સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન તરફ લઈ જતું યહોવાનું માર્ગદર્શન

જીવન તરફ લઈ જતું યહોવાનું માર્ગદર્શન

“માર્ગ આ છે, તે પર તમે ચાલો.”યશા. ૩૦:૨૧.

ગીતો: ૩૨, ૪૮

૧, ૨. (ક) કઈ ચેતવણીને લીધે ઘણા લોકોના જીવ બચ્યા છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) યહોવાના લોકો પાસે કયું માર્ગદર્શન છે, જે તેઓના જીવ બચાવી શકે છે?

“થોભો, જુઓ, સાંભળો.” મોટા અક્ષરોમાં લખાયેલી એ ચેતવણી ૧૦૦ કરતાં વધુ વર્ષો માટે, ઉત્તર અમેરિકાના રેલવે ફાટકો આગળ લગાડવામાં આવી હતી. શા માટે? રેલવેના પાટા ઓળંગવાં જતાં વાહનો, પૂર ઝડપે આવતી રેલગાડીઓ સાથે અથડાઈ ન જાય એ માટે. એ ચેતવણી ધ્યાનમાં લેવાથી ઘણા લોકોના જીવ બચ્યા છે.

યહોવા આપણી સુરક્ષા માટે ચેતવણી આપવા કરતાંય કંઈક વધારે કરે છે. યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે, જેથી તેઓ જોખમોથી દૂર રહી શકે અને હંમેશ માટેનું જીવન મેળવી શકે. એક પ્રેમાળ ઘેટાંપાળકની જેમ યહોવા પોતાનાં ઘેટાંને દોરે છે, તેઓને સાવધ કરે છે, જેથી તેઓ જોખમી માર્ગ ટાળી શકે.—યશાયા ૩૦:૨૧ વાંચો.

યહોવા હંમેશાંથી પોતાના લોકોને માર્ગદર્શન આપતા આવ્યા છે

૩. આખી માણસજાત કઈ રીતે મોતના માર્ગે ચઢી ગઈ?

માણસજાતની શરૂઆતથી જ યહોવાએ પોતાના લોકોને સૂચનો અથવા માર્ગદર્શન આપ્યું છે. દાખલા તરીકે, એદનબાગમાં યહોવાએ આદમ અને હવાને એવાં સ્પષ્ટ સૂચનો આપ્યાં, જે આખી માણસજાતને હંમેશ માટેનાં જીવન અને ખુશીઓ તરફ દોરી જાય. (ઉત. ૨:૧૫-૧૭) પરંતુ, આદમ-હવાએ પ્રેમાળ પિતા યહોવાના માર્ગદર્શન પ્રત્યે આંખ આડા કાન કર્યા. અરે, હવાએ તો એક સાપ દ્વારા મળેલી સલાહને ધ્યાનમાં લીધી ને યહોવાની સલાહ અવગણી. અને આદમે પોતાની પત્નીની સલાહ માનવાનું પસંદ કર્યું. પરિણામે, આદમ અને હવાનું જીવન દુઃખોથી ભરાઈ ગયું અને તેઓ ધૂળમાં મળી ગયાં. હવે, તેઓ માટે કોઈ આશા નથી. એટલું જ નહિ, તેઓએ યહોવાનું કહ્યું ન માન્યું એના લીધે આખી માણસજાત એવા માર્ગે ચઢી ગઈ, જે મોતના મોંમાં લઈ જાય છે.

૪. (ક) જળપ્રલય પછી શા માટે નવા માર્ગદર્શનની જરૂર પડી? (ખ) નવા સંજોગો પરથી કઈ રીતે યહોવાના વિચારો વિશે જાણવા મળ્યું?

યહોવાએ નુહને પણ એવું માર્ગદર્શન આપ્યું, જેના લીધે ઘણા જીવો બચ્યા. જળપ્રલય પછી યહોવા પોતાના લોકોને પ્રાણીઓનું માંસ ખાવાની પરવાનગી આપવાના હતા. એટલે તેમણે આજ્ઞા આપી કે કોઈએ લોહી ખાવું-પીવું નહિ. આમ, નવા સંજોગો ઊભા થવાને લીધે યહોવાના લોકોને નવા માર્ગદર્શનની જરૂર હતી. તેથી, યહોવાએ આજ્ઞા આપી: ‘માંસ એના જીવ સાથે, એટલે રક્ત સાથે ન ખાશો.’ (ઉત. ૯:૧-૪) એ આજ્ઞા પરથી આપણને જીવ વિશે યહોવાના વિચારો જાણવા મળે છે. યહોવા જ સરજનહાર અને જીવનદાતા છે, જીવન પર તેમની જ માલિકી છે. તેથી, જીવન વિશે નિયમો ઘડવાનો તેમને પૂરેપૂરો હક છે. જેમ કે, તેમણે આજ્ઞા આપી કે મનુષ્યોએ બીજા મનુષ્યોનો જીવ ન લેવો. યહોવા માટે જીવન અને લોહી પવિત્ર છે. જે કોઈ યહોવાની એ આજ્ઞા તોડે છે તેને યહોવા જરૂર સજા આપશે.—ઉત. ૯:૫, ૬.

૫. આપણે હવે શાનો અભ્યાસ કરીશું અને શા માટે?

નુહ પછી પણ યહોવા પોતાના ભક્તોને માર્ગદર્શન આપતા રહ્યા. આ લેખમાં આપણે અમુક દાખલા જોઈશું. એ બતાવે છે કે યહોવાએ કઈ રીતે પોતાના ભક્તોને માર્ગદર્શન આપ્યું. આ અભ્યાસથી આપણે યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરવાના નિર્ણયમાં મક્કમ બનીશું. એ માર્ગદર્શન આપણને નવી દુનિયા તરફ દોરે છે.

નવું રાષ્ટ્ર, નવું માર્ગદર્શન

૬. યહોવાએ મુસા દ્વારા આપેલો નિયમ યહોવાના લોકોએ પાળવો કેમ જરૂરી હતો? અને તેઓએ એ નિયમ પ્રત્યે કેવું વલણ રાખવાનું હતું?

હવે, મુસાના સમયનો વિચાર કરો. યહોવાએ પોતાના ભક્તોને વાણી-વર્તન અને ભક્તિને લગતું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. શા માટે? કારણ કે, ફરી એક વાર સંજોગો બદલાયા હતા. ઈસ્રાએલીઓ ૨૦૦થી વધુ વર્ષો સુધી ઇજિપ્તની ગુલામીમાં હતા. ત્યાં તેઓની આસપાસના બધા લોકો મૂર્તિઓની અને ગુજરી ગયેલા લોકોની ઉપાસના કરતા. તેમ જ, યહોવાનું અપમાન કરે એવાં બીજાં ઘણાં કામો કરતાં. તેથી ઇજિપ્તની ગુલામીમાંથી છૂટ્યા પછી યહોવાના લોકોને નવા માર્ગદર્શનની જરૂર હતી. તેઓ હવે એક એવું રાષ્ટ્ર બનવાના હતા, જે ફક્ત યહોવાનો નિયમ પાળે. કેટલાક પુસ્તકો પ્રમાણે “નિયમ” માટેનો હિબ્રૂ શબ્દ બીજા એક શબ્દ સાથે જોડાયેલો છે, જેનો અર્થ થાય “દોરવણી, માર્ગદર્શન, સૂચન.” યહોવાએ ઈસ્રાએલીઓને આપેલો નિયમ તેઓની રક્ષા કરતો હતો. કઈ બાબતોથી? તેઓની આસપાસનાં રાષ્ટ્રોમાં જોવાં મળતાં ખોટાં જાતીય કામોથી અને જૂઠા ધર્મથી. ઈસ્રાએલીઓ જ્યારે યહોવાનું કહેવું સાંભળતા, ત્યારે તેઓને આશીર્વાદ મળતો. પણ જ્યારે યહોવાનું ન સાંભળતા, ત્યારે ખરાબ પરિણામ ભોગવતા.—પુનર્નિયમ ૨૮:૧, ૨, ૧૫ વાંચો.

૭. (ક) સમજાવો કે બીજા કયા કારણને લીધે યહોવાએ પોતાના લોકોને માર્ગદર્શન આપ્યું? (ખ) મુસાનો નિયમ કઈ રીતે ઈસ્રાએલીઓનો માર્ગદર્શક હતો?

બીજા એક કારણને લીધે પણ યહોવાના ભક્તોને નવા માર્ગદર્શનની જરૂર હતી. યહોવાના હેતુને પૂરો કરવામાં એક મહત્ત્વનો બનાવ બનવાનો હતો. મસીહ, એટલે કે ઈસુ ખ્રિસ્ત આવવાના હતા. મુસાનો નિયમ ઈસ્રાએલીઓને એ મહત્ત્વના બનાવ માટે તૈયાર કરતો હતો. મુસાનો નિયમ ઈસ્રાએલીઓને યાદ અપાવતો કે તેઓ અપૂર્ણ છે, પાપી છે. ઉપરાંત, તેઓને એ સમજવા મદદ કરતો કે, તેઓને એક એવા સંપૂર્ણ બલિદાનની જરૂર છે, જે તેઓનાં પાપ પૂરેપૂરાં ભૂંસી નાંખે. (ગલા. ૩:૧૯; હિબ્રૂ. ૧૦:૧-૧૦) વધુમાં, મુસાના નિયમને લીધે એ કુળનું પણ રક્ષણ થયું, જેમાંથી મસીહ આવવાના હતા. મસીહ આવ્યા ત્યારે તેમને ઓળખવામાં પણ ઈસ્રાએલીઓને એ નિયમે મદદ કરી હતી. હા, એ નિયમ ઈસ્રાએલીઓ માટે જાણે “બાળશિક્ષક” કે માર્ગદર્શક હતો, જે તેઓને ખ્રિસ્ત તરફ દોરી જતો હતો.—ગલા. ૩:૨૩, ૨૪.

૮. આપણે શા માટે મુસાના નિયમમાં રહેલાં સિદ્ધાંતોનો આધાર લેવો જોઈએ?

શું આપણને મુસાનો નિયમ ફાયદો કરી શકે? હા, કેમ નહિ! યહોવાએ એ નિયમમાં આપેલું માર્ગદર્શન આપણને ફાયદો કરે છે. તેથી, બે ઘડી થોભો અને જુઓ કે એ માર્ગદર્શન કયા સિદ્ધાંત પર આધારિત છે. ખરું કે, આપણે મુસાના નિયમથી બંધાયેલા નથી. પરંતુ, આપણા રોજિંદા જીવનમાં અને યહોવાની ભક્તિમાં માર્ગદર્શન માટે આપણે એમાંની ઘણી આજ્ઞાઓનો આધાર લઈ શકીએ છીએ. યહોવાએ એ નિયમો આપણા માટે બાઇબલમાં લખાવી લીધા છે, જેથી આપણે એમાંથી શીખી શકીએ અને એના સિદ્ધાંતો પ્રમાણે ચાલી શકીએ. તેમ જ, ઈસુએ એ નિયમમાં રહેલા ઊંચા સિદ્ધાંતો વિશે જે શીખવ્યું એ માટે આભારી બનીએ. જરા સાંભળો ઈસુએ શું કહ્યું હતું. તેમણે કહ્યું: “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” વ્યભિચારનાં કામોથી આપણે દૂર તો રહેવાનું જ છે, ઉપરાંત એવી ઇચ્છાઓથી કે વિચારોથી પણ દૂર રહેવાનું છે, જે એ તરફ લઈ જતાં હોય.—માથ. ૫:૨૭, ૨૮.

૯. કયા નવા સંજોગોને લીધે યહોવાએ નવું માર્ગદર્શન પૂરું પાડ્યું?

મસીહ તરીકે ઈસુ આવ્યા એ પછી, યહોવાએ પોતાના હેતુ વિશે નવું માર્ગદર્શન આપ્યું અને વધુ વિગતો જણાવી. એમ કરવું શા માટે જરૂરી હતું? કારણ કે, ૩૩ની સાલમાં યહોવાએ ઈસ્રાએલ રાષ્ટ્રને નકારીને ખ્રિસ્તી મંડળને પોતાના લોકો તરીકે પસંદ કર્યું. આમ, ફરી એક વાર યહોવાના લોકો માટે નવા સંજોગો ઊભા થયા.

આત્મિક ઈસ્રાએલ માટે માર્ગદર્શન

૧૦. ખ્રિસ્તી મંડળને શા માટે નવા નિયમો આપવામાં આવ્યા હતા? અને એ નિયમો ઈસ્રાએલીઓને આપવામાં આવેલા નિયમ કરતાં કઈ રીતે જુદા હતા?

૧૦ યહોવાએ ઈસ્રાએલીઓને મુસાનો નિયમ આપ્યો જેથી, તેઓ શીખી શકે કે કઈ રીતે જીવવું અને ભક્તિ કઈ રીતે કરવી. પરંતુ, પ્રથમ સદી દરમિયાન સંજોગો બદલાઈ ગયા હતા. હવે, યહોવાના લોકો કોઈ એક જાતિના નહિ, પણ જુદાં જુદાં રાષ્ટ્રો અને સમાજનાં હતા. તેઓ હવે આત્મિક ઈસ્રાએલ તરીકે ઓળખાયા. તેઓથી ખ્રિસ્તી મંડળ બન્યું અને તેઓ નવા કરાર હેઠળ આવ્યા. યહોવાએ તેઓને જીવન અને ભક્તિને લગતાં નવાં સૂચનો આપ્યાં. ખરેખર, “ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫) યહોવાના લોકો “ખ્રિસ્તનો નિયમ” પાળતા, જે સિદ્ધાંતો પર આધારિત હતો. એ નિયમ કંઈ શિલાપાટી પર નહિ, પણ તેઓના દિલમાં લખાયેલો હતો. તેઓ જ્યાં કંઈ પણ રહેતા, એ નિયમ તેઓને માર્ગદર્શન આપતો અને એને પાળવાથી તેઓને ફાયદો થતો.—ગલા. ૬:૨.

૧૧. શિષ્યોના જીવનનાં કયાં બે પાસાં પર ‘ખ્રિસ્તના નિયમ’ની અસર થવાની હતી?

૧૧ ઈસુ ખ્રિસ્ત મારફતે મળેલાં યહોવાના માર્ગદર્શનથી આત્મિક ઈસ્રાએલને ઘણો જ ફાયદો થયો. નવા કરારને અમલમાં લાવતા પહેલાં, ઈસુએ બે મહત્ત્વની આજ્ઞાઓ આપી હતી. એમાંની પહેલી આજ્ઞા પ્રચારકાર્યને લગતી હતી. બીજી આજ્ઞા, ખ્રિસ્તીઓએ એકબીજા સાથે કઈ રીતે વર્તવું એના વિશે હતી. એ આજ્ઞાઓ ઈસુના બધા જ શિષ્યો માટે હતી, તેથી એ આજે આપણને પણ એટલી જ લાગુ પડે છે. ભલે પછી આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની.

૧૨. પ્રચારકાર્ય વિશે કઈ નવી બાબત હતી?

૧૨ અગાઉના સમયમાં, જુદાં જુદાં દેશના લોકો જો યહોવાની સેવા કરવા ઇચ્છતા, તો તેઓએ ઈસ્રાએલ આવવું પડતું. (૧ રાજા. ૮:૪૧-૪૩) પરંતુ, પછીથી, ઈસુએ માથ્થી ૨૮:૧૯, ૨૦માંની આજ્ઞા આપી. (વાંચો.) ઈસુએ શિષ્યોને સર્વ લોકો પાસે ‘જવાનું’ જણાવ્યું. પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં યહોવાએ બતાવ્યું કે આખી દુનિયામાં ખુશખબર ફેલાય એવી તેમની ઇચ્છા છે. નવા સ્થપાયેલા મંડળના લગભગ ૧૨૦ સભ્યો એ દિવસે પવિત્ર શક્તિથી ભરપૂર થયા. તેઓ યહુદી અને બીજા ધર્મોમાંથી યહુદી બનેલા લોકો જોડે તેઓની ભાષામાં વાત કરવા લાગ્યા. (પ્રે.કૃ. ૨:૪-૧૧) એ પછી, પ્રચાર વિસ્તારમાં સમરૂનીઓને પણ સામેલ કરવામાં આવ્યા. ત્યાર બાદ, ૩૬ની સાલમાં વિદેશીઓ જે બેસુન્નતી હતા, તેઓ પણ સામેલ કરાયા. એનો અર્થ એમ થયો કે ખ્રિસ્તીઓએ આખી દુનિયામાં દરેકને રાજ્યની ખુશખબર જણાવવાની હતી!

૧૩, ૧૪. (ક) ઈસુએ આપેલી “નવી આજ્ઞા”માં શાનો સમાવેશ થાય છે? (ખ) ઈસુએ બેસાડેલા ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ આપણાં સાક્ષી ભાઈ-બહેનો સાથે કઈ રીતે વર્તવું, એ વિશે પણ ઈસુએ “નવી આજ્ઞા” આપી હતી. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.) આપણે આપણાં ભાઈ-બહેનો પ્રત્યે હંમેશાં પ્રેમ બતાવવો જોઈએ. અરે, તેઓ માટે પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર હોવું જોઈએ. આ એવી એક આજ્ઞા છે, જે મુસાને આપવામાં આવેલા નિયમમાં ન હતી.—માથ. ૨૨:૩૯; ૧ યોહા. ૩:૧૬.

૧૪ નિઃસ્વાર્થ પ્રેમ બતાવવામાં ઈસુએ અજોડ ઉદાહરણ બેસાડ્યું છે. તે પોતાના શિષ્યોને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેઓ માટે તેમણે ખુશી ખુશી પોતાનો જીવ આપી દીધો! ઈસુ ચાહે છે કે તેમના બધા અનુયાયીઓ એકબીજા માટે એવો જ પ્રેમ બતાવે. તેથી, આપણાં ભાઈ-બહેનો માટે મુશ્કેલીઓ તો શું, મરણનો સામનો કરવા પણ આપણે તૈયાર હોવું જોઈએ!—૧ થેસ્સા. ૨:૮.

આજના અને આવનાર સમય માટે માર્ગદર્શન

૧૫, ૧૬. આપણે કયા નવા સંજોગોમાં છીએ અને યહોવા આપણને કઈ રીતે દોરી રહ્યા છે?

૧૫ ઈસુએ પોતાના શિષ્યોને “વખતસર ખાવાનું” પૂરું પાડવાં માટે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ને નિયુક્ત કર્યો છે. (માથ. ૨૪:૪૫-૪૭) ‘વખતસરનાં ખાવામાં’ એ મહત્ત્વના માર્ગદર્શનનો પણ સમાવેશ થાય છે, જે યહોવાના લોકોના બદલાતા સંજોગો માટે જરૂરી છે. અને આજે આપણા સંજોગો કઈ રીતે નવા છે?

૧૬ આપણે “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ. બહુ જલદી આપણે એક મોટી વિપત્તિનો સામનો કરીશું. એના જેવી વિપત્તિ પહેલાં ક્યારેય થઈ નથી. (૨ તીમો. ૩:૧; માર્ક ૧૩:૧૯) ઉપરાંત, શેતાન અને તેના સાથી દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા છે. તેઓએ મનુષ્યોનું જીવન બેહાલ કરી નાંખ્યું છે. (પ્રકટી. ૧૨:૯, ૧૨) જ્યારે કે, ઈસુના શિષ્યો તેમની આજ્ઞા પ્રમાણે દુનિયાના ખૂણે ખૂણે અનેક ભાષાઓમાં ખુશખબર ફેલાવી રહ્યા છે. આટલા મોટા પાયે એ કામ પહેલાં ક્યારેય થયું નથી!

૧૭, ૧૮. આપણને માર્ગદર્શન મળે ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૭ આપણને પ્રચારકાર્યમાં મદદ મળે માટે યહોવાના સંગઠને ઘણાં સાધનો આપ્યાં છે. શું તમે એનો ઉપયોગ કરો છો? સભાઓમાં આપણને માર્ગદર્શન આપવામાં આવે છે કે એ સાધનોનો સૌથી સારો ઉપયોગ કઈ રીતે કરવો. શું તમે એને યહોવા પાસેથી આવતું માર્ગદર્શન ગણો છો?

૧૮ મંડળ દ્વારા કોઈ માર્ગદર્શન મળે ત્યારે એના પર પૂરું ધ્યાન આપો. આમ, દરેક સૂચન ધ્યાનમાં લેવાથી આપણને યહોવાના આશીર્વાદ મળશે. જો આપણે આજે આધીન રહેતા શીખીશું, તો “મોટી વિપત્તિ” દરમિયાન પણ માર્ગદર્શન પાળવું સહેલું બનશે. એ વખતે શેતાનની દુષ્ટ દુનિયાનો સર્વનાશ થઈ જશે. (માથ. ૨૪:૨૧) એ પછી, શેતાનની બૂરાઈથી મુક્ત નવી દુનિયામાં આપણે જીવીશું. એ જીવન માટે પણ આપણને નવા માર્ગદર્શનની જરૂર પડશે.

નવી દુનિયાના જીવન માટે નવું માર્ગદર્શન આપતાં પુસ્તકો ઉઘાડવામાં આવશે (ફકરા ૧૯, ૨૦ જુઓ)

૧૯, ૨૦. નવી દુનિયામાં કયાં પુસ્તકો ઉઘાડવામાં આવશે અને એનાથી કેવા ફાયદા થશે?

૧૯ મુસાના સમયમાં, ઈસ્રાએલ રાષ્ટ્રને નવા માર્ગદર્શનની જરૂર હતી. એટલે, યહોવાએ તેઓને નિયમ આપ્યો. સમય જતાં, ખ્રિસ્તી મંડળ બન્યું અને તેઓએ “ખ્રિસ્તનો નિયમ” પાળવાનો હતો. એવી જ રીતે, બાઇબલ જણાવે છે કે નવી દુનિયામાં નવું માર્ગદર્શન આપતાં પુસ્તકો ઉઘાડવામાં આવશે. (પ્રકટીકરણ ૨૦:૧૨ વાંચો.) કદાચ એ પુસ્તકો આપણને જણાવશે કે મનુષ્યો પાસેથી યહોવા એ સમયે કેવી આશા રાખે છે. એના અભ્યાસથી દરેક લોકો, અરે સજીવન થયેલાઓ પણ જાણી શકશે કે યહોવા તેઓ પાસે શું ચાહે છે! એ પુસ્તકોમાંથી યહોવાના વિચારો વિશે વધુ ઊંડી સમજણ મેળવી શકીશું. ત્યારે આપણે બાઇબલને પણ વધુ સારી રીતે સમજી શકીશું, જે આપણને નવી દુનિયામાં એકબીજા સાથે પ્રેમ, આદર અને માનથી વર્તવા મદદ કરશે. (યશા. ૨૬:૯) જરા વિચારો, આપણા રાજા ઈસુના માર્ગદર્શન નીચે આપણે કેટલી બધી બાબતો શીખીશું અને બીજાઓને શીખવીશું!

૨૦ એ નવાં “પુસ્તકોમાં જે જે લખેલું” હશે એ પ્રમાણે કરીશું અને હજાર વર્ષના અંતે આખરી કસોટીમાં વફાદાર રહીશું તો, આપણાં નામ કાયમ માટે ‘જીવનના પુસ્તકમાં’ લખવામાં આવશે. હા, આપણને હંમેશ માટેનું જીવન મળી શકે છે! એ માટે આપણે બાઇબલ વાંચવા થોભવું જોઈએ. પછી જોવું જોઈએ કે એનો આપણા માટે શો અર્થ રહેલો છે. તેમ જ, યહોવાનું માર્ગદર્શન સાંભળીને એ પ્રમાણે ચાલવું જોઈએ. જો આપણે એમ કરીશું તો આપણે મોટી વિપત્તિમાંથી બચી શકીશું. એટલું જ નહિ, આપણા સૌથી પ્રેમાળ અને બુદ્ધિમાન ઈશ્વર યહોવા વિશે શીખવાની કેટલી મજા આવશે!—સભા. ૩:૧૧; રોમ. ૧૧:૩૩.