઇબલ વાંચતો હતો ત્યારે એક ભાઈએ મને બાઇબલ વાંચતો જોયો. તેમણે મને બાઇબલ વિશે વધારે જણાવ્યું. પછી હું આયરલૅન્ડના ડબ્લિન શહેર ગયો. મેં યહોવાના સાક્ષીઓની શાખા કચેરી શોધી કાઢી અને એનો દરવાજો ખખડાવ્યો. હું ત્યાં જ એક ભાઈને મળ્યો, જેમનું નામ આર્થર મેથ્યુસ હતું. તે ઘણા સમજુ અને અનુભવી ભાઈ હતા. મેં તેમને પૂછ્યું કે શું તે મને બાઇબલમાંથી શીખવશે. તેમણે હા પાડી દીધી.

હું વધારે શીખવા માંગતો હતો. એટલે મેં પૂરી ધગશથી અભ્યાસ કર્યો. યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલાં મૅગેઝિન અને પુસ્તકો જેવાં મારા હાથમાં આવતાં કે તરત હું એનું એકેએક પાનું વાંચી કાઢતો. મેં બાઇબલ પણ વાંચ્યું. નવી નવી વાતો શીખીને મને બહુ મજા આવતી. મંડળની સભાઓમાં હું જોતો કે નાનાં નાનાં બાળકો પણ ઘણું જાણતા હતા. તેઓને એવા સવાલોના જવાબની ખબર હતી, જેના જવાબ મેળવવા મોટા મોટા વિદ્વાનો સદીઓથી ફાંફાં મારતા હતા. જેમ કે, ‘દુનિયામાં કેમ આટલી બધી દુષ્ટતા છે? ઈશ્વર કોણ છે? મરણ પછી વ્યક્તિનું શું થાય છે?’ આ દેશમાં યહોવાના સાક્ષીઓ જ મારા દોસ્તો હતા. કેમ કે હું બીજા કોઈને ઓળખતો ન હતો. તેઓએ મને યહોવા વિશે વધારે શીખવા મદદ કરી. હું યહોવાને પ્રેમ કરવા લાગ્યો અને મારું પણ મન થયું કે તેમની ઇચ્છા પૂરી કરું.

નાઇજલ, ડેનિસ અને હું

મેં ૧૯૭૨માં બાપ્તિસ્મા લીધું. એક વર્ષ પછી હું પાયોનિયરીંગ કરવા લાગ્યો. ઉત્તર આયરલૅન્ડના ન્યૂરી શહેરમાં એક નાનું મંડળ હતું, હું ત્યાં જવા લાગ્યો. પહાડી વિસ્તારમાં પથ્થરોથી બનેલું એક ઘર મેં ભાડે લીધું. ત્યાં દૂર દૂર સુધી કોઈ દેખાતું નહિ. પણ ઘરની નજીક એક ખેતર હતું, એમાં ઘણી બધી ગાયો હતી. હું તેઓ સામે જોઈને મારી ટૉકની પ્રેક્ટિસ કરતો. ગાયોને જોઈને લાગતું કે તેઓ વાગોળતી વખતે ધ્યાનથી મારી ટૉક સાંભળી રહી છે. મારે ક્યાં સુધારો કરવાનો છે એ તો ગાયો જણાવી શકતી ન હતી, પણ લોકોની સામે જોઈને કઈ રીતે ટૉક આપવી એ હું શીખી ગયો. ૧૯૭૪માં મને ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યો. ભાઈ નાઇજલ પીટને મારી સાથે મોકલવામાં આવ્યા. અમે બન્‍ને પાકા દોસ્ત બની ગયા.

એ વખતે ઉત્તર આયરલૅન્ડમાં ઘણી ઉથલ-પાથલ મચી હતી, ઘણી હિંસા અને હુલ્લડો થતા હતા. એટલે અમુક લોકોએ એ જગ્યાનું નામ એકદમ બરાબર પાડ્યું હતું, “બૉમ્બ અને બંદુકોની જગ્યા.” રસ્તા પર લડાઈ-ઝઘડા, ગોળીબાર અને બૉમ્બથી કાર ઉડાવી દેવું સામાન્ય બની ગયું હતું. એ બધામાં રાજકારણ અને ધર્મોનો હાથ હતો. જોકે, પ્રોટેસ્ટંટ અને કૅથલિક લોકોને ખબર હતી કે યહોવાના સાક્ષીઓ રાજકારણમાં કોઈનો પક્ષ નથી લેતા. એટલે અમને કોઈ નુકસાન થયું નહિ અને અમે આરામથી પ્રચાર કરી શક્યા. ઘણી વાર તો ઘર ઘરનો પ્રચાર કરતી વખતે લોકો અમને જણાવતા કે ક્યાં હુલ્લડ ફાટી નીકળ્યું છે, જેથી અમે ત્યાં ના જઈએ.

જોકે, અમારી સામે ઘણી મુશ્કેલીઓ આવી. એક દિવસે હું અને ભાઈ ડેનિસ કેરીગન નજીકના એક વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. એ વિસ્તારમાં બીજા કોઈ સાક્ષીઓ ન હતા અને અમે પણ ત્યાં બીજી વાર જ ગયા હતા. ત્યાં ચાની દુકાન આગળ એક સ્ત્રીએ અમારા પર ખોટો આરોપ મૂક્યો કે અમે બ્રિટનના જાસૂસો છીએ. તેને એવું લાગ્યું હશે કેમ કે ત્યાંના લોકો કરતાં અમારી બોલવાની ઢબ અલગ હતી. એ સમયે સૈનિકો સાથે જો કોઈ થોડો પણ સારો વ્યવહાર કરે તો તેને પતાવી દેવામાં આવતો અથવા ઘૂંટણ પણ ગોળી મારવામાં આવતી. એટલે અમે સ્ત્રીની વાતો સાંભળીને ડરી ગયા. પછી અમે બહાર ઊભા રહીને બસની રાહ જોવા લાગ્યા. અમને બહુ ઠંડી લાગી રહી હતી અને આજુબાજુ કોઈ જ ન હતું. અમે જોયું કે દુકાનની બહાર એક કાર ઊભી રહી. પેલી સ્ત્રી બહાર આવી અને કારમાં બેઠેલા બે માણસો સાથે વાત કરવા લાગી. તેઓ સાથે વાત કરતી વખતે તે અમારી તરફ ઇશારો કરી રહી હતી. એ માણસોની ગાડી ધીમે ધીમે નજીક આવી. તેઓએ આવીને અમને બસ વિશે અમુક સવાલો પૂછ્યા. પછી બસ આવી ત્યારે તેઓ બસના ડ્રાઇવર સાથે વાત કરવા લાગ્યા, પણ અમે તેઓની વાત સાંભળી ન શક્યા. બસ ખાલી જોઈને અમને લાગ્યું કે ‘આજે તો અમારું આવી બન્યું. તેઓ એ જ કહી રહ્યા હશે કે અમને વિસ્તારની બહાર લઈ જઈને બરાબરના મારશે.’ પણ એવું કંઈ જ ના બન્યું! મેં ઉતરીને ડ્રાઇવરને પૂછ્યું, “શું તેઓ અમારા વિશે વાતો કરતા હતા?” તેણે કહ્યું, “મને ખબર છે તમે લોકો કોણ છો અને એ વિશે મેં તેઓને જણાવી દીધું. તમે ટેન્શન ના લેશો, તમને કંઈ નહિ થાય.”

માર્ચ ૧૯૭૭માં અમારા લગ્‍નના દિવસે

૧૯૭૬માં ડબ્લિન શહેરમાં ડિસ્ટ્રીક્ટ સંમેલન a રાખવામાં આવ્યું. ત્યાં હું પાઉલીન લોમેક્સને મળ્યો. તે ઇંગ્લૅન્ડથી આ સંમેલનમાં આવી હતી અને એક ખાસ પાયોનિયર હતી. તે યહોવાને ખૂબ પ્રેમ કરતી હતી. તે નમ્ર અને પ્રેમાળ હતી. તે અને તેનો ભાઈ રે નાનપણથી બાઇબલનું સાચું શિક્ષણ જાણતાં હતાં. અમે સંમેલનમાં મળ્યાં એના એક વર્ષ પછી, મેં અને પાઉલીને લગ્‍ન કર્યાં. પછી અમે ઉત્તર આયરલૅન્ડના બેલીમીના શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપવા લાગ્યાં.

થોડા સમય માટે મેં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી. હું અને પાઉલીન બેલફાસ્ટ, લંડનડેરી અને એના જેવા બીજા વિસ્તારોમાં જતાં, જ્યાં ઘણો ખતરો હતો. અમે એવાં ઘણાં ભાઈ-બહેનોને મળ્યાં જેઓએ ઊંડે સુધી ઘર કરી ગયેલી ધાર્મિક માન્યતાઓ, ભેદભાવ અને નફરતને મનમાંથી કાઢી નાખ્યાં હતાં. યહોવાએ તેઓને ઘણા આશીર્વાદો આપ્યા અને તેઓનું રક્ષણ કર્યું. તેઓની શ્રદ્ધા જોઈને અમને ઘણું ઉત્તેજન મળ્યું.

હું દસ વર્ષ સુધી આયરલૅન્ડમાં હતો. પછી ૧૯૮૧માં અમને ગિલયડ સ્કૂલના ૭૨મા વર્ગમાં બોલાવવામાં આવ્યાં. એ શાળા પછી અમને પશ્ચિમ આફ્રિકાના સિયેરા લિયોન દેશમાં મોકલવામાં આવ્યાં.

સિયેરા લિયોન—તંગીમાં પણ અડગ શ્રદ્ધા

અમે એક જ ઘરમાં ૧૧ ભાઈ-બહેનો સાથે રહેતાં હતાં. અમને બધાંને સિયેરા લિયોનમાં મિશનરી સેવા માટે મોકલવામાં આવ્યાં હતાં. એ લોકો સાથે રહેવાની મજા આવતી. એ ઘરમાં ફક્ત એક રસોડું હતું, ત્રણ ટોઇલેટ, બે બાથરૂમ, એક ટેલીફોન, એક કપડાં ધોવાનું મશીન અને એક કપડાં સૂકવવાનું મશીન હતું. ત્યાં કોઈ પણ સમયે લાઇટ જતી રહેતી અને એવું ઘણી વાર થતું. અરે, ઘરની છત પર ઉંદરોએ અડ્ડો જમાવ્યો હતો અને નીચે બેસ્મન્ટમાં ઝેરી સાપ આવજા કરતા.

નજીકના દેશ ગિનીમાં એક મહાસંમેલન હતું, ત્યાં જવા નદી પાર કરતી વખતે

એ ઘરમાં રહેવું કંઈ સહેલું ન હતું. પણ અમને પ્રચારમાં બહુ મજા આવતી. લોકો બાઇબલની કદર કરતા અને અમે તેઓને ખુશખબર જણાવતા ત્યારે તેઓ અમારું ધ્યાનથી સાંભળતા. ઘણા લોકો બાઇબલમાંથી શીખવા લાગ્યા અને યહોવાના સાક્ષી બન્યા. લોકો મને “મિસ્ટર રોબર્ટ” કહેતા અને પાઉલીનને “મિસિસ રોબર્ટ.” થોડા સમય પછી મને શાખા કચેરીનું ઘણું કામ મળવા લાગ્યું અને હું પ્રચાર માટે વધારે નીકળી શકતો ન હતો. એટલે લોકો પાઉલીનને “મિસિસ પાઉલીન” કહેવા લાગ્યા અને મને “મિસ્ટર પાઉલીન.” એ સાંભળીને પાઉલીનને મજા પડી જતી.

સિયેરા લિયોનમાં પ્રચાર માટે જતી વખતે

ઘણાં ભાઈ-બહેનો ગરીબ હતાં, પણ યહોવાએ હંમેશાં તેઓની જરૂરિયાતો પૂરી કરી. અમુક વાર તો તેઓએ વિચાર્યું પણ ન હોય એ રીતે યહોવાએ તેઓની મદદ કરી. (માથ. ૬:૩૩) મને આજેય એક કિસ્સો યાદ છે. એક બહેન પોતાનું અને બાળકોનું એ દિવસે પેટ ભરી શકે એટલા જ પૈસા તેમની પાસે હતા. પણ તેમણે એ બધા પૈસા એક ભાઈને આપી દીધા, જેમને મલેરિયા થયો હતો. કેમ કે એ ભાઈ પાસે દવા ખરીદવાના પૈસા ન હતા. પણ એ જ દિવસે એક સ્ત્રી પોતાની હેર-સ્ટાઈલ કરાવવા આ બહેન પાસે આવી. તેણે એ માટે પૈસા પણ આપ્યાં. એ બહેનની જેમ બીજાં ઘણાં ભાઈ-બહેનોએ અનુભવ્યું કે યહોવા કઈ રીતે તેઓની સંભાળ રાખે છે.

નાઇજીરિયા—નવી સંસ્કૃતિ વિશે શીખવું

અમે નવ વર્ષ સિયેરા લિયોનમાં હતા. પછી અમને નાઇજીરિયાની શાખા કચેરીમાં સોંપણી મળી. એ શાખા કચેરી બહુ મોટી હતી. ત્યાં હું એ જ કામ કરતો હતો જે સિયેરા લિયોનમાં કરતો હતો. પણ પાઉલીન માટે બધું નવું હતું. પહેલાં તે દર મહિને ૧૩૦ કલાક પ્રચાર કરતી હતી. તે એવા ઘણા લોકોના બાઇબલ અભ્યાસ ચલાવતી હતી, જેઓ સારી પ્રગતિ કરતા હતા. પણ હવે તે બેથેલમાં સીવવાનું કામ કરતી હતી અને તેનો આખો દિવસ ફાટેલાં કપડાં પર રફૂ કરવામાં નીકળી જતો હતો. શરૂ શરૂમાં તેના માટે આ બધા ફેરફાર સ્વીકારવા બહુ અઘરું હતું. પણ તે જોઈ શકી કે ભાઈ-બહેનો તેના કામની ખૂબ કદર કરે છે, એટલે તેને પણ ધીરે ધીરે એ કામ ગમવા લાગ્યું. તેમ જ, તે બેથેલનાં બીજાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાની એક પણ તક જવા દેતી નહિ.

નાઇજીરિયાના લોકોની સંસ્કૃતિ અને રહેણી-કરણી ઘણી અલગ હતી. અમારે ઘણું શીખવાનું હતું. ખબર છે, એકવાર શું થયું? હું મારી ઑફિસમાં હતો અને એક ભાઈ મને મળવા આવ્યા. તેમની સાથે એક બહેન પણ હતાં. એ બહેન નવાં નવાં બેથેલમાં આવ્યાં હતાં. મેં હેલો કહેવા તેમની સામે હાથ લંબાવ્યો, પણ તે તો મારા પગે લાગ્યાં. હું તો અવાક જ રહી ગયો! તરત મારા મગજમાં બે કલમો આવી, પ્રેરિતોનાં કાર્યો ૧૦:૨૫, ૨૬ અને પ્રકટીકરણ ૧૯:૧૦. મને થયું, ‘આ બહેન શું કરી રહ્યાં છે? શું હું તેમને કહું કે આવું ના થાય?’ પછી મેં વિચાર્યું કે આ બહેનને બેથેલ બોલાવવામાં આવ્યાં છે, એટલે તેમને ખબર જ હશે કે આ વિશે બાઇબલ શું કહે છે.

બહેન સાથેની વાતચીત દરમિયાન મારા મગજમાં ઘણું બધું ચાલતું હતું. તેમના ગયા પછી મેં થોડું સંશોધન કર્યું. મને જાણવા મળ્યું કે દેશના અમુક વિસ્તારોમાં એ રિવાજ હજી પાળવામાં આવતો હતો. ખાલી સ્ત્રીઓ જ નહિ, પુરુષો પણ એ રિવાજ પાળતા હતા. એ ભક્તિની નહિ, પણ આદર બતાવવાની રીત હતી. બાઇબલમાં પણ જણાવ્યું છે કે અમુક ઈશ્વરભક્તોએ એવું કર્યું હતું. (૧ શમુ. ૨૪:૮) સારું થયું કે મેં વિચાર્યા વગર કંઈ કહી ના દીધું, નહિ તો બહેનને દુઃખ થયું હોત.

અમે નાઇજીરિયામાં એવાં ઘણાં ભાઈ-બહેનોને મળ્યાં, જેઓ વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હતાં. એવા જ એક ભાઈ હતા, આઈઝાયા અડાગબોના હતા. b તે યુવાન હતા ત્યારે તેમને સત્ય મળ્યું. પણ થોડા સમય પછી તેમને રક્તપિત્ત થયો. તેમને એવી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા, જ્યાં રક્તપિત્ત થયેલા લોકોને રાખવામાં આવતા. ત્યાં તે એકલા જ યહોવાના સાક્ષી હતા. વિરોધ હોવા છતાં તે પ્રચાર કરતા રહ્યા. રક્તપિત્ત થયો હોય એવા ૩૦થી પણ વધારે લોકોને તેમણે સાક્ષી બનવા મદદ કરી. આગળ જતાં, ત્યાં એક મંડળ પણ શરૂ થયું.

કેન્યા—ભાઈઓ મારી સાથે ધીરજથી વર્ત્યા

કેન્યામાં એક અનાથ ગેંડા સાથે

૧૯૯૬માં અમને કેન્યાની શાખા કચેરીમાં સોંપણી મળી. મેં તમને શરૂઆતમાં કેન્યાનો જે કિસ્સો જણાવ્યો હતો, એના પછી પહેલી વાર અહીંયા આવ્યો હતો. અમે બેથેલમાં રહેતાં હતાં. ત્યાં ફક્ત લોકો જ નહિ, વાંદરાઓ પણ બેથેલ જોવા આવતા. જો તેઓ કોઈ બહેનના હાથમાં ફળફળાદિ જોઈ જાય, તો તેઓ એ “છીનવી” લેતા. એક દિવસ એક બહેન પોતાના રૂમની બહાર ગયાં અને બારી ખુલ્લી રહી ગઈ. તે પાછાં આવ્યાં ત્યારે તેમણે જોયું કે વાંદરાઓ મસ્ત બેઠાં બેઠાં ખાઈ રહ્યા હતા. બહેને જોરથી ચીસ પાડી અને બહાર દોડી આવ્યાં. વાંદરાઓએ પણ ચીસાચીસ કરી મૂકી અને બારીની બહાર કૂદકો મારીને જતા રહ્યા.

હું અને પાઉલીન સ્વાહિલી ભાષાના મંડળમાં જવા લાગ્યાં. થોડા સમય પછી મને મંડળ પુસ્તક અભ્યાસ ચલાવવાની સોંપણી મળી (એને આજે મંડળમાં બાઇબલ અભ્યાસ કહેવામાં આવે છે). જોકે, હું આ ભાષા શીખી જ રહ્યો હતો, મને ખાસ કંઈ આવડતું ન હતું. હું મારા ભાગની પહેલેથી તૈયારી કરતો, એટલે હું આસાનીથી સવાલો વાંચી શકતો. પણ જો ભાઈ-બહેનોનો જવાબ ફકરાથી થોડો પણ અલગ હોય, તો મને કંઈ સમજાતું નહિ. એ વખતે મને બહુ અજીબ લગતું અને ભાઈ-બહેનો માટે દુઃખ થતું. એ ભાઈ-બહેનોએ ઘણી ધીરજ રાખી. તેઓએ ક્યારેય એવું લાગવા ન દીધું કે આ ભાઈ કેમ અભ્યાસ ચલાવી રહ્યા છે. તેઓ ખૂબ નમ્ર હતા અને એ વાત મારા દિલને સ્પર્શી ગઈ.

અમેરિકા—પૈસા પર નહિ પણ યહોવા પર શ્રદ્ધા રાખી

અમે કેન્યામાં એક વર્ષથી પણ ઓછું રહ્યાં. ૧૯૯૭માં અમને ન્યૂ યૉર્કના બ્રુકલિન બેથેલ બોલાવવામાં આવ્યાં. આ દેશમાં મોટા ભાગના લોકો પૈસાવાળા છે અને એનાથી અલગ જ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. (નીતિ. ૩૦:૮, ૯) પણ ભાઈ-બહેનો વફાદારીથી યહોવાની ભક્તિ કરે છે. તેઓ પોતાનાં સમય-શક્તિ અને ધનદોલત યહોવા માટે ખર્ચે છે, એશઆરામની વસ્તુઓ ભેગી કરવા નહિ.

આટલાં વર્ષોમાં અમે જોયું છે કે ભાઈ-બહેનો અલગ અલગ સંજોગોમાં પણ યહોવા પર શ્રદ્ધા રાખે છે. જેમ કે, આયરલૅન્ડમાં હિંસા અને હુલ્લડો હોવા છતાં, ભાઈ-બહેનોએ મક્કમ શ્રદ્ધા રાખી. આફ્રિકાની ગરીબી અને ભાઈ-બહેનો વચ્ચે સેંકડો કિલોમીટરનું અંતર પણ તેઓની શ્રદ્ધા ડગાવી ન શક્યાં. અમેરિકામાં લોકો પૈસા પર આધાર રાખે છે, પણ આપણાં ભાઈ-બહેનો યહોવા પર અતૂટ શ્રદ્ધા રાખે છે. જરા વિચારો, યહોવા નીચે નમીને જોતા હશે કે તેમના લોકો અલગ અલગ સંજોગોમાં તેમને વફાદાર રહે છે ત્યારે, તેમના દિલને કેટલો આનંદ થતો હશે!

પાઉલીન સાથે વૉરવિક બેથેલમાં

વર્ષો ક્યાં વીતી ગયાં એની ખબર જ ના પડી. દિવસો તો “વણકરની સોય કરતાં વધારે ઝડપથી ચાલે છે.” (અયૂ. ૭:૬, ફૂટનોટ) આજે અમે ન્યૂ યૉર્ક, વૉરવિકમાં આવેલા જગત મુખ્યમથકમાં સેવા આપી રહ્યાં છીએ. એકબીજાને સાચો પ્રેમ કરતા ભાઈ-બહેનો સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની બહુ મજા આવે છે. આપણા રાજા ખ્રિસ્ત ઈસુને સાથ આપવા અમે ખુશીથી બનતું બધું કરીએ છીએ. કેમ કે અમે જાણીએ છીએ કે તે બહુ જલદી વફાદાર ઈશ્વરભક્તોને ઇનામ આપશે.—માથ. ૨૫:૩૪.

a અગાઉ મહાસંમેલનને, ડિસ્ટ્રીક્ટ સંમેલન કહેવામાં આવતું.

b આઈઝાયા અડાગબોનાની જીવન સફર વાંચવા એપ્રિલ ૧, ૧૯૯૮ ચોકીબુરજ પાન ૨૨-૨૭ જુઓ. તે ૨૦૧૦માં ગુજરી ગયા.