સાચા દોસ્ત બનવા શું કરી શકીએ?
શું તમારે ક્યારેય એકલા હાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે? આજે આપણે ‘સંકટના સમયોમાં જીવી રહ્યા છીએ, જે સહન કરવા ખૂબ અઘરા છે.’ (૨ તિમો. ૩:૧) એના લીધે આપણને એકલું એકલું લાગી શકે અને નિરાશ થઈ જઈ શકીએ. જોકે આપણે એકલા હાથે મુશ્કેલીઓ સામે લડવાની જરૂર નથી. બાઇબલમાં જણાવ્યું છે કે “મુસીબતના સમયે” સાચા મિત્રો ઘણી મદદ કરી શકે છે.—નીતિ. ૧૭:૧૭.
સાચા દોસ્તો કઈ રીતે મદદ કરી શકે?
પ્રેરિત પાઉલે પોતાના અમુક દોસ્તો સાથે પ્રચારકાર્યની મુસાફરી કરી હતી. તેઓએ પાઉલને ઘણી રીતે મદદ કરી હતી. (કોલો. ૪:૭-૧૧) પાઉલ રોમમાં કેદ હતા ત્યારે તે ઘણાં કામો પોતે કરી શકતા ન હતા. એ સમયે તેમના દોસ્તો તેમની મદદે આવ્યા. દાખલા તરીકે, એપાફ્રદિતસે ફિલિપીનાં ભાઈ-બહેનોએ મોકલેલી ચીજવસ્તુઓ પાઉલ સુધી પહોંચાડી. (ફિલિ. ૪:૧૮) તુખિકસે પાઉલના પત્રો અલગ અલગ મંડળો સુધી પહોંચાડ્યા. a ભલે પાઉલ ઘરમાં નજરકેદ હતા અથવા કેદમાં એકલા હતા, તોપણ દોસ્તોની મદદથી તે પોતાનું સેવાકાર્ય પૂરું કરી શક્યા. આજે આપણે કઈ રીતે સાચા દોસ્ત બની શકીએ?
સાચા દોસ્ત બનવા શું કરી શકીએ એ વિશે આપણને ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખવા મળે છે. ચાલો એલિઝાબેટનો અનુભવ જોઈએ. તે સ્પેનમાં નિયમિત પાયોનિયર છે. મુશ્કેલીની ઘડીઓમાં એક બહેન તેના સાચા દોસ્ત સાબિત થયા. એલિઝાબેટને ખબર પડી કે તેનાં મમ્મીને કેન્સર છે. તેને ઉત્તેજન આપવા એ બહેન નિયમિત રીતે તેને મૅસેજ મોકલતાં. એ મૅસેજ કલમોને આધારે હતા. એલિઝાબેટ કહે છે: “એ મૅસેજ જોઈને મને ખુશી થતી કે કોઈક મારા વિશે વિચારે છે. એનાથી મને એકલું એકલું ન લાગતું અને દિવસ કાઢવા હિંમત મળતી.”—નીતિ. ૧૮:૨૪.
ભાઈ-બહેનોને સભામાં કે પ્રચારમાં જવા મદદ કરીને તમે તેઓ સાથેની દોસ્તી પાકી કરી શકો. દાખલા તરીકે, શું તમે કોઈ વૃદ્ધ ભાઈ કે બહેનને સભામાં કે પ્રચારમાં આવવા-જવા મદદ કરી શકો? એમ કરશો તો તમને એકબીજા પાસેથી ઘણું ઉત્તેજન મળશે. (રોમ. ૧:૧૨) પણ અમુક ભાઈ-બહેનો પોતાના ઘરની બહાર નીકળી શકતાં નથી. તેઓના સાચા દોસ્ત બનવા તમે શું કરી શકો?
જેઓ ઘરની બહાર નીકળી શકતા નથી, તેઓના સાચા દોસ્ત બનો
અમુક ભાઈ-બહેનો બીમારીને લીધે અથવા બીજા સંજોગોને લીધે સભા માટે પ્રાર્થનાઘરમાં આવી શકતાં નથી. ડેવિડભાઈ સાથે એવું જ થયું. તેમને એક પ્રકારનું કેન્સર થયું હતું. છ કરતાં વધારે મહિનાઓ સુધી તેમણે કીમોથેરાપી લેવી પડી. સારવાર દરમિયાન તે અને તેમની પત્ની લીડિયા ઓનલાઇન સભામાં જોડાતાં.
મંડળનાં ભાઈ-બહેનોએ ડેવિડભાઈ અને લીડિયાબહેનને કઈ રીતે મદદ કરી? દરેક સભા પછી પ્રાર્થનાઘરમાંથી અમુક જણ વીડિયો દ્વારા તેઓ સાથે વાત કરતા. વધુમાં, તેઓ જવાબ
આપતા ત્યારે સભા પછી ભાઈ-બહેનો ઉત્તેજન આપતો મૅસેજ મોકલતાં. એનાથી તેઓ ભાઈ-બહેનોનો પ્રેમ અનુભવી શક્યાં અને તેઓને લાગ્યું કે તેઓ એકલાં નથી.શું આપણે એ ભાઈ-બહેનો સાથે પ્રચારમાં જઈ શકીએ, જેઓ ઘરની બહાર નીકળી શકતાં નથી? એ માટે આપણે થોડા-ઘણા ફેરફારો કરી શકીએ. આમ બતાવી આપીશું કે આપણે તેઓને ભૂલ્યા નથી. (નીતિ. ૩:૨૭) આપણે તેઓ સાથે પત્ર કે ફોન દ્વારા પ્રચાર કરી શકીએ. જે ભાઈ-બહેનો ઘરની બહાર નીકળી શકતાં નથી, તેઓ કદાચ પ્રચારની સભા માટે ઓનલાઇન જોડાઈ શકે. ડેવિડભાઈ અને લીડિયાબહેને એ ગોઠવણ માટે કદર વ્યક્ત કરી. ડેવિડભાઈ કહે છે: “પ્રચારની સભામાં ભાઈ-બહેનો સાથે થોડી ચર્ચા કરવાથી અને પ્રાર્થનાથી અમને ઘણું ઉત્તેજન મળ્યું.” વધુમાં, તમે કોઈ બાઇબલ વિદ્યાર્થીને એ ભાઈ કે બહેનના ઘરે લઈ જઈ શકો અને ત્યાં તેમની સાથે અભ્યાસ કરી શકો. જોકે એ ભાઈ કે બહેનને જરૂરથી પૂછજો કે એમ કરવું યોગ્ય રહેશે કે નહિ.
એવાં ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાથી આપણે તેઓને સારી રીતે ઓળખી શકીએ છીએ, તેઓના સારા ગુણો જોઈ શકીએ છીએ. આમ, આપણે તેઓના પાકા દોસ્ત બની શકીએ છીએ. દાખલા તરીકે, પ્રચાર કરતી વખતે જોઈ શકીએ છીએ કે લોકોનાં દિલ સુધી પહોંચવા તેઓ બાઇબલનો કેટલી જોરદાર રીતે ઉપયોગ કરે છે. એનાથી આપણાં દિલમાં તેઓ માટેનું માન વધી જાય છે. જ્યારે આપણે ભાઈ-બહેનોને પ્રચાર અને સભાઓ માટે મદદ કરીએ છીએ, ત્યારે નવા દોસ્તો બનાવી શકીએ છીએ.—૨ કોરીં. ૬:૧૩.
પાઉલ અઘરા સંજોગોમાં હતા ત્યારે તેમના દોસ્ત તિતસ તેમને મળવા ગયા. એનાથી પાઉલને ઘણો દિલાસો મળ્યો. (૨ કોરીં. ૭:૫-૭) ખરું કે આપણે પોતાના શબ્દોથી ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકીએ છીએ. પણ તિતસના દાખલામાંથી શીખવા મળે છે કે ભાઈ-બહેનો સાથે સમય વિતાવીને અને મદદ કરીને પણ તેઓને દિલાસો આપી શકીએ છીએ.—૧ યોહા. ૩:૧૮.
સતાવણીના સમયે દોસ્તી નિભાવો
રશિયાનાં ભાઈ-બહેનોએ એકબીજાને મદદ કરવામાં સરસ દાખલો બેસાડ્યો છે. સર્ગીભાઈ અને તેમની પત્ની તાત્યાનાબહેનના અનુભવ પર ધ્યાન આપો. પોલીસ તેઓનું આખું ઘર ફેંદી વળી. પછી તેઓને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યાં. તાત્યાનાબહેનને પહેલા છોડવામાં આવ્યાં અને તે ઘરે પાછાં આવ્યાં. સર્ગીભાઈ કહે છે: “[તાત્યાના] ઘરે આવી કે તરત એક બહાદુર બહેન અમારા ઘરે આવી. બીજા ઘણા દોસ્તો પણ આવ્યા અને ઘર સરખું કરવા મદદ કરી.”
સર્ગીભાઈ આગળ જણાવે છે: “નીતિવચનો ૧૭:૧૭ મારી મનગમતી કલમ છે. ત્યાં જણાવ્યું છે, ‘સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.’ સતાવણીના સમયે મને મદદની બહુ જરૂર હતી અને મારા દોસ્તો મારી મદદે આવ્યા. મેં નીતિવચનો ૧૭:૧૭ના શબ્દો સાચા પડતા જોયા છે. યહોવાએ મને એવા દોસ્તો આપ્યા છે, જેઓ ડર્યા વગર મારી પડખે ઊભા છે.”
આજના મુશ્કેલ સંજોગોમાં આપણને દોસ્તોની ઘણી જરૂર છે. મોટી વિપત્તિ વખતે તો આપણને એવા દોસ્તોની વધારે જરૂર પડશે. એટલે ચાલો, સાચા દોસ્ત બનવા હમણાંથી જ બનતું બધું કરીએ!—૧ પિત. ૪:૭, ૮.
a w૯૮ ૭/૧૫ પાનાં ૭-૮ જુઓ.