અભ્યાસ લેખ ૭
ગીત ૭ હર ઘડી સોંપી દઉં યહોવાને
નાઝીરીઓ પાસેથી શીખીએ
“તેણે જેટલા દિવસ માટે નાઝીરીવ્રત લીધું હોય, એટલા દિવસ તે યહોવા માટે પવિત્ર છે.”—ગણ. ૬:૮.
આપણે શું શીખીશું?
નાઝીરીઓનો દાખલો આપણને કઈ રીતે હિંમતવાન બનવા અને યહોવા માટે રાજીખુશીથી જતું કરવા મદદ કરે છે?
૧. પ્રાચીન સમયથી આજ સુધીના ઈશ્વરભક્તોએ કેવું વલણ બતાવ્યું છે?
શું તમે યહોવા સાથેના સંબંધને કીમતી ગણો છો? ચોક્કસ તમે ગણતા હશો. પ્રાચીન સમયથી અગણિત લોકોએ તમારા જેવું જ અનુભવ્યું છે. (ગીત. ૧૦૪:૩૩, ૩૪) યહોવાની ભક્તિ માટે ઘણા લોકોએ જતું કર્યું છે. એવું જ કંઈક પ્રાચીન ઇઝરાયેલના નાઝીરીઓએ કર્યું હતું. તેઓ કોણ હતા? તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?
૨. (ક) નાઝીરીઓ કોણ હતા? (ગણના ૬:૧, ૨) (ખ) અમુક ઇઝરાયેલીઓ કેમ નાઝીરીવ્રત લેતા હતા?
૨ “નાઝીરી” હિબ્રૂમાંથી આવેલો શબ્દ છે. એનો અર્થ થાય “પસંદ કરાયેલ,” “અલગ કરાયેલ” અથવા “સમર્પિત કરાયેલ.” એ શબ્દથી જોવા મળે છે કે નાઝીરીઓ ઉત્સાહી ઇઝરાયેલીઓ હતા, જેઓએ યહોવાની ખાસ રીતે સેવા કરવા ત્યાગ કર્યા હતા. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ પુરુષ અથવા સ્ત્રી અમુક સમય માટે યહોવા આગળ ખાસ માનતા લઈને નાઝીરીવ્રત લઈ શકતી હતી. a (ગણના ૬:૧, ૨ વાંચો.) એ વ્રત અથવા ખાસ વચનને લીધે નાઝીરીઓએ અમુક માર્ગદર્શન પાળવાનું હતું. એ બીજા ઇઝરાયેલીઓએ પાળવાની જરૂર ન હતી. તો પછી એક ઇઝરાયેલી કેમ નાઝીરીવ્રત લેતો હતો? મોટા ભાગે યહોવા માટેના પ્રેમના લીધે અને તેમણે આપેલા આશીર્વાદોની કદર બતાવવા.—પુન. ૬:૫; ૧૬:૧૭.
૩. આજે યહોવાના લોકો કઈ રીતે નાઝીરીઓ જેવું વલણ બતાવે છે?
૩ ‘ખ્રિસ્તનો નિયમ’ આવ્યો ત્યારે મૂસાના નિયમશાસ્ત્રનો અંત આવ્યો. એની સાથે નાઝીરીવ્રતની ગોઠવણનો પણ અંત આવ્યો. (ગલા. ૬:૨; રોમ. ૧૦:૪) છતાં નાઝીરીઓની જેમ આજે ઘણા ઈશ્વરભક્તો પૂરા દિલથી, જીવથી, મનથી અને બળથી યહોવાની સેવા કરવા માંગે છે. (માર્ક ૧૨:૩૦) યહોવાને જીવન સમર્પણ કરતી વખતે આપણે રાજીખુશીથી એક માનતા લઈએ છીએ. એ માનતા પ્રમાણે જીવવાનો અર્થ થાય, યહોવાની ઇચ્છા પૂરી કરવી અને જતું કરવું. આ લેખમાં જોઈશું કે નાઝીરીઓ કઈ રીતે પોતાની માનતા પ્રમાણે જીવતા હતા અને તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ. b—માથ. ૧૬:૨૪.
જતું કરવા તૈયાર રહીએ
૪. ગણના ૬:૩, ૪ પ્રમાણે નાઝીરીઓએ શું જતું કર્યું?
૪ ગણના ૬:૩, ૪ વાંચો. નાઝીરીઓએ કોઈ પણ પ્રકારનો શરાબ પીવાનો ન હતો. તેઓએ દ્રાક્ષાવેલાની ઊપજમાંથી બનેલું કંઈ પણ ખાવાનું ન હતું, જેમ કે લીલી કે સૂકી દ્રાક્ષ. ખરું કે, આજુબાજુના લોકો એ બધું ખાતાં-પીતાં હતા અને એમાં કંઈ ખોટું પણ ન હતું. બાઇબલમાં જણાવ્યું છે કે ‘શરાબ માણસના દિલને ખુશ કરે છે’ અને એ ઈશ્વર તરફથી એક ભેટ છે. (ગીત. ૧૦૪:૧૪, ૧૫) ભલે એ બધાથી આનંદ મળતો હતો, છતાં નાઝીરીઓએ ખુશીથી એ બધું જતું કર્યું. c
૫. મેડિયોનભાઈ અને માર્સેલાબહેને શું જતું કર્યું અને શા માટે?
૫ નાઝીરીઓની જેમ આપણે પણ યહોવાની સેવામાં વધારે કરવા ઘણું જતું કરીએ છીએ. મેડિયોનભાઈ અને તેમની પત્ની માર્સેલાબહેનનો d દાખલો લો. તેઓનું જીવન આરામથી ચાલતું હતું. મેડિયોનભાઈ સારી નોકરી કરતા હતા. તેઓ સુંદર ઘરમાં રહેતાં હતાં. પણ તેઓ યહોવાની સેવામાં વધારે કરવા માંગતાં હતાં. એટલે તેઓએ અમુક ફેરફારો કરવાનું નક્કી કર્યું. તેઓ કહે છે: “અમે ખર્ચ ઘટાડવાનું શરૂ કર્યું. એક નાના ઘરમાં રહેવા ગયાં અને કાર વેચીને સ્કૂટર ખરીદ્યું.” મેડિયોનભાઈ અને માર્સેલાબહેને એ બધું કરવાની જરૂર ન હતી. પણ તેઓએ પોતાની મરજીથી એ કર્યું, કેમ કે એ ફેરફારોને લીધે તેઓ પ્રચારમાં વધારે કરી શકતાં હતાં. આજે તેઓ પોતાના નિર્ણયોથી ખુશ છે.
૬. આજે યહોવાના ભક્તો કેમ ત્યાગ કરે છે? (ચિત્ર પણ જુઓ.)
૬ રાજ્યનાં કામોમાં વધારે સમય આપવા આજે યહોવાના લોકો ખુશીથી ત્યાગ કરે છે. (૧ કોરીં. ૯:૩-૬) એવું નથી કે આપણે ત્યાગ કરીએ એવી યહોવાની માંગણી છે. ભાઈ-બહેનો જે વસ્તુઓ જતી કરે છે, એ રાખવામાં પણ કંઈ ખોટું નથી. દાખલા તરીકે, અમુકે પોતાની મનપસંદ નોકરી, ઘર અથવા પાલતુ પ્રાણીઓ જવા દીધાં છે. ઘણાએ લાંબા સમય સુધી કુંવારા રહેવાનો અથવા લગ્ન પછી તરત બાળકો ન કરવાનો નિર્ણય લીધો છે. બીજા અમુકે જ્યાં વધારે જરૂર હોય, ત્યાં જઈને સેવા કરવાનું નક્કી કર્યું છે. એ માટે તેઓએ મિત્રો અને કુટુંબીજનોથી દૂર જવું પડ્યું છે. ઘણા લોકોએ ખુશીથી એ બધા ત્યાગ કર્યા છે. કેમ કે તેઓ યહોવાને શ્રેષ્ઠ આપવા માંગે છે. ખાતરી રાખજો, યહોવા માટે તમે જે કંઈ જતું કર્યું છે એને તે કીમતી ગણે છે. ભલે કોઈ ત્યાગ નાનો હોય કે મોટો, એ યહોવાની નજર બહાર જતો નથી.—હિબ્રૂ. ૬:૧૦.
બીજાઓથી અલગ તરી આવવા તૈયાર રહીએ
૭. નાઝીરીઓ માટે પોતાની માનતા પૂરી કરવી કેમ અઘરું બની જતું હશે? (ગણના ૬:૫) (ચિત્ર પણ જુઓ.)
૭ ગણના ૬:૫ વાંચો. નાઝીરીઓએ પોતાના વાળ કાપવાના ન હતા. એમ કરીને તેઓ બતાવતા કે તેઓ યહોવાને આધીન છે. જો કોઈ ઇઝરાયેલી લાંબા સમય માટે નાઝીરી રહેવાની માનતા લેતો, તો તેના વાળ વધતા અને એ સહેલાઈથી બીજાઓના ધ્યાનમાં આવતું. જ્યારે ઈશ્વર-વિરોધી ઇઝરાયેલીઓને ખબર પડતી કે કોઈએ માનતા લીધી છે, ત્યારે તેની માનતા તોડવા પાછળ પડી જતા. આમ એવા દુષ્ટ લોકોના લીધે નાઝીરી માટે પોતાની માનતા પૂરી કરવી અઘરું બની જતું હશે. આમોસ પ્રબોધકના સમયમાં તો હદ થઈ ગઈ. ઈશ્વર-વિરોધી લોકો ‘નાઝીરીઓને દ્રાક્ષદારૂ પીવા આપતા રહ્યા.’ (આમો. ૨:૧૨) એમ કરીને તેઓ કદાચ નાઝીરીઓની માનતા તોડવા માંગતા હતા. એટલે અમુક સમયે નાઝીરીઓને પોતાની માનતા પૂરી કરવા અને બીજાઓથી અલગ તરી આવવા હિંમતની જરૂર હતી.
૮. બેન્યામીનના અનુભવથી તમને કઈ રીતે હિંમત મળી?
૮ અમુક વાર કદાચ બીજાઓથી અલગ તરી આવવું સહેલું ન હોય. કદાચ આપણે શરમાળ સ્વભાવના હોઈએ અથવા જલદી ગભરાઈ જતા હોઈએ. પણ યહોવાની મદદથી હિંમત બતાવી શકીએ છીએ. નૉર્વેમાં રહેતા આપણા નાના ભાઈ બેન્યામીનનો દાખલો લો. તે દસ વર્ષનો છે. યુક્રેઇનમાં યુદ્ધ ચાલતું હતું, એટલે ત્યાંના લોકોને ટેકો આપવા બેન્યામીનની શાળામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ યુક્રેઇનના રાષ્ટ્રધ્વજના રંગનાં કપડાં પહેરીને આવે અને એક ગીત ગાય. બેન્યામીન એ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતો ન હતો. એટલે તે સમજી-વિચારીને વર્ત્યો અને દૂર ઊભો રહ્યો. પણ એક શિક્ષિકાનું ધ્યાન તેના પર પડ્યું. તેમણે તેને મોટા અવાજે બોલાવીને કહ્યું: “અહીં આવી જા અને જોડાઈ જા. અમે બધા તારી રાહ જોઈ રહ્યા છીએ.” બેન્યામીન હિંમત કરીને શિક્ષિકા પાસે ગયો અને કહ્યું: “હું કોઈનો પક્ષ લેતો નથી. હું રાજકારણને લગતા કોઈ કાર્યક્રમમાં ભાગ નહિ લઉં. યહોવાના ઘણા સાક્ષીઓ આજે જેલમાં છે, કેમ કે તેઓએ યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી છે.” તેની વાત શિક્ષિકાના ગળે ઊતરી ગઈ અને તેમણે તેને કહ્યું કે તે ભાગ નહિ લે તો ચાલશે. પણ ક્લાસના બીજા વિદ્યાર્થીઓ તેને પૂછવા લાગ્યા કે તે કેમ જોડાતો નથી. બેન્યામીન એટલો ડરી ગયો હતો કે તે રડું રડું થઈ ગયો. છતાં તેણે હિંમતથી આખા ક્લાસને એ જ વાત જણાવી, જે શિક્ષિકાને કહી હતી. પછીથી બેન્યામીને તેનાં મમ્મી-પપ્પાને કહ્યું કે તે જોઈ શક્યો કે એ સમયે યહોવા તેની મદદે આવ્યા હતા અને તેમની મદદથી જ તે હિંમતથી પોતાની માન્યતા વિશે જણાવી શક્યો.
૯. આપણે કઈ રીતે યહોવાનું દિલ ખુશ કરી શકીએ?
૯ આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા માંગીએ છીએ. એટલે આસપાસના લોકો કરતાં અલગ તરી આવીએ છીએ. કામ પર કે શાળામાં અમુક વાર આટલું કહેવા પણ હિંમતની જરૂર પડે: ‘હું યહોવાનો સાક્ષી છું.’ આ દુનિયાનાં વિચારો અને વાણી-વર્તન પહેલાં કરતાં બગડી ગયાં છે. એટલે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવું અને બીજાઓને ખુશખબર જણાવવી કદાચ અઘરું લાગી શકે. (૨ તિમો. ૧:૮; ૩:૧૩) પણ યાદ રાખજો, યહોવાને ભજતા નથી એવા લોકોથી અલગ તરી આવવા હિંમત બતાવીએ છીએ ત્યારે, યહોવાનું ‘દિલ ખુશ કરીએ છીએ.’—નીતિ. ૨૭:૧૧; માલા. ૩:૧૮.
યહોવાને જીવનમાં પહેલા રાખીએ
૧૦. ગણના ૬:૬, ૭માં આપેલી આજ્ઞા પાળવી નાઝીરીઓ માટે કઈ રીતે અઘરી હતી?
૧૦ ગણના ૬:૬, ૭ વાંચો. નાઝીરીઓ શબની નજીક જઈ શકતા ન હતા. કદાચ અમુકને લાગે કે એમાં શું મોટી વાત! પણ જ્યારે નાઝીરીનું કોઈ કુટુંબીજન ગુજરી જતું, ત્યારે તેના માટે એ આજ્ઞા પાળવી ખૂબ અઘરી હતી. એ જમાનામાં કોઈનું મરણ થાય ત્યારે રિવાજ પ્રમાણે લોકોએ શબની નજીક રહેવાનું હતું. (યોહા. ૧૯:૩૯, ૪૦; પ્રે.કા. ૯:૩૬-૪૦) પણ નાઝીરી પોતાની માનતાને લીધે એ રિવાજો પાળી શકતો ન હતો. આવા દુઃખદ પ્રસંગમાં પણ નાઝીરી પોતાની માનતાને વળગી રહીને યહોવામાં અડગ શ્રદ્ધા બતાવતો. એ કપરા સંજોગોનો સામનો કરવા એ વફાદાર ભક્તોને યહોવાએ ચોક્કસ હિંમત આપી હશે.
૧૧. કુટુંબ માટે નિર્ણયો લેતી વખતે યહોવાના ભક્તે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૧૧ યહોવાના ભક્તો તરીકે આપણા માટે સમર્પણની માનતા ખૂબ મહત્ત્વની છે. કુટુંબ માટે કંઈક કરતી વખતે અને નિર્ણયો લેતી વખતે હંમેશાં એ માનતાને ધ્યાનમાં રાખીએ છીએ. બાઇબલમાં જણાવ્યું છે તેમ કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા આપણે સખત મહેનત કરીએ છીએ. પણ તેઓની ઇચ્છા પૂરી કરવા યહોવાની ઇચ્છા બાજુ પર મૂકી દેતા નથી. (માથ. ૧૦:૩૫-૩૭; ૧ તિમો. ૫:૮) અમુક વાર એવા નિર્ણયો લેવા પડે, જે કુટુંબીજનોને નહિ ગમે, પણ એનાથી યહોવા ખુશ થશે.
૧૨. ઍલેકઝાન્ડ્રુભાઈના કુટુંબમાં અઘરા સંજોગો ઊભા થયા ત્યારે, તેમણે શું કર્યું અને શું ન કર્યું?
૧૨ ઍલેકઝાન્ડ્રુભાઈ અને તેમની પત્ની ડોરીનાબહેનનો વિચાર કરો. તેઓએ એક વર્ષ સુધી બાઇબલ અભ્યાસ કર્યો. પછી ડોરીનાબહેને અભ્યાસ બંધ કરી દીધો. તે ચાહતા હતા કે તેમના પતિ પણ અભ્યાસ કરવાનું છોડી દે. પણ ભાઈએ શાંતિથી અને સમજી-વિચારીને કહ્યું કે તે એવું નહિ કરે. આ વાત ડોરીનાબહેનને જરાય ન ગમી. ભાઈ અભ્યાસ કરવાનું બંધ કરે એ માટે તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું. ભાઈ કહે છે કે તે એ સમજવાનો પ્રયત્ન કરતા કે તેમની પત્ની શા માટે આ રીતે વર્તે છે. પણ એમ કરવું જરાય સહેલું ન હતું. ઘણી વાર ડોરીનાબહેન તેમને મહેણાં મારતાં અને ઊંધો જવાબ આપતાં. એ વખતે ભાઈને લાગતું કે તેમણે અભ્યાસ બંધ કરી દેવો જોઈએ. છતાં ભાઈએ યહોવાને જીવનમાં પહેલા રાખ્યા. સાથે સાથે તે પોતાની પત્નીને પ્રેમ અને આદર બતાવતા રહ્યા. તેમનો સારો દાખલો જોઈને ડોરીનાબહેને ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને પછીથી બાપ્તિસ્મા લીધું.—jw.org/gu પર “સત્ય જીવન સુધારે છે” શૃંખલામાં આ વીડિયો જુઓ: ઍલેકઝાન્ડ્રુ અને ડોરીના વકાર: પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે.
૧૩. કઈ રીતે બતાવી શકીએ કે યહોવા અને કુટુંબને ખૂબ પ્રેમ કરીએ છીએ?
૧૩ કુટુંબની ગોઠવણ યહોવાએ કરી છે અને તે ચાહે છે કે આખું કુટુંબ ખુશ રહે. (એફે. ૩:૧૪, ૧૫) સાચી ખુશી યહોવાની ઇચ્છા પૂરી કરવાથી મળે છે. યહોવા જુએ છે કે કુટુંબની સંભાળ રાખવા તેમજ કુટુંબીજનો સાથે પ્રેમ અને આદરથી વર્તવા તમે સખત મહેનત કરો છો. (રોમ. ૧૨:૧૦) યહોવાની ભક્તિ કરવા પણ ઘણું જતું કરો છો. પણ ભરોસો રાખજો, યહોવા તમારા એ ત્યાગને કદી નહિ ભૂલે.
નાઝીરીઓ જેવા બનવા એકબીજાને ઉત્તેજન આપીએ
૧૪. ખાસ કરીને કોને આપણા શબ્દોથી ઉત્તેજન આપવું જોઈએ?
૧૪ જેઓ યહોવાની ભક્તિ કરવા ચાહે છે, તેઓએ યહોવા માટેના પ્રેમને લીધે ખુશી ખુશી ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. પણ એમ કરવું દર વખતે સહેલું નથી હોતું. યહોવા માટે જતું કરવા આપણે કઈ રીતે એકબીજાને મદદ કરી શકીએ? આપણા શબ્દોથી એકબીજાને ઉત્તેજન આપીને. (અયૂ. ૧૬:૫) શું તમારા મંડળમાં એવાં ભાઈ-બહેનો છે, જેઓ યહોવાની ભક્તિમાં વધારે કરવા જીવન સાદું બનાવી રહ્યાં છે? શું તમે એવાં બાળકોને ઓળખો છો, જેઓ અઘરું હોવા છતાં શાળામાં બીજાઓથી અલગ તરી આવવા હિંમત બતાવી રહ્યાં છે? શું એવા બાઇબલ વિદ્યાર્થીઓ કે ભાઈ-બહેનો છે, જેઓ કુટુંબ તરફથી વિરોધ છતાં યહોવાને વફાદાર રહેવા સખત મહેનત કરી રહ્યાં છે? તેઓને ઉત્તેજન આપવાની એક પણ તક જતી ન કરો. તેઓને જણાવો કે તેઓ જે હિંમત બતાવી રહ્યાં છે અને યહોવા માટે જતું કરી રહ્યાં છે, એની તમે દિલથી કદર કરો છો.—ફિલે. ૪, ૫, ૭.
૧૫. અમુકે કઈ રીતે પૂરા સમયના સેવકોને મદદ કરી છે?
૧૫ અમુક વાર પૂરા સમયના સેવકોને મદદ કરી શકીએ. (નીતિ. ૧૯:૧૭; હિબ્રૂ. ૧૩:૧૬) શ્રીલંકામાં રહેતાં એક વૃદ્ધ બહેનની પણ એવી જ તમન્ના હતી. તેમણે જોયું કે પૈસાની ખેંચને લીધે બે યુવાન પાયોનિયર બહેનો માટે પોતાની સેવા ચાલુ રાખવી અઘરું છે. તે તેઓને મદદ કરવા માંગતા હતાં. એટલે પેન્શનમાં વધારો થયો ત્યારે, તેમણે દર મહિને એ બહેનોને અમુક રકમ આપવાનું નક્કી કર્યું, જેથી તેઓને ફોનનું બિલ ભરવા મદદ મળે. સાચે, એ વૃદ્ધ બહેનનું દિલ કેટલું મોટું કહેવાય!
૧૬. નાઝીરીવ્રતની ગોઠવણથી યહોવા વિશે શું શીખવા મળે છે?
૧૬ નાઝીરીઓના સુંદર દાખલામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જોકે, નાઝીરીવ્રતની ગોઠવણથી આપણે સ્વર્ગમાંના પિતા યહોવા વિશે પણ ઘણું શીખી શકીએ છીએ. યહોવાને પૂરો ભરોસો છે કે આપણે દિલથી તેમને ખુશ કરવા ચાહીએ છીએ. તેમ જ, સમર્પણ વખતે લીધેલી માનતા પૂરી કરવા કંઈ પણ જતું કરવા તૈયાર છીએ. તેમના માટેનો પ્રેમ જાહેર કરવાનો મોકો આપીને તેમણે આપણને મોટું સન્માન આપ્યું છે. (નીતિ. ૨૩:૧૫, ૧૬; માર્ક ૧૦:૨૮-૩૦; ૧ યોહા. ૪:૧૯) નાઝીરીઓની ગોઠવણથી એ પણ ખ્યાલ આવે છે કે યહોવાની સેવામાં જે કંઈ જતું કરીએ છીએ, એ તેમના ધ્યાન બહાર જતું નથી. એ તેમને મન ખૂબ કીમતી છે. તો ચાલો, દૃઢ નિર્ણય લઈએ કે હંમેશાં તન-મનથી યહોવાની સેવા કરતા રહીશું અને તેમને શ્રેષ્ઠ આપવા તૈયાર રહીશું.
તમે શું કહેશો?
-
નાઝીરીઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ ત્યાગ કરવા તૈયાર હતા અને હિંમત બતાવતા હતા?
-
નાઝીરીઓ જેવા બનવા કઈ રીતે એકબીજાને ઉત્તેજન આપી શકીએ?
-
યહોવાને પોતાના ભક્તો પર કયો ભરોસો છે?
ગીત ૧૮ યહોવાનો અમૃત પ્રેમ
a અમુક લોકોને યહોવાએ નાઝીરીઓ તરીકે નીમ્યા હતા. પણ મોટા ભાગના ઇઝરાયેલીઓએ પોતાની મરજીથી અમુક સમય માટે નાઝીરીવ્રત લીધું હતું.—“ યહોવાએ નીમેલા નાઝીરીઓ” બૉક્સ જુઓ.
b અમુક વાર આપણા સાહિત્યમાં નાઝીરીઓની સરખામણી પૂરા સમયના સેવકો સાથે કરવામાં આવી છે. પણ આ લેખમાં એ વાત પર ધ્યાન આપીશું કે કઈ રીતે યહોવાના બધા સમર્પિત સેવકો નાઝીરીઓ જેવા બની શકે છે.
c એવું લાગતું નથી કે નાઝીરીઓએ માનતા પૂરી કરવા વધારાનું કોઈ કામ કરવાનું હતું.
d jw.org/hi પર “યહોવા કે સાક્ષીયો કે અનુભવ” શૃંખલામાં આ લેખ જુઓ: “કમ મેં ગુજારા કરને સે મિલી જ્યાદા ખુશી.”
e ચિત્રની સમજ: એક નાઝીરીના કુટુંબીજનનું મરણ થયું છે અને તેમના શબને લઈ જવામાં આવી રહ્યું છે. એ નાઝીરી ધાબા પરથી બધું જોઈ રહ્યો છે. પોતાની માનતાને લીધે તે એમાં ભાગ લઈ શકતો નથી.