સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

“હું ક્યારેય એકલો ન હતો”

“હું ક્યારેય એકલો ન હતો”

જીવનના ઘણા સંજોગો આપણને એકલા પાડી દે છે. જેમ કે, કોઈ સગું-વહાલું ગુજરી જાય, નવી જગ્યાએ રહેવાનું થાય અને કોઈનો સાથ ન હોય. મેં એ બધા સંજોગોનો સામનો કર્યો છે. પણ વીતેલી કાલ પર નજર કરું છું ત્યારે, લાગે છે કે હું ક્યારેય એકલો ન હતો. ચાલો તમને જણાવું કે મને કેમ એવું લાગે છે.

મમ્મી-પપ્પાનો દાખલો

મારાં મમ્મી-પપ્પા ચુસ્ત કૅથલિક હતાં. પણ જ્યારે તેઓને બાઇબલમાંથી શીખવા મળ્યું કે ઈશ્વરનું નામ યહોવા છે, ત્યારે તેઓ યહોવાના સાક્ષી બન્યાં. પપ્પાએ ઈસુની મૂર્તિઓ બનાવવાનું છોડી દીધું. એના બદલે, તેમણે પોતાના સુથારીકામના અનુભવથી અમારા ઘરના નીચલા માળને પ્રાર્થનાઘર બનાવ્યું. એ સૅન હુઆન ડેલ મોન્ટેનું પહેલું પ્રાર્થનાઘર હતું. એ ગામડું ફિલિપાઇન્સના પાટનગર મનીલા શહેરમાં આવેલું છે.

મમ્મી-પપ્પા અને કુટુંબીજનો સાથે

૧૯૫૨માં મારો જન્મ થયો. એ પછી મમ્મી-પપ્પા મારાં બીજાં ભાઈ-બહેનોની જેમ, મને પણ યહોવા વિશે શીખવવા લાગ્યાં. મારાં ચાર મોટા ભાઈઓ હતા અને ત્રણ મોટી બહેનો. હું મોટો થતો ગયો તેમ, પપ્પાએ મને દરરોજ બાઇબલનો એક અધ્યાય વાંચવાનું શીખવ્યું. તેમણે અલગ અલગ સાહિત્યમાંથી મારી સાથે અભ્યાસ કર્યો. અમુક વાર મમ્મી-પપ્પા પ્રવાસી નિરીક્ષકોને અને બેથેલના ભાઈઓને અમારા ઘરે રાખતાં. એ ભાઈઓ અમને સારા સારા અનુભવો જણાવતા. એનાથી અમારા કુટુંબને ઘણી ખુશી મળી અને ઘણું ઉત્તેજન મળ્યું. તેમ જ, યહોવાની સેવાને જીવનમાં પહેલી રાખવા અમને બધાને મદદ મળી.

મમ્મી-પપ્પા યહોવાને વફાદાર હતાં. તેઓના દાખલામાંથી મને ઘણું શીખવા મળ્યું. એક બીમારીમાં મારી વહાલી મમ્મીનું મરણ થયું. એ પછી ૧૯૭૧માં મેં અને પપ્પાએ સાથે પાયોનિયરીંગ શરૂ કર્યું. પણ ૧૯૭૩માં પપ્પા ગુજરી ગયા. એ વખતે હું ૨૦ વર્ષનો હતો. મમ્મી-પપ્પાને મરણમાં ગુમાવવાથી મારા જીવનમાં ખાલીપો આવી ગયો અને એકલતા મને ડંખવા લાગી. પણ બાઇબલની “અડગ અને મજબૂત” આશાએ લંગર જેવું કામ કર્યું. (હિબ્રૂ. ૬:૧૯) નિરાશામાં ડૂબી જવાને બદલે, હું સારી વાતો પર મન લગાડી શક્યો અને યહોવાની નજીક રહી શક્યો. પપ્પા ગુજરી ગયા એના થોડા સમય પછી, મને ખાસ પાયોનિયર તરીકે કોરોન ટાપુ મોકલવામાં આવ્યો. એ ટાપુ પાલાવાન પ્રાંતમાં આવેલો છે.

અઘરી સોંપણીઓમાં એકલતા અનુભવી

૨૧ વર્ષની ઉંમરે હું કોરોન ટાપુ આવ્યો. હું શહેરમાં મોટો થયો હતો. એટલે મને એ જાણીને બહુ નવાઈ લાગી કે આ ટાપુ પર વીજળી અને પાણીની ઘણી મુશ્કેલીઓ હતી. અહીંયા કાર અથવા બાઇક જેવાં વાહનો ભાગ્યે જ જોવા મળતાં. ખરું કે ત્યાં અમુક ભાઈઓ હતા, પણ પ્રચાર માટે મારો કોઈ સાથી ન હતો. અમુક વાર મારે એકલા પ્રચારમાં જવું પડતું. સોંપણીનો પહેલો મહિનો ખરેખર અઘરો હતો. મને કુટુંબ અને મિત્રોની બહુ યાદ આવતી. રાતે હું આકાશમાં ટમટમતા તારાઓ જોયા કરતો અને બસ રડ્યા કરતો. મનમાં તો થતું કે બધું છોડીને ઘરે પાછો જતો રહું.

એકલતાની એ પળોમાં હું યહોવા આગળ મારું દિલ ઠાલવતો. હું ઉત્તેજન મળે એવી વાતો યાદ કરતો, જેને મેં પહેલાં બાઇબલ અને સાહિત્યમાં વાંચી હતી. ઘણી વાર ગીતશાસ્ત્ર ૧૯:૧૪ મારા મનમાં આવતી. એનાથી મને ખ્યાલ આવ્યો કે જો હું યહોવાને ખુશ કરતી બાબતો, જેમ કે તેમનાં ગુણો અને કામો પર મનન કરીશ, તો તે “મારા ખડક, મારા છોડાવનાર” બનશે. અંગ્રેજી ચોકીબુરજમાં આવેલા આ લેખથી મને બહુ મદદ મળી: “તમે કદી એકલા નથી.” a મેં વારેઘડીએ એ લેખ વાંચ્યો. એકલો પડી જતો ત્યારે મને પ્રાર્થના, અભ્યાસ અને મનન કરવાની સારી તક મળતી અને એવું લાગતું કે જાણે હું યહોવા સાથે છું.

કોરોન ટાપુ આવ્યો એના થોડા સમયમાં જ મને વડીલ બનાવવામાં આવ્યો. હું એ વિસ્તારમાં એકલો જ વડીલ હતો. એટલે મેં દેવશાહી સેવા શાળા, સેવા સભા, મંડળ પુસ્તક અભ્યાસ અને ચોકીબુરજ અભ્યાસ ચલાવવાનું શરૂ કર્યું. હું દર અઠવાડિયે જાહેર પ્રવચન પણ આપતો. હું એટલો વ્યસ્ત રહેતો કે એકલું એકલું લાગવાનો સવાલ જ ઊભો ન થતો!

કોરોનમાં ઘણાં સારાં પરિણામ મળ્યાં. મારા અમુક બાઇબલ વિદ્યાર્થીઓએ આગળ જતાં બાપ્તિસ્મા લીધું. જોકે અમુક મુશ્કેલીઓ પણ આવી. અમુક વાર મારે પ્રચાર વિસ્તારમાં અડધો દિવસ ચાલીને જવું પડતું. મને એ પણ ખબર ન હતી કે હું રાત ક્યાં વિતાવીશ. મંડળના પ્રચાર વિસ્તારમાં ઘણા નાના નાના ટાપુઓ પણ હતા. હું મોટરબોટથી ત્યાં જતો. ઘણી વાર એવું બનતું કે દરિયો તોફાને ચઢ્યો હોય અને મારે પેલે પાર જવાનું હોય. અધૂરામાં પૂરું, મને તરતાય આવડતું ન હતું. છતાં એ બધી મુશ્કેલીઓમાં યહોવાએ મારું રક્ષણ કર્યું. તેમણે મને નિભાવી રાખ્યો. પછીથી મને ખ્યાલ આવ્યો કે મારી નવી સોંપણીમાં આવનાર મોટી મોટી મુશ્કેલીઓ માટે યહોવા મને તૈયાર કરી રહ્યા હતા.

પાપુઆ ન્યૂ ગિની

૧૯૭૮માં મને પાપુઆ ન્યૂ ગિની દેશમાં સોંપણી મળી, જે ઑસ્ટ્રેલિયાના ઉત્તરે આવેલો છે. પાપુઆ ન્યૂ ગિનીમાં ઘણા બધા પહાડો છે અને એનો વિસ્તાર લગભગ સ્પેન જેટલો છે. મને એ જાણીને નવાઈ લાગી કે ત્રીસેક લાખની વસ્તીમાં ૮૦૦ કરતાં વધારે ભાષાઓ બોલાતી હતી. પણ સારી વાત એ હતી કે મોટા ભાગના લોકો મેલનીશિયન પિજીન ભાષા બોલી શકતા હતા, જે સામાન્ય રીતે ટૉક પિસિન તરીકે ઓળખાય છે.

થોડા સમય માટે મને પાપુઆ ન્યૂ ગિનીના પાટનગર પૉર્ટ મોર્ઝબીમાં આવેલા અંગ્રેજી ભાષાના મંડળમાં સોંપણી મળી. પણ પછી હું ટૉક પિસિન ભાષાના મંડળમાં ગયો અને એ ભાષા શીખવા માટેના ક્લાસમાં જોડાયો. હું જે શીખતો એને પ્રચારમાં લાગુ પાડતો. એનાથી હું બહુ જલદી એ ભાષા શીખી શક્યો. થોડા જ સમયમાં મેં ટૉક પિસિન ભાષામાં જાહેર પ્રવચન આપ્યું. મને પાપુઆ ન્યૂ ગિની આવ્યાને એક વર્ષ પણ થયું ન હતું અને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. એ જાણીને મને ઘણું આશ્ચર્ય થયું. મારે અનેક મોટા મોટા પ્રાંતોમાં આવેલા ટૉક પિસિન ભાષાનાં મંડળોની મુલાકાત લેવાની હતી.

મંડળો બહુ દૂર દૂર હતાં, એટલે મારે અનેક સરકીટ સંમેલનોની ગોઠવણ કરવી પડતી અને ઘણી મુસાફરી કરવી પડતી. નવો દેશ, નવી ભાષા અને નવી રીતભાતને લીધે શરૂઆતમાં મને બહુ એકલું એકલું લાગતું. એક મંડળથી બીજા મંડળ જવા હું જમીન માર્ગે પહોંચી શકતો ન હતો. કેમ કે ત્યાં ઘણા બધા પહાડ હતા અને જમીન ખડકાળ હતી. એટલે લગભગ દર અઠવાડિયે મારે વિમાનમાં મુસાફરી કરવી પડતી. અમુક વાર તો એવું બનતું કે એક નાના ખખડધજ વિમાનમાં હું એકલો જ મુસાફર હોઉં. હોડીની મુસાફરીની જેમ વિમાનમાં મુસાફરી કરતી વખતે પણ મારા ધબકારા વધી જતા.

એ જમાનામાં બહુ ઓછા લોકો પાસે ટેલિફોન હતા. એટલે હું મંડળોને પત્રો લખતો. ઘણી વાર પત્ર પહોંચે એ પહેલાં તો હું પહોંચી જતો. એટલે મારે આજુબાજુના લોકોને પૂછવું પડતું કે યહોવાના સાક્ષીઓ ક્યાં રહે છે. પણ દર વખતે જ્યારે ભાઈઓ મને મળી જતા, ત્યારે દિલથી મારું સ્વાગત કરતા. એનાથી મને ખુશી થતી કે તેઓને શોધવા મેં આટલી મહેનત કરી. મેં ઘણી બધી રીતોએ યહોવાનો સાથ અનુભવ્યો છે અને હું તેમની બહુ જ નજીક આવ્યો છું.

બૂગનવિલ નામના ટાપુ પર મારી પહેલી સભા હતી. સભામાં એક પતિ-પત્ની મોટી સ્માઇલ સાથે મારી પાસે આવ્યા અને મને પૂછ્યું: “શું તમે અમને ઓળખો છો?” મને યાદ આવ્યું કે હું પહેલી વાર પૉર્ટ મોર્ઝબી આવ્યો હતો ત્યારે, મેં એ પતિ-પત્નીને સંદેશો જણાવ્યો હતો. મેં તેઓ સાથે અભ્યાસ પણ શરૂ કર્યો હતો. પણ પછીથી ત્યાંના એક ભાઈને એ અભ્યાસ સોંપી દીધો હતો. હવે તેઓએ બાપ્તિસ્મા લીધું હતું. મેં પાપુઆ ન્યૂ ગિનીમાં ત્રણ વર્ષ સેવા આપી. એ વર્ષો દરમિયાન જે આશીર્વાદો મળ્યા, એમાંનો આ એક છે.

અમારું નાનું કુટુંબ યહોવાની સેવામાં વ્યસ્ત રહ્યું

અડેલ સાથે

૧૯૭૮માં કોરોન છોડ્યું એ પહેલાં અડેલ નામની બહેન સાથે મારી ઓળખાણ થઈ હતી. તે ખૂબ સુંદર હતી અને પોતાના કરતાં બીજાઓનો પહેલા વિચાર કરતી હતી. તે નિયમિત પાયોનિયરીંગ કરતી હતી. તેને બે બાળકો હતાં, સેમ્યુલ અને શર્લી. તે પોતાની વૃદ્ધ મમ્મીની પણ સંભાળ રાખતી હતી. મે ૧૯૮૧માં અડેલ સાથે લગ્‍ન કરવા હું ફિલિપાઇન્સ પાછો આવ્યો. લગ્‍ન પછી અમે સાથે નિયમિત પાયોનિયરીંગ કર્યું અને કુટુંબની સંભાળ રાખી.

અડેલ અને અમારાં બાળકો સેમ્યુલ અને શર્લી સાથે પાલાવાનમાં સેવા આપતી વખતે

કુટુંબ હોવા છતાં ૧૯૮૩માં મને ફરીથી ખાસ પાયોનિયર બનાવવામાં આવ્યો. મને પાલાવાન પ્રાંતના લિનાપાકન ટાપુ પર સોંપણી મળી. અમારું આખું કુટુંબ ત્યાં રહેવા ગયું. ત્યાં કોઈ યહોવાનો સાક્ષી ન હતો. એકાદ વર્ષ પછી અડેલનાં મમ્મી ગુજરી ગયાં. જોકે, યહોવાની સેવામાં વ્યસ્ત રહેવાને લીધે અમે એ દુઃખ સહી શક્યાં. અમે ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. તેઓ સભામાં આવવા માંગતા હતા. એટલે અમને એક નાના પ્રાર્થનાઘરની જરૂર પડી. એ પ્રાર્થનાઘર અમે જાતે જ બનાવી દીધું. અમને ઘણી ખુશી છે કે અમે અહીં આવ્યાં, એના ત્રણ જ વર્ષ પછી ૧૧૦ લોકોએ સ્મરણપ્રસંગમાં હાજરી આપી. એમાંના ઘણા લોકોએ પછીથી બાપ્તિસ્મા લીધું.

૧૯૮૬માં મને કુલ્યોન ટાપુ મોકલવામાં આવ્યો, જ્યાં રક્તપિત્ત થયેલા અમુક લોકો રહેતા હતા. થોડાં વર્ષો પછી અડેલને ખાસ પાયોનિયર બનાવવામાં આવી. અમને શરૂઆતમાં થોડી ચિંતા થતી કે રક્તપિત્ત થયેલા લોકોને કઈ રીતે સંદેશો જણાવીશું. પણ ત્યાંનાં ભાઈ-બહેનોએ અમને જણાવ્યું કે એ દર્દીઓને સારવાર મળી છે અને ચેપ લાગવાની શક્યતા બહુ ઓછી છે. એવા અમુક દર્દીઓ એક બહેનના ઘરે સભામાં આવતા હતા. બહુ જલદી અમે અચકાયા વગર રક્તપિત્ત થયેલા લોકોને ખુશખબર જણાવવા લાગ્યાં. તેઓને લાગતું હતું કે ઈશ્વરે અને માણસોએ તેઓને ત્યજી દીધા છે. પણ જ્યારે અમે જણાવતા કે ભાવિમાં તેઓને સારી તંદુરસ્તી મળશે, ત્યારે બાઇબલની એ આશા જાણીને તેઓના ચહેરા ખીલી ઊઠતા. તેઓને જોઈને અમે પણ હરખાઈ ઊઠતાં.—લૂક ૫:૧૨, ૧૩.

કુલ્યોનમાં અમારાં બાળકો ખુશ રહી શકે અને નવા સંજોગોમાં ઢળી શકે, એ માટે તેઓને શાનાથી મદદ મળી? મેં અને અડેલે કોરોનથી બે યુવાન બહેનોને અહીંયા બોલાવી, જેથી અમારાં બાળકોને સારો સાથ મળી રહે. સેમ્યુલ, શર્લી અને એ યુવાન બહેનોને પ્રચાર કરવામાં અને લોકોને શીખવવામાં બહુ મજા આવતી. તેઓ ઘણાં બાળકોનો અભ્યાસ ચલાવતાં અને અમે એ બાળકોનાં માતા-પિતાનો અભ્યાસ ચલાવતાં. એક એવો સમય હતો, જ્યારે અમે ૧૧ કુટુંબને બાઇબલમાંથી શીખવતાં હતાં. ઘણા લોકો યહોવા વિશે શીખીને તેમની નજીક જઈ રહ્યા હતા. આમ અમે ત્યાં એક નવું મંડળ ઊભું કરી શક્યાં.

શરૂ શરૂમાં હું એકલો જ એ વિસ્તારમાં વડીલ હતો. એટલે શાખા કચેરીએ મને કુલ્યોનમાં સભાઓ ચલાવવાનું કહ્યું, જ્યાં આઠ પ્રકાશકો હતા. પછી શાખા કચેરીએ મને મેરલી ગામમાં સભા ચલાવવાનું કહ્યું, જ્યાં નવ પ્રકાશકો હતા. મેરલી ગામ પહોંચવા અમે ત્રણ કલાક હોડીમાં મુસાફરી કરતા. સભા પછી અમુક અભ્યાસો ચલાવવા અમે આખું કુટુંબ હેલસી ગામ જતાં. એ માટે અમારે કલાકો સુધી પહાડી વિસ્તારમાં ચાલીને જવું પડતું.

સમય જતાં, મેરલી અને હેલસીમાં ઘણા લોકો યહોવાના સાક્ષી બન્યા. અમે એ બંને જગ્યાએ પ્રાર્થનાઘર બાંધ્યું. લિનાપાકનની જેમ અહીંયા પણ ભાઈ-બહેનોએ અને રસ ધરાવતા લોકોએ જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી અને મોટા ભાગનું બાંધકામ કર્યું. મેરલી ગામમાં જે પ્રાર્થનાઘર હતું, એમાં ૨૦૦ લોકો બેસી શકતા. એ પ્રાર્થનાઘરને એ રીતે બાંધવામાં આવ્યું હતું કે એને જરૂર પડ્યે મોટું કરી શકાય. એટલે અમે ત્યાં સંમેલનો પણ રાખી શક્યા.

શોક અને એકલતા છતાં ખુશ રહી શક્યો

અમારાં બાળકો મોટાં થયાં એ પછી ૧૯૯૩માં મેં અને અડેલે ફિલિપાઇન્સમાં સરકીટ કામ શરૂ કર્યું. પછી ૨૦૦૦ની સાલમાં મને સેવકાઈ તાલીમ શાળામાં તાલીમ આપવામાં આવી, જેથી એ શાળાનો શિક્ષક બની શકું. મને લાગ્યું કે એ મારા ગજા બહારની વાત છે. પણ અડેલ મને હંમેશાં ઉત્તેજન આપતી. તે મને યાદ અપાવતી કે યહોવા મને એ સોંપણી પૂરી કરવા તાકાત આપશે. (ફિલિ. ૪:૧૩) અડેલ પોતાના અનુભવથી એ કહી રહી હતી, કેમ કે ખરાબ તબિયત હોવા છતાં તે સોંપણીમાં લાગુ હતી.

૨૦૦૬ની સાલમાં હું શાળાના શિક્ષક તરીકે સેવા આપતો હતો. એ સમયે અમને જાણવા મળ્યું કે અડેલને પાર્કિન્સન નામની બીમારી છે, જેમાં ધીરે ધીરે શરીરનું હલનચલન બંધ થઈ જાય છે. એ સાંભળ્યું ત્યારે અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ! મેં અડેલને કહ્યું: “આપણે સોંપણી છોડી દઈએ, જેથી હું તારી સંભાળ રાખી શકું.” પણ અડેલે કહ્યું: “આપણે એક એવો ડૉક્ટર શોધીએ, જે મારી બીમારીમાં મને મદદ કરી શકે. મને ખબર છે કે સોંપણીમાં લાગુ રહેવા યહોવા ચોક્કસ મદદ કરશે.” છ વર્ષ સુધી અડેલ કોઈ પણ ફરિયાદ કર્યા વગર યહોવાની સેવામાં લાગુ રહી. તેનું ચાલવાનું બંધ થયું ત્યારે તે વ્હિલચૅરમાં બેસીને પ્રચાર કરતી. પછી ધીરે ધીરે તેનું બોલવાનું બંધ થવા લાગ્યું. એ સમયે તે સભામાં એકાદ બે શબ્દોમાં જવાબ આપતી. ધીરજથી મુશ્કેલીઓ સહેવામાં અડેલે જોરદાર દાખલો બેસાડ્યો હતો. એ માટે ભાઈ-બહેનો તેની ખૂબ કદર કરતા અને નિયમિત રીતે તેને કાર્ડ અને મૅસેજ મોકલતાં. ૨૦૧૩માં મારી વહાલી અડેલ મરણની ઊંઘમાં સરી ગઈ ત્યાં સુધી ભાઈ-બહેનો એવું કરતા રહ્યાં. એક વફાદાર અને પ્રેમાળ સાથી સાથે મેં ૩૦ કરતાં વધારે વર્ષો વિતાવ્યાં હતાં. એટલે અડેલના મરણ પછી ફરીથી એકલતા અને શોકની લાગણી મને ઘેરી વળી હતી.

અડેલની ઇચ્છા હતી કે હું મારી સોંપણીમાં લાગુ રહું. મેં એવું જ કર્યું. હું યહોવાનાં કામમાં ડૂબી ગયો અને એનાથી મને એકલતાનો સામનો કરવા મદદ મળી. ૨૦૧૪થી ૨૦૧૭માં મને એક અલગ સોંપણી મળી. મારે એવા દેશોમાં આવેલા ટાગાલોગ ભાષાનાં મંડળોની મુલાકાત લેવાની હતી, જ્યાં આપણાં કામ પર નિયંત્રણ હતું. એ પછી મેં તાઇવાન, અમેરિકા અને કેનેડામાં આવેલા ટાગાલોગ ભાષાનાં મંડળોની મુલાકાત લીધી. ૨૦૧૯માં મને ભારત અને થાઇલૅન્ડ જવાનો મોકો મળ્યો. ત્યાં મેં રાજ્ય પ્રચારકો માટે શાળાના અંગ્રેજી ક્લાસમાં શિક્ષક તરીકે સેવા આપી. મને એ બધી સોંપણીઓમાં ખૂબ મજા આવી. મેં જોયું છે કે યહોવાની સેવામાં વ્યસ્ત રહું છું ત્યારે વધારે ખુશ હોઉં છું.

મદદ હંમેશાં હાજર છે

દરેક નવી સોંપણીમાં ભાઈ-બહેનો સાથે લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. એટલે તેઓને છોડીને જવું મારા માટે જરાય સહેલું નથી. પણ હું યહોવા પર પૂરો ભરોસો રાખવાનું શીખ્યો છું. મેં મારા જીવનમાં અવાર-નવાર યહોવાનો સાથ અનુભવ્યો છે. એનાથી મને કોઈ પણ ફેરફાર હસતા મોંએ સ્વીકારવા મદદ મળી છે. આજે હું ફિલિપાઇન્સમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપું છું. મને મારા નવા મંડળમાં સરસ ફાવી ગયું છે. અહીંનાં ભાઈ-બહેનો મારું કુટુંબ બની ગયાં છે. તેઓ મારી સારી સંભાળ રાખે છે અને મને ખૂબ પ્રેમ કરે છે. મને એ વાતનો પણ ગર્વ છે કે સેમ્યુલ અને શર્લીમાં તેઓની મમ્મી જેવી અતૂટ શ્રદ્ધા છે.—૩ યોહા. ૪.

મંડળનાં ભાઈ-બહેનો મારું કુટુંબ બની ગયાં છે

મેં જીવનમાં ઘણી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. મેં મારી પત્નીને ભયંકર બીમારીથી રિબાતા અને પછી મરતા જોઈ છે. મારે નવા નવા સંજોગોમાં પોતાને ઢાળવો પડ્યો છે. તોપણ મેં જોયું છે કે યહોવા “આપણામાંના કોઈથી દૂર નથી.” (પ્રે.કા. ૧૭:૨૭) યહોવાનો હાથ એટલો “ટૂંકો નથી” કે તે પોતાના ભક્તોને સાથ ન આપી શકે, તેઓની હિંમત ન વધારી શકે. (યશા. ૫૯:૧) ભલે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોઈએ, તે પોતાના ભક્તોને મદદ કરી શકે છે. યહોવા મારા ખડક છે. આખી જિંદગી તે મારી પડખે રહ્યા છે. હું તેમનો ખૂબ આભાર માનું છું. ખરેખર, હું ક્યારેય એકલો ન હતો.