એક સાદો સવાલ
મેરી અને તેમના પતિ જૉન a એવા દેશમાં રહે છે, જ્યાં ઘણા લોકો ફિલિપાઇન્સથી કામ કરવા અને રહેવા આવે છે. મેરી અને જૉનને એવા લોકોને ખુશખબર જણાવવામાં ઘણી ખુશી મળે છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન મેરીએ ફક્ત પોતાના દેશમાં રહેતા લોકો સાથે જ નહિ, બીજા દેશમાં રહેતા લોકો સાથે પણ બાઇબલ અભ્યાસ શરૂ કર્યા. એવું તેમણે કઈ રીતે કર્યું?
મેરી પોતાના બાઇબલ વિદ્યાર્થીઓને પૂછતાં, “શું તમે એવા કોઈને ઓળખો છો, જેમને બાઇબલમાંથી શીખવું ગમશે?” જો તેઓ હા પાડતા, તો મેરી તેઓ સાથે ઓળખાણ કરાવવાનું કહેતાં. ઘણી વાર એવો સાદો સવાલ પૂછવાથી સારાં પરિણામ મળ્યાં છે. શા માટે? કારણ કે મોટા ભાગે જેઓ બાઇબલમાંથી શીખે છે, તેઓ શીખેલી વાતો પોતાનાં સગાઓ અને દોસ્તોને જણાવવા માંગતા હોય છે. એટલે મેરીએ એવો સવાલ પૂછ્યો ત્યારે શું થયું?
મેરીની એક બાઇબલ વિદ્યાર્થી હતી. તેનું નામ જેસ્મીન હતું. તેણે મેરીની ઓળખાણ ચાર લોકો સાથે કરાવી, જેઓને બાઇબલમાંથી શીખવું હતું. એમાંની એક હતી, ક્રિસ્ટીન. ક્રિસ્ટીનને બાઇબલમાંથી શીખવામાં એટલી મજા આવતી કે તેણે મેરીને અઠવાડિયામાં બે વાર અભ્યાસ ચલાવવા કહ્યું. મેરીએ તેને પૂછ્યું, “શું તું એવા કોઈને ઓળખે છે, જે બાઇબલમાંથી શીખવા માંગે છે?” ક્રિસ્ટીને કહ્યું, “હા, હું તમને મારા મિત્રો સાથે મળાવીશ.” અમુક અઠવાડિયાઓમાં, ક્રિસ્ટીને મેરીની ઓળખાણ પોતાના ચાર દોસ્તો સાથે કરાવી, જેઓ શીખવા તૈયાર હતા. પછીથી તેણે બીજા મિત્રો સાથે મેરીની ઓળખાણ કરાવી. એમાંના અમુક લોકોએ બીજા લોકોનાં નામ આપ્યાં.
ક્રિસ્ટીન એ પણ ચાહતી હતી કે ફિલિપાઇન્સમાં રહેતું તેનું કુટુંબ બાઇબલમાંથી શીખે. એટલે તેણે તેની દીકરી એન્ડ્રિયા સાથે વાત કરી. શરૂઆતમાં એન્ડ્રિયાને લાગતું, ‘યહોવાના સાક્ષીઓ એક વિચિત્ર પંથ છે. તેઓ ઈસુમાં માનતા નથી. તેઓ ફક્ત જૂના કરારમાં જ માને છે.’ પણ અભ્યાસમાં પહેલી જ વાર બેઠા પછી તેની બધી ગેરસમજણ દૂર થઈ ગઈ. તે જ્યારે પણ બાઇબલમાંથી નવી વાત શીખતી ત્યારે કહેતી, “આવું બાઇબલ કહે છે ને, એટલે એ સાચું જ હશે!”
અમુક સમય પછી એન્ડ્રિયાએ મેરીની ઓળખાણ પોતાની બે બહેનપણીઓ અને સાથે કામ કરતી એક સ્ત્રી સાથે કરાવી. તેઓ પણ બાઇબલમાંથી શીખવા લાગ્યાં. એન્ડ્રિયાનાં એક ફોઈ હતાં, એન્જેલા. તે આંધળાં હતાં. એન્ડ્રિયા અભ્યાસ કરતી ત્યારે તે તેઓની વાતો સાંભળતાં હતાં. મેરીને એ વિશે ખબર ન હતી. પછી એક દિવસે એન્જેલાએ એન્ડ્રિયાને કહ્યું, ‘મેરીને પૂછી જો ને કે તે મને બાઇબલમાંથી શીખવશે કે નહિ.’ એન્જેલા જે શીખતાં એ તેમને બહુ જ ગમતું. એક મહિનામાં તેમણે ઘણી કલમો મોઢે કરી લીધી. તે અઠવાડિયામાં ચાર વાર અભ્યાસ કરવા માંગતાં હતાં. એન્ડ્રિયાની મદદથી તેમણે ઇન્ટરનેટ દ્વારા સભાઓમાં જોડાવાનું શરૂ કરી દીધું.
મેરીને ખબર પડી કે તે ક્રિસ્ટીનનો અભ્યાસ ચલાવે છે ત્યારે તેના પતિ જોશુઆ ત્યાં નજીકમાં જ હોય છે. એટલે તેમણે જોશુઆને અભ્યાસમાં જોડાવા કહ્યું. જોશુઆએ કહ્યું, “હું ફક્ત સાંભળીશ, પણ મને કોઈ સવાલ ન પૂછતા. જો સવાલ પૂછશો, તો હું જતો રહીશ.” અભ્યાસ શરૂ કર્યે હજી તો પાંચ મિનિટેય થઈ ન હતી અને જોશુઆએ ક્રિસ્ટીન કરતાં પણ વધારે સવાલો પૂછ્યા. તે પણ બાઇબલમાંથી શીખવા માંગતા હતા.
મેરીના સાદા સવાલથી અનેક અભ્યાસ શરૂ થયા. મેરી બધે પહોંચી વળે એમ ન હતાં. એટલે તેમણે અમુક અભ્યાસ ભાઈ-બહેનોને સોંપી દીધા. મેરીએ ચાર અલગ અલગ દેશોમાં કુલ ૨૮ અભ્યાસ શરૂ કર્યા હતા.
જેસ્મીને એપ્રિલ ૨૦૨૧માં બાપ્તિસ્મા લીધું, જે આ અનુભવમાં જણાવેલી પહેલી બાઇબલ વિદ્યાર્થી છે. ક્રિસ્ટીને મે ૨૦૨૨માં બાપ્તિસ્મા લીધું અને ફિલિપાઇન્સમાં પોતાના કુટુંબ પાસે પાછી ગઈ. બીજા બે વિદ્યાર્થીઓએ પણ બાપ્તિસ્મા લીધું, જેઓની ઓળખાણ ક્રિસ્ટીને મેરી સાથે કરાવી હતી. ક્રિસ્ટીને બાપ્તિસ્મા લીધું એના અમુક મહિનાઓ પછી એન્જેલાએ બાપ્તિસ્મા લીધું અને હવે તે નિયમિત પાયોનિયર છે. ક્રિસ્ટીનના પતિ જોશુઆ અને તેઓની દીકરી એન્ડ્રિયા તેમજ બીજા અનેક લોકો બાઇબલમાંથી શીખી રહ્યાં છે અને યહોવાની નજીક જઈ રહ્યાં છે.
પહેલી સદીમાં ઘણા લોકોએ પોતાનાં કુટુંબીજનો અને મિત્રોને ઈસુ વિશે જણાવ્યું હતું. આમ, ખુશખબર ઝડપથી ફેલાઈ હતી. (યોહા. ૧:૪૧, ૪૨ક; પ્રે.કા. ૧૦:૨૪, ૨૭, ૪૮; ૧૬:૨૫-૩૩) તો પછી તમારા બાઇબલ વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા લોકોને પૂછો, “શું તમે એવા કોઈને ઓળખો છો, જેમને બાઇબલમાંથી શીખવું ગમશે?” કોને ખબર, એવા એક સાદા સવાલથી કેટલા અભ્યાસ શરૂ થાય!
a નામ બદલ્યાં છે.