સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો?

માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો?

“તું કેમ મોડું કરે છે? ઊભો થા, બાપ્તિસ્મા લે.”—પ્રે.કા. ૨૨:૧૬.

ગીતો: ૭, ૧૧

૧. ઈશ્વરભક્ત માબાપ પોતાનું બાળક બાપ્તિસ્મા લે એ પહેલાં કેવી ખાતરી કરવા માંગે છે?

બ્લૉસમ બ્રાન્ત નામનાં બહેને બાપ્તિસ્મા લેવાનું વિચાર્યું ત્યારે, શું બન્યું હતું એ વિશે તેમણે જણાવ્યું: ‘મહિનાઓ સુધી હું મારાં મમ્મી-પપ્પાને કહ્યા કરતી કે મારે બાપ્તિસ્મા લેવું છે. તેઓ ઘણી વાર એ વિશે મારી સાથે વાત પણ કરતાં હતાં. પરંતુ, તેઓ ખાતરી કરવા માંગતાં હતાં કે મારા નિર્ણય વિશે હું કેટલી ગંભીર છું. આખરે એ દિવસ આવી પહોંચ્યો, ડિસેમ્બર ૩૧, ૧૯૩૪ના રોજ મેં બાપ્તિસ્મા લીધું.’ આજના ઈશ્વરભક્ત માબાપો પોતાનાં બાળકને એ મહત્ત્વનો નિર્ણય લેવા મદદ કરવા ચાહે છે. કારણ વગર બાપ્તિસ્મા લેવામાં મોડું કરવાથી બાળકોનો યહોવા સાથેનો સંબંધ જોખમમાં પડી શકે છે. (યાકૂ. ૪:૧૭) જોકે, બાળક બાપ્તિસ્મા લે એ પહેલાં સમજુ માબાપ ખાતરી કરશે કે બાળક ખ્રિસ્તનો શિષ્ય બનવા તૈયાર છે કે નહિ.

૨. (ક) અમુક સરકીટ નિરીક્ષકના ધ્યાનમાં શું આવ્યું છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

અમુક સરકીટ નિરીક્ષકના ધ્યાનમાં આવ્યું છે કે સત્યમાં ઉછરેલા કેટલાંક બાળકો મોટા થાય, અરે ૨૦-૨૨ની ઉંમરના થાય તોપણ બાપ્તિસ્મા લેતા નથી. મોટાભાગે આવા યુવાનો સભાઓમાં અને પ્રચારમાં જાય છે અને પોતાને યહોવાના સાક્ષી ગણે છે. છતાં, કોઈ કારણને લીધે તેઓએ યહોવાને સમર્પણ કર્યું હોતું નથી અને બાપ્તિસ્મા લીધું હોતું નથી. અમુક કિસ્સામાં, માબાપને એવું લાગે છે કે તેઓનું બાળક બાપ્તિસ્મા માટે હજુ તૈયાર નથી. અમુક માબાપ બીજાં કારણોને લીધે પોતાનાં બાળકોને બાપ્તિસ્મા લેવા ઉત્તેજન આપતાં નથી. ચાલો, આ લેખમાં આપણે એવાં ચાર કારણોની ચર્ચા કરીએ.

બાપ્તિસ્મા માટે શું મારા બાળકની ઉંમર યોગ્ય છે?

૩. બ્લૉસમનાં માબાપને કઈ ચિંતા સતાવતી હતી?

અગાઉ આપણે બહેન બ્લૉસમ વિશે જોઈ ગયા. તેમનાં માબાપને ચિંતા સતાવતી કે, તેમની દીકરી બાપ્તિસ્માનો અર્થ અને એ કેટલું ગંભીર છે, એ સમજે છે કે નહિ. માબાપ કઈ રીતે જાણી શકે કે તેઓનું બાળક યહોવાને સમર્પણ કરવા તૈયાર છે?

૪. ઈસુએ માથ્થી ૨૮:૧૯, ૨૦માં આપેલી આજ્ઞા આજે માબાપને કઈ રીતે મદદ કરે છે?

માથ્થી ૨૮:૧૯, ૨૦ વાંચો. બાઇબલ જણાવતું નથી કે વ્યક્તિએ કેટલી ઉંમરે બાપ્તિસ્મા લેવું જોઈએ. પરંતુ, શિષ્ય બનાવવાનો શો અર્થ થાય, એ વિશે માબાપે ઊંડો વિચાર કરવો જોઈએ. માથ્થી ૨૮:૧૯માં “શિષ્યો બનાવો” શબ્દો વાપરવામાં આવ્યા છે. એ માટેના ગ્રીક શબ્દનો અર્થ થાય કે એવો ધ્યેય રાખીને વ્યક્તિને શીખવવું કે તે વિદ્યાર્થી કે શિષ્ય બને. ઈસુની વાતો શીખે, સમજે અને તેમની આજ્ઞા પાળે, એને શિષ્ય કહેવાય. એટલે જ બાળક પારણામાં હોય ત્યારથી જ માબાપે તેને શીખવવું જોઈએ. માબાપે એવા ધ્યેય સાથે શીખવવું જોઈએ કે બાળક યહોવાને સમર્પણ કરે અને ખ્રિસ્તનો શિષ્ય બને. જોકે, એનો અર્થ એવો નથી કે બાળક પારણામાં હોય ત્યારથી જ બાપ્તિસ્માને લાયક બની જાય છે. બાઇબલ એ પણ જણાવે છે કે નાનાં બાળકો સત્ય સમજી શકે છે અને એના માટે પ્રેમ કેળવી શકે છે.

૫, ૬. (ક) બાઇબલમાં તિમોથી વિશે જે લખ્યું છે, એના પરથી તેમના બાપ્તિસ્મા વિશે શું જાણવા મળે છે? (ખ) સમજુ માબાપ બાળકને મદદ કરી શકે, એ માટે સૌથી સારી રીત કઈ છે?

તિમોથીએ નાનપણથી જ યહોવાની સેવા કરવાનો ધ્યેય રાખ્યો હતો. પ્રેરિત પાઊલે જણાવ્યું કે તિમોથીને “બાળપણથી” શાસ્ત્રનું સત્ય શીખવવામાં આવ્યું હતું. તિમોથીના પિતા યહોવાના ભક્ત ન હતા. પણ, તિમોથીનાં માતા અને નાનીએ તેમને શાસ્ત્ર માટે પ્રેમ કેળવવાનું શીખવ્યું હતું. એ કારણે, તેમની શ્રદ્ધા અડગ હતી. (૨ તિમો. ૧:૫; ૩:૧૪, ૧૫) તેથી, તે આશરે ૨૦ વર્ષના હતા ત્યારે ભક્તિમાં ખાસ જવાબદારી ઉપાડવા તૈયાર હતા.—પ્રે.કા. ૧૬:૧-૩.

બધાં બાળકો એકસરખાં હોતાં નથી. બધાં એકસરખી ઉંમરે પરિપક્વ બનતાં નથી. અમુક બાળકો સત્ય સમજે છે, સારા નિર્ણયો લે છે અને નાની ઉંમરે બાપ્તિસ્મા લેવા માંગે છે. જ્યારે કે, બીજાં બાળકોને બાપ્તિસ્માનો નિર્ણય લેવામાં થોડીવાર લાગે છે. સમજુ માબાપ પોતાનાં બાળકને બાપ્તિસ્મા લેવાનું દબાણ નહિ કરે. એને બદલે, પોતાનાં બાળકની ક્ષમતા પ્રમાણે પ્રગતિ કરવા તેઓ મદદ કરશે. નીતિવચનો ૨૭:૧૧માંથી બાળકો શીખે ત્યારે માબાપને ખુશી થાય છે. (વાંચો.) તેઓએ યાદ રાખવું જોઈએ કે તેઓનો ધ્યેય બાળકોને શિષ્ય બનવા મદદ કરવાનો છે. એ ધ્યાનમાં રાખીને માબાપ આ સવાલ પર વિચાર કરી શકે, ‘ઈશ્વરને સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવા શું મારા બાળકને પૂરતું જ્ઞાન છે?’

શું મારા બાળકને પૂરતું જ્ઞાન છે?

૭. બાપ્તિસ્મા લેતા પહેલાં શું વ્યક્તિમાં બાઇબલનું બધું જ્ઞાન હોવું જરૂરી છે? સમજાવો.

પોતાનું બાળક સત્ય સારી રીતે સમજી શકે એ માટે માબાપ તેને શીખવે છે. એ જ્ઞાનથી બાળક પોતાનું સમર્પણ ઈશ્વરને કરવા પ્રેરાશે. પણ એનો અર્થ એવો નથી કે, સમર્પણ અને બાપ્તિસ્મા પહેલાં બાઇબલની ઝીણામાં ઝીણી માહિતી બાળક જાણતું હોવું જોઈએ. ખ્રિસ્તનો દરેક શિષ્ય બાપ્તિસ્મા લીધા પછી પણ શીખતો રહે, એ ખૂબ જરૂરી છે. (કોલોસીઓ ૧:૯, ૧૦ વાંચો.) તો પછી, એક વ્યક્તિએ બાપ્તિસ્મા પહેલાં કેટલું જ્ઞાન લેવું જોઈએ?

૮, ૯. કેદખાનાના ઉપરી સાથે શું બન્યું અને તેના અનુભવ પરથી આપણે શું શીખી શકીએ?

પ્રથમ સદીના એક કુટુંબના અનુભવ પરથી આજનાં માબાપ ઘણું શીખી શકે છે. (પ્રે.કા. ૧૬:૨૫-૩૩) આશરે સાલ ૫૦માં, પાઊલ બીજી મિશનરી મુસાફરી દરમિયાન ફિલિપી શહેરમાં ગયા. ત્યાં તેમના પર અને સિલાસ પર જૂઠા આરોપો મૂકવામાં આવ્યા, તેઓની ધરપકડ થઈ અને તેઓને કેદ કરવામાં આવ્યા. રાતે એક મોટો ધરતીકંપ થયો અને કેદખાનાનાં બધાં બારણાં ખુલી ગયાં. કેદખાનાના ઉપરીને લાગ્યું કે બધા કેદીઓ ભાગી ગયા છે. એટલે, તે આપઘાત કરવાનો હતો, પણ, પાઊલે તેને રોક્યો. પાઊલ અને સિલાસે, ઉપરી અને તેના કુટુંબને ઈસુ વિશેનું સત્ય શીખવ્યું. ઈસુ વિશે જે શીખ્યા એના પર તેઓએ ભરોસો કર્યો. વધુમાં, તેઓને સમજાયું કે ઈસુની આજ્ઞા પાળવી કેટલી મહત્ત્વની છે. એટલે, તેઓએ તરત જ બાપ્તિસ્મા લીધું. એ અનુભવ પરથી આપણે શું શીખી શકીએ?

ઉપરી કદાચ નિવૃત્ત રોમન સૈનિક હશે. તેને શાસ્ત્રનું બિલકુલ જ્ઞાન ન હતું. તેથી, એક ખ્રિસ્તી બનવા તેણે શું કરવાનું હતું? શાસ્ત્રનું મૂળ જ્ઞાન લેવું, યહોવા પોતાના ભક્તો પાસેથી શું ચાહે છે એ સમજવું અને ઈસુનું શિક્ષણ પાળવું તેના માટે ખૂબ જરૂરી હતું. થોડા સમયમાં તે જે શીખ્યો એનાથી તેને બાપ્તિસ્મા લેવાની ઇચ્છા થઈ હતી. જોકે, બાપ્તિસ્મા પછી પણ તેણે વધુ શીખતા રહેવાનું હતું. તેથી, તમારું બાળક યહોવા માટેના પ્રેમને લીધે અને તેમની આજ્ઞા પાળવા માંગતું હોવાને લીધે બાપ્તિસ્મા લેવા ચાહે ત્યારે, તમે શું કરી શકો? તમે તેને વડીલોને વાત કરવાનું ઉત્તેજન આપી શકો, જેથી તેઓ નક્કી કરી શકે કે તે બાપ્તિસ્મા લેવા માટે લાયક છે કે નહિ. * બાપ્તિસ્મા પામેલા બીજા ભક્તોની જેમ, તે પણ યહોવા વિશે જીવનભર શીખતો રહેશે.—રોમ. ૧૧:૩૩, ૩૪.

મારા બાળક માટે સૌથી સારું શિક્ષણ કયું છે?

૧૦, ૧૧. (ક) અમુક માબાપો બાળકો વિશે શું વિચારે છે? (ખ) કઈ બાબત ખરેખર બાળકનું રક્ષણ કરશે?

૧૦ અમુક માબાપ વિચારે છે કે, તેમનું બાળક થોડું ઉચ્ચ શિક્ષણ મેળવે, સારી કારકિર્દી બનાવે પછી બાપ્તિસ્મા લે તો સારું રહેશે. એવાં માબાપ પોતાના બાળકનું કદાચ ભલું ઇચ્છતા હશે, પણ તેઓએ પોતાને આ સવાલો પૂછવા જોઈએ: “શું એનાથી ખરેખર અમારા બાળકને સફળ થવા મદદ મળશે? શું એ બાબતો બાઇબલમાંથી અમે જે શીખ્યા એની સુમેળમાં છે? આપણાં જીવન વિશે યહોવાની ઇચ્છા શું છે?”—સભાશિક્ષક ૧૨:૧ વાંચો.

૧૧ હંમેશાં યાદ રાખીએ કે આ દુષ્ટ દુનિયા અને એમાંની દરેક બાબતો, યહોવા જે ચાહે છે અને વિચારે છે એનાથી તદ્દન વિરુદ્ધ છે. (યાકૂ. ૪:૭, ૮; ૧ યોહા. ૨:૧૫-૧૭; ૫:૧૯) યહોવા સાથે પાકો સંબંધ હશે તો, શેતાન, દુષ્ટ દુનિયા અને એના ખોટા વિચારોથી બાળકનું રક્ષણ થશે. જો માબાપ શિક્ષણ અને સારી નોકરીને પ્રથમ સ્થાને રાખશે, તો બાળક પર એની શું અસર થશે? બાળકને કદાચ લાગશે કે યહોવા સાથેના સંબંધ કરતાં દુનિયાની બાબતો વધારે મહત્ત્વની છે. એ કેટલું જોખમી કહેવાય! પ્રેમાળ માબાપ તરીકે, શું તમે ખરેખર ચાહશો કે તમારું બાળક સુખી થવા વિશેના દુનિયાના વિચારો શીખે? સફળ થવાનો અને સાચી ખુશી મેળવવાનો એકમાત્ર રસ્તો છે, યહોવાને જીવનમાં પ્રથમ સ્થાને રાખીએ.—ગીતશાસ્ત્ર ૧:૨, ૩ વાંચો.

મારું બાળક પાપ કરી બેસે ત્યારે શું?

૧૨. શા માટે અમુક માબાપને લાગે છે કે તેઓના બાળકે મોટા થયા પછી બાપ્તિસ્મા લેવું જોઈએ?

૧૨ એક માતા ચાહતી ન હતી કે તેની દીકરી બાપ્તિસ્મા લે. એનું કારણ જણાવતા તે કહે છે કે, ‘મને એ કહેતા શરમ આવે છે પણ બાપ્તિસ્મા ન અપાવવાનું સૌથી મોટું કારણ બહિષ્કૃત થવાનો ડર હતો.’ એ બહેનની જેમ, અમુક માબાપને લાગે છે કે તેઓના બાળકે મોટા થયા પછી બાપ્તિસ્મા લેવું જોઈએ. કારણ કે તેઓનું માનવું છે કે બાળક નાની ઉંમરે અમુક ભૂલો કરી બેસે છે, જે તે મોટું થયા પછી નહિ કરે. (ઉત. ૮:૨૧; નીતિ. ૨૨:૧૫) એવાં માબાપને લાગે છે કે જો બાળકે બાપ્તિસ્મા લીધું નહિ હોય, તો તેને બહિષ્કૃત થવું નહિ પડે. પણ એવું માનવું કેમ ખોટું કહેવાય?—યાકૂ. ૧:૨૨.

૧૩. જો કોઈએ બાપ્તિસ્મા ન લીધું હોય, તો શું એનો અર્થ એવો થાય કે તે યહોવા આગળ જવાબદાર ઠરતો નથી? સમજાવો.

૧૩ ખરું કે, માબાપ ચાહશે કે બાળક પહેલા યહોવાને સમર્પણ કરવા માટે તૈયાર થાય પછી જ તે બાપ્તિસ્મા લે. પણ એવું માનવું ભૂલભરેલું છે કે બાળકે બાપ્તિસ્મા લીધું નહિ હોય તો, તેણે પોતાનાં કાર્યો માટે યહોવાને હિસાબ આપવો નહિ પડે. ધ્યાન આપો, બાળકે બાપ્તિસ્મા લીધું હોય કે ન લીધું હોય, પણ ખરાં-ખોટાં વિશેનાં યહોવાનાં ધોરણો તેને ખબર હશે તો, તે યહોવા આગળ જવાબદાર ઠરશે. (યાકૂબ ૪:૧૭ વાંચો.) સમજુ માબાપ પોતાના બાળકને બાપ્તિસ્મા લેતા રોકશે નહિ. ભલે બાળક નાનું હોય, તોપણ તેઓ તેને ખરાં-ખોટાં વિશેનાં યહોવાનાં ધોરણો પાળવાનું શીખવશે. (લુક ૬:૪૦) યહોવાનાં ધોરણો માટે કદર હોવાથી બાળક એ ધોરણોને વળગી રહેવા દિલથી પ્રેરાશે. આમ, તે ગંભીર પાપ કરવાથી બચી શકશે.—યશા. ૩૫:૮.

બીજાઓ પણ મદદ કરી શકે

૧૪. વડીલો માબાપને કઈ રીતે મદદ કરી શકે?

૧૪ વડીલો પણ માબાપને મદદ કરી શકે. તેઓ યહોવાની સેવામાં ધ્યેય રાખવા વિશે બાળકોને ઉત્તેજન આપી શકે. એક બહેન છ વર્ષનાં હતાં ત્યારે, ભાઈ રસેલે તેમની સાથે કરેલી વાત તેમને હજુ પણ યાદ છે. તે કહે છે, ‘ભક્તિને લગતા મારા ધ્યેયો વિશે ભાઈએ ૧૫ મિનિટ સુધી મારી સાથે વાત કરી હતી.’ એનું શું પરિણામ આવ્યું? પછીથી, બહેન પાયોનિયર બન્યાં અને ૭૦થી પણ વધુ વર્ષો પાયોનિયર તરીકે સેવા આપી! એ તો સ્પષ્ટ છે કે, યોગ્ય શબ્દો અને ઉત્તેજનથી વ્યક્તિનું આખું જીવન બદલાય શકે છે. (નીતિ. ૨૫:૧૧) પ્રાર્થનાઘરના અમુક કામ માટે વડીલો માબાપો અને બાળકોને બોલાવી શકે. બાળકોની ઉંમર અને ક્ષમતા પ્રમાણે તેઓને કામ સોંપી શકે.

૧૫. મંડળનાં ભાઈ-બહેનો બાળકોને કેવી રીતે મદદ કરી શકે?

૧૫ મંડળનાં બીજાં ભાઈ-બહેનો કેવી રીતે મદદ કરી શકે? તેઓ યુવાનોમાં રસ લઈ શકે. દાખલા તરીકે, તમે ધ્યાન આપી શકો કે, બાળક યહોવાની નજીક આવી રહ્યું છે કે નહિ. શું તે સભામાં સારો જવાબ આપે છે? શું તે અઠવાડિયા દરમિયાન થતી સભામાં ભાગ લે છે? શું તે શાળામાં સાક્ષી આપે છે? ખોટું કરવાની લાલચ આવે ત્યારે શું તે ખરાં ધોરણોને વળગી રહે છે? જો તે એમ કરતું હોય, તો તેને શાબાશી આપવામાં મોડું કરશો નહિ! આપણે ધ્યેય બાંધી શકીએ કે, સભા પહેલાં અને પછી, યુવાનો સાથે વાત કરવા સમય કાઢીશું. જો એમ કરીશું, તો બાળકો પોતાને ‘મહા મંડળીનો’ ભાગ ગણશે.—ગીત. ૩૫:૧૮.

બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા તમારાં બાળકોને મદદ કરો

૧૬, ૧૭. (ક) બાળકોએ બાપ્તિસ્મા લેવું શા માટે મહત્ત્વનું છે? (ખ) માબાપ કેવો આનંદ મેળવી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૬ યહોવા માટે પ્રેમ કેળવવાનું બાળકોને શીખવવું, એ માબાપ માટે એક મોટો લહાવો છે. (એફે. ૬:૪; ગીત. ૧૨૭:૩) પ્રાચીન ઇઝરાયેલમાં, બાળક જન્મે ત્યારે તે યહોવાને સમર્પિત કરાતું હતું. પણ, આજે એવું નથી. માબાપને યહોવા અને સત્ય માટે પ્રેમ હોય, એટલે જરૂરી નથી કે બાળકને પણ હોય. બાળક જન્મે ત્યારથી જ માબાપ ધ્યેય બાંધી શકે કે તેઓ બાળકને ખ્રિસ્તના શિષ્ય બનવા, ઈશ્વરને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવા મદદ કરશે. એનાથી વધારે મહત્ત્વનું શું હોય શકે? વ્યક્તિને મહાન વિપત્તિમાંથી બચવા સમર્પણ, બાપ્તિસ્મા અને યહોવાની વફાદારીથી કરેલી ભક્તિ મદદ કરશે.—માથ. ૨૪:૧૩.

માબાપે ધ્યેય રાખવો જોઈએ કે, તેઓ બાળકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરશે (ફકરા ૧૬, ૧૭ જુઓ)

૧૭ બ્લૉસમ બહેન બાપ્તિસ્મા લેવા ચાહતાં હતાં ત્યારે, તેમનાં માબાપ ખાતરી કરવા માંગતાં હતાં કે તે તૈયાર છે કે નહિ. ખાતરી થઈ ગયા પછી તેઓએ બહેનનાં નિર્ણયને ટેકો આપ્યો. બાપ્તિસ્માની આગલી રાતે તેમનાં પિતાએ શું કર્યું, એ વિશે બહેન જણાવે છે: ‘તેમણે અમને બધાને ઘૂંટણે પડવા કહ્યું. પછી, તેમણે પ્રાર્થના કરાવી. તેમણે યહોવા ઈશ્વરને જણાવ્યું કે પોતાની નાની દીકરીએ જીવન સમર્પણ કરવાનો નિર્ણય લીધો છે, એનાથી તે ઘણા ખુશ છે.’ ૬૦ કરતાં વધુ વર્ષો પછી, બ્લૉસમ બહેને જણાવ્યું: ‘સાચું કહું, એ રાત હું ક્યારેય ભૂલીશ નહિ!’ માબાપો, તમારાં બાળકો સમર્પણ અને બાપ્તિસ્મા લઈને યહોવાના ભક્તો બનશે ત્યારે, તમને પણ એવો જ આનંદ અને સંતોષ મળશે.

^ ફકરો. 9 પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) ગ્રંથ ૨, પાન ૩૦૪-૩૧૦ પર આપેલી માહિતીની માબાપ પોતાનાં બાળક સાથે ચર્ચા કરી શકે. એપ્રિલ ૨૦૧૧ આપણી રાજ્ય સેવાના પાન ૨ પર આપેલા “સવાલ-જવાબ” બૉક્સ પણ જોઈ શકે.