અભ્યાસ લેખ ૮
ગીત ૩૫ યહોવાની ધીરજ
તમે કઈ રીતે યહોવાની જેમ માફ કરી શકો?
“જેમ યહોવાએ તમને દિલથી માફ કર્યા, તેમ તમે પણ કરો.”—કોલો. ૩:૧૩.
આપણે શું શીખીશું?
કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે, તેને માફ કરવા શું કરી શકીએ?
૧-૨. (ક) બીજાઓને માફ કરવું ક્યારે અઘરું લાગી શકે? (ખ) ડેનિસબહેને માફી આપવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?
શું તમને બીજાઓને માફ કરવું અઘરું લાગે છે? આપણામાંથી ઘણાને એવું લાગે છે. જ્યારે કોઈ એવું કંઈક કરે અથવા કહે જેનાથી આપણું દિલ દુભાય, ત્યારે તો માફ કરવું ખૂબ જ અઘરું હોય છે. પણ ગુસ્સાને કાબૂમાં રાખવા અને બીજાઓને માફ કરવા આપણે અમુક પગલાં ભરી શકીએ છીએ. ચાલો ડેનિસ a નામનાં બહેનનો દાખલો જોઈએ. માફ કરવા વિશે તેમણે આપણા માટે જોરદાર દાખલો બેસાડ્યો છે! ૨૦૧૭માં બહેન પોતાના કુટુંબ સાથે યહોવાના સાક્ષીઓના નવા જગત મુખ્યમથકની મુલાકાતે ગયાં હતાં. પાછા આવતી વખતે રસ્તામાં એક માણસ ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠો અને બહેનની ગાડીને ટક્કર મારી દીધી. બહેન બેભાન થઈ ગયાં. જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે ખબર પડી કે તેમનાં બાળકોને ગંભીર ઈજા પહોંચી છે અને તેમના પતિ બ્રાયનનું મરણ થયું છે. એ પળને યાદ કરતા બહેન કહે છે: “જ્યારે મેં એ સાંભળ્યું, ત્યારે હું ભાંગી પડી હતી, મને કંઈ સમજાતું ન હતું.” પછીથી બહેનને જાણ થઈ કે એ માણસ નશામાં ગાડી ચલાવતો ન હતો. એવું પણ ન હતું કે ફોન કે કશાકને લીધે તેનું ધ્યાન ભટકી ગયું હતું. તેનાથી તો અજાણતાં અકસ્માત થયો હતો. તોપણ બહેનને ગુસ્સો ન કરવા અને મન શાંત રાખવા મદદની જરૂર હતી. એટલે તેમણે યહોવા પાસે મદદ માંગી.
૨ એ માણસની ધરપકડ થઈ અને તેના પર ખૂનનો દોષ લગાડવામાં આવ્યો. જો તે દોષિત સાબિત થતો, તો તેને જેલની સજા થઈ શકતી હતી. જોકે અદાલતના અધિકારીએ બહેનને જણાવ્યું કે તેમની જુબાનીના આધારે નક્કી થશે કે એ માણસને સજા મળશે કે નહિ. ડેનિસબહેન કહે છે: “મારે જીવનની સૌથી દુઃખદ પળોને ફરી યાદ કરવાની હતી. મને લાગ્યું કે જાણે કોઈએ મારા ઘા પરના ટાંકા ખોલી દીધા હોય અને એમાં ઢગલો મીઠું ભરી દીધું હોય.” અમુક જ અઠવાડિયા પછી બહેન અદાલતમાં બેઠાં હતાં. તેમણે એ માણસ વિરુદ્ધ જુબાની આપવાની હતી, જેના લીધે તેમનો સંસાર વેરવિખેર થઈ ગયો હતો. બહેને શું કહ્યું? તેમણે ન્યાયાધીશને વિનંતી કરી કે એ માણસને દયા બતાવવામાં આવે. b એ સાંભળીને ન્યાયાધીશની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું: “હું ૨૫ વર્ષથી ન્યાયાધીશ છું. પણ મેં અદાલતમાં આવું કદી નથી જોયું. મેં ક્યારેય નથી સાંભળ્યું કે નિર્દોષ વ્યક્તિનાં કુટુંબીજનો આરોપી માટે દયાની ભીખ માંગતા હોય. હું પહેલી વાર અદાલતમાં પ્રેમ અને માફીના શબ્દો સાંભળી રહ્યો છું.”
૩. માફ કરવા ડેનિસબહેનને શાનાથી મદદ મળી?
૩ એ માણસને માફ કરવા ડેનિસબહેનને શાનાથી મદદ મળી? તેમણે એ વાત પર મનન કર્યું કે યહોવા કઈ રીતે માફ કરે છે. (મીખા. ૭:૧૮) યહોવાએ આપણને માફ કર્યા છે એ માટે તેમનો આભાર માનીએ છીએ ત્યારે, બીજાઓને માફ કરવાનું મન થાય છે.
૪. યહોવા આપણી પાસેથી શું ચાહે છે? (એફેસીઓ ૪:૩૨)
૪ યહોવાએ આપણને દિલથી માફ કર્યાં છે. તે ચાહે છે કે આપણે પણ બીજાઓને દિલથી માફ કરીએ. (એફેસીઓ ૪:૩૨ વાંચો.) તે ઇચ્છે છે કે આપણે એવા લોકોને પણ માફ કરીએ જેઓએ આપણું દિલ દુભાવ્યું હોય. (ગીત. ૮૬:૫; લૂક ૧૭:૪) આ લેખમાં આપણે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જેની મદદથી આપણે બીજાઓને માફ કરી શકીશું.
તમારી લાગણીઓ દબાવી ન રાખો
૫. કોઈ દિલ દુભાવે ત્યારે નીતિવચનો ૧૨:૧૮ પ્રમાણે આપણને કેવું લાગી શકે?
૫ કદાચ કોઈ વ્યક્તિનાં વાણી-વર્તનથી આપણને દુઃખ પહોંચે. ખાસ કરીને દોસ્ત અથવા કુટુંબીજન એવું કરે ત્યારે દિલ વીંધાઈ જાય છે. (ગીત. ૫૫:૧૨-૧૪) અમુક વાર એટલો ગુસ્સો આવે અથવા દુઃખ થાય કે કોઈએ ચપ્પુ ભોંકી દીધું હોય એવું લાગે. (નીતિવચનો ૧૨:૧૮ વાંચો.) આપણે કદાચ એ લાગણીને દબાવવાની કે એની અવગણના કરવાની કોશિશ કરીએ. એ તો એવું થશે કે જાણે ચપ્પુ ભોંકીને અંદર જ રહેવા દીધું છે. એવી જ રીતે, લાગણીઓ દબાવી રાખવાથી આપણું દુઃખ ઓછું નહિ થાય.
૬. કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે શું થઈ શકે?
૬ કોઈ આપણને દુઃખ પહોંચાડે ત્યારે શરૂઆતમાં ગુસ્સો આવી શકે. બાઇબલ પણ કહે છે કે આપણને ગુસ્સો આવી શકે. પણ એમાં ચેતવણી આપી છે કે લાંબા સમય માટે ગુસ્સે ન રહીએ. (ગીત. ૪:૪; એફે. ૪:૨૬) શા માટે? કારણ કે મોટા ભાગે આપણે જેવું વિચારીએ છીએ, એવું જ કામ કરી બેસીએ છીએ. ગુસ્સો કરવાથી ભાગ્યે જ સારાં પરિણામ આવે છે. (યાકૂ. ૧:૨૦) યાદ રાખીએ કે ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પણ ગુસ્સામાં રહેવું કે નહિ એ આપણા હાથમાં છે.
ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પણ ગુસ્સામાં રહેવું કે નહિ એ આપણા હાથમાં છે
૭. કોઈ દુઃખ પહોંચાડે ત્યારે બીજી કેવી પીડા થઈ શકે?
૭ જ્યારે કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે દિલમાં બીજી પણ પીડા થઈ શકે છે. દાખલા તરીકે, ઍન નામનાં બહેન જણાવે છે: “હું નાની હતી ત્યારે મારા પપ્પા મારી મમ્મીને છોડીને જતા રહ્યા અને મને સાચવવા જે આયા રાખી હતી તેની સાથે લગ્ન કરી લીધા. મને ખૂબ એકલું એકલું લાગતું. તેઓનાં બાળકો થયાં ત્યારે મને લાગ્યું કે એ બાળકોએ મારી જગ્યા લઈ લીધી છે. મને લાગતું કે હું સાવ નકામી છું. મોટી થઈ ત્યાં સુધી હું પોતાને નકામી ગણતી રહી.” જ્યોર્જેટ નામનાં બહેનના પતિએ વ્યભિચાર કર્યો હતો. તે જણાવે છે: “અમે નાનપણથી સારાં મિત્રો હતાં. અમે સાથે પાયોનિયરીંગ કરતા હતાં. તેમણે આવું કર્યું ત્યારે મારા દિલના ટુકડે-ટુકડા થઈ ગયા.” સમય જતાં બહેનના છૂટાછેડા થઈ ગયા. નેઓમી નામનાં બહેન કહે છે: “મેં સપનામાંય વિચાર્યું ન હતું કે મારા પતિ મારું દિલ તોડશે. જ્યારે તેમણે કહ્યું કે તે સંતાઈને ગંદાં ચિત્રો, વીડિયો અને પોર્નોગ્રાફી જોતા હતા, ત્યારે મને લાગ્યું કે તેમણે મને છેતરી છે અને મને દગો આપ્યો છે.”
૮. (ક) આપણે કેમ બીજાઓને માફ કરવા જોઈએ? (ખ) બીજાઓને માફ કરવાથી કેવા ફાયદા થાય છે? (“ કોઈ ઠેસ પહોંચાડે ત્યારે” બૉક્સ જુઓ.)
૮ બીજાઓ શું કહે અથવા કરે, એના પર આપણો કાબૂ નથી. પણ આપણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકીએ છીએ અને મોટા ભાગે માફ કરવું સૌથી સારું રહે છે. શા માટે? કારણ કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તે ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ. જો આપણે ગુસ્સે રહીશું અને માફ નહિ કરીએ, તો કદાચ આપણે મૂર્ખતાથી વર્તીશું અને આપણી તબિયત પણ બગડશે. (નીતિ. ૧૪:૧૭, ૨૯, ૩૦) ક્રિસ્ટીન નામનાં બહેનનો દાખલો લો. તે જણાવે છે: “હું કોઈનાથી નારાજ કે ગુસ્સે હોઉં છું ત્યારે, મારા ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ જાય છે. હું આચરકૂચર ખાવા લાગું છું, શાંતિથી ઊંઘી નથી શકતી. હું મારી લાગણીઓને પણ કાબૂમાં રાખી નથી શકતી. એની અસર મારા પતિ અને બીજાઓ સાથેના સંબંધ પર પડે છે.”
૯. આપણે કેમ મનમાં ખાર ન ભરી રાખવો જોઈએ?
૯ જો કોઈએ આપણું દિલ તોડ્યું હોય અને તે કદી માફી ન માંગે તો શું? જો માફ કરીશું તો નુકસાન નહિ, ફાયદો થશે. અગાઉ જોઈ ગયા એ જ્યોર્જેટબહેન કહે છે: “છૂટાછેડા પછી પણ મેં મનમાં ખાર ભરી રાખ્યો હતો. મને થોડો સમય લાગ્યો પણ આખરે મેં ગુસ્સો થૂંકી નાખ્યો. પરિણામે મારા દિલને ઠંડક મળી.” જ્યારે મનમાંથી કડવાશ કાઢી નાખીએ છીએ, ત્યારે બીજાઓ સાથેના સંબંધમાં મીઠાશ ઉમેરાય છે. જૂની વાતો ભૂલીને નવી શરૂઆત કરી શકીએ છીએ અને ફરીથી જીવનની મજા માણી શકીએ છીએ. (નીતિ. ૧૧:૧૭) જો હજીયે માફ કરવું અઘરું લાગે, તો શું કરી શકો?
ગુસ્સો કાબૂમાં કરો
૧૦. દિલ પર લાગેલા ઘા રુઝાવવા કેમ પોતાને સમય આપવો જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૧૦ બની શકે કે કોઈએ તમને ખોટું લગાડ્યું છે. તમે એ વાતને દિલમાંથી કાઢી નથી શકતા. એવામાં તમે શું કરશો? એક રીત છે, થોડો સમય વીતવા દો. જો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોય, તો એના ઘા રુઝાતા વાર લાગશે. એવી જ રીતે, દિલ પર લાગેલા ઘા રુઝાતા સમય લાગે છે. એ પછી જ વ્યક્તિ દિલથી માફ કરી શકે છે.—સભા. ૩:૩; ૧ પિત. ૧:૨૨.
૧૧. બીજાઓને માફ કરવા પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?
૧૧ બીજાઓને માફ કરી શકો એ માટે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગો. c અગાઉ જોઈ ગયા એ ઍનબહેન કહે છે કે પ્રાર્થના કરવાથી તેમને કઈ રીતે મદદ મળી. તે જણાવે છે: “મેં યહોવાને પ્રાર્થના કરી અને કહ્યું કે કુટુંબમાં અમને બધાને માફ કરે. કારણ કે અમે બધા અયોગ્ય રીતે વર્ત્યા હતા અથવા ન બોલવાનું બોલી ગયા હતા. પછી મેં પપ્પા અને તેમની પત્નીને પત્ર દ્વારા જણાવ્યું કે મેં તેઓને માફ કરી દીધા છે.” ઍનબહેન સ્વીકારે છે કે એમ કરવું જરાય સહેલું ન હતું. પણ તે કહે છે: “યહોવાનું અનુકરણ કરીને મેં પપ્પા અને તેમની પત્નીને માફ કરી દીધાં. હું આશા રાખું છું કે એને લીધે તેઓને યહોવા વિશે શીખવાની ઇચ્છા થાય.”
૧૨. આપણે શા માટે યહોવા પર ભરોસો રાખવો જોઈએ? (નીતિવચનો ૩:૫, ૬)
૧૨ યહોવા પર ભરોસો રાખો. એવું ન વિચારો કે તમે જે અનુભવો છો એ હંમેશાં ખરું હોય. (નીતિવચનો ૩:૫, ૬ વાંચો.) યહોવા હંમેશાં જાણે છે કે આપણું ભલું શામાં છે. તે આપણને ક્યારેય એવું કશું કરવા નહિ કહે, જેનાથી આપણું નુકસાન થાય. (યશા. ૫૫:૮, ૯) આમ, જ્યારે તે આપણને બીજાઓને માફ કરવા કહે, ત્યારે પૂરો ભરોસો રાખી શકીએ કે એનાથી આપણને ફાયદો થશે. (ગીત. ૪૦:૪; યશા. ૪૮:૧૭, ૧૮) બીજી બાજુ, જો લાગે કે આપણે જે અનુભવીએ એ ખરું છે, તો ક્યારેય બીજાઓને માફ નહિ કરી શકીએ. (નીતિ. ૧૪:૧૨; યર્મિ. ૧૭:૯) નેઓમીબહેનનો વિચાર કરો. તે કહે છે: “પહેલાં હું માનતી હતી કે મારા પતિને માફ ન કરીને હું બરાબર જ કરી રહી છું. કારણ કે મને ડર હતો કે તે મને ફરીથી દુઃખ પહોંચાડશે અથવા ભૂલી જશે કે તેમના લીધે મારે કેટલું વેઠવું પડ્યું છે. હું પોતાના દિલને તસલ્લી આપતી કે યહોવા તો મારી લાગણી સમજે છે ને. પણ પછી મને ખ્યાલ આવ્યો કે યહોવા મારી લાગણી સમજે છે, એનો અર્થ એ નથી કે તે એની સાથે સહમત થાય છે. તે જાણે છે કે મારા પર શું વીતી રહ્યું છે અને મારા દિલ પર લાગેલા ઘા રુઝાતા સમય લાગશે. જોકે તે એ પણ ચાહે છે કે હું મારા પતિને માફ કરું.” d
સારા ગુણો પર ધ્યાન આપો
૧૩. રોમનો ૧૨:૧૮-૨૧ પ્રમાણે આપણે શું કરવું જોઈએ?
૧૩ બની શકે કે માઠું લગાડનાર વ્યક્તિને આપણે માફ કરી દઈએ અને એ વિશે ફરીથી વાત ન કરવાનું વિચારીએ. પણ આપણે કંઈક વધારે કરવાની જરૂર છે. જો એ વ્યક્તિ આપણા ભાઈ કે બહેન હોય, તો સુલેહ-શાંતિ કરવા બનતું બધું કરવાની કોશિશ કરીએ. (માથ. ૫:૨૩, ૨૪) ગુસ્સે રહેવાને બદલે દયા બતાવીએ. મનમાં ખાર ભરી રાખવાને બદલે માફ કરીએ. (રોમનો ૧૨:૧૮-૨૧ વાંચો; ૧ પિત. ૩:૯) એમ કરવા શાનાથી મદદ મળશે?
૧૪. આપણે શું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને શા માટે?
૧૪ યહોવા લોકોના સારા ગુણો પર ધ્યાન આપે છે. આપણે પણ યહોવાને અનુસરવાનો અને દુઃખ પહોંચાડનાર વ્યક્તિમાં સારા ગુણો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૨ કાળ. ૧૬:૯; ગીત. ૧૩૦:૩) જો લોકોમાં સારા ગુણો શોધીશું, તો સારા ગુણો મળશે. પણ જો ખરાબ ગુણો શોધીશું, તો ખરાબ ગુણો મળશે. બીજાઓના સારા ગુણો પર ધ્યાન આપીએ છીએ ત્યારે, તેઓને માફ કરવું સહેલું બની જાય છે. દાખલા તરીકે, જેરડ નામના ભાઈ કહે છે: “જ્યારે હું કોઈ ભાઈની ભૂલ પર વિચાર કરવાને બદલે તેમના સારા ગુણો પર વિચાર કરું છું, ત્યારે તેમને માફ કરવું મારા માટે સહેલું બની જાય છે.”
૧૫. તમે કોઈને માફ કર્યા છે, એ કહેવું કેમ જરૂરી છે?
૧૫ તમે બીજું પણ કંઈ કરી શકો છો. ઠેસ પહોંચાડનાર વ્યક્તિને કહી શકો કે તમે તેમને માફ કર્યા છે. શા માટે? ધ્યાન આપો કે નેઓમીબહેન શું કહે છે: “મારા પતિએ મને પૂછ્યું, ‘શું તેં મને માફ કર્યો છે?’ હું કહેવા ગઈ, ‘હા મેં તમને માફ કર્યાં છે,’ પણ હું કહી જ ન શકી. મારા ગળે ડૂમો બાઝી ગયો. મને ખ્યાલ આવ્યો કે મેં તેમને દિલથી માફ કર્યા ન હતા. સમય જતાં, હું તેમને દિલથી કહી શકી, ‘હું તમને માફ કરું છું.’ એ સાંભળીને મારા પતિ તેમના આંસુ રોકી ન શક્યા. હું કહી નથી શકતી કે તેમને કેટલી રાહત થઈ અને મારા માથેથી પણ ભારે બોજ હળવો થઈ ગયો. એ પછી હું તેમના પર ફરીથી ભરોસો કરવાનું શીખી. હવે અમે ફરીથી પાકા મિત્રો છીએ.”
૧૬. બીજાઓને માફ કરવા વિશે તમે શું શીખ્યા?
૧૬ યહોવા ચાહે છે કે આપણે બીજાઓને માફ કરીએ. (કોલો. ૩:૧૩) તોપણ અમુક વાર એમ કરવું અઘરું લાગી શકે. પણ જો પોતાની લાગણીઓને દબાવી નહિ રાખીએ અને ગુસ્સાને કાબૂમાં રાખવા મહેનત કરીશું, તો માફ કરી શકીશું. પછી આપણે બીજાઓમાં સારા ગુણો જોઈ શકીશું.—“ બીજાઓને માફ કરવા ત્રણ પગલાં” બૉક્સ જુઓ.
બીજાઓને માફ કરવાથી મળતા ફાયદા પર ધ્યાન આપો
૧૭. આપણે કેમ બીજાઓને માફ કરવા જોઈએ?
૧૭ બીજાઓને માફ કરવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. ચાલો એમાંનાં અમુક પર વિચાર કરીએ. પહેલું, આપણા દયાળુ પિતા યહોવાનું અનુકરણ કરીએ છીએ અને તેમનું દિલ ખુશ કરીએ છીએ. (લૂક ૬:૩૬) બીજું, બતાવીએ છીએ કે યહોવાએ આપણને માફી આપી છે એ માટે તેમના આભારી છીએ. (માથ. ૬:૧૨) ત્રીજું, આપણી તબિયત સારી રહે છે અને બીજાઓ સાથેના સંબંધોમાં મીઠાશ વધે છે.
૧૮-૧૯. બીજાઓને માફ કરીશું તો શું થશે?
૧૮ જ્યારે આપણે બીજાઓને માફ કરીએ છીએ, ત્યારે વિચાર્યું પણ ન હોય એવા આશીર્વાદો મળે છે. ચાલો ફરીથી ડેનિસબહેનનો દાખલો જોઈએ. જે માણસે તેમની ગાડીને ટક્કર મારી હતી, તેણે નક્કી કરી દીધું હતું કે ચુકાદા પછી તે આપઘાત કરી લેશે. ડેનિસબહેનને એ વાત ખબર ન હતી. પણ જ્યારે બહેને તેને માફ કરી દીધો, ત્યારે એ વાત તેના દિલને સ્પર્શી ગઈ અને તે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યો.
૧૯ બીજાઓને માફ કરવું આપણને અઘરું લાગી શકે. પણ જો એમ કરીશું, તો આપણને ઢગલો આશીર્વાદો મળશે. (માથ. ૫:૭) તો ચાલો આપણે યહોવા પિતાનું અનુકરણ કરવા અને બીજાઓને માફ કરવા કોઈ કસર ન છોડીએ.
ગીત ૨૧ દયાળુ બનીએ
a અમુક નામ બદલ્યાં છે.
b આવા સંજોગમાં યહોવાના દરેક ભક્તે પોતે નક્કી કરવું જોઈએ કે તે શું કરશે.
c jw.org/hi પર બ્રૉડકાસ્ટિંગનાં આ ગીતો જુઓ: “એક-દૂસરે કો માફ કરે,” “દિલ સે માફ કરું” અને “આઓ સુલહ કરે.”
d પોર્નોગ્રાફી જોવું પાપ છે અને એનાથી બીજાઓને દુઃખ પહોંચી શકે છે. પણ નિર્દોષ લગ્નસાથી માટે એ બાઇબલ પ્રમાણે છૂટાછેડા લેવાનું યોગ્ય કારણ નથી.