સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શા માટે યહોવાના સાક્ષીઓ પ્રેરિત પાઊલને ચિત્રમાં ટાલવાળા કે પછી ઓછા વાળવાળા બતાવે છે?

એ સાચું છે કે, આજે કોઈપણ વ્યક્તિ પ્રેરિત પાઊલના દેખાવ વિશે ચોક્કસ માહિતી આપી શકતી નથી. આપણાં સાહિત્યમાં આપેલાં ચિત્રો અને ફોટા કલાકારની કલ્પનાને આધારે હોય છે, પુરાતત્ત્વશાસ્ત્રના પુરાવાઓને આધારે નહિ.

જોકે, પાઊલના દેખાવ વિશે અમુક માહિતી પ્રાપ્ય છે. દાખલા તરીકે, માર્ચ ૧, ૧૯૦૨નું ઝાયન્સ વૉચ ટાવર જણાવે છે: ‘ધી એક્ટ્‌સ ઑફ પૉલ એન્ડ થેક્લા નામનું પુસ્તક સાલ ૧૫૦માં લખાયું હતું. એમાં પાઊલના દેખાવ વિશે જણાવેલી માહિતી કદાચ સચોટ છે, જે પ્રચલિત માન્યતા છે. તે “નાના કદના, ટાલવાળા, વળેલા પગવાળા, મજબૂત બાંધાના હતા. તેમની ભમ્મરો એકબીજા સાથે જોડાયેલી હતી અને તેમનું નાક લાંબું હતું.”’

ધી ઑક્સફર્ડ ડિક્ષનરી ઑફ ધ ક્રિશ્ચિયન ચર્ચ (૧૯૯૭ આવૃત્તિ) એ પ્રાચીન લખાણો વિશે આમ જણાવે છે: ‘એક્ટ્‌સમાં ઇતિહાસને લગતી અમુક સત્ય હકીકતો હોઈ શકે છે.’ એને લખાયાની અમુક સદીઓ પછી, ધી એક્ટ્‌સ ઑફ પૉલ એન્ડ થેક્લા ઘણું ભરોસાપાત્ર ગણાતું હતું. એની ૮૦ ગ્રીક હસ્તપ્રતો અને બીજી ભાષાની આવૃત્તિઓ પરથી સાફ સાબિત થાય છે કે એ ઘણું પ્રચલિત હતું. આમ, અમુક પ્રાચીન લખાણોમાં પાઊલના દેખાવ વિશે કરેલા વર્ણન પરથી આપણાં સાહિત્યમાં તેમનું ચિત્ર બનાવવામાં આવે છે.

યાદ રાખીએ કે એવી બીજી બાબતો પણ છે, જે પાઊલના દેખાવ કરતાં વધારે મહત્ત્વની છે. પાઊલના પ્રચારકાર્ય દરમિયાન અમુક ટીકાકારોએ એવો આરોપ મૂક્યો હતો કે ‘તે કમજોર હતા અને તેમનું બોલવું દમ વગરનું હતું.’ (૨ કોરીં. ૧૦:૧૦) પણ આપણે ભૂલવું ન જોઈએ કે ઈસુએ કરેલા ચમત્કારને લીધે તે ખ્રિસ્તી બન્યા હતા. પાઊલે ‘ખ્રિસ્તના પસંદ કરેલા પાત્ર તરીકે બીજી પ્રજાઓમાં ખ્રિસ્તનું નામ પ્રગટ કરીને’ જે મોટું કામ કર્યું હતું, એનો વિચાર કરવો જોઈએ. (પ્રે.કા. ૯:૩-૫, ૧૫; ૨૨:૬-૮) યહોવાએ પાઊલને બાઇબલનાં પુસ્તકો લખવાની પ્રેરણા આપી હતી. એ પુસ્તકોમાંથી આપણે કેટલો બધો લાભ મેળવી શકીએ છીએ, એનો પણ વિચાર કરવો જોઈએ.

અગાઉ પાઊલે ઘણો માન-મોભો મેળવ્યો હતો. પણ ઈશ્વરભક્ત બન્યા પછી, તેમણે એ વિશે ક્યારેય બડાઈ મારી નહિ. તેમણે પોતાના શારીરિક દેખાવ વિશે પણ કંઈ લખ્યું ન હતું. (પ્રે.કા. ૨૬:૪, ૫; ફિલિ. ૩:૪-૬) તેમણે કહ્યું હતું: “હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી.” (૧ કોરીં. ૧૫:૯) પછીથી તેમણે લખ્યું, “સર્વ પવિત્ર જનોમાં સૌથી નાનામાં નાનો હોવા છતાં, મને એ અપાર કૃપા આપવામાં આવી, જેથી ખ્રિસ્તની અખૂટ સંપત્તિની ખુશખબર હું બીજી પ્રજાઓને જાહેર કરું.” (એફે. ૩:૮) આમ જોવા મળે છે કે, પાઊલના દેખાવ કરતાં પણ વધારે મહત્ત્વનું તો તેમણે જણાવેલી ખુશખબર છે.