નિયામક જૂથના બે નવા સભ્યો
જાન્યુઆરી ૧૮, ૨૦૨૩ બુધવારના રોજ jw.org પર એક ખાસ જાહેરાત કરવામાં આવી. એમાં જણાવ્યું હતું કે ભાઈ ગેજ ફ્લિગલ અને ભાઈ જેફરી વિન્ડર હવેથી યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના સભ્યો તરીકે સેવા આપશે. તેઓ બંને લાંબા સમયથી વફાદારીથી યહોવાની સેવા કરી રહ્યા છે.
ફ્લિગલભાઈનો ઉછેર અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં થયો હતો. તેમનાં માતા-પિતા યહોવાનાં સાક્ષી હતાં. ભાઈ નાના હતા ત્યારે તેમનું કુટુંબ એક નાનકડા ગામમાં રહેવા ગયું, જ્યાં પ્રચારકોની વધારે જરૂર હતી. એના થોડા સમય પછી તેમણે નવેમ્બર ૨૦, ૧૯૮૮માં બાપ્તિસ્મા લીધું.
ફ્લિગલભાઈનાં માતા-પિતા હંમેશાં તેમને પૂરા સમયની સેવા કરવા ઉત્તેજન આપતાં. તેઓ સરકીટ નિરીક્ષકો અને બેથેલનાં ભાઈ-બહેનોને પોતાના ઘરે બોલાવતાં. બાપ્તિસ્માના થોડા જ સમય પછી સપ્ટેમ્બર ૧, ૧૯૮૯માં ભાઈએ નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. બે વર્ષ પછી તેમણે બેથેલમાં સેવા કરવાનો ધ્યેય પૂરો કર્યો. એ ધ્યેય તેમણે ૧૨ વર્ષની ઉંમરથી રાખ્યો હતો. ઑક્ટોબર ૧૯૯૧થી તેમણે બ્રુકલિન બેથેલમાં સેવા કરવાનું શરૂ કર્યું.
ફ્લિગલભાઈએ આઠ વર્ષ સુધી બેથેલના બાઇન્ડરી વિભાગમાં કામ કર્યું. એ પછી તેમને સેવા વિભાગમાં સોંપણી મળી. એ સમય દરમિયાન અમુક વર્ષો માટે તે રશિયન ભાષાના મંડળમાં હતા. ૨૦૦૬માં તેમણે નાદિયાબહેન સાથે લગ્ન કર્યું. પછી બંને સાથે મળીને બેથેલમાં સેવા આપવા લાગ્યાં. તેઓએ પોર્ટુગીઝ ભાષાના મંડળમાં સેવા આપી અને દસથી પણ વધારે વર્ષો સ્પેનિશ ભાષાના મંડળમાં સેવા આપી. તેમણે ઘણાં વર્ષો સેવા વિભાગમાં કામ કર્યું. એ પછી તેમણે શિક્ષણ સમિતિ સાથે અને પછીથી સેવા સમિતિ સાથે કામ કર્યું. માર્ચ ૨૦૨૨માં તેમને નિયામક જૂથની સેવા સમિતિના મદદનીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
વિન્ડરભાઈનો ઉછેર અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના મ્યુરિએટા શહેરમાં થયો હતો. તેમનાં માતા-પિતાએ તેમને યહોવા વિશે શીખવ્યું હતું. માર્ચ ૨૯, ૧૯૮૬માં તેમણે બાપ્તિસ્મા લીધું. એના બીજા જ મહિને તેમણે સહાયક પાયોનિયરીંગ શરૂ કરી દીધું. એ કામમાં તેમને એટલી મજા આવી કે તેમણે એ ચાલુ રાખવાનું નક્કી કર્યું. અમુક મહિના પછી ઑક્ટોબર ૧, ૧૯૮૬ના રોજ તેમણે નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું.
વિન્ડરભાઈના બે મોટા ભાઈઓ બેથેલમાં સેવા આપતા હતા. તરુણ વયે તે તેઓને મળવા બેથેલ ગયા. ત્યાં તેમને એટલું ગમ્યું કે તેમણે પણ મોટા થઈને બેથેલમાં જવાનું નક્કી કર્યું. પછી મે ૧૯૯૦માં તેમને વૉલકીલ બેથેલમાં બોલાવવામાં આવ્યા.
વિન્ડરભાઈએ બેથેલના ઘણા વિભાગમાં કામ કર્યું. જેમ કે, સાફ-સફાઈ વિભાગમાં, ખેતીવાડી વિભાગમાં અને બેથેલ ઑફિસમાં. ૧૯૯૭માં તેમણે એન્જેલાબહેન સાથે લગ્ન કર્યું અને ત્યારથી તેઓ સાથે મળીને બેથેલમાં સેવા આપી રહ્યાં છે. ૨૦૧૪માં તેઓને વૉરવિક મોકલવામાં આવ્યાં, જ્યાં વિન્ડરભાઈએ જગત મુખ્યમથકના બાંધકામમાં મદદ કરી. ૨૦૧૬માં તેઓને પેટરસનના વૉચટાવર એજ્યુકેશનલ સેન્ટરમાં સોંપણી મળી, જ્યાં વિન્ડરભાઈએ ઑડિયો/વીડિયો સેવાઓમાં કામ કર્યું. ચાર વર્ષ પછી તેઓને પાછાં વૉરવિક બોલાવવામાં આવ્યાં, જ્યાં ભાઈને કર્મચારી સમિતિ સાથે કામ કરવાનું કહેવામાં આવ્યું. માર્ચ ૨૦૨૨માં તેમને નિયામક જૂથની કર્મચારી સમિતિના મદદનીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
યહોવાએ આપણને આ ભાઈઓ “ભેટ” તરીકે આપ્યા છે. (એફે. ૪:૮) આપણે પ્રાર્થના કરીએ છીએ કે રાજ્યના કામને આગળ વધારવા આ ભાઈઓ જે મહેનત કરે છે, એના પર યહોવા આશીર્વાદ વરસાવે.