સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અભ્યાસ લેખ ૭

ગીત ૫ ઈસુને પગલે ચાલું

યહોવાની માફીથી તમને કયા આશીર્વાદો મળે છે?

યહોવાની માફીથી તમને કયા આશીર્વાદો મળે છે?

“તમે લોકોને દિલથી માફ કરો છો.”ગીત. ૧૩૦:૪.

આપણે શું શીખીશું?

આપણે બાઇબલમાંથી અમુક દાખલાઓ જોઈશું, જે બતાવે છે કે યહોવા કેટલી અજોડ રીતે માફ કરે છે. યહોવા આપણને માફ કરે છે, એ માટે કદર વધારવા આ લેખથી મદદ મળશે.

૧. જ્યારે એક વ્યક્તિ કહે છે “હું તને માફ કરું છું,” ત્યારે તે ખરેખર શું કહેવા માંગે છે એ સમજવું કેમ અઘરું છે?

 ધારો કે તમે કોઈને દુઃખ પહોંચાડ્યું છે. તમે તેની માફી માંગો છો. તે તમને કહે છે: “હું તને માફ કરું છું.” એ શબ્દો સાંભળીને તમારા દિલને કેટલી ટાઢક વળશે! પણ એ શબ્દોનો ખરો અર્થ શું થાય? શું એ વ્યક્તિ એવું કહેવા માંગે છે કે તમે હજી સારા મિત્રો છો? કે પછી તે એવું કહેવા માંગે છે કે જે બન્યું એ વિશે તેણે ફરી વાત નથી કરવી? એ બતાવે છે કે માણસો જે કહે છે અને જે કહેવા માંગે છે, એમાં ફરક હોય છે.

૨. યહોવા જે રીતે માફ કરે છે, એ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? (ફૂટનોટ પણ જુઓ.)

માફી આપવાની વાત આવે ત્યારે, યહોવા માણસો કરતાં સાવ અલગ છે. યહોવા જે રીતે માફ કરે છે, એ રીતે બીજું કોઈ ન કરી શકે. ગીતશાસ્ત્રના એક લેખકે યહોવા વિશે કહ્યું: “તમે લોકોને દિલથી માફ કરો છો, જેથી લોકો તમને આદર આપે.” a (ગીત. ૧૩૦:૪) હા, યહોવા “દિલથી માફ” કરે છે. તે બતાવે છે કે માફ કરવાનો સાચો અર્થ શું છે. હિબ્રૂ શાસ્ત્રવચનોની અમુક કલમોમાં બાઇબલ લેખકોએ યહોવાની માફીને દર્શાવવા એક ખાસ શબ્દ વાપર્યો હતો. પણ એક માણસ બીજા માણસને માફ કરે, એ દર્શાવવા તેઓએ એ ખાસ શબ્દ કદી વાપર્યો નથી.

૩. યહોવાની માફી કઈ રીતે માણસોની માફી કરતાં અલગ છે? (યશાયા ૫૫:૬, ૭)

જ્યારે યહોવા કોઈને માફ કરે છે, ત્યારે તે એ વ્યક્તિનાં પાપ ભૂંસી નાખે છે. તેઓ વચ્ચેના સંબંધમાં જે તિરાડ પડી હતી, એ પુરાઈ જાય છે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તે આપણને પૂરા દિલથી અને વારંવાર માફ કરે છે!—યશાયા ૫૫:૬, ૭ વાંચો.

૪. દિલથી માફ કરવાનો ખરો અર્થ સમજવા યહોવા કઈ રીતે મદદ કરે છે?

યહોવા દિલથી માફ કરે છે, પણ શું મનુષ્યો સમજી શકે છે કે દિલથી માફ કરવાનો ખરો અર્થ શું થાય? યહોવા જ આપણને એ સમજવા મદદ કરે છે. તે અલગ અલગ દાખલાઓ દ્વારા સમજાવે છે કે આપણને કઈ રીતે માફ કરે છે. આ લેખમાં એમાંના અમુક દાખલાઓ જોઈશું. એનાથી સમજી શકીશું કે યહોવા કઈ રીતે આપણાં પાપ દૂર કરે છે અને પાપને લીધે તેમની સાથેના સંબંધમાં જે તિરાડ આવી ગઈ છે, એને પૂરવા કઈ રીતે મદદ કરે છે. એ દાખલાઓ પર વિચાર કરીશું તેમ, યહોવા માટેનો આપણો પ્રેમ અને કદર વધશે. એ પણ જોઈ શકીશું કે તે દયા અને કરુણા બતાવનાર પિતા છે, જે આપણને અલગ અલગ રીતે માફી આપે છે.

યહોવા આપણાં પાપ દૂર કરે છે

૫. યહોવા આપણાં પાપ માફ કરે છે, એનો શું અર્થ થાય?

બાઇબલમાં પાપને ઘણી વાર ભારે બોજા સાથે સરખાવ્યું છે. રાજા દાઉદ પોતાનાં પાપ વિશે આમ કહે છે: “મારાં પાપ વધીને માથે ચઢી ગયાં છે. એનો ભારે બોજ સહેવો મારા માટે મુશ્કેલ છે.” (ગીત. ૩૮:૪) પણ દિલથી પસ્તાવો કરનાર વ્યક્તિને યહોવા માફ કરે છે. (ગીત. ૨૫:૧૮; ૩૨:૫) માફી માટે હિબ્રૂમાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ થાય, “ઊંચકવું” અથવા “લઈ જવું.” એ સમજવા તમે આવી કલ્પના કરી શકો: યહોવા એક શક્તિશાળી માણસ જેવા છે, જે આપણાં પાપનો બોજો આપણા ખભા પરથી ઊંચકી લે છે અને દૂર લઈ જાય છે.

“માફ કર્યાં” (ગીત. ૩૨:૫)


૬. યહોવા આપણાં પાપ કેટલાં દૂર લઈ જાય છે?

યહોવા આપણાં પાપ કેટલાં દૂર લઈ જાય છે, એ સમજવા ચાલો બીજો એક દાખલો લઈએ. ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨ જણાવે છે: “જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે, તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.” પૂર્વથી પશ્ચિમ એકદમ દૂર છે. એ બંને છેડા ક્યારેય મળતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, યહોવા આપણાં પાપ એટલાં દૂર લઈ જાય છે કે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. એ ખાતરી અપાવે છે કે યહોવા આપણાં પાપ પૂરી રીતે માફ કરે છે.

“જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે” (ગીત. ૧૦૩:૧૨)


૭. યહોવા આપણાં પાપનું શું કરે છે, એ વિશે બાઇબલમાં શું લખ્યું છે? (મીખાહ ૭:૧૮, ૧૯)

આપણાં પાપ દૂર લઈ ગયા પછી યહોવા એ પાપનું શું કરે છે? શું તે એને સંભાળીને રાખે છે? ના. રાજા હિઝકિયાએ યહોવા વિશે કહ્યું: “તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.” અથવા જેમ ફૂટનોટમાં લખ્યું છે: “તમારી નજર આગળથી દૂર કર્યાં છે.” (યશા. ૩૮:૯, ૧૭, ફૂટનોટ) એ દાખલાથી જોવા મળે છે કે જ્યારે એક વ્યક્તિ દિલથી પસ્તાવો કરે છે, ત્યારે યહોવા તેનાં પાપ દૂર લઈ જાય છે અને પોતાની નજર આગળથી ફેંકી દે છે. હિઝકિયાના શબ્દોને આ રીતે પણ કહી શકાય: “તમે મારાં પાપ એ રીતે માફ કર્યાં છે, જાણે મેં એ પાપ કર્યાં જ ન હોય.” એ વાતને વધારે સારી રીતે સમજવા બાઇબલમાં બીજો પણ એક દાખલો આપ્યો છે. એ મીખાહ ૭:૧૮, ૧૯માં જોવા મળે છે. (વાંચો.) ત્યાં લખ્યું છે કે યહોવા આપણાં પાપ સમુદ્રના ઊંડાણમાં ફેંકી દે છે. જૂના જમાનામાં જ્યારે કોઈ વસ્તુને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેવામાં આવતી, ત્યારે એને પાછી મેળવવી અશક્ય હતું.

“તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે” (યશા. ૩૮:૧૭)

“તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો” (મીખા. ૭:૧૯)


૮. અત્યાર સુધી આપણે શું શીખ્યા?

આ દાખલાઓથી જોવા મળે છે કે યહોવા આપણાં પાપનો બોજો દૂર કરે છે, ત્યારે રાહતનો શ્વાસ મળે છે. હવે આપણે પોતાને દોષિત ગણવાની જરૂર નથી. દાઉદે કહ્યું: “સુખી છે એ લોકો, જેઓનાં ખોટાં કામ માફ થયાં છે અને જેઓનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે. સુખી છે એ માણસ, જેનાં પાપને યહોવા યાદ કરતા નથી.” (રોમ. ૪:૬-૮, ફૂટનોટ) સાચે જ, યહોવા દિલથી માફ કરે છે!

યહોવા આપણાં પાપ ભૂંસી નાખે છે

૯. કયા દાખલાઓથી જોવા મળે છે કે યહોવા આપણને પૂરી રીતે માફ કરે છે?

યહોવા પસ્તાવો કરનાર વ્યક્તિનાં પાપ ઈસુના બલિદાન દ્વારા ભૂંસે છે. યહોવા કઈ રીતે એમ કરે છે, એ બાઇબલમાં સરસ રીતે સમજાવ્યું છે. યહોવા જાણે પાપને સાફ કરે છે અને એને ધૂએ છે. પરિણામે, એક પાપી વ્યક્તિ શુદ્ધ થાય છે. (ગીત. ૫૧:૭; યશા. ૪:૪; યર્મિ. ૩૩:૮) દાખલા તરીકે, યહોવા કહે છે: “ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય, તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે. ભલે એ લાલ રંગનાં કપડાં જેવાં હોય, તોપણ એ ઊન જેવાં ઊજળાં થઈ જશે.” (યશા. ૧:૧૮) કપડામાંથી લાલ રંગના ડાઘ કાઢવા ખૂબ અઘરું હોય છે. પણ આ દાખલા દ્વારા યહોવા ખાતરી આપે છે કે તે આપણાં પાપ એટલી હદે ભૂંસી નાખશે કે એ જરાય દેખાશે નહિ.

“ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય, તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે” (યશા. ૧:૧૮)


૧૦. યહોવા જે હદે માફી આપે છે, એ સમજાવવા બાઇબલમાં બીજો કયો દાખલો આપ્યો છે?

૧૦ ગયા લેખમાં જોઈ ગયા કે પાપની સરખામણી ‘દેવા’ સાથે કરવામાં આવે છે. (માથ. ૬:૧૨, ફૂટનોટ; લૂક ૧૧:૪, ફૂટનોટ) એટલે જ્યારે પણ આપણે યહોવા વિરુદ્ધ પાપ કરીએ છીએ, ત્યારે આપણું દેવું વધતું ને વધતું જાય છે. આપણે જાણે દેવાના ડુંગર નીચે દબાઈ જઈએ છીએ. પણ યહોવા માફી આપે છે ત્યારે, જાણે આપણું બધું દેવું માફ થઈ જાય છે. એકવાર પાપ માફ કરી દીધા પછી તે એની કિંમત ચૂકવવાનું નથી કહેતા. વ્યક્તિનું દેવું માફ થાય છે ત્યારે તેને ઘણી રાહત મળે છે. એવી જ રીતે, યહોવા આપણાં પાપ માફ કરે છે, ત્યારે આપણા જીવમાં જીવ આવે છે.

‘અમારું દેવું માફ કરો’ (માથ. ૬:​૧૨, ફૂટનોટ)


૧૧. પાપ “ભૂંસી નાખવામાં” આવે છે, એનો અર્થ શું થાય? (પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯)

૧૧ યહોવા આપણાં પાપ અથવા દેવું માફ કરે છે. અરે, તે એને પૂરી રીતે ભૂંસી નાખે છે. (પ્રેરિતોનાં કાર્યો ૩:૧૯ વાંચો.) કોઈનું દેવું માફ કરવામાં આવે છે, ત્યારે શું થાય છે? એ દેવાના હિસાબ પર ચોકડી મારી દેવામાં આવી છે. જોકે, એ ચોકડી નીચેના આંકડા હજી જોઈ શકાય છે. પણ ભૂંસી નાખવું એકદમ અલગ છે. આ દાખલાને સમજવા ધ્યાન આપો કે પ્રાચીન સમયમાં શાહીને બનાવવા કોલસો, ગુંદર અને પાણી વાપરવામાં આવતાં હતાં. એક વ્યક્તિ ભીના કપડા અથવા વાદળીથી લખાણને સહેલાઈથી ભૂંસી શકતી હતી. અગાઉ જે લખેલું હતું એ જરાય જોઈ શકાતું ન હતું, જાણે એ લખાણ હતું જ નહિ. એવી જ રીતે, દેવું “ભૂંસી” નાખવાનો અર્થ થાય કે એનો હિસાબ ભૂંસી નાખવામાં આવ્યો છે, જાણે દેવું લીધું જ ન હોય. યહોવાના કેટલા આભારી છીએ કે તે આપણાં પાપ માફ કરે છે. એટલું જ નહિ, એને પૂરેપૂરી રીતે ભૂંસી નાખે છે.—ગીત. ૫૧:૯.

“જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે” (પ્રે.કા. ૩:૧૯)


૧૨. કાળા વાદળના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ યહોવા આપણાં પાપ પૂરેપૂરી રીતે ભૂંસી નાખે છે, એ બતાવવા તે બીજો દાખલો વાપરે છે. તે કહે છે: “હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ. તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ.” (યશા. ૪૪:૨૨) યહોવા આપણને માફી આપે છે ત્યારે તે જાણે કાળા વાદળ પાછળ આપણાં પાપને સંતાડી દે છે. એ પછી ના આપણે એ પાપ જોઈ શકીએ છીએ, ના યહોવા.

“હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ” (યશા. ૪૪:૨૨)


૧૩. યહોવા આપણાં પાપ માફ કરે છે ત્યારે આપણને કેવું લાગે છે?

૧૩ આ દાખલાઓમાંથી આપણને શું શીખવા મળે છે? યહોવા આપણાં પાપ માફ કરે છે ત્યારે એમ વિચારવાની જરૂર નથી કે પાપનો ડાઘ આખું જીવન આપણી સાથે રહેશે. એટલે હંમેશાં પોતાને દોષ આપ્યા કરવાની જરૂર નથી. ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણા દેવાની એકેએક પાઈ ચૂકવી દેવામાં આવી છે. હવે આપણા દેવાનું નામનિશાન રહ્યું નથી. પાપનો પસ્તાવો કરીએ છીએ ત્યારે, યહોવા એ રીતે માફ કરે છે. શું એ જાણીને તમારું દિલ ગદ્‍ગદ નથી થઈ જતું?

યહોવા આપણને ફરીથી તેમના મિત્રો તરીકે સ્વીકારે છે

યહોવા આપણને માફ કરે છે, એટલે ફરીથી તેમની સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ (ફકરો ૧૪ જુઓ)


૧૪. કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા આપણાં પાપને પૂરી રીતે માફ કરશે? (ચિત્રો પણ જુઓ.)

૧૪ યહોવા આપણને દિલથી માફ કરે છે, એટલે ફરીથી તેમની સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ. એટલું જ નહિ, આપણે પોતાને દોષ આપ્યા કરતા નથી. હવે એ વિચારથી ડરવાની જરૂર નથી કે યહોવા હજી આપણાથી ગુસ્સે છે અને આપણને સજા કરવાની તક શોધ્યા કરે છે. એવું કદી નહિ બને. જ્યારે યહોવા કહે છે, “હું તને માફ કરું છું,” ત્યારે એ વાત પર પૂરો ભરોસો મૂકી શકીએ છીએ. યહોવાએ પ્રબોધક યર્મિયાને કહ્યું હતું: “હું તેઓના ગુના માફ કરીશ. હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું.” (યર્મિ. ૩૧:૩૪) પ્રેરિત પાઉલે પણ એવા જ શબ્દો કહ્યા હતા. (હિબ્રૂ. ૮:૧૨) પણ એ શબ્દોનો અર્થ શું થાય?

“હું તેઓનાં પાપ ક્યારેય યાદ નહિ કરું” (યર્મિ. ૩૧:૩૪)


૧૫. જ્યારે યહોવા કહે છે કે તે આપણાં પાપ યાદ નહિ કરે, ત્યારે એનો અર્થ શું થાય?

૧૫ બાઇબલમાં જ્યારે “યાદ કરવું” શબ્દો વપરાય છે, ત્યારે હંમેશાં એનો એવો અર્થ નથી થતો કે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટનાને યાદ કરવી અથવા એનો વિચાર કરવો. પણ એમાં પગલાં ભરવાનો સમાવેશ થાય છે. ઈસુની બાજુમાં જે ગુનેગારને વધસ્તંભે જડવામાં આવ્યો હતો, તેણે ઈસુને વિનંતી કરી: “ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” (લૂક ૨૩:૪૨, ૪૩) શું તે એવું કહી રહ્યો હતો કે ઈસુ તેને યાદ રાખે? ના. તે ચાહતો હતો કે ઈસુ તેના માટે કોઈ પગલું ભરે. એટલે ઈસુએ તેને કહ્યું કે તે તેને જીવતો કરશે. એવી જ રીતે, જ્યારે યહોવા કહે છે કે તે આપણાં પાપ ક્યારેય યાદ નહિ કરે, ત્યારે એનો અર્થ થાય કે તે આપણી વિરુદ્ધ પગલાં નહિ ભરે. એકવાર તેમણે જે પાપ માફ કર્યાં છે, એ માટે ભાવિમાં આપણને સજા નહિ કરે.

૧૬. બાઇબલમાં આપણી સરખામણી શાની સાથે કરવામાં આવી છે?

૧૬ યહોવા માફ કરે છે, એટલે આપણે આઝાદ થઈએ છીએ. એને સમજવા બાઇબલમાં બીજો એક દાખલો વાપરવામાં આવ્યો છે. પાપી સ્વભાવ અને પાપી વલણ હોવાને લીધે બાઇબલમાં આપણી સરખામણી “પાપના દાસ” તરીકે કરવામાં આવી છે. પણ યહોવા માફી આપે છે, એટલે આપણે એવા દાસ જેવા બનીએ છીએ, જેને “પાપથી આઝાદ કરવામાં” આવ્યો છે. (રોમ. ૬:૧૭, ૧૮; પ્રકટી. ૧:૫) એક દાસ આઝાદ થાય છે ત્યારે, તેની ખુશીનો પાર નથી રહેતો. એવી જ રીતે, પાપથી આઝાદ કર્યા હોવાને લીધે આપણને પણ ઘણી ખુશી થાય છે.

“તમને પાપથી આઝાદ કરવામાં આવ્યા” (રોમ. ૬:૧૮)


૧૭. યહોવાની માફીને લીધે કઈ રીતે સાજા થઈએ છીએ? (યશાયા ૫૩:૫)

૧૭ યશાયા ૫૩:૫ વાંચો. ચાલો હવે છેલ્લો દાખલો જોઈએ. બાઇબલમાં જણાવ્યું છે કે આપણામાં પાપ હોવાને લીધે આપણે એક એવી વ્યક્તિ જેવા છીએ, જેને જીવલેણ બીમારી થઈ છે. પણ યહોવાએ ઈસુનું બલિદાન આપીને આપણને સાજા કર્યા છે. (૧ પિત. ૨:૨૪) પાપ કરીએ છીએ ત્યારે યહોવા સાથેનો સંબંધ તૂટી જાય છે. પણ ઈસુના બલિદાનને આધારે યહોવા આપણાં પાપ માફ કરે છે અને આપણે ફરીથી તેમની સાથે સંબંધ બાંધી શકીએ છીએ. જરા વિચારો, જ્યારે એક વ્યક્તિ જીવલેણ બીમારીમાંથી સાજી થાય છે, ત્યારે તેને કેટલી ખુશી થાય છે. એવી જ રીતે, જ્યારે યહોવા આપણને સાજા કરે છે, એટલે કે તેમની સાથેનો સંબંધ ફરી બંધાય છે અને યહોવાની કૃપા મળે છે, ત્યારે આપણું દિલ આનંદથી ઊભરાઈ જાય છે.

“તેના જખમોથી આપણને સાજા કરવામાં આવ્યા” (યશા. ૫૩:૫)


યહોવા દિલથી માફ કરે છે, એની આપણાં જીવન પર કેવી અસર થાય છે?

૧૮. યહોવા માફ કરે છે એ સમજવા જે દાખલાઓ જોઈ ગયા, એમાંથી શું શીખવા મળે છે? (“યહોવા કઈ રીતે માફ કરે છે?” બૉક્સ પણ જુઓ.)

૧૮ યહોવા માફ કરે છે એ સમજવા આપણે ઘણા દાખલાઓ જોઈ ગયા. યહોવા માફ કરે છે ત્યારે તે પૂરી રીતે માફ કરે છે અને ભાવિમાં એ પાપ માટે સજા નહિ કરે. એના લીધે આપણે સ્વર્ગમાંના આપણા પિતા સાથે સારો સંબંધ બાંધી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે યહોવા પાસેથી જે માફી મળે છે, એ એક ભેટ છે. એવું શાના આધારે કહી શકીએ? એવું નથી કે આપણે માફી મેળવવાના હકદાર છીએ, એટલે યહોવા માફ કરે છે. પણ હકીકત એ છે કે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને અપાર કૃપા બતાવવા માંગે છે, એટલે આપણને માફ કરે છે.—રોમ. ૩:૨૪.

૧૯. (ક) આપણે શાના માટે આભાર માનવો જોઈએ? (રોમનો ૪:૮) (ખ) આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૯ રોમનો ૪:૮ વાંચો. યહોવા “દિલથી માફ” કરે છે, એટલે આપણે બધાએ તેમનો આભાર માનવો જોઈએ. (ગીત. ૧૩૦:૪) પણ જો યહોવા પાસેથી માફી જોઈતી હોય, તો આપણે પણ કંઈક કરવાની જરૂર છે. ધ્યાન આપો કે ઈસુએ શું કહ્યું હતું. તેમણે કહ્યું હતું: “જો તમે લોકોના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.” (માથ. ૬:૧૪, ૧૫) એટલે ખૂબ જરૂરી છે કે યહોવાનું અનુકરણ કરીએ અને બીજાઓને માફ કરીએ. એવું કઈ રીતે કરી શકીએ? આવતા લેખમાં એ સવાલનો જવાબ જોઈશું.

ગીત ૨ યહોવા તારો આભાર

a ગીતશાસ્ત્ર ૧૩૦:૪માં “માફ” કરવા માટે મૂળ હિબ્રૂમાં જે શબ્દ વપરાયો છે, એ ફક્ત દિલથી માફ કરવાને બતાવે છે. એવી માફી ફક્ત યહોવા જ આપી શકે છે. યહોવાની માફીમાં અને માણસોની માફીમાં બહુ મોટો ફરક છે. ઘણાં બાઇબલ ભાષાંતરોમાં એ ફરક જોવા મળતો નથી. પણ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતરમાં ગીતશાસ્ત્ર ૧૩૦:૪માં એ ફરક સ્પષ્ટ જોવા મળે છે.