સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તરુણો—તમે બાપ્તિસ્મા માટે કઈ રીતે તૈયારી કરી શકો?

તરુણો—તમે બાપ્તિસ્મા માટે કઈ રીતે તૈયારી કરી શકો?

“હે મારા ઈશ્વર, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું.”—ગીત. ૪૦:૮.

ગીતો: ૫૧, ૪૮

૧, ૨. (ક) બાપ્તિસ્મા લેવું શા માટે એક ગંભીર નિર્ણય છે? (ખ) બાપ્તિસ્મા લેતા પહેલાં વ્યક્તિએ શાના વિશે ખાતરી કરી લેવી જોઈએ?

શું તમે એક તરુણ છો અને બાપ્તિસ્મા લેવા ચાહો છો? એ તો બહુ સારું કહેવાય! યહોવાના સેવક બનવું એ એક મોટામાં મોટો લહાવો છે. જોકે, પાછલા લેખમાં આપણે શીખી ગયા તેમ, બાપ્તિસ્મા લેવું એ કંઈ મજાકમાં લેવા જેવી વાત નથી, પણ એક ગંભીર નિર્ણય છે. કારણ કે, બાપ્તિસ્મા લઈને તમે બીજાઓ આગળ જાહેર કરો છો કે તમે તમારું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. એટલે કે, તમે યહોવાને વચન આપ્યું છે કે આજીવન તેમની જ સેવા-ભક્તિ કરશો અને તેમની ઇચ્છા પ્રમાણે કરવું, એ જ તમારા માટે સૌથી મહત્ત્વનું છે. દેખીતું છે કે ઈશ્વરને એવું વચન આપવું એક ગંભીર નિર્ણય છે. એટલે જ, તમે બાપ્તિસ્મા લેવા પરિપક્વ હો, દિલથી ચાહતા હો અને સારી રીતે સમજતા હો કે ઈશ્વરને સમર્પણ કરવું એટલે શું તો જ તમારે એ નિર્ણય લેવો જોઈએ.

કદાચ તમને લાગે કે હજી તમે બાપ્તિસ્મા લેવા તૈયાર નથી. અથવા તમને તો લાગે છે કે તમે તૈયાર છો પણ તમારાં મમ્મી-પપ્પાને એમ લાગતું નથી. તેઓનું માનવું છે કે તમને હજી થોડાક અનુભવની જરૂર છે. એટલે તેઓ ચાહે છે કે તમે થોડાક મોટા થાવ ત્યાં સુધી રાહ જુઓ. એમ હોય તો તમારે શું કરવું જોઈએ? નિરાશ ન થાઓ! એના બદલે કેમ નહિ કે આ સમય તમે ભક્તિને લગતી પ્રગતિમાં વાપરો, જેથી બાપ્તિસ્મા માટે તૈયાર થઈ શકો. એ માટે, સારું થશે કે બાપ્તિસ્મા લેતા પહેલાં તમે જીવનનાં આ ત્રણ પાસાંમાં પ્રગતિ કરવાનો ધ્યેય બાંધો: (૧) શ્રદ્ધા અને માન્યતા, (૨) કાર્યો અને (૩) કદરનું વલણ.

શ્રદ્ધા અને માન્યતા

૩, ૪. તીમોથીના દાખલા પરથી તરુણો શું શીખી શકે?

જરા વિચારો કે આવા સવાલોના જવાબમાં તમે શું કહેશો: “હું શા માટે માનું છું કે ઈશ્વર છે? મને શા માટે ખાતરી છે કે ઈશ્વરની પ્રેરણાથી બાઇબલ લખવામાં આવ્યું છે? સારું અને ખરાબ નક્કી કરવામાં હું કેમ જગતના લોકોનું નહિ, પણ યહોવાનું કહેવું માનું છું?” એ સવાલો પર વિચાર કરવાથી તમને પ્રેરિત પાઊલની આ સલાહ પ્રમાણે કરવા મદદ મળશે: ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી લો.’ (રોમ. ૧૨:૨) ચાલો જોઈએ કે એમ કરવું શા માટે મહત્ત્વનું છે.

યુવાન તીમોથીનો વિચાર કરો. તેમને શાસ્ત્રવચનોની સારી સમજ હતી, કેમ કે તેમનાં માતા અને દાદીએ તેમને “બાળપણથી” જ સત્ય શીખવ્યું હતું. તેમ છતાં, પાઊલે તીમોથીને સલાહ આપી કે “જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે.” (૨ તીમો. ૩:૧૪, ૧૫) એક પુસ્તક પ્રમાણે અહીં, “ખાતરી થઈ છે” એ શબ્દો માટે મૂળ ભાષામાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ થાય: ‘કોઈ વાતની સચ્ચાઈ વિશે પૂરેપૂરી રીતે ચોક્કસ હોવું તેમજ એમાં મક્કમ રીતે માનવું.’ હા, તીમોથીને પૂરી ખાતરી હતી કે તેમને સત્ય મળ્યું છે. શું તેમણે પોતાની માતા કે દાદીના કહેવાથી સત્ય સ્વીકાર્યું હતું? ના. પણ, તે જે વાતો શીખ્યા એના પર તેમણે પોતે બુદ્ધિપૂર્વક વિચાર કર્યો અને આમ તેમને ખાતરી થઈ હતી કે એ જ સત્ય છે.—રોમનો ૧૨:૧ વાંચો.

૫, ૬. નાની ઉંમરથી જ સમજશક્તિ વાપરવાનું શીખવું તમારા માટે કેમ મહત્ત્વનું છે?

હવે, તમે પોતાનો વિચાર કરો. કદાચ તમે સત્ય વિશે નાનપણથી શીખતા આવ્યા છો. જો એમ હોય તો, તમારી માન્યતાઓ પાછળનાં કારણો પર વિચાર કરો. એમ કરવાથી તમારી શ્રદ્ધા મક્કમ બનશે. તેમ જ, દોસ્તો તરફથી આવતાં દબાણને લીધે, જગતના લોકોના વિચારોની અસરને લીધે, કે પછી તમારી પોતાની લાગણીઓને લીધે તમે ખોટા નિર્ણય લેવાથી દૂર રહી શકશો.

જો તમે તરુણ વયથી જ “બુદ્ધિપૂર્વક” કામ લેશો એટલે કે, સમજશક્તિ વાપરવાનું શીખશો, તો તમારા દોસ્તો જ્યારે આવા સવાલોના તીર ચલાવે ત્યારે એનો જવાબ આપી શકશો: “તને શા માટે ખાતરી છે કે ઈશ્વર છે? જો ઈશ્વર આપણને પ્રેમ કરે છે તો, આપણા પર દુઃખ-તકલીફો કેમ આવવા દે છે? ઈશ્વર હંમેશાંથી જ છે એમ કઈ રીતે શક્ય હોય શકે?” જો આવા સવાલોની તૈયારી તમે અગાઉથી કરી હશે, તો એવા સવાલોને લીધે તમારા મનમાં શંકા નહિ ઊઠે. એના બદલે, તમે બાઇબલનો વધુ અભ્યાસ કરવા પ્રેરાશો.

૭-૯. સમજાવો કે આપણી વેબસાઇટ પર મળતી સ્ટડી ગાઇડ્સ કઈ રીતે તમને મદદ કરી શકે છે.

સારા વ્યક્તિગત અભ્યાસના ઘણા ફાયદા છે. જેમ કે, આપણે સવાલોના જવાબ મેળવી શકીએ છીએ, મનમાંથી શંકા દૂર કરી શકીએ છીએ અને પોતાની માન્યતા વિશે વધુ મક્કમ બની શકીએ છીએ. (પ્રે.કૃ. ૧૭:૧૧) એમ કરવામાં અનેક તરુણોને આપણા સાહિત્યમાંથી મદદ મળી છે. મહાન સર્જનહાર યહોવા અને તેમણે રચેલી સૃષ્ટિ વિશે આપણા સાહિત્યમાં ઘણી માહિતી જોવા મળે છે. [1] ઘણા તરુણોને jw.org પર “વૉટ ડઝ ધ બાઇબલ રીઅલી ટીચ?” શૃંખલાના લેખો વાંચવા ગમે છે. તેઓને એ લેખો વાંચવાથી ઘણો ફાયદો થયો છે. એ શૃંખલા અંગ્રેજી વેબસાઇટ પર “બાઇબલ ટીચિંગ્સ”ના “ટીનેજર્સ” વિભાગમાં જોવા મળે છે. એમાં અભ્યાસ માટે “સ્ટડી ગાઇડ્સ” આપવામાં આવી છે. એને એ રીતે રચવામાં આવી છે, જેથી બાઇબલના કોઈ પણ વિષય પર તમારી માન્યતા વધુ મક્કમ બને.

તમે ચોક્કસ બાઇબલમાંથી અભ્યાસ કરતા હશો, એટલે એ સ્ટડી ગાઇડ્સમાં જોવા મળતા અમુક સવાલોના જવાબ તમને ખબર હશે. પરંતુ, શું તમને પૂરી ખાતરી છે કે તમારા જવાબો સાચા છે? સ્ટડી ગાઇડ્સ તમને જુદી જુદી કલમો પર ધ્યાનપૂર્વક વિચારવા મદદ કરે છે. ઉપરાંત, તમારી માન્યતા પાછળ રહેલાં કારણો લખી લેવાનું ઉત્તેજન આપે છે. એમ કરવાથી, તમારી માન્યતાઓ વિશે બીજાઓને કઈ રીતે સમજાવવું એ શીખવા મદદ મળશે. તમે વ્યક્તિગત અભ્યાસ કરો ત્યારે જો શક્ય હોય, તો તમે પણ “વૉટ ડઝ ધ બાઇબલ રીઅલી ટીચ?” શૃંખલાની મદદ લઈ શકો. એ તમને તમારી શ્રદ્ધા અને માન્યતાને મક્કમ બનાવવા કામ લાગશે.

તમારી શ્રદ્ધા અને માન્યતાને મક્કમ બનાવવાથી તમે બાપ્તિસ્મા લેવા માટે તૈયાર થઈ શકશો. આપણા એક તરુણ બહેન કહે છે: ‘મેં બાપ્તિસ્મા લેવાનો નિર્ણય કર્યો એ પહેલાં, બાઇબલનો અભ્યાસ કર્યો. હું જોઈ શકી કે આ જ સાચો ધર્મ છે. મારી એ માન્યતા દિવસે ને દિવસે મક્કમ બનતી જાય છે.’

કાર્યો

૧૦. બાપ્તિસ્મા પામેલી વ્યક્તિનાં કાર્યો પરથી તેની શ્રદ્ધા દેખાઈ આવશે એવું શા માટે કહી શકાય?

૧૦ બાઇબલ જણાવે છે: “વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.” (યાકૂ. ૨:૧૭) જો તમારી શ્રદ્ધા અને માન્યતા મક્કમ હશે, તો એ તમારાં કાર્યો પરથી દેખાઈ આવશે. આમ, બાઇબલ જણાવે છે તેમ તમારા જીવનમાં “પવિત્ર આચરણ તથા ભક્તિભાવ” દેખાઈ આવશે.—૨ પીતર ૩:૧૧ વાંચો.

૧૧. સમજાવો કે “પવિત્ર આચરણ” એટલે શું.

૧૧ હવે સવાલ થાય કે, “પવિત્ર આચરણ” એટલે શું? એનો અર્થ થાય કે નૈતિક રીતે શુદ્ધ રહેવું, એટલે કે યહોવાની નજરે જે સારું છે એ જ કરવું. જરા વિચારો કે છેલ્લા ૬ મહિના દરમિયાન તમારી સામે કેવી લાલચો આવી હતી. કંઈક ખોટું કરવાની લાલચ આવી ત્યારે, શું તમે પારખી શક્યા હતા કે સારું શું છે અને ખોટું શું? (હિબ્રૂ ૫:૧૪) શું તમને એવો કોઈ બનાવ યાદ છે, જેમાં તમે લાલચમાં અથવા દોસ્તોના દબાણમાં ન આવીને સારી પસંદગી કરી? તમારી શાળામાં શું તમારું વર્તન બીજાઓ આગળ સારો દાખલો બેસાડે એવું છે? શું તમે યહોવાને વફાદાર રહો છો, કે પછી દોસ્તો મજાક ઉડાવશે એવા ડરથી તેઓના રંગે રંગાઈ જાઓ છો? (૧ પીત. ૪:૩, ૪) ખરું કે, આ દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી. વર્ષોથી સત્યમાં હોય એવી વ્યક્તિને પણ અમુક વાર પોતાની શ્રદ્ધા વિશે લોકોને જણાવવું અઘરું લાગે છે. પરંતુ, જે વ્યક્તિએ સમર્પણ કર્યું છે તેને યહોવાના સાક્ષી હોવાનો ગર્વ હોય છે. અરે, તે પોતાના “પવિત્ર આચરણ”થી એ બતાવી આપે છે.

૧૨. “ભક્તિભાવ”નાં કાર્યો એટલે શું અને તમને એના વિશે કેવું લાગવું જોઈએ?

૧૨ તરુણો, શું તમે જાણો છો કે “ભક્તિભાવ”નાં કાર્યો એટલે શું? એમાં મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે. જેમ કે, સભાઓમાં અને પ્રચારમાં જવું. ઉપરાંત, એમાં એવાં કામ પણ આવી જાય, જેને બીજા લોકો જોઈ શકે નહિ. જેમ કે, તમારી અંગત પ્રાર્થનાઓ અને વ્યક્તિગત અભ્યાસ. જે વ્યક્તિએ યહોવાને જીવન સમર્પણ કર્યું છે, તેને એ કાર્યો ક્યારેય બોજરૂપ નહિ લાગે. અરે, તે તો રાજા દાઊદ જેવું અનુભવશે, જેમણે કહ્યું હતું: “હે મારા ઈશ્વર, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.”—ગીત. ૪૦:૮.

૧૩, ૧૪. “ભક્તિભાવ”નાં કાર્યો કરવામાં તમને શું મદદ કરી શકે? એમ કરવાથી અમુક યુવાનોને કઈ રીતે ફાયદો થયો છે?

૧૩ “ભક્તિભાવ”નાં કામો કરવામાં મદદ મળે માટે અમુક સવાલો પર વિચાર કરો. જેમ કે, “શું મારા મનમાં ચાલી રહેલા કોઈ ખાસ મુદ્દા વિશે હું યહોવાને પ્રાર્થના કરું છું? અને શું મારી પ્રાર્થનાઓ પરથી યહોવા માટેનો મારો પ્રેમ દેખાઈ આવે છે?” “મારા વ્યક્તિગત અભ્યાસમાં હું શાનો સમાવેશ કરું છું?” “મારાં મમ્મી-પપ્પા પ્રચારમાં ન જાય તોપણ શું હું પ્રચાર જઉં છું?” [2] એ સવાલોના જવાબ તમે લખી લો. એનાથી તમને તમારાં વ્યક્તિગત અભ્યાસ, પ્રાર્થના અને પ્રચારમાં સુધારો કરવાનો ધ્યેય બાંધવામાં મદદ મળશે.

૧૪ એવા સવાલોના જવાબ લખી લેવાથી અમુક એવા તરુણોને ફાયદો થયો છે, જેઓ બાપ્તિસ્મા લેવાનું વિચારી રહ્યા હતા. ટીલ્ડા નામનાં એક યુવાન બહેન કહે છે કે એવા સવાલોના જવાબ લખી લેવાથી તેમને ધ્યેયો બાંધવા મદદ મળી છે. એક પછી એક તેમણે પોતાના બધા ધ્યેય હાંસલ કર્યા. અને લગભગ એક વર્ષ પછી તે બાપ્તિસ્મા માટે તૈયાર થયાં. આપણા યુવાન ભાઈ પેટ્રીકને પણ એ જ રીતે ફાયદો થયો છે. તે કહે છે: ‘મને સારી રીતે ખબર હતી કે મારા ધ્યેયો કયા છે. પણ એ ધ્યેયો લખી લેવાથી, મને ઉત્તેજન મળતું કે એ ધ્યેયો હાંસલ કરવા હું મહેનત કરું.’

તમારાં મમ્મી-પપ્પા યહોવાની ભક્તિ કરવાનું છોડી દે, તોપણ શું તમે યહોવાની ભક્તિ કરતા રહેશો?

(ફકરો ૧૫ જુઓ)

૧૫. સમર્પણ કરવાનો નિર્ણય શા માટે તમારો પોતાનો હોવો જોઈએ, એ સમજાવો.

૧૫ આ મહત્ત્વના સવાલ પર વિચાર કરો: “તમારાં મમ્મી-પપ્પા કે મંડળના દોસ્તો યહોવાની ભક્તિ કરવાનું છોડી દે, તોપણ શું તમે યહોવાની ભક્તિ કરતા રહેશો?” તમે જ્યારે બાપ્તિસ્મા લો છો ત્યારે તમે પોતાની મરજીથી યહોવાને સમર્પણ કરો છો અને બાપ્તિસ્મા લો છો. એ પછી યહોવા સાથે તમારો વ્યક્તિગત સંબંધ જોડાય છે. એટલે, તમે યહોવા માટે જે કંઈ કરો એનો આધાર તમારાં મમ્મી-પપ્પા કે કોઈ બીજું ન હોવું જોઈએ. તમારાં “પવિત્ર આચરણ તથા ભક્તિભાવ”નાં કાર્યો પરથી દેખાઈ આવે છે કે સત્ય મળ્યું હોવાની તમને પૂરી ખાતરી છે. તેમ જ, તમે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવા માંગો છો. આમ, જલદી જ તમે બાપ્તિસ્મા માટે તૈયાર થઈ ગયા હશો.

કદરનું વલણ

૧૬, ૧૭. (ક) યહોવાના સેવક બનવા પાછળનું મુખ્ય કારણ શું હોવું જોઈએ? (ખ) ઈસુના બલિદાન માટે કેટલી કદર છે એ સમજવા કયું ઉદાહરણ મદદ કરે છે?

૧૬ ઈસુના સમયમાં એક વ્યક્તિ હતી, જે મુસાનો નિયમ સારી રીતે જાણતી હતી. એક દિવસે તેણે ઈસુને પૂછ્યું: “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?” ઈસુએ તેને જવાબ આપ્યો: “તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (માથ. ૨૨:૩૫-૩૭) ઈસુએ સમજાવ્યું કે બાપ્તિસ્મા લેવા અને યહોવાના સેવક બનવા પાછળનું મુખ્ય કારણ યહોવા પરનો પ્રેમ હોવો જોઈએ. યહોવા માટેનો આપણો પ્રેમ ગાઢ બનાવવાની સૌથી સારી એક રીત કઈ છે? યહોવાએ મનુષ્યોને આપેલી સૌથી મોટી ભેટ, એટલે કે ઈસુના બલિદાનની ગોઠવણ પર મનન કરવું. (૨ કોરીંથી ૫:૧૪, ૧૫; ૧ યોહાન ૪:૯, ૧૯ વાંચો.) એ અદ્ભુત ભેટ પર મનન કરવાથી તમારા મનમાં એના માટે ઊંડી કદર જાગશે.

૧૭ યહોવાની એ અજોડ ભેટ માટે તમને કેટલી કદર છે એ સમજવા એક ઉદાહરણનો વિચાર કરો: ધારો કે તમે પાણીમાં ડૂબી રહ્યા છો અને કોઈક આવીને તમને બચાવે છે. એ બનાવ પછી, તમે શું કરશો? શું તમે ઘરે જશો ને પોતાને કોરા કરશો ને ભૂલી જશો કે એ વ્યક્તિએ તમારી માટે શું કર્યું છે? ના, બીલકુલ નહિ! તમે જીવનભર એ વ્યક્તિનો ઉપકાર માનશો કે તેણે તમારો જીવ બચાવ્યો, ખરુંને? એવી જ રીતે, આપણે પણ ઈસુના બલિદાન માટે યહોવા અને ઈસુના ઘણા આભારી હોવું જોઈએ! આપણા જીવન પર તેઓને પૂરો હક છે! કેમ કે, તેઓએ આપણને પાપ અને મરણમાંથી બચાવ્યા છે. તેઓના પ્રેમને લીધે જ, આપણને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા મળી છે!

૧૮, ૧૯. (ક) તમારે યહોવાના સેવક બનવાથી શા માટે ગભરાવું ન જોઈએ? (ખ) યહોવાના સેવક બનવાથી કઈ રીતે તમારું ભાવિ ઉજ્જવળ બનશે?

૧૮ યહોવાએ તમારી માટે જે કર્યું છે, એ બદલ શું તમે યહોવાના આભારી છો? જો તમારો જવાબ “હા” હોય તો, યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવું એકદમ યોગ્ય નિર્ણય કહેવાશે. સમર્પણ દ્વારા તમે યહોવાને વચન આપો છો કે છેલ્લા શ્વાસ સુધી તમે તેમની ઇચ્છા પ્રમાણે કરશો. શું એ નિર્ણય લેતા તમારે ગભરાવું જોઈએ? જરા પણ નહિ! કેમ કે, યહોવા તમારી માટે જે સૌથી સારું છે, એ કરવા ઇચ્છે છે. અને તેમની ઇચ્છા પ્રમાણે જીવનાર દરેકને તે ઇનામ આપે છે. (હિબ્રૂ ૧૧:૬) યહોવાને સમર્પણ કરવાથી અને બાપ્તિસ્મા લેવાથી શું તમારું જીવન નકામું બની જશે? ક્યારેય નહિ! અરે, એનાથી તો તમારું જીવન સારું બનશે, એને એક યોગ્ય દિશા મળશે. એક ભાઈએ તરુણ ઉંમરે બાપ્તિસ્મા લીધું હતું. તે આજે ૨૪ વર્ષના છે. તે કહે છે: ‘ખરું કે, બાપ્તિસ્મા વખતે હું જો થોડો મોટો હોત, તો કદાચ સત્યને લગતી મારી સમજણ એ વખતે વધુ સારી હોત. પણ, યહોવાને સમર્પણ કરી દેવાથી મારું જીવન દુન્યવી મોહમાયામાં પડવાથી બચી ગયું છે.’

૧૯ યહોવા સૌથી સારું આપીને તમારું ભાવિ ઉજ્જવળ બનાવવા ચાહે છે. જ્યારે કે, શેતાન તો ખૂબ સ્વાર્થી છે અને તેને તમારી કંઈ પડી નથી. તે તમને કંઈ સારું આપી શકતો નથી. અરે, જે વસ્તુ તેની પાસે જ નથી એ તે તમને કઈ રીતે આપી શકે? તેની પાસે ના તો કોઈ ખુશખબર છે, ના તો ભાવિ માટે કોઈ આશા! તે તમને અંધકારમય ભાવિ સિવાય બીજું કંઈ આપી શકે નહિ. કેમ કે, તેનું પોતાનું ભાવિ પણ એવું જ છે, અંધકારમય!—પ્રકટી. ૨૦:૧૦.

૨૦. સમર્પણ અને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરતા રહેવા તરુણો તમને શું મદદ કરી શકે? (“યહોવાની ભક્તિમાં પ્રગતિ કરવા મદદ” બૉક્સ પણ જુઓ.)

૨૦ યહોવાને તમારું જીવન સમર્પણ કરવા કરતાં સારો નિર્ણય બીજો શો હોય શકે? પણ, શું તમે એ નિર્ણય લેવા તૈયાર છો? જો તૈયાર હો, તો સમર્પણનું વચન આપતા જરાય ગભરાશો નહિ. પણ, જો તમને લાગે કે તમે હજી પૂરી રીતે તૈયાર નથી, તો કેમ નહિ કે આ લેખમાં આપેલાં સૂચનો અજમાવી જુઓ! એનાથી તમે બાપ્તિસ્મા લેવા તરફ પ્રગતિ કરી શકશો. પ્રેરિત પાઊલે ફિલિપી મંડળનાં ભાઈ-બહેનોને પ્રગતિ કરતા રહેવાની સલાહ આપી હતી. (ફિલિ. ૩:૧૬) જો તમે પણ એ સલાહને લાગુ પાડશો તો, જલદી જ તમને પણ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવાનું મન થશે.

^ [૧] (ફકરો ૭) સર્જનહાર અને સૃષ્ટિ વિશે વધુ માહિતી માટે આપણું આ સાહિત્ય જુઓ: ધી ઓરીજીન ઑફ લાઈફ—ફાઈવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ અને ઇઝ ધેર એ ક્રિએટર હુ કેર્સ અબાઉટ યુ?

^ [૨] (ફકરો ૧૩) અમુક યુવાનોને અંગ્રેજી પુસ્તક, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ભાગ ૨નાં પાન ૩૦૮ અને ૩૦૯ પરની માહિતીથી ફાયદો થયો છે.