સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો સંપ વધારવા સાથ-સહકાર આપીએ

આપણો સંપ વધારવા સાથ-સહકાર આપીએ

‘તેમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ કાર્ય કરે છે.’—એફે. ૪:૧૬.

ગીતો: ૫૩, ૧૬

૧. યહોવાનાં બધાં કામમાં શરૂઆતથી કઈ એક ખાસિયત જોવા મળી છે?

સૃષ્ટિની શરૂઆતથી યહોવા અને ઈસુ ભેગા મળીને કામ કરતા આવ્યા છે. યહોવાએ સૌથી પહેલા ઈસુનું સર્જન કર્યું. પછી, યહોવાના દરેક કામમાં ઈસુએ તેમને એક “કુશળ કારીગર તરીકે” સાથ આપ્યો. (નીતિ. ૮:૩૦) યહોવાએ તેમના સેવકોને જે પણ કામ સોંપ્યું એમાં તેઓએ હંમેશાં એકબીજાને સાથ-સહકાર આપ્યો છે. દાખલા તરીકે, નુહ અને તેમના કુટુંબે ભેગા મળીને વહાણ બનાવ્યું હતું. પછીથી, ઈસ્રાએલીઓ પણ મુલાકાત મંડપ બાંધવાનું, એને છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ સાથે મળીને કરતા. એ પછી, ભક્તિ માટે મંદિરનો ઉપયોગ શરૂ થયો. એટલે તેઓ યહોવાની સ્તુતિ-આરાધના કરવા ત્યાં ભેગા મળીને ગીતો ગાતાં અને વાજિંત્રો વગાડતાં. એ બધાં કામ યહોવાના ભક્તો એ માટે કરી શક્યા, કેમ કે તેઓએ એકબીજાને સાથ-સહકાર આપ્યો હતો.—ઉત. ૬:૧૪-૧૬, ૨૨; ગણ. ૪:૪-૩૨; ૧ કાળ. ૨૫:૧-૮.

૨. (ક) શરૂઆતના ખ્રિસ્તી મંડળની કઈ ખાસિયત હતી? (ખ) આપણે કયા સવાલની ચર્ચા કરીશું?

પહેલી સદીના મંડળના ખ્રિસ્તીઓ પણ એકબીજાને સાથ-સહકાર આપતા. પ્રેરિત પાઊલ સમજાવે છે કે ભલે તેઓની આવડતો અને સોંપણીઓ જુદી જુદી હતી, પણ તેઓમાં સંપ હતો. તેઓ આગેવાન ઈસુ ખ્રિસ્તને અનુસરતા હતા. પાઊલે તેઓની સરખામણી શરીર સાથે કરી હતી, જેમાં જુદાં જુદાં અંગો એકબીજાને સહકાર આપે છે. (૧ કોરીંથી ૧૨:૪-૬, ૧૨ વાંચો.) આપણા વિશે શું? આપણે કઈ રીતે પ્રચારકાર્ય, મંડળ અને કુટુંબમાં એકબીજાને સાથ-સહકાર આપી શકીએ?

પ્રચારમાં સહકાર આપો

૩. પ્રેરિત યોહાનને કયું સંદર્શન થયું હતું?

પહેલી સદીમાં પ્રેરિત યોહાનને એક સંદર્શન થયું હતું. એમાં તે રણશિંગડાં વગાડનાર સાત સ્વર્ગદૂતોને જુએ છે. જ્યારે પાંચમો દૂત રણશિંગડું વગાડે છે, ત્યારે યોહાન ‘એક તારાને આકાશમાંથી પૃથ્વી પર પડેલો જુએ છે.’ એ “તારો” એક ઊંડા અને અંધકારભર્યા ખાડાનો દરવાજો ખોલવા એક ચાવી વાપરે છે. એ ખાડામાંથી પહેલા ધુમાડાનો ગોટો નીકળે છે અને પછી તીડોનું ઝુંડ નીકળી આવે છે. એ ઝુંડ ઝાડ-પાનને નુકસાન કરવાને બદલે એવા માણસો પર ત્રાટકે છે, ‘જેઓના કપાળ પર ઈશ્વરની મુદ્રા ન હતી.’ (પ્રકટી. ૯:૧-૪) યોહાનને ખ્યાલ હતો કે તીડોનું ઝુંડ ભારે નુકસાન કરી શકે. મુસાના સમયમાં પણ તીડોએ ઇજિપ્તમાં ભારે તબાહી મચાવી હતી. (નિર્ગ. ૧૦:૧૨-૧૫) પરંતુ, યોહાને જોયેલાં તીડો અભિષિક્તોને રજૂ કરે છે, જેઓ જૂઠા ધર્મને હચમચાવી નાંખતો એક સંદેશો જણાવી રહ્યા છે. ધરતી પરના જીવનની આશા રાખનાર લાખો લોકો પણ એ સંદેશો જણાવવામાં અભિષિક્તો સાથે જોડાયા છે. સંદેશો જણાવવાનું કામ તેઓ બધા સંપીને કરે છે. એ કામને લીધે ઘણા લોકોને જૂઠા ધર્મમાંથી અને શેતાનના પંજામાંથી છૂટવા મદદ મળી છે.

૪. યહોવાના લોકોએ કયું કામ કરવાનું છે અને એને સફળ રીતે પૂરું કરવા કઈ એક બાબત જરૂરી છે?

જગતનો અંત આવે એ પહેલાં આપણે આખી દુનિયામાં રાજ્યની “સુવાર્તા” ફેલાવવાની છે. એ ઘણું મોટું કામ છે! (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) સત્ય માટે ‘જેઓ તરસ્યા છે’ તેઓને “જીવનનું પાણી” પીવા આપણે આવકારવાના છે. એટલે કે, જેઓ બાઇબલનું સત્ય સમજવા માંગે છે તેઓ બધાને આપણે એ શીખવવાનું છે. (પ્રકટી. ૨૨:૧૭) એમ કરવા માટે જરૂરી છે કે આપણે એક શરીરની જેમ “ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને” કામ કરીએ. એટલે કે, લોકોને સત્ય શીખવવાના કામમાં મંડળનાં ભાઈ-બહેનોને સાથ આપીએ.—એફે. ૪:૧૬.

૫, ૬. આપણે ખુશખબર જણાવીએ છીએ ત્યારે કઈ રીતે આપણો સંપ દેખાઈ આવે છે?

વધુને વધુ લોકો સુધી ખુશખબર પહોંચાડવા આપણે સારા આયોજનથી કામ કરીએ એ ખૂબ જરૂરી છે. મંડળમાં મળતું માર્ગદર્શન આપણને એમ કરવા મદદ કરે છે. પ્રચારની સભા માટે ભેગા થયા બાદ, આપણે લોકોને રાજ્યની ખુશખબર જણાવવા જઈએ છીએ. આપણે તેઓને બાઇબલ આધારિત સાહિત્ય પણ આપીએ છીએ. અરે, આપણે આખી દુનિયા ફરતે લોકોને લાખોની સંખ્યામાં સાહિત્ય આપ્યું છે. અમુક વાર આપણને ખાસ ઝુંબેશમાં ભાગ લેવાનું ઉત્તેજન આપવામાં આવે છે. એવી ઝુંબેશમાં ભાગ લઈએ છીએ ત્યારે આપણે દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો સાથે એકતામાં આવીએ છીએ, જેઓ એ જ સંદેશો જણાવી રહેલાં હોય છે. પ્રચારકાર્યમાં હિસ્સો લઈને આપણે સ્વર્ગદૂતો સાથે પણ કામ કરનાર બનીએ છીએ, કેમ કે તેઓ પણ પ્રચારકાર્યમાં ઈશ્વરના લોકોને મદદ કરે છે.—પ્રકટી. ૧૪:૬.

આખી દુનિયામાં થઈ રહેલા પ્રચાર કામનો રોચક અહેવાલ આપણી યરબુકમાં વાંચીને આપણને કેટલી ખુશી થાય છે! આપણાં મહાસંમેલનોનો વિચાર કરો. આપણે બધા ભેગા મળીને લોકોને સંમેલનનું આમંત્રણ આપીએ છીએ. સંમેલનમાં આપણે બધા એકસરખું શિક્ષણ મેળવીએ છીએ. આપણને પ્રવચનો સાંભળીને તેમજ નાટકો અને દૃશ્યો જોઈને યહોવાની સેવામાં બનતું બધું કરવાનું ઉત્તેજન મળે છે. દર વર્ષે યોજાતા સ્મરણપ્રસંગનો વિચાર કરો. એ સમયગાળામાં પણ આપણા બધાનો સંપ દેખાઈ આવે છે. દુનિયા ફરતે એ પ્રસંગ આપણે નીસાન ૧૪મીએ સૂર્યાસ્ત પછી ઊજવીએ છીએ. એમાં હાજર રહીને આપણે યહોવાના અપાર પ્રેમ માટે કદર બતાવીએ છીએ અને ઈસુની આજ્ઞા પણ પાળીએ છીએ. (૧ કોરીં. ૧૧:૨૩-૨૬) અમુક અઠવાડિયાં પહેલાંથી જ આપણે એ પ્રસંગનું આમંત્રણ લોકોને આપવા લાગીએ છીએ. એ રીતે આપણે દુનિયાભરનાં ભાઈ-બહેનોને સાથ આપીએ છીએ. એના લીધે ઘણા લોકો એ મહત્ત્વના પ્રસંગમાં હાજર રહી શકે છે.

૭. ભેગા મળીને કામ કરવાથી આપણે શું હાંસલ કરીએ છીએ?

ફરીથી તીડનો વિચાર કરો. એક તીડ એકલું-એકલું કંઈ ખાસ કરી શકતું નથી. એવી જ રીતે, આપણે એકલે હાથે દુનિયાભરમાં લોકોને ખુશખબર જણાવી શકતા નથી. પણ આપણે તો એકબીજા સાથે ભેગા મળીને કામ કરીએ છીએ, એટલે લાખો લોકોને યહોવા વિશે જણાવી શકીએ છીએ. આમ, યહોવાને માન-મહિમા આપવામાં આપણે કેટલાક લોકોને મદદ કરીએ છીએ.

મંડળમાં સહકાર આપો

૮, ૯. (ક) સંપનું મહત્ત્વ સમજાવવા પાઊલે કયું ઉદાહરણ વાપર્યું? (ખ) આપણે મંડળમાં સાથ-સહકાર કઈ રીતે આપી શકીએ?

પાઊલે એફેસી ભાઈ-બહેનોને સમજાવ્યું કે એક મંડળ કઈ રીતે સંગઠિત બને છે. તેમણે એમ પણ જણાવ્યું કે મંડળમાં દરેકે ‘સર્વ પ્રકારે વધવાની’ જરૂર છે. (એફેસી ૪:૧૫, ૧૬ વાંચો.) શરીરનું ઉદાહરણ વાપરીને પાઊલે સમજાવ્યું કે દરેક વ્યક્તિ મંડળને સંપમાં રાખવા અને આગેવાન ઈસુને અનુસરવા મદદ કરી શકે છે. તેમણે જણાવ્યું કે શરીરમાં “દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય” કરે છે. તેથી, આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, તંદુરસ્ત હોઈએ કે ન હોઈએ આપણે દરેકે શું કરવું જોઈએ?

ઈસુએ જ વડીલોને મંડળમાં આગેવાની લેવા નીમ્યા છે. તે ચાહે છે કે આપણે વડીલોને માન આપીએ અને તેઓ દ્વારા મળતું માર્ગદર્શન પાળીએ. (હિબ્રૂ ૧૩:૭, ૧૭) ખરું કે, એમ કરવું હંમેશાં સહેલું નથી. પરંતુ, આપણે યહોવા પાસે મદદ માંગી શકીએ છીએ. તેમની શક્તિ આપણને વડીલો પાસેથી મળતા કોઈ પણ માર્ગદર્શનને લાગુ પાડવા મદદ કરશે. જરા વિચારો, વડીલોને નમ્રતાથી સહકાર આપીને આપણે મંડળને કેટલી બધી મદદ કરી શકીએ છીએ! એના લીધે, આપણું મંડળ એકતામાં આવશે અને એકબીજા માટેનો આપણો પ્રેમ પણ વધતો જશે.

૧૦. મંડળમાં સંપ જાળવી રાખવામાં સેવકાઈ ચાકરો કઈ રીતે મદદ કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ મંડળમાં સંપ જાળવી રાખવામાં સેવકાઈ ચાકરો પણ મદદ કરે છે. તેઓ વડીલોને મદદ કરવા ઘણી મહેનત કરે છે. તેઓ જે કંઈ કરે છે એ માટે આપણે તેઓના આભારી છીએ. દાખલા તરીકે, સેવકાઈ ચાકરો ધ્યાન રાખે છે કે મંડળ પાસે પ્રચાર માટે પૂરતું સાહિત્ય હોય. ઉપરાંત, એ ભાઈઓ સભાઓમાં આવતા નવા લોકોને દિલથી આવકારે છે. રાજ્યગૃહનાં સમારકામ અને સફાઈકામમાં તેઓ સખત મહેનત કરે છે. એ ભાઈઓને સાથ-સહકાર આપીને આપણે યહોવાની સેવા સંપીને અને સંગઠિત થઈને કરી શકીએ છીએ.—વધુ માહિતી: પ્રેરિતોનાં કૃત્યો ૬:૩-૬.

૧૧. મંડળમાં સંપ જાળવી રાખવા યુવાનો કઈ રીતે મદદ કરી શકે?

૧૧ કેટલાક વડીલો વર્ષોથી મંડળ માટે અથાક મહેનત કરતા આવ્યા છે. બની શકે કે તેઓની વધતી ઉંમરને લીધે તેઓ હવે પહેલાં જેટલું કરી શકતા નથી. યુવાન ભાઈઓ તેઓને મદદ કરી શકે. જો યુવાન ભાઈઓ તાલીમ પામેલા હશે, તો તેઓ મંડળમાં વધુ જવાબદારીઓ ઉપાડી શકશે. સખત મહેનત કરતા સેવકાઈ ચાકરો, સમય જતાં મંડળમાં વડીલો તરીકે સેવા આપી શકે છે. (૧ તીમો. ૩:૧, ૧૦) અરે, વડીલો તરીકે સેવા આપતા કેટલાક યુવાન ભાઈઓએ તો ઘણી પ્રગતિ કરી છે! તેઓમાંથી અમુક ભાઈઓ હવે સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપે છે અને ઘણાં મંડળોને મદદ કરી રહ્યા છે. આપણે એ યુવાનોની કેટલી કદર કરીએ છીએ, જેઓ ભાઈ-બહેનોની સેવા કરવા ખુશીથી આગળ આવે છે!—ગીતશાસ્ત્ર ૧૧૦:૩; સભાશિક્ષક ૧૨:૧ વાંચો.

કુટુંબમાં સહકાર આપો

૧૨, ૧૩. કુટુંબમાં સંપ જાળવી રાખવા બધાને શું મદદ કરી શકે?

૧૨ કુટુંબમાં બધા એકબીજાને સાથ-સહકાર આપે માટે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરવાથી આપણને મદદ મળી શકે છે. જ્યારે માતા-પિતા અને બાળકો ભેગાં મળીને યહોવા વિશે શીખે છે, ત્યારે એકબીજા માટેનો તેઓનો પ્રેમ વધુ ગાઢ બને છે. પ્રચારમાં કઈ રીતે રજૂઆત કરવી એની તૈયારી તેઓ એ વખતે કરી શકે છે. આમ, આખું કુટુંબ પ્રચાર માટે સારી રીતે તૈયાર થઈ શકે છે. કુટુંબ તરીકેની ભક્તિમાં બધા સભ્યો એકબીજા પાસેથી બાઇબલની ઉત્તેજનકારક વાતો સાંભળી શકે છે. ઉપરાંત, આખું કુટુંબ જોઈ શકે છે કે દરેકને યહોવા માટે ખૂબ પ્રેમ છે અને તેઓ યહોવાને ખુશ કરવા ચાહે છે. આમ, કુટુંબ તરીકેની ભક્તિથી બધા સભ્યો એકબીજાની વધુ નજીક આવે છે.

કુટુંબ તરીકેની ભક્તિ, યુવાનો અને વૃદ્ધોને એકબીજાની નજીક લાવે છે (ફકરા ૧૨, ૧૫ જુઓ)

૧૩ પતિ-પત્ની કઈ રીતે એકબીજાને પૂરો સાથ આપી શકે છે? (માથ. ૧૯:૬) જ્યારે પતિ-પત્ની યહોવાને પ્રેમ કરે છે અને ભેગા મળીને તેમની સેવા કરે છે, ત્યારે તેઓનું લગ્નજીવન સુખી બને છે અને તેઓમાં સંપ વધે છે. તેઓએ ઈબ્રાહીમ-સારાહ, ઈસ્હાક-રિબકા અને એલ્કાનાહ-હાન્નાની જેમ એકબીજાને પ્રેમ પણ બતાવવો જોઈએ. (ઉત. ૨૬:૮; ૧ શમૂ. ૧:૫, ૮; ૧ પીત. ૩:૫, ૬) પતિ-પત્ની એવું કરે છે ત્યારે તેઓમાં સંપ વધે છે અને તેઓ યહોવાની વધુ નજીક આવે છે.—સભાશિક્ષક ૪:૧૨ વાંચો.

૧૪. કોઈનું લગ્નસાથી સત્યમાં ન હોય, તોપણ લગ્નબંધન મજબૂત બનાવવા શું કરી શકાય?

૧૪ બાઇબલ આપણને સ્પષ્ટ જણાવે છે કે જેઓ યહોવાની ભક્તિ કરતા નથી તેઓ સાથે પરણવું ન જોઈએ. (૨ કોરીં. ૬:૧૪) તોપણ, એવાં ભાઈ-બહેનો છે, જેઓએ સત્યની બહાર લગ્ન કર્યું છે. અમુક એવાં પણ છે જેઓને લગ્ન પછી સત્ય મળ્યું, પણ તેઓનું લગ્નસાથી સત્યમાં આવ્યું નથી. કેટલાંક ભાઈ-બહેનોએ યહોવાના સાક્ષી સાથે જ લગ્ન કર્યું હતું, પણ પછીથી તેમના લગ્નસાથીએ મંડળની સંગત છોડી દીધી. ભલે આપણે એમાંના કોઈ પણ સંજોગમાં હોઈએ, બાઇબલની સલાહ પાળીને આપણે પોતાનું લગ્ન ટકાવી રાખવા બનતું બધું કરીએ છીએ. ખરું કે, એમ કરવું હંમેશાં સહેલું નથી હોતું. આપણાં એક યુગલ મેરી અને ડેવિડનો અનુભવ જોઈએ. તેઓ બંને ભેગા મળીને યહોવાની સેવા કરતા. પણ પછીથી, ડેવિડે સભાઓમાં જવાનું પડતું મૂક્યું. પરંતુ, મેરીએ એક સારી પત્ની બનવાનો અને ખ્રિસ્તી ગુણો બતાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. સાથે સાથે તેમણે પોતાનાં ૬ બાળકોને યહોવા વિશે શીખવ્યું. મેરીએ સભાઓ અને સંમેલનોમાં જવાનું ચાલું રાખ્યું. વર્ષો વીત્યાં તેમ બધાં બાળકો મોટાં થયાં અને તેઓએ પોતાનો ઘર-સંસાર માંડ્યો. આમ, હવે ઘરમાં ફક્ત મેરી અને ડેવિડ જ રહ્યાં. ખરું કે, મેરી માટે યહોવાની ભક્તિ કરતા રહેવું વધુ મુશ્કેલ બન્યું, છતાં તે ભક્તિમાં લાગુ રહ્યાં. મેરી આપણાં અમુક મૅગેઝિનો ડેવિડ માટે ઘરે મૂકી રાખતાં. સમય જતાં, ડેવિડે એ મૅગેઝિનો વાંચવાનું શરૂ કર્યું. ડેવિડ અમુક સભાઓમાં પણ જવા લાગ્યા. તે જ્યારે પણ સભાઓમાં જતા ત્યારે તેમનો ૬ વર્ષનો પૌત્ર હંમેશાં તેમના માટે જગ્યા રોકી રાખતો. જો ડેવિડ સભામાં ન જતા તો છોકરો કહેતો: ‘દાદા, આજે તમે સભામાં ન આવ્યાને! હું તમને યાદ કરતો હતો.’ ડેવિડ ૨૫ વર્ષો બાદ યહોવા પાસે પાછા આવ્યા. આજે, તે અને તેમના પત્ની ખુશ છે કે તેઓ ફરી એકવાર ભેગા મળીને યહોવાની સેવા કરે છે.

૧૫. ઉંમરલાયક યુગલો કઈ રીતે યુવાન યુગલોને મદદ કરી શકે?

૧૫ શેતાન આજે કુટુંબોને બરબાદ કરવા ટાંપીને બેઠો છે. એટલે, યહોવાની સેવા કરનારાં યુગલોએ એકબીજાને સાથ આપવો બહુ જરૂરી છે. તમારાં લગ્નને ભલે વર્ષો વીતી ચૂક્યાં હોય, તોપણ વિચારો કે લગ્નબંધન મજબૂત બનાવવા તમારે કેવાં વાણી-વર્તન રાખવાં જોઈએ. જો તમારા લગ્નજીવનને દાયકાઓ વીતી ચૂક્યા હોય, તો તમે યુવાન યુગલો માટે સારું ઉદાહરણ બની શકો. કોઈ વાર તમે તેઓને કુટુંબ તરીકેની ભક્તિમાં જોડાવવાં આવકારી શકો. તેઓ જોઈ શકશે કે ભલે લગ્નને ગમે તેટલાં વર્ષો વીતી ચૂક્યાં હોય, તોપણ પતિ-પત્નીએ એકબીજાને પ્રેમ બતાવવો જોઈએ અને સંપીને રહેવું જોઈએ.—તીત. ૨:૩-૭.

‘ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર જઈએ’

૧૬, ૧૭. સંપીને યહોવાની ભક્તિ કરતા લોકો કેવા ભાવિની આશા રાખે છે?

૧૬ ફરીથી ઈસ્રાએલીઓનો વિચાર કરો. તેઓ પર્વ ઊજવવા યરુશાલેમ જતા ત્યારે એકબીજાને સાથ-સહકાર આપતા. મુસાફરી માટે તેઓ જરૂરી તૈયારીઓ કરતા. પછી, તેઓ બધા ભેગા મળીને મુસાફરીએ નીકળતા અને એકબીજાને મદદ કરતા. મંદિરમાં પહોંચ્યા પછી, તેઓ બધા એક થઈને યહોવાની આરાધના અને ભક્તિ કરતા. (લુક ૨:૪૧-૪૪) આજે, આપણે નવી દુનિયાના જીવનની તૈયારી કરીએ છીએ. એ દરમિયાન, આપણે સંપીને રહેવાની અને એકબીજાને સાથ-સહકાર આપવાની જરૂર છે. વિચારો કે એ ગુણો બતાવવા તમે હજી વધારે શું કરી શકો.

૧૭ જગતના લોકોમાં ઘણી બાબતે મતભેદો અને લડાઈ-ઝઘડા જોવાં મળે છે. પણ આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે આપણને શાંતિ મેળવવા અને સત્ય સમજવા મદદ કરી છે! યહોવા ચાહે છે એ રીતે દુનિયા ફરતેના તેમના સેવકો ભક્તિ કરે છે. અગાઉના કોઈ પણ સમય કરતાં આ છેલ્લા દિવસોમાં યહોવાના ભક્તો વધુ સંગઠિત બન્યા છે. પ્રબોધક યશાયા અને મીખાહે ભવિષ્યવાણી કરી હતી તેમ, આપણે ભેગા મળીને “યહોવાના પર્વત” પર જઈ રહ્યા છીએ. (યશા. ૨:૨-૪; મીખાહ ૪:૨-૪ વાંચો.) નજીકના ભાવિમાં પૃથ્વીના બધા જ લોકો ખભેથી ખભો મિલાવીને યહોવાની ઉપાસનામાં ‘જોડાશે.’ ત્યારે, ભેગા મળીને યહોવાની ભક્તિ કરવાથી કેટલી ખુશી મળશે!