સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૮

ગીત ૪૩ જાગતા રહીએ

યહોવાનું માર્ગદર્શન પાળતા રહો

યહોવાનું માર્ગદર્શન પાળતા રહો

‘હું યહોવા તમારો ઈશ્વર છું. તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.’યશા. ૪૮:૧૭.

આપણે શું શીખીશું?

આ લેખથી એ સમજવા મદદ મળશે કે યહોવા આજે કઈ રીતે પોતાના લોકોને દોરે છે અને તેમનું માર્ગદર્શન પાળવાથી કેવા આશીર્વાદો મળે છે.

૧. આપણને કેમ યહોવાના માર્ગદર્શનની જરૂર છે? દાખલો આપીને સમજાવો.

 કલ્પના કરો, તમે જંગલમાં ભૂલા પડ્યા છો. ચારે બાજુ જોખમ છે. જંગલી જાનવરો આમતેમ ફરી રહ્યાં છે. જીવલેણ જીવજંતુઓ ઊડી રહ્યાં છે. ચારેય બાજુ ઝેરીલા છોડ છે, જમીન ઊબડ-ખાબડ છે અને જ્યાં જુઓ ત્યાં પથરા જ પથરા છે. પણ તમારી સાથે એક જાણકાર વ્યક્તિ છે. તે જાણે છે કે ક્યાં જોખમ છે અને એનાથી કઈ રીતે બચવું. હવે તમને થોડી રાહત મળશે, ખરું ને? આ દુનિયા પણ જંગલ જેવી છે. એમાં બધે જ જોખમ ફેલાયેલું છે. જરાક જેટલી ભૂલ અને યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી શકે. પણ આપણે ડરવાની જરૂર નથી, કેમ કે માર્ગ બતાવવા યહોવા આપણી સાથે છે. તે આપણને દરેક જોખમથી બચાવે છે અને એવા રસ્તે દોરી જાય છે, જે આપણી મંજિલ એટલે કે નવી દુનિયા સુધી જાય છે. ત્યાં આપણે હંમેશ માટે સુખચેનથી જીવીશું.

૨. યહોવા આપણને કઈ રીતે માર્ગદર્શન આપે છે?

યહોવા આપણને કઈ રીતે માર્ગદર્શન આપે છે? સૌથી પહેલા તો તેમના શબ્દ બાઇબલ દ્વારા. એ સિવાય, તે મનુષ્યનો પણ ઉપયોગ કરે છે. દાખલા તરીકે, “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા તે ભક્તિને લગતો ખોરાક આપે છે, જેથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ. (માથ. ૨૪:૪૫) યહોવા બીજા અનુભવી ભાઈઓનો પણ ઉપયોગ કરે છે. જેમ કે, તે સરકીટ નિરીક્ષકો અને મંડળના વડીલો દ્વારા ઉત્તેજન અને સલાહ-સૂચન આપે છે, જેથી આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. આ છેલ્લા દિવસોમાં જીવન બહુ અઘરું છે. પણ યહોવા જે સરસ માર્ગદર્શન આપે છે, એ માટે દિલથી તેમનો આભાર. યહોવાના માર્ગદર્શનથી જ તેમની સાથેની આપણી દોસ્તી અકબંધ રહે છે અને આપણે જીવનના માર્ગ પર ચાલતા રહી શકીએ છીએ.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

પણ અમુક વાર યહોવાનું માર્ગદર્શન પાળવું અઘરું લાગી શકે. જો એ આપણા જેવા કાળા માથાના માનવીઓ પાસેથી આવતું હોય, તો તો વધારે અઘરું લાગી શકે. શા માટે? કદાચ આપણને તેઓની સલાહ ન ગમે. એવું પણ લાગે કે એ માર્ગદર્શન કામ નહિ કરે અને એટલે એ યહોવા પાસેથી ન હોય શકે. એવા સમયે ખાસ કરીને પોતાને એ ભરોસો અપાવવો જોઈએ કે આજે યહોવા જ પોતાના લોકોને દોરી રહ્યા છે અને તેમનું માર્ગદર્શન પાળવાથી જ આશીર્વાદો મળે છે. આ લેખથી યહોવામાં ભરોસો વધારવા મદદ મળશે. એ માટે આ ત્રણ સવાલો પર ચર્ચા કરીશું: (૧) જૂના જમાનામાં યહોવાએ કઈ રીતે પોતાના લોકોને દોર્યા હતા? (૨) આજે તે કઈ રીતે પોતાના લોકોને દોરે છે? (૩) હંમેશાં તેમનું માર્ગદર્શન પાળીએ છીએ ત્યારે કેવા આશીર્વાદો મળે છે?

જૂના જમાનાથી લઈને આજ સુધી યહોવાએ મનુષ્યો દ્વારા પોતાના લોકોને દોર્યા છે (ફકરો ૩ જુઓ)


યહોવાએ કઈ રીતે ઇઝરાયેલીઓને દોર્યા?

૪-૫. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે મૂસા દ્વારા ઇઝરાયેલીઓને દોરી રહ્યા હતા? (ચિત્ર જુઓ.)

ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા યહોવાએ મૂસાને પસંદ કર્યા. તેમણે ઇઝરાયેલીઓને સાબિતી આપી, જેથી તેઓ જોઈ શકે કે તે મૂસા દ્વારા તેઓને દોરી રહ્યા છે. દાખલા તરીકે, દિવસ માટે તેમણે વાદળના સ્તંભની અને રાત માટે અગ્‍નિના સ્તંભની ગોઠવણ કરી. (નિર્ગ. ૧૩:૨૧) મૂસા એ સ્તંભની પાછળ પાછળ ચાલ્યા અને બધા ઇઝરાયેલીઓ સાથે લાલ સમુદ્ર આગળ પહોંચ્યા. ઇઝરાયેલીઓએ જોયું કે આગળ લાલ સમુદ્ર છે અને પાછળ ઇજિપ્તનું સૈન્ય. એ જોઈને તેઓના હાંજા ગગડી ગયા. તેઓને લાગ્યું કે ત્યાં લઈ જઈને મૂસાએ બહુ મોટી ભૂલ કરી હતી. પણ એ ભૂલ ન હતી. યહોવા મૂસા દ્વારા જાણીજોઈને પોતાના લોકોને ત્યાં દોરી લાવ્યા હતા. (નિર્ગ. ૧૪:૨) પછી યહોવાએ એકદમ જોરદાર રીતે તેઓનો બચાવ કર્યો.—નિર્ગ. ૧૪:૨૬-૨૮.

મૂસા વાદળના સ્તંભની પાછળ પાછળ ચાલ્યા, જેથી વેરાન પ્રદેશમાં ઈશ્વરના લોકોને દોરી શકે (ફકરા ૪-૫ જુઓ)


એ પછી ૪૦ વર્ષ સુધી મૂસા સ્તંભની પાછળ પાછળ ચાલતા રહ્યા, જેથી વેરાન પ્રદેશમાં ઈશ્વરના લોકોને દોરી શકે. a અમુક સમય માટે યહોવાએ એ સ્તંભને મૂસાના તંબૂ પર મૂક્યો, જે બધા ઇઝરાયેલીઓ જોઈ શકતા હતા. (નિર્ગ. ૩૩:૭, ૯, ૧૦) સ્તંભમાંથી યહોવા મૂસા સાથે વાત કરતા. પછી મૂસા એ માર્ગદર્શન ઇઝરાયેલીઓને આપતા. (ગીત. ૯૯:૭) તેઓ સાફ સાફ જોઈ શકતા હતા કે યહોવા મૂસા દ્વારા તેઓને દોરી રહ્યા હતા.

મૂસા અને તેમના પછીના આગેવાન યહોશુઆ (ફકરા ૫, ૭ જુઓ)


૬. મોટા ભાગના ઇઝરાયેલીઓએ કેવું વલણ બતાવ્યું? (ગણના ૧૪:૨, ૧૦, ૧૧)

એ સાબિતી જોવા છતાં ઘણા ઇઝરાયેલીઓએ એ ન સ્વીકાર્યું કે મૂસા યહોવા વતી તેઓ સાથે વાત કરતા હતા અને યહોવા મૂસા દ્વારા તેઓને દોરતા હતા. (ગણના ૧૪:૨, ૧૦, ૧૧ વાંચો.) તેઓએ વારંવાર એવું કર્યું. પરિણામે યહોવાએ ઇઝરાયેલીઓની એ આખી પેઢીને વચનના દેશમાં જવા ન દીધી.—ગણ. ૧૪:૩૦.

૭. અમુક દાખલા આપીને જણાવો કે યહોવાનું માર્ગદર્શન કોણે પાળ્યું. (ગણના ૧૪:૨૪) (ચિત્ર પણ જુઓ.)

પણ અમુક ઇઝરાયેલીઓએ યહોવાનું માર્ગદર્શન પાળ્યું. દાખલા તરીકે, યહોવાએ કહ્યું: “કાલેબ . . . પૂરા દિલથી મારી પાછળ ચાલતો રહ્યો છે.” (ગણના ૧૪:૨૪ વાંચો.) યહોવાએ કાલેબને ઇનામ આપ્યું. તે વચનના દેશમાં કઈ જગ્યાએ રહેવા માંગે છે એ પસંદ કરવાનો પણ તેમને મોકો આપ્યો. (યહો. ૧૪:૧૨-૧૪) જે ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં ગુજરી ગયા હતા, તેઓના વંશજોએ પણ યહોવાનું માર્ગદર્શન પાળવામાં સારો દાખલો બેસાડ્યો. મૂસા પછી ઇઝરાયેલીઓના આગેવાન તરીકે યહોશુઆને નિયુક્ત કરવામાં આવ્યા. ‘યહોશુઆ જીવ્યા ત્યાં સુધી ઇઝરાયેલીઓએ તેમને ઊંડું માન આપ્યું.’ (યહો. ૪:૧૪) પરિણામે, યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો અને વચનના દેશમાં લઈ ગયા.—યહો. ૨૧:૪૩, ૪૪.

૮. રાજાઓના સમયમાં યહોવાએ કઈ રીતે પોતાના લોકોને દોર્યા? સમજાવો. (ચિત્ર પણ જુઓ.)

વર્ષો પછી યહોવાએ પોતાના લોકોને દોરવા ન્યાયાધીશોને ઊભા કર્યા. પછી રાજાઓના સમયમાં યહોવાએ પ્રબોધકોને નિયુક્ત કર્યા. વફાદાર રાજાઓએ પ્રબોધકોની સલાહ કાને ધરી. દાખલા તરીકે, જ્યારે પ્રબોધક નાથાને રાજા દાઉદને તેમની ભૂલ બતાવી, ત્યારે તેમણે એ ભૂલ સ્વીકારી. (૨ શમુ. ૧૨:૭, ૧૩; ૧ કાળ. ૧૭:૩, ૪) રાજા યહોશાફાટે પ્રબોધક યાહઝીએલના માર્ગદર્શન પર ભરોસો રાખ્યો અને યહૂદાના લોકોને ‘ઈશ્વરના પ્રબોધકોમાં ભરોસો રાખવાનું’ ઉત્તેજન આપ્યું. (૨ કાળ. ૨૦:૧૪, ૧૫, ૨૦) મુશ્કેલ ઘડીઓમાં રાજા હિઝકિયાએ પ્રબોધક યશાયા પાસે મદદ માંગી. (યશા. ૩૭:૧-૬) જ્યારે પણ રાજાઓએ યહોવાનું માર્ગદર્શન પાળ્યું, ત્યારે તેમણે તેઓને આશીર્વાદ આપ્યો અને પોતાના લોકોનું રક્ષણ કર્યું. (૨ કાળ. ૨૦:૨૯, ૩૦; ૩૨:૨૨) એ જોઈને કોઈ પણ સમજી શકતું હતું કે યહોવા પ્રબોધકો દ્વારા પોતાના લોકોને દોરી રહ્યા હતા. તોપણ મોટા ભાગના રાજાઓ અને ઇઝરાયેલીઓએ યહોવાના પ્રબોધકોનું ન સાંભળ્યું.—યર્મિ. ૩૫:૧૨-૧૫.

રાજા હિઝકિયા અને પ્રબોધક યશાયા (ફકરો ૮ જુઓ)


યહોવાએ કઈ રીતે પહેલી સદીના ખ્રિસ્તીઓને દોર્યા?

૯. પહેલી સદીના ખ્રિસ્તીઓને દોરવા યહોવાએ કોનો ઉપયોગ કર્યો? (ચિત્ર પણ જુઓ.)

પહેલી સદીમાં યહોવાએ ખ્રિસ્તી મંડળની સ્થાપના કરી. યહોવાએ કઈ રીતે એ સમયના ખ્રિસ્તીઓને દોર્યા? તેમણે ઈસુને મંડળના શિર ઠરાવ્યા. (એફે. ૫:૨૩) પણ એવું ન હતું કે ઈસુએ જઈને દરેક શિષ્યને જણાવ્યું કે તેણે શું કરવું જોઈએ. એને બદલે, આગેવાની લેવા તેમણે પ્રેરિતો અને યરૂશાલેમના વડીલોનો ઉપયોગ કર્યો. (પ્રે.કા. ૧૫:૧, ૨) એ ઉપરાંત, મંડળોને માર્ગદર્શન આપવા વડીલો નિયુક્ત કરવામાં આવ્યા.—૧ થેસ્સા. ૫:૧૨; તિત. ૧:૫.

પ્રેરિતો અને યરૂશાલેમના વડીલો (ફકરો ૯ જુઓ)


૧૦. (ક) શું પહેલી સદીના ખ્રિસ્તીઓએ માર્ગદર્શન પાળ્યું? સમજાવો. (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૦, ૩૧) (ખ) યહોવા જેઓ દ્વારા પોતાના લોકોને દોરી રહ્યા હતા, તેઓનું અમુકે કેમ ન સાંભળ્યું? (“ અમુકે કેમ સાબિતીઓને આંખ આડા કાન કર્યા?” બૉક્સ જુઓ.)

૧૦ શું પહેલી સદીના ખ્રિસ્તીઓએ માર્ગદર્શન પાળ્યું? હા, મોટા ભાગના ખ્રિસ્તીઓએ રાજીખુશીથી માર્ગદર્શન પાળ્યું. બાઇબલમાં લખ્યું છે કે એ માર્ગદર્શનથી “તેઓને ઘણું ઉત્તેજન મળ્યું અને તેઓ ઘણા ખુશ થયા.” (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૩૦, ૩૧ વાંચો.) પણ આપણા સમયમાં યહોવા કઈ રીતે પોતાના લોકોને દોરી રહ્યા છે?

આજે યહોવા કઈ રીતે આપણને દોરે છે?

૧૧. આપણા સમયમાં આગેવાની લેતા લોકોને યહોવાએ કઈ રીતે દોર્યા? એક દાખલો આપો.

૧૧ યહોવા આજે પણ પોતાના લોકોને દોરી રહ્યા છે. એવું તે બાઇબલ દ્વારા અને પોતાના દીકરા દ્વારા કરે છે જે મંડળના શિર છે. યહોવા મનુષ્યોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. શું આપણે એની સાબિતી જોઈ શકીએ છીએ? હા. ઈસવીસન ૧૮૭૦ પછી શું બન્યું એનો વિચાર કરો. ચાર્લ્સ ટેઝ રસેલ અને તેમના સાથીઓ બાઇબલમાંથી સંશોધન કરવા લાગ્યા. તેઓને ભરોસો હતો કે તેઓ બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થતા જોશે. પોતાના અભ્યાસને આધારે તેઓ સમજવા લાગ્યા કે ઈશ્વરના રાજ્યની શરૂઆત વિશે બાઇબલમાં જે ભવિષ્યવાણી કરી છે, એ પૂરી કરવામાં ૧૯૧૪નું વર્ષ બહુ મહત્ત્વનું હશે. (દાનિ. ૪:૨૫, ૨૬) શું તેઓના સંશોધન પાછળ યહોવાનો હાથ હતો? હા, એમાં જરાય શંકા નથી. ૧૯૧૪માં આખી દુનિયામાં જે બનાવો બન્યા એનાથી સ્પષ્ટ થઈ ગયું કે ઈશ્વરના રાજ્યએ રાજ કરવાનું શરૂ કરી દીધું છે. એ જ વર્ષે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, રોગચાળો ફેલાયો, ધરતીકંપો થયા અને ખોરાકની અછત પડી. (લૂક ૨૧:૧૦, ૧૧) સાચે જ, નમ્ર દિલના એ બાઇબલ વિદ્યાર્થીઓ દ્વારા યહોવા પોતાના લોકોને મદદ કરી રહ્યા હતા.

૧૨-૧૩. પ્રચારકામ આગળ વધારવા જવાબદાર ભાઈઓએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કઈ ગોઠવણો કરી?

૧૨ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું બન્યું એનો પણ વિચાર કરો. જગત મુખ્યમથકના જવાબદાર ભાઈઓએ પ્રકટીકરણ ૧૭:૮ પર અભ્યાસ કર્યો. એ અભ્યાસથી તેઓ સમજી શક્યા કે બીજા વિશ્વયુદ્ધ પછી આર્માગેદન નહિ, પણ શાંતિનો સમય આવશે. તેઓ જાણતા હતા કે એ સમય દરમિયાન યહોવાના લોકો ખૂબ પ્રચાર કરશે. એટલે યહોવાના સંગઠને વૉચટાવર બાઇબલ કૉલેજ ઑફ ગિલયડની b શરૂઆત કરી. માણસોની નજરે જોઈએ તો એમ કરવું યોગ્ય લાગતું ન હતું. છતાં ભાઈઓએ એની ગોઠવણ કરી, જેથી આખી દુનિયાના લોકોને પ્રચાર કરવા અને શીખવવા મિશનરીઓને તાલીમ આપી શકાય. યુદ્ધ ચાલતું હતું તેમ છતાં મિશનરીઓને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા. એ ઉપરાંત વિશ્વાસુ ચાકરે એક કોર્સની (કોર્સ ઈન થીઓક્રેટિક મિનિસ્ટ્રી) c ગોઠવણ કરી, જેથી બધાં મંડળોના પ્રકાશકોને ખુશખબર જણાવવા અને શીખવવા કુશળ બનાવી શકાય. આ રીતે યહોવા પોતાના લોકોને મોટા પાયે થનાર પ્રચારકામ માટે તૈયાર કરી રહ્યા હતા.

૧૩ આજે સાફ જોઈ શકીએ છીએ કે એ અઘરા સમયમાં પણ યહોવા પોતાના લોકોને દોરી રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા દેશોમાં યહોવાના લોકો ખુશીથી અને કોઈ રોકટોક વગર પ્રચારકામ કરતા આવ્યા છે. હકીકતમાં, પ્રચારકામ પૂરા જોરશોરથી આગળ વધી રહ્યું છે.

૧૪. આપણે કેમ યહોવાના સંગઠન અને વડીલો તરફથી મળતા માર્ગદર્શન પર ભરોસો રાખી શકીએ? (પ્રકટીકરણ ૨:૧) (ચિત્ર પણ જુઓ.)

૧૪ આજે નિયામક જૂથના ભાઈઓ માર્ગદર્શન માટે ખ્રિસ્ત તરફ મીટ માંડે છે. તેઓ ભાઈ-બહેનોને એવું માર્ગદર્શન આપવા માંગે છે, જેમાં યહોવા અને ઈસુના વિચારો ઝલકતા હોય. પછી સરકીટ નિરીક્ષકો અને વડીલો એ માર્ગદર્શન મંડળોને આપે છે. d અભિષિક્ત વડીલો અને મંડળના બધા વડીલો ખ્રિસ્તના “જમણા હાથમાં” છે. (પ્રકટીકરણ ૨:૧ વાંચો.) ખરું કે, એ બધા વડીલોમાં આપણી જેમ પાપની અસર છે અને તેઓથી પણ ભૂલો થઈ જાય છે. મૂસા અને યહોશુઆએ ભૂલો કરી હતી. પ્રેરિતોથી પણ ભૂલો થઈ ગઈ હતી. (ગણ. ૨૦:૧૨; યહો. ૯:૧૪, ૧૫; રોમ. ૩:૨૩) તેમ છતાં, આપણે સાફ જોઈ શકીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત ખૂબ જ કાળજીપૂર્વક વિશ્વાસુ ચાકરને અને પવિત્ર શક્તિથી નિયુક્ત કરવામાં આવેલા બધા વડીલોને માર્ગદર્શન આપી રહ્યા છે. એવું તે આ “દુનિયાના અંત સુધી” કરતા રહેશે. (માથ. ૨૮:૨૦) એટલે આગેવાની લેતા ભાઈઓ દ્વારા ઈસુ જે માર્ગદર્શન આપે છે, એમાં આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ.

આજનું નિયામક જૂથ (ફકરો ૧૪ જુઓ)


યહોવાનું માર્ગદર્શન પાળતા રહીએ, આશીર્વાદો મેળવીએ

૧૫-૧૬. યહોવાનું માર્ગદર્શન પાળ્યું હોય એવાં ભાઈ-બહેનોના અનુભવથી તમે શું શીખ્યા?

૧૫ યહોવાનું માર્ગદર્શન પાળવાથી આજે પણ ઘણા આશીર્વાદો મળે છે. દાખલા તરીકે, એન્ડીભાઈ અને રોઝીબહેને e જીવન સાદું બનાવવાની સલાહ કાને ધરી. (હિંદી અધ્યયન બાઇબલમાં માથ્થી ૬:૨૨માં આપેલી “એક હી ચીજ પર ટીકી હે” અભ્યાસ માહિતી જુઓ.) પરિણામે તેઓ સંગઠનના અલગ અલગ બાંધકામમાં સ્વયંસેવકો તરીકે ટેકો આપી શક્યાં. રોઝીબહેન કહે છે: “અમે બહુ નાની નાની જગ્યાએ રહ્યાં છીએ. અમુક વાર તો ત્યાં રસોડું પણ ન હોય. મને ફોટા પાડવાનો બહુ જ શોખ છે, પણ મારે એનાં ઘણાં સાધનો વેચી દેવાં પડ્યાં. એમ કરતી વખતે આંખમાં આંસુ આવી જતા. પણ મેં પાકો નિર્ણય કર્યો હતો કે ઇબ્રાહિમની પત્ની સારાહની જેમ હું પાછળ છોડી દીધેલી વસ્તુઓ પર નહિ, પણ આગળની બાબતોમાં મન પરોવીશ.” (હિબ્રૂ. ૧૧:૧૫) એ પતિ-પત્નીને કેવા આશીર્વાદો મળ્યા? રોઝીબહેન કહે છે: “અમે ખુશ છીએ કે અમારું સર્વસ્વ યહોવાને આપીએ છીએ. જ્યારે યહોવાએ સોંપેલું કામ કરીએ છીએ, ત્યારે એક ઝલક મળે છે કે નવી દુનિયામાં જીવન કેવું હશે.” હામાં હા પુરાવતા એન્ડીભાઈ કહે છે: “રાજ્યના કામ માટે અમે પૂરેપૂરા ખર્ચાઈ રહ્યાં છીએ એ વાતનો અમને સંતોષ છે.”

૧૬ યહોવાનું માર્ગદર્શન પાળતા રહીએ છીએ ત્યારે બીજા કેવા આશીર્વાદો મળે છે? સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી માર્સીઆ પાયોનિયર બનવાની સલાહ લાગુ પાડવા માંગતી હતી. (માથ. ૬:૩૩; રોમ. ૧૨:૧૧) તે કહે છે: “મને યુનિવર્સિટીમાં ચાર વર્ષ માટે મફતમાં ભણવાનો મોકો મળ્યો હતો. પણ મારે યહોવાની સેવામાં વધારે કરવું હતું. એટલે મેં યુનિવર્સિટીમાં ભણવા જવાનો વિચાર માંડી વાળ્યો અને એવો કોર્સ પસંદ કર્યો, જેથી મારી ખિસ્સા-ખર્ચી કાઢી શકું અને પાયોનિયરીંગ પણ કરી શકું. એ મારા જીવનનો એક સૌથી સારો નિર્ણય હતો. હવે હું પાયોનિયર છું અને બહુ ખુશ છું. મારું કામ એવું છે કે હું એને મારા સમયે કરી શકું છું. એટલે હું અમુક દિવસો બેથેલમાં કામ કરી શકું છું અને યહોવા માટે બીજું ઘણું કરી શકું છું.”

૧૭. યહોવાનું માર્ગદર્શન પાળતા રહીએ છીએ ત્યારે બીજા કયા આશીર્વાદો મળે છે? (યશાયા ૪૮:૧૭, ૧૮)

૧૭ અમુક વાર યહોવાના સંગઠન તરફથી એવી સલાહ આપવામાં આવે છે, જેથી આપણું રક્ષણ થાય. જેમ કે, આપણને પૈસાના પ્રેમથી અને યહોવાનો નિયમ તૂટતો હોય એવાં કામથી સાવધ રહેવાનું કહેવામાં આવે છે. આ બાબતોમાં પણ યહોવાનું માર્ગદર્શન પાળવાથી આપણું ભલું થાય છે. આપણું અંતઃકરણ શુદ્ધ રહે છે અને વગર કામનાં તણાવ અને મુશ્કેલીઓથી દૂર રહીએ છીએ. (૧ તિમો. ૬:૯, ૧૦) પછી પૂરા દિલથી યહોવાની સેવા કરી શકીએ છીએ. એનાથી જે ખુશી, શાંતિ અને સંતોષ મળે છે એ આ દુનિયાની કોઈ વસ્તુ આપી શકતી નથી.—યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો.

૧૮. તમે કેમ યહોવાનું માર્ગદર્શન પાળતા રહેવાનો પાકો નિર્ણય લીધો છે?

૧૮ એમાં કોઈ શંકા નથી કે યહોવા મોટી વિપત્તિ દરમિયાન અને હજાર વર્ષના રાજ દરમિયાન પણ મનુષ્યો દ્વારા પોતાના લોકોને માર્ગદર્શન આપતા રહેશે. (ગીત. ૪૫:૧૬) કદાચ અમુક માર્ગદર્શન આપણને નહિ ગમે પણ શું આપણે એ માર્ગદર્શન પાળીશું? જો અત્યારે યહોવાનું માર્ગદર્શન પાળતા હોઈશું, તો એ સમયે એમ કરવું સહેલું બની જશે. તો ચાલો હંમેશાં યહોવાનું માર્ગદર્શન પાળીએ. એ માણસોનું પણ માર્ગદર્શન પાળીએ, જેઓને આપણી સંભાળ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. (યશા. ૩૨:૧, ૨; હિબ્રૂ. ૧૩:૧૭) એમ કરીને બતાવી આપીએ કે માર્ગ બતાવનાર યહોવા પર આપણને પૂરો ભરોસો છે. કેમ કે તે આપણને એવા દરેક જોખમથી બચાવે છે, જેનાથી તેમની સાથેનો આપણો સંબંધ તૂટી શકે છે. એટલું જ નહિ, તે આપણને આપણી મંજિલ એટલે કે નવી દુનિયા તરફ લઈ જતા માર્ગ પર ચલાવે છે, જ્યાં યુગોના યુગો સુધી આપણે જીવીશું.

તમે શું કહેશો?

  • યહોવાએ કઈ રીતે ઇઝરાયેલીઓને દોર્યા?

  • યહોવાએ કઈ રીતે પહેલી સદીના ખ્રિસ્તીઓને દોર્યા?

  • આજે યહોવાનું માર્ગદર્શન પાળવાથી કેવા આશીર્વાદો મળે છે?

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

a યહોવાએ એક દૂત પણ નિયુક્ત કર્યો, “જે ઇઝરાયેલીઓની આગળ ચાલતો હતો” અને તેઓને દોરતો હતો. દેખીતું છે કે એ દૂત મિખાયેલ હતો. ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં તેમનું નામ મિખાયેલ હતું.—નિર્ગ. ૧૪:૧૯; ૩૨:૩૪.

b આજે એ વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ તરીકે ઓળખાય છે.

c એ પછીથી દેવશાહી સેવા શાળા તરીકે ઓળખાતો. આજે એ તાલીમ અઠવાડિયા દરમિયાન થતી સભાનો ભાગ છે.

d ફેબ્રુઆરી ૨૦૨૧, ચોકીબુરજ પાન ૧૮ પર આપેલું આ બૉક્સ જુઓ: “નિયામક જૂથની જવાબદારી.

e અમુક નામ બદલ્યાં છે.