સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વાર્થી દુનિયામાં અલગ તરી આવો

સ્વાર્થી દુનિયામાં અલગ તરી આવો

આજે દુનિયામાં ઘણા લોકોને લાગે છે કે તેઓને ખાસ લહાવા કે હક મળવા જોઈએ. તેઓ ચાહે છે કે લોકો તેઓની આગળ-પાછળ ફરે. ભલે તેઓને ગમે એટલું મળે, તેઓનું મન ભરાતું નથી. એવા લોકો સ્વાર્થી અને આભાર ન માનનારા હોય છે. બાઇબલમાં જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં ઘણા લોકો એવા હશે.—૨ તિમો. ૩:૨.

લોકોમાં સ્વાર્થી વલણ શરૂઆતથી જ જોવા મળે છે. આદમ અને હવાએ પોતે નક્કી કર્યું હતું કે તેઓ માટે શું સારું છે અને શું ખોટું. એનાં ખરાબ પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ. સદીઓ પછી, યહૂદાના રાજા ઉઝ્ઝિયાએ પણ સ્વાર્થી વલણ બતાવ્યું. તેને લાગતું હતું કે તે મંદિરમાં ધૂપ ચઢાવી શકે છે. પણ એમ કરવાનો તેની પાસે જરાય અધિકાર ન હતો. (૨ કાળ. ૨૬:૧૮, ૧૯) એવી જ રીતે, ફરોશીઓ અને સાદુકીઓને લાગતું હતું કે ઇબ્રાહિમના વંશજો હોવાને લીધે તેઓ ઈશ્વરની ખાસ કૃપા મેળવવાના હકદાર છે.—માથ. ૩:૯.

આપણે સ્વાર્થી અને ઘમંડી લોકોથી ઘેરાયેલા છીએ. (ગલા. ૫:૨૬) તેઓની અસર આપણને પણ થઈ શકે છે. આપણે કદાચ વિચારવા લાગીએ કે આપણને ખાસ લહાવા કે માન-પાન મળવાં જોઈએ. તેઓનો રંગ આપણને ન લાગે એ માટે શું કરી શકીએ? સૌથી પહેલા જાણવું જોઈએ કે એ વિશે યહોવાના વિચારો કયા છે. ચાલો બાઇબલમાંથી બે સિદ્ધાંતો તપાસીએ.

આપણને શું મળવું જોઈએ એ યહોવા નક્કી કરે છે. અમુક દાખલા પર ધ્યાન આપો.

  • યહોવા ચાહે છે કે પત્ની પોતાના પતિને માન આપે અને પતિ પોતાની પત્નીને પ્રેમ કરે. (એફે. ૫:૩૩) પતિ-પત્નીએ ફક્ત એકબીજાને જ પ્રેમ અને લાગણી બતાવવાં જોઈએ, જેના તેઓ હકદાર છે. (૧ કોરીં. ૭:૩) મમ્મી-પપ્પા ચાહે છે કે બાળકો તેઓનું કહ્યું માને. તેઓની એ ઇચ્છા એકદમ યોગ્ય છે. તેમ જ, બાળકોને મમ્મી-પપ્પા પાસેથી ભરપૂર પ્રેમ અને સાથ મળવા જોઈએ.—૨ કોરીં. ૧૨:૧૪; એફે. ૬:૨.

  • મંડળમાં વડીલો અથાક મહેનત કરે છે. એટલે તેઓ આપણા માનના હકદાર છે. (૧ થેસ્સા. ૫:૧૨) પણ તેઓ પાસે મંડળનાં ભાઈ-બહેનો પર હુકમ ચલાવવાનો અધિકાર નથી.—૧ પિત. ૫:૨, ૩.

  • માણસોની સરકારોને પોતાની પ્રજા પાસેથી કર લેવાનો અને માન મેળવવાનો હક છે. એ હક ઈશ્વરે તેઓને આપ્યો છે.—રોમ. ૧૩:૧, ૬, ૭.

યહોવા આપણને પહેલેથી એટલું બધું આપે છે, જેને આપણે લાયક નથી. પાપી હોવાને લીધે આમ તો આપણે મરણને લાયક છીએ. (રોમ. ૬:૨૩) તોપણ યહોવા પોતાના અતૂટ પ્રેમને લીધે આપણા પર અઢળક આશીર્વાદો વરસાવે છે. (ગીત. ૧૦૩:૧૦, ૧૧) યહોવા તરફથી મળતો દરેક આશીર્વાદ કે લહાવો તેમની અપાર કૃપાની ભેટ છે.—રોમ. ૧૨:૬-૮; એફે. ૨:૮.

સ્વાર્થી અને ઘમંડી વલણથી દૂર રહેવા આપણે શું કરી શકીએ?

દુનિયાના લોકોની જેમ ન વિચારીએ. આપણે વિચારવા લાગીએ કે આપણને બીજાઓ કરતાં વધારે મળવું જોઈએ. બની શકે કે એ વિચારે આપણા મનમાં પગપેસારો કર્યો હોય અને આપણને એની જાણ પણ ન હોય. એ જ વાત સમજાવવા ઈસુએ એક ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે માલિકે મજૂરોને કામના બદલામાં એક દીનાર આપવાનું નક્કી કર્યું. અમુક મજૂરોએ આખો દિવસ કામ કર્યું, તો અમુકે ફક્ત એક કલાક. સાંજના સમયે માલિકે એ બધાને એકસરખી મજૂરી આપી. પણ સવારથી કામ કરતા મજૂરોને લાગ્યું કે તેઓને વધારે મજૂરી મળવી જોઈએ, કેમ કે તેઓએ આખો દિવસ ધોમધખતા તાપમાં કામ કર્યું હતું. (માથ. ૨૦:૧-૧૬) એ ઉદાહરણથી ઈસુ તેમના પગલે ચાલનારાઓને સમજાવવા માંગતા હતા કે ઈશ્વર પાસેથી તેઓને જે કંઈ મળે, એમાં તેઓએ સંતોષ માનવો જોઈએ.

સવારથી કામ કરતા મજૂરોને લાગતું હતું કે તેઓને વધારે મજૂરી મળવી જોઈએ

આભાર માનીએ, બીજાઓ પાસેથી વસ્તુઓની અપેક્ષા ન રાખીએ. (૧ થેસ્સા. ૫:૧૮) પ્રેરિત પાઉલના પગલે ચાલીએ. તેમણે ક્યારેય કોરીંથનાં ભાઈ-બહેનો પાસેથી પૈસા કે ચીજવસ્તુઓ ન માંગી. એ તેમનો હક હતો, છતાં તેમણે એવું ન કર્યું. (૧ કોરીં. ૯:૧૧-૧૪) લોકો આપણને કંઈ આપે ત્યારે તેઓનો આભાર માનવો જોઈએ. તેઓએ આપણને વસ્તુઓ આપવી જ જોઈએ એવી અપેક્ષા પણ રાખવી ન જોઈએ.

પ્રેરિત પાઉલે ભાઈ-બહેનો પાસેથી પૈસા કે ચીજવસ્તુઓની અપેક્ષા ન રાખી

નમ્ર બનીએ. જ્યારે વ્યક્તિ પોતાના જ વિશે વિચાર્યા કરે છે, ત્યારે તેનામાં અહમ આવી જાય છે. તે વિચારવા લાગે છે કે તેને બીજાઓ કરતાં વધારે મળવું જોઈએ. નમ્રતાનો ગુણ એવા ઝેરી વિચારોથી દૂર રહેવા મદદ કરે છે.

દાનિયેલ પ્રબોધકની નમ્રતાને લીધે તે યહોવાને અતિ પ્રિય હતા

નમ્રતા બતાવવામાં દાનિયેલ પ્રબોધકે સરસ દાખલો બેસાડ્યો છે. તે જાણીતા કુટુંબમાંથી આવ્યા હતા. તે દેખાવડા અને બુદ્ધિશાળી હતા. તેમની પાસે ઘણી આવડતો હતી. (દાનિ. ૧:૩, ૪, ૧૯, ૨૦) એટલે તે વિચારી શકતા હતા કે તેમને જે માન-પાન અને લહાવા મળ્યાં છે, એના તે હકદાર છે. પણ દાનિયેલે હંમેશાં નમ્રતા બતાવી. એ ગુણના લીધે તે યહોવાને અતિ પ્રિય હતા.—દાનિ. ૨:૩૦; ૧૦:૧૧, ૧૨.

ચાલો, સ્વાર્થી અને ઘમંડી વલણથી દૂર રહીએ, જે આજે ચારે બાજુ ફેલાયેલું છે. એના બદલે, યહોવા અપાર કૃપા બતાવીને જે આશીર્વાદો આપે છે, એનો આનંદ માણતા રહીએ.