સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ’

‘શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ’

‘દીકરાઓ, શિસ્ત પર ધ્યાન આપો અને જ્ઞાની થાઓ.’—નીતિ. ૮:૩૨, ૩૩, NW.

ગીતો: ૩૪,

૧. કઈ રીતે આપણે ડહાપણ મેળવી શકીએ અને એનાથી આપણને કેવી મદદ મળશે?

ડહાપણ યહોવા તરફથી મળે છે અને લોકોને તે ઉદારતાથી ડહાપણ આપે છે. આપણે યાકૂબ ૧:૫માં વાંચીએ છીએ કે: ‘તમારામાંથી કોઈનામાં ડહાપણની કમી હોય તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું, કારણ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને જે કોઈ માંગે છે તેને ઠપકો આપતા નથી.’ ડહાપણ મેળવવાની એક રીત છે કે આપણે ઈશ્વરની શિસ્ત સ્વીકારીએ. એમ કરીશું તો, આપણને ખોટી બાબતોથી દૂર રહેવા અને યહોવાની નજીક રહેવા મદદ મળશે. (નીતિ. ૨:૧૦-૧૨) વધુમાં, આપણી પાસે હંમેશ માટે જીવવાની સુંદર આશા હશે.—યહુ. ૨૧.

૨. યહોવા તરફથી મળતી શિસ્ત માટે કદર બતાવવાનું આપણે કઈ રીતે શીખી શકીએ?

અપૂર્ણ હોવાને લીધે અથવા આપણા ઉછેરને લીધે અમુક વાર શિસ્ત સ્વીકારવી કે એના પ્રત્યે યોગ્ય દૃષ્ટિ રાખવી આપણા માટે અઘરું હોય છે. પણ જ્યારે યહોવાની શિસ્તથી થતા ફાયદાઓનો આપણે અનુભવ કરીશું, ત્યારે સમજી શકીશું કે તે આપણને કેટલો પ્રેમ કરે છે. નીતિવચનો ૩:૧૧, ૧૨ જણાવે છે: ‘મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ; કેમ કે યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે.’ આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણા માટે સૌથી સારું ઇચ્છે છે. (હિબ્રૂઓ ૧૨:૫-૧૧ વાંચો.) ઈશ્વર આપણને ખૂબ જ સારી રીતે ઓળખે છે. એટલે, તેમની શિસ્ત વાજબી અને યોગ્ય પ્રમાણમાં હોય છે. આ લેખમાં આપણે શિસ્તનાં ચાર પાસાંઓ વિશે ચર્ચા કરીશું: (૧) પોતાને શિસ્ત આપવી, (૨) બાળકોને માબાપ તરફથી મળતી શિસ્ત, (૩) મંડળ તરફથી મળતી શિસ્ત અને (૪) શિસ્ત ન સ્વીકારવાથી આવતાં ખરાબ પરિણામો.

પોતાને શિસ્ત આપીને આપણે સમજુ સાબિત થઈએ છીએ

૩. બાળક કઈ રીતે પોતાને શિસ્ત આપવાનું શીખી શકે? દાખલો આપો.

જો આપણે પોતાને શિસ્ત આપતા હોઈશું, તો આપણાં વર્તન અને વિચારો પર કાબૂ રાખી શકીશું. પોતાને શિસ્ત આપવી એ આપમેળે આવી જતું નથી, પણ આપણે એ પોતાને શીખવવું પડે છે. દાખલા તરીકે, જ્યારે એક બાળક સાયકલ ચલાવવાનું શીખે, ત્યારે તેના મમ્મી કે પપ્પા સાયકલને પકડી રાખે છે. બાળક થોડું થોડું શીખી જાય ત્યારે, મમ્મી કે પપ્પા જરાક વાર માટે સાયકલ છોડી દે છે. પણ, જ્યારે તેઓને ખાતરી થઈ જાય કે બાળકને સાયકલ ચલાવતા બરાબર આવડી ગયું છે, ત્યારે તેઓ સાયકલ પકડી રાખતા નથી. એવી જ રીતે, યહોવાની ઇચ્છા પ્રમાણે માબાપ બાળકોને “શિસ્ત અને શિખામણ” આપીને ઉછેરે છે ત્યારે, બાળકને મદદ મળે છે. આમ, પોતાને શિસ્ત આપવાનું અને ડહાપણ કેળવવાનું બાળક પોતે શીખી શકે છે.—એફે. ૬:૪.

૪, ૫. (ક) પોતાને શિસ્ત આપવી શા માટે ‘નવા સ્વભાવનો’ એક મહત્ત્વનો ભાગ છે? (ખ) ભૂલો કરીએ ત્યારે આપણે શા માટે નિરાશ ન થવું જોઈએ?

જેઓને મોટી ઉંમરે યહોવા વિશે શીખવા મળ્યું છે, તેઓને પણ એ વાત લાગુ પડે છે. ભલે અમુક હદે પોતાને શિસ્ત આપવાનું તેઓ શીખ્યા હોય શકે, પણ તેઓ હજુ ભક્તિમાં દૃઢ બન્યા નથી. પરંતુ, જ્યારે તેઓ “નવો સ્વભાવ” પહેરવાનું શરૂ કરે છે અને ખ્રિસ્ત જેવા બનવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ ભક્તિમાં વધુ દૃઢ બને છે. (એફે. ૪:૨૩, ૨૪) પોતાને શિસ્ત આપવાથી એ શીખવા મદદ મળે છે કે આપણે “ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતો અને દુનિયાની ઇચ્છાઓનો ત્યાગ કરીએ. તેમ જ, આ દુનિયામાં સમજુ વ્યક્તિને શોભે એ રીતે, ખરા માર્ગે ચાલીએ અને ભક્તિભાવથી જીવીએ.”—તિત. ૨:૧૨.

જોકે, આપણે બધા પાપી છીએ. (સભા. ૭:૨૦) એટલે, જો આપણે ભૂલ કરીએ, તો શું એનો એવો અર્થ થાય કે આપણે પોતાને બિલકુલ શિસ્ત આપી નથી? ના, એવું નથી! આપણે નીતિવચનો ૨૪:૧૬માં વાંચીએ છીએ કે, ‘નેક માણસ સાતવાર પડીને પણ પાછો ઊઠે છે.’ આપણને ‘પાછા ઊઠવા’ શું મદદ કરી શકે? આપણે પોતાની શક્તિથી નહિ, પણ ઈશ્વરની પવિત્ર શક્તિથી એમ કરી શકીએ છીએ. (ફિલિપીઓ ૪:૧૩ વાંચો.) પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણમાં સંયમનો પણ સમાવેશ થાય છે. સંયમનો ગુણ અને પોતાને શિસ્ત આપવું એમાં ઘણી સમાનતા છે.

૬. આપણે કઈ રીતે બાઇબલના સારા વિદ્યાર્થી બની શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

પ્રાર્થના, બાઇબલનો અભ્યાસ અને એના પર મનન કરવાથી પણ પોતાને શિસ્ત આપવા મદદ મળશે. પણ જો બાઇબલનો અભ્યાસ કરવો, તમને અઘરું લાગતું હોય કે ગમતું ન હોય તો શું? હિંમત હારશો નહિ, યહોવા તમને બાઇબલ માટે ‘ઝંખના રાખવા’ મદદ કરશે. (૧ પીત. ૨:૨) પોતાને શિસ્ત આપવા યહોવા પાસે મદદ માંગો, જેથી તમે બાઇબલનો અભ્યાસ કરવા સમય કાઢી શકો. શરૂઆતમાં કદાચ તમે થોડી મિનિટો માટે અભ્યાસ કરી શકો. ધીરે ધીરે, એ તમારા માટે સહેલું અને મજેદાર બનતું જશે. યહોવાના કીમતી વિચારોમાં મન પરોવેલું રાખશો તો, એ પળોનો તમે આનંદ માણી શકશો.—૧ તિમો. ૪:૧૫.

૭. પોતાને શિસ્ત આપવાથી ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા કઈ રીતે મદદ મળી શકે?

પોતાને શિસ્ત આપવાથી ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા મદદ મળશે. એ માટે ચાલો એક દાખલો જોઈએ. એક પિતાને લાગ્યું કે તેમનો ઉત્સાહ ઠંડો પડી રહ્યો છે, એટલે તેમણે નિયમિત પાયોનિયર બનવાનો ધ્યેય બાંધ્યો. પોતાને શિસ્ત આપવાથી તેમને કઈ રીતે મદદ મળી? આપણાં સાહિત્યમાં પાયોનિયરીંગ વિશેના લેખો તેમણે વાંચ્યા અને એના માટે પ્રાર્થના કરી. આમ કરવાથી, યહોવા સાથેનો તેમનો સંબંધ મજબૂત થયો અને પાયોનિયર બનવાની તેમની ઇચ્છા વધારે મક્કમ બની. શક્ય હોય ત્યારે તે સહાયક પાયોનિયરીંગ પણ કરતા. એની આડે તેમણે કંઈ પણ આવવા દીધું નહિ. એને બદલે, તેમણે પૂરું ધ્યાન પોતાના ધ્યેય પર લગાવી દીધું. થોડા સમય પછી, તે નિયમિત પાયોનિયર બન્યા.

તમારાં બાળકોને યહોવાની શિસ્તમાં ઉછેરો

બાળકને જન્મથી જ ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખતા આવડતું નથી એટલે તેઓને તાલીમ આપવી પડે છે (ફકરો ૮ જુઓ)

૮-૧૦. બાળકોને યહોવાની ભક્તિમાં ઉછેરવા માતા-પિતાને શાનાથી મદદ મળી શકે? દાખલો આપો.

યહોવાએ માતા-પિતાને જવાબદારી સોંપી છે કે તેઓ પોતાનાં બાળકોને ‘યહોવાની શિસ્ત અને શિખામણમાં ઉછેરતાં જાય.’ (એફે. ૬:૪) આ દુનિયામાં એમ કરવું ઘણું અઘરું છે. (૨ તિમો. ૩:૧-૫) બાળકોને જન્મથી જ ખરા-ખોટા વચ્ચેનો ભેદ પારખતા આવડતું નથી અને તેઓનું અંતઃકરણ કેળવાયેલું હોતું નથી. એટલે એને કેળવવા તેઓને શિસ્તની જરૂર પડે છે. (રોમ. ૨:૧૪, ૧૫) બાઇબલના એક વિદ્વાને જણાવ્યું કે “શિસ્ત” માટેના મૂળ ગ્રીક શબ્દનો એક અર્થ “બાળકને કેળવવું” કે બાળક જવાબદાર વ્યક્તિ બને, એ રીતે તેનો ઉછેર કરવો પણ થાય છે.

માતા-પિતા પોતાનાં બાળકોને પ્રેમથી શિસ્ત આપે ત્યારે, તેઓ સલામતી અનુભવે છે. તેઓને શીખવા મળે છે કે આઝાદીની પણ એક હદ હોય છે. વધુમાં, તેઓ જીવનમાં જે કંઈ કરશે એનાં પરિણામો તેઓએ ભોગવવાં પડશે. એટલે, ઈશ્વરભક્ત માતા-પિતા માટે ખૂબ જરૂરી છે કે બાળકોના ઉછેર માટે તેઓ યહોવાના ડહાપણ પર આધાર રાખે. બાળકોને ઉછેરવા વિશે દરેક સમાજના લોકોના વિચારો જુદા હોય છે. તેમજ, એ વિચારો પેઢી દર પેઢી બદલાતા રહે છે. જોકે, ઈશ્વરના ડહાપણ પર આધાર રાખનારા માતા-પિતા બાળકોનાં ઉછેર વિશે તુક્કા નહિ મારે કે પછી પોતાની બુદ્ધિ અથવા પોતાના અનુભવ પર આધાર નહિ રાખે.

૧૦ આપણે નુહના દાખલામાંથી શીખી શકીએ છીએ. યહોવાએ વહાણ બનાવવાનું કામ સોંપ્યું ત્યારે, નુહને એ બનાવતા આવડતું ન હતું. એ માટે તેમણે યહોવા પર આધાર રાખવાનો હતો. બાઇબલ જણાવે છે કે “નુહે એમ જ કર્યું” એટલે કે, યહોવાએ તેમને જે કહ્યું એવું જ કર્યું. (ઉત. ૬:૨૨) એનું શું પરિણામ આવ્યું? એ વહાણને લીધે તે અને તેમનું કુટુંબ બચી ગયાં! નુહે સફળતાથી પિતાની ભૂમિકા નિભાવી હતી. એ કઈ રીતે કહી શકાય? કેમ કે તેમણે યહોવાના ડહાપણ પર ભરોસો રાખ્યો હતો. નુહે પોતાનાં બાળકોને સારી બાબતો શીખવી હતી અને તેઓ માટે એક સારો દાખલો બેસાડ્યો હતો. જળપ્રલય પહેલાંની એ દુષ્ટ દુનિયામાં એમ કરવું કંઈ નાનીસૂની વાત ન હતી.—ઉત. ૬:૫.

૧૧. બાળકોને તાલીમ આપવા માતા-પિતાએ શા માટે તનતોડ મહેનત કરવી જોઈએ?

૧૧ માબાપો, તમે પણ કઈ રીતે “એમ જ” કરી શકો? યહોવાનું સાંભળો. બાળકોના ઉછેર માટે તેમની મદદ સ્વીકારો. તેમના શબ્દ બાઇબલ અને તેમના સંગઠન દ્વારા મળતી સલાહ સ્વીકારો. સમય જતાં, સારો ઉછેર કરવા બદલ બાળકો તમારો આભાર માનશે! એક ભાઈએ લખ્યું: ‘માતા-પિતાએ જે રીતે મારો ઉછેર કર્યો, એ માટે મારું દિલ કદરથી ઉભરાય જાય છે. તેઓએ મારા દિલ સુધી પહોંચવા બનતું બધું જ કર્યું છે.’ તેમણે કહ્યું કે માતા-પિતાની મદદથી તે યહોવાની નજીક જઈ શક્યા છે. ભલે માબાપે બાળકને શીખવવા માટે બનતું બધું જ કર્યું હોય, તેમ છતાં બની શકે કે બાળક યહોવાને છોડી દે. પણ પોતાનાથી બનતું બધું કરનાર માતા-પિતા સાફ અંતઃકરણ રાખી શકે છે અને આશા રાખી શકે કે એક દિવસ બાળક યહોવા પાસે પાછું ફરશે.

૧૨, ૧૩. (ક) બાળક બહિષ્કૃત થાય, તોપણ માબાપ કઈ રીતે ઈશ્વરની આજ્ઞા પાળી શકે? (ખ) માતા-પિતાએ યહોવાની આજ્ઞા પાળી એનાથી એક કુટુંબને કઈ રીતે ફાયદો થયો?

૧૨ બાળક બહિષ્કૃત થાય ત્યારે, અમુક માબાપ માટે યહોવાની આજ્ઞા પાળવી સૌથી અઘરું થઈ પડે છે. એક બહેનની દીકરી બહિષ્કૃત થઈ ત્યારે તે ઘર છોડીને જતી રહી. બહેન જણાવે છે: ‘મારી દીકરી અને પૌત્રી સાથે સમય વિતાવી શકું, એ માટે હું આપણાં સાહિત્યમાંથી છટકબારીઓ શોધતી હતી.’ પણ તેમના પતિએ પ્રેમાળ રીતે એ સમજવા મદદ કરી કે દીકરી માટે હવે તેઓ જવાબદાર નથી. એને બદલે, તેઓએ યહોવાને વફાદાર રહેવાની જરૂર છે.

૧૩ અમુક વર્ષો પછી, તેમની દીકરીને મંડળમાં પાછી લેવામાં આવી. માતા કહે છે: ‘હવે તે મને દરરોજ ફોન કે મૅસેજ કરે છે. તે મને અને તેના પિતાને ઊંડું માન આપે છે, કેમ કે તે જાણે છે કે અમે યહોવાની આજ્ઞા પાળી હતી. હવે અમારી વચ્ચે ગાઢ સંબંધ છે.’ જો તમારો દીકરો કે દીકરી બહિષ્કૃત થયા હોય, તો શું તમે ‘ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખશો’? શું તમે યહોવાને બતાવશો કે ‘તમારી પોતાની જ અક્કલ પર આધાર રાખતા નથી’? (નીતિ. ૩:૫, ૬) યાદ રાખો કે, યહોવાની શિસ્તથી જોવા મળે છે કે તે કેટલા જ્ઞાની છે અને તે આપણને કેટલો પ્રેમ કરે છે. કદી ભૂલશો નહિ કે યહોવાએ પોતાના દીકરાને આખી માણસજાત માટે આપી દીધા, તમારા દીકરા કે દીકરી માટે પણ. યહોવા ચાહે છે કે બધાને હંમેશાંનું જીવન મળે. (૨ પીતર ૩:૯ વાંચો.) તો માબાપો, હંમેશાં ભરોસો રાખો કે યહોવાની શિસ્ત અને માર્ગદર્શન ખરાં છે, પછી ભલે તેમની આજ્ઞા પાળવી અઘરી લાગે. યહોવાની શિસ્ત સ્વીકારો અને એની વિરુદ્ધ ન જાઓ.

મંડળ તરફથી મળતી શિસ્ત

૧૪. “વિશ્વાસુ કારભારી” દ્વારા મળતા યહોવાનાં સૂચનોથી આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ?

૧૪ યહોવાએ વચન આપ્યું છે કે પોતે મંડળને સંભાળશે, રક્ષણ આપશે અને શીખવશે. તે ઘણી રીતોએ એમ કરે છે. દાખલા તરીકે, તેમણે પોતાના દીકરાને મંડળની સંભાળ લેવા માટે નીમ્યા છે. ઈસુએ “વિશ્વાસુ કારભારી” નીમ્યા છે, જેથી આપણી શ્રદ્ધા ટકાવી રાખવા તેઓ ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે. (લુક ૧૨:૪૨) એ “કારભારી” આપણને કીમતી સલાહ-સૂચનો અને શિસ્ત પૂરાં પાડે છે. શું તમને કોઈ પ્રવચનથી કે કોઈ લેખથી પોતાનાં વિચારો કે કાર્યોમાં ફેરફાર કરવા મદદ મળી છે? જો તમે એવા ફેરફારો કર્યા હોય, તો તમારે ખુશ થવું જોઈએ. કારણ કે એમ કરવાથી તમે પોતાને યહોવાના હાથે ઘડાવા દો છો, એટલે કે તેમની શિસ્ત સ્વીકારો છો, જેનાથી તમારું જ ભલું થશે.—નીતિ. ૨:૧-૫.

૧૫, ૧૬. (ક) વડીલોના કામથી આપણને કઈ રીતે લાભ થઈ શકે? (ખ) વડીલો પોતાનું કામ સહેલાઈથી કરે એ માટે આપણે શું કરી શકીએ?

૧૫ ઈસુએ મંડળની પ્રેમાળ રીતે સંભાળ રાખવા વડીલોને પણ જવાબદારી સોંપી છે. બાઇબલ આ ‘માણસોને ભેટ તરીકે’ ગણે છે. (એફે. ૪:૮, ૧૧-૧૩) વડીલોનાં કામથી આપણને કઈ રીતે લાભ થઈ શકે? આપણે તેઓની શ્રદ્ધા અને સારા ઉદાહરણને અનુસરી શકીએ. તેમ જ, તેઓ બાઇબલમાંથી જે સલાહ આપે, એને સ્વીકારીએ. (હિબ્રૂઓ ૧૩:૭, ૧૭ વાંચો.) વડીલો આપણને પ્રેમ કરે છે અને તેઓ ચાહે છે કે આપણે ઈશ્વરની નજીક જઈએ. જો તેઓના ધ્યાનમાં આવે કે આપણે સભાઓ ચૂકીએ છીએ અથવા આપણો ઉત્સાહ ઠંડો પડી રહ્યો છે, તો તરત તેઓ આપણી મદદે દોડી આવે છે. તેઓ આપણું સાંભળશે અને પછી બાઇબલમાંથી પ્રેમાળ રીતે ઉત્તેજન અને સારી સલાહ આપશે. શું એ મદદમાં તમે યહોવાના પ્રેમનો પુરાવો જોઈ શકો છો?

૧૬ યાદ રાખીએ કે, આપણને સલાહ આપવી વડીલો માટે પણ સહેલું નહિ હોય. દાખલા તરીકે, દાઊદ રાજાએ પોતાના ગંભીર પાપને છુપાવવાની કોશિશ કરી ત્યારે, નાથાન પ્રબોધકે તેમને જઈને એ વિશે જણાવવાનું હતું. તમે કલ્પના કરી શકો કે નાથાન પ્રબોધકને એ સમયે કેવું લાગ્યું હશે! (૨ શમૂ. ૧૨:૧-૧૪) એવી જ રીતે, પીતરને સલાહ આપતી વખતે પ્રેરિત પાઊલને કેવું લાગ્યું હશે, એનો વિચાર કરો. પીતર બાર પ્રેરિતોમાંના એક હતા. પીતર યહુદી ખ્રિસ્તીઓ સાથે સારો વ્યવહાર રાખતા હતા. પણ, બિનયહુદી ખ્રિસ્તીઓ સાથે એવો વ્યવહાર રાખતા ન હતા. પીતરને સલાહ આપવા માટે પાઊલે કેટલી હિંમત ભેગી કરવી પડી હશે. (ગલા. ૨:૧૧-૧૪) તો પછી, તમને સલાહ આપવી વડીલો માટે સહેલું બને એ માટે તમે શું કરી શકો? આભાર માનો, નમ્રતા કેળવો અને મળતાવડા બનો, જેથી તેઓ તમારી સાથે સહેલાઈથી વાત કરી શકે. તેઓની મદદને યહોવાના પ્રેમના પુરાવા તરીકે જુઓ. તમને એનાથી ફાયદો થશે અને વડીલો પણ પોતાનું કામ દિલથી કરી શકશે.

૧૭. વડીલોએ કઈ રીતે એક બહેનને મદદ કરી?

૧૭ એક બહેન કહે છે કે, અગાઉ બનેલી ઘટનાઓને લીધે તેમના માટે યહોવાને પ્રેમ કરવું ઘણું અઘરું થઈ ગયું હતું. ઉપરાંત, તે ઘણા નિરાશ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું: ‘હું જાણતી હતી કે મારે વડીલો સાથે વાત કરવી જોઈએ. એટલે હું તેઓને મળી ત્યારે, તેઓએ મને ઠપકો આપ્યો નહિ કે પછી મારી ટીકા કરી નહિ. પણ તેઓએ તો મારો ઉત્સાહ વધાર્યો અને મને હિંમત આપી. તેઓ ગમે એટલા વ્યસ્ત કેમ ન હોય તોપણ, દરેક સભા પછી તેઓમાંથી એકાદ તો ચોક્કસ મારી ખબરઅંતર પૂછતા. મારાં અગાઉનાં કાર્યોને લીધે, પોતાને યહોવાના પ્રેમને લાયક ગણવું મારા માટે અઘરું હતું. જોકે, સમયે સમયે યહોવાએ મંડળ અને વડીલો દ્વારા મને તેમના પ્રેમનો પુરાવો આપ્યો છે. હું પ્રાર્થના કરું છું કે તેમનાથી ક્યારેય દૂર નહિ થાઉં.’

શિસ્ત ન સ્વીકારવાથી આવતાં ખરાબ પરિણામો

૧૮, ૧૯. શિસ્ત ન સ્વીકારવાથી શું થાય છે? દાખલો આપો.

૧૮ શિસ્ત મળે ત્યારે આપણને દુઃખ થઈ શકે છે. પરંતુ, યહોવાની શિસ્ત ન સ્વીકારવાથી ખરાબ પરિણામો ભોગવવાં પડે છે, જેનાથી વધારે દુઃખી થવાય છે. (હિબ્રૂ. ૧૨:૧૧) આપણે કાઈન અને રાજા સિદકીયાહના ખરાબ દાખલામાંથી શીખી શકીએ છીએ. કાઈન પોતાના ભાઈને ધિક્કારતો હતો અને તેને મારી નાખવા ચાહતો હતો. જ્યારે યહોવાએ એ જોયું, ત્યારે તેમણે કાઈનને ચેતવણી આપી: “તને કેમ રોષ ચઢ્યો છે? અને તારું મોં કેમ ઊતરી ગયું છે? જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે; અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.” (ઉત. ૪:૬, ૭) કાઈને યહોવાની શિસ્ત સ્વીકારી નહિ, પોતાના ભાઈનું ખૂન કર્યું અને બાકીનું જીવન તેણે ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં. (ઉત. ૪:૧૧, ૧૨) જો કાઈને યહોવાનું સાંભળ્યું હોત, તો તેણે આટલું બધું દુઃખ સહેવું ન પડ્યું હોત.

૧૯ સિદકીયાહ એક નબળો અને દુષ્ટ રાજા હતો. તેના રાજ દરમિયાન, યરૂશાલેમના લોકો કપરા સંજોગોમાં જીવતા હતા. પ્રબોધક યિર્મેયાએ તેને વારંવાર ચેતવ્યો હતો કે તેણે પોતાના જીવનમાં ફેરફાર કરવાની જરૂર છે. પરંતુ, રાજાએ યહોવાની શિસ્ત સ્વીકારી નહિ અને એનાં ખરાબ પરિણામો આવ્યાં. (યિર્મે. ૫૨:૮-૧૧) યહોવા નથી ચાહતા કે આપણે એવું બિનજરૂરી દુઃખ સહન કરીએ!—યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો.

૨૦. યહોવાની શિસ્ત જેઓ સ્વીકારે છે અને જેઓ સ્વીકારતા નથી, તેઓનું શું થશે?

૨૦ આજની દુનિયામાં ઘણા લોકો ઈશ્વરની શિસ્તની મજાક ઉડાવે છે અને એની તરફ આંખ આડા કાન કરે છે. પણ જેઓ ઈશ્વરની શિસ્ત સ્વીકારતા નથી, તેઓએ જલદી જ એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડશે. (નીતિ. ૧:૨૪-૩૧) તો ચાલો, આપણે ‘શિખામણ સાંભળીને જ્ઞાની થઈએ.’ નીતિવચનો ૪:૧૩ કહે છે એ પ્રમાણે, ‘શિખામણને મજબૂત પકડી રાખીએ; એને છોડીએ નહિ; એને સંઘરી રાખીએ; કેમ કે એ આપણું જીવન છે.’